તેજીવાળાઓ હાવી રહેતાં બીજા સત્રમાં મજબૂતી જળવાય
નિફ્ટીએ 18100 અને સેન્સેક્સે 61 હજારનું સ્તર પાર કર્યું
ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 14.37ની સપાટીએ
મેટલ, પીએસઈ, બેંકિંગ, ફાર્મા, આઈટી, એફએમસીજીમાં મજબૂતી
પીએસયૂ બેંક, ઓટોમાં નરમાઈ
HDFC ટ્વિન્સમાં મજબૂતી
લાર્સન, આઈડીએફસી નવી ઊંચાઈએ
નાયકા, ક્વેસ કોર્પ, નેટકો ફાર્મામાં નવા તળિયા
યુએસ શેરબજારમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે સતત બીજા દિવસે મજબૂતી જાળવી રાખી હતી. જેમાં બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 390 પોઈન્ટ્સ ઉછલી 61046ની સપાટીએ જ્યારે નિફ્ટી 112 પોઈન્ટ્સ સુધારે 18165ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં મજબૂત ખરીદી પાછળ નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 38 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 12 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3649 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1953 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1559 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 119 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 49 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ થયાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.51 ટકાના ઘટાડે 14.37ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ શરૂની પાંચ મિનિટ્સમાં ઈન્ટ્રા-ડે લો બનાવી દિવસ દરમિયાન સુધારો જાળવી રાખ્યો હતો. માર્કેટે બંધ થવાના કલાક અગાઉ 18184ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી અને તેની નજીક જ બંધ દર્શાવ્યું હતું. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 39 પોઈન્ટસ પ્રિમીયમ સાથે 18204ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ભાવ સમાન જ હતું આમ બજારમાં કોઈ મોટી લોંગ પોઝીશનનો ઉમેરો જોવા નહોતો મળ્યો. માર્કેટમાં સોમવારની સરખામણીમાં વોલ્યુમ પણ નીચા હતાં. જોકે નિફ્ટી 18060ના અવરોધને પાર કરવામાં સફળ રહ્યો હતો. હવે તેના માટે 18200-18250ની રેંજમાં અવરોધ છે. જે પાર કરવો થોડો અઘરો બની શકે છે. છેલ્લાં બે સત્રોમાં બેન્ચમાર્ક્સને અન્ડરપર્ફોર્મર્સ લાર્જ-કેપ્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે આગામી સમયગાળામાં સપોર્ટ કરવામાં કોણ આગળ આવે છે તે જોવાનું રહેશે. બુધવારે નિફ્ટી કાઉન્ટર્સમાં લાર્સન, હિંદુસ્તાન યુનિલીવર અને ટીસીએસ ઉપરાંત એચડીએફસી બંધુઓમાં ખરીદી જોવા મળી હતી. તે ઉપરાંત મેટલ શેર્સમાં હિંદાલ્કો અને તાતા સ્ટીલે તથા પીએસયૂ કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયાએ સપોર્ટ આપ્યો હતો. આનાથી ઊલટું તાતા મોટર્સ 1.66 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. તે ઉપરાંત એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, બીપીસીએલ અને નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, ફાર્મા, પીએસઈ, બેંકિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.65 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 6920ની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. ઈન્ડેક્સને સપોર્ટ કરનાર ઘટકોમાં 4 ટકા સાથે સેઈલ ટોચ પર હતો. આ ઉપરાંત હિંદુસ્તાન ઝીંક, હિંદાલ્કો, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, વેદાંત, કોલ ઈન્ડિયા અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ 0.71 ટકા સુધર્યો હતો. જેમાં ઓઈલ ઈન્ડિયા, એનએચપીસી, એનએમડીસી, કોન્કોર, ભેલ, પીએફસી, એનટીપીસી અને ઓએનજીસીમાં એક ટકાથી વધુ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ 0.8 ટકા સુધર્યો હતો. જેમાં એચડીએફસીનું યોગદાન 1.8 ટકા સુધારા સાથે મુખ્ય હતું. ઉપરાંત એચડીએફસી બેંક, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઝાયડસ લાઈફ 2.8 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ, સન ફાર્મા અને ડો. રેડ્ડીઝ લેબ્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 0.53 ટકા સુધારે પોઝીટીવ જળવાયો હતો. જેમાં એચડીએફસી બેંક ઉપરાંત એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી, બંને 0.4 ટકા સુધારે બંધ રહ્યાં હતાં. જેમાં હિંદુસ્તાન યુનિલિવર સતત બીજા દિવસે પોઝીટીવ જોવા મળ્યો હતો. જોકે બીજી બાજુ નેસ્લે, ઈમામીમાં નરમાઈ જોવા મળી રહી હતી. આઈટી કાઉન્ટર્સમાં વિપ્રો 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. સાથે ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજી પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ 0.52 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવવામાં તાતા ટેલિસર્વિસિઝ 5 ટકા સાથે ટોચ પર હતો. ઉપરાંત પતંજલિ ફૂડ્સ, મેક્સ ફાઈનાન્સિયલ, ઓઈલ ઈન્ડિયા, ઈપ્કા લેબ્સ, પુનાવાલા ફાઈ., ટ્રેન્ટ, એસ્ટ્રાલ લિ., એબીબી ઈન્ડિયા અને ટીવીએસ મોટર અગ્રણી હતાં. બીજી બાજુ બેંક ઓફ ઈન્ડિયા બીજા દિવસે 4 ટકા તૂટ્યો હતો. ઉપરાંત ડેલ્હીવેરી, ઈન્ડિયન બેંક, લિંડે ઈન્ડિયા, ઈન્ડિયન હોટેલ્સ, પીએનબી, ડિક્સોન ટેક્નોલોજી, દાલમિયા ભારત, અદાણી વિલ્મેર અને વોલ્ટાસમાં નરમાઈ જોવા મળી હતી.
FPIની ભારતમાં વેચવાલી સામે ચીનમાં ચોખ્ખી લેવાલી નીકળી
2023માં અત્યાર સુધીમાં ભારતમાં 2 અબજ ડોલરના વેચાણ સામે ચીનમાં 6 અબજ ડોલરની ખરીદી
કેલેન્ડરના પ્રથમ પખવાડિયામાં હોંગ કોંગના બજારમાં 9 ટકા, ચીનના બજારમાં 4.4 ટકાના સુધારા સામે ભારતીય બેન્ચમાર્ક્સ 0.3 ટકા ડાઉન
ચીન ઉપરાંત સાઉથ કોરિયા અને તાઈવાન માટે પણ ફોરેન બ્રોકરેજિસ ‘ઓવરવેઈટ’
ભારતીય શેરબજારના પ્રિમીયમ વેલ્યૂએશન, ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સને જોતાં વિદેશી રોકાણકારો સ્થાનિક બજારમાંથી ફંડ બહાર કાઢીને અન્યત્ર તેને અન્ય બજારોમાં ખસેડી રહ્યાંના સ્પષ્ટ સંકેતો સાંપડી રહ્યાં છે. ખાસ કરીને ચીનના અર્થતંત્રના ઓપનીંગને કારણે તથા ત્યાંના બજારના નીચા વેલ્યૂએશનને કારણે એફપીઆઈ ત્યાં ફંડ ઠાલવી રહ્યાં છે. કેલેન્ડર 2023ના પ્રથમ પખવાડિયાની વાત કરીએ તો વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી લગભગ 2 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ કર્યું છે. જ્યારે બીજી બાજુ ચીનના બજારમાં તેમણે લગભગ 6 અબજ ડોલર આસપાસની ખરીદી દર્શાવી છે. ચીનના સ્થાનિક ચલણમાં વિદેશી સંસ્થાઓની ખરીદી લગભગ 41 અબજ યુઆર જેટલી થવા જાય છે. તેમણે આ ખરીદી ચીન-હોંગ કોંગ સ્ટોક કનેક્ટ ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફતે કરી છે.
ડિસેમ્બર 2022માં પણ તેમણે 35 અબજ યુઆનની ખરીદી કરી હતી. સમગ્ર 2022માં તેમણે 90 અબજ યુઆનનું રોકાણ કર્યું હતું. જો છેલ્લાં પખવાડિયાની વાત કરીએ તો ચીન અને હોંગ કોંગના બજારમાં મજબૂત સુધારો જોવ મળ્યો છે. ખાસ કરીને હોંગ કોંગ બજાર શરુઆતી દિવસોમાં 9 ટકા આસપાસનો સુધારો દર્શાવી રહ્યું છે. જ્યારે ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 4.4 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. જેની સરખામણીમાં સેન્સેક્સ અને નિફ્ટી 0.3 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. અગ્રણી સંસ્થાકિય રોકાણકારના જણાવ્યા મુજબ ચીનમાં હાલમાં અનલોકિંગ ચાલી રહ્યું છે. જેની પાછળ ભારતમાંથી નોંધપાત્ર પ્રમાણમાં નાણા બહાર જઈ રહ્યાં છે. રોકાણકારે ચીનમાં રોકાણ ના કરે તો પણ તેઓ ભારતીય બજારમાં વેલ્યૂએશનને મોંઘા ગણાવીને પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે. જેને જોતાં કેલેન્ડર 2023 પણ એફપીઆઈ ફ્લોને લઈને પડકારદાયી જણાય છે. કેલેન્ડર 2022માં પણ વિદેશી રોકાણકારો તરફથી નેટ આઉટફ્લો નોંધાયો હતો. કેલેન્ડરના 12 મહિનાઓમાંથી ચારને બાદ કરતાં તેમણે ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી. વર્ષાંતે તેમના તરફથી રૂ. 1.25 લાખ કરોડનું વેચાણ જોવા મળ્યું હતું. ભારતીય બજારમાંથી નાણા કાઢી એફપીઆઈ ચીન સહિત અન્ય ઈમર્જિંગ બજારોમાં ખરીદી કરવા તરફ વળી છે. યુએસ ખાતે આર્થિક મંદીના ગભરાટ પાછળ તેમનું મોટાભાગનું ફંડ ઈમર્જિંગ બજારોમાં જ ઘર કરે તેવી શક્યતાં છે. જેને જોતાં તેમની વેચવાલી તબક્કાવાર અને ધીમી રહેવાની શક્યતાં પણ છે. કેમકે તેમના માટે એકસાથે મોટી રકમને અન્ય બજારમાં પાર્ક કરવી સંભવ નથી. છેલ્લાં દાયકામાં એકમાત્ર ચીનનું બજાર જ હરિફ બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મર બની રહ્યું છે અને તેથી ચીનમાં વેલ્યૂએશન્સ ઘણા આકર્ષક જણાય રહ્યાં છે. શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ તેણે ઓક્ટોબર 2007માં બનાવેલી 6200ની ટોચની સરખામણીમાં હાલમાં 3200 આસપાસ 50 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે.
જોકે એનાલિસ્ટ્સ માને છે કે ભારતીય કંપનીઓ તરફથી ઊંચી ગ્રોથ શક્યતાંઓને જોતાં હાલમાં ભારતીય ઈક્વિટી માર્કેટ્સ અને અન્ય ઈમર્જિંગ બજારો વચ્ચે જોવા મળી રહેલો પ્રાઈસ ગેપ આગામી છથી બાર મહિનામાં કેટલેક અંશે પૂરાઈ જશે. ભારતીય અર્થતંત્ર અન્ય મોટા અર્થતંત્રની સરખામણીમાં નોંધપાત્ર ઝડપે વૃદ્ધિ દર્શાવી રહ્યું છે અને તેથી વેલ્યૂએશન્સમાં પ્રિમીયમ ઝડપથી રેશનલાઈઝ થશે. દરમિયાનમાં કેટલાંક એનાલિસ્ટ્સ ચીનમાં ઈનફ્લોની સ્થિરતાને લઈને પણ પ્રશ્નાર્થ કરી રહ્યાં છે. ચીન ખાતે કોવિડની ગંભીર સ્થિતિ તથા જીઓ-પોલિટીકલ જોખમોને જોતાં ફંડ ફ્લો વોલેટાઈલ વલણ દર્શાવી શકે છે. તેમના મતે હાલમાં અર્થતંત્રના અનલોકિંગને કારણે કેટલાંક વિદેશી રોકાણકારોનો ચીનમાં ધસારો જોવા મળી રહ્યો છે. જોકે ચીનના કોવિડ નિયંત્રણોમાં હંમેશા અસ્થાયી ચઢાવ-ઉતાર જોવા મળ્યાં છે. ભારતમાં કોવિડની સ્થિતિ અંકુશમાં છે અને અર્થતંત્ર ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહ્યું છે. વેલ્યૂએશનમાં કેટલાંક ઘટાડા પછી વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજારમાં ખરીદી માટે પરત ફરે તેવી ઊંચી શક્યતાં છે. જોકે છેલ્લાં કેટલાંક મહિનાઓથી મોટાભાગના વિદેશી બ્રોકરેજિસ ચીનના બજારને લઈને બુલીશ જોવા મળ્યાં છે. જેનું પ્રમાણ ચીનના શેરબજારના દેખાવમાં પણ પ્રતિબિંબિત થાય છે. ઓક્ટોબર આખરમાં દર્શાવેલા તળિયાથી ચીનનું બજાર અત્યાર સુધીમાં 20 ટકાથી વધુ સુધારો નોંધાવી ચૂક્યું છે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ ચીનમાં હાઉસિંગ સેક્ટર તરફથી મજબૂત સપોર્ટ અને ટેક્નોલોજી સંબંધી રેગ્યુલેટરી ઈઝીંગને કારણે ઝડપી રિઓપનીંગ જોવા મળી રહ્યું છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં મોર્ગન સ્ટેનલી ચીન ઉપરાંત સાઉથ કોરિયા અને તાઈવાનને લઈને પણ ‘ઓવરવેઈટ’ વલણ ધરાવે છે.
અદાણી એન્ટરપ્રાઈઝનો FPO 27 જાન્યુઆરીએ ખૂલશે
કંપની રૂ. 20 હજાર કરોડના ઈસ્યુની 50 ટકા રકમનો ઉપયોગ કેપેક્સમાં કરશે
અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ 27 જાન્યુઆરીએ રૂ. 20000 કરોડની ફોલોઓન ઓફર સાથે મૂડી બજારમાં પ્રવેશશે. જ્યારે એન્કર ઈન્વેસ્ટર્સ માટેનું બિડીંગ 25 જાન્યુઆરીએ શરૂ થશે એમ કંપનીનું રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જણાવે છે. એફપીઓ 31 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીના જણાવ્યા મુજબ શેરને પાર્ટલી પેઈડ બેસિસ પર ઈસ્યુ કરવામાં આવશે, તેમજ રિટેલ ઈન્વેસ્ટર્સને ડિસ્કાઉન્ટ પણ ઓફર કરાશે. બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1.17 ટકા ઘટાડે રૂ. 3596.70ની સપાટીએ બંધ રહ્યો હતો.
કંપની રૂ. 20 હજાર કરોડના ઈસ્યુમાંથી રૂ. 10,869 કરોડનો ઉપયોગ તેની વિવિધ સબસિડિયરીઝ કંપનીઓના મૂડી ખર્ચ ફંડીગમાં કરશે. જેમાં ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમ, કેટલાંક એરપોર્ટ્સ ખાતે સુવિધાઓમાં સુધારા માટે તથા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના બાંધકામ જેવી બાબતનોનો સમાવેશ થાય છે. કંપની રૂ. 4,165 કરોડનો ઉપયોગ તેના તથા તેની ત્રણ કંપની-અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ અને મુંદ્રા સોલર-ના કેટલાંક બોરોઈંગના રિપેમેન્ટમાં કરશે. અદાણી એન્ટરપ્રાઈઝનું કુલ ડેટ સપ્ટેમ્બર 2022ની આખરમાં રૂ. 40,023.50 કરોડ પર જોવા મળતું હતું. અદાણી જૂથના કેટલાંક સ્ટ્રેટેજિક ઈક્વિટી પાર્ટનર્સ ઈસ્યુમાં સૌથી મોટા ખરીદાર બની રહેવાની શક્યતાં છે. જેમાં યૂએઈની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની(આઈએચસી) અને અન્ય સોવરિન ફંડ્સનો સમાવેશ થાય છે. જેફરીઝ, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ, આઈડીબીઆઈ કેપિટલ, જેએમ ફાઈનાન્સિયલ કંપનીના લીડ મેનેજર્સ છે.
કોટનના ઊંચા ભાવો પાછળ ટેક્સટાઈલ નિકાસમાં 12 ટકા ઘટાડો
કુલ મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ્સમાં ટેક્સટાઈલનો હિસ્સો 9.77 ટકા પરથી ઘટી 8.73 ટકા પર જોવાયો
દેશમાં કોટનના ભાવ ઊંચા જળવાય રહેવાને કારણે ટેક્સટાઈલ અને એપરલ નિકાસ પર ગંભીર અસર જોવા મળી છે. ચાલુ નાણા વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિના દરમિયાન દેશમાંથી કુલ ટેક્સટાઈલ નિકાસમાં 11.6 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં નિકાસમાં 21.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. કોટન યાર્ન, કોટન ફેબ્રિક્સ, મેડ-અપ્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સના શીપમેન્ટ્સમાં ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 40.4 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
કોટન ટેક્સટાઈલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા મુજબ કોટનના ઊંચા ભાવ નિકાસમાં ઘટાડા માટેનું મુખ્ય કારણ હતાં. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે માગમાં ઘટાડો પણ દેશની નિકાસમાં ઘટાડાનું એક કારણ હતું. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના મતે ડિસેમ્બર 2022માં દેશની કુલ મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ્સમં ટેક્સટાઈલ ઉદ્યોગનો હિસ્સો ઘટીને 8.73 ટકા જોવા મળ્યો હતો. જે એક વર્ષ અગાઉ 9.77 ટકા પર હતો. દરમિયાનમાં ડિસેમ્બરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં 1.02 ટકાની સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. કાઉન્સિલના ડેટા મુજબ ડિસેમ્બરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસ 1.48 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.46 અબજ ડોલર પર હતી. રૂપિયા સંદર્ભમાં જોઈએ તો ગાર્મેન્ટ્સની નિકાસ 10.53 ટકા ઉછળી રૂ. 12,214 કરોડ પર રહી હતી. જુલાઈથી ઓક્ટોબર દરમિયાન એપરલ નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જોકે નવેમ્બર દરમિયાન દેશમાંથી એપરલ નિકાસમાં 11.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
IT સર્વિસિઝ ક્ષેત્રે ભારતીય કંપનીઓએ સ્થિતિ મજબૂત બનાવી
TCS અને ઈન્ફોસિસની બ્રાન્ડ વેલ્યૂમાં 2 ટકા વૃદ્ધિ નોંધાઈ
કોગ્નિઝન્ટ અને વિપ્રોના રેંકિંગ્સમાં ઘટાડો જોવા મળ્યો
એક્સેન્ચર સતત પાંચમા વર્ષે સૌથી મોંઘી IT બ્રાન્ડ બની રહી
ભારતી આઈટી સર્વિસિઝ કંપનીઓએ 2023 માટેના રેંકિંગ્ઝને જોતાં તેમની સ્થિતિ મજબૂત બનાવી છે. તેમાં ચોક્કસ કેટલાંક ફેરફાર જોવા મળી રહ્યાં છે. જોકે ભારતીય કંપનીઓનો દબદબો જળવાય રહ્યો છે. જેમાં એક્સેન્ચરે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી આઈટી સર્વિસિઝ બ્રાન્ડ તરીકેની પોઝીશન જાળવી રાખી છે. જ્યારે ટીસીએસ અને ઈન્ફોસિસ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમની સૌથી ઊંચું વેલ્યૂ ધરાવતી આઈટી બ્રાન્ડ બની રહ્યાં છે. તેમના વેલ્યૂએશન્સમાં વાર્ષિક ધોરણે 2 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
વિદેશી બજારમાં લિસ્ટેડ એક્સેન્ચરે સતત પાંચમા વર્ષે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જેનું કુલ બ્રાન્ડ વેલ્યૂ 39.8 અબજ ડોલર જોવા મળે છે. તે સૌથી મજબૂત આઈટી સર્વિસિઝ બ્રાન્ડ છે. જે 100માંથી 87.8નો બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ ધરાવે છે. ટીસીએસનું બ્રાન્ડ વેલ્યૂએશન 2 ટકા વધી 17.2 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. કંપનીએ ઘણા ટેઈલર્ડ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ્સ ડિલિવર કર્યાં હતાં. જેથી ક્લાયન્ટ્સ વિવિધ હાઈબ્રિડ વર્કિંગ મેથડ્સમાં માઈગ્રેટ થયાં હતાં એમ બ્રાન્ડ ફાઈનાન્સનો રિપોર્ટ જણાવે છે. ઈન્ફોસિસની બ્રાન્ડ વેલ્યૂ પણ 2 ટકા વધી 13 અબજ ડોલર રહી હતી. તેણે વિશ્વમાં ટોચની ત્રણ આઈટી સર્વિસિઝ બ્રાન્ડમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ટ્રિપલ એ રેટિંગે ઈન્ફોસિસને વિશ્વની 150 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં પ્રવેશમાં સહાય કરી હતી. એચસીએલ ટેક્નોલોજીની બ્રાન્ડ વેલ્યૂ 7 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી અને તે આંઠમા ક્રમની આઈટી સર્વિસિઝ બ્રાન્ડ બની રહી હતી. ભારતની ટોચની ચાર કંપનીઓમાં એચસીએલ ટેક્નોલોજીની બ્રાન્ડ વેલ્યૂમાં સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. ટેક મહિન્દ્રાએ પણ વેલ્યૂએશનમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે 66 ટકા વૃદ્ધિ સાથે રેંકિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો હતો. તેનું રેંકિંગ્સ 15મા સ્થાન પરથી સુધરી 11મા સ્થાને જોવા મળ્યું હતું. વાર્ષિક ધોરણે ટેક મહિન્દ્રાની બ્રાન્ડ વેલ્યૂ 15 ટકા ઉછળી 3.5 અબજ ડોલર પર જોવા મળી હતી. જોકે કોગ્નિઝેન્ટ અને વિપ્રોની બ્રાન્ડ વેલ્યૂમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક લિસ્ટેડ કોગ્નિઝેન્ટ પાંચમા સ્થાનેથી સાતમા સ્થાને પાછી ધકેલાઈ હતી. જ્યારે વિપ્રોનું રેંકિંગ ગયા વર્ષે સાતમા સ્થાન પરથી ગગડી નવમા સ્થાન પર જોવા મળ્યું હતું.
વૈશ્વિક ગોલ્ડમાં મજબૂતી પરત ફરી
મંગળવારે એક દિવસ માટે સાધારણ નરમાઈ દર્શાવનાર વૈશ્વિક ગોલ્ડમાં બુધવારે મજબૂતી પરત પરી હતી અને કોમેક્સ વાયદો 9 ડોલર સુધારા સાથે 1819 ડોલર પર ટ્રેડ દર્શાવતો હતો. ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ આ માટેનું મુખ્ય કારણ હતું. ડોલર ઈન્ડેક્સ 101.858 પર ફરી 102ની નીચે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. મંગળવારે એક દિવસ માટે તે 102 પર ટ્રેડ દર્શાવવામાં સફળ રહ્યો હતો. જોકે તેમાં સુધારો ટકી શકતો નથી. જે ડોલરમાં નબળો અન્ડરટોન સૂચવે છે. વૈશ્વિક સિલ્વરમાં 1.25 ટકા મજબૂતી જોવા મળતી હતી અને તે 24.40 ડોલર પર તાજેતરની ટોચ નજીક ટ્રેડ દર્શાવતો હતો. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 100ની મજબૂતી સાથે રૂ. 56450 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર્સ રૂ. 410ના સુધારે રૂ. 69600 પર ટ્રેડ દર્શાવતો હતો.
ડોલર સામે રૂપિયામાં 44 પૈસાનો સુધારો
બુધવારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડોલર સામે 44 પૈસા મજબૂતી દર્શાવી રહ્યો હતો. સપ્તાહના શરૂઆતી બે સત્રોમાં સાધારણ નરમાઈ બાદ રૂપિયામાં ફરી મજબૂતી જોવા મળી હતી અને તે 44 પૈસા સુધરી 81.25ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂપિયો સવારે 81.80ની સપાટીએ નરમ ખૂલી સતત સુધરતો રહ્યો હતો. દિવસ દરમિયાન ઈન્ટ્રા-ડે 81.25ની ટોચ બનાવી ત્યાં જ બંધ જોવા મળ્યો હતો. મંગળવારે તે 81.69ની સપાટી પર બંધ રહ્યો હતો. યુએસ ડોલરમાં નરમાઈ પાછળ મોટાભાગના ઈમર્જિંગ ચલણોમાં કેલેન્ડરની શરૂઆતથી સુધારો જોવા મળી રહ્યો છે. જોકે વૈશ્વિક ક્રૂડમાં પણ મજબૂતી ડોલર સામે રૂપિયાના સુધારામાં અવરોધ બની શકે છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.4 ટકા ઉછળી 87.11 ડોલર પર ટ્રેડ થતો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપની તેના ગ્રીન હાઈડ્રોજન બિઝનેસને 8 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે ઈન્વિટ સ્ટ્રક્ચરમાં અલગ પાડે તેવી શક્યતાં છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મ્યુચ્યુલ ફંડની માફક કલેક્ટીવ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ જ હોય છે. જે રોકાણકારોને ડિવિડન્સ અર્નિંગ્સ માટે ફંડમાં સીધા રોકાણની સુવિધા પૂરી પાડે છે.
પીટીસી ઈન્ડિયાઃ પાવર ટ્રેડિંગ સેક્ટરના જાહેર સાહસમાં 20 ટકા હિસ્સાની ખરીદી માટે જેએસડબલ્યુ, ગ્રીનકો, તાતા પાવર અને અદાણી ગ્રૂપ સ્પર્ધામાં જોવા મળી રહ્યાં છે. આ કંપનીઓએ પીટીસીમાં હિસ્સાની ખરીદી માટે સેલર્સનો સંપર્ક સાધ્યો છે. કંપનીમાં એનટીપીસી, એનએચપી, પીએફસી અને પાવર ગ્રીડ કોર્પો. તેમના આંશિક હિસ્સાનું વેચાણ કરી રહ્યાં છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડઃ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 353 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 318 કરોડ સામે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની ગ્રોસ ડીપીઆઈ વાર્ષિક ધોરણે 17 ટકા વધી રૂ. 5493 કરોડ પર રહ્યું હતું.
ડેલ્ટા કોર્પોઃ કેસિનો કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 84.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 70.4 કરોડની સરખામણીમાં 20.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 247.2 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 273.4 કરોડ પર રહી હતી.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે 8 ડિસેમ્બર 2022થી 12 જાન્યુઆરી 2022 વચ્ચે ઉત્પાદિત 17,362 વેહીકલ્સને પરત બોલાવ્યાં છે. કંપનીએ એરબેગ કંટ્રોલર પાર્ટમાં ખામીને કારણે આમ કર્યું છે. કંપની તરફથી પરત બોલાવવામાં આવેલા વાહનોમાં અલ્ટો કે10, એસ-પ્રેસો, બ્રેઝા, બલેનો અને ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.
તાતા મેટાલિક્સઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 9.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 35.64 કરોડની સરખામણીમાં 73.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 689.9 કરોડ સામે ચાલુ વર્ષે 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 790.2 કરોડ રહી હતી.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રિમીયમ આવકમાં 4.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9460 કરોડ મેળવ્યાં છે. જ્યારે કંપનીનો નફો ગયા વર્ષની સે 29 ટકા ઘટી રૂ. 221 કરોડ રહ્યો હતો. જ્યારે એયૂએમ રૂ. 2.52 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.
તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 14.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 60 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની રેવન્યૂ વાર્ષિક ધોરણે 53 ટકા ગગડી રૂ. 24.8 કરોડ જોવા મળે છે.
સુંદરમ ફાસ્ટનર્સઃ કંપનીએ આંતરરાષ્ટ્રીય કંપની પાસેથી ઈવી પ્લેટફોર્મ માટે સબ-એસેમ્બલિઝ સપ્લાય કરવાનો રૂ. 2000 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. આ પ્રોડક્ટ્સ રેંજ માટે કોઈપણ ભારતીય કંપની તરફથી મેળવવામાં આવેલો આ સૌથી મોટો ઓર્ડર છે.
ઈઆઈડી પેરીઃ કંપનીએ આંધ્ર પ્રદેશમાં તેના સુગર ઉત્પાદન યુનિટ ખાતે નવા 120 કિલોલીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતી ડિસ્ટલરીને કાર્યાન્વિત કરી છે.
આરવીએનએલઃ રેલ્વે કંપની સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે રૂ. 673.8 કરોડના સૌથી નીચા બીડર તરીકે ઊભરી છે. ઉપરાંત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 માટે રૂ. 384 કરોડના નીચા બીડર તરીકે પણ ઊભરી છે.