બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડોઃ નિફ્ટી 22000ની નીચે ઉતરી ગયો
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મજબૂતી વચ્ચે સ્થાનિક બજારમાં વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.33 ટકા વધી 13.04ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં નરમાઈ યથાવત, બ્રેડ્થ નરમ
નિફ્ટી મિડિયા સિવાય તમામ સેક્ટર સૂચકાંકો નરમ
એફએમસીજી, ફાર્મા, એનર્જી, ઓટો પર દબાણ
જસ્ટ ડાયલ, ક્વેસ કોર્પ, મેનકાઈન્ડ ફાર્મા, કેસબી પંપ્સ નવી ટોચે
ભારતીય શેરબજારમાં લાંબા સમયગાળા પછી સતત ચાર સત્રથી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજાર વધુ ગગડ્યું હતું અને બેન્ચમાર્ક નિફ્ટી 22000ની સપાટી નીચે ઉતરી ગયો હતો. સેન્સેક્સ 455 પોઈન્ટ્સ ગગડી 72489ની સપાટીએ જ્યારે નિફ્ટી 152 પોઈન્ટ્સ ગગડી 21996ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી જળવાતાં બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3929 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2047 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1761 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 211 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 11 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.33 ટકા વધી 13.04ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજાર પોઝીટીવ નોંધ સાથે શરૂઆત કર્યાં પછી વેચવાલીના દબાણ પાછળ નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. જોકે, બપોરે શોર્ટ કવરિંગ પાછળ તેણે ઈન્ટ્રા-ડે નવી ટોચ દર્શાવી હતી. જે લાંબો સમય ટકી નહોતી અને માર્કેટ ઊંધા માથે પટકાઈ 22000ની સપાટી નીચે જતું રહ્યું હતું. તેમજ તેની નીચે જ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 22962થી 22327ની મોટી રેંજમાં ટ્રેડ થયો હતો. ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ જોવા મળી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22081ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 53 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 32ની વૃદ્ધિ દર્શાવે છે. આમ, માર્કેટમાં ઘટાડે લોંગ પોઝીશનમાં વૃદ્ધિના સંકેતો છે. જોકે, 22000નું લેવલ તૂટતાં હવે નિફ્ટી માટે 21700 નજીકનો સપોર્ટ છે. આમ, વધુ ઘટાડો સંભવ છે.
નિફ્ટીને ગુરુવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બજાજ ઓટો, એલટીઆઈમાઈન્ડટ્રી, હિંદાલ્કો, ઈન્ફોસિસ, લાર્સન, એચડીએફસી લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એપોલો હોસ્પિટલ, ટાઈટન કંપની, નેસ્લે, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, એક્સિસ બેંક, એનટીપીસી, તાતા મોટર્સ, સિપ્લા, આઈટીસી, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી મિડિયાને બાદ કરતાં તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નેટવર્ક18, પીવીઆર આઈનોક્સ, ટીવી18 બ્રોડકાસ્ટ, સન ટીવી નેટવર્કમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ એક ટકા ગગડ્યો હતો. જેમાં નેસ્લેમાં 3.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, આઈટીસી, કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, ઈમામીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા, નિફ્ટી ઓટો, નિફ્ટી એનર્જી, નિફ્ટી રિઅલ્ટી પર દબાણ જોવા મળતું હતું.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ભારતી એરટેલ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, એમસીએક્સ ઈન્ડિયા, ઈન્ડુસ ટાવર્સ, પીવીઆર આઈનોક્સ, સીજી કન્ઝૂયમર, વેદાંત, ટ્રેન્ટ, પાવર ગ્રીડ કોર્પોરેશન, વોડાફઓન આઈડિયા, એચપીસીએલ, બેંક ઓફ બરોડામાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, આઈજીએલ, મહાનગર ગેસ, ઓબેરોય રિઅલ્ટી, એબીબી ઈન્ડિયા, એપોલો હોસ્પિટલ, અશોક લેલેન્ડ, ડો. લાલ પેથલેબ્સ, ટાઈટન કંપની, નેસ્લે, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં જસ્ટ ડાયલ, હિટાચી એનર્જી, ક્વેસ કોર્પ, મેનકાઈન્ડ ફાર્મા, કેએસબી પંપ્સ, જિઓ ફાઈનાન્સિયલ, જેએસડબલ્યુ એનર્જી, ભારતી એરટેલ, ગ્રેફાઈટ ઈન્ડિયા, ઈન્ડુસ ટાવર્સનો સમાવેશ થતો હતો.
બજાજ ઓટોએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2011 કરોડનો નફો દર્શાવ્યો
કંપનીએ પ્રતિ શેર રૂ. 80ના ડિવિડન્ડની જાહેરાત કરી
બજાજ ઓટોએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2011.32 કરોડના નેટ પ્રોફિટની જાહેરાત કરી છે. ગયા વર્ષે કંપનીએ સમાનગાળામાં રૂ. 1704.74 કરોડનો નફો દર્શાવ્યો હતો. આમ પ્રોફિટમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9193 કરોડની સરખામણીમાં રૂ. 11555 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ રૂ. 11096 કરોડના આવકના અંદાજને તથા રૂ. 1816 કરોડના નેટ પ્રોફિટના અંદાજને પાછળ રાખી દીધો છે.
કંપનીના બોર્ડે 800 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલેકે શેર દીઠ રૂ. 80નું ડિવિડન્ડ મળવાપાત્ર રહેશે. કંપનીના શેરની ફેસ વેલ્યૂ રૂ. 10ની છે. ગુરુવારે બજાજ ઓટોનો શેર 1.61 ટકા ઉછળી રૂ. 9062ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઈન્ફોસિસે અંદાજોને બીટ કરી રૂ. 7969 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો
કંપનીએ પ્રતિ શેર રૂ. 28ના ડિવિડન્ડની જાહેરાત કરી
દેશમાં બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 7969 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. તેણે સ્ટ્રીટના અંદાજ કરતાં ઘણો ચઢિયાતો દેખાવ કર્યો છે. 2023-24ના આખરી ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 37923 કરોડની આવક નોંધાવી હતી. જે એનાલિસ્ટ્સના રૂ. 38,413 કરોડની આવક કરતાં નીચી જોવા મળી હતી. જોકે, કંપનીએ રૂ. 6128 કરોડના નેટ પ્રોફિટના અંદાજ સામે ઊંચો પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીનો શેર ગુરુવારે 0.34 ટકા મજબૂતી સાથે રૂ. 1419.25ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 28નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જેમાં રૂ. 20નું પ્રતિ શેર ડિવિડન્ડ જ્યારે રૂ. 8ના વન-ટાઈમ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
ઈન્ફોસિસે ઈન-ટેક હોલ્ડિંગની ખરીદીની જાહેરાત પણ કરી હતી. આ કંપની એન્જિનીયરીંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. કંપનીના સીઈઓ અને એમડીએ સલીલ પારેખે જનરેટીવ એઆઈ ક્ષમતાઓનું વિસ્તરણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્લાયન્ટ પ્રોગ્રામ્સ પર કામ કરી રહ્યાં છે. તેઓ લાર્જ લેંગ્વેજ મોડેલ્સનો ઉપયોગ કરી સોફ્ટવેર એન્જીનીયરીંગ, પ્રોસેસ ઓપ્ટીમાઈઝેશન અને કસ્ટમસ સપોર્ટ પર કામ કરી રહ્યાં છે.
કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 84.8 કરોડ ડોલરના ફ્રી કેશ ફ્લો સામે છેલ્લાં 11-ક્વાર્ટર્સમાં સૌથી ઊંચો કેશફ્લો દર્શાવ્યો હતો. જે કંપનીની વર્કિંગ કેપિટલ સાઈકલમાં સુધારો દર્શાવે છે.
તાતા મોટર્સ નવા એક અબજ ડોલરના પ્લાન્ટમાં જગુઆર લેન્ડ રોવર કાર્સનું ઉત્પાદન કરશે
કંપની તમિલનાડુ ખાતે નવો પ્લાન્ટ સ્થાપશે
તાતા મોટર્સ તમિલનાડુ ખાતે એક અબજ ડોલરના ખર્ચે નવો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહી છે. કંપની આ પ્લાન્ટ ખાતે જગુઆર લેન્ડ રોવર લક્ઝરી કાર્સનું ઉત્પાદન કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. કંપનીએ માર્ચમાં નવા પ્લાન્ટમાં રોકાણની જાહેરાત કરી હતી. જોકે, આ અંગેની કોઈ વિગતો નહોતી આપી. ત્યાં કયા મોડેલ્સનું ઉત્પાદન કરાશે તે નહોતું જણાવ્યું. જોકે, કંપનીના સત્તાવાર વર્તુળોએ હજુ આ અંગે ટિપ્પણી નથી કરી. જેએલઆરના કયા મોડેલ્સનું નવા પ્લાન્ટમાં ઉત્પાદન થશે તે હજુ સ્પષ્ટ નથી. તાતા મોટર્સે 2008માં બ્રિટીશ કંપની જેએલઆરની ખરીદી કરી હતી. જોકે, તેનું ઉત્પાદન વિદેશમાં જ થતું રહ્યું છે. જ્યારે હવે પ્રથમવાર તેનું ઉત્પાદન ભારતમાં હાથ ધરાશે.
NSE 24 એપ્રિલથી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ માટે ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ લોંચ કરશે
નવી પ્રોડક્ટ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી ચૂકી છે
નિફ્ટી નેક્સ્ટ 50માં નિફ્ટી 50ની કંપનીઓને બાદ કરતાં નિફ્ટી 100ની બાકીની 50 કંપનીઓનો સમાવેશ થાય છે
નેશનલ સ્ટોક એક્સચેન્જે ગુરુવારે જણાવ્યું હતું કે તે 24 એપ્રિલથી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ પર ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સ લોંચ કરશે. નિફ્ટી નેક્સ્ટ 50માં નિફ્ટી 50ની કંપનીઓને બાદ કરતાં નિફ્ટી 100ની બાકીની 50 કંપનીઓનો સમાવેશ થાય છે. એક્સચેન્જે એક યાદીમાં જણાવ્યું હતું કે આ નવા ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ્સ માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. એક્સચેન્જ ત્રણ મહિનાની સિરિઝમાં ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ સાઈકલ્સ ઓફર કરશે. કેશ-સેટલ્ડ ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ્સ દર મહિનાના આખરી શુક્રવારે એક્સપાયર થશે.
એનએસઈના જણાવ્યા મુજબ નિફ્ટી નેક્સ્ડ 50 ઈન્ડેક્સ પર ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સનું લોંચિંગ વર્તમાન ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ પ્રોડક્ટ સ્યૂટને પૂરક બની રહેશે. નિફ્ટી નેક્સ્ટ 50 વાસ્તવમાં નિફ્ટી 50 ઈન્ડેક્સ અને નિફ્ટી મીડ-કેપ સિલેક્ટ ઈન્ડેક્સ વચ્ચેની જગ્યાનું સ્થાન લેશે.
Market Summary 18/04/2024
April 18, 2024