બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજાર પર બુલ્સની મજબૂત પકડ, નિફ્ટી 22400 ટકાવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા ગગડી 19.79ના સ્તરે બંધ
ઓટો, મેટલ, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
એક માત્ર ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ સતત જોવા મળતી ખરીદી
મઝગાંવ ડોક, ડિસ્કોન ટેક્નોલોજી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ નવી ટોચે
શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. યૂએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે પ્રથમવાર 40000ની સપાટી પાર કરતાં એશિયન બજારોમાં પણ સેન્ટીમેન્ટ મજબૂત જોવા મળ્યું હતું. ભારતીય ગેપ-અપ ઓપનીંગ દર્શાવી સાંકડી રેંજમાં અથડાયેલું રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 253 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 73917ની સપાટીએ જ્યારે નિફ્ટી 62 પોઈન્ટ્સ સુધારે 22466ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી. બીએસઈ ખાતે 3939 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2403 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1410 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. 218 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા નરમાઈ સાથે 19.79ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે બેન્ચમાર્ક નિફ્ટી સાધારણ મજબૂતી સાથે ખૂલ્યાં પછી ઉપરમાં 22502ની સપાટી પાર કરી ગયો હતો અને આખરે તેની નજીક જ બંધ રહ્યો હતો. ગુરુવારની સરખામણીમાં વોલેટિલિટી ઓછી જોવા મળી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 38 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 22504ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, પ્રિમીયમમાં ઘટાડો નોંધાયો હતો. બેન્ચમાર્ક 22400ની સપાટી પર મજબૂતી સાથે ટક્યો છે. જે જોતાં તે આગામી સત્રોમાં નવી ટોચભણી આગેકૂચ જારી રાખી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં એમએન્ડએમ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, કોટક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી, આઈટીસી, એનટીપીસી, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, ટાઈટન કંપની, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટીસીએસ, સિપ્લા, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક્નોલજી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા, એચયૂએલ, નેસ્લે, વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો ઓટો, મેટલ, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. એક માત્ર ફાર્મા નરમાઈ દર્શાવતું હતું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.8 ટકા ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. તેના ઘટકોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ટીવીએસ મોટર, મધરસન સુમી, મારુતિ સુઝુકી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.6 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ, એનએમડીસી, એપીએલ એપોલો, રત્નમણિ મેટલ, નાલ્કો, વેદાંત, સેઈલ, હિંદુસ્તાન ઝીંકમાં ભારે તેજી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 1.7 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સીજી કન્ઝ્યૂમર 16 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ડિક્સોન ટેક્નોલોજી, ઈન્ફો એજ, એમએન્ડએમ, આઈઆરસીટીસી, કોન્કોર, એનએમડીસી, ભારત ઈલે., ઝાયડસ લાઈફ, જીએમઆર એરપોર્ટ્સ, નવીન ફ્લોરિન, ટીવીએસ મોટર, નાલ્કો, એમસીએક્સ ઈન્ડિયા, શ્રી સિમેન્ટ્સમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, એમ્ફેસિસ, વોલ્ટાસ, એચડીએફસી એએમસી, ટીસીએસ, મેટ્રોપોલીસ, હિંદુસ્તાન એરોનોટીક્સ, સિપ્લા, ઓરેકલ ફાઈ. સર્વિસિઝ, સિટી યુનિયન બેંક, એલએન્ડટી ટેક્નોલોજી, ડાબર ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સીજી કન્ઝ્યૂમર, મઝગાંવ ડોક, ભારત ડાયનેમિક્સ, ગોડફ્રે ફિલિપ, ગાર્ડન રિચ, ડિક્સોન ટેક્નોલોજી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ, એસકેએફ ઈન્ડિયા, કાર્બોરન્ડમ, કોચીન શીપયાર્ડનો સમાવેશ થતો હતો.
JSW સ્ટીલનો નેટ પ્રોફિટ 65 ટકા ગગડી રૂ. 1299 કરોડ રહ્યો
કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 7.3ના ડિવિડન્ડની ભલામણ કરી
ટોચની સ્ટીલ ઉત્પાદકન જેએસડબલ્યુ સ્ટીલે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 1299 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 3664 કરોડના નફા સામે 65 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 1.5 ટકા ઘટી રૂ. 45,646 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 46346 કરોડ પર હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ શેર રૂ. 7.3ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. કંપનીના પરિણામો અગાઉ બીએસઈ ખાતે શેર રૂ. 907.3ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઝાયડસ લાઈફસાયન્સિઝનો નફો ચાર ગણો ઉછળી રૂ. 1182 કરોડે પહોંચ્યો
અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ લાઈફસાયન્સિઝે ચોથા ક્વાર્ટર માટે રૂ. 1182 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે ચાર ગણી વૃદ્ધિ સૂચવે છે. એનાલિસ્ટ્સ રૂ. 1045 કરોડના નફાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. કંપનીના યુએસ ઓપરેશન્સે સારી કામગીરી દર્શાવતાં આમ શક્ય બન્યું છે.
કંપનીની આવક 10.4 ટકા વધી રૂ. 5534 કરોડ પર જોવા મળી હતી. જે રૂ. 5347 કરોડના અંદાજ કરતાં ઊંચી રહી હતી. કંપનીના યુએસ બિઝનેસમાં 12 ટકા જ્યારે સ્થાનિક બિઝનેસમાં 8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ભારત અને યુએસ મળી કંપનીની આવકનો 85 ટકા હિસ્સો ધરાવે છે. ભારતીય જેનેરિક ડ્રગ ઉત્પાદક યુએસ બજારમાંથી આવકનો ઊંચો હિસ્સો મેળવી રહી છે. તેમજ ડ્રગ માર્કેટમાં ભાવ ઘટાડાની અસરોથી તે બહાર આવી રહી છે. ગયા સપ્તાહે ટોચની ફાર્મા કંપનીઓ સિપ્લા, ડો. રેડ્ડીઝે પણ અપેક્ષાથી સારા પરિણામો રજૂ કર્યાં હતાં.
ઊંચી માંડવાળી પાછળ બંધન બેંકનો નફો ગગડીને રૂ. 55 કરોડ રહ્યો
બેંકે રૂ. 3852 કરોડ માંડવાળ કર્યાં
ખાનગી ક્ષેત્રની બંધન બેંકે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 55 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 810 કરોડની સરખામણીમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. આમ થવા પાછળનું કારણ કંપની તરફથી ઊંચી માંડવાળી કારણભૂત હતી. બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3852 કરોડ માંડવાળ કર્યાં હતાં. કંપનીએ ક્વાર્ટર દરમિયાન રૂ. 1774 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું હતું.
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 2866 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 2472 કરોડ પર જોવા મળતી હતી. આમ, તે 16 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 7.6 ટકા પર રહ્યાં હતાં. જે ગયા વર્ષે 7.3 ટકા પર હતાં.
બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષના 4.9 ટકા સામે ઘટી 3.8 ટકા રહી હતી. જ્યારે નેટ એનપીએ પણ 1.2 ટકા પરથી ઘટી 1.1 ટકા પર રહી હતી. માર્ચ, 2024ની આખરમાં પ્રોવિઝન કવરેજ રેશિયો 71.8 ટકા પર હતો. બેંકની નેટ રેવન્યૂ રૂ. 3560 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 3101 કરોડ પર હતી. બેંકે પ્રતિ શેર રૂ. 1.5ના ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિપ્રોના COO અમીત ચૌધરીએ રાજીનામું આપ્યું, સંજીવ જૈન કાર્યભાર સંભાળશે
દેશમાં ત્રીજા ક્રમની આઈટી કંપની વિપ્રોના ચીફ ઓપરેટિંગ ઓફિસર પદેથી અમીત ચૌધરીએ રાજીનામું આપ્યું હોવાનું કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. 31 મે તેમની કંપની ખાતે આખરી તારીખ હશે. તેમનું સ્થાન સંજિવ જૈન લેશે.
વિપ્રો માટે ચૌધરીનું રાજીનામું બીજો મોટો ઝાટકો છે. અગાઉ 10 મેના રોજ કંપનીના એશિયા પેસિફિક, ઈન્ડિયા, મિડલ ઈન્ડ અને આફ્રિકા(એપીએમઈએ)ના પ્રેસિડેન્ટ અનીસ ચેન્ચાહે રાજીનામું આપ્યું હતું. અગાઉ 6 એપ્રિલે કંપનીના સીઈઓ થીએરી ડેલાપોર્ટે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે ચૌધરી, ચેન્સાહ અને ડેલાપોર્ટ-ત્રણેય ફ્રાન્સમાં મુખ્યાલય ધરાવતી કેપજેમીનીમાં કામ કરી ચૂક્યાં છે. ડેલાપોર્ટે જ્યારે વિપ્રોના સીઈઓ હતાં ત્યારે જ ચેન્ચાહ અને ચૌધરી વિપ્રોમાં જોડાયાં હતાં.
Market Summary 18/05/2024
May 18, 2024