બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શોર્ટ કવરિંગ પાછળ શેરબજારે દર્શાવેલી વધુ એક ટોચ
નિફ્ટીએ 19700ની સપાટી પાર કરી
માર્કેટ-કેપ રૂ. 2.75 લાખ ઉછળી રૂ. 298.52 લાખ કરોડ જોવાયું
ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 11.31ના સ્તરે
બેંકિંગ, એનર્જી, ફાર્મા, આઈટીમાં મજબૂતી
ઓટો, રિઅલ્ટીમાં નરમાઈ
આરબીએલ બેંક, ફર્સ્ટસોર્સ સોલ્યુશન, નાલ્કો, લક્ષ્મી મશીન નવી ટોચે
શેરબજારમાં અપેક્ષા મુજબ જ શોર્ટ કવરિંગ પાછળ તેજીનો દોર આગળ વધ્યો હતો અને સપ્તાહના પ્રથમ સત્રમાં બેન્ચમાર્ક્સ નવી ટોચ પર પહોંચ્યાં હતાં. વૈશ્વિક બજારમાં મિશ્ર માહોલને તેમણે અવગણ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 529.03 પોઈન્ટ્સ ઉછળી 66,589.93ની સપાટીએ જ્યારે નિફ્ટી 146.95 પોઈન્ટ્સ ઉછળી 19,711.45ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં લાર્જ-કેપ્સ સહિત બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. નિફ્ટી-50 કાઉન્ટર્સમાં 50માંથી 31 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 19 કાઉન્ટર્સે નેગેટીવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3856 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2068 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1606 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 288 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 64 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 11.31ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શરૂઆતી મિનિટ્સમાં ફ્લેટ ટ્રેડ દર્શાવ્યો હતો. જોકે પાછળથી બજારમાં શોર્ટ કવરિંગ નીકળ્યું હતું અને અપેક્ષા મુજબ જ બેન્ચમાર્ક 19600 અને 19700ની સપાટીઓ એકસાથે પાર કરી ગયો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 19731.85ની ટોચ બનાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 19 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19729.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 60 પોઈન્ટ્સના પ્રિમીયમમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. આનો અર્થ ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થઈ છે. જે માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો સંકેત છે. આ સ્થિતિમાં નવી પોઝીશન લેવાનું ટાળવું જોઈએ અથવા ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવું જોઈએ. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 19750નું સ્તર નજીકમાં અવરોધ બની શકે છે. જો તે પાર થશે તો તેજી 20000-20100ની રેંજ સુધી આગળ વધી શકે છે. જોકે, છેલ્લાં કેટલાંક સત્રોમાં ઝડપી તેજીને જોતા બજાર એક વિરામ લઈ શકે છે. ખાસ કરીને, લાર્જ-કેપ્સમાં પ્રોફિટ બુક કરી મીડ-કેપ્સમાં જવું હિતાવહ જણાય છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં એસબીઆઈ, ડો. રેડ્ડીઝ લેબ્સ, વિપ્રો, ગ્રાસિમ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઇઝિસ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને એપોલો હોસ્પિટલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓએનજીસી, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન કંપની, એમએન્ડએમ, ટીસીએસ, બજાજ ઓટો, એનટીપીસીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો બેંકિંગ, એનર્જી, ફાર્મા, આઈટીમાં મજબૂતી જળવાય હતી. નિફ્ટી બેંક 1.41 ટકા ઉછળી 45,449.75ની સપાટીએ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં એસબીઆઈ, પીએનબી, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા 0.77 ટકા સુધરી 14000ની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબોરેટરી, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, બાયોકોન, સન ફાર્મા અને લ્યુપિન મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં રત્નમણિ મેટલ, નાલ્કો, એપીએલ એપોલો, વેલસ્પન કોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, મોઈલ, તાતા સ્ટીલ, એનએમડીસી અને સેઈલ નોંધપાત્ર મજબૂત જોવા મળતાં હતાં. ઓટો અને રિઅલ્ટી સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, એમએન્ડએમ, ટીવીએસ મોટરમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં આરબીએલ બેંક 7 ટકા સાથે ટોચ પર જોવા મળતો હતો. આ ઉપરાંત ઝી એન્ટરટેઈનમેન્ટ, ઈન્ડસટાવર્સ, નાલ્કો, વોડાફોન આઈડિયા, આલ્કેમ લેબ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એસબીઆઈ, પીએનબી, ડો. રેડ્ડીસ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, બંધન બેંક, ગોદરેજ પ્રોપર્ટીઝ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, એયુ સ્મોલ ફાઈનાન્સ, ઓરેફલ ફાઈનાન્સ, ઓએનજીસી, મેરિકો, હીરો મોટોકોર્પ, ગેઈલ, આઈડીએફસી અને ક્યુમિન્સ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આરબીએલ બેંક, ફર્સ્ટસોર્સ સોલ્યુશન, નાલ્કો, લક્ષ્મી મશીન, શ્યામ મેટાલિક્સ, સીઈ ઈન્ફો સિસ્ટમ, મહિન્દ્રા હોલિડેઝ, આલ્કેમ લેબ, યુનાઈટેડ સ્પિરિટ્સ, વેસ્ટલાઈફ ફૂડ્સ, ઝેનસાર ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો.
NSE અને BSE તેમના GIFT IFSC સ્થિત ઈન્ટરનેશનલ યુનિટ્સને મર્જ કરે તેવી શક્યતાં
વૈશ્વિક હરિફો સામે મજબૂત સ્પર્ધા ઊભી કરવા માટેનો પ્રયાસ
ગાંધીનગરમાં ગિફ્ટ ઈન્ટરનેસનલ ફાઈનાન્સિયલ સર્વિસિજ સેન્ટર સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ ને બોમ્બે સ્ટોક એક્સચેન્જના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જિસને ટૂંક સમયમાં મર્જ કરવાની તૈયાર ચાલી રહી છે. આમ કરવાનો મુખ્ય હેતુ વૈશ્વિક હરિફો સામે તીવ્ર સ્પર્ધા માટે એક સંયુક્ત પ્લેટફોર્મ ઊભું કરવાનો છે. વર્તુળોના જણાવ્યા મુજબ આગામી કેટલાંક મહિનાઓમાં આ મર્જર અસ્તિત્વમાં આવી શકે છે.
બીએસઈનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ(ઈન્ડિયા INX) ગિફ્ટ આઈએફસી ખાતે સ્થપાયેલું પ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ હતું. જેણે 16 જાન્યુઆરી, 2017ના રોજ કામગીરીની શરૂઆત કરી હતી. એક્સચેન્જ હાલમાં રોકાણકારોને ફાઈનાન્સિયલ માર્કેટ પ્રોડક્ટ્સ જેવીકે ઈન્ડેક્સ અને સિંગલ સ્ટોક ડેરિવેટીવ્સ, કોમોડિટી ડેરિવેટીવ્સ, કરન્સી ડેરિવેટીવ્સ અને ડેટ સિક્યૂરિટીઝમાં દિવસમાં 22 કલાક માટે ટ્રેડિંગની સુવિધા ઓફર કરે છે. એનએસઈએ ગિફ્ટ સિટી ખાતે એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જની સ્થાપના 5 જૂન, 2017ના રોજ કરી હતી. તે પણ ઈન્ડેક્સ ડેરિવેટીવ્સ, સ્ટોક ડેરિવેટીવ્સ, કરન્સી ડેરિવેટીવ્સ, કોમોડિટી ડેરિવેટીવ્સ અને ડેટ સિક્યૂરિટીઝ સહિતની સમાન પ્રોડક્ટ્સ ઓફર કરે છે. આ સમગ્ર ઘટનાને નજીકથી જોઈ રહેલાં વર્તુળના જણાવ્યા મુજબ છેલ્લાં છ મહિનાતી તમામ ભાગીદારો વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ પગલા પાછળનો હેતુ બંને પ્લેટફોર્મ્સની શક્તિને ભેગી કરવાનો અને ખર્ચ ઘટાડવાનો છે. સાથે મર્જરનો અર્થ એવો પણ છે કે બંને એક્સચેન્જિસ એક જ બિઝનેસ માટે સ્પર્ધા નહિ કરે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે મર્જર બંને એક્સચેન્જિસને સાથે મળી બિઝનેસ ચલાવવામાં સહાયરૂપ બનશે. તેમજ બ્રોકર્સને પણ ફાયદો થશે કેમકે તેમણે સંયુક્ત પ્લેટફોર્મ સાથે કામ કરવાનું રહેશે. તેઓ ઉમેરે છે કે મર્જરનો હેતુ રોકાણકારોને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ બનાવવાનો છે. તેને કારણે લિક્વિડિટીનું બે પ્લેટફોર્મ પર વિભાજન નહિ થાય. તાજેતરમાં સિંગાપુર ખાતેથી નિફ્ટી ફ્યુચર્સના ટ્રેડિંગને ગુજરાત ખાતે ખસેડવાના પ્રયાસને નબળો પ્રતિસાદ સાંપડ્યો છે. એનએસઈ ઈન્ટરનેશલ એક્સચેન્જિની મુખ્ય પ્રોડક્ટ ગિફ્ટ નિફ્ટીમાં 7 જુલાઈએ ઓપન કોન્ટ્રેક્ટ્સ 32,934 હતાં. જે એપ્રિલ, મે અને જૂન મહિનાના શરૂઆતી પાંચ દિવસોમાં 60,884 ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સની સરખામણીમાં નીચા હતાં. જો મર્જર અપેક્ષા મુજબ આગળ વધશે તો ગિફ્ટ નિફ્ટીના વોલ્યુમમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે. ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ ઉપરાંત વિદેશી રોકાણકારોને કરન્સી ડેરિવેટીવ્સ જેવી પ્રોડક્ટ્સ પણ પૂરી પાડી શકશે એમ નિષ્ણાતો માને છે.
NSEનો એંજલ વન પર નવા સબબ્રોકર લેવા પર પ્રતિબંધ
દેશમાં ટોચની બ્રોકરેજ કંપની છ મહિના સુધી નવા ઓથોરાઈઝ્ડ પર્સનને લઈ શકશે નહિ
કંપની તરફથી તેના બિઝનેસ એસોસિએટ્સની કામગીરી પર નજર રાખવામાં નિષ્ફળતા પાછળ લેવાયેલું પગલું
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(એનએસઈ)ની મેમ્બર એન્ડ કોર સેટલમેન્ટ ગેરંટી ફંડ કમિટીએ એંજલ બન બ્રોકિંગને આગામી છ મહિનાના સમયગાળા માટે ન્યૂ ઓથોરાઈઝ્ડ પર્સન(AP) બનાવવા માટે પ્રતિબંધ મૂક્યો છે. એનએસઈએ છ મહિના માટે નવા સબબ્રોકર લેવા પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત રૂ. 1.66 કરોડની નાણાકિય પેનલ્ટ પણ ફટકારી છે.
ઓથોરાઈઝ્ડ પર્સન્સ એ માર્કેટ મધ્યસ્થીઓ હોય છે. જે રોકાણકારો અને સ્ટોકબ્રોકર્સ વચ્ચેનો સંપર્ક સેતુ તરીકે કાર્ય કરે છે. તેઓ રોકાણકારની રોકાણની પ્રક્રિયા માટે સુવિધા પૂરી પાડે છે. બ્રોકિંગ કંપનીની ઓથોરાઈઝ્ડ પર્સન્સની કામગીરી પર દેખરેખ રાખવામાં કહેવાતી નિષ્ફળતાં પાછળ એનએસઈએ આવો નિર્ણય લીધો છે. એંજલ વને સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે કે એનએસઈના આદેશને કારણે તેના વર્તમાન બિઝનેસ પર કોઈ અસર નહિ થાય. કંપની તેની પાસે પ્રાપ્ય વિવિધ વિકલ્પોનો વિચાર કરી રહી છે. જેમાં ઓર્ડર સામે અપીલનો સમાવેશ પણ થાય છે. એનએસઈના નિર્ણય પાછળ એંજલ બ્રોકિંગનો શેર 7 ટકાથી વધુ ઘટી રૂ. 1587.85ની સપાટીએ બંધ રહ્યો હતો.
PSU બેંક્સ રિકવરી ટાર્ગેટ હાંસલ કરવા વન-ટાઈમ સેટલમેન્ટ ઝડપી બનાવશે
કેન્દ્રિય નાણા મંત્રાલય તથા આરબીઆઈએ જાહેર ક્ષેત્રની બેંક્સને માંડવાળ કરેલી લોન્સના 40 ટકા રિકવરી માટે જણાવ્યું છે
માર્ચ 2022ના પાંચ વર્ષ સુધીમાં પીએસયૂ બેંક્સ રૂ. 7.34 લાખ કરોડની માંડવાળીમાંથી માત્ર રૂ. 1.03 લાખ કરોડ પરત મેળવી શકી છે
જાહેર ક્ષેત્રની બેંક્સે માર્ચ 2022માં પૂરાં થયેલાં પાંચ વર્ષોમાં તેણે માંડવાળ કરેલી રૂ. 7.34 લાખ કરોડની કુલ લોન્સમાંથી માત્ર રૂ. 1.03 લાખ કરોડની રિકવરી જ કરી શકી છે. જેને જોતાં કેન્દ્રિય નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ આવા એનપીએ એકાઉન્ટ્સમાંથી રિકવરીમાં સુધારા પર ભાર મૂકવા જણાવ્યું છે. જે પીએસયૂ બેંક્સને રિટન-ઓફ લોન્સમાં વન-ટાઈમ સેટલમેન્ટ(OTC)ની પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રેરે તેવી અપેક્ષા છે.
નાણા મંત્રાલયે માંડવાળ કરવામાં આવેલા લોન એકાઉન્ટ્સના 40 ટકા રિકવરીનો ટાર્ગેટ બાંધ્યો છે. જે હાંસલ કરવા માટે જાહેર ક્ષેત્રના લેન્ડર્સ વન-ટાઈમ સેટલમેન્ટ માટે સક્રિયપણે ભાર આપી રહ્યાં છે. માર્ચ 2022 સુધીમાં પીએસયૂ બેંક્સ રૂ. 7.34 લાખ કરોડની કુલ માંડવાળીમાંથી માત્ર રૂ. 1.03 લાખ કરોડ એટલેકે 14 ટકા જ રિકવર કરી શકી છે. હાલમાં બેંક્સ ચાર માધ્યમો મારફતે નાદાર કંપની પાસેથી રિકવરી પ્રક્રિયા હાથ ધરી શકે છે. જેમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, ડેટ રિકવરી ટ્રિબ્યૂનલ, સરફેસાઈ એક્ટ 2002 અને લોક અદાલતનો સમાવેશ થાય છે. પીએસયૂ બેંકના સિનિયર અધિકારીના મતે 40 ટકા રિકવરી ટાર્ગેટને હાંસલ કરવા માટે અમારે ઓટીએસનું પ્રમાણ વધારવું પડશે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કાનૂની પ્રક્રિયા તેનું કામ કરશે. ઘણી બેંકોએ પોતાની ભિન્ન પોલીસી ઘડી છે. જેમાં માંડવાળ એકાઉન્ટ માટે ઓટીએસનો સમાવેશ થાય છે. જેને કારણે આવા એકાઉન્ટ્સમાં રિકવરીની સ્થિતિમાં સુધારો જોવા મળશે એમ તેઓ ઉમેરે છે. સામાન્યરીતે માંડવાળી સિક્યોર્ડ એસેટ્સ સિવાયની હોય છે અને તેથી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ આવી લોન્સની ખરીદીમાં કદાચ રસ નહિ દર્શાવે. જો એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ રસ પણ દર્શાવશે તો રિકવરી રેટ એટલો નીચો હશે કે બેંક્સને તેમાં રસ ના હોય તેવું બની શકે. મે 2023માં નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંક્સને માંડવાળ લોનમાંથી રિકવરીને વધારી 40 ટકા કરવા માટે જણાવ્યું હતું. તાજેતરમાં રિઝર્વ બેંક ગવર્નર શશીકાંત દાસે પીએસયૂ બેંક્સના વડાઓને રિકવરીમાં સુધારો કરવા કહ્યું હતું.
HDFC બેંકનો નેટ પ્રોફિટ 30 ટકા ઉછળી રૂ. 11951 કરોડ રહ્યો
બેંકની ગ્રોસ એનપીએ 1.28 ટકા પરથી ઘટી 1.17 ટકા જોવા મળી
બેંકનું નેટ ઈન્ટેરેસ્ટ માર્જિન 21 ટકા ઉછળી રૂ. 23599 કરોડ રહ્યું
વિશ્વમાં પાંચમા ક્રમની એવી એચડીએફસી બેંકે દલાલ સ્ટ્રીટની અપેક્ષા કરતાં સારા પરિણામો રજૂ કર્યાં છે. જૂન ક્વાર્ટરમાં બેંકનો નફો વાર્ષિક ધોરણે 30 ટકા ઉછળી રૂ. 11,951.7 કરોડ પર રહ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9196 કરોડ પર જોવા મળતો હતો. બેંકનું નેટ ઈન્ટેરેસ્ટ માર્જિન 21 ટકા ઉછળી રૂ. 23599 કરોડ નોંધાયું હતું. જે કુલ એસેટ્સ પર 4.1 ટકા પર જોવા મળતું હતું. જ્યારે ઈન્ટરેસ્ટ અર્નિંગ્સ એસેટ્સ પર 4.3 ટકા પર નોંધાયું હતું.
પ્રોવિઝન અગાઉ બેંકનો ઓપરેટિંગ પ્રોફિટ 22.2 ટકા ઉછળી રૂ. 18,772 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 15,267.84 કરોડ પર હતો. નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેંકના પ્રોવિઝન્સ અને કન્ટેન્જન્સિસ રૂ. 2,860 કરોડ પર જોવા મળ્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3,188 કરોડ પર હતાં. એસેટ ક્વોલિટીની વાત કરીએ તો બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રેશિયો 1.17 ટકા પર જોવા મળ્યો હતો. જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં 1.28 ટકા પર હતો. આ જ રીતે બેંકનો નેટ એનપીએ રેશિયો પણ 0.35 ટકા પરથી ગગડી 0.30 ટકા પર જોવા મળ્યો હતો.
સેગમેન્ટ મુજબ રેવન્યૂ જોઈએ તો બેંકની ટ્રેઝરી ઈન્કમ રૂ. 10,537 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7,379 કરોડ પર હતી. બેંકના રિટેલ બિઝનેસની આવક રૂ. 42,939 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 31,685 કરોડ પર જોવા મળી હતી. જ્યારે બેંકની હોલસેલ બેંકિંગની આવક રૂ. 28,332 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે રૂ. 18,642 કરોડ પર હતી. બેંકની ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે 19.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને 30 જૂનની આખરમાં તે રૂ. 19.13 લાખ કરોડ પર હતી. બેંકની નીચો ખર્ચ ધરાવતી ડિપોઝીટ્સ એટલેકે કાસા ડિપોઝીટ્સ 10.7 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જેમાં સેવિંગ્ઝ એકાઉન્ટ ડિપોઝીટ્સ રૂ. 5.6 લાખ કરોડ અને કરન્સ એકાઉન્ટ ડિપોઝીટ્સરૂ. 2.52 લાખ કરોડ પર જળવાય હતી. કાસા ડિપોઝીટ્સનો રેશિયો 42.5 ટકા પર જોવા મળ્યો હતો. બેંકના કુલ એડવાન્સિસ 30 જૂનની આખરમાં 15.8 ટકા વધી રૂ. 16,15,672 કરોડ પર જોવા મળ્યાં હતાં.
HDFC બેંક 150 અબજ ડોલરથી વધુના મૂલ્ય સાથે વિશ્વની સાતમી સૌથી મોટી બેંક
સોમવારે એચડીએફસી બેંકનું માર્કેટ-કેપિટલાઈઝેશન 150 અબજ ડોલરને પાર કરી ગયું હતું અને તે મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સાચ અને બેંક ઓફ ચાઈના કરતાં મોટી બેંક બની હતી. એચડીએફસી લિમિટેડ સાથે મર્જર પછી સોમવારે એચડીએફસી બેંકે 100 અબજ ડોલરથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓની ક્લબમાં પ્રવેશ કર્યો હતો. જે સાથે તે વિશ્વની સાતમી સૌથી મોટી લેન્ડર પણ બની હતી.
સોમવારે એચડીએફસી બેંકનું માર્કેટ-કેપિટલાઈઝેશન 150 અબજ ડોલરને પાર કરી ગયું હતું. જે સાથે મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સાચ અને બેંક ઓફ ચાઈના કરતાં મોટી બેંક બની હતી. હાલમાં, જેપી મોર્ગન વિશ્વમાં સૌથી મોટી બેંક છે. જે 438 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવે છે. ત્યારપછીના ક્રમે બેંક ઓફ અમેરિકા(232 અબજ ડોલર) અને ચીનની આઈસીબીસી(224 અબજ ડોલર)નો ક્રમ આવે છે. એચડીએફસી બેંકનું તેની પેરન્ટ એચડીએફસી સાથે 1 જુલાઈએ મર્જર પૂરું થયું હતું. સોમવારે મર્જ્ડ સ્ટોકમાં ટ્રેડિંગનો પ્રથમ દિવસ હતો. 13 જુલાઈએ એચડીએફસી લિ.ના શેરનું શેરબજારમાં ટ્રેડિંગ બંધ થયું હતું. 12 જુલાઈ તમામ યોગ્યતા ધરાવતાં શેરધારકોને શેર્સની ફાળવણી માટે રેકર્ડ ડેટ હતી. શુક્રવારે એચડીએફસી બેંક તરફથી એચડીએફસીના શેરધારકોને રૂ. 1ની ફેસવેલ્યૂના 311 કરોડથી વધુ શેર્સ ઈસ્યુ કરવામાં આવ્યાં હતાં. ડિલના ભાગરૂપે એચડીએફસીના શેરધારકને તેના 25 શેર્સ સામે એચડીએફસી બેંકના 42 શેર્સ મળ્યાં હતાં. જે મુજબ બેંકનું પેઈડ-અપ કેપિટલ 559,17,98,806 શેર્સ પરથી વધી 753,75,69,464 શેર્સ પર જોવા મળ્યું હતું. બીએસઈ ખાતે માર્કેટ-કેપની વાત કરી તો એચડીએફસી બેંક ત્રીજા ક્રમની કંપની બની હતી. તેનું માર્કેટ-કેપ રૂ. 12.86 લાખ કરોડ જોવા મળતું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 18.94 લાખ કરોડ સાથે સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી હતી. જ્યારે ટીસીએસ રૂ. 12.9 લાખ કરોડ સાથે બીજા ક્રમે જોવા મળતી હતી.
PNGRBએ નોઈડા સિટી ગેસ લાયસન્સ માટે અદાણી ટોટલની અરજી ફગાવી
ઓઈલ રેગ્યુલેટર પીએનજીઆરબીએ નોઈડા ખાતે ઓટોમોબાઈલ્સ માટે રિટેલ સીએનજી અને પરિવારોને પાઈપ્ડ ગેસ માટેનું લાયન્સ આપવાની અદાણી ટોટલ ગેસ લિ.ની અરજી ફગાવી છે. તેણે કંપની તરફથી માપદંડોનું પાલન નહિ કરવામાં આવી રહ્યું હોવાનું કારણ આપી આમ કર્યું છે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે 14 જુલાઈના રોજ એક આદેશમાં જણાવ્યું હતું કે અદાણી ટોટલ ગેસ કાયદાની જરૂરિયાતોનું પાલન નથી કરતી અને તેથી તેની અરજીને ફગાવાઈ છે. અદાણી છેલ્લાં બે દાયકાથી નેશનલ કેપિટલ રિજન આસપાસના શહેરોમાં સિટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન લાયસન્સ માટે પ્રયાસ કરી રહી છે. જે કંપની રેગ્યુલેટરની સત્તાવાર મંજૂરી ધરાવતી હોય અથવા રેગ્યુલેટર અસ્તિત્વમાં આવ્યો તે અગાઉ કેન્દ્ર સરકારની મંજૂરી ધરાવતી હોય તો જ શહેરમાં સીએનજી અથવા પાઈપ્ડ ગેસનું રિટેલીંગ કરી શકે છે. સરકારી કંપનીઓ વચ્ચેન સંયુક્ત સાહસ ઈન્દ્રપ્રસ્થ ગેસને દિલ્હીની નેશનલ કેપિટલ ટેરિટરી માટે ઓથોરાઈઝ્ડ કરવામાં આવી છે. જોકે, તેની આસપાસના શહેરો માટે અદાણીએ આઈજીએલના દાવાને પડકાર્યો છે. 2006માં અસ્તિત્વમાં આવેલી પીએનજીઆરબીએ તેની હાજરી અગાઉ કેન્દ્ર સરકારે જેમને સત્તાવાર મંજૂરી આપી હતી તેવી કંપનીઓની અરજી સ્વીકારી છે. આઈજીએલ 1990થી દિલ્હી એનસીટીમાં સીએનજીનું રિટેલીંગ કરી રહી છે.
જુલાઈના પ્રથમ પખવાડિયામાં FPIએ રૂ. 30K ઠાલવ્યાં
વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારમાં રૂ. 30600 કરોડનો ઈનફ્લો નોઁધાવ્યો છે. જે સાથે સતત ચોથા મહિને તેમના તરફથી પોઝીટીવ ફ્લો જળવાયો છે. અગાઉ મેમાં તેમણે રૂ. 43,838 કરોડનું જ્યારે જૂનમાં રૂ. 47,148 કરોડનું રોકાણ કર્યું હતું. જે સાથે ચાલુ કેલેન્ડરમાં તેમનું કુલ રોકાણ રૂ. 1.07 લાખ કરોડ પર પહોંચ્યું છે. જે 2021માં તેમના તરફથી વિક્રમી રોકાણ પછીનું બીજા ક્રમનું રોકાણ છે. માર્કેટ એનાલિસ્ટ્સ ભારતમાં મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ જોતાં એફપીઆઈ તરફથી આગામી સમયગાળામાં પોઝીટીવ ઈનફ્લો જળવાય રહે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે. કેલેન્ડર 2022માં એફઆઈઆઈએ રૂ. 2 લાખ કરોડથી વધુની વેચવાલી દર્શાવી હતી.
અદાણી કેપિટલની ખરીદીમાં બેઈન કેપિટલ ફ્રન્ટરનર
અદાણી જૂથની સાત-વર્ષ જૂની એનબીએફસી અદાણી કેપિટલની ખરીદીમાં બેઈન કેપિટલ મંત્રણાના આખરી તબક્કામાં પહોંચી ચૂકી હોવાનું જાણવા મળે છે. અદાણી કેપિટલની ખરીદીમાં ત્રણ પીઈ રોકાણકારોએ રસ દર્શાવ્યો હતો. જેમાં બેઈન કેપિટલ ઉપરાંત સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ અને કાર્લાઈલનો સમાવેશ થતો હતો. જોકે આમાં બેઈન કેપિટલ આગળ નીકળી ગઈ હોવાનું જાણકારોનું કહેવું છે. અદાણી કેપિટલનું સુકાન લેહમાન બ્રધર્સ ને મેક્વેરી ઈન્વેસ્ટમેન્ટ બેંકરના ભૂતપૂર્વ અધિકારી ગૌરવ ગુપ્તા કરી રહ્યાં છે. તેઓ કંપનીમાં 10 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે પ્રમોટર ગૌતમ અદાણી 90 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી જૂથ તેના અન્ય બિઝનેસિસ વેચી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ કરવા માગે છે.
જુલાઈમાં ભારે વરસાદ પાછળ ફ્યુઅલ્સની માગમાં ઘટાડો
સિંચાઈ સંબંધી નીચી જરૂરિયાતને કારણે કૃષિ ક્ષેત્રની માગમાં પણ ઘટાડો
જાહેર ક્ષેત્રની ફ્યુઅલ રિટેલ કંપનીઓએ જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં માસિક ધોરણે માગમાં ઘટાડો નોંધાવ્યો છે. દેશભરમાં વ્યાપક વરસાદને કારણે મુસાફરીમાં ઘટાડાને કારણે આમ જોવા મળ્યું હતું. 1 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં પેટ્રોલનું દૈનિક વેચાણ જૂનમાં સમાનગાળાની સરખામણીમાં 19.7 ટકાના તીવ્ર ઘટાડે 29.6 લાખ ટન પર જોવા મળ્યું હતું.
સામાન્યરીતે ચોમાસાની સિઝનમાં ભારતમાં બળતણની માગમાં ઘટાડો જોવા મળતો હોય છે. જેની અસર દેશની આયાત પર પણ પડે છે. જૂન મહિનાથી ચોમાસુ શરૂ થાય છે અને ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેતો હોય છે. જેની મુસાફરી પર અસર પડે છે. આ ઉપરાંત, આ સમયગાળામાં સિંચાઈ માટે પણ બળતણની માગમાં ઘટાડો જોવા મળે છે. કેમકે મોટાભાગનું વાવેતર વરસાદમાંથી જ પાણી મેળવે છે. સરકારી માલિકીની કંપનીઓની પેટ્રોલની માગમાં ઘટાડાનું એક વધુ કારણ ખાનગી રિફાઈનર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સસ્તાં દરે ફ્યુઅલનું વેચાણ પણ છે. દેશમાં કુલ રિફાઈન્ડ ફ્યુઅલના વપરાશનો 40 ટકા હિસ્સો પેટ્રોલનો હોય છે. જે દેશમાં સીધી રીતે ઔદ્યોગિક કામગીરી સાથે જોડાયેલો છે. જુલાઈમાં માસિક ધોરણે પીએસયૂ રિટેલર્સનું વેચાણ 10.8 ટકા ઘટ્યું હતું અને 12.6 લાખ ટન આસપાસ રહ્યું હતું એમ ડેટા જણાવે છે. દેશમાં કુલ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સમાં આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ મળી 90 ટકા હિસ્સો ધરાવે છે.
ફોક્સકોનનો કર્ણાટકમાં રૂ. 8800 કરોડના મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ માટેનો પ્રસ્તાવ
કંપની તેના વર્તમાન એન્ડ એસેમ્બલી યુનિટ પાસે સપ્લિમેન્ટરી યુનિટની સ્થાપના કરશે
વિશ્વમાં ટોચના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર એવા ફોક્સકોને કર્ણાટકમાં દેવનહલ્લી ઈન્ફોર્મેસન ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ રિજિયન(ITIR) સ્થિત યુનિટ ખાતે રૂ. 8800 કરોડના ખર્ચે સપ્લિમેન્ટરી પ્લાન્ટ સ્થાપવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે એમ રાજ્યના લાર્જ એન્ડ મિડિયમ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર એમ બી પાટિલે જણાવ્યું હતું. આ સંબંધમાં ફોક્સકોન ઈન્ડસ્ટ્રીઅલ ઈન્ટરનેટ(એફઆઈઆઈ)ના સીઈઓબ્રાન્ડ ચેન્ગની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યપ્રધાન સિધ્ધારામૈયાની અધ્યક્ષતામાં ઉચ્ચ-સ્તરીય બેઠક પણ યોજાઈ હતી એમ તેમણે ઉમેર્યું હતું.
ફોક્સકોનના પ્રસ્તાવ મુજબ અગાઉ હોન હાઈ પ્રિસિસન ઈન્ડસ્ટ્રી કો તરીકે જાણીતી ફોક્સકોનની સબસિડીયરી એફઆઈઆઈના પ્રસ્તાવ મુજબ રૂ. 8800 કરોડનું રોકાણ કરવામાં આવશે. જે 14000 જોબ્સ ઊભી કરશે. આ પ્લાન્ટ માટે 100 એકર્સ જમીનની જરૂર પડશે. એફઆઈઆઈના પ્રતિનિધિઓને જિલ્લાના મુખ્યાલય નજીક જાપાન ઈન્ડસ્ટ્રીઅલ ટાઉનશીપ ખાતે પ્રાપ્ય જમીનની ચકાસણી માટે લઈ જવામાં આવશે. એફઆઈઆઈ ફોન્સ માટે જરૂરી સ્ક્રિન્સ અને આઉટર કવરિંગ્સ ઉપરાંત મિકેનીકલ કોમ્પોનેન્ટ્સના ઉત્પાદનમાં સક્રિય બનશે. જે દેવનહલ્લી સ્થિત એન્ડ એસેમ્બલી યુનિટ ઉપરાંત સપ્લીમેન્ટરી પ્લાન્ટ તરીકે કામ કરશે. રાજ્ય સરકાર આ માટે જરૂરી તમામ સપોર્ટ પૂરો પાડશે. જેમાં જમીનની ફાળવણીનો સમાવેશ થાય છે. કંપની દેવનહલ્લી ખાતે પ્રથમ તબક્કામાં રૂ. 8400 કરોડનું રોકાણ કરશે અને 50000 જોબ્સનું સર્જન કરશે.
કોર્પોરેટ રાઉન્ડ અપ
પ્રોક્સિમસ રૂટ મોબાઈલમાં રૂ. 5922 કરોડમાં 58 ટકા હિસ્સો ખરીદશે
બેલ્જિયમનું પ્રોક્સિમસ ગ્રૂપ રૂટ મોબાઈલમાંરૂ. 5922 કરોડમાં 57.66 ટકા હિસ્સો ખરીદશે. આ જાહેરાત પછી રૂટ મોબાઈલનો શેર શરૂઆતમાં ગેપ-અપ ઓપનીંગ દર્શાવી પાછળથી 5 ટકા ઘટાડે રૂ. 1547.25ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રોક્સિમસ ક્લાઉડ કોમ્યુનિકેશન્સ પ્રોવાઈડર કંપનીમાં રૂ. 1626.40 પ્રતિ શેરના ભાવે ખરીદી કરશે. શુક્રવારે રુટ મોબાઈલનો શેર 8.3 ટકા ઉછળી રૂ. 1759.90ની દોઢ વર્ષની ટોચે બંધ રહ્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ બહુમતી હિસ્સાની ખરીદી કર્યાં પછી ભારતીય રેગ્યુલેશન્સના નિયમો મુજબ ફરજિયાત ટેકઓવર ઓફર ટ્રિગર થશે. જે માટે બાયરે સમાન ભાવે રુટ મોબાઈલનો 26 ટકા હિસ્સો ખરીદવાનો રહેશે. એમટીઓના પરિણામને આધારે પ્રોક્સિમસનો હિસ્સો વધી 75 ટકા સુધી પહોંચી શકે છે.
ડીબીએસ બેન્કે ગિફ્ટ આઈએફએસસી બેંકિંગ યુનિટ શરુ કર્યું
સિંગાપોરની સૌથી મોટી બેંક ડીબીએસ બેંક લિમિટેડે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરમાં તેના આઈએફએસસી બેંકિંગ યુનિટની શરૂઆત કરી છે. સિંગાપોરના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન લોરેન્સ વોંગ તથા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર અને ગિફ્ટ સિટીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ધરાવે છે, જે અનુકૂળ નિયમનકારી વાતાવરણ, કર લાભો અને અન્ય બિઝનેસ સક્ષમતા પ્રદાન કરે છે.
IOCએ પરિવર્તન-પ્રિઝન-ટુ-પ્રાઇડના પાંચમા તબક્કાનો આરંભ કર્યો
પીએસયૂ સાહસ ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે સોમવારે ઇન્ડિયન ઓઇલના ટોચના આંતરરાષ્ટ્રીય રમતવીરો અને જેલ સત્તાવાળાઓની હાજરીમાં પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડના પાંચમા તબક્કા અને નયી દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. પરિવર્તનના પાંચમા તબક્કાને સાત જેલોમાં અમલી બનાવાશે. જ્યારે નયી દિશાનો બીજો તબક્કો 18 ચિલ્ડ્રન હોમને આવરી લેશે, જેમાં 17 રાજ્યોના 1000 જેટલા પાર્ટિસિપન્ટ્સને કવર કરવામાં આવશે.
પતંજલિ ફૂડ્સમાં GQGએ 6 ટકા હિસ્સો ખરીદ્યો
યુએસ સ્થિત ઈન્વેસ્ટર જીક્યુજી પાર્ટનરે પતંજલિ ફૂડ્સ લિમિટેડમાં 6 ટકા હિસ્સો ખરીદ્યો છે. તેણે કંપનીની ઓફર-ફોર-સેલ મારફતે આ હિસ્સો મેળવ્યો હતો. પતંજલિએ ઓએફએસમાં 7 ટકા હિસ્સાનું વેચાણ પૂરું કર્યું હતું. જે સાથે કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 80.82 ટકા પરથી ઘટી 73.82 ટકા પહોંચ્યો છે. સેબીના નિયમોનું પાલન કરવાના ભાગરૂપે ઓએફએસ કરવામાં આવ્યો હતો. ઓએફએસ બજારભાવ કરતાં ડિસ્કાઉન્ટમાં કરાયો હોવા છતાં શેર સોમવારે 3 ટકા મજબૂતી દર્શાવતો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ હેવીવેઈટની સબસિડિયરી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ બોલીવુડ એકટ્રેસ આલિયા ભટ્ટની ચાઈલ્ડવેર બ્રાન્ડ એડ-એ-મમ્માની સંપૂર્ણપણે ખરીદી માટે વિચારી રહ્યું છે. કંપની રૂ. 300-350 કરોડમાં આ બ્રાન્ડ ખરીદે તેવી શક્યતાં હોવાનું વર્તુળો જણાવે છે. હાલમાં બંને કંપનીઓ વચ્ચે મંત્રણા આખરી તબક્કામાં પહોંચી છે અને 7-10 દિવસોમાં એગ્રીમેન્ટ થવાની શક્યતાં છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ મિડિયા કંપનીએ સેબી તરફથી પુનિત ગોએન્કા પર પ્રતિબંધ પછી કંપનીની કામીગીરીની દેખરેખ માટે એક વચગાળાની કમિટીની રચના કરી છે. કંપનીના બોર્ડે 14 જુલાઈના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. સેબીએ અંગત નાણાકિય લાભના આક્ષેપસર સુભાષ ચંદ્ર અને પુનિત ગોએન્કા પર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મેનેજર તરીકેના હોદ્દા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પર સ્ટે માટે સેટે પણ ઈન્કાર કરતાં ઝીના બોર્ડે સમિતિ રચવાની ફરજ પડી હતી.
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની ઈપીસી કંપનીએ વોટર ટ્રિટમેન્ટ ક્ષેત્રે મોટો ઓર્ડર મેળવ્યો છે એમ જણાવ્યું છે. કંપનીએ ઉત્તર પ્રદેશ સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન તરફથી આ ઓર્ડર મેળવ્યો છે. એવોર્ડ કંપનીની સબસિડિયરી એલએન્ડટી કન્સ્ટ્રક્શનને મળ્યો છે. કંપનીએ ઓર્ડરનું મૂલ્ય નહોતું જાહેર કર્યું. જોકે, કંપનીના પ્રોજેક્ટ ક્લાસિફિકેશન મુજબ રૂ. 2500 કરોડથી રૂ. 5000 કરોડની રેંજના ઓર્ડરને લાર્જ ઓર્ડર તરીકે ગણવામાં આવે છે.
એલટીઆઈમાઈન્ડટ્રીઃ પાંચમા ક્રમની આઈટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1152 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1106 કરોડના પ્રોફિટની સરખામણીમાં 4.12 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 7644 કરોડ પરથી ઉછળી રૂ. 8702.1 કરોડ પર નોંધાઈ હતી. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1114.1 કરોડનો નફો દર્શાવ્યો હતો. વાર્ષિક ધોરણે કંપનીની આવક 8 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. કંપનીનો એબિટા 9 ટકા ઉછળી રૂ. 1635 કરોડ પર જોવા મળ્યો હતો.
કરુર વૈશ્ય બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે જૂન ક્વાર્ટરમાંરૂ. 359 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 235ની સરખામણીમાં 57 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપીની આવક ગયા વર્ષના રૂ. 1,673 કરોડથી વધીને રૂ. 2,216 કરોડ થઈ હતી. કંપનીની ઈન્ટરેસ્ટ ઈન્કમ ગયા વર્ષની રૂ. 1,474 કરોડ સામે વધી રૂ. 1,883 કરોડ રહી હતી. કંપનીની ગ્રોસ એનપીએ વાર્ષિક ધોરણે 5.28 ટકા પરથી ઘટી 1.99 ટકા જોવા મળી હતી. જ્યારે નેટ એનપીએ 0.59 ટકા પર રહી હતી.
ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝઃ લગભગ પાંચ દાયકા જૂની બ્રાન્ડ ફ્લેરના માલિક ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની આઈપીઓ મારફતે કુલ રૂ. 745 કરોડ એકત્ર કરવા ધારે છે. જેમાં રૂ. 365 કરોડ ફ્રેશ ઈસ્યુમાંથી જ્યારે રૂ. 380 કરોડ ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. કંપનીએ 2022-23માં રૂ. 754.18 કરોડની આવક નોંધાવી હતી. જ્યારે દેશના રાઈટિંગ ઈન્સ્ટ્રુમેન્ટ ઉદ્યોગમાં 9 ટકા બજાર હિસ્સો ધરાવે છે.
કોટક મહિંદ્રા પ્રાઈમઃ કોટક બેંકની સીએસઆર પહેલ હેઠળ કોટક મહિંદ્રા પ્રાઈમે ગુજરાતના વડોદરામાં સ્માઈલ ઓન વ્હીલ્સ માટે ભારતીય વિકાસ સંસ્થા સ્માઈલ ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે. સ્માઈલ ઓન વ્હીલ્સ બે મોબાઈલ મેડિકલ યુનિટ્સ થકી જિલ્લાના 30 ગામોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડશે.
સ્પાર્ક મિન્ડાઃ સ્પાર્ક મિન્ડાની ફ્લેગશિપ કંપની મિન્ડા કોર્પોરેશને ઈલેક્ટ્રિક વેહિકલ્સ માટે બેટરી ચાર્જર્સનું ઉત્પાદન કરવા ઓઈએમ પાસેથી મોટો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. જે ઓર્ડરનું આજીવન મૂલ્ય રૂ. 750 કરોડ છે. પ્રોડક્ટ્સનું ઉત્પાદન પુણે સ્થિત એકમ ખાતે કરવામાં આવશે.
મેટ્રિક્સ ગેસઃ દેશમાં ટોચના ગેસ એગ્રીગેટરમાંના એક મેટ્રિક્સ ગેસ એન્ડ રિન્યુએબલ્સ લિમિટેડે 6 જુલાઈ, 2023ના રોજ પ્રી-આઈપીઓ પ્રેફરન્શિયલ એલોટમેન્ટને પૂર્ણ કરવા સાથે આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપનીએ અશ્નીર ગ્રોવર, ગુણવંત વૈદ, છત્તીસગઢ ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્રુપ અને સિંઘવી હેરિટેજ એલએલપી જેવા જાણીતા રોકાણકારો પાસેથી ભંડોળ મેળવ્યું છે. કંપની 56 લાખ શેર્સનો આઈપીઓ લાવશે.
બજાજ અલિયાન્ઝ લાઇફઃ પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરરે ખાસ સેવિંગ્સ પ્લાન લોન્ચ કર્યો છે. નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, અર્લી ઇન્કમ પ્લાન એવો બજાજ અલિયાન્ઝ લાઈફ ACE કસ્ટમર્સને લાઈફ કવર ઉપરાંત તેમની નાણાંકીય જરૂરિયાતો મુજબ કેશ ફ્લો કસ્ટમાઈઝ બનાવવાની સુવિધા આપે છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રની બેંકે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 77 ટકા વૃદ્ધિ સાથે રૂ. 418 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જોકે, ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 26.8 ટકા ઘટાડો દર્શાવે છે. તેણે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 571 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 48.27 ટકા ઉછળી રૂ. 3176 કરોડ પર રહી હતી.