બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ તરફથી સપોર્ટના અભાવે શેરબજારમાં મંદી યથાવત
નિફ્ટી 19300નું લેવલ જાળવવામાં સફળ
સેન્સેક્સ 65000ની સપાટી ગુમાવી
વૈશ્વિક સ્તરે સાર્વત્રિક નરમાઈનો માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા ગગડી 12.14ના સ્તરે
પીએસયૂ બેંક્સ, એનર્જી, મિડિયા, એફએમસીજી, મેટલમાં મજબૂતી
આઈટી, ઓટો, ફાર્મામાં નરમાઈ
હૂડકો, ઈઆઈએચ, જ્યોતિ લેબ્સ નવી ટોચે
યૂપીએલ, જીએમએમ ફોડલર નવા તળિયે
શેરબજારમાં તેજીવાળાઓ સાઈડલાઈન બનવાના કારણે ઘટાડો અટકી રહ્યો નથી. સપ્તાહના આખરી સત્રમાં માર્કેટ તેના છ સપ્તાહના તળિયા પર ટ્રેડ થઈ પરત ફર્યું હતું અને મહિનાના તળિયા પર બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 202.36 પોઈન્ટ્સ ગગડી 64,948.66ની સપાટીએ જ્યારે નિફ્ટી 55.10 પોઈન્ટ્સના ઘટાડે 19,310.15ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી અટકતાં બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3748 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2086 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1527 કાઉન્ટર્સ વૃદ્ધિ સૂચવતાં હતાં. 198 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સ વાર્ષિક તળિયાં પર ટ્રેડ થયાં હતાં. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા ગગડી 12.14ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં શેરબજારે સતત ત્રીજા દિવસે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 19365.25ના અગાઉના ક્લોઝ સામે 19301.75ની સપાટી પર ખૂલી ઉપરમાં 19373ની સપાટીએ પોઝીટીવ ટ્રેડ દર્શાવી આખરી કલાકમાં ફરીથી ગગડ્યો હતો અને નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જોકે, આમ છતાં તેણે 19300નો સપોર્ટ જાળવ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 16 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 19316 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે દર્શાવેલું 19275નું લેવલ નજીકનો સપોર્ટ બની રહેશે. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ આ સપાટીને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ જાળવવા જણાવે છે. જો આ સ્તર તૂટશે તો માર્કેટમાં ટ્રેન્ડ રિવર્સલની ખાતરી મળશે. જે સ્થિતિમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ દૂર થતું જોવા મળી શકે છે. સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ આપનારા ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, નેસ્લે, બ્રિટાનિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, એચયૂએલ, તાતા મોટર્સ, આઈટીસી, એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, ટીસીએસ, હિંદાલ્કો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, વિપ્રો, ઓએનજીસી, એમએન્ડએમ, બીપીસીએલ, બજાજ ફિનસર્વ, યૂપીએલ અને પાવર ગ્રીડ કોર્પોરેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસયૂ બેંક્સ, એનર્જી, મિડિયા, એફએમસીજી, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ઓટો, ફાર્મામાં નરમાઈ જળવાઈ હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, આઈઓબી, બેંક ઓફ બરોડા, એસબીઆઈ સુધારો નોંધાવવામાં ટોચ પર હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેકસ પણ પોઝીટીવ બંધ જળવાયો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. જ્યારે ઓએનજીસી, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોમાં નરમાઈ જોવા મળી હતી. પીએસયૂ કાઉન્ટર્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ નિફ્ટી પીએસયૂ એક ટકા ગગડ્યો હતો. એફએમસીજી કાઉન્ટર્સમાં બાઉન્સ પાછળ નિફ્ટી એફએમસીજી પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં ઈમામી, ડાબર ઈન્ડિયા, નેસ્લે, બ્રિટાનિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ, વરુણ બેવરેજિસ, એચયૂએલમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એસીસી, અંબુજા સિમેન્ટ્સ, આઈશર મોટર્સ, મેક્સ ફાઈનાન્સિયલ, રામ્કો સિમેન્ટ્સ, એમઆરએફમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, બિરલાસોફ્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એસ્ટ્રાલ, ઈન્ફો એજ, એલઆઈસી હાઉસિંગ, બલરામપુર ચીની, પેજ ઈન્ડસ્ટ્રીઝ, લ્યુપિન, હીરો મોટોકોર્પ, એલએન્ડી ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, કોલ ઈન્ડિયા અને પેટ્રોનેટ એલએનજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ ખાતે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં હૂડકો, ઈઆઈએચ, જ્યોતિ લેબ્સ, સીએસબી બેંક, કેપીઆર મિલ, સીજી પાવર, ઈમામી, અપાર ઈન્ડ, એસ્કોર્ટ્સ કુબોટા, બીએલએસ ઈન્ટરનેશનલનો સમાવેશ થતો હતો. જ્યારે યૂપીએલ, જીએમએમ ફોડલરે નવા તળિયે દર્શાવ્યાં હતાં.
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનું 21 ઓગસ્ટે લિસ્ટીંગ થશે
શરૂઆતી 10 ટ્રેડિંગ સત્રોમાં કંપનીનો શેર ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં જોવા મળશે
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ(JFS)નું શેરબજાર પર 21 ઓગસ્ટ, 2023ના રોજ લિસ્ટીંગ થશે એમ બીએસઈના સર્ક્યુલરમાં જણાવાયું હતું. ગયા મહિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી જેએફએસને અલગ કરવામાં આવી હતી. જે વખતે આયોજિત વિશેષ ટ્રેડિંગ સત્રમાં કંપનીનું માર્કેટ-કેપ 20 અબજ ડોલર પર નિર્ધારિત થયું હતું.
એક્સચેન્જની નોટિસમાં જણાવ્યા મુજબ જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના ઈક્વિટી શેર્સનું લિસ્ટીંગ 21 ઓગસ્ટ, 2023થી કરવામાં આવશે. શરૂઆતી તબક્કામાં કંપનીનો શેર ટી ગ્રૂપના શેર્સમાં સ્થાન મેળવશે. બીએસઈની જાહેરાત મુજબ શરૂઆતી 10 સત્રો માટે જેએફએસનો શેર ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. તે સોમવારથી JIOFIN સિમ્બોલ હેઠળ ટ્રેડ થશે. કંપનીના શેર માટે પ્રાઈસ ડિસ્કવરીના ભાગરૂપે આયોજિત સત્રમાં રૂ. 261.85 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી રૂ. 133 પ્રતિ શેરના ખરીદ ભાવથી નોંધપાત્ર ઊંચો જોવા મળ્યો હતો. નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.66 લાખ કરોડ પર અથવા 20.3 અબજ ડોલર પર નોંધાયું હતું. આમ, ભારતમાં તે બીજા ક્રમની એનબીએફસી બની છે. જ્યારે દેશની 32મી સૌથી મોંઘી કંપની બની છે. જે તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફ જેવી કંપની કરતાં ઊંચું મૂલ્ય ધરાવે છે. જેએફએસના લોંચ વખતે અંબાણીએ જણાવ્યું હતું કે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સાદા, પોસાય તેવા અને ઈનોવેટીવ ડિજીટલ-ફર્સ્ટ સોલ્યુશન્સ ઓફર કરવાનો ઈરાદો ધરાવે છે.
ગઈ 26 જુલાઈએ જેએફએસ અને યુએસ સ્થિત સૌથી મોટા પીઈ બ્લેકરોકે 50-50 ટકા ભાગીદારી સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી. બંને કંપનીઓ કુલ 15-15 કરોડ ડોલરના રોકાણ સાથે ભારતમાં એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કરશે. બંને ભાગીદારોએ જણાવ્યું હતું કે જીઓ બ્લેકરોકનું સંયુક્ત સાહસ જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝની એક્સપર્ટીઝ અને રિસોર્સિઝનું બ્લેકરોકના વૈશ્વિક સ્કેલ અને ઈન્વેસ્ટમેન્ટ નોલેજનો ઉપયોગ કરી ભારતમાં લાખો રોકાણકારોને પોસાય તેવા ઈનોવેટીવ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડશે. શુક્રવારે જીઓ ફાઈનાન્સિયલના લિસ્ટીંગની જાહેરાત પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શરૂઆતી ઘટાડો ઘણો ખરો દૂર થયો હતો અને કામકાજની આખરમાં શેર 0.74 ટકા સુધારા સાથે રૂ. 2556.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
લોનધારકને ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ રેટ્સમાં શિફ્ટ થવાનો વિકલ્પ આપોઃ RBI
બોરોઅર્સની ચિંતાના સમાધાન માટે આરબીઆઈએ બેંક્સને યોગ્ય પોલિસી ફ્રેમવર્ક ઘડી કાઢવા જણાવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે બેંક્સ સહિતના લેન્ડર્સને બોરોઅર્સને વ્યાજ દરોના પુનઃનિર્ધારણ વખતે ફિક્સ્ડ રેટમાં શિફ્ટ થવા માટેનો વિકલ્પ પૂરો પાડવા માટે જણાવ્યું હતું. એક જાહેરનામા મારફતે આરબીઆઈએ જણાવ્યું હતું કે ઈએમઆઈ-બેઝ્ડ ફ્લોટિંગ રેટ પર્સનલ લોન્સના કિસ્સામાં ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે. વ્યાજ દર વધતાં હોય ત્યારે બેંક્સ સહિતના ધિરાણકર્તાઓ તેના લોનધારકને કોઈપણ પ્રકારની જાણ કર્યાં વિના ઈએમઆઈમાં વૃદ્ધિ કરતાં હોય છે ક્યાં તો તેના લોન પિરિયડમાં વૃદ્ધિ કરતાં હોય છે. આ ચિંતાઓના સમાધાન માટે આરબીઆઈએ તેનાથી રેગ્યુલેટેડ બેંકિંગ કંપનીઓને યોગ્ય પોલિસી માળખું ઘડી કાઢવા જણાવ્યું છે. બેંકિગ રેગ્યુલેટરે નોંધ્યું છે કે બેંકે રેટમાં વૃદ્ધિને મંજૂરી આપતાં સમયે બોરોઅર્સ સાથે ઈએમઆઈમાં કે લોનના સમયગાળામાં અથવા તો બંનેમાં વૃદ્ધિને લઈને સ્પષ્ટપણે કોમ્યુનેકેશન કરવાનું રહેશે. તેણે યોગ્ય ચેનલ્સ મારફતે બોરોઅર્સને તત્કાળ તેની લોન સંબંધી બાબતોમાં ફેરફારને લઈ જણાવવાનું રહેશે એમ આરબીઆઈએ નોંધ્યું હતું.
આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ બેંક્સ કે અન્ય લોન પ્રોવાઈડર્સ ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કરી રહ્યાં હોય ત્યારે તેમણે પોલિસીના ભાગરૂપે બોરોઅર્સને ફિક્સ્ડ રેટમાં તબદિલ થવાનો વિકલ્પ આપવો જોઈએ. બેંકે ગ્રાહકને તેના લોન કાળ દરમિયાન કેટલીવાર ફિક્સ્ડ અને ફ્લોટિંગ રેટમાં શિફ્ટ થઈ શકશે તેની સંખ્યા પણ નિશ્ચિત કરવાની રહેશે એમ આરબીઆઈએ જણાવ્યું છે. આ ઉપરાંત બોરોઅર્સને વધતાં વ્યાજ દરના કિસ્સામાં તેણે ઈએમઆઈ વૃદ્ધિનો વિકલ્પ અપનાવવો છે કે લોનનો સમયગાળો લંબાવવા છે અથવા બંનેનો ઉપયોગ કરવો છે તે પસંદગી પણ આપવાની રહેશે. તેમજ બોરોઅર્સને લોન દરમિયાન કોઈપણ સમયે સંપૂર્ણપણે કે આઁશિકપણે લોનની આગોતરી ચૂકવણી માટેનો વિકલ્પ પણ પૂરો પાડવાનો રહેશે એમ આરબીઆઈએ બેંક્સને સૂચવ્યું છે.
આરબીઆઈની મુખ્ય ટિપ્પણી
• બોરોઅર્સને લોન પર વ્યાજ દરમાં વૃદ્ધિ અગાઉ જાણ કરવાની રહેશે.
• લોનધારકને ફિક્સ્ડ રેટમાં તબદિલ થવાનો વિકલ્પ પૂરો પાડવાનો રહેશે.
• લોનની મુદત દરમિયાન કેટલીવાર ફિક્સ્ડ અને ફ્લોટિંગમાં શિફ્ટ થઈ શકાશે તેની સંખ્યા જણાવવાની રહેશે.
• ગ્રાહકને ઈએમઆઈ વૃદ્ધિ તેમજ લોન કાળમાં વૃદ્ધિ અથવા બંનેમાં વૃદ્ધિના વિકલ્પોની પસંદગી આપવાની રહેશે.
• બોરોઅર્સને લોનકાળ દરમિયાન સંપૂર્ણપણે કે આઁશિક પ્રિ-પેમેન્ટનો વિકલ્પ પણ આપવાનો રહેશે.
જુલાઈમાં કોર્પોરેટ ડિલ્સ 58 ટકા ઉછળી 3.1 અબજ ડોલરે જોવાયાં
જોકે વોલ્યુમ સંદર્ભમાં ડિલ સંખ્યા 95 પર રહેવા સાથે 46 ટકા ઘટાડો નોંધાયો
ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે ડિલ્સની કામગીરીમાં ફરી વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈમાં કોર્પોરેટ સેક્ટરમાં મૂલ્યના સંદર્ભમાં ડિલ્સમાં 58 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 3.1 અબજ ડોલર પર નોંધાયા હતાં. જેમાં મોટાભાગનો હિસ્સો ઊંચું મૂલ્ય ધરાવતાં બિગ-ટિકિટ ટ્રાન્ઝેક્શન્સનો હતો. જ્યારે પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રે સાવચેતી વચ્ચે સમગ્રતયા વોલ્યુમ્સમાં ઘટાડો નોંધાયો હતો.
ગ્રાન્ટ થોર્ટને તૈયાર કરેલા ડેટા મુજબ જુલાઈમાં કુલ 95 ડિલ્સ નોંધાયા હતાં. જેનું મૂલ્ય 3.1 અબજ ડોલર જેટલું હતું. મૂલ્ય સંદર્ભમાં ડિલ્સમાં 58 ટકા વૃદ્ધિ જોવા મળી હતી પરંતુ વોલ્યુમ સંદર્ભમાં ડિલ્સમાં 46 ટકા ઘટાડો નોંધાયો હતો. કન્સલ્ટન્સી કંપનીના જણાવ્યા મુજબ ડિલ ક્ષેત્રે વૈશ્વિક મંદીની અસર દેખીતી વર્તાઈ રહી છે અને તે વર્ષની શરૂઆતથી જ મંદ જોવા મળે છે. જોકે, સરહદ પારના ડિલ્સમાં ઉછાળાને કારણે ડિલ વેલ્યૂમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે પ્રાઈવેટ ઈક્વિટી ડિલ્સમાં ઘટાડા પાછળ સમગ્રતયા વોલ્યુમ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મૂલ્યના સંદર્ભમાં વૃદ્ધિ પાછળ 2 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતાં 29 ડિલ્સ જવાબદાર હતાં. જેમાં છ ઊંચી વેલ્યૂ ધરાવતાં ટ્રાન્ઝેક્શન્સનો સમાવેશ થતો હતો. જેમાં આઈટી, ઓટો, રિટેલ અને મેન્યૂફેક્ચરિંગ જેવા સેક્ટર્સ મુખ્ય હતાં. ડિલ વેલ્યૂમાં વૃદ્ધિ પાછળ પ્રોક્સિમસ ઓપાલની રૂટ મોબાઈલમાં 72.1 કરોડ ડોલરમાં 58 ટકા હિસ્સા ખરીદી મહત્વનો સોદો હતો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2023માં દેશની બહાર થતી કામગીરી માસિક ધોરણે સર્વોચ્ચ સપાટી એ પહોંચી હતી. જ્યારે ઈનબાઉન્ડ કામગીરીએ જુલાઈ 2021 પછીની સૌથી ઊંચી માસિક કામગીરી દર્શાવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે મહિનાના ટોચના છ એમએન્ડએ સોદાઓમાંથી પાંચ સોદાઓ સરહદ પારના સોદા હતાં. પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ઘટી 1.1 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. પીઈ સેક્ટરમાં કુલ 66 ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યાં હતાં. જે માસિક ધોરણે બીજા ક્રમે સૌથી નીચા ડિલ્સ હતાં. આ અગાઉ ઓગસ્ટ 2020માં સૌથી નીચા પીઈ ડિલ્સ જોવા મળ્યાં હતાં. ડીલ કામગીરીની આગેવાની સ્ટાર્ટઅપ સેક્ટરે લીધી હતી અને તે 44 ટકા હિસ્સો ધરાવતું હતું. બેઈન કેપિટલ તરફથી અદાણી કેપિટલ અને અદાણી હાઉસિંગ ફાઈનાન્સમાં 17.6 કરોડ ડોલરમાં 90 ટકા હિસ્સા ખરીદી સેક્ટરમાં સૌથી મોટો સોદો હતો. આઈપીઓ ક્ષેત્રે ચિત્ર ખાસ ખરાબ નહોતું અને ત્રણ કંપનીઓએ મળીને 18.7 કરોડ ડોલર એકત્ર કર્યાં હતાં. જેમાં આઈટી, રિટેલ અને બેંકિંગ સેક્ટર્સન સમાવેશ થતો હતો. જુલાઈ 2022માં આઈપીઓ ક્ષેત્રે સ્થિરતા જોવા મળી હતી.
ફૂડ સપ્લાય મેનેજમેન્ટમાં મહત્વના સુધારાઓની જરૂરઃ RBI
આવા સુધારા કાર્યદક્ષતા અને ઉત્પાદક્તામાં વૃદ્ધિ કરશે જેને કારણે ખેડૂતો અને ગ્રાહકોને સપ્લાયની અને ખેડૂતોને વાજબી ભાવની ખાતરી મળશે
ભારતે ઝડપથી નાશ પામતાં કૃષિ ઉત્પાદનોનો કેવી રીતે સંગ્રહ કરવો તેની મજબૂત નીતિ અપનાવવાની જરૂર છે. જેથી અર્થતંત્રને વારંવાર સામનો કરવા પડતાં મોંઘવારીના આંચકામાંથી બચાવી શકાય એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધકોનું કહેવું છે.
આરબીઆઈએ ગુરુવારે રજૂ કરેલા સ્ટેટ ઓફ ધ ઈકોનોમી નામના માસિકમાં એક રિપોર્ટમાં નોંધ્યું છે કે શાકભાજીના ભાવોમાં છાશવારે થતાં તીવ્ર ભાવ વધારા સામે અર્થતંત્ર પાંગળું જણાય છે. ખાસ કરીને ચોમાસાની સ્થિતિમાં આમ વારંવાર બની રહ્યું છે. જે ઝડપથી નાશ પામતાં(પેરિશેબલ) કૃષિ ઉત્પાદકોની સપ્લાય ચેઈન્સને લઈ મજબૂત સુધારાઓની તાતી જરૂરિયાત સૂચવે છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ, વેરહાઉસિંગ અને સ્ટોરેજ ટેક્નોલોજિસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ સુધારાઓ સમગ્ર અર્થતંત્રમાં એક કાર્યદક્ષતા અને ઉત્પાદક્તા વૃદ્ધિ લાવશે. તેમજ તે ગ્રાહકોને ભાવમાં સ્થિરતા પૂરી પાડશે. તેમજ સપ્લાયની ખાતરી આપશે તથા ખેડૂતોને વળતરદાયી ભાવની ખાતરી મળી રહેશે એમ રિપોર્ટ નોંધે છે. એ વાત નોંધવી રહી કે મધ્યસ્થ બેંકે પ્રથમવાર સસ્તામાં વેચાઈ રહેલાં ખાદ્ય પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજિસ અને યોગ્ય સપ્લાય ચેઈન્સના અભાવને જવાબદાર ઠેરવ્યું છે. તાજેતરના મહિનાઓમાં ટામેટાના ભાવમાં લગભગ 500 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ દેશના કેટલાંક ભાગોમાં પૂર તથા કેટલાંક ભાગોમાં અપૂરતો વરસાદ હતું. જેની પાછળ જુલાઈમાં રિટેલ ઈન્ફ્લેસન 7.44 ટકાની 15-મહિનાની ટોચે પહોંચ્યું હતું.
દેશની પીક પાવર માગ 234 ગીગાવોટે પર રહી
દેશમાં 17 ઓગસ્ટે સૌથી ઊંચી વીજ માગ જોવા મળી હતી. વધતાં તાપમાન અને ભેજ પાછળ માગ 2,34,058 મેગાવોટ(234 ગીગાવોટ) પર રહી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ જુલાઈમાં વરસાદ 15 ટકા પોઝીટીવ પરથી ઓગસ્ટમાં 36 ટકા નેગેટિવ જોવા મળ્યો હતો. દેશના કુલ 717 જિલ્લાઓમાંથી 263માં અપૂરતો વરસાદ નોંધાયો હતો. જેને કારણે તાપમાન સાથે ભેજનું પ્રમાણ વધ્યું હતું અને વીજળીની ઊંચી માગ નોંધાઈ હતી. જે દરમિયાન વીજ ખાધ 7255 મેગાવોટ પર જળવાય હતી. ઉત્તર પ્રદેશે 800 મેગાવોટ જ્યારે બિહારે 207 મેગાવોટની વીજ ખાધ દર્શાવી હતી. 2022માં 10 જૂને 212 ગીગાવોટની સૌથી ઊંચી વીજ માગ જોવા મળી હતી.
રાજકિય તંગદિલીની ચેતવણી વચ્ચે મૂડીઝે ભારતનું Baa3 રેટિંગ જાળવ્યું
ભારતીય અર્થતંત્રના ઝડપી વૃદ્ધિ દરના મત પાછળ રેટિંગ અને આઉટલૂક સ્થિર જાળવ્યાં
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે શુક્રવારે ભારત માટેના તેના Baa3 રેટિંગને જાળવી રાખવા સાથે આઉટલૂકને પણ સ્થિર જાળવ્યો હતો. જોકે તેણે રાજકીય મુદ્દાઓને લઈ ચેતવણી આપી હતી. જેમાં તેણે મણિપુરમાં વર્તમાન હિંસાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું.
આર્થિક મોરે મૂડીઝે ભારતને વિશ્વમાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રોમાં ગણાવ્યું હતું. જોકે, તેણે નોંધ્યું હતું કે પાછલાં 7-10 વર્ષોમાં દેશ તેની શક્યતાં મુજબ વૃદ્ધિ દર હાંસલ કરી શક્યો નથી. રેટિંગ્સ એજન્સીના મતે ભારતનો સંભવિત ગ્રોથ રેટ કોવિડ દરમિયાન 6 ટકા નીચેના સ્તરેથી સુધરી 6-6.5 ટકા પર જોવા મળે છે. જોકે, તે ગયા દાયકાની મધ્યમાં જોવા મળેલાં 7 ટકાથી ઊપરના ગ્રોથ રેટ કરતાં હજુ પણ નીચો જળવાયો છે એમ મૂડીઝે જણાવ્યું છે. તેણે ઉમેર્યું છે કે સરકારના મૂડી ખર્ચ પરના ફોકસને કારણે લોજિસ્ટીક્સના દેખાવમાં દેખીતો સુધારો જોવા મળ્યો છે. અન્ય પોઝીટીવ પરિબળોમાં ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈકોનોમીનું ફોર્મલાઈઝેશન, ટેક્સ બેઝમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, છેલ્લાં ત્રણ વર્ષોમાં બેંકિંગ સિસ્ટમમાં ફંડામેન્ટલ સુધારાનો ઉલ્લેખ પણ મૂડીઝે પોઝીટીવ બાબતોમાં કર્યો છે. જોકે, ઉત્પાદનમાં અને નવા જોબ સર્જનમાં અર્થતંત્રની મર્યાદાને ગ્રોથ માટેની શક્યતાં સામે એક અવરોધ તરીકે ગણાવાયો છે.
અબુ ધાબીની TAQA તરફથી 2.5 અબજ ડોલરના રોકાણનો અદાણીનો ઈન્કાર
અગાઉ અબુ ધાબીની કંપની તરફથી રોકાણ પાછળ અદાણી જૂથ શેર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો
અદાણી ટ્રાન્સમિશને TAQA તરીકે ઓળખાતી અબુ ધાબી નેશનલ એનર્જી કંપની તરફથી અદાણી જૂથ કંપનીઓમાં 1.5 અબજ ડોલરથી 2.5 અબજ ડોલરના રોકાણને લઈ વાતચીત ચલાવવામાં આવી રહી હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. અગાઉ માધ્યમના અહેવાલ મુજબ ટીએક્યૂએ ગૌતમ અદાણીના પાવર બિઝનેસિસમાં 2.5 અબજ ડોલર સુધી રોકાણ માટેની ચકાસણી કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેની પાછળ શુક્રવારે અદાણી જૂથના શેર્સમાં તીવ્ર તેજી જોવા મળી હતી અને જૂથનું માર્કેટ-કેપ શુક્રવારે રૂ. 45 હજાર કરોડથી વધુ વૃદ્ધિ દર્શાવતું હતું.
માધ્યમના અહેવાલ મુજબ અદાણી જૂથની એક કંપનીમાં કે એકથી વધુ કંપનીમાં 1.5 અબજ ડોલરથી 2.5 અબજ ડોલરની રેંજમાં રોકાણ જોવા મળી શકે છે. જે અદાણી એનર્જી સોલ્યુશન્સ(અગાઉની અદાણી ટ્રાન્સમિશન)માં લગભગ 20 ટકા આસપાસ હિસ્સો ખરીદવાની સંભાવના સૂચવતો હતો. જોકે, સ્ટોક એક્સચેન્જિસને ફાઈલીંગમાં સ્પષ્ટતાં કરતાં અદાણી ટ્રાન્સમિશને જણાવ્યું હતું કે આ સંદર્ભમાં અમારે જણાવવાનું છે કે અબુધાબી નેશનલ એનર્જી કંપની સાથે અમે તેમના તરફથી કંપનીમાં રોકાણ સંબંધી કોઈપણ વાતચીતમાં પ્રવૃત્ત નથી. એજન્સી રિપોર્ટ મુજબ ટીએક્યૂએ તરફથી પણ આ પ્રકારના અહેવાલોમાં કોઈ તથ્ય નહિ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
શુક્રવારે અદાણી જૂથના M-Capમાં રૂ. 45k કરોડની વૃદ્ધિ
અદાણી જૂથના પાવર બિઝનેસિસમાં યુએસ સ્થિત જીક્યુજી પાર્ટનર્સ અને અબુધાબી સ્થિત રોકાણકાર તરફથી રોકાણના અહેવાલે શુક્રવારે અદાણી જૂથના શેર્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેની પાછળ જૂથ શેર્સનું માર્કેટ-કેપ રૂ. 45182 કરોડ જેટલું ઉછળ્યું હતું અને રૂ. 10.95 લાખ કરોડે પહોંચ્યું હતું. અદાણી પરિવારનું માર્કેટ-કેપ રૂ. 30,127 કરોડ ઉછળી રૂ. 7.3 લાખ કરોડ પર નોંધાયું હતું. અદાણી જૂથ શેર્સમાં અદાણી ટ્રાન્સમિશન 6 ટકા વૃદ્ધિ સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝમાં 4 ટકા, અદાણી પોર્ટ્સમાં 3.13 ટકા, અદાણી પાવરમાં 6.3 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 6.7 ટકા, એસીસીમાં 3.22 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 1.71 ટકા અને અદાણી વિલ્મેરમાં 4 ટકા સુધારો જોવા મળ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનટીપીસીઃ પીએસયૂ પાવર ઉત્પાદકે તેની સબસિડિયરી એનટીપીસી માઈનીંગ સાથે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. જે હેઠળ કંપની તેના કોલ માઈનીંગ બિઝનેસને પાવર ઉત્પાદન બિઝનેસથી અલગ કર્યો છે. કંપની છ કોલ માઈન્સ ધરાવતી હતી. જે હવેથી એનટીપીસી માઈનીંગ બિઝનેસ સાથે ભળી છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ કંપની ટેક રિસોર્સિઝના સ્ટીલમેકિંગ કોલ બિઝનેસમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે બીડ કરવા કોન્સોર્ટિયમ રચવા માટે વિચારી રહી છે. અગાઉ કોમોડિટી જાયન્ટ ગ્લેનકોરે ટેક રિસોર્સિઝ માટે 8 અબજ ડોલરની ઓફર કરી છે. આમ જેએસડબલ્યુ સ્ટીલે તેનાથી ઊંચી ઓફર કરવાની રહેશે.
આઈનોક્સ વિન્ડઃ વિન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડરના જણાવ્યા મુજબ તેના પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ કંપનીઓએ ડેટ રિપેમેન્ટ માટે રૂ. 500 કરોડનું રોકાણ કર્યું છે. પ્રમોટર તથા તેમની અન્ય કંપનીઓએ ઈક્વિટી વેચાણ મારફતે આ રકમ ઊભી કરી હતી.
આઇસ મેક રેફ્રિજરેશનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 73 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5.36 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ 22.2 ટકા વધી રૂ. 79.31 કરોડ પર નોંધાઈ હતી. જ્યારે એબિટા 55.59 ટકા ઉછળી રૂ. 8.34 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 1.96 પરથી વધી રૂ. 3.4 પર રહી હતી.
વેદાંતઃ એનસીએલટીની હૈદરાબાદ બેંચે અનિલ અગ્રવાલ જૂથની વેદાંત તરફથી રૂ. 1440 કરોડમાં મિનાક્ષી એનર્જિની ખરીદીને મંજૂરી આપી છે. મિનાક્ષી એન્જિ.માં વેદાંત 100 ટકા પેઈડ-અપ કેપિટલ ખરીદી મેનેજમેન્ટ કંટ્રોલ મેળવશે. કંપની નેલ્લોર ખાતે 1000 મેગાવોટનો કોલ-બેઝ્ડ પાવર પ્લાન્ટ ધરાવે છે.
IRCTC: રેલ્વે કેટરીંગ અને ટુરિઝમ કંપનીએ પેમેન્ટ એગ્રીગેટર તરીકેનું લાયસન્સ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીના સીએમડીના મતે તેઓ અલગ સબસિડિયરી હેઠળ ઈનહાઉસ ગેટવે પેમેન્ટ બિઝનેસ I-PAY શરૂ કરી રહ્યાં છે.
એસજેવીએનઃ પીએસયૂ હાઈડ્રોપાવર ઉત્પાદકે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે 1200 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે બે એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે. જે હેઠળ કંપની તેના બિકાનેર અને ભૂજ સ્થિત પ્લાન્ટ્સ ખાતેથી સોલાર પાવરનો સપ્લાય પૂરો પાડશે.