બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મધ્ય-પૂર્વમાં યુધ્ધના વાદળો ઘેરાતાં શેરબજારોમાં વેચવાલી નીકળી
બેન્ચમાર્ક નિફ્ટીએ 19700ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા વધી 10.96ના સ્તરે
ફાર્મા, મિડિયા અને ઓટોમાં પોઝીટીવ ટ્રેન્ડ
બેંકિંગ, આઈટી, એનર્જી, મેટલમાં નરમાઈ
આઈઆરબી ઈન્ફ્રા, સુઝલોન એનર્જી, ગોડફ્રે ફિલિપ્સ નવી ટોચે
ટીસીઆઈ એક્સપ્રેસ, નવીન ફ્લોરિન નવા તળિયે
ઈઝરાયેલ અને આરબ જગત વચ્ચે લડાઈ ફાટી નીકળવાની ચિંતા પાછળ શેરબજારોમાં વેચવાલી ફરી વળી હતી. એશિયા, યુરોપ અને યુએસ બજારો નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ પોણા ટકા આસપાસ બંધ સૂચવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 551 પોઈન્ટ્સ ગગડી 65877ની સપાટીએ જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ્સ નરમાઈ સાથે 19671ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ નોંધપાત્ર સત્રો પછી વેચવાલી નોંધાઈ હતી. જેને કારણે બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3843 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2268 ઘટાડા સાથે બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1436 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 290 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા વધી 10.96ના સ્તરે બંધ રહ્યો હતો.
ભારતીય બજાર બુધવારે સાધારણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સતત ઘસાતું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19812ના બંધ સામે 19820ની સપાટીએ ખૂલી ઉપરમાં 19841નું લેવલ દર્શાવી નીચામાં 19660 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીએ 19700ની સપાટી ફરી ગુમાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 5 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટ સાથે બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રના ત્રણ પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટમાં સાધારણ વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ બજારમાં લોંગ પોઝીશનમાં કોઈ ખાસ ફેરફાર નહોતો જોવા મળ્યો. આમ, નવી ખરીદીમાં સાવચેતી દાખવવી જોઈએ. ટેકનિકલી નિફ્ટીને 19600નો સપોર્ટ છે. જેની નીચે 19400નું લેવલ ફરીથી જોવા મળી શકે છે. ઉપરમાં 19800નું લેવલ અવરોધ છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, તાતા મોટર્સ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, મારુતિ સુઝુકી, બ્રિટાનિયા અને હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, તાતા કન્ઝ્યૂમર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, મિડિયા અને ઓટોમાં પોઝીટીવ ટ્રેન્ડ નોંધાયો હતો. જ્યારે બેંકિંગ, આઈટી, એનર્જી, મેટલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા અને આલ્કેમ લેબ્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મિડિયા પણ સાધારણ સુધારા સાથે ગ્રીન જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં સન ટીવી નેટવર્ક, પીવીઆર આઈનોક્સ, ઝી એન્ટરટેઈનમેન્ટમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી ઓટોમાં તાતા મોટર્સ અને મારુતિ સુઝુકી પાછળ સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. મારુતિ સુઝુકીનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે તાતા મોટર્સનો શેર પણ ઓલ-ટાઈમ હાઈ બંધ દર્શાવતો હતો. જોકે, બીજી બાજુ ટાયર, શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.6 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં એલએન્ડટી ટેક્નોલોજી 6 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએલમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો સિપ્લા 3.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સન ટીવી નેટવર્ક, ડો. રેડ્ડીઝ લેબ્સ, જીએનએફસી, તાતા મોટર્સ, ઈન્ફો એજ, સન ફાર્મા, પીવીઆર આઈનોક્સ, શ્રી સિમેન્ટ્સ, મેરિકો, કોફોર્જ, એસબીઆઈ લાઈફ, બલરામપુર ચીની, કમિન્સ ઈન્ડિયા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, સિન્જિન ઈન્ટરનેશનલમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત બાયોકોન, એલએન્ડટી ટેક્નોલોજી, એબીબી ઈન્ડિયા, પિરામિલ એન્ટરપ્રાઈઝ, હેવેલ્સ ઈન્ડિયા, સિમેન્સ, બજાજ ફાઈનાન્સ, ભેલમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આઈઆરબી ઈન્ફ્રા, સુઝલોન એનર્જી, ગોડફ્રે ફિલિપ્સ, ત્રિવેણી એન્જિનીયર, બ્લ્યૂ સ્ટાર, કેપીઆર મિલ, વિજયા ડાયગ્નોસ્ટીક્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટીસીઆઈ એક્સપ્રેસ, નવીન ફ્લોરિન નવા તળિયે ટ્રેડ થયા હતાં.
સેફ હેવન પ્રિમીયમ વધતાં ગોલ્ડમાં આગેકૂચ જારી
હાજર બજારમાં ભાવ રૂ. 400 વધી રૂ. 61700 પર બોલાયા
એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 600 વધી રૂ. 59832 પાર કરી ગયો
વિશ્વ બજારમાં સોનું 24 ડોલર ઉછળી 1960 ડોલર પર બોલાયુ
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે જંગ વકરતાં સોનાનું પ્રિમીયમ વધ્યું છે. બુધવારે વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ વાયદો 24 ડોલર ઉછળી 1960 ડોલર પર બોલાયો હતો. જેની પાછળ અમદાવાદ ખાતે બુલિયન માર્કેટમાં ભાવ રૂ. 400 વધી રૂ. 61700 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યાં હતાં. જ્યારે એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 600થી વધુની મૂજબીતા સાથે રૂ. 59832 પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ગોલ્ડ પાછળ ચાંદીમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી અને અમદાવાદ સ્થાનિક બજારમાં ચાંદી પેટીના ભાવ રૂ. 1500 મજબૂતી સાથે રૂ. 74000 પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યારે એમસીએક્સ વાયદો રૂ. 900ના ઉછળા રૂ. 72470 પર જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહે 90 ડોલરના ઉછાળા પછી ચાલુ સપ્તાહે શરૂઆતી બે સત્રોમાં ગોલ્ડના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. જોકે, મંગળવારે રાતે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હુમલાને લઈ તંગદિલી વધુ વણસી હતી. ઈઝરાયેલના મતે હમાસે ભૂલથી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો અને 500થી વધુ માણસો માર્યાં ગયા હતાં. આ ઘટના પાછળ આરબ દેશો અને યુએસ પ્રમુખ વચ્ચેની મિટિંગને મુલત્વી રાખવામાં આવી હતી. જેણે સ્થિતિને વધુ પ્રવાહી બનાવતાં રોકાણકારો ગોલ્ડ તરફ વળ્યાં હતાં. બુધવારના સુધારા સાથે 11 સત્રોમાં ગોલ્ડના ભાવ વૈશ્વિક બજારમાં 150 ડોલર જેટલો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજારમાં પણ ગોલ્ડના ભાવ રૂ. 3500 જેટલાં ઉછળી ચૂક્યાં છે. જ્યારે ચાંદી તેના તાજેતરના તળિયેથી 11 ટકા જેટલો તીવ્ર બાઉન્સ સૂચવી રહી છે. એમસીએક્સ સિલ્વર વાયદો રૂ. 66000ના લેવલથી રૂ. 72500ના લેવલ પર ટ્રેડ થયો છે.
કોમોડિટી એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ શોર્ટ ટર્મમાં ઓવરબોટ ઝોનમાં હોવા છતાં તેમાં વધુ સુધારાને પૂરતો અવકાશ છે. તેણે 1950 ડોલરની સપાટી પાર કરતાં તે 1980 ડોલર સુધીનો ટ્રેડ દર્શાવી શકે છે. જ્યારે 2000 ડોલરનું લેવલ એક સાયકોલોજિકલ અવરોધ બની શકે છે. જે પાર થાય તો ડિસેમ્બર સુધીમાં ગોલ્ડમાં નવી ટોચની પૂરતી સંભાવના છે. બુધવારે ડોલર ઈન્ડેક્સ 104.042ના સ્તરે ફ્લેટ જોવા મળતો હતો. જ્યારે યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ અડધા ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. મંગળવારે અપેક્ષાથી ઊંચા રિટેલ વેચાણના આંકડા પાછળ મજબૂતી પછી તેઓ ફરી ઠંડા પડ્યાં છે.
વિપ્રોનો નેટ પ્રોફિટ સાધારણ વૃદ્ધિ સાથે રૂ. 2667 કરોડ નોંધાયો
કંપનીની આવક પણ નજીવા ઘટાડે રૂ. 22,520 કરોડ પર જોવા મળી
દેશમાં ચોથા ક્રમની આઈટી કંપની વિપ્રોએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2667 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2,649 કરોડના નફા સામે 0.1 ટકાની સાધારણ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 0.1 ટકા ઘટાડા સાથે રૂ. 22,520 કરોડ પર નોંધાઈ હતી. જ્યારે ચોખ્ખી આવક 0.5 ટકા ઘટી રૂ. 2650 કરોડ રહી હતી.
કંપનીના સીઈઓ અને એમડી થિએરી ડેલાપોર્ટેએ જણાવ્યું હતું કે અનિશ્ચિત મેક્રો એન્વાર્યમેન્ટ વચ્ચે પણ અમે નવા ઓર્ડર્સ મેળવ્યાં હતાં. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 10 કરોડ ડોલરથી ઊંચું મૂલ્ય ધરાવતાં 22 એકાઉન્ટ્સ મેળવ્યાં હતાં. જે સંખ્યા 2020-21માં કંપનીએ દર્શાવેલી સંખ્યા કરતાં બમણી હતી. કંપનીની લાર્જ ડિલ્સનું કુલ મૂલ્ય 1.3 અબજ ડોલર પર પહોંચ્યું હતું. જે છેલ્લાં નવ ક્વાર્ટર્સમાં સૌથી ઊંચું હતું. આઈટી પ્રોડક્ટ્સ સેગમેન્ટની આવક રૂ. 147 કરોડ પર રહી હતી. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 13.4 ટકાનું એટ્રીશન નોંધાવ્યું હતું. જે નવ ક્વાર્ટર્સમાં સૌથી નીચું લેવલ હતું. કંપનીએ પડકારજનક સમયગાળામાં કેટલાંક મહત્વના નિર્ણયો લીધાં હતાં. જે તેની લાંબાગાળાની મહત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યાં હતાં. તેણે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ જાળવ્યું હતું. કંપનીએ મોટી સંખ્યામાં કર્મચારીઓને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ માટે ટ્રેનીંગ પૂરી પાડવા સાથે તેમનું રિસ્કિલીંગ હાથ ધર્યું હતું.
માર્જિન પર દબાણની સંભાવના પાછળ બેંક શેર્સ તૂટ્યાં
બુધવારે બેંક નિફ્ટી 1.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો
નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 1.3 ટકા જેટલો ઘસાયો
બેંક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીઓના શેર્સમાં બુધવારે ભારે વેચવાલી જોવા મળી હતી. એનાલિસ્ટ્સ તરફથી નાણાકિય સર્વિસ કંપનીઓના માર્જિન્સ પર દબાણની શક્યતાં દર્શાવવામાં આવતાં વેચવાલી જોવા મળી હોવાનું વર્તુળો જણાવતાં હતાં. બેંક નિફ્ટીમાં 1.2 ટકાનો જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં 1.3 ટકા ઘટાડો નોંધાયો હતો.
બેંક એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ એચડીએફસી બેંકને સામાન્યરીતે બેંકિંગ સેક્ટર માટે એક સેમ્પલ તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં બેંકના અર્નિંગ્સ રિપોર્ટને લઈ એનાલિસ્ટ્સમાં નિરાશા જોવા મળી છે અને તેની પાછળ સમગ્ર સેક્ટરમાં વેચવાલી નીકળી છે. સ્વતંત્ર માર્કેટ એનાલિસ્ટના મતે એચડીએફસી બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિને નિરાશ કર્યાં છે. તેમજ તેનો ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ પણ અપેક્ષાથી નીચો જોવા મળ્યો છે. બેંકના નફામાં વૃદ્ધિનું કારણ નીચું પ્રોવિઝન્સ છે. જે સારી બાબત છે. નીચા ટેક્સ રેટને કારણે પણ નફો ઊંચો જોવા મળ્યો છે. જો આમ ના બન્યું હોય તો બેંકની ઈપીએસ ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં ઘણી નીચી જોવા મળી હોત એમ તેઓ ઉમેરે છે. તેમના મતે સમગ્રતયા બેંકના પરિણામો સામાન્ય રહ્યાં હતાં. એકમાત્ર એડવાન્સિસમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. જે મજબૂત જળવાય હતી. એનાલિસ્ટ્સના મતે અન્ય બેંક્સ તરફથી પણ આ પ્રકારના દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બુધવારે પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડામાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું. જ્યારે ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપનીઓમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ, બજાજ ફાઈનાન્સ અને ચોલા ફાઈનાન્સ ઘટવામાં અગ્રણી હતાં. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં સારો દેખાવ કરનારી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના શેર્સ પર પણ તાજેતરમાં દબાણ જોવા મળી રહ્યું છે.
BOBએ ડિજીટલ એપ મુદ્દે 11 આસિ. જનરલ મેનેજર્સને સસ્પેન્ડ કર્યાં
આરબીઆઈને બેંકની ડિજીટલ એપ બીઓબી વર્લ્ડમાં નવા કસ્ટમર્સ ઓનબોર્ડિંગમાં ગેરરિતીઓ માલૂમ પડી
પીએસયૂ બેંક તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા કુલ 60 કર્મચારીઓમાંથી મોટાભાગના વડોદરા રિજનના
જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક ઓફ બરોડાએ ડિજીટલ એપ બીઓબી વર્લ્ડ મામલે તેના 60થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં છે. જેમાં 11 જેટલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર્સ કક્ષાના અધિકારીઓનો સમાવેશ પણ થાય છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. બેંકના કર્મચારીઓના જણાવ્યા મુજબ એજીએમ-લેવલ અધિકારી સ્કેલ પાંચ ઓફિસર્સ હોય છે. જેઓ સામાન્યરીતે એરિયા મેનેજર્સ, ઝોનલ હેડ્સ જેવી પોઝીશન ધરાવતાં હોય છે. તેમજ 25થી વધુ શાખાઓની કામગીરી પર નજર રાખતાં હોય છે.
બેંકે રેક્ટિફિકેશન ડ્રાઈવના ભાગરૂપે કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કર્યાં છે. બોબ વર્લ્ડ એપ કેસના ઓડિટને આધારે બેંકે રેક્ટિફિકેશન ડ્રાઈવ ધર્યો હતો. કર્મચારીઓના સસ્પેન્શન લેટરમાં બેંકે સ્વીકાર્યું હતું કે કર્મચારીઓએ તેમના કાર્યકાળમાં બોબ વર્લ્ડ એપ્લિકેશનના કસ્ટમર એકાઉન્ટમાં નંબર દાખલ કર્યાં પછી રજિસ્ટ્રેશન તથા ડિરજિસ્ટ્રેશન કરાવી ગંભીર અનિયમિતતાઓ હાથ ધરી હતી. તેમણે આ સઘળી કામગીરી કસ્ટમર્સની મંજૂરી વિના કરી હતી. બેંકના જણાવ્યા મુજબ ડિપાર્ટમેન્ટની તપાસ પછી પ્રાથમિક રીતે આ ઘટના કમિશન અને ઓમિશનની જણાઈ હતી અને તેથી કર્મચારીની સામે વિભાગીય તપાસ જરૂરી બની હતી. જેને ધ્યાનમાં રાખતાં કર્મચારીઓની સર્વિસમાંથી હકાલપટ્ટી યોગ્ય જણાય હતી એમ બેંકે નોંધ્યું છે.
બેંકના મતે મોટાભાગના સસ્પેન્ડેડ કર્મચારીઓ વડોદરા રિજનના છે. જોકે બેંક લખનૌ, ભોપાલ, રાજસ્થાન અને પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં રેક્ટિફિકેશન ડ્રાઈવ ચાલુ રાખળે એમ વર્તુળો જણાવે છે. બેંકના એક સસ્પેન્ડ થયેલા કર્મચારીના જણાવ્યા મુજબ સસ્પેન્શન સમયગાળા દરમિયાન તેને ત્રીજા ભાગનું વેતન આપવામાં આવશે. જો હું દોષિત સાબિત થઈશ તો બેંક મને પનિશમેન્ટ પોસ્ટીંગ આપી શકે છે અથવા નોકરીમાંથી દૂર પણ કરી શકે છે. જ્યારે નિર્દોષ પુરવાર થઈશ તો તે મહિનાઓ માટે વળતર આપશે. બોબ તરફથી આ અંગે કોઈ પ્રતિભાવ પાઠવવામાં આવ્યો નહોતો. અગાઉ, આરબીઆઈએ 10 ઓક્ટોબરે બેંક ઓફ બરોડાને તેના ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન બોબ વર્લ્ડમાં નવા ગ્રાહકોને નહિ જોડવા નિર્દેશ આપ્ય હતો.
સરકારની ડિફેન્સ, રેલ્વેસ ફર્ટિલાઈઝર અને કોલ PSUમાં OFSની વિચારણા
આવી કંપનીઓમાં આઈઆરએફસી, ઈરકોન ઈન્ટરનેશનલ, મઝગાંવ ડોક અને એનએલસી ઈન્ડિયાનો સમાવેશ
કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા છ જાહેરસાહસોમાં ઓફર ફોર સેલ(ઓએફએસ) માટે વિચારણા ચલાવી રહી છે. વર્તુળોના મતે ઓગસ્ટ 2024 સુધીમાં આ કંપનીઓ ઓએફએસ જોવા મળી શકે છે. કંપનીઓમાં હિસ્સા વેચાણ પાછળનો હેતુ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગની શરતના પાલનનો છે. સરકાર તરફથી સંભવિત ઓએફએસ ઉમેદવારોમાં ઈન્ડિયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન(આઈઆરએફસી), ઈન્ડિયન રેલ્વે કન્સ્ટ્રક્શન ઈન્ટરનેશનલ લિમિટેડ(ઈરકોન), મઝગાંવ ડોક શીપબિલ્ડર્સ અને એનએલસી ઈન્ડિયાનો સમાવેશ થાય છે એમ અધિકારી જણાવે છે.
અગાઉ કેન્દ્રિય નાણા વિભાગે લઘુત્તમ શેરહોલ્ડિંગની જરૂરિયાતના પાલન માટે હૂડકોમાં ઓએફએસ મારફતે 7 ટકા હિસ્સા વેચાણની જાહેરાત કરી હતી. આ પીએસયૂ કંપનીઓમાં લઘુત્તમ શેરહોલ્ડિંગની જરૂરિયાત માટે ઓગસ્ટ 2024 સુધી મુક્તિ આપવામાં આવી છે. વર્તુળો જણાવે છે કે શેરબજારની સ્થિતિ તથા રોકાણકારોની રૂચિને ધ્યાનમાં રાખીને આ 6-7 પીએસયૂ માટે ઓએફએસનું આયોજન કરવામાં આવશે. જો કોઈપણ પીએસયૂ એમપીએસ માટેના માપદંડના પાલનમાં નિષ્ફળ જશએ તો આર્થિક બાબતોનો વિભાગ નાણા વિભાગ પાસેથી ઓગસ્ટ પહેલા એક્સટેન્શની માગણી કરશે એમ વર્તુળોએ ઉમેર્યું હતું. હાલમાં ત્રણ જાહેર સાહસો એમપીએસની શરતોનું પાલન નહિ કરી રહ્યાં હોવા છતાં તેમના ક્લોઝર માટેની વિચારણા ચાલી રહી હોવાથી ઓએફએસ જોવા મળશે નહિ. આ પીએસયૂમાં સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડ, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન અને હિંદુસ્તાન ફોટો ફિલ્મ્સ મેન્યૂફેક્ચરિંગ કંપનીનો સમાવેશ થાય છે. એમએમટીસી પણ એમપીએસના નિયમોનું પાલન નથી કરતી. પીએસયૂ માટે ઓએફએસ લાવવાનો પ્રયાસ અગાઉ નિષ્ફળ ગયો હતો. કંપનીને બંધ કરવામાં આવે તેવી શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. આ ઉપરાંત ઈન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન(આઈટીડીસી) અને એન્ડ્રૂ યૂલે એન્ડ કંપની પણ લઘુત્તમ પબ્લિક હોલ્ડિંગના નિયમનું પાલન નથી કરી રહ્યાં. હાલમાં તેઓ સ્ટ્રેટેજીક ડાયવેસ્ટમેન્ટની પ્રક્રિયા હેઠળ છે અને તેથી તેમના શેર્સનું ઓએફએસ મારફતે વેચાણ નહિ કરવામાં આવે. તાજેતરમાં એસજેવીએન અને રેલ વિકાસ નિગમે લઘુત્તમ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગની શરતોનું પાલન કર્યું હતું.
કેન્દ્ર સરકારે સુગર નિકાસ પરનો અંકુશ લંબાવ્યો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડે નોટિફિકેશન મારફતે નિકાસ પ્રતિબંધને 31 ઓક્ટોબર ઉપરાંત લંબાવ્યો
સરકારે બુધવારે દેશમાંથી સુગર નિકાસ પરના પ્રતિબંધને 31 ઓક્ટોબરથી આગળ લંબાવ્યો છે. તહેવારોની સિઝનમાં દેશમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતાંને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ સરકારે 31 ઓક્ટોબર સુધી દેશમાંથી સુગર નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
જોકે બુધવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(ડીજીએફટી)એ એક જાહેરનામુ બહાર પાડી ખાંડની નિકાસને 31 ઓક્ટોબર, 2023 પછી પણ લંબાવી હતી. જે મુજબ દેશમાંથી રો સુગર, વ્હાઈટ સુગર, રિફાઈન્ડ સુગર અને ઓર્ગેનિક સુગર, કોઈની નિકાસ થઈ શકશે નહિ. અન્ય શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહિ હોવાનું ડીજીએફટીનું જાહેરનામું જણાવતું હતું. જોકે, જાહેરનામા મુજબ સુગર નિકાસ પરના નિયંત્રણો ઈયુ અને યુએસ ખાતે સીએક્સએલ અને ટીઆરક્યુ ડ્યુટી કન્સેશન ક્વોટા હેઠળ થતી નિકાસ પર લાગુ નહિ પડે. ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક છે. જ્યારે બીજા ક્રમનો નિકાસકાર છે. દેશમાંથી સુગર નિકાસકારે સરકાર પાસેથી લાયસન્સ અથવા મંજૂરી મેળવવાની જરૂર પડે છે. કેમકે હાલમાં કોમોડિટી નિકાસ પ્રતિબંધની યાદીમાં સમાવિષ્ટ છે. સરકાર હાલમાં સુગર સેક્ટર પર ચાંપતી નજર રાખી રહી છે. જેમાં ઉત્પાદન, વપરાશ અને નિકાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, દેશના હોલસેલ અને રિટેલ માર્કેટમાં ભાવો પર પણ તેનું ધ્યાન રહેલું છે.
પોલીશ્ડ ડાયમન્ડ્સના ભાવમાં 15 ટકા ઘટાડો નોંધાયો
ઊંચી ઈન્વેન્ટરી વચ્ચે ભાવમાં ઘટાડા પાછળ નફાકારક્તા પર પ્રતિકૂળ અસર
લેબોરેટરીમાં તૈયાર થયેલા ડાયમન્ડ્સથી ઊભો થયેલો ખતરો
ભારતીય ડાયમન્ડ પોલીશીંગ ઉદ્યોગની આવકમાં વાર્ષિક ધોરણે 30-35 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન તે 14-15 અબજ ડોલર પર જોવા મળે છે. આવકમાં ઘટાડા પાછળ ઉદ્યોગ માટે મુખ્ય માર્કેટ્સ એવા યુએસ, યુરોપિનય યુનિયન(ઈયુ) અને ચીન ખાતે આર્થિક મંદી જવાબદાર છે. આ બજારોમાં કટ્સની માગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું રેટિંગ એજન્સી ક્રિસિલે તેની નોંધમાં જણાવ્યું છે. ઉપરોક્ત ત્રણ મુખ્ય બજારો ભારતીય પોલીશ્ડ ડાયમંડ નિકાસનો 75 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં યુએસ 35 ટકા જ્યારે ચીન 30 ટકા સાથે ટોચના બે બજારો છે. ઈયુ માર્કેટ 10 ટકા હિસ્સો ધરાવે છે.
ક્રિસિલ રેટિંગ્સના અભ્યાસમાં આવરી લેવામાં આવેલા 46 ડાયમંડ પોલીશર્સ ગયા નાણા વર્ષે રૂ. 1.8 લાખ કરોડના ઉદ્યોગનો 20 ટકા હિસ્સો ધરાવતાં હતાં. ડાયમંડ્સના રિટેલ ભાવમાં ઘટાડા વચ્ચે પોલીશ્ડ ડાયમંડ્સની ઊંચી ઈન્વેન્ટરીને કારણે પોલીશર્સની નફાકારક્તા પર અસર પડી છે. જોકે, આ પ્રતિકૂળતાઓ વચ્ચે પોઝીટીવ બાબત બિઝનેસમાં ઘટાડા પાછળ ડેટમાં ઘટાડો છે. જે ડાયમંડ પોલીશર્સના ક્રેડિટ રિસ્ક પ્રોફાઈલ્સ પરના દબાણને કેટલેક અંશે સરભર કરે છે.
ઈઝરાયેલ ભારત પાસેથી વાર્ષિક ધોરણે 1.25 અબજ ડોલરના મૂલ્યના પોલીશ્ડ ડાયમંડ્સની આયાત કરે છે. જોકે, હાલમાં તેના પેલેસ્ટાઈન ત્રાસવાદી સંગઠન હમાસ સાથે ચાલી રહેલા જંગને કારણે આયાતમાં ઘટાડો સંભવ છે. આમ છતાં તહેવારોની સિઝનને કારણે નાણાકિય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં માગમાં કેટલાંક સુધારાની શક્યતાં છે. આગામી સમયગાળામાં થેંક્સગીવીંગ, ક્રિસમસ અને ચાઈનીઝ ન્યૂ યર જેવા તહેવારો જોવા મળશે. જોકે, આને કારણે કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાં નથી એમ ક્રિસિલ રેટિંગ્સના ડિરેક્ટર રાહુલ ગુહા જણાવે છે. ઊંચો ખર્ચ ધરાવતાં પોલીશ્ડ ડાયમંડ્સની ઈન્વેન્ટરી ચાર મહિનાના વેચાણથી વધુ ગઈ છે ત્યારે રિટેલ ભાવ નીચા હોવાના કારણે પોલીશર્સની નફાકારક્તામાં 50-100 બેસીસ પોઈન્ટ્સની અસર પડવાની સંભાવના છે.
પોલીશ્ડ ડાયમંડ્સની માગમાં ગયા નાણાકિય વર્ષથી જ નરમાઈની શરૂઆત થઈ હતી. વૈશ્વિક સ્તરે આર્થિક કામગીરીમાં ઘટાડાને પગલે વોલ્યુમમાં 25 ટકા ઘટાડો નોંધાયો હતો. જોકે, રશિયા-યુક્રેન યુધ્ધને કારણે રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધ પાછળ રફ ડાયમંડ્સના સપ્લાયને લઈ ચિંતા વચ્ચે ભાવને સપોર્ટ મળ્યો હતો. ગયા નાણા વર્ષ દરમિયાન પોલીશ્ડ ડાયમંડના ભાવોમાં લગભગ 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેને કારણે ભારતની પોલીશ્ડ ડાયમંડ્સની નિકાસમાં કોઈ મોટો ઘટાડો નોંધાયો હતો. 2021-22માં 24.2 અબજ ડોલરની નિકાસ સામે 2022-23માં 22 અબજ ડોલરની નિકાસ જોવા મળી હતી. ચાલુ નાણા વર્ષે માત્ર માગમાં જ ઘટાડો નથી નોંધાયો પરંતુ રફના સપ્લાયમાં પણ અડચણો દૂર થઈ છે. જેની પાછળ રફના ભાવ ઘટ્યાં છે. જેને કારણે પોલીશ્ડ ડાયમંડ્સના ભાવમાં 10-15 ટકા ઘટાડો જોવા મળ્યો છે એમ ક્રિસિલનો રિપોર્ટ નોંધે છે.
ઊંચી માગ પાછળ પાવર શેર્સમાં 34 ટકા સુધીનું રિટર્ન
મ્યુચ્યુલ ફંડ્સે પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા પાવરમાં રોકાણ વધાર્યું
ગ્લોબલ બ્રોકરેજ જેફરીના અંદાજ મૂજબ પાછલા છ વર્ષો સામે આગામી છ વર્ષોમાં વીજ ક્ષેત્રે રોકાણ 2.2 ગણુ વધી 280 અબજ ડોલર રહેવાની સંભાવના
દેશમાં ઉત્તરોત્તર વધતી વીજ માગ પાછળ પાવર કંપનીઓના રોકાણકારોને ઊંચું વળતર મળ્યું છે. છેલ્લાં કવાર્ટરમાં ટોચની વીજ કંપનીઓના શેર્સે 34 ટકા સુધીનું રિટર્ન દર્શાવ્યું છે. જેની પાછળ અનિયમિત ચોમાસાને કારણે વીજ માગમાં તીવ્ર ઉછાળા સાથે કંપનીઓની ઊંચી કામગીરી જવાબદાર છે. બેન્ચમાર્ક સૂચકાંકોની સરખામણીમાં વીજ કંપનીઓના શેર્સે ઊંચું આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે.
જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીમાં વીજની માગ વાર્ષિક ધોરણે ઊંચી વૃદ્ધિ દર્શાવતી હતી. સપ્ટેમ્બરમાં તે 240 ગીગાવોટના વિક્રમી સ્તરે પહોંચી હતી. દેશની થર્મલ ઉત્પાદકો પર નિર્ભરતામાં ફરી વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના અંદાજ મૂજબ નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં ઉર્જાની માગ 9 ટકા સીએજીઆર સાથે 256.5 ગિગાવોટના સ્તરે પહોંચશે. સરકાર થર્મલ સેક્ટરમાં મૂડીરોકાણ ઉપર ધ્યાન આપતાં આયાતી કોલસાના મિશ્રણને મંજૂરી આપવા કલમ 11માં સુધારો કરીને આ મુદ્દાનો ઉકેલ લાવી રહી છે. વિશ્લેષકો આગામી 2-3 વર્ષમાં આ ક્ષેત્રની એકંદર વૃદ્ધિ વિશે બુલિશ છે. પાવર સેક્ટરની કંપનીઓ સૌર અને પવન ઉર્જાના માધ્યમથી રિન્યૂએબલ ક્ષમતામાં વૃદ્ધિ કરી રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે સોલર મોડ્યુલની કિંમતોમાં ઘટાડાથી લાભ થવાની આશા છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલ મૂજબ મોડ્યુલ્સના ઘરેલુ ઉત્પાદનથી ટાટા પાવર અને રિલાયન્સ જેવી ઇન્ટિગ્રેટેડ કંપનીઓને લાભ થવાની શક્યતા છે. કેમકે તેમની પાસે ઉચ્ચ સ્તરનું ઇન્ટિગ્રેશન અને ટેક્નોલોજી ઇનોવેશન છે.
ગ્લોબલ બ્રોકરેજ જેફરીના તાજેતરના અહેવાલ મૂજબ વાર્ષિક થર્મલ પીએફએલ નાણાકીય વર્ષ 2025 સુધીમાં 80 ટકાને પાર કરી જશે, જે બે દાયકામાં સર્વોચ્ચ સ્તરે રહેશે. ઉર્જા ઉત્પાદન અને ટીએન્ડડી રોકાણ નાણાકીય વર્ષ 2017-23ની તુલનામાં 2024-30 સુધીમાં 2.2 ગણુ વધીને 280 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે.
પાવર કંપનીના શેર્સનો 1 જુલાઈથી દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં) MF હોલ્ડિંગમાં ફેરફાર(ટકામાં)
અદાણી પાવર 33.60% 0.12
એનટીપીસી 27.90% -0.61
સીઇએસસી 26.00% -0.85
ટોરેન્ટ પાવર 18.40% 0.11
ટાટા પાવર 14.20% 0.81
નિફ્ટી 2.50% –
અદાણી એનર્જી સોલ્યુશન્સ -0.40% 0.06
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2202 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 22 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 2128 કરોડના અંદાજ કરતાં ઊંચો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 18 ટકા વધી રૂ. 5076 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4302 કરોડ પર હતી. કંપનીની ગ્રોસ એનપીએ 2.11 ટકા પરથી ઘટી 1.93 ટકા પર નોંધાઈ હતી.
હૂડકોઃ પીએસયૂ કંપનીમાં સરકારે ઓફર ફોર સેલ મારફતે શેર્સનું વેચાણ શરૂ કરતાં શેરમાં 9 ટકા ઘટાડો નોંધાયો હતો. સરકારે મંગળવારના રૂ. 89.9ના બંધ ભાવ સામે રૂ. 79ના ભાવે ઓએફએસનો ભાવ નિર્ધારિત કર્યો હતો. જે 12 ટકા જેટલું ડિસ્કાઉન્ટ સૂચવતો હતો. સરકાર તેની પાસેના 81.81 ટકામાંથી કંપનીમાં સાત ટકા હિસ્સો વેચી રહી છે.
બજાજા ઓટોઃ ટુ-વ્હીલર્સ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1836 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1530 કરોડના પ્રોફિટની સરખામણીમાં 20 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 10203 કરોડની સામે રૂ. 10777.27 કરોડ પર નોંધાઈ હતી. જોકે, કંપનીનું વેચાણ વોલ્યુમ 8.4 ટકા ઘટી 10.54 લાખ યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
સિન્જિન ઈન્ટરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 117 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 102 કરોડના નફા સામે 14 ટકા ઊંચો છે. કંપનીની કામકાજી આવક ગયા વર્ષે રૂ. 768 કરોડની સામે 18.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 910 કરોડ પર રહી હતી.
બંધન બેંકઃ પ્રાઈવેટ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 721 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 209.30 કરોડના પ્રોફિટ સામે તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક ગયા વર્ષે રૂ. 4250 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે રૂ. 5032 કરોડ પર જોવા મળી હતી.