બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં નરમાઈ સાથે નવા સપ્તાહની શરૂઆત
ચાઈનીઝ બેન્ચમાર્ક વર્ષના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 13.90ના સ્તરે બંધ
ફાર્મા, મિડિયા, મેટલ, પીએસઈમાં મજબૂતી
બેંકિંગ, આઈટી, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ
આઈઆરસીટીસી, ભારત ડાયનેમિક્સ, સિમેન્સ, ઝાયડસ લાઈફ, હિંદ કોપર નવી ટોચે
સતત સાત સપ્તાહ સુધી તેજી દર્શાવ્યાં પછી ભારતીય શેરબજારમાં ઊંચી સપાટીએ થોડું પ્રોફિટ બુકિંગ શરૂ થયું હોય તેમ જણાય છે. સોમવારે વૈશ્વિક બજારોમાં પણ નરમાઈ જોવા મળી હતી. જેની અસરે પણ બેન્ચમાર્ક્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 169 પોઈન્ટ્સ ગગડી 71,315.09ની સપાટીએ જ્યારે નિફ્ટી 38 પોઈન્ટ્સ ગગડી 21,419ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, મજબૂતી જળવાય હતી અને માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 4028 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2172 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1716 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળતાં હતાં. 385 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 13.90ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
સોમવારે ભારતીય બજારમાં કામગીરીની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 21457ની બંધ સપાટી સામે 21435 પર ખૂલી ઉપરમાં 21483ની ટોચ દર્શાવી 21365 પર ટ્રેડ થયો હતો. જોકે તે 21400 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 47 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21466ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 101 પોઈન્ટ્સનું પ્રિમીયમ દર્શાવતો હતો. આમ, પ્રિમીયમમાં 54 પોઈન્ટ્સનો નોઁધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં લિક્વિડેશન જોવા મળી રહ્યું છે. જોકે, બજારમાં ક્યાંય પેનિકના સંકેતો નથી અને તેથી કોન્સોલિડેશન પછી તે વધુ સુધારો દર્શાવી શકે છે. નજીકમાં 21050નો સપોર્ટ છે. જ્યારે તે તૂટે તો 20700નો સપોર્ટ રહેલો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ નવું લોંગ લેવામા સાવચેતી રાખવા જણાવે છે. જ્યારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનૂં સૂચન કરે છે.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા, મિડિયા, મેટલ, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, આઈટી, એફએમસીજી, રિઅલ્ટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, બાયોકોન, લ્યુપિન, સિપ્લા, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ મજબૂતી સૂચવતાં હતાં. ઝાયડસ લાઈફનો શેર 5.4 ટકા ઉછળી રૂ. 680.60ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 70 હજાર કરોડ નજીક પહોંચી ચૂક્યું છે. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 1.2 ટકાનો સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં ડિશ ટીવી, પીવીઆર આઈનોક્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ટીવી ટુડેનેટવર્કમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ પણ વધુ પા ટકા સુધારે નવી ટોચ પર પહોંચ્યો હતો. જેના ઘટકોમાં આઈઆરસીટીસી, નાલ્કો, સેઈલ, ભેલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટીક્સ, કોન્કોર, એનએચપીસી, આરઈસી, આઈઓસી, એનએમડીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 0.43 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં
આઈઆરસીટીસી, ભારત ડાયનેમિક્સ, સિમેન્સ, ઝાયડસ લાઈફ, હિંદ કોપર નવી ટોચે નાલ્કો, સેઈલ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, વેદાંતા, મોઈલ, એનએમડીસી, તાતા સ્ટીલમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ નિફ્ટી બેંક 0.6 ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડામાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ 0.73 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેના ઘટકોમાં યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 3 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત, ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, ડીએલએફ, ફિનિક્સ મિલ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં 0.3 ટકા ઘટાડો જળવાયો હતો. જેના ઘટકોમાં આઈટીસી, જ્યુબિલિઅન્ટ ફૂડ, ગોદરેજ કન્ઝ્યૂમર, કોલગેટ, યુનાઈટેડ બ્રૂઅરીઝ, પીએન્ડજી, બ્રિટાનિયા, ઈમામી અને નેસ્લેમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો 13 ટકા સાથે આઈઆરસીટીસી સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સિમેન્સ, ઝાયડસ લાઈફ, હિંદ કોપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, નાલ્કો, બલરામપુર ચીની, સેઈલ, લૌરસ લેબ્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, બજાજ ઓટો, સિટી યુનિયન બેંક, ટોરેન્ટ ફાર્મા, ભારત ઈલે., ઈન્ટરગ્લોબ એવિએશન, આઈજીએલ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પીવીઆઈ આઈનોક્સ, આરતી ઈન્ડ., હિંદુસ્તાન એરોનોટિક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડિયા સિમેન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પો., રામ્કો સિમેન્ટ્સ, ઓબેરોય રિઅલ્ટી, આરબીએલ બેંક, એલઆઈસી હાઉસિંગ, કેનેરા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એમસીએક્સ ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવતા કાઉન્ટર્સમાં આઈઆરસીટીસી, ભારત ડાયનેમિક્સ, ટીમલીઝ સર્વિસિઝ, સિમેન્સ, ઝાયડસ લાઈફ, હિંદ કોપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, શ્યામ મેટાલિક્સ, નાલ્કો, આઈઆરબી ઈન્ફ્રા., યસ બેંકનો સમાવેશ થતો હતો.
NPS પેન્શન ફંડ્સે 16.94 ટકાનું તગડું ઈક્વિટી રિટર્ન દર્શાવ્યું
સબસ્ક્રાઈબર બેઝ વધતાં નેશનલ પેન્શન સ્કીમ્સની એસેટ્સ ઉછળીને રૂ. 10.7 લાખ કરોડે પહોંચી
શેરબજારમાં તેજી પાછળ પેન્શન ફંડ્સે 8 ડિસેમ્બર સુધીમાં વાર્ષિક 16.94 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું એમ પીએફઆરડીએનો ડેટા જણાવે છે. આ વળતર કોર્પોરેટ બોન્ડ્સમાં 7 ટકા અને સરકારી જામીનગીરીઓમાં 7.1 ટકાના વળતર કરતાં બમણાથી પણ ઊંચું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્કિમ્સમાં 8.2 ટકાનું રિટર્ન મળ્યું છે.
છેલ્લાં ત્રણ વર્ષોના સમયગાળામાં પેન્શન ફંડ્સે ઈક્વિટીઝમાં સરેરાશ 18.27 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. એનપીએસની શરૂઆતથી અત્યાર સુધીમાં પેન્શન ફંડ્સે 13.01 ટકાનું સરેરાશ રિટર્ન આપ્યું છે. દરમિયાન અટલ પેન્શન યોજના સહિત કુલ નેશનલ પેન્શન સિસ્ટમની એસેટ્સ રૂ. 10.5 લાખ કરોડના સીમાચિહ્નને પાર કરી 9 ડિસેમ્બરે રૂ. 10.7 લાખ કરોડ પર પહોંચી હતી. જે વાર્ષિક ધોરણે 25.95 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે. કુલ રૂ. 10.7 લાખ કરોડના એનપીએસ એયૂએમમાંથી ઈક્વિટીઝમાં રૂ. 1.9 લાખ કરોડ પાર્ક થયેલાં જોવા મળે છે. ગયા વર્ષે 9 ડિસેમ્બરે એનપીએસ એસેટ્સ રૂ. 8.5 લાખ કરોડ પર જોવા મળતી હતી. પીએફઆરડીએ ચેરમેન દિપક મોહંતીના જણાવ્યા મુજબ માર્ચ, 2024ની આખર સુધીમાં એનપીએસ એસેટ્સ રૂ. 11-12 લાખ કરોડના આંકને પાર કરી જશે.
ચાલુ નાણાકિય વર્ષમાં કોર્પોરેટ અને ઓલ સિટીઝ મોડેલ કેટગરીઝ હેઠળ 4.54 લાખ નવા સબસ્ક્રાઈબર્સ ઉમેરાયાં છે. આમાં 3.6 લાખ સબસ્ક્રાઈબર્સ ઓલ સિટીઝન્સ મોડેલ મારફતે આવ્યાં છે. 9 ડિસેમ્બરના રોજ કુલ એનપીએસ અને એપીવાય સબસ્ક્રાઈબર્સની સંખ્યા 6.92 કરોડ પર જોવા મળતી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 5.97 કરોડની સરખામણીમાં 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. પીએફઆરડીએ ચાલુ નાણા વર્ષમાં બંને કેટેગરી મળી કુલ 13 લાખ નવા સબસ્ક્રાઈબર્સની અપેક્ષા ધરાવે છે.
NSEએ IPOની મંજૂરી માટે એક-વર્ષ ખામીયુક્ત બનવું પડશેઃ સેબી
માર્કેટ રેગ્યુલેટરે 2015ના કો-લોકેશન સ્કેમ, બહુવિધ ટેક્નોલોજિકસ નિષ્ફળતાઓ સહિતની અન્ય બાબતોને પણ આઈપીઓના માર્ગમાં અવરોધ ગણાવી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) પર તેના આઈપીઓની મંજૂરી માટે કેટલીક શરતો લાગુ પાડી છે. જેમાં એક્સચેન્જને ઓછામાં ઓછા એક વર્ષ માટે ખામીયુક્ત કામગીરી દર્શાવવાની મહત્વની શરતનો સમાવેશ થાય છે. સેબીએ એનએસઈને તેના ટેક્નોલોજી સંબંધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વ્યાપક અને મજબૂત બનાવવા માટે તેમજ કોર્પોરેટ ગવર્નન્સ માળખામાં સુધારો કરવા જણાવ્યું છે. ઉપરાંત, હાલમાં પેન્ડિંગ હોય જેવી તમામ કાનૂની બાબતોનો ઉકેલ પણ હાથ ધરવા કહ્યું છે એમ વર્તુળો જણાવે છે.
દેશમાં સૌથી મોટા અને વિશ્વમાં ટોચના શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ એનએસઈનું લિસ્ટીંગ ઘણા વર્ષોથી વિલંબિત છે. જેની પાછળ એક્સચેન્જ તરફથી ઊભી થઈ કોઈને કોઈ સમસ્યા જવાબદાર છે. જેમાં કોર્પોરેટ ગવર્નન્સ બાબતોથી લઈ 2015માં કો-લોકેશન સ્કેમમાં તેના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી જેવી બાબતો તેમજ અનેકવાર ટેક્નોલોજિકલ ખામીઓનો સમાવેશ થાય છે. કેલેન્ડર 2021માં એક સત્ર દરમિયાન ટેક્નીકલ ખામીને કારણે એનએસઈ લગભગ સમગ્ર દિવસ માટે કામકાજ કરી શક્યું નહોતું. તે દિવસે તેની મેઈનફ્રેમ અને ડિઝાસ્ટર રિકવરી સાઈટ્સ યોગ્ય કામકાજ કરી રહી નહોતી. જેણે સેબીને તીવ્ર સ્ક્રૂટિની હાથ ધરવાની ફરજ પાડી હતી. તે દિવસે માત્ર બીએસઈ ખાતે કામકાજ ચાલુ જોવા મળ્યાં હતાં.
ચાલુ વર્ષે શરૂઆતમાં એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આગામી સમયગાળામાં ભારતમાં રોકાણકારોની સંખ્યા વર્તમાન 7.5 કરોડ પરથી બમણી કે ત્રણ ગણી થવાની શક્યતાં છે. જેને જોતાં સેબીએ અમારી પ્રોસેસિસ, ટેક્નોલોજી અને ઈરાદાઓ પર વિશ્વાસ મૂકવો જરૂરી છે. જ્યારે પણ સેબી અમારી કામગીરીને લઈ પૂરતો ભરોસો ધરાવતી બનશે તેઓ અમને આઈપીઓ માટે અરજી કરવા જણાવશે અને તે વખતે અમે આગળ વધીશું. 30 સપ્ટેમ્બરે એનએસઈની શેરહોલ્ડિંગ પેટર્નને જોતાં નોન-પબ્લિક શેરહોલ્ડિંગ 44.03 ટકા પર જોવા મળતું હતું. જે 49 ટકાની નિર્ધારિત મર્યાદા કરતાં નીચું હતું. જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 55.97 ટકા પર હતું. જે 51 ટકાની લઘુત્તમ જરૂરિયાત કરતાં વધુ હતું. એનએસઈના શેરમાં છેલ્લે રૂ. 3150 પ્રતિ શેરના ભાવે ઓક્શન થયું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એનેસઈએ વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં રૂ. 1999 કરોડનો ગ્રોથ નોંધાવ્યો હતો. જ્યારે તેની કોન્સોલિડેટેડ આવક 24 ટકા ઉછળી રૂ. 3652 કરોડ થઈ હતી. ટ્રેડિંગ ઉપરાંત કંપનીની ટોપલાઈનને નવા લિસ્ટીંગ, ઈન્ડેક્સ સર્વિસિઝ, ડેટા સર્વિસિઝ અને કો-લોકેશન ફેસિલિટીમાંથી આવકનો સપોર્ટ મળ્યો હતો.
RBIએ 2023-24માં બેંક્સ-NBFCને રૂ. 40 કરોડનો દંડ ફટકાર્યો
કો-ઓપરેટીવ બેંક્સ પર રૂ. 14.04 કરોડનો સૌથી ઊંચો દંડ લાગુ પાડ્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણા વર્ષ 2022-23માં બેંક્સ અને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફસી) પર રૂ. 40.39 લાખ કરોડનો દંડ ફટકાર્યો હતો એમ રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ભગવત કરાડે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું. આરબીઆઈએ વર્ષ દરમિયાન કો-ઓપરેટીવ બેંક્સ પર કુલ રૂ. 14.04 કરોડના મૂલ્યના 176 દંડ ફટકાર્યાં હતાં એમ લેખિત જવાબમાં તેમણે નોંધ્યું હતું.
બેંક રેગ્યુલેટરે પ્રાઈવેટ બેંક્સને રૂ. 12.17 કરોડની જ્યારે જાહેર ક્ષેત્રની બેંક્સને રૂ. 3.65 કરોડની પેનલ્ટી લાગુ પાડી હતી. વિદેશી બેંક્સને રૂ. 4.65 કરોડની તથા સ્મોલ-ફાઈનાન્સ બેંક્સને રૂ. 97 લાખની અને પ્રાદેશિક ગ્રામીણ બેંક્સને રૂ. 42 લાખનો દંડ ફટકાર્યો હતો. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ રૂ. 10 લાખનો જ્યારે અન્ય એનબીએફસીએ રૂ. 4.9 લાખ કરોડનો દંડ ચૂકવવાનો થયો હતો. કરાડે જણાવ્યું હતું કે આરબીઆઈનું બોર્ડ ફાઈનાન્સિયલ સુપરવિઝન માટે નિર્ધારિત એન્ફોર્સમેન્ટ પોલિસી અને ફ્રેમવર્ક આધારે કાયદેસર પગલા લેવા માટેનો અધિકાર ધરાવે છે. આરબીઆઈએ લેન્ડિંગના વિવિધ પાસાઓને લઈને બેંક્સ, એનબીએફસી, એચએફસી તરફથી સ્વીકારવાની થતી યોગ્ય કામકાજી પધ્ધતિ માટે માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી.
સ્પાઈસજેટ સહિત અન્ય બે કંપનીઓ ગો ફર્સ્ટ ખરીદવાની સ્પર્ધામાં
આ અહેવાલ પાછળ સ્પાઈસજેટનો શેર 20 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો
ભારતની બજેટ એરલાઈન કંપની સ્પાઈસજેટ સહિત અન્ય બે કંપનીઓ નાદાર એરલાઈન કંપની ગો ફર્સ્ટની ખરીદીની સ્પર્ધામાં જોવા મળે છે. અન્ય બે કંપનીઓમાં શારજાહ સ્થિત સ્કાય વન કંપની અને આફ્રિકા કેન્દ્રિત સાફ્રિક ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. સ્પાઈસજેટના નામ પાછળ કંપનીનો શેર સોમવારે બીએસઈ ખાતે 20 ટકા ઉછળી રૂ. 64.21ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઉપરોક્ત ત્રણ એરલાઈન કંપનીઓએ ગો ફર્સ્ટનો કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી)ની કામગીરી સંભાળી રહેલા રેઝોલ્યુશન પ્રોફેશ્નલને બંધ પડેલી એરલાઈનનું ડ્યુ ડિલિજન્સ હાથ ધરવા માટે વિનંતી કરી હોવાનું જાણવા મળે છે. ગો ફર્સ્ટની ખરીદી માટેનો પ્રસ્તાવ મૂકવાની ડેડલાઈન પસાર થઈ ગયા પછી તેમજ લેન્ડર્સ તરફથી એરલાઈનના લિક્વિડેશનની શક્યતાં પછી આ કંપનીઓ તરફથી વિનંતી કરવામાં આવી છે એમ વર્તુળોનું કહેવું છે. જોકે, આ વાતની સ્વતંત્રપણે ખાતરી થઈ શકી નથી.
વાડિયા પરિવાર તરફથી પ્રમોટેડ ગો ફર્સ્ટે મે મહિનાના શરૂમાં એનસીએલટી સમક્ષ સ્વૈચ્છિક પણે ઈન્સોલ્વન્સી માટે ફાઈલ કર્યું હતું. કટોકટીનો સામનો કરી રહેલી એરલાઈન કંપનીએ તેના આ નિર્ણય માટે એન્જીન સપ્લાયર પ્રાટ એન્ડ વ્હીટની(પીડબલ્યુ)ને જવાબદાર ગણાવવા સાથે યુએસ સ્થિત કંપનીની ઈન્ટરનેશનલ એરો એન્જિન્સ તરફથી પૂરા પાડવામાં આવેલા એન્જિન્સમાં સતત ખામીને કારણે આમ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એવિએશન સેક્ટરમાં નોંધપાત્ર એક્સપર્ટીઝને જોતાં સ્પાઈસજેટ એક ગંભીર દાવેદાર ગણાય છે. જોકે, કંપનીના પોતાને બચાવવા માટે ચાલી રહેલા સંઘર્ષને જોતાં બેંકર્સ કંપનીની દાવેદારીને લઈ સાવચેતી દાખવી રહ્યાં છે. ઉદ્યોગને લઈને જાણકારી છતાં તેની કેશની તંગ સ્થિતિ નાણાકિય સંસ્થાઓમાં ચિંતાનું કારણ છે એમ વર્તુળો જણાવે છે.
ગયા સપ્તાહે સ્પાઈસજેટે રૂ. 2250 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી. તેણે 13 કરોડ કન્વર્ટિબલ વોરંટ્સ અને રૂ. 50 પ્રતિ શેરના ભાવે 32.08 કરોડ નવા ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરી આ રકમ મેળવશે એમ જણાવ્યું હતું. એરલાઈન કંપની 64 રોકાણકારોને કન્વર્ટિબલ વોરંટ્સ ઈસ્યુ કરશે. જેમાં પ્રભુદાસ લીલાધર એડવાઈઝરી સર્વિસિઝ, એલકેપી ફાઈનાન્સ, માર્ટિના ડેવલપર્સ અને ફિનકોનનો સમાવેશ થશે. પ્રસ્તાવિત ફંડ ઈન્ફ્યુઝન સ્પાઈસજેટને ગો ફર્સ્ટની તેની સંભવિત ખરીદીમાં સહાયરૂપ બને તેવી અપેક્ષા છે. ગો ફર્સ્ટના લેન્ડર્સ ચાલુસપ્તાહની આખરમાં એક બેઠકમાં તેમની ભાવિ ચાર અંગે નિર્ણય લેવાના છે. ગો ફર્સ્ટ કુલ રૂ. 11463 કરોડની જવાબદારી ધરાવે છે. જેમાં રૂ. 6521 કરોડના બેંક ડ્યુઝનો સમાવેશ થાય છે.
જાહેર ક્ષેત્રની બેંક્સમાં વધુ કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતાં
આગામી વર્ષે હાલની 12 પીએસયૂ બેંક્સની સંખ્યા 10 પર જોવા મળી શકે
આગામી વર્ષે જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 12 પરથી 10 પર જોવા મળી શકે છે. સરકારની લોક સભાની કમિટીના અબઓર્ડિનેટ લેજીસ્લેશન પરના એજન્ડાને જોતાં આ શક્યતાં ઊભી થઈ છે. આ કમિટી ચાર પીએસયૂ બેંક્સના પ્રતિનિધિઓ સાથે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને તેમને લાગુ પડતાં અન્ય સંબંધિત નિયમો પર ટૂંકમાં ચર્ચા હાથ ધરશે. આ ચાર પીએસયૂ બેંક્સમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. કુલ 12-બેંક્સમાંથી માત્ર ચાર બેંક્સના પ્રતિનિધિઓને જ ચર્ચા માટે બોલાવવામાં આવ્યાં છે. જેમાં મર્જર પછીની નિયમનકારી સ્થિતિ પર પણ ચર્ચા હાથ ધરાશે એમ બેંકિંગ એક્સપર્ટ જણાવે છે. જે બાબત વધુ કોન્સોલિડેશનનો સંકેત આપી રહી છે.
ઉપર જણાવેલી ચાર બેંક્સમાંથી ત્રણ બેંક્સ યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ ઈન્ડિયાને 2019-2020માં હાથ ધરવામાં આવેલા મેગા કોન્સોલિડેશન રાઉન્ડમાંથી બાકાત રાખવામાં આવી હતી. 1 એપ્રિલ, 2020થી અમલી બનેલા પીએસૂય કોન્સોલિડેશનમાં 10 બેંક્સને ચાર બેંક્સમાં ભેળવવવામા આવી હતી. જેમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને પીએનબીમાં ભેળવવામાં આવી હતી. જ્યારે સિન્ડિકેટ બેંકને કેનેરા બેંક સાથે મર્જ કરાઈ હતી. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભેળવવામાં આવી હતી. તથા અલ્લાહાબાદ બેંકને ઈન્ડિયન બેંક સાથે મર્જ કરાઈ હતી. તે પહેલાં વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડા સાથે ભેળવવામાં આવી હતી. તે મર્જર 1 એપ્રિલ, 2019થી હાથ ધરવામાં આવ્યું હતું.
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ સરકારે તેની અગાઉની વિચારણામાં ફેરફાર કર્યો હોય તેમ સંભવ છે. જેમાં તે બે પીએસયૂ બેંક્સનું પ્રાઈવેટાઈઝેશન ઈચ્છી રહી હતી. તેમના મતે છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં બદલાયેલી સ્થિતિને જોતાં આમ શક્ય છે. હાલમાં પીએસયૂ બેંક્સની દાયકાના નીચા સ્તરે જોવા મળતી એનપીએ, બુક વેલ્યૂ કરતાં ઊંચો બજારભાવ જેવા પરિબળો કોન્સોલિડેશનના વધુ એક રાઉન્ડ પછી વેલ્યૂએશન્સને વધુ મજબૂત બનાવી શકે છે. જે સરકાર માટે બેંક્સના પ્રાઈવેટાઈઝેશનની સરખામણીમાં ઊંચા લાભનું કારણ બની શકે છે. એ વાત ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં યોજાયેલી ઈન્ડિયન બેંક્સ એસોસિએશન્સના 74મી વાર્ષિક સાધારણ સભામાં નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યં હતું કે ભારતીય અર્થતંત્ર અને ઉદ્યોગોની બદલાતી માગને જોતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ) જેવા ચારથી પાંચ બેંક્સની જરૂરિયાત છે. સરકારની કમિટી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓની પણ મુલાકાત લેશે. તેમજ તે વીમા રેગ્યુલેટર ઈરડાઈ, એલાઈસી, ચાર જનરલ ઈન્શ્યોરર્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, નાબાર્ડ, આઈઆઈએફસીએલના પ્રતિનિધિઓને પણ મળશે.
બેંકિંગ સેક્ટરમાં સરકારી બેંક્સના હિસ્સામાં અવિરત ઘટાડો
ચાલુ વર્ષે માર્ચ ક્વાર્ટરથી સપ્ટેમ્બર ક્વાર્ટર વચ્ચે ડિપોઝીટ હિસ્સામાં 1.2 ટકાનો જ્યારે લોન્સમાં 2.96 ટકાનો ઘટાડો
કોર્પોરેટ લોનની માગ ઘટવાને કારણે લોન સેગમેન્ટમાં ઊંચો ઘટાડો જોવા મળ્યો
પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરની સામે પીએસયૂ બેંક્સનો હિસ્સો ઘટવાનું વલણ સતત ચાલુ છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો તાજો ડેટા સૂચવી રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંક્સ ડિપોઝીટ્સમાં તેમજ લોન્સમાં, બંને સેગમેન્ટમાં તેનો હિસ્સો ગુમાવી રહી છે. કેલેન્ડર 2023ની વાત કરીએ તો માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટેબર ક્વાર્ટરમાં ડિપોઝીટ્સમાં પીએસયૂ બેંક્સનો હિસ્સો 1.19 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે લોન સેગમેન્ટમાં તે 2.96 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવે છે.
કોર્પોરેટ્સ તરફથી લોન્સની માગમાં વૃદ્ધિ પાછળ પીએસયૂ બેંક્સના લોન હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. બીજી બાજુ, નાની પ્રાઈવેટ બેંક્સ પણ રિટેલ બાજુએ ઊંચી ક્રેડિટ આપતી જોવા મળી રહી છે. જે બોરોઅર્સ અને બચતકારોને આકર્ષી રહી છે. પીએસયૂ બેંક્સ રિટેલ લોન્સ સેગમેન્ટમાં પ્રયાસો કરી રહી છે પરંતુ તેમના માટે કોર્પોરેટ લોન્સ હજુ પણ સૌથી મોટી કેટગરી બની રહી છે. જાહેર ક્ષેત્રની બેંક્સ સામાન્યરીતે મેન્યૂફેક્ચરિંગ સેક્ટર તથા અન્ય કોર્પોરેટ ક્ષેત્ર તરફ લોન્સનો ઊંચો ઝૂકાવ ધરાવે છે. જ્યારે પ્રાઈવેટ બેંકિંગ સેક્ટર રિટેલ કેટેગરી તરફ ઝૂકાવ ધરાવે છે એમ આઈડીબીઆઈ બેંકના ડેપ્યૂટી મેનેજિંગ ડિરેક્ટર જણાવે છે. જાન્યુઆરી 2019માં આરબીઆઈ તરફથી પ્રાઈવેટ બેંક તરીકે ફરીથી વર્ગીકૃત ના કરાઈ ત્યાં સુધી આઈડીએફસી બેંક પણ પીએસયૂ બેંક ગણાતી હતી. જાન્યુઆરી, 2019માં એલઆઈસીએ આઈડીબીઆઈમાં 51 ટકા હિસ્સો ખરીદ્યાં પછી તેને પ્રાઈવેટ બેંકનું લેબલ આપવામાં આવ્યું હતું.
પીએસયૂ બેંક્સ પણ રિટેલ, એગ્રી અને એમએસએમએઈ સેક્ટર પર ધ્યાન આપતી થઈ છે પરંતુ પ્રાઈવેટ લેન્ડર્સની સરખામણીમાં તે ઘણું નીચું છે. પ્રાઈવેટ લેન્ડર્સ ટેક્નોલોજીનો ઊંચો ઉપયોગ ધરાવે છે અને તેઓ નોંધપાત્ર પ્રમાણમાં ગ્રાહકોનું ડિજીટલી એક્વિઝીશન કરી રહ્યાં છે. બેંકર્સના જણાવ્યા મુજબ સરકાર તરફથી થઈ રહેલા ખર્ચ સિવાય કોર્પોરેટ્સનો મૂડી ખર્ચ પ્રમાણમાં નીચો જળવાયો છે. દેશમાં નવા પ્રોજેક્ટ્સની જાહેરાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 1.5 લાખ કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.3 લાખ કરોડ પર હતી એમ સેન્ટર ફોર મોનીટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(સીએમઆઈઈ)નો ડેટા સૂચવે છે. જે પીએસયૂ બેંક્સ માટે નીચો ક્રેડિટ ઓફટેકનું મુખ્ય કારણ છે. તેને કારણે સપ્ટેમ્બર 2023માં દેશમાં લોન માર્કેટમાં પીએસયૂ બેંક્સના હિસ્સામાં વાર્ષિક ધોરણે 3.14 ટકાનો ઘટાડો પણ દર્શાવે છે. નાણા વર્ષ 2017-18ની સરખામણીમાં જોકે, પીએસયૂ બેંક્સના બજાર હિસ્સામાં ઘટાડો ધીમો પડ્યો છે. જેનું કારણ પીએસયૂ બેંક્સ તરફથી બેડ લોન્સને દૂર કરી નવા ધિરાણ બિઝનેસ માટે વધેલી ક્ષમતા છે. ઉપરાંત, ઘણી પીએસયૂ બેંક્સને આરબીઆઈએ પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન(પીસીએ)માંથી દૂર કરી છે. જેથી તેઓ નવેસરથી ધિરાણ કરી શકે છે. તાજેતરમાં પ્રાઈવેટ બેંક્સનો ક્રેડિટ ગ્રોથ મજબૂત હોવાથી તેઓ ડિપોઝીટ્સમાં આક્રમક જોવા મળી છે. જેને કારણે તેમના ડિપોઝીટ્સ હિસ્સામાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. સપ્ટેમ્બરમાં પીએસયૂ બેંક્સનો ડિપોઝીટ હિસ્સો 59.2 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે પ્રાઈવેટ બેંક લેન્ડર્સનો હિસ્સો 34.8 ટકા પર રહ્યો હતો.
અદાણી જૂથે ગ્રીન હાઈડ્રોજનમાં અત્યાર સુધી 2.5 અબજ ડોલર રોક્યાં
કંપનીનો 2026-27 સુધીમાં 10 લાખ ટનની ક્ષમતા ઊભી કરવાનો ટાર્ગેટ
અદાણી જૂથની અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિ.(ANIL)એ તેના ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે બેકવર્ડ ઈન્ટિગ્રેટેડ વેલ્યૂ ચેઈન વિકસાવવા માટે અત્યાર સુધીમાં 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેમજ કંપની 2026-27 સુધીમાં દસ લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથેના પ્રોજેક્ટના અમલીકરણની દિશામાં સમયપત્રક મુજબ આગળ વધી રહી છે એમ વર્તુળો જણાવે છે.
કંપની 50 અબજ ડોલરના રોકાણ સાથે ક્ષમતાને 10 વર્ષોમાં વધારી 30 લાખ ટન સુધી લઈ જવા ધારે છે. જોકે, તેનો આધાર બજારની સ્થિતિ અને પ્રથમ તબક્કાની સફળતા પર રહેલો છે. કંપનીનો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ગુજરાતમાં મુંદ્રા ખાતે આવી રહ્યો છે. બેકવર્ડ ઈન્ટિગ્રેશનમાં ગ્રીન હાઈડ્રોજન તથા તેના એસોસિએસેટેડ સસ્ટેનેબલ ડેરિવેટીવ્સ બનાવવા માટે સોલાર, વાઈન્ડ, ઈલેક્ટ્રોલાઈઝર્સ અને એલાયડ ઈક્વિપમેન્ટ તમામમાં ફૂલ્લી ઈન્ટિગ્રેટેડ વેલ્યૂ ચેઈન વિકસાવવાન સમાવેશ થાય છે. ગ્રૂપ માટે ગ્રીન હાઈડ્રોજન એક મહત્વાકાંક્ષી બિઝનેસ એરિયા છે. જે માટે સપ્લાય ચેઈન વિકસાવવામાં જૂથ જંગી રોકાણ કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં અદાણી એન્ટરપ્રાઈઝિસે કોવા હોલ્ડિંગ્સ એશિયા સાથે સરખી ભાગીદારીમાં સંયુક્ત સાહસની સ્થાપનાની જાહેરાત કરી હતી. જે હેઠળ કંપની ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટીવ્ઝનું જાપાન, તાઈવાન અને હવાઈમાં માર્કેટિંગ કરશે. તાજેતરમાં જૂથના સીએફઓએ જણાવ્યું હતું કે જૂથ આગામી એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જંગી 84 અબજ ડોલરનું રોકાણ કરશે. આ માટે તે સ્થાનિક બોન્ડ માર્કેટ્સમાંથી નાણા ઊભા કરશે તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. હાલમાં કંપની મોટાભાગની યુએસ બોન્ડ્સ ધરાવે છે.
નવેમ્બરમાં RBD પામોલીનની આયાતમાં 220 ટકા વૃદ્ધિ
દેશમાં રિફાઈન્ડ ખાદ્ય તેલની આયાતમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. નીચા ડ્યુટી તફાવતને કારણે ઈન્ડોનેશિયા ખાતેથી રિફાઈન્ડ પામતેલની ઊંચી આયાત થઈ રહી છે. જેને કારણે સ્થાનિક રિફાઈનર્સનો ક્ષમતા વપરાશ ઘટ્યો છે. નવેમ્બરમાં શરૂ થયેલા નવા તેલ વર્ષ 2023-24માં આરબીડી પામોલીનની આયાત ઓક્ટોબરની સરખામણીમાં 220 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે, ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં તે 24.90 ટકા ઘટાડો દર્શાવે છે.
ગયા ઓક્ટોબરમાં આરબીડી પામોલીનની આયાત 53,497 ટન પર રહી હતી એમ સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(સી) જણાવે છે. જે નવેમ્બરમાં 1.71 લાખ ટન પર હતી. નવેમ્બર 2022માં આરબીડી પામોલીનની આયાત 2.02 લાખ ટન પર જોવા મળી હતી. નવેમ્બરમાં ક્રૂડ પામતેલની આયાત 6.92 લાખ ટન રહી હતી. જે ઓક્ટોબરમાં 6.41 લાખ ટન પર હતી. જ્યારે નવેમ્બર 2022માં 9.31 લાખ ટન પર નોંધાઈ હતી. સીના મતે હાલમાં ક્રૂડ પામતેલ પર અસરકારક ડ્યૂટી 5.50 ટકા લાગુ પડે છે. જ્યારે રિફાઈન્ડ તેલ પર 13.75 ટકા ડ્યુટી લાગુ પડે છે. આમ, 8.25 ટકાનો ડ્યૂટી તફાવત છે. જેને કારણે દેશમાં રિફાઈન્ડ પામતેલની આયાત ઊંચી જોવા મળે છે. નવેમ્બરમાં ઈન્ડોનેશિયા ખાતે 1.54 લાખ ટન આરબીડી પામોલીન આયાત થયું હતું. જ્યારે 4.1 લાખ ટન સીપીઓ આયાત જોવા મળી હતી. મલેશિયા ખાતેથી આરબીડી પામોલીન આયાત 16 હજાર ટન પર જોવા મળી હતી.
સુગર ઉત્પાદન 11 ટકા ઘટી 74 લાખ ટન પર નોંધાયું
માર્કેટિંગ યર 2023-24(ઓક્ટોબરથી નવેમ્બર)માં અત્યાર સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 10.7 ટકા ઘટાડો દર્શાવી રહ્યું છે એમ અગ્રણી વેપાર સંસ્થા જણાવે છે. દેશમાં શેરડીનું ઉત્પાદન કરતાં બે ટોચના રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દુકાળ પાછળ શેરડીનું ઉત્પાદન ઘટવાથી ખાંડના પ્રોડક્શન પર અસર પડી છે.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 1 ઓક્ટોબર 2022થી 15 ડિસેમ્બર 2024 સુધીમાં ઘટી 24.4 લાખ ટન પર નોંધાયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 33 લાખ ટન પર જોવા મળતું હતું. કર્ણાટકની વાત કરીએ તો ત્યાં ખાંડનું ઉત્પાદક 11.7 ટકા ગગડી 17 લાખ ટન પર જોવા મળ્યું હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનો ડેટા સૂચવે છે. બીજી બાજુ, દેશમાં ઉત્તર પ્રદેશ ખાતે ખાંડનું ઉત્પાદન 9 ટકા ઉછળી 22 લાખ ટન પર નોંધાયું હતું. કેમકે ત્યાં કામકાજની શરૂઆત વહેલી જોવા મળી હતી. ભારત સરકારે ગયા સપ્તાહાંતે ઈથેનોલ ઉત્પાદન માટે 17 લાખ ટન સુધી ખાંડના ઉપયોગની છૂટ આપી હતી. જેની પાછળ સોમવારે સુગર શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. સરકારે ચાલુ વર્ષે દેશમાંથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેમકે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી જોતાં સરકાર માટે ફુગાવો અંકુશમાં જળવાયેલો રહે તે મહત્વનું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એનબીસીસીઃ પીએસયૂ કંપનીએ દિલ્હીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે 2.23 લાખ ચો.ફૂટ કમર્સિયલ સ્પેસનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 905 કરોડના મૂલ્યમાં નૌરોજી નગર ખાતે આ જગ્યા વેચી છે. કંપનીએ આ જગ્યા વેચવા માટે 22મી હરાજી હાથ ધરી હતી. કંપની ઓપન ઈ-ઓક્શન મારફતે અત્યાર સુધીમાં 23.92 લાખ ચોરસ ફીટ જગ્યાના વેચાણમાંથી રૂ. 9656.62 કરોડની રકમ ઊભી કરી ચૂકી છે.
ટીસીએસઃ આઈટી સર્વિસિઝ કંપનીએ તેણે સિક્સનું આધુનિકીકરણ કર્યું છે. જે સ્વિસ અને સ્પેનિશ ફાઈનાન્સિયલ માર્કેટ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવે છે. ટીસીએસના જણાવ્યા મુજબ સિક્સના ક્લિઅરીંગ, સેટલમેન્ટ અને કસ્ટડી પ્લેટફોર્મને અપડેટ કર્યાં પછી પ્લેટફોર્મ કંપનીના વૈશ્વિક સિક્યૂરિટીઝ સર્વિસિઝ ઈન્ડસ્ટ્રીમાં વૈશ્વિક ખેલાડી બનવાના ધ્યેયને મજબૂત બનાવશે.
વેદાંતાઃ અનિલ અગ્રવારની કંપની વેદાંતાએ ચાલુ નાણા વર્ષ 2023-24 માટે રૂ. 11 પ્રતિ શેરનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેણે રૂ. 1ની ફેસવેલ્યૂ પર 1100 ટકાનું ડિવિડન્ડ આપ્યું છે. જેનાથી કંપનીને રૂ. 4089 કરોડનો ખર્ચ લાગશે. કંપનીએ ડિવિડન્ડ માટે 27 ડિસેમ્બર, 2023ની તારીખ નિર્ધારિત કરી હતી.
સેમ્બકોર્પઃ : સેમ્બકોર્પ ગ્રીન હાઈડ્રોજને સોજિત્ઝ કોર્પોરેશન અને ક્યુશુ ઇલેક્ટ્રિક પાવર સાથે ભારતમાં ઉત્પાદિત ગ્રીન એમોનિયા જાપાનમાં નિકાસ માટે એમઓયૂ કર્યાં છે. સોજીત્ઝ એ ઉર્જા વેપાર અને રોકાણ વ્યવસાયો સાથેનું એક જાપાની જૂથ છે. જ્યારે ક્યુશુ ઈલેક્ટ્રિક એ મુખ્ય જાપાનીઝ ઊર્જા કંપની છે, જે મુખ્યત્વે જાપાનના ક્યુશુ પ્રદેશમાં પાવર પુરો પાડે છે.
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડઃ ઝડપી વૃદ્ધિ પામી રહેલા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘એક્સિસ યુએસ ટ્રેઝરી ડાયનેમિક બોન્ડ ઈટીએફ ફંડ ઓફ ફંડ’ નામે નવી ઓફર લોન્ચ કરી છે. એનએફઓ 12 ડિસેમ્બરે ખૂલ્યો હતો 19 ડિસેમ્બરે બંધ રહ્યો હતો. બ્લૂમબર્ગ યુએસ ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી ટીઆરઆઈને બેન્ચમાર્ક બનાવતી સ્કીમનો ઉદ્દેશ્ય વિદેશી ઈટીએફના એકમોમાં રોકાણ કરીને નિયમિત આવક પ્રદાન કરવાનો છે.
ટાટા મોટર્સઃ ટોચની ઓટો કંપનીએ ગુજરાતમાં તેના સર્વિસ નેટવર્કમાં વૃદ્ધિ કરી છે. નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં તેણે અમદાવાદ, ડિસા, સુરત સહિત સાત નવા સર્વિસ સેન્ટર્સ ઉમેર્યાં છે. જે સાથે કુલ સંખ્યા 55 પર પહોંચી છે. તેણે વડોદરા, સુરત અને રાજકોટમાં EzServe પ્રોગ્રામ અમલી બનાવ્યો છે.
ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનઃ ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે અને ભારતકેર્સ તરફથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર મારફતે કિશોરી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે. જે તરુણ બાળકીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ઊભી કરે છે. ઝઘડિયા બ્લોકમાં 4000થી વધુ કિશોરીઓની સઘન તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.
રિલાયન્સ જનરલઃ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સે “રિલાયન્સ હેલ્થ ગ્લોબલ” લોન્ચ કરી છે. ભારતીયો માટે વૈશ્વિક હેલ્થકેરને સુલભ બનાવવા માટે તૈયાર કરાઈ છે. તે દેશ બહાર સમગ્ર વિશ્વમાં તેના પ્રોટેક્શનને આવરી લે છે. જે ઉચ્ચ સર્વિસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.
વિવોઃ સ્માર્ટફોન બ્રાન્ડે તેની સ્પર્ધા ‘વિવો ઇગ્નાઇટ: ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન એવોર્ડ્સ’ની બીજી આવૃત્તિને લોંચ કરી હતી. નવી પેઢીના પ્રોબ્લેમ સોલ્વર્સ અને ઈનોવેટર્સ તૈયાર કરવા રચાયેલ સ્પર્ધા યુવા ભારતીયોને નવીન ઉકેલોની કલ્પના કરવા એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ઓલાઃ કૃત્રિમ ભારતની પ્રથમ AI કંપની છે જેણે એન્ડ-ટુ-એન્ડ એઆઇ કમ્પ્યુટિંગ સ્ટેક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેણે તેના બેઝ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM)ને લોંચ કર્યું છે. જે તમામ ભારતીય ભાષાઓ માટે જનરેટિવ AI એપ્લીકેશનને શક્તિ આપે છે. જેમાં ભારતીય ડેટાની સૌથી મોટી રજૂઆત છે.
લેન્ક્સસઃ લેન્ક્સસે વધુ એક વખત ડાઉ જોન્સ સસ્ટેન્બિલીટી ઇન્ડેક્સ યુરોપમાં 100માંથી 79 ગુણ પ્રાપ્ત કરીને “કેમિકલ્સ” કેટેગરીમાં સૌપ્રથમ સ્થાન મેળવ્યું છે. લેન્ક્સેસ ડીજેએસઆઈ વર્લ્ડમાં ત્રીજા ક્રમે છે. કંપનીએ ક્લાઇમેટ ચેન્જ, પ્રોડક્ટ સ્ટુવર્ડશિપ ક્ષેત્રે સારા ગુણ પ્રાપ્ત કર્યા હતા.
હિકવિઝન ઈન્ડિયાઃ કંપનીએ ઇન્ફોર્મા માર્કેટ્સ આયોજિત IFSEC ઇન્ડિયા સિક્યુરિટી એક્સપોમાં IDP-D5C, લેક્ચર કેપ્ચર બ્રોડકાસ્ટિંગ (LCB) સિરીઝ અને વિડિયો ઇન્ટરકોમ પ્રોડક્ટ્સ સાથે નવી AIoT પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ લોંચ કર્યાં હતાં. જેમાં વિઝિટર્સે એઆઈ, રોબોટિક્સ અને IOTમાં રસ દર્શાવ્યો હતો.
સિમેન્સઃ એન્જીનીયરીંગ કંપનીએ તેના એનર્જી બિઝનેસના પ્રસ્તાવિત ડિમર્જર પ્રક્રિયાને એક્ઝિક્યૂટ કરવા માટે ભારતમાં સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની સ્થાપવાને મંજૂરી આપી હોવાનું ફાઈલીંગમાં જણાવ્યું છે. કંપનીના પ્રમોટર્સે સિમેન્સ લિ.ના બોર્ડને તેમના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેના એનર્જી બિઝનેસને અલગ કંપનીમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.