Market Summary 18 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બોન્ડ યિલ્ડ્સમાં વણથંભી વૃદ્ધિ પાછળ બજારમાં વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ઉછળી 19.33ની સપાટીએ
નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 4.6 ટકાનો તીવ્ર ઘટાડો
બેંકિંગમાં વેચવાલી પાછળ બેંક નિફ્ટી 2 ટકા તૂટ્યો
વૈશ્વિક બજારમાં પણ અન્ડરટોન નરમ
બ્રોડ માર્કેટમાં લેવાલી અટકતાં માર્કેટ-બ્રેડ્થ નરમ
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત વેચવાલી સાથે જોવા મળી હતી. મંદીવાળાઓએ લાગ જોઈને બજાર પર નિયંત્રણ મેળવ્યું હતું. જેને કારણે બેન્ચમાર્ક્સે મહત્વના સપોર્ટ ગુમાવ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1172 પોઈન્ટ્સના ઘટાડે 57167ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ 302 પોઈન્ટ્સ ગગડી 17174ની સપાટી પર ક્લોઝ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 8.66 ટકા ઉછળી 19.33ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 26 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 24 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. ગયા સપ્તાહે માર્કેટમાં ઘસારા વચ્ચે બ્રોડ માર્કેટમાં જોવા મળતી ખરીદી અટકી હતી અને માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી હતી.
સતત બીજા સપ્તાહે માર્કેટની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. બજાર ઘટાડા સાથે ખૂલ્યાં બાદ સતત ઘસાતું રહ્યું હતું. નિફ્ટી ઈન્ટ્રા-ડે 17067.85નું તળિયું દર્શાવી 17200 સુધી પરત ફર્યો હતો. જોકે તેણે 17300નો મહત્વનો સપોર્ટ ગુમાવ્યો હતો. એનાલિસ્ટ્સના મતે હવે બજારને 17000નો મજબૂત સપોર્ટ છે. જે તૂટશે તો બજારમાં ઘટાડો ઓર આગળ વધશે. માર્કેટમાં ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં સ્થાનિક સ્તરે કોવિડ કેસિસમાં ઝડપી વૃદ્ધિ ઉપરાંત બોન્ડ યિલ્ડ્સમાં અવિરત સુધારો છે. સાથે ફુગાવાના ઊંચા આંકડાને કારણે ફેડ પણ આગામી મે મહિનાની બેઠકમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરશે તે નિશ્ચિત માનવામાં આવે છે. સ્થાનિક સ્તરે આઈટી કંપની ઈન્ફોસિસ અને પ્રાઈવેટ બેંક એચડીએફસીનું પરિણામ બજારની અપેક્ષાથી ઊણૂં જોવા મળ્યું હતું. જેને કારણે પણ બજારમાં વેચવાલી જોવા મળી હતી. કંપનીનો શેર 7.2 ટકા જેટલો ગગડ્યો હતો. જેની પાછળ નિફ્ટી આઈટી 4.6 ટકાનો તીવ્ર ઘટાડ દર્શાવી રહ્યો હત. અગાઉ 23 માર્ચ 2020ના રોજ શેરમાં 12 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. એચડીએફસી બેંકનો શેર પણ 4.7 ટકા જેટલો તૂટ્યો હતો. ગયા સપ્તાહે એચડીએફસી બંધુઓના મર્જરના અહેવાલે સુધારો દર્શાવ્યાં બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએસયૂ બેંક શેર્સ પણ ગગડ્યાં હતાં. જેને કારણે બેંક નિફ્ટી 2 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં સુધારો દર્શાવવામાં પીએસયૂ, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને ઓટો કંપનીઓન સમાવેશ થતો હતો. એનટીપીસીનો શેર 6 ટકા ઉછળી રૂ. 163.20ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સનો શેર 2.31 ટકા ઉછળ્યો હતો. એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકીમાં સુધારો જોવા મળી રહ્યો હતો. જ્યારે ઈન્ફોસિસ બાદ એચડીએફસી, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, વિપ્રો, ટીસીએસમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3670 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 2062 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1462 સુધારો સૂચવતાં હતાં. 237 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ થયા હતાં. આમ ગયા સપ્તાહે બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે બ્રોડ માર્કેટમાં જોવા મળેલી મજબૂતીનો અભાવ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં મહ્દઅંશે સેન્ટિમેન્ટ નરમ હતું. એશિયાઈ બજારોમાં હોંગ કોંગ સુધારા સાથે બંધ દર્શાવી રહ્યું હતું. જ્યારે યુરોપ બજારો પણ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે જાપાન, કોરિયા, તાઈવાન અને ચીનના બજારો એક ટકા સુધીનો ઘટાડો સૂચવતાં હતાં.

વૈશ્વિક બજારમાં ગોલ્ડ 2000 ડોલર નજીક, ચાંદીએ રૂ. 70 હજારનું સ્તર કૂદાવ્યું
ગોલ્ડના ભાવમાં સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે જોવા મળી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 20 ડોલરથી વધુના સુધારે 1995 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના સ્તરે ટ્રેડ થયો હતો. જે 15 માર્ચ પછીનું ટોચનું સ્તર છે. યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ અને ડોલરમાં મજબૂતી વચ્ચે સોનામાં સુધારો જળવાયો છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો રૂ. 554 અથવા એક ટકાથી વધુ સુધારા સાથે રૂ. 53546ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોના પાછળ ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી હતી. એમસીએક્સ મે સિલ્વર વાયદો રૂ. 1228 અથવા 1.78 ટકા મજબૂતી સાથે રૂ. 70260ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ એપ્રિલમાં તે પ્રથમવાર રૂ. 70 હજારની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. એમસીએક્સ નેચરલ ગેસ વાયદો 3.5 ટકા ઉછળી રૂ. 575ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે લેડ, કોપર અને ક્રૂડ વાયદાઓમાં પણ એક ટકા આસપાસનો સુધારો જોવા મળતો હતો.
ડોલર સામે રૂપિયો 6 પૈસા ગગડ્યો
નવા સપ્તાહની શરૂઆત રૂપિયા માટે નિરાશાજનક રહી હતી. ગ્રીનબેક સામે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ સ્થાનિક ચલણ નેગેટિવ જ જોવા મળ્યું હતું. ગયા સપ્તાહાંતે 76.19ના સ્તરે બંધ જોવા મળેલો રૂપિયાએ સોમવારે 76.41ના સ્તરે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું અને કામકાજની આખરમાં 6 પૈસા નરમાઈ સાથે 76.25ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 76.20 અને 76.43ની રેંજમાં અથડાયો હતો. વૈશ્વિક સંસ્થાકિય રોકાણકારોની નવેસરથી વેચવાલી અને વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી પાછળ ભારતીય ચલણમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ 0.22 ટકા મજબૂતી સાથે 100.545ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તે લાંબા સમયગાળા બાદ 100ની સપાટી પાર કરી ગયો હતો.

ડિફેન્સ સાથે સંકળાયેલા PSU કાઉન્ટર્સમાં તેજીનો વંટોળ
ગણતરીના ટ્રેડિંગ સત્રોમાં બીડીએલ જેવી કંપનીનો શેર 50 ટકા ઉછળ્યો
કેલેન્ડરની શરૂઆતથી અત્યાર સુધીમાં બીડીએલે 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું
ડિફેન્સ શેર્સમાં તેજીનો વંટોળ ફૂંકાયો છે. છેલ્લાં બે સપ્તાહ દરમિયાન એકબાજુ માર્કેટ સતત ઘસાતું જોવા મળ્યું છે ત્યારે કેટલાંક ડિફેન્સ કાઉન્ટર્સ ખાસ કરીને જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલી ડિફેન્સ કંપનીઓના શેર્સમાં ભારે તેજી જોવા મળી છે. આવી કંપનીઓના શેર્સે ગણતરીના ટ્રેડિંગ સત્રોમાં 50 ટકાથી વધુનું રિટર્ન જનરેટ કર્યું છે. જ્યારે 2022ની વાત કરીએ તો તેઓ 100 ટકાથી વધુ રિટર્ન દર્શાવી ચૂકી છે.
માર્કેટ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ સરકારના ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સને લઈને આત્મનિર્ભર બનવા તરફના ઉદ્દેશની પાછળ સંરક્ષણ સાથે જોડાયેલી કંપનીઓના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. સરકાર ઈચ્છે છે કે સ્થાનિક કંપનીઓ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામનો લાભ લે જેથી ડિફેન્સ ક્ષેત્રે વિદેશ પરની નિર્ભરતાને ઓછી કરી શકાય. આ જ કારણથી વિવિધ પીએસયૂ ડિફેન્સ સાહસોને તાજેતરમાં ડિફેન્સ મંત્રાલય તરફથી નોંધપાત્ર ઓર્ડર્સ પ્રાપ્ય થયા છે અને તેમના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. જેમાં ભારત ડાયનેમિક્સ(બીડીએલ) ટોચ પર છે. કંપનીનો શેર સોમવારે વધુ 16.10 ટકા ઉછળ્યો હતો અને રૂ. 855.30ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. રૂ. 321.10ના વાર્ષિક તળિયા સામે તે 100 ટકાથી વધુન ઉછાળો સૂચવે છે. કંપનીનો શેર ગયા સપ્તાહના બંધ ભાવ સામે પોઝીટીવ ખૂલ્યાં બાદ સતત સુધરતો રહ્ય હતો અને તેણે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 884ની ટોચ બનાવી હતી. કંપની સરફેસ ટુ એર મિસાઈલ, એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલ, ટોર્પેડોઝ અને એલાઈડ ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ બનાવે છે.
અન્ય કેટલાંક ડિફેન્સ કાઉન્ટર્સમાં ગાર્ડન રિચ શીપબિલ્ડર્સ, મઝગાંવ ડોક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ અને કોચીન શીપયાર્ડ જેવા પીએસયૂ શેર્સનો સમાવેશ થાય છે. ગાર્ડન રિચ અને મઝગાંવ ડોકના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. છેલ્લાં છ ટ્રેડિંગ સત્રોમાં ગાર્ડન રિચનો શેર 23 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. સોમવારે કંપનીનો શેર 2.56 ટકા સુધારા સાથે રૂ. 304.65ની સપાટી પર ટ્રેડ થતો હતો. મઝગાંવ ડોકનો શેર સોમવારે 5.07 ટકા સુધારા સાથે રૂ. 331.30ની સપાટી પર ટ્રેડ થયો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે કંપનીના શેરે રૂ. 337.70ની ટોચ દર્શાવી હતી. છેલ્લાં કેટલાંક સત્રોમાં કંપનીના શેરમાં 21 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ભારત ઈલેક્ટ્રોનિક્સનો શેર સોમવારે 3.2 ટકા ઉછળી રૂ. 254.95ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 256.30ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. હિંદુસ્તાન એરોનોટીક્સ અને કોચીન શીપયાર્ડના શેર્સમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. બંને કંપનીઓના શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ દર્શાવી રહ્યાં છે. છેલ્લાં સપ્તાહમાં કંપનીના શેર્સ 10-12 ટકાનું રિટર્ન સૂચવે છે.

ડિફેન્સ શેર્સનો તાજેતરમાં દેખાવ
સ્ક્રિપ્સ 6 એપ્રિલનો બંધ(રૂ) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
BDL 570.75 856.70 50.10%
ગાર્ડન રિચ 246.85 303.90 23.11%
મઝગાંવ ડોક 273.05 329.50 20.67%
BEL 220.00 254.60 15.73%
HAL 1547.80 1738.25 12.30%
કોચીન શીપ 318.45 353.00 10.85%

L&T ઈન્ફોટેક અને માઈન્ડટ્રીનું મર્જર 22 અબજ ડોલરની કંપની ઊભી કરશે
માઈન્ડટ્રી અને લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેકના બોર્ડ્સ શેર સ્વેપ રેશિયો અંગે વિચારણા કરશે
લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ તેની શેરબજારમાં લિસ્ટેડ બે સોફ્ટવેર કંપનીઓના મર્જરની શક્યતાં ચકાસી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. આમ કરવા પાછળનું કારણ વૈશ્વિક ડિજિટલ જાયન્ટ્સ સાથે સ્પર્ધા માટે કદને મોટું કરવાનું છે. જાણકાર વ્યક્તિના મતે મુંબઈ સ્થિત એન્જિનીયરીંગ કંપનીનો અંકુશ ધરાવતી બંને સોફ્ટવેર કંપનીઓના બોર્ડ્સ શેર સ્વેપ રેશિયો નિર્ધારિત કરવા માટે આગામી સપ્તાહે મળી શકે છે.
લાર્સને 2019માં માઈન્ડટ્રીની ખરીદી કરી હતી. હાલમાં તે કંપનીમાં 61 ટકા હિસ્સો ધરાવે છે. સોમવારે માઈન્ડટ્રીના બંધ ભાવે આ હિસ્સાનું માર્કેટ-કેપ 8.3 અબજ ડોલર જેટલું થતું હતું. જ્યારે એલએન્ડટી ઈન્ફોટેકમાં તે 74 ટકા હિસ્સો ધરાવે છે. જેનું માર્કેટ-કેપ રૂ. 13.6 અબજ ડોલર જેટલું બેસે છે. બંને કંપની બિઝનેસિસ અથવા ક્લાયન્ટ્સની બાબતમાં લઘુત્તમ ઓવરલેપ ધરાવે છે. જ્યારે જોડાણને કારણે તેઓ વધુ સારો પ્રાઈસિંગ પાવર અને નીચ ખર્ચ ધરાવતાં હશે એમ જાણકાર વર્તુળ જણાવે છે. મર્જરને લઈને ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને તેમાં વિલંબ થઈ શકે છે અથવા તો તે નિષ્ફળ પણ જઈ શકે છે. લાર્સનના પ્રતિનિધિઓએ જોકે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે માઈન્ડટ્રી અને એલએન્ડટી ઈન્ફોટેકના પ્રતિનિધિઓ તરફથી તત્કાળ કોઈ પ્રતિભાવ સાંપડી શક્યો નહોતો. માઈન્ડટ્રી તેના માર્ચ ક્વાર્ટરના પરિણામ સોમવારે જાહેર કરવાની છે. જ્યારે એલએન્ડટી ઈન્ફોટેક તેના પરિણામ મંગળવારે જાહેર કરશે. સોફ્ટવેર કંપનીઓને ડિજિટાઈઝેશન માટે જોવા મળી રહેલી મજબૂત માગને જોતાં પ્રસ્તાવિત મર્જરની શક્યતા ઊભી થઈ છે. મોટી આઈટી કંપનીઓ નીચા માર્જિન ધરાવતાં પરંપરાગત બેક-રૂમ સર્વિસિઝ બિઝનેસિસમાંથી સાઈબરસિક્યૂરિટી, ઓટોમેશન અને મશીન-લર્નિંગ સપોર્ટ જેવા વિસ્તારોમાં વિસ્તરણ કરી રહી છે. સોમવારે જોકે બંને આઈટી કંપનીઓના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં માઈન્ડટ્રી 3.45 ટકા ગગડી રૂ. 3957.50ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એલએન્ડટી ઈન્ફોટેક 2.73 ટકા ગગડી રૂ. 5873.65ના સ્તરે બંધ રહ્યો હતો.

ઈક્વિટી ઈન્વેસ્ટર્સ હવે ફ્રેક્શનલ શેર્સમાં રોકાણ કરી શકશે
એમઆરએફ, હનીવેલ ઓટોમેશન અને પેજ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેર્સમાં ખરીદી શક્ય બનશે
કંપનીઓ હાઇબ્રિડ મોડમાં શેરહોલ્ડર્સ મીટીંગ્સ પણ યોજી શકશે

વૈશ્વિક બજારમાં રોકાણકારોને શેરના ટુકડામાં રોકાણ કરવાની તક ભારતીય બજારમાં પણ સાકાર થવા જઈ રહી છે. જ્યારબાદ માર્કેટ રોકાણકારોનું એમઆરએફ, હનીવેલ ઓટોમેશન અને પેજ ઇન્ડસ્ટ્રીઝ જેવાં મોંઘા શેર્સમાં આંશિક રોકાણ કરવાનું સપનું સાકાર થશે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા નિર્મિત કંપની લો કમીટીએ ફ્રેક્શનલ શેર્સ, રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ (આરએસયુ) અને સ્ટોક એપ્રિશિયેશન રાઇટ્સ (એસએઆર) સહિત વિવિધ પગલાઓ માટે ભલામણ કરી છે. વધુમાં કંપનીઓ હાઇબ્રિડ મોડમાં શેરહોલ્ડર્સ મીટીંગ્સ પણ યોજી શકશે, જેથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે તથા બજારમાં તરલતામાં પણ વધારો થશે.
તેનાથી રિટેઇલ રોકાણકારો સાધારણ રોકાણ સાથે મોંઘા શેર્સનો એક નાનો હિસ્સો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશે. નાણાકીય વર્ષ 2021માં 1.42 કરોડ રિટેઇલ રોકાણકારો માર્કેટમાં પ્રવેશ કરતાં ફ્રેક્શનલ શેર્સમાં ટ્રેડ કરવાને મંજૂરી આપવાની દિશામાં પગલું ભરાયું છે. ઉદાહરણરૂપે, એમઆરએફનો એક શેર ખરીદવા માટે રૂ. 67,459 જેટલું રોકાણ કરવાની જગ્યાએ રોકાણકાર કંપનીના શેરનો આંશિક હિસ્સો ખરીદવા માટે રૂ. 100 અથવા રૂ. 1000 જેટલી નાની રકમ રોકી શકે છે. કમીટીએ સ્પષ્ટતા કરી છે કે ફ્રેક્શનલ શેર્સમાં કંપનીના આ શેસના ફ્રેશ ઇશ્યૂને સામેલ કરવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયમાં જાહેર બજારમાં રિટેઇલ રોકાણકારોની હિસ્સેદારીમાં વધારો થયો છે તેમજ ફ્રેક્શનલ શેર્સ સંબંધિત ભલામણોથી રિટેઇલ રોકાણકારો એવાં શેર્સમાં ટ્રેડ કરવા સક્ષમ બનશે, જે તેમની એક્સેસની બહાર હતાં. કર્મચારીઓના વળતરને કંપનીના શેર્સ સાથે લિંક કરવા માટે કમીટીએ આરએસયુ અને એસએઆર ઇશ્યૂ કરવાની ભલામણ કરી છે. બીજી તરફ હાઇબ્રિડ મોડલમાં શેરહોલ્ડર્સની મીટીંગ યોજવાની ભલામણથી સહભાગીતામાં વધારો થશે તથા ખર્ચમાં ઘટાડો થશે.

NSEએ નીમેલા ચીન સાથે સંબંધ ધરાવતા ટેક કન્સલ્ટન્ટ બાબતે તપાસ
એનએસઇ કૌભાંડની તપાસમાં બહાર આવ્યા મુજબ સ્ટોક એક્સચેન્જ ટેક્નોલોજીમાં નિષ્ણાત ગણાવતાં હોંગ કોંગના ડેવિડ ત્સોઇનું એક્સચેન્જે ઘણીવાર માર્ગદર્શન મેળવ્યું હતું
નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્કેમને લઈને ચાલી રહેલી તપાસમાં નવી વિગતો બહાર આવતી જાય છે. જેમાં એક નવા મુદ્દામાં ચીન સાથે સંબંધ ધરાવતી ટેક્નોલોજી કંપની સાથે પણ પણ એક્સચેન્જનું કનેક્શન ચર્ચામાં છે. શું નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ તેના ભુતપૂર્વ અધિકારીઓ રવિ નારાયણ અને અને ચિત્રા રામકૃષ્ણના વડપણ હેઠળ ચાઇના સાથે ગાઢ સંબંધ ધરાવતા ટેક્નોલોજી કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાના નિર્ણયમાં ભૂલ કરી હતી? એનએસઇ કૌભાંડની તપાસમાં જણાયું છે કે લો લેટન્સી સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ ટેક્નોલોજી, માર્કેટ ડેટા ડિસેમિનેશન સિસ્ટમ, રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને મોબાઇલ ડિવાઇસ એપ્લીકેશન્સમાં પોતાની જાતને નિષ્ણાંત ગણાવતાં હોંગ કોંગના ડેવિડ ત્સોઇનું એનએસઇ દ્વારા તેના ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે ઘણીવાર માર્ગદર્શન લેવાયું હતું, જેમાં મલ્ટીકાસ્ટ દ્વારા ડિસેમિનેશન ઓફ ડેટા પેકેટ્સ તથા કો-લોકેશન (કોલો) રેડિંગ સિસ્ટમ માટે ટીસીપી આઇપી વગેરે સામેલ છે.
જોકે, ત્સોઇની ભારતમાં અત્યાર સુધી કોઇપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલગીરી નથી, પરંતુ કોલો કૌભાંડ બહાર આવ્યાં બાદ એનએસઇ ખાતે ડેટાની ચોરી ચિંતાનું મુખ્ય કારણ છે. કેટલાંક બ્રોકર્સને એનએસઇ ટ્રેડિંગ સિસ્ટમની ખોટી રીતે એક્સેસ મળી હોવાનું પણ બહાર આવ્યું છે. ઘણાં વર્ષોથી ત્સોઇ લગભગ દર મહિને એનએસઇની મુલાકાત લેતાં હતાં, જે સમયે રામક્રિષ્ણ અને નારાયણ એક્સચેન્જનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. એનએસઇએ ઘણી સંવેદનશીલ ટેક્નોલોજી સંબંધિત પાસાઓ અંગે તેમની સલાહ લીધી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

સીએનજી કંપનીઓઃ ઈન્દ્રપ્રસ્થ ગેસે દિલ્હી-એનસીઆરમાં એપ્રિલમાં સતત ત્રીજી વાર સીએનજીના ભાવમાં વૃદ્ધિ કરી છે. ગુજરાત ગેસે ગુજરાતમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ. 2.58ની વૃદ્ધિ કરી તેને રૂ. 79.56 નિર્ધારિત કર્યાં છે.
એલટી ઈન્ફોટેકઃ કંપનીએ તેના હાર્ટફોર્ડ સીટી સ્થિત એન્ગેજમેન્ટ સેન્ટર ખાતે સર્વિસનાઉ એક્સપિરિયન્સ સેન્ટર એન્ડ ઈનવેશન લેબનું ઉદ્ઘાટન કર્યું છે.
રાઈટ્સઃ પાવર મેક સંયુક્ત સાહસ ચલ્લઘટ્ટો ડિપોટ ખાતે ડિપોટ કમ વર્કશોપના બાંધકામ માટે એલ-1 બીડર તરીકે ઊભર્યું છે. ઓર્ડરની કુલ વેલ્યૂ રૂ. 499.41 કરોડ જેટલી છે.
એનબીસીસીઃ કંપનીને ગિરિધારી લાલ કન્સ્ટ્રક્શન્સ તરફથી રૂ. 590 કરોડના મૂલ્યનો ઓર્ડર મળ્યો છે.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ પ્રિસ્ટિક અથવા ડેસ્વેન્લાફેક્સિન એક્સટેન્ડેડ રિલીઝ ટેબ્લેટ્સના જેનેરિક વર્ઝન માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મેળવી છે.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 591 કરોડનું વીએનબી નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 591 કરડ પર હતું. આમ વાર્ષિક ધોરણે તેમાં 31 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનું એપીએ વાર્ષિક ધોરણે 3.9 ટકા વધી રૂ. 2608 કરોડ પર રહ્યું હતું. જે એક વર્ષ અગાઉ રૂ. 2509 કરોડ પર હતું.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ કંપનીની યૂએઈ સ્થિત સબસિડિયરીએ આરએકે સિમેન્ટ કંપનીમાં 29.39 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
મેરેથોન નેક્સ્ટજેનઃ કંપનીના બોર્ડે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ હેઠળ કન્વર્ટિબલ વોરંટ્સના ઈસ્યુઅન્સને મંજૂરી આપી છે.
બાસ્ફઃ કંપનીને કમર્સિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 2017-18ના ટેક્સ પિરિયડ માટે રૂ. 19.34 કરોડની ટેક્સ ચૂકવણીની નોટિસ મળી છે.
લગ્નમ સ્પિનટેક્સઃ કંપનીએ નાણાકિય વર્ષ 2021-22માં રૂ. 28.80 કરોડનો નફો નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષે રૂ. 4.47 કરોડની સરખામણીમાં 544 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક અગાઉના વર્ષના રૂ. 205.52 કરોડના સ્તરેથી ઉછળી રૂ. 348.95 કરોડના સ્તરે રહી હતી. જ્યારે નિકાસ રૂ. 103 કરોડ પરથી ઉછળી રૂ. 201 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage