Market Summary 18 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

બે બાજુની વધ-ઘટ વચ્ચે માર્કેટ પોઝીટીવ બંધ આપવામાં સફળ
મેટલ, બેકિંગ, એફએમસીજી અને રિઅલ્ટીમાં મજબૂતી
ઓટો, આઈટી, ફાર્મામાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 17.35ની સપાટીએ
બ્રોડ માર્કેટમાં જળવાયેલું મોમેન્ટમ
અદાણી એન્ટરપ્રાઈઝમાં વધુ 5 ટકાનો ઉછાળો
સ્મોલ-કેપ ટેક્સટાઈલ શેર્સમાં જોવા મળેલી ખરીદી
વૈશ્વિક બજારોમાં લંબાઈ ગયેલી સુસ્તી

ભારતીય શેરબજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. જે સૂચવે છે કે બુલ્સ કોઈપણ ભોગે મચક આપવા માટે તૈયાર નથી. બીએસઈ સેન્સેક્સ 38 પોઈન્ટ્સ સુધારે 60298ની સપાટીએ જ્યારે નિફ્ટી 21 પોઈન્ટ્સ સુધરી 17965ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં જોકે માર્કેટ-બ્રેડ્થ નરમ જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી-50ના 50માંથી 27 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 23 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે મોમેન્ટમ જળવાયું હતું અને તેને કારણે બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.9 ટકાના ઘટાડે 17.35ની સપાટી પર જોવા મળ્યો હતો.
ચાર સત્રોના ટૂંકા એવા ચાલુ સપ્તાહે શેરબજારે સતત ત્રીજા દિવસે સુધારો દર્શાવ્યો હતો. શુક્રવારે જન્માષ્ટમીના રોજ માર્કેટ કાર્યરત છે અને વૈશ્વિક બજારોનો સાથ હશે તો સ્થાનિક બજાર પોઝીટીવ ટ્રેડ દર્શાવી શકે છે. કેમકે મોમેન્ટમ ખૂબ મજબૂત છે. ઈન્ટ્રા-ડે કરેક્શન આપી બજાર ફરી સુધારાતરફી બની જાય છે. ગુરુવારે નિફ્ટીએ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યા બાદ દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલા રહી કામકાજના અંતે નવી ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. તે 17852ની ઈન્ટ્રા-ડે લો પરથી સુધરતો રહી 17968ની ટોચ પર ટ્રેડ થયો હતો. કેશ નિફ્ટીની સામે ફ્યુચર્સ 44 પોઈન્ટ્સના ઊંચા પ્રિમીયમે બંધ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે નિફ્ટી દિવસના તળિયેથી પરત ફરતાં શોર્ટ સેલર્સ તરફથી પોઝીશન કાપણીની ફરજ પડી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જો કેશ નિફ્ટી 18000ની સપાટી પાર કરશે તો માર્કેટમાં એક ઝડપી સુધારો જોવા મળી શકે છે. છેલ્લાં કેટલાંક સત્રોથી માર્કેટમાં સુધારો સંકડાઈ ગયો છે. કેમકે કેટલોક વર્ગ સાવચેત બન્યો છે. એકવાર નિફ્ટી 18 હજાર પાર કરશે તો તે પણ ખરીદી માટે જોડાશે અને બજાર ઓવરબોટ હોવા છતાં ઝડપથી સુધારો દર્શાવી શકે છે. જોકે ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માર્કેટમાં પ્રોફિટ બુકિંગની સલાહ આપી રહ્યાં છે. તેમના મતે વેલ્યૂએશન્સ ફરીથી મોંઘા જણાય રહ્યાં છે અને તેથી વર્તમાન સપાટીએ ધીમે-ધીમે પ્રોફિટ બુક કરી હાથ પર કેશ વધારવી જોઈએ. બજારમાં ઘટાડે ફરીથી પ્રવેશ કરવો જોઈએ.
ગુરુવારે માર્કેટને સપોર્ટ આપવામાં મેટલ, બેંકિંગ અને એફએમસીજી મુખ્ય હતાં. નિફ્ટી મેટલ લગભગ એક ટકા સુધર્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનુ યોગદાન મુખ્ય હતું. શેર 5 ટકા ઉછળી રૂ. 3154ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લાં ત્રણ મહિનામાં તે 20 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે. અન્ય મેટલ શેર્સમાં જિંદાલ સ્ટીલ, એનએમસીડી, સેઈલ અને કોલ ઈન્ડિયા મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક અડધા ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સને કોટક મહિન્દ્રા બેંક તરફથી મજબૂત સપોર્ટ સાંપડ્યો હતો. કોટક બેંક 3.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડ્સઈન્ડ બેંક, ફેડરલ બેંક, એસબીઆઈ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક અને પીએનબીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 0.6 ટકા સુધારા સાથે તેની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં યુનાઈટેડ બ્રૂઅરીઝ 3.3 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 3.2 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 2.4 ટકા, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્શન 1.8 ટકા અને ડાબર ઈન્ડિયા 1.7 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી રિઅલ્ટીમાં વધુ 1.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી વધુ 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત હેમિસ્ફિઅર 3.2 ટકા, ફિનિક્સ મિલ્સ 2.5 ટકા, ડીએલએફ 2.3 ટકા, ઓબેરોય રિઅલ્ટી 2.3 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 1.6 ટકા સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી આઈટીમાં 0.8 ટકા નરમાઈ જોવા મળી હતી. જેમાં વિપ્રો, ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુ ઘસારો દર્શાવતાં હતાં. આ ઉપરાંત ટીસીએસ, એચસીએલ ટેકમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટોમાં બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. જોકે ટીવીએસ મોટર્સ જેવા કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવવાનું જાળવી રાખ્યું હતું.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં આઈઆરસીટીસી 6.3 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. આ ઉપરાંત ઈન્ડિયા સિમેન્ટ્સ 5.3 ટકા, ભેલ 4.6 ટકા, દાલમિયા ભારત 4.5 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 3.2 ટકા અને અંબુજા સિમેન્ટ્સ 2.9 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ એસબીઆઈ કાર્ડ્સ 4.3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈઈએક્સ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ડો. રેડ્ડીઝ લેબ્સ, યૂપીએલ, બોશ અને ભારત ફોર્જ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3540 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1883 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1534 કાઉન્ટર્સે નેગેટિવ બંધ નોંધાવ્યું હતું. 143 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 19 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 123 કાઉન્ટર્સે અગાઉના સ્તરે ફ્લેટ બંધ આપ્યું હતું. માર્કેટમાં સમગ્રતયા કામકાજ અગાઉના દિવસ કરતાં નીચા જોવા મળ્યાં હતાં.


શેરબજારના માર્કેટ-કેપે રૂ. 280 લાખ કરોડની વિક્રમી સપાટી પાર કરી
અગાઉ 17 જાન્યુઆરીએ 280.02 લાખ કરોડ સામે ગુરુવારે 280.58 લાખ કરોડ પર જોવા મળ્યું
જૂન મહિનાથી ગુરુવાર સુધીમાં 41 સત્રોમાં M-Capમાં રૂ. 46 કરોડની વૃદ્ધિ
કુલ માર્કેટ-કેપમાં રૂ. 264.43 લાખ કરોડ હિસ્સો ‘A’ જૂથના શેર્સનો
ભારતીય શેરબજારનું માર્કેટ-કેપ ગુરુવારે રૂ. 280.58 લાખ કરોડની વિક્રમી સપાટી પર પહોંચ્યું હતું. અગાઉ તેણે 17 જાન્યુઆરી 2022ના રોજ રૂ. 280.02 લાખ કરોડની ટોચ દર્શાવી હતી. જ્યાંથી ઘટતું રહી 18 જૂને રૂ. 235 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જોકે છેલ્લાં 41 ટ્રેડિંગ સત્રોમાં મજબૂત તેજી પાછળ માર્કેટ-કેપમાં રૂ. 46 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. જે છેલ્લાં ઘણા વર્ષોમાં ટૂંકાગાળામાં સૌથી મોટો માર્કેટ-કેપ ઉમેરો છે.
બીએસઈના વિવિધ સેગમેન્ટનો અભ્યાસ કરીએ તો જણાય છે કે A જૂથના શેર્સ રૂ. 264.43 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે કુલ માર્કેટ-કેપનો લગભગ 94 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે બીજા ક્રમે બી જૂથ કાઉન્ટર્સ લગભગ 4-5 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય જૂથનો હિસ્સો માર્કેટ-કેપની રીતે ખૂબ જ સાધારણ જોવા મળે છે. એ વાત ઉલ્લેખનીય છે કે શેરબજાર બેન્ચમાર્ક્સ હજુ તેમની સર્વોચ્ચ સપાટીએથી 3 ટકા જેટલા છેટે ટ્રેડ દર્શાવી રહ્યાં છે તેમ છતાં માર્કેટ-કેપ તેની નવી ટોચ પર પહોંચી ચૂક્યું છે. જેનો અર્થ એ થાય કે ઈન્ડેક્સ કાઉન્ટર્સ સિવાયના કાઉન્ટર્સે વધુ સારો દેખાવ કર્યો છે. જેને કારણે માર્કેટ-કેપ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે પરંતુ બેન્ચમાર્ક્સ હજુ તેમ કરી શક્યાં નથી. જૂન મહિનાના તળિયાથી અત્યાર સુધીમાં બેન્ચમાર્ક્સ 18 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમાં સેન્સેક્સ 50800ની સપાટીએથી સુધરતો રહી 60300ની સપાટી આસપાસ પહોંચ્યો છે. જે 9500 પોઈન્ટ્સ આસપાસનો તીવ્ર સુધારો દર્શાવે છે.
બજારમાં ગ્રૂપ મુજબ માર્કેટ-કેપ(રૂ. લાખ કરોડમાં)
ગ્રૂપ માર્કેટ-કેપ
A 264.43
B 11.77
IF 1.16
X 1.14
T 1.0માર્કેટમાં તેજી પાછળ લિસ્ટેડ કંપનીઓના શેર્સ વેચાણમાં ઉછાળો
ઓગસ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 47 હજાર કરોડના બ્લોક ડિલ્સ હાથ ધરવામાં આવ્યાં
જાન્યુઆરીથી જૂન સુધીમાં માસિક સરેરાશ રૂ. 23 હજાર કરોડના બ્લોક ડિલ્સ શક્ય બન્યાં હતાં

શેરબજારમાં છેલ્લાં બે મહિનામાં જોવા મળેલી મજબૂત તેજી પાછળ લિસ્ટેડ કંપનીઓના શેર્સ વેચાણમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 47 હજાર કરોડના બ્લોક ડિલ્સ હાથ ધરવામાં આવ્યાં છે. જે ઓક્ટોબર 2021માં બેન્ચમાર્ક્સ જ્યારે તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં હતાં ત્યારબાદના સૌથી ઊંચા સ્તરે જોવા મળી રહ્યાં છે.
લિસ્ટેડ કંપનીઓમાં લગભગ તમામ સેક્ટર્સમાં બ્લોક ડિલ્સ જોવા મળી રહ્યાં છે. જોકે સ્ટાર્ટ-અપ્સ અને ફાઈનાન્સિયલ સેક્ટર કંપનીઓ બ્લોક ડિલ્સમાં અગ્રણી જોવા મળે છે. કેટલાંક મોટા બ્લોક ડિલ ટ્રાન્ઝેક્શન્સમાં તાજેતરમાં કેકેઆર તરફથી મેક્સ હેલ્થમાં તેના સમગ્ર 27 ટકા હિસ્સાનું વેચાણ છે. આ ઉપરાંત ઉબેરે ઝોમેટોમાં કરેલા તેના સમગ્ર 7.8 ટકા હિસ્સાના વેચાણનો સમાવેશ પણ ચાલુ મહિનાના ડિલ્સમાં થાય છે. એચડીએફસી મ્યુચ્યલ ફંડ્માં આબરદિનના 5.6 ટકા હિસ્સાનું વેચાણ પણ એક મહત્વનું ડીલ હતું. માર્કેટ વર્તુળોના મતે ઓગસ્ટ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના આગમને કારણે લિસ્ટેડ કંપનીઓમાં ડિલ્સની સંખ્યા તેમજ સાઈઝમાં વૃદ્ધિ જોવા મળી છે. બ્લોક ટ્રાન્ઝેક્શન્સ એ મૂળે પ્રાઈવેટ રીતે નેગોશ્યેટ કરીને શેરબજાર પ્લેટફોર્મ પર કરવામાં આવતો સોદો હોય છે. તે સ્ટોક એક્સચેન્જિસ તરફથી પૂરી પાડવામાં આવતી સ્પેશ્યલ ટ્રેડિંગ વિંડો મારફતે એક્ઝિક્યૂટ થતાં હોય છે. સામાન્યરીતે આ પ્રકારના ડિલ્સ માર્કેટ ભાવથી ડિસ્કાઉન્ટ પર થતાં હોય છે. ગયા કેલેન્ડર દરમિયાન પ્રતિ માસ સરેરાશ રૂ. 47 હજાર કરોડના બ્લોક ડિલ્સ હાથ ધરવામાં આવ્યાં હતાં. જેનું મુખ્ય કારણ માર્કેટમાં જોવા મળતી વિપુલ લિક્વિડીટી હતી. જોકે ચાલુ કેલેન્ડરમાં બ્લોક ડિલ્સ પર ગ્રહણ લાગ્યું હતું. વિદેશી સંસ્થાઓની અવિરત વેચવાલી પાછળ મોટા બ્લોક ડિલ્સનો અભાવ જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી જૂન મહિના સુધીના પ્રથમ છ મહિનામાં પ્રતિ માસ સરેરાશ માત્ર રૂ. 23000 કરોડના બ્લોક ડિલ્સ જ હાથ ધરાયાં હતાં. આમ ગયા વર્ષ કરતાં 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જૂન મહિનામાં તો માર્કેટમાં માત્ર રૂ. 10500 કરોડના બ્લોક ડિલ્સ સંભવ બન્યાં હતાંજે 13-મહિનામાં સૌથી ઓછું બ્લોક ડિલ્સ મૂલ્ય હતું. જૂન મહિનામાં બેન્ચમાર્ક્સે તેમની વાર્ષિક બોટમ દર્શાવી હતી અને સેન્ટિમેન્ટ ખૂબ જ નેગેટિવ જોવા મળી રહ્યું હતું. ઉપરાંત વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી રૂ. 50 હજાર કરોડનું વેચાણ નોંધાયું હતું. જૂન મહિનાથી અત્યાર સુધીમાં બેન્ચમાર્ક્સ લગભગ 18 ટકા જેટલા ઉછળી ચૂક્યાં છે. જ્યારે માર્કેટ-કેપ પણ નવી વિક્રમી સપાટી પર પહોંચ્યું છે.
બ્લોક ડિલ્સને કારણે મોટા રોકાણકારને તેનો નોંધપાત્ર હિસ્સો મોટા સંસ્થાકિય બાયર્સને વેચવામાં સાનૂકૂળતા રહે છે. બાયર્સ પણ એક સાથે કોઈ કંપનીમાં મોટો હિસ્સો ખરીદવાની તક મેળવે છે. આટલો જ હિસ્સો સામાન્ય સ્થિતિમાં બજારમાંથી ખરીદવો પડકારદાયી બની રહે છે. તે એક દિવસમાં ખરીદવો શક્ય નથી. તેમજ આમ કરવાને કારણે ભાવમાં મોટી વધ-ઘટનો સામનો કરવાનો બને છે. જ્યારે બ્લોક ડીલમાં અગાઉથી જ નિર્ધારિત ભાવ પર સોદો કરવાનો રહે છે અને તેથી કોઈ જોખમ નથી રહેતું.

ઓઈલમિલ્સની નિકાસમાં એપ્રિલ-જુલાઈ દરમિયાન 38 ટકા વૃદ્ધિ
ચાલુ નાણ વર્ષ 2022-23ના શરૂઆતી ચાર મહિના દરમિયાન દેશમાંથી ઓઈલ મિલ્સની નિકાસમાં 37.5 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. એપ્રિલથી જુલાઈ સુધીમાં કુલ 12.48 લાખ ટન ઓઈલ મિલ્સ રવાના થયું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 9.27 લાખ ટન પર હતું. નિકાસમાં વૃદ્ધિનું મુખ્ય કારણ રેપસીડ(રાયડો) મિલની નિકાસમાં 77.5 ટકાની તીવ્ર વૃદ્ધિ છે. જુલાઈ મહિનામાં દેશમાંથી 2.27 લાખ ટન ઓઈલ મિલ્સની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.91 લાખ ટન પર હતી. તે 19 ટકા વૃદ્ધિ સૂચવે છે. રેપસીડ મિલ્સની વાત કરીએ તો તેની નિકાસ 8.51 લાખ ટન રહી હતી. જે ગયા વર્ષે 4.79 લાખ ટન પર જોવા મળતી હતી. દેશમાં રાયડાના વિક્રમી પાકને કારણે ઊંચા ક્રશીંગ તથા વિક્રમી પ્રોસેસિંગ જોવા મળ્યું હતું. તેમજ નિકાસ માટે મોટા પ્રમાણમાં રેપસીડ મિલ પ્રાપ્ય બન્યો હતો. ભારતમાંથી મુખ્યત્વે સાઉથ કોરિયા, વિયેટનામ, થાઈલેન્ડ અને અન્ય દૂર-પૂર્વના દેશોમાં મિલની નિકાસ થતી હોય છે.
જૂનમાં ભારતમાં રશિયાની આયાતમાં સાત ગણી વૃદ્ધિ
પશ્ચિમી દેશો તરફથી પ્રતિબંધોનો સામનો કરી રહેલાં રશિયાએ જૂન મહિનામાં ભારતમાં રશિયન માલ-સામાનની આયાતમાં ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં સાત ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં ક્રૂડ આયાતમાં 71 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જૂનમાં કુલ આયાતમાં ક્રૂડ આયાતનો હિસ્સો 3.1 અબજ ડોલર હતો. જ્યારે કુલ આયાત 4.23 અબજ ડોલર પર રહી હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રશિયા ખાતેથી 9.27 અબજ ડોલરની આયાત જોવા મળી હતી. જે વાર્ષિક ધોરણે 369 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ક્રૂડ ઉપરાંત રશિયા ખાતેથી થયેલી મહત્વની આયાતમાં કોલ, સોયાબિન અને સનફ્લાવર ક્રૂડ ઓઈલ અને ફર્ટિલાઈઝર્સનો સમાવેશ થાય છે. રશિયાએ યૂક્રેન પર કરેલા હુમલા બાદ ભારત સાથેના તેના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જેનું મુખ્ય કારણ ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી રશિયા ખાતેથી ડિસ્કાઉન્ટેડ ક્રૂડની મોટા પ્રમાણમાં ખરીદી છે.


RBIની UPI-બેઝ્ડ ફંડ ટ્રાન્સફર ચાર્જિસ માટેની વિચારણા
સેન્ટ્રલ બેંકરનો પેમેન્ટ સિસ્ટમ્સ પાછળ મોટા ઈન્વેસ્ટમેન્ટની રિકવરીનો હેતુ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પેમેન્ટ્સ સિસ્ટમ્સમાં તેણે કરેલા જંગી ઈન્વેસ્ટમેન્ટ અને કામકાજી ખર્ચની રિકવરીની શક્યતાં માટે વિચારણા ચલાવી રહી છે. આ માટે તેણે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર ફી લાગુ પાડવા સાથે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) પર ચાર્જિસ લાગુ પાડવા માટે વિવિધ સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો મંગાવ્યાં છે. સેન્ટ્રલ બેંકે ‘ચાર્જિસ ઈન પેમેન્ટ સિસ્ટમ્સ’ મથાળા હેઠળ તેના ચર્ચા પત્રમાં ઉપરોક્ત મુદ્દાઓને લઈને જાહેર જનતાને મત રજૂ કરવા જણાવ્યું છે.
ચર્ચા પત્રમાં આરબીઆઈએ જણાવ્યું છે કે યૂપીઆઈ ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ એ IMPS સમાન જ છે. આમ એવી દલીલ કરી શકાય કે UPI ફંડ ટ્રાન્સફર માટે IMPSની માફક જ ચાર્જિસ લાગુ પાડી શકાય એમ તેણે નોંધ્યું છે. તેના જણાવ્યા મુજબ વિવિધ ફંડ ટ્રાન્સફર રકમને આધારે ભિન્ન-ભિન્ન રેંજમાં ચાર્જિસ વસૂલી શકાય. પેપરમાં નોંધ્યું છે કે આરટીજીએસમાં મોટા રોકાણ અને કાર્યકારી ખર્ચને જોતાં આરબીઆઈ નાણાની રિકવરી કરે તે યોગ્ય છે. કેમકે તેણે જાહેર જનતાના પૈસા ખર્ચી સિસ્ટમ તૈયાર કરી છે. વધુમાં રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ(આરટીજીએસ) પર લાગુ પાડેલા ચાર્જિસનો હેતુ કમાણી કરવાનો નથી. આરટીજીએસનો હેતુ લાર્જ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સનો છે. તે મુખ્યત્વે બેંક્સ અને મોટી સંસ્થાઓ અને મર્ચન્ટ્સ દ્વારા રિઅલ-ટાઈમ સેટલમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શું આરબીઆઈએ આ સેવા ફી આપવી જોઈએ એવો સવાલ પણ સેન્ટ્રલ બેંકરે તેના ચર્ચા પત્રમાં કર્યો છે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર(NEFT)ના ઓપરેટર તરીકે આરબીઆઈએ ઈન્ફ્રાક્ટ્રક્ચર બનાવવા માટે તથા તેને ચલાવવા માટે ખર્ચ કર્યો છે. આમ નેફ્ટના ઓપરેશન માટે ચાર્જની વસૂલીનો હેતુ પ્રોફિટનો નથી પરંતુ તે માટે વાજબી ખર્ચ વસૂલી યોગ્ય ગણાવી શકાય છે એમ પેપરમાં ઉમેર્યું છે.
પેપરમાં જણાવ્યા મુજબ એક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ તરીકે UPI એ IMPS જેવી જ પ્રણાલી છે અને તેથી તેના પર આઈએમપીએસની માફક જ ચાર્જિસ લાગુ પડવા જોઈએ. વિવિઝ અમાઉન્ડ બેન્ડ્સને આધારે ભિન્ન ચાર્જિસ વસૂલી શકાય એમ તે સૂચવે છે. UPI એક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે. જે રિઅલ-ટાઈમ બેસીસ પર ફંડની મૂવમેન્ટ કરે છે. મર્ચન્ટ પેમેન્ટ સિસ્ટમ્સ તરીકે UPI કાર્ડ સેટલમેન્ટ્સમાં વપરાતી T પ્લસ n સેટલમેન્ટ સાઈકલના બદલે રિઅલ-ટાઈમ સેટલમેન્ટની સુવિધા પૂરી પાડે છે.કોર્પોરેટ હેડલાઈન્સ
એનટીપીસીઃ દેશમાં સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની 2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા ધારે છે. હાલમાં કંપની 4.9 ગીગાવોટ આરઈ કેપેસિટિ ટેન્ડરિંગ પ્રોસેસમાં ધરાવે છે.
ગેઈલ ઈન્ડિયાઃ પીએસયૂ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના બોર્ડે ડેટ પ્રોડક્ટ્સ મારફતે રૂ. 25 હજાર કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં રૂપી ટર્મ લોન, બોરોઈંગ, એફસીસીબી અને એનસીડી વગેરેનો સમાવેશ થતો હશે.
વાટેક વાબાગઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 30.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.2 કરોડ સામે 98 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 658 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 632 કરોડ પર રહી હતી.
મેટ્રોપોલીસ હેલ્થઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 33.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 74.4 કરોડ સામે તીવ્ર ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 327 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 279 કરોડ પર રહી હતી.
પીબી ફિનટેકઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 204.33 કરોડની ખોટ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 110.84 કરોડ સામે પર હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 238 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 505.2 કરોડ પર રહી હતી.
ક્રસ્નાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 69.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 89.1 કરોડ સામે 21.1 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 473.1 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 495.5 કરોડ પર રહી હતી.
એનબીસીસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 6.3 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 35.5 કરોડનો નફો નોઁધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1367 કરોડ સામે ચાલુ વર્ષે 31 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1787 કરોડ પર રહી હતી.
ટેલિકોમ કંપનીઝઃ જુલાઈમાં જીઓએ 42.23 લાખ સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો હતો. જ્યારે ભઆરતી એરટેલે 7.93 લાખ નવા સબસ્ક્રાઈબર્સ ઉમેર્યાં હતાં. જોકે વીના ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો હતો.
નેટકો ફાર્માઃ મીડ-કેપ ફાર્મા કંપનીએ યુએસએફડીએ પાસેથી જેનેરિક યોન્ડેલીસ ઈન્જેક્શન માટેની મંજૂરી મેળવી છે.
ઓએનજીસીઃ પીએસયૂ ઓઈલ એક્સપ્લોરર કંપનીએ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા ખાતે ડિપવોટર એક્સપ્લોરેશન માટે એક્સોનમોબિલ સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યાં છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપની નાણા વર્ષ 2022-23માં સ્થાનિક કોલ ઉત્પાદનમાં વાર્ષિક 16 ટકા વૃદ્ધિની શક્યતાં જોઈ રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage