માર્કેટ સમરી
નિફ્ટી 15100ના સપોર્ટને સાચવવામાં સફળ
બેન્ચમાર્ક નિફ્ટી સતત બીજા દિવસે નરમ બંધ રહ્યો હતો. જોકે તેણે 15100નો સપોર્ટ જાળવ્યો હતો. ગયા સપ્તાહે સતત ત્રણ ટ્રેડિંગ દરમિયાન તે આ સ્તર પર ટકીને ચાલુ સપ્તાહની શરૂમાં નવી ટોચ પર ગયો હતો. આમ નિફ્ટી માટે શુક્રવારનો દિવસ મહત્વનો બની ગયો છે. જો તે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહે છે તો આગામી સપ્તાહે તે ફરી 15400ના સ્તર સુધી જવાનો પ્રયાસ કરી શકે છે. ગુરુવારે બજારમાં પીએસઈ ક્ષેત્રે સારો સપોર્ટ પૂરો પાડ્યો હતો. જોકે તે બજારને ગ્રીન ઝોનમાં લાવી શકવા સક્ષમ નહોતું.
સરકારી બેંક શેર્સમાં ત્રીજા દિવસે તેજીની હેલી
ખાનગીકરણ માટે નક્કી કરેલી બેંક્સના શેર્સ ત્રીજા દિવસે ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં તે સિવાય બેંક ઓફ બરોડા 14 ટકા, યુનિયન બેંક 11 ટકા જેટલા ઉછળ્યાં
બજાર તેજીનો સંગ છોડવા માટે તૈયાર નથી. ચાલુ સપ્તાહે પીએસયૂ બેંક તેમના નિશાન પર છે. જેની પાછળ સતત ત્રીજા સપ્તાહે જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં આક્રમક ખરીદી જળવાય હતી. તે એ હદે કે ખાનગીકરણ માટે નક્કી કરવામાં આવેલા નામો સિવાયના બેંક શેર્સ પણ દ્વિઅંકી ઉછાળો દર્શાવતાં હતાં અને તેઓ 52-સપ્તાહની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. જેમાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક જેવા નામોના સમાવેશ થતો હતો.
સરકારે ખાનગીકરણ માટે નક્કી કરેલી બેંક્સમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો શેર સતત ત્રીજા દિવસે 20 ટકાની સર્કિટમાં બંધ રહ્યો હતો. જે આશ્ચર્યની વાત હતી. સામાન્યરીતે કોઈપણ શેર બે દિવસથી વધુ દિવસ માટે 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહેતો નથી. અન્ય ત્રણ પીએસયૂ બેંક શેર્સ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર 20 ટકાની ઉપલી સર્કિટમાં જ બંધ જોવા મળ્યાં હતાં. અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં જ તેઓ 60 ટકા જેટલા ઉછળી ચૂક્યાં છે. નિફ્ટી પીએસયૂ બેંક પણ વધુ 6 ટકા ઉછળી 52-સપ્તાહની 2588ની ટોચ પર બંધ રહ્યો હતો. અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં તે 18 ટકા જેટલો તીવ્ર ઉછાળો દર્શાવે છે. ગુરુવારે તેને બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, યુનિયન બેંક જેવા કાઉન્ટર્સે બળ પૂરું પાડ્યું હતું. બેંક ઓફ બરોડાનો શેર 14 ટકા ઉછળી રૂ.96.70ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે યુનિયન બેંકનો શેર 10.37 ટકા ઉછળી રૂ. 42.05 પર તથા ઈન્ડિયન બેંકનો શેર 5 ટકા ઉછળી રૂ. 150 પર બંધ રહ્યો હતો. સૌથી મોટી પીએસયૂ બેંક એસબીઆઈનો શેર 0.84 ટકાનો સૌથી ઓછો ઘટાડો દર્શાવતો હતો. પીએસયૂ અને પીએસઈ સૂચકાંકો સિવાય એકમાત્ર આઈટીએ બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. આમ પીએસયૂ કાઉન્ટર્સનું યોગદાન માર્કેટ માટે મહત્વનું બની ગયું હતું અને નિફ્ટી 15100ના સ્તર પર ટકવામાં સફળ રહ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરે રૂ. 800ની સપાટી કૂદાવી
અમદાવાદ સ્થિત અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર વધુ 4 ટકા સુધરી રૂ. 800ની સપાટી કૂદાવી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 786ના બંધ ભાવ સામે 4 ટકાથી વધુ ઉછળી રૂ. 824ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 89000 કરોડના સ્તરને પાર કરી ગયું હતું. કંપની દેશની ટોચની 50 સૌથી વધુ વેલ્યૂડ કંપનીમાં પ્રવેશી છે.
પાવરગ્રીડ કોર્પોરેશનનો શેર સર્વોચ્ચ સપાટી પર
સરકારી સાહસ અને દેશમાં સૌથી મોટા પાવર ટ્રાન્સમિટર પાવરગ્રીડ કોર્પોરેશનનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ગુરુવારે તે 3 ટકાથી વધુના સુધરી રૂ. 238ની ટોચ પર ટ્રેડ થયો હતો અને આખરે રૂ. 236 પર બંધ રહ્યો હતો. તેણે અગાઉની રૂ. 228ની ટોચને પાર કરી હતી. કંપનીએ રૂ. 1.23 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. માર્ચ મહિનામાં રૂ. 130ના તળિયાથી તે 70 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે.
ગુજરાત ગેસનો શેર 8 ટકા ઉછળ્યો
સિટી ગેસ સહિતના બિઝનેસમાં સક્રિય કંપનીનો શેર વધુ 8 ટકા ઉછળ્યો હતો ગુરુવારે ગુજરાત ગેસનો શેર અગાઉના રૂ. 445ના બંધ ભાવ સામે રૂ. 527ની સર્વોચ્ચ ટોચ બનાવીને રૂ. 479 પર બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 33 હજાર કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ સતત ઉછાળો દર્શાવી રહ્યો છે. ગયા માર્ચ મહિનામાં રૂ. 191ના તળિયાથી તે 130 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે.
ન્યૂલેન્ડ લેબોરેટરીઝના શેરે રૂ. 2300 કૂદાવ્યું
ફાર્માસ્યુટિકલ કંપની ન્યૂલેન્ડ લેબોરેટરીઝનો શેર રૂ. 2300ની સપાટીને કૂદાવી ગયો હતો. ગુરુવારે તે રૂ. 2145ના અગાઉના બંધ સામે રૂ. 200થી વધુના ઉછાળે રૂ. 2350ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યાંથી થોડા પ્રોફિટ બુકિંગ પાછળ 5 ટકાના સુધારે રૂ. 2241 પર બંધ રહ્યો હતો. કંપનીના શેર્સમાં તાજેતરમાં વૈશ્વિક પેન્શન ફંડ્સની લેવાલી જોવા મળી હતી. જેની પાછળ નવેસરથી ખરીદી જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં શેર રૂ. 247ના ભાવે ટ્રેડ થતો હતો. આમ તે લગભગ 10 ગણો સુધારો દર્શાવી રહ્યો છે.
PSU શેર્સમાં ફાટ-ફાટ તેજીઃ શેર્સમાં 20 ટકા સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ જેવા કાઉન્ટર્સ 20-20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ
ઓએનજીસી, ભેલ, ગેઈલ, બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી, એનટીપી, સેઈલમાં 4 ટકાથી વધુનો સુધારો જોવાયો
જાહેર ક્ષેત્રની કંપનીઓએ ગુરુવારે શેરબજારમાં તરખાટ મચાવ્યો હતો. બજેટ બાદ ગુરુવાર પ્રથમ એવો દિવસ હતો જ્યારે પીએસયૂ કંપનીઓમાં ચોતરફી લેવાલી જોવા મળી હતી અને કંપનીઓના ભાવ 20 ટકા સુધીની ઉપલી સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે બીજી બાજુ લાર્જ-કેપ કાઉન્ટર્સમાં નરમાઈ વચ્ચે બેન્ચમાર્ક્સ નરમ ટ્રેડ થઈ રહ્યાં હતાં. જોકે પીએસયૂ કંપનીઓએ ટ્રેડીંગ માટેની ભરપૂર તકો પૂરી પાડી હતી. નિફ્ટી પીએસયૂ તેની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી 0.6 ટકા ઘટી બંધ જોવા મળ્યો હતો.
એકબાજુ ગુરુવારે બેન્ચમાર્ક્સ સાધારણ પોઝીટીવ ઓપનીંગ બાદ નેગેટિવ ઝોનમાં સરી પડ્યાં હતાં સતત બીજા દિવસે આખો દિવસ નેગેટિવ જ જોવા મળ્યાં હતાં. જ્યારે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ કાઉન્ટર્સ ગેપ-અપ ઓપનીંગ બાદ દિવસ દરમિયાન સુધરતાં રહ્યાં હતાં અને ઈન્ટ્રા-ડે ટ્રેડર્સને પણ તેમણે એક દિવસમાં સારી કમાણી કરાવી હતી. માર્કેટમાં લિસ્ટેડ બંને સરકારી ઈન્શ્યોરન્સ સાહસોના શેર્સ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જેમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સનો શેર રૂ. 27.35 ઉછળી રૂ. 164.20ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે જનરલ ઈન્શ્યોરન્સનો શેર રૂ. 28.45ના ઉછાળે રૂ. 170.90 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસઈ 4.36 ટકા ઉછળી 3202.45ની 52-સપ્તાહની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે 3224ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. છેલ્લા એક મહિનામાં તે 10 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ગયા માર્ચ મહિનાના તે 1900ના સ્તરે જોવા મળ્યો હતો. જોકે પીએસઈ શેર્સનો દેખાવ અન્યોની સરખામણીમાં નબળો રહેતાં ઈન્ડેક્સ પણ અન્યો કરતાં ઓછું રિટર્ન દર્શાવે છે.
ગુરુવારે હાઈડ્રો-કાર્બન અને ઓઈલ માર્કેટિંગ સાથે જોડાયેલા જાહેર સાહસોમાં સારી ખરીદી જોવા મળી હતી અને અનેક કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. જેમાં ઓએનજીસી,ગેઈલ, એચપીસીએલ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. ઓએનજીસીનો શેર દિવસ દરમિયાન રૂ. 115ની સપાટી પર જોવા મળ્ય હતો. જ્યારે કામકાજના અંતે 8.3 ટકાના સુધારે રૂ. 110.70 પર બંધ રહ્યો હતો. ગેઈલનો શેર પણ રૂ. 148ના સ્તરે પહોંચી 6 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. કંપનીએ 25 ફેબ્રુઆરીથી શેર બાયબેક કરવાના પ્રોગ્રામની જાહેરાત કરી હતી. ઓઈલ માર્કેટિંગ અગ્રણીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલના શેર્સમાં 4-5 ટકાનો સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તેમની વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હોવા છતાં ઓએમસી કાઉન્ટર્સમાં સુધારાનું કારણ પેટ્રોલિયમ પેદાશોને જીએસટી માળખામાં લાવવાની વિચારણા રહેલી છે. જો આમ થાય તો કંપનીઓને લાભ થઈ શકે છે. દેશની સૌથી મોટી વીજ ઉત્પાદક એનટીપીસીનો શેર 4 ટકા ઉછળી ફરી રૂ. 100ની સપાટી પાર કરી રૂ. 103.40 પર બંધ રહ્યો હતો. સેઈલ, કોલ ઈન્ડિયા, નાલ્કો, એનએમડીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, કન્ટેનર કોર્પોરેશન વગેરે પીએસયૂ કાઉન્ટર્સમાં પણ 3-4 ટકાનો સુધઆરો નોંધાયો હતો. નિફ્ટી પીએસયૂમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં એક પણ નેગેટિવ બંધ નહોતું દર્શાવતું. જ્યારે એક ટકાથી નીચો સુધારો દર્શાવવામાં એકમાત્ર પાવર ફાઈનાન્સ કોર્પોરેશન 0.77 ટકા સુધરી બંધ જોવા મળ્યો હતો.
ગુરુવારે PSU કાઉન્ટર્સનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ 20
જનરલ ઈન્શ્યોરન્સ 20
ઓએનજીસી 8.3
ભેલ 7.4
ગેઈલ 6.5
બીપીસીએલ 5.0
એચપીસીએલ 4.8
આઈઓસી 4.2
એનટીપીસી 4.1
સેઈલ 3.6
કોલ ઈન્ડિયા 3.5
નાલ્કો 3.1
એનએમડીસી 3.0