Market Summary 18 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

માર્કેટમાં સુસ્તીનો માહોલ લંબાતાં ત્રીજા દિવસે ફ્લેટ બંધ

રિટેલ પાર્ટિસિપેશન ઘટતાં બ્રોકરેજ હાઉસ ચિંતામાં

વૈશ્વિક માર્કેટ્સમાં યુએસ સહિત સાર્વત્રિક નરમાઈ

બીએસઈ ખાતે બે શેર્સમાં વેચવાલી સામે એકમાં સુધારો

નવા સપ્તાહે માર્કેટ રેંજ બહાર નીકળે તેવી શક્યતાં

એલઆઈસી આઈપીઓ માર્કેટને મજબૂતી પૂરી પાડી શકે

 

શેરબજારમાં ઈન્ટ્રા-ડે સાંકડી રેંજમાં વધ-ઘટ વચ્ચે માર્કેટમાં દિશાહીન ટ્રેન્ડ લંબાય ગયો છે. જેને કારણે રિટેલ પાર્ટિસિપેશન તાજેતરના અનેક મહિનાઓના તળિયા પર જોવા મળ્યું છે. જેણે બ્રોકરેજ હાઉસિસની ચિંતા વધારી છે. સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સ 54 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 57833ના સ્તરે જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ્સના ઘટાડે 17276ની સપાટી પર બંધ રહ્યાં હતાં. સતત ત્રીજા દિવસે તેઓ નેગેટિવ બંધ રહેવા સાથે રેંજ બાઉન્ડ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ પણ સ્થિરતા દર્શાવતો હતો. જ્યારે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 18માં સુધારો જોવા મળ્યો હતો.

યુએસ બજારોમાં ગુરુવારે રાતે નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. યુએસ પ્રમુખે બાઈડને રશિયા આગમી દિવસોમાં યુક્રેન પર હુમલો કરશે તેમ જણાવતાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 600 પોઈન્ટ્સથી વધુનું ગાબડું પડ્યું હતું. જ્યારે નાસ્ડેક પણ લગભગ ત્રણ ટકા જેટલો તૂટ્યો હતો. જોકે એશિયન બજારોમાં તેની કોઈ ખાસ નેગેટિવ અસર જોવા મળી નહોતી. એકમાત્ર હોંગ કોંગ 1.88 ટકા ઘટાડે બંધ આવ્યો હતો. જ્યારે અન્ય બજારો સાધારણ ઘટાડો સૂચવતાં હતાં. ચીનનું માર્કેટ પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. બપોરે યુરોપ બજારો પણ લગભગ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક નિફઅટી 150 પોઈન્ટ્સની રેંજમાં અથડાયાં બાદ સાધારણ નેગેટિવ બંધ રહ્યો હતો. નિફ્ટી માટે 17400નું સ્તર અવરોધ બન્યું છે. જ્યાં સુધી બેન્ચમાર્ક તેને પાર નહિ કરે ત્યાં સુધી દિશાહિન ટ્રેડ જાળવી રાખે તેવી શક્યતાં છે. એનાલિસ્ટ્સના મતે વર્તમાન તબક્કો વધુ એકાદ સપ્તાહ લંબાઈ શકે છે. જોકે સરવાળે બજાર સુધારાતરફી ચાલ દર્શાવે તેવી અપેક્ષા તેઓ ધરાવે છે. 17000ની સપાટીને સ્ટોપલોસ તરીકે જાળવીને ઘટાડે બજારમાં ખરીદીની ભલામણ તેઓ કરે છે. જોકે માત્ર લાર્જ-કેપ્સમાં જ એક્સપોઝર જાળવવું જોઈએ એમ આગ્રહપૂર્વક જણાવે છે. મીડ અને સ્મોલ-કેપ્સમાં આગામી એક ક્વાર્ટર અન્ડરપર્ફોર્મન્સનું બની રહે તેવી શક્યતાં છે. આમ આ સેગમેન્ટમાં ઉતાવળમાં ખરીદી કરવાથી દૂર રહેવું જોઈએ. ત્રીજા ક્વાર્ટરમાં મીડ-કેપ કંપનીઓનો દેખાવ નિરાશાજનક રહ્યો છે અને તેથી સાવચેતી જાળવવી જરૂરી છે. બહુ જૂજ કંપનીઓ સારા પરિણામ રજૂ કરી શકે છે. શુક્રવારે બીએસઈ ખાતે 3471 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2275 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 1093 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. 230 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 305 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.91 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.06 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો એકમાત્ર બેંકિંગને બાદ કરતાં મોટાભાગના સેક્ટરલ બેન્ચમાર્કસ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં રિઅલ્ટી 1.25 ટકા સાથે સૌથી ખરાબ દર્શાવતો હતો. આ ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ અને પીએસઈ ઈન્ડાઈસીસ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બેંક નિફ્ટી 0.18 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. એક્સિસ બેંક, કોટક બેંક, એસબીઆઈ અને એચડીએફસી બેંકમાં સુધારાને કારણે આમ બન્યું હતું. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયા સિમેન્ટ, ટોરેન્ટ ફાર્મા, વોલ્ટાસ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ જેવા કાઉન્ટર્સ 3.53 ટકા સુધી સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ અંબુજા સિમેન્ટ, મધરસન સુમી, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, હનીવેલ ઓટોમેશનમાં 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. સ્મોલ-કેપ્સમાં દિલીપ બિલ્ડકોન, શિલ્પા મેડીકેર, બીઈએમએલ, હેગ, રુટ મોબાઈલ, ટ્રાઈડેન્ટ, સિકવન્ટ સાઈન્ટિફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

 

ઈન્ડિગો ડિરેક્ટર રાકેશ ગંગવાલે તત્કાળ અસરથી રાજીનામુ આપ્યું

દેશમાં પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ટરગ્લોબ એવિએશનના નોન-એક્ઝિક્યૂટીવ, નોન-ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર રાકેશ ગંગવાલે શુક્રવારે તત્કાળ અસરથી તેમના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પાંચ વર્ષોથી વધુના સમયગાળામાં કંપનીમાંથી તેમના હિસ્સાને તબક્કાવાર ઘટાડશે. ગંગવાલે જણાવ્યું હતું કે તેઓ કંપનીમાં 15 વર્ષોથી વધુ સમયથી લોંગ-ટર્મ શેરહોલ્ડર રહ્યાં છે અને કોઈપણ વ્યક્તિ માટે તેમના હોલ્ડિંગને ડાયવર્સિફાઈ કરવાનો વિચાર એક સ્વાભાવિક બાબત છે. તેમણે આગામી પાંચ વર્ષોથી વધુ સમયગાળામાં પોતાનો હિસ્સો ઘટાડવાનો ઈરાદો હોવાનું જણાવ્યું હતું. 4 ફેબ્રુઆરીએ ઈન્ટરગ્લોબના બોર્ડે કો-ફાઉન્ડર રાહુલ ભાટિયાની તત્કાળ અસરથી એમડી તરીકે નિમણૂંક કરી હતી. ગંગવાલ અને તેમની સંબંધિત કંપનીઓ હાલમાં કંપનીમાં 37 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ભાટિયા અને તેમની કંપનીઓ 38 ટકા હિસ્સો ધરાવે છે.

 

ડોલર સામે રૂપિયામાં 39 પૈસાનો ઉછાળો

સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્રમાં યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં મજબૂતી જોવા મળી હતી. યુક્રેન મુદ્દે મંત્રણાથી ઉકેલની શક્યતાં વચ્ચે ડોલરમાં નરમાઈ જોવા મળી હતી અને ઈમર્જિંગ ચલણો મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. રૂપિયો ગ્રીન બેક સામે 75.03ના સ્તરે પોઝીટીવ ઓપનીંગ બાદ સુધરીને 74.60ની ઈન્ટ્રા-ડે ટોચ પર જોવા મળ્યો હતો. જ્યાંથી સાધારણ ઘટી 74.67 પર બંધ રહ્યો હતો. ગુરુવારે તે 75.06ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 95.835ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ડિસેમ્બર ક્વાર્ટર માટે જીડીપી 5.8 ટકા રહેવાનો SBIનો અંદાજ

દેશનો જીડીપી વૃદ્ધિ દર ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રણ મહિનાના સમયગાળા માટે 5.8 ટકાના સ્તરે રહેશે એમ એસબીઆઈનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે. દેશનું અર્થતંત્ર 2021-22ના બીજા ક્વાર્ટરમાં 8.4 ટકા વૃદ્ધિ સાથે મહામારી અગાઉના સ્તરને પાર કરી ગયું હતું. જોકે જુલાઈ-સપ્ટેમ્બર મહિના માટેનો વૃદ્ધિ દર પ્રથમ ક્વાર્ટરમાં જોવા મળેલા 20.1 ટકાની સરખામણીમાં નીચો હતો. નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ 28 ફેબ્રુઆરીના રોજ ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કરશે. એસબીઆઈ નાઉકાસ્ટીંગ મોડેલ મુજબ સમગ્ર નાણા વર્ષ માટેનો જીડીપી વૃદ્ધિ દર અગાઉના 9.3 ટકાના અંદાજની સરખામણીમાં સાધારણ નીચે 8.8 ટકા પર જોવા મળશે. નાઉકાસ્ટીંગ મોડેલ એ 41 હાઈ ફ્રિકવન્સિ ઈન્ડેકેટર્સને ગણનામાં લે છે. જેમાં ઈન્ડસ્ટ્રી અને સર્વિસ ક્ષેત્રની કામગીરી ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રને પણ ગણતરીમાં લેવામાં આવે છે.

 

 

FPIsએ 2008માં સબપ્રાઈમ કટોકટી બાદનું સૌથી મોટું વેચાણ નોંધાવ્યું

ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં તેમણે 11.5 અબજની વેચવાલી દર્શાવી

જે 2008માં માર્ચથી નવેમ્બર દરમિયાનની સૌથી લાંબી 9.4 અબજ ડોલરની વેચવાલીને પાર કરી ગઈ

વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ)એ છેલ્લાં પાંચ મહિનામાં અવિરત વેચવાલી પાછળ કુલ 11.5 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું છે. જે સ્થાનિક ચલણના સંદર્ભમાં રૂ. 86 કરોડ જેટલું બેસે છે. તેમની વેચવાલી કેલેન્ડર 2008માં સબપ્રાઈમ કટોકટી વખતે જોવા મળેલી 9.4 અબજ ડોલરની વેચવાલીને પાર કરી ગઈ છે. તે વખતે ડોલર સામે રૂપિયાના મૂલ્યને ગણનામાં લેતાં તેમણે રૂ. 43 હજાર કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.

એફપીઆઈ છેલ્લાં પાંચ મહિનાઓથી ભારતીય બજારમાં સતત વેચવાલ જોવા મળી રહ્યાં છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતમાં કેશ સેગમેન્ટમાં સતત વેચવાલી વચ્ચે તેમણે કોમોડિટી પર આધારિત બ્રાઝિલ જેવા બજાર પર નજર દોડાવી હોય તેમ જણાય છે. 2008 બાદ પણ એફઆઈઆઈએ દેશમાં વેચવાલી દર્શાવી છે. જોકે તેઓ સતત લાંબા સમય સુધી વેચવાલ જોવા નથી મળ્યાં. જેમકે માર્ચ 2020માં તેમણે ઊંચી વેચવાલી દર્શાવ્યાં બાદ પછીના મહિનાઓમાં ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. તેમજ નવેમ્બર અને ડિસેમ્બર 2020માં તેમણે માસિક ધોરણે વિક્રમી ઈનફ્લો નોંધાવ્યો હતો. જોકે તાજેતરના વેચવાલીનો સ્પેલ થોડો લંબાય ગયો છે. ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન નોંધપાત્ર વેચવાલી બાદ ફેબ્રુઆરીમાં તેમણે ગુરુવાર સુધીમાં 1.9 અબજ ડોલર(રૂ. 14264 કરોડ)ની વેચવાલી દર્શાવી હતી. જાન્યુઆરી 2022માં તેમણે 4.6 અબજ ડોલરનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું. જે ઈમર્જિંગ માર્કેટ્સમાં સૌથી ઊંચું વેચાણ હતું. માર્ચ 2020માં 8.3 અબજ ડોલરના સૌથી ઊંચા વેચાણ બાદ જાન્યુઆરીમાં બીજા ક્રમે સૌથી ઊંચું માસિક વેચાણ જોવા મળ્યું હતું. ફેબ્રુઆરી 2022માં એફપીઆઈનો ગ્રોસ બાય-ટુ-સેલ્સ રેશિયો ઘટીને 0.84 ટકા પર રહ્યો હતો. જે લાંબાગાળા માટેના 1.06ના રેશિયો સામે ઘણો નીચો છે. જાન્યુઆરી મહિનાની આખરમાં એફઆઈઆઈનું કુલ ઈક્વિટી એસેટ અન્ડર મેનેજમેન્ટ 639 અબજ ડોલર પર રહ્યું હતું. જે નવેમ્બર 2021ની આખરમાં 686 અબજ ડોલર પર હતું. જે તેમના એયૂએમની સૌથી ઊંચી ટોચ હતી. બીએસઈ-500 જૂથના શેર્સમાં એફપીઆઈની કુલ માલિકી પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.9 ટકા ઘટાડે દર્શાવતી હતી. ડિસેમ્બર 2021ની આખરમાં તે 20.7 ટકા પર જોવા મળી હતી. વિદેશી રોકાણકારોએ બેંકિંગ ક્ષેત્રે તેના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે બીજી બાજુ તેમણે પ્રાઈમરી માર્કેટમાં ખરીદી જાળવી હતી.

FPIએ દર્શાવેલું નોંધપાત્ર વેચાણ

સમયગાળો વેચાણ(અબજ ડોલરમા)

 

ઓક્ટો. 2021થી ફેબ્રુ. 2022 -11.51

જુલાઈ 2019થી ઓગસ્ટ 2019 -4.25

સપ્ટે. 2018થી ઓક્ટો. 2018 -5.42

એપ્રિલ 2018થી જૂન 2018 -3.04

ઓક્ટો. 2016થી ડિસે. 2016 -4.5

નવે. 2015થી ફેબ્રુ. 2016 -3.9

ઓગસ્ટ 2015થી સપ્ટે. 2015 -3.5

ઈન્ડસ્ટ્રીઅલ લોન્સ કોવિડ અગાઉના લેવલને પાર કરી ગઈ

માર્ચ 2020 બાદ પ્રથમવાર ગયા ડિસેમ્બરની આખરમાં આઉટસ્ટેન્ડિંગ લોનની રકમ રૂ. 29.85 લાખ કરોડના સ્તરે જોવા મળી

એસએમઈ સેક્ટર ઉપરાંત ઈન્ફ્રા, ટેક્સટાઈલ અને કેમિકલ્સ ક્ષેત્રે ઊંચી ક્રેડિટ માગ નોંધાઈ

 

બેંકિંગ કંપનીઓ તરફથી ઈન્ડસ્ટ્રીઝને આપવામાં આવતી લોન્સ કોવિડ અગાઉના સ્તરને પાર કરી ચૂકી છે. ડિસેમ્બર આખરમાં ઈન્ડસ્ટ્રીઅલ લોન્સ રૂ. 29 લાખ કરોડની સપાટી પાર કરી રૂ. 29.85 લાખ કરોડના સ્તરે જોવા મળી હતી. તે છેલ્લાં 21 મહિનાનું ટોચનું સ્તર હતું. બીજી રીતે કહીએ તો માર્ચ 2020 બાદની ટોચ હતી. ઝડપી આર્થિક રિવાઈવલને કારણે આમ થયું હોવાનું બેંકર્સ જણાવે છે.

દેશમાં ટોચની બેંકિંગ કંપનીઓના મતે ક્રેડિટની માગમાં વૃદ્ધિનું મોમેન્ટમ જળવાય રહેવાની શક્યતાં છે. જેની પાછળના કારણોમાં પ્રાઈવેટ ક્ષેત્રની ઊંચી માગ ઉપરાંત સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પર મૂકવામાં આવી રહેલો ભાર છે. જેને કારણે મહામારીને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્રેડિટ માગ વધી છે. ડિસેમ્બરમાં જોવા મળતી રૂ. 29.85 લાખ કરોડની આઉટસ્ટેન્ડિંગ લોન માર્ચ 2021ની આખરમાં જોવા મળતી રૂ. 28.99 લાખ કરોડની સરખામણીમાં 3 ટકા ઊંચી છે. જ્યારે વાર્ષિક ધોરણે તે 7.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે. લોનમાં વૃદ્ધિનું મુખ્ય કારણ માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝિસને ડિસ્બર્સલમાં વૃદ્ધિ છે. પીએસયૂ બેંક પીએનબીના એમડીના જણાવ્યા મુજબ કોવિડના ત્રીજા વેવની આર્થિક ગતિવિધીઓ પર મર્યાદિત અસર જોવા મળી છે. મોટાભાગના આર્થિક સૂચકાંકો સુધારો સૂચવી રહ્યાં છે. જેની પાછળ ઈન્ડસ્ટ્રીઅલ ક્રેડિટ માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈલ, કેમિકલ્સ એન્ડ કેમિકલ પ્રોડક્ટ્સ, ફર્ટિલાઈઝર્સ અને ફૂડ પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રો સારો દેખાવ દર્શાવી રહ્યાં છે. વાર્ષિક ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર 11 ટકા લોન વૃદ્ધિ દર્શાવે છે. 2021ની આખરમાં તે રૂ. 11.4 લાખ કરોડનું આઉટસ્ટેન્ડિંગ દર્શાવતું હતું. જ્યારે ટેક્સટાઈલ ક્ષેત્રને લોન 11.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2.13 લાખ કરોડ પર જોવા મળે છે. કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં લોન વૃદ્ધિ દર 12.7 ટકા જોવા મળ્યો હતો. જ્યારે કુલ આઉટસ્ટેન્ડિંગ રૂ. 1.98 લાખ કરોડ પર રહ્યું હતું.

નિકાસમા વૃદ્ધિ, પ્રોડક્શન-લિન્ક્ડ ઈન્સેન્ટીવ તથા કોર્પોરેટ્સ દ્વારા એક્વિઝીશન્સમાં વૃદ્ધિને કારણે લોન્સની માગ સારી જળવાય છે. આગામી સમયગાળામાં પણ તે વૃદ્ધિ દર જાળવી રાખે તેવી શક્યતાં છે. હાલમાં બેંકિંગ કંપનીઓ પાસે પણ પૂરતી લિક્વિડીટી છે અને તેથી તેઓ કોર્પોરેટ ક્ષેત્રે વધતી માગને સંતોષવા માટે તૈયાર છે એમ બેંકર્સ જણાવે છે. ઊંચી રિકવરીને કારણે તેમની પાસે નવો ફ્લો પણ આવી રહ્યો છે. જે ગ્રોથને વેગ આપવામાં સહાયરૂપ બનશે.

 

 

સુગર એક્સપોર્ટ્સ અઢી ગણી વધી 31.5 લાખ ટન પર પહોંચી

ગયા વર્ષે ઓક્ટોબર-જાન્યુઆરીમાં માત્ર 9.2 લાખ ટન નિકાસ જોવા મળી હતી

 

દેશમાંથી ખાંડની નિકાસમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓક્ટોબર 2021થી શરૂ થયેલા નવા સુગર વર્ષના પ્રથમ ચાર મહિનામાં દેશમાંથી ખાંડ નિકાસ 242 ટકા વૃદ્ધિ સાથે 31.5 લાખ ટન પર પહોંચી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 9.2 લાખ ટન પર હતી એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા) જણાવે છે.

અત્યાર સુધીમાં સુગર નિકાસ માટે 50 લાખ ટનના કોન્ટ્રેક્ટ્સ થઈ ચૂક્યાં છે. ચાલુ મહિને આમાંથી આઁઠ લાખ ટનથી વધુ સુગરની રવાનગી થશે. ઈસ્માના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 5.6 ટકા વૃદ્ધિ સાથે 220.91 લાખ ટન પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 209.11 લાખ ટન પર હતું. 2021-22માં શેરડીનું પિલાણ શરૂ કરનાર 516 સુગર મિલ્સમાંથી અત્યાર સુધીમાં 13 મિલો કામગીરી બંધ કરી ચૂકી છે. ગયા વર્ષે કુલ 496 સુગર મિલ્સ કામગીરી દર્શાવી રહી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 32 મિલો કામગીરી બંધ કરી ચૂકી હતી. મહારાષ્ટ્રની વાત કરીએ તો 15 ફેબ્રુઆરી સુધીમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 14 ટકા વધી 86.15 લાખ ટન પર જોવા મળતું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 75.46 લાખ ટન પર હતું. જોકે ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. રાજ્યમાં સુગર ઉત્પાદન ગયા વર્ષે ફેબ્રુઆરીના મધ્યભાગ સુધીમાં 65.13 લાખ ટનની સરખામણીમાં ચાલુ વર્ષે 59.32 લાખ ટન પર જોવા મળ્યું હતું. દેશમાં ખાંડના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે આવતા કર્ણાટકમાં ઉત્પાદન 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે અને તે 44.85 લાખ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 39.07 લાખ કરોડ પર હતું. ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષના 6.55 લાખ ટન સામે વધી 6.91 લાખ ટન રહ્યું હતું. જ્યારે તમિલનાડુમાં 2.47 લાખ ટન સામે નોંધપાત્ર વૃદ્ધિ સાથે 3.6 લાખ ટન પર જોવા મળ્યું હતું.

 

 

LIC 11 માર્ચે રૂ. 60 હજાર કરોડના IPO સાથે પ્રવેશે તેવી શક્યતાં

 

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 11 માર્ચે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશ કરે એમ વર્તુળો જણાવે છે. તેમના મતે 11મી તારીખે એન્કર ઈન્વેસ્ટર્સ માટે ઓફર ખૂલ્લી બનશે. જ્યારે અન્ય રોકાણકારો માટે બે દિવસ બાદ બિડિંગ ઓપન થશે.

એલઆઈસીને માર્ચના પ્રથમ સપ્તાહમાં સેબી તરફથી મંજૂરી મળે તેવી શક્યતાં છે. જ્યારબાદ ઈન્ડિકેટીવ આઈપીઓ પ્રાઈસ નિર્ધારિત કરવામાં આવશે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. વર્તુળોના મતે આઈપીઓનો લોંચિંગ સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. જોકે હાલમાં તો કંપની ટાઈમલાઈનનું પાલન થઈ શકે તે માટે સખત પ્રયાસ કરી રહી છે. એલઆઈસીનો શેર રૂ. 2000-2100ની રેંજમાં ઓફર કરવામાં આવશે. કંપની આઈપીઓમાં 5 ટકા હિસ્સો ઓફર કરશે. જેને જોતાં તે લગભગ રૂ. 60 હજાર કરોડ(8 અબજ ડોલર) ઊભા કરશે એમ વર્તુળો જણાવે છે. હાલમાં કંપનીએ રોડશો શરૂ કરી દીધાં છે અને રોકાણકારોના એપેટાઈટની ચકાસણી બાદ પ્રાઈસિંગમાં ફેરફાર થઈ શકે છે એમ તેઓ જણાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage