Market Summary 18 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક બજારો પાછળ 2022નો સૌથી મોટો ઘટાડો
નિફ્ટી 18100નો સપોર્ટ જાળવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 17.78ની સપાટીએ
ઓટો, આઈટી, એફએમસીજી અને ફાર્મા ઈન્ડેક્સમાં 2.4 ટકા સુધી નરમાઈ
16 દિવસો બાદ માર્કેટ-બ્રેડ્થ નરમ, બીએસઈ ખાતે 1145માં સુધારા સામે 2285માં ઘટાડો
એશિયા-યુરોપના બજારોમાં એક ટકા આસપાસનો ઘટાડો

શેરબજારમાં મંગળવારે 2022નો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક શેરબજારોમાં વેચવાલી પાછળ ભારતીય બજાર પણ બે બાજુની વધ-ઘટ દર્શાવી એક ટકાથી વધુ નરમાઈ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 554.05 પોઈન્ટ્સ નરમાઈ સાથે 69754.86ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 195.05ના ઘટાડે 18113.05ની સપાટી બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સમાં 6.02 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 17.78ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટકોમાંથી 42 ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં ફેડના આક્રમક વલણને લઈને એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. જેની પાછળ વિદેશી રોકાણકારો ઈમર્જિંગ માર્કેટ સહિત વિકસિત બજારોમાં પણ વેચવાલ બન્યાં છે. મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ સાથે કામકાજની શરૂઆત થઈ હતી. જોકે બપોર બાદ ચીનને બાદ કરતાં એશિયન બજારોમા સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી અને તેઓ એક ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજાર પોઝીટીવ ઓપનીંગ બાદ ઘટીને એક તબક્કે ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જોકે યુરોપના બજારોમાં વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં બાઉન્સ ટક્યો નહોતો અને નિફ્ટી 18085.95ના તળિયા પર પટકાયો હતો. જોકે તે 18100ના સપોર્ટને જાળવી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18100-18400ની રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજુ ઝડપી સુધારો દર્શાવી શકે છે. બજેટમાં સરકાર તરફથી ઊંચા ખર્ચ અંદાજ પાછળ તે 18600ની અગાઉની ટોચને એકવાર પુનઃ સ્પર્શ કરે તેવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે. જોકે ફેડ તરફથી ટૂંકમાં જ રેટ વૃદ્ધિની જાહેરાત પાછળ બજારો ટૂંકાગાળામાં એક ડૂબકી મારી શકે છે.
મંગળવારે બજારમાં બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી હતી અને લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સ પણ ઊંધા માથે પટકાયાં હતાં. નિફ્ટીના 90 ટકા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં તો બીએસઈ ખાતે 3513 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2285 ઘટીને બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1145 પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં. સતત 16 સત્રોથી પોઝીટીવ બંધ દર્શાવ્યાં બાદ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 420 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 320 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. બીજી બાજુ 465 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 7 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહનું નોંધાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.06 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.45 ટકા ઘટાડા સાથે બંધ આવ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી ઓટો 2.4 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી આઈટી 1.84 ટકા, પીએસયૂ બેંક 1.8 ટકા, ફાર્મા 1.2 ટકા, એફએમસીજી 1.3 ટકા અને મેટલ 2.26 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સિમેન્ટ શેર્સમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. અંબુજા સિમેન્ટ્સ 7 ટકા, ઈન્ડિયા સિમેન્ટ 6 ટકા, એસીસી 5 ટકા અને રામ્કો સિમેન્ટ પણ 5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એપોલો હોસ્પિટલનો શેર 6 ટકા પટકાયો હતો. જ્યારે ઈન્ફો એજ પણ 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો.
નિફ્ટીમાં ઘટાડો દર્શાવવામાં અગ્રણી કાઉન્ટર્સમાં ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ 4.4 ટકા, મારુતિ 4.4 ટકા, અલ્ટ્રા-ટેક સિમેન્ટ 4 ટકા, આઈશર મોટર 3.8 ટકા અને ટેક મહિન્દ્રા 3.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સુધારો દર્શાવવામાં એક્સિસ બેંક 1.76 ટકા સાથે ટોચ પર હતો.


સેબીની ડિસ્પ્યૂટ રેસોલ્યુશન મિકેનીઝમ ઊભું કરવા માટેની વિચારણા

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી ઈન્વેસ્ટર પ્રોટેક્શન અને વિશ્વાસને મજબૂત બનાવવા માટે ડિસ્પ્યૂટ રેસોલ્યુશન મિકેનિઝમ રજૂ કરવાની વિચારણા કરી રહ્યું છે. એક યાદીમાં તેણે જણાવ્યું છે કે હાલમાં તે રેગ્યુલેટેડ એન્ટીટીસ સાથે તેમની અને તેમના ગ્રાહકો વચ્ચે વિવિધ એગ્રીમેન્ટ્સ હેઠળ વૈકલ્પિક ડિસ્પ્યુટ રેસોલ્યુશન મિકેનીઝમની સ્થાપના માટેની ચકાસણી કરી રહી છે. જાણકાર વર્તુળોના કહેવા મુજબ સેબી રોકાણકારો અને લિસ્ટેડ કંપની અથવા ક્લાયન્ટ અને કોઈપણ રેગ્યુલેટેડ ઈન્ટરમિડિયરી વચ્ચેના ડિસ્પ્યુટ્સના સમાધાન માટે આર્બિટ્રેશન મિકેનીઝમ રજૂ કરવા માટેની શક્યતાનો અભ્યાસ કરી રહી છે. આને કારણે કોર્ટની લાંબી પ્રક્રિયામાં ગયા વિના આર્બિટ્રેટરની સહાયથી વિવાદોને ઉકેલવામાં સહાયતા મળી રહેશે. હાલમાં પ્રસ્તાવ હજુ પ્લાનીંગના સ્તરે જ છે અને તેની કાયદાકીય પ્રસ્તુતતા ચકાસવામાં આવી રહી છે. લિસ્ટેડ કંપનીઓની આ માટે સહમતિ હોવી જરૂરી બની જાય છે એમ જાણકાર વર્તુળ જણાવે છે. હાલમાં સેબી પાસે ઈન્વેસ્ટર ગ્રિવેન્સિસના ઉકેલ માટે માટે કહેવાની સ્કોર્સ(શોર્ટ ફોસ સેબી કોમ્પ્લેયન્ટ્સ રિડ્રેસ સિસ્ટમ) સિસ્ટમ છે. જેનો ઉપયોગ કરી રોકાણકાર લિસ્ટેડ કંપની અથવા મધ્યસ્થી સામે ફરિયાદ કરી શકે છે. જ્યારબાદ કંપની અથવા મધ્યસ્થીએ 30 દિવસોમાં ઈસ્યુનો ઉકેલ લાવવાનો રહે છે. જેમાં નિષ્ફળ રહેતાં સેબી કંપની સામે કાર્યવાહી કરી શકે છે. ઉકેલવામાં આવેલા ઈન્વેસ્ટર્સ ગ્રિવેન્સિસને માસિક ધોરણે સેબીની વેબસાઈટ પર દેખાડવામાં આવે છે. આ ડિસ્ક્લોઝરને કારણે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ સિરિયલ ડિફોલ્ટર્સને ઓળખી શકે છે.


2021માં રિટેલ હોલ્ડિંગ ઉછળીને 60 ટકા પર પહોંચ્યું
શેરબજારમાં નવા 3 કરોડ રોકાણકારોના પ્રવેશ સાથે હોલ્ડિંગ વેલ્યૂ વધીને રૂ. 55 લાખ કરોડ થઈ
બીએસઈના સમગ્રતયા માર્કેટ-કેપમાં 41.5 ટકા જ વૃદ્ધિ સામે રિટેલ AUCમાં 20 ટકા ઊંચી વૃદ્ધિ


શેરબજારમાં વ્યક્તિગત રોકાણકારોનું ઈક્વિટી હોલ્ડિંગ્સ કેલેન્ડર 2021માં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવતું હતું. કેલેન્ડરમાં વિક્રમી સંખ્યામાં નવા રોકાણકારોના પ્રવેશને કારણે રિટેલ હોલ્ડિંગ્સ રૂ. 21 લાખ કરોડ અથવા 60 ટકા જેટલું ઉછળી રૂ. 55 લાખ ડોલર પર પહોંચ્યું હતું. શેરના ભાવોમાં તીવ્ર વૃદ્ધિને કારણે પણ સમગ્રતયા માર્કેટ વેલ્યૂમાં ઉછાળો નોંધાયો હતો.
દેશમાં ડિપોઝીટરી કંપનીઓ સીડીએસએલ અને એનએસડીએલે પૂરા પાડેલાં આંકડાઓ મુજબ સક્રિય ડિમેટ એકાઉન્ટ્સ ધારકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 3.07 કરોડની વિક્રમી વૃદ્ધિ જોવા મળી હતી અને તે સાથે કુલ ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સની સંખ્યા 8 કરોડ પર પહોંચી હતી. ગયા કેલેન્ડરમાં રિટેલ ઈન્વેસ્ટર્સની ઇક્વિટી એસેટ્સ અન્ડર કસ્ટડી(એયૂસી)નો વૃદ્ધિ દર શેરબજારના સમગ્ર માર્કેટ-કેપ વૃદ્ધિના દર કરતાં ઊંચો જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે શાણા રોકાણકારો બજારની તેજીનો લાભ લેવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ-કેપમાં 2021માં રૂ. 78 લાખ કરોડ અથવા 41.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 266 લાખ કરોડ પર પહોંચ્યું હતું. તેની સામે રિટેલ એયૂસીમાં 60 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે નિફ્ટીમાં 24 ટકા વૃદ્ધિ કરતાં ઘણી ઊંચી હતી. સાથે નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સમાં 46 ટકા વૃદ્ધિ દરની સરખામણીમાં પણ ઊંચી વૃદ્ધિ સૂચવે છે.
રિટેલ ઈક્વિટી વેલ્થમાં ઊંચી વૃદ્ધિ મોટો ઈન્ક્રિમેન્ટલ ફ્લો સૂચવે છે. શેરબજારમાં નોંધપાત્ર સમય એકધારી તેજીને કારણે રિટેલ વર્ગ અન્ય એસેટ ક્લાસિસ જેવાકે ડેટ, ગોલ્ડ અને રિઅલ એસ્ટેટ તરફથી અન્ય એસેટ ક્લાસિસ તરફ વળ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કેલેન્ડર 2020ની આખરમાં કુલ માર્કેટ-કેપમાં રિટેલ એયૂસીનો હિસ્સો 18 ટકા પર હતો. જે 2021માં વધીને 19.65 ટકા પર જોવા મળ્યો હતો. આમ એક વર્ષમાં કુલ ઈક્વિટી એસેટ્સમાં રિટેલ હિસ્સો 1.65 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતો હતો. ડાયરેક્ટ હોલ્ડિંગ્સ ઉપરાંત રિટેલ ઈન્વેસ્ટર્સ મ્યુચ્યુલ ફંડ્સ, પેન્શન ફંડ્સ અને ઈન્શ્યોરન્સ જેવા સાધનો મારફતે પણ ઈક્વિટી રોકાણ ધરાવે છે. એક વૈશ્વિક બ્રોકરેજના એનાલિસીસ મુજબ 2021ના પ્રથમ નવ મહિનામાં પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રૂ. 2 લાખ કરોડ(28 અબજ ડોલર)થી વધુનો સ્થાનિક ઘરગથ્થુ ફ્લો બજારમાં પ્રવેશ્યો હતો. જેનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારમાં જોવા મળેલી તીવ્ર તેજી કારણભૂત હતી.
આશ્ચર્યની વાત એ છે કે બજારમાં વિદેશી સંસ્થાઓ તરફથી જોવા મળેલી અવિરત વેચવાલીને પચાવવામાં આ રિટેલ ઈનફ્લો ખૂબ મહત્વનો પુરવાર થયો હતો. જોકે આના કારણે સ્થાનિક બજારના વેલ્યૂએશન્સ પણ ઘણા મોંઘા બન્યાં હતાં અને વૈશ્વિક સ્તરે ભારતીય બજારનું આકર્ષણ ઘટ્યું હતું. બજારમાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ(એચએનઆઈ)ને કારણે ઊંચી એક્ટિવિટી જોવા મળી હોવાનું પણ બ્રોકરેજ એનાલિસ્ટ જણાવે છે. ડિપોઝીટર્સે પૂરા પાડેલા ડેટા મુજબ પ્રતિ ડિમેટ એકાઉન્ટ સરેરાશ હોલ્ડિંગ રૂ. 7 લાખના સ્તરે સ્થિર જોવા મળ્યું હતું. જેના કારણોમાં એક વ્યક્તિના નામે એકથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ છતાં તેમનું હોલ્ડિંગ એક જ ડિમેન્ટ એકાઉન્ટમાં કોન્સન્ટ્રેટેડ હોવા ઉપરાંત ઘણા ડિમેટ એકાઉન્ટ માત્ર આઈપીઓ સબસ્ક્રાઈબ કરવા માટે જ ખોલવામાં આવ્યા હોવાનું પણ વર્તુળો જણાવે છે.


મોતીલાલ ઓસ્વાલે ત્રણ ઓવરસિઝ ફંડ્સમાં લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ રદ કર્યું
મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ તેના ઓવરસિઝ ફંડ્સમાંથી ત્રણમાં લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટને રદ કર્યું છે. આ ત્રણ ફંડ્સમાં એસએન્ડપી 500 ઈન્ડેક્સ ફંડ, એમએસસીઆઈ ઈએએફઈ ટોપ 100 સિલેક્ટ ઈન્ડેક્સ ફંડ અને નાસ્ડેક 100 ફંડ ઓફ ફંડનો સમાવેશ થાય છે. ફંડ હાઉસે જણાવ્યું છે કે જ્યાં સુધી માર્કેટ રેગ્યુલેટર સેબી ઈન્વેસ્ટમેન્ટ મર્યાદામાં ફરીથી વૃદ્ધિ નહિ કરે ત્યાં સુધી નવુ ઈન્વેસ્ટમેન્ટ પર સસ્પેન્શન ચાલુ રહેશે. જોકે ફંડમાં રોકાણકારને રિડમ્પ્શનની છૂટ રહેશે એમ તેણે જણાવ્યું છે. તે સ્વિચ-આઉટ અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પણ કરી શકશે.
સરકાર બજેટમા ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટ એન્ટાઈટલમેન્ટ સ્કિમને ફરી લાગુ પાડી શકે
કેન્દ્રિય નાણાપ્રધાન નિકાસકારો માટે ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટ એન્ટાઈટલમેન્ટ સ્કીમને પુનઃ લાગુ કરવાની વિચારણા કરી રહી છે. આ સ્કિમ રોજગારલક્ષી માલ-સામાન જેવાકે હેન્ડલૂમ, લેધર, સ્પોર્ટ્સ ગુડ્ઝ અને ટોય્ઝ ઉત્પાદકો માટે વિચારમાં છે. સ્કીમ હેઠળ ચોક્કસ સેક્ટર માટે પસંદગીના ઈનપુટ્સની ફ્રી આયાતની છૂટ હોય છે. જોકે ગયા વર્ષે આ સ્કીમને બંધ કરવામાં આવી હતી. વાણિજ્ય મંત્રાલયે આગામી બજેટમાં તેને ફરીથી દાખલ કરવા માટે નાણા મંત્રાલયને જણાવ્યું છે.
નવી સિઝનના પ્રથમ ક્વાર્ટરમાં ખાંડ નિકાસમાં 277 ટકા ઉછાળો
સુગર યર 2021-22માં નિકાસની શરૂઆત સારી રહી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના સમયગાળામાં દેશમાંથી સુગર નિકાસ વાર્ષિક ધોરણે 277 ટકા ઉછળી 17 લાખ ટન પર જોવા મળી છે. ગયા વર્ષે સમાનગાળામાં તે 4.5 લાખ ટન પર હતી એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા)નો ડેટા જણાવે છે. તેના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં વધુ 7 લાખ ટન સુગર નિકાસ માટે પાઈપલાઈનમાં છે. ભારતીય નિકાસકારોએ 38-40 લાખ ટન સુગર નિકાસના કોન્ટ્રેક્ટ્સ કર્યાં છે. જોકે વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવમાં ઘટાડાને કારણે તેઓ હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને બેઠાં છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ પાંચ મહિનાના તળિયા 18 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેનું મુખ્ય કારણ બ્રાઝિલ ખાતેથી નવી સિઝનમાં ઊંચા પાક ઉત્પાદનની અપેક્ષા છે. ગઈ સિઝનમાં દેશમાંથી વિક્રમી 70 લાખ ટન સુગરની નિકાસ જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage