Market Summary 18 March 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ મહત્વનો સપોર્ટ તોડ્યો

ગુરુવારે નિફ્ટીએ અપેક્ષા મુજબ જ મંદીની ચાલ દર્શાવી હતી. ફેડની બેઠક બાદ વૈશ્વિક બજારોમાં જોવા મળેલા ઉત્સાહ પાછળ ભારતીય બજાર ગેપ-અપ ખૂલ્યું હતું પરંતુ તે સુધારો ટકાવી શક્યું નહોતું અને બપોર બાદ ઊંધા માથે પટકાયું હતું. નિફ્ટી દિવસની 14875ની ટોચથી 400 પોઈન્ટ્સ તૂટી 14479ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાંથી થોડો પાછો ફરી 14558 પર ટ્રેડ થયો હતો. વૈશ્વિક બજારો 1થી 2 ટકા પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં ત્યારે સ્થાનિક બજારમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જે સ્પષ્ટપણે સૂચવે છે કે બજારમાં પ્રોફિટ બુકિંગનો તબક્કો ચાલુ છે અને બજાર વધુ ઘટાડો દર્શાવી શકે છે.

નિફ્ટી માટે 14500 મહત્વનો સપોર્ટ

જો બેન્ચમાર્ક નિફ્ટી 14500ને જાળવવામાં નિષ્ફળ જશે તો ટૂંકાગાળા માટે તે વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતા છે. ઊંચો વોલ્યુમ અને નેગેટિવ માર્કેટ બ્રેડ્થ સાથે જોવા મળેલા ઘટાડાને જોતાં બજારમાં તેજીવાળાઓએ ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે પોઝીશનને પણ હળવી કરવી જોઈએ.

ચાર મહિનાની સૌથી ખરાબ માર્કેટ બ્રેડ્થ

ભારતીય શેરબજારમાં તીવ્ર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને લાંબા સમયબાદ મીડ અને સ્મોલ-કેપ્સ પણ તેમાં જોડાયા છે. અગાઉ બેન્ચમાર્ક્સમાં ઘટાડા વખતે મીડ અને સ્મોલ-કેપ્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં હતાં. જોકે ચાલુ સપ્તાહે ટ્રેન્ડ બદલાયો છે અને મીડ-કેપ્સમાં તીવ્ર વેચવાલી જોવા મળી રહી છે. ગુરુવારે બીએસઈ ખાતે 3105 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 770 સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 2198માં ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી મીડ-કેપ સૂચકાંક પણ 1.25 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ સૂચકાંક 1.26 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.

સોનુ-ચાંદીમાં પણ ઊંચી વધ-ઘટ જોવા મળી

ગુરુવારે શેરબજારની જેમ એમસીએક્સ ખાતે સોનું-ચાંદી પણ મોટી વધ-ઘટ દર્શાવી રહ્યાં હતાં.. વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ ગેપ-અપ ઓપનીંગ સાથે સ્થાનિક કોમેક્સ ખાતે એક તબક્કે એક ટકાથી વધુની મજબૂતી દર્શાવતી કિંમતી ધાતુઓમાં અડધાથી વધુ સુધારો ધોવાઈ ગયો હતો. સિલ્વર મે વાયદો રૂ. 1200ના સુધારે રૂ. 68470ના સ્તરેથી ગગડી બપોર બાદ માત્ર રૂ. 288ના સુધારે રૂ. 67515 પર ટ્રેડ થતો હતો. જ્યારે ગોલ્ડ એપ્રિલ વાયદો પણ એક તબક્કે રૂ. 500ના સુધારે રૂ. 45299ની ટોચ પરથી ગગડી રૂ. 120ના સુધારે રૂ. 44960 પર જોવા મળતો હતો. કોમેક્સ ખાતે ક્રૂડ અને બેઝ મેટલ્સ શરૂઆતથી જ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.

અદાણી પાવર ટોચ બનાવી પોઝીટીવ બંધ રહ્યો

અદાણી જૂથના પાવર સાહસ અદાણી પાવરનો શેર છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 87.15ના બંધ ભાવ સામે 5 ટકાની સર્કિટમાં ખૂલી નોંધપાત્ર સમય સુધી ત્યાં ટ્રેડ થયા બાદ 2.3 ટકાના સુધારે રૂ. 89.15ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર છેલ્લા પખવાડિયાથી 5 ટકાની સર્કિટમાં સુધારો દર્શાવી રહ્યો છે. ગુરુવારે તેણે લગભગ ચાર વર્ષમાં પ્રથમવાર રૂ. 90ની સપાટી દર્શાવી હતી. જોકે જુલાઈ 2009માં રૂ. 100ની ઓફર પ્રાઈસ સામે તે હજુ પણ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. માર્ચ 2020માં તે રૂ. 25ના તળિયા પર જોવા મળ્યો હતો.

ઈન્ફિબીમ એવન્યૂઝનો શેર 14 ટકા તૂટ્યો

અમદાવાદ સ્થિત ઈકોમર્સ અને પેમેન્ટ સર્વિસિસ કંપની ઈન્ફિમી એવન્યૂઝનો શેર ગુરુવારે 14 ટકા જેટલો તૂટ્યો હતો. તે અગાઉના બંધ ભાવ સામે નેગેટિવ ખૂલ્યાં બાદ ઘટતો રહ્યો હતો. ગુરુવારથી બોનસ શેર્સ અસ્તિત્વમાં આવ્યાં બાદ કંપનીનો શેર અગાઉના ભાવથી અડધો થાય તે સ્વાભાવિક હતું. જોકે તે એડજસ્ટેડ પ્રાઈસ બાદ પણ કંપનીનો શેર 14.36 ટકા તૂટી રૂ. 43.25 પર બંધ રહ્યો હતો.

 

વેચવાલીના પ્રથમ દોરમાં જ મીડ-કેપ્સ 53 ટકા સુધી તૂટી ગયાં

છેલ્લા ઘણા મહિનાઓમાં પ્રથમવાર મીડ અને સ્મોલ-કેપ્સમાં જોવા મળેલું વ્યાપક પ્રોફિટ બુકિંગ

એનએસઈ-500 જૂથમાં તમામ કાઉન્ટર્સનું તેમના અંતિમ ક્વાર્ટરની ટોચ સામે નેગેટિવ રિટર્ન

 

ભારતીય બજારમાં છેલ્લું સપ્તાહ અસાધારણ બની રહ્યું છે. બેન્ચમાર્ક્સમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે 2-3 ટકાની નરમાઈ જોવા મળી છે ત્યારે મીડ અને સ્મોલ-કેપ્સમાં છેલ્લાં કેટલાંક સત્રો તીવ્ર પ્રોફિટ બુકિંગના જોવા મળ્યાં છે. કેટલાંક કાઉન્ટર્સ તેમની કેલેન્ડરની ટોચની સપાટીએથી 52 ટકા જેટલું મૂડી ધોવાણ દર્શાવી રહ્યાં છે. જે મીડ-કેપ્સ છેલ્લા કેટલાંક મહિનાઓમાં મંદીવાળાઓને મચક નહોતાં આપતાં તેઓ પાણીના રેલાની જેમ ઘટવા લાગ્યાં છે. જેણે રિટેલ ટ્રેડર્સને ફરીથી ચિંતિત બનાવ્યાં છે.

એનએસઈ-500 જૂથના કાઉન્ટર્સનો અભ્યાસ કરીએ તો છેલ્લા પખવાડિયામાં તેઓએ તીવ્ર વેચવાલી દર્શાવી છે. જેમાં ફાર્મા, પીએસયૂ બેંક્સ, સ્ટીલ, રિટેલ, રિઅલ્ટી અને ટેલિકોમ કંપનીઓનો સમાવેશ થાય છે. નિફ્ટીને લગભગ એક મહિનાથી રેંજમાં રમાડીને ટ્રેડર્સે મીડ અને સ્મોલ-કેપ્સમાં મોટું પ્રોફિટ બુકિંગ હાથ ધર્યું છે. જેનો ખ્યાલ જૂથમાં સમાવિષ્ટ કંપનીઓ દેખાવ પરથી આવે છે. જેમકે ફાર્મા કંપની બ્લીસ જીવીએસનો શેર તેણે 2021માં દર્શાવેલી રૂ. 210ની ટોચ પરથી 53 ટકા ઘટી ગુરુવારે રૂ. 104ની સપાટી પર બંધ રહ્યો હતો. આ જ રીતે અન્ય ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકાનો શેર પણ રૂ. 4900 ઉપરના સ્તરેથી 35 ટકા જેટલો તૂટી રૂ. 3160ના સ્તરે જોવા મળ્યો હતો. આ જ રીતે પીએસયૂ બેંકિંગ શેર્સમાં બેંક ઓફ ઈન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શેર્સ અનુક્રમે 36 અને 35 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. નાણાપ્રધાને  બંને બેંકને ખાનગીકરણના ઉમેદવાર હોવાની જાહેરાત કરી ત્યારબાદ તેમણે સતત ઉપલી સર્કિટ્સ દર્શાવી હતી. જોકે શેરના ભાવમાં જોવા મળેલો સુધારો અલ્પજીવી નીવડ્યો હતો અને હાલમાં બંને કાઉન્ટર્સ પાછા હતા ત્યાંના ત્યાં આવી ગયા છે. જેમકે બેંક ઓફ ઈન્ડિયા રૂ. 102ની ટોચ પરથી રૂ. 65 પર જ્યારે સેન્ટ્રલ બેંક રૂ. 27 પરથી રૂ. 17 પર પટકાયો છે. ખાનગીકરણની એક અન્ય ઉમેદવાર મહારાષ્ટ્ર બેંકનો શેર પણ રૂ. 28 પરથી રૂ. 19 પર જોવા મળી રહ્યો છે. સ્ટેનલેસ સ્ટીલ કંપનીઓ જેએસએલ તથા જિંદાલ સ્ટીલ હિસ્સારના શેર્સમાં તેમની ટોચથી 32 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ફ્યુચર રિટેલ(32 ટકા), ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક(-31 ટકા), વોડાફોન આઈડિયા(-30 ટકા) અને મહિન્દ્રાસીઈ(-30 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

માર્કેટ નિરીક્ષકો માને છે કે લગભગ ફેબ્રુઆરીના અંત સુધી મીડ અને સ્મોલ-કેપ્સમાં સુધારો જળવાયો હતો. કેટલાક મીડ-કેપ્સ હજુ પણ મજબૂતી દર્શાવે છે. જોકે માર્ચ મહિનામાં નિફ્ટીમાં દિશાહીન ટ્રેડ વચ્ચે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં વેચવાલી જોવા મળી છે અને કેટલાંક ચોક્કસ કાઉન્ટર્સ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી ચૂક્યાં છે. લાર્જ-કેપ્સ સામે લગભગ છ મહિના બાદ મીડ-કેપ્સે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જે સૂચવે છે કે માર્કેટ હાલમાં એક વિરામમાં પ્રવેશ્યું છે અને મીડ-કેપ્સમાં ટૂંકાગાળામાં ઝડપથી વધેલાં વેલ્યૂએશન્સ થોડા વાજબી નહિ બને ત્યાં સુધી તેમાં કરેક્શનનો દોર જળવાશે. બેંન્ચમાર્ક નિફ્ટીએ માર્ચ મહિનાના તેના તળિયાથી 16 ફેબ્રુઆરી સુધીમાં 100 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે નિફ્ટી મીડ-કેપ 100એ 131 ટકાનું જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે 160 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું.

મીડ-કેપ્સમાં ટોચના ભાવથી ધોવાણ

સ્ક્રિપ્સ          મૂલ્યમાં ઘટાડો(%)

બ્લીસ જીવીએસ -52.61

બેંક ઓફ ઈન્ડિયા           -36.24

એસ્ટ્રાઝેનેકા     -35.46

સેન્ટ્રલ બેંક  -35.23

જેએસએલ  -33.80

જિંદાલ સ્ટીલ હિસ્સાર   -32.27

મહારાષ્ટ્ર બેંક             -32.00

ફ્યુચર રિટેલ     -31.88

ઉજ્જીવન સ્મોલ ફાઈ.બેંક        -31.39

વોડાફોન આઈડિયા                -30.43

મહિન્દ્રાસીઆઈઈ         -30.08

બેંક ઓફ બરોડા         -28.99

ડિશ ટીવી        -28.94

કેઆરબીએલ             -28.70

ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ     -28.29

શિલ્પા મેડીકલ          -28.25

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage