Market Summary 18 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


રેટ વૃદ્ધિની શક્યતા પાછળ શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ
નિફ્ટી ત્રણ સપ્તાહના તળિયે, સેન્સેક્સે 60 હજારનું સ્તર તોડ્યું
યુએસ સહિત વિકસિત અર્થતંત્રોમાં ઈન્ફ્લેશનની ચિંતાને લઈને મધ્યસ્થ બેંક્સ દ્વારા રેટમાં અપેક્ષા કરતાં વહેલી વૃદ્ધિ કરવામાં આવે તેવા ડર પાછળ શેરબજારોમાં વેચવાલી જળવાય છે. ભારતીય બેન્ચમાર્ક્સ સતત ત્રીજા સપ્તાહે નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સે 372 પોઈન્ટસ ઘટી 60 હજારના સ્તર નીચે ઉતરી ગયો હતો. તેણે 59636ના ત્રણ સપ્તાહના તળિયા પર બંધ આપ્યું હતું. નિફ્ટી-50 પણ 133.85 પોઈન્ટ્સના ઘટાડે 17764.80ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટીના 50માંથી 42 કાઉન્ટર્સ ઘટીને બંધ રહ્યાં હતાં. માત્ર આંઠ કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં નરમ સેન્ટિમેન્ટ વચ્ચે ભારતીય બેન્ચમાર્કેસે ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવ્યો છે. નિફ્ટી તેના ઓક્ટોબર આખરના બંધથી સહેજ ઊંચા સ્તરે બંધ રહ્યો છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે જો નિફ્ટી 17600ની સપાટી તોડશે તો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. કેમકે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. રિટેલ રોકાણકારોએ પણ છેલ્લાં મહિનામાં લાંબા સમયબાદ નુકસાની ખમવાનું બન્યું છે અને તેથી તેઓ પણ બજારથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યાં છે. જેને કારણે માર્કેટના વોલ્યુમ પર પણ અસર પડી છે. એપ્રિલ મહિના બાદ પ્રથમવાર બજારે સતત ઘટાડો દર્શાવ્યો છે. લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. ગુરુવારે બીએસઈ ખાતે 3462 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 1001 કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2339 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સામે ઘટીને બંધ રહ્યાં હતાં.

પેટીએમનો શેર પ્રથમ દિવસે 27 ટકા ડિસ્કાઉન્ટમાં બંધઃ રિટેલ રોકાણકારોને રૂ. 518 કરોડનો ફટકો
રૂ. 2150ની ઓફર પ્રાઈસ સામે 9 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ. 1950ના લિસ્ટીંગ પ્રાઈસે નાના રોકાણકારોએ રૂ. 176 કરોડ ગુમાવ્યાં
દેશમાં પ્રથમ ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એવા પેટીએમના લિસ્ટીંગે રિટેલ રોકાણકારોને નિરાશ કર્યાં હતાં. ભારતીય બજારમાં રૂ. 18300 કરોડના વિક્રમી આઈપીઓ સાથે પ્રવેશેલી કંપનીનો શેર રૂ. 2150ના ઓફરભાવ સામે 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે એનએસઈ ખાતે રૂ. 1950ના ભાવે લિસ્ટ થયો હતો અને વધુ ગગડી 20 ટકાની લોઅર સર્કિટમાં બંધ રહ્યો હતો. કામકાજના અંતે તે ઓફરભાવ સામે 27.40 ટકા ઘટાડા સાથે રૂ. 1560.80ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે રિટેલ ઈન્વેસ્ટર્સને આઈપીઓમાં તેમના રોકાણ પર કુલ રૂ. 518.4 કરોડનું નુકસાન બેસતું હતું. નબળા લિસ્ટીંગ છતાં પેટીએમનું માર્કેટ-કેપ રૂ. 1.01 લાખ કરોડ પર જોવા મળ્યું હતું અને ઝોમેટો અને નાયકા સાથે રૂ. એક લાખ કરોડથી વધુ એમ-કેપ ધરાવતી ત્રીજી ન્યૂ-એજ કંપની બની રહી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે કંપનીએ રૂ. 1.5 લાખ કરોડ અથવા 20 અબજ ડોલરના વેલ્યૂએશને તેનો આઈપીઓ કર્યો હતો. જોકે પ્રથમ દિવસના અંતે તેણે આઈપીઓ વેલ્યૂએશનનો 33 ટકા હિસ્સો ગુમાવ્યો હતો. એટલેકે લિસ્ટીંગ પર તેણે વેલ્યૂએશન્સમાં રૂ. 50 હજાર કરોડનું ધોવાણ નોંધાવ્યું હતું. જોકે બીજી બાજુ કંપનીમાં શરૂઆતી દોરમાં રોકાણ કરી ચૂકેલા પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સે જંગી વળતર મેળવ્યું હતું. જેમાં ચીનની અલીબાબાએ એક અબજ ડોલર મેળવ્યાં હતાં. રિટેલ રોકાણકારોને ઝોમેટો અને નાયકાના સફળ લિસ્ટીંગ સામે પેટીએમના નબળા લિસ્ટીંગે નિરાશા આપી હતી. ઝોમેટોનો શેર લિસ્ટીંગ દિવસે ઓફર ભાવ સામે 66 ટકા પ્રિમિયમે જ્યારે નાયકાનો શેર 100 ટકાથી વધુ પ્રિમીયમે બંધ જોવા મળ્યો હતો.

IPOને લઈને અનિશ્ચિતતા વચ્ચે સંસ્થાઓએ NSEમાં હિસ્સો ઘટાડ્યો
સિટિ ગ્રૂપે તેના સંસ્થાકિય ક્લાયન્ટ્સ વતી 22 લાખ શેર્સનું વેચાણ કર્યું હોવાની શક્યતાં
બીજી બાજુ વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા પ્રથમ છ મહિનામાં 865 પરથી વધી 1449 થઈ

દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)માંથી સંસ્થાકિય રોકાણકારો તેમનો હિસ્સો ઘટાડી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશવા માગતી એનએસઈને આમ કરવામાં નિષ્ફળતા સાંપડતાં મોટા ઈન્વેસ્ટર્સ તેમનો હિસ્સો વેચી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. જોકે બીજી બાજુ વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
સપ્ટેમ્બર આખરમાં પૂરા થતાં છ મહિના દરમિયાન એનએસઈના વ્યક્તિગત શેરધારકોની સંખ્યા 1449 પર જોવા મળી હતી. જે માર્ચ 2021ના અંતે 865 પર હતી. આમ એક્સચેન્જે લગભગ 600 નવા ઈન્વેસ્ટર્સનો ઉમેરો કર્યો હતો. જોકે બીજી બાજુ સંસ્થાકિય હોલ્ડીંગ્સમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વર્તુળો જણાવે છે. તેમના જણાવ્યા મુજબ સિટીગ્રૂપે તેના ઈન્સ્ટિટ્યુશ્નલ ક્લાયન્ટ્સ વતી રૂ. 3275 પ્રતિ શેરના ભાવે એનએસઈના 22 લાખ શેર્સનું વેચાણ કર્યું હોવાની શક્યતાં છે. કોટક સિક્યૂરિટીઝ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રૂપ ખાતે પ્રાઈવેટ ક્લાયન્ટ ગ્રૂપે આ હિસ્સા માટેનું બિડીંગ કર્યું હોવાનું જાણવા મળે છે. આ બીડ્સનું શું થયું તે અંગે ટૂંક સમયમાં જ જાણવા મળશે એમ તેઓ ઉમેરે છે.
ગયા મહિને આઈઆઈએફએલ સિક્યૂરિટીઝે એનએસઈના કેટલાંક લાખ શેર્સનો સોદો કર્યો હતો. અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ એવા આઈઆઈએફએલ સ્પેશ્યલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે રૂ. 2800 પ્રતિ શેરના ભાવે આ શેર્સનું વેચાણ કર્યું હતું. તેણે ખરીદ ભાવ સામે લગભગ ત્રણ ગણા ભાવે તેના શેર્સ વેચ્યાં હતાં. તેણે ત્રણથી ચાર વર્ષો અગાઉ બે તબક્કામાં એનએસઈના શેર્સમાં 16 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. ફાઈનાન્સિયલ માર્કેટ્સ માટેના એક સ્ટાર્ટ-અપ્સના વર્તુળ જણાવે છે કે સંસ્થાઓને એનએસઈના શેર્સમાં રોકાણ પર ઊંચો લાભ મળી રહ્યો છે. તેઓ એક્સચેન્જના આઈપીઓને લઈને ખૂબ આતુર છે. જોકે બીજી બાજુ સેબી તરફથી પ્લેટફોર્મને મંજૂરી મળી નથી અને તેથી તેઓ નફો બુક કરવા અધીરાં બન્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી વેલ્ધી વ્યક્તિગત રોકાણકારોમાં અનલિસ્ટેડ શેર્સની માગ વધી છે અને તેથી સંસ્થાઓ તેમની ધીરજ ગુમાવવા સાથે આ તકનો લાભ પણ લઈ રહી છે. તેમને એવી શંકા પણ છે કે અન્ય રોકાણકારો પાછળથી બજારમાં તેમનો હિસ્સો વેચવા આવશે તો ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાનું બની શકે છે. જ્યારે હાલમાં ઘણુ સારુ વેલ્યૂએશન મળી રહ્યું છે.
એપ્રિલ 2021થી અત્યાર સુધીમા અનલિસ્ટેડ સિક્યૂરિટીઝ માર્કેટમાં એનએસઈના શેરમાં 85 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હોવાનું વર્તુળો જણાવે છે. હાલમાં એનએસઈના શેર રૂ. 3300-3500ના ભાવે વેચાઈ રહ્યાં છે. જે પ્લેટફોર્મનું રૂ. 1.5 લાખ કરોડનું માર્કેટ-કેપ સૂચવે છે. તાજેતરમાં જ એનએસઈના શેરમાં ઈન્વેસ્ટર એવા પીઈ ફંડ નોર્વેસ્ટ વેન્ચરે કેટલાંક શેર્સનું વેચાણ કર્યું હતું. કેટલાંક અન્ય પીઈ ફંડ્સ પણ સેકન્ડરી માર્કેટ રૂટ મારફતે એનએસઈમાંથી એક્ઝિટ ઈચ્છી રહ્યાં છે. જેમાં યુએસ સ્થિત એલિવેશન કેપિટલ તથા ટેમાસેકનો સમાવેશ થાય છે. છેલ્લાં પાંચ વર્ષોથી સેબીએ એનએસઈના આઈપીઓને લઈને કોઈ નિર્ણય લીધો નથી. એનએસઈએ ડિસેમ્બર 2016માં રૂ. 10 હજાર કરોડના આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું હતું. જોકે ફેબ્રુઆરી 2019માં સેબીએ ડીઆરએચપી પરત કર્યું હતું. ગયા ઓગસ્ટ મહિનામાં એનએસઈએ સેબીને ડીઆરએચપીના ફાઈલીંગ માટે મંજૂરી આપવા માટે જણાવ્યું હતું. એનએસઈમાં એલઆઈસી 10.72 ટકા સાથે સૌથી મોટી રોકાણકાર છે.

ઓટો ઉદ્યોગ માટે દાયકાની સૌથી ખરાબ ફેસ્ટિવલ સિઝન જોવા મળી
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)એ જણાવ્યું છે કે 42-દિવસ લાંબી ફેસ્ટીવલ સિઝનમાં વાર્ષિક ધોરણે રિટેલ વેચાણમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે છેલ્લાં દાયકાની સૌથી ખરાબ ફેસ્ટીવલ સિઝન બની રહી હતી. આ માટેનું મુખ્ય કારણ સેમીકંડક્ટરની અછત હોવાનું તેણે જણાવ્યું છે. લગભગ તમામ ઓટો કંપનીઓને વધતે-ઓછે અંશે તેની અસરનો સામનો કરવાનું બન્યું હતું. ફાડાએ તૈયાર કરેલા ડેટા મુજબ તહેવારોની સિઝનમાં તમામ સેગમેન્ટ્સમાં કુલ વેચાણ 20,90,893 યુનિટ્સનું રહ્યું હતું. જે 2020માં જોવા મળેલા 25,56,335 યુનિટ્સની સરખામણીમાં 18 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. પેસેન્જર વેહીકલ્સ રજિસ્ટ્રેશન્સમાં 26 ટકા ઘટાડો નોંધાયો હતો. તે ગયા વર્ષે 4,39,564 યુનિટ્સ પરથી ગગડી 3,24,542 યુનિટ્સ પર રહ્યું હતું. જ્યારે ટુ-વ્હીલર્સના વેચાણમાં 18 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને તે 15,79,642 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 19,38,066 યુનિટ્સ પર હતું. ટ્રેકટરનું વેચાણ 23 ટકા ઘટી 56,841 યુનિટ્સ રહ્યું હતું. જે ગયા વર્ષે 73,925 યુનિટ્સ પર હતું. જોકે થ્રી-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 10 અનુક્રમે 53 ટકા અને 10 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જેમાં થ્રી-વ્હીલર્સનું વેચાણ ગયા વર્ષના 34,419 યુનિટ્સ સામે 52,802 યુનિટ્સ રહ્યું હતું. જ્યારે કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 10 70361 યુનિટ્સ સામે 77066 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
ગોલ્ડ-સિલ્વર સહિત બેઝ મેટલ્સમાં જોવા મળેલી નરમાઈ
વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશનની લઈને ચિંતા પાછળ ઝડપી ટેપરિંગ અને રેટ વૃદ્ધિની શક્યતા પાછળ ઈક્વિટી ઉપરાંત કોમોડિટીઝમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેમાં બેઝ મેટલ્સમાં સાર્વત્રિક નરમાઈ પ્રવર્તી રહી હતી. જ્યારે કિંમતી ધાતુઓ પણ નરમાઈ સૂચવતી હતી. ક્રૂડમાં પણ નોંધપાત્ર સમય બાદ મહત્વનો સપોર્ટ તૂટ્યો હતો. એમસીએક્સ ખાતે ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 140ના ઘટાડે રૂ. 49156ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર્સમાં રૂ. 214નો ઘટાડો જોવા મળતો હતો અને તે રૂ. 66411ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઝીંક, એલ્યુમિનિયમ, કોપર, નીકલ, લેડ જેવા બેઝ મેટલ્સ 0.5 ટકાથી 0.9 ટકા સુધીનો ઘસારો સૂચવતાં હતાં. જ્યારે ક્રૂડમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો એશિયન ટાઈમ મુજબ લગભગ એક મહિના બાદ 80 ડોલરની સપાટી નીચે ટ્રેડ થયો હતો.
ટાર્સન્સ આઈપીઓ 78 ગણો છલકાઈ ગયો
પ્રાઈમરી માર્કેટમાં ઉન્માદ જળવાયો છે. ટાર્સન્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ ભરણાના આખરી દિવસે 77.5 ગણો છલકાયો હતો. એટલેકે 1.08 કરોડ શેર્સની ઓફર સાઈઝ સામે કુલ 84.02 કરોડ શેર્સ માટેની બીડ્સ જોવા મળી હતી. કંપનીના આઈપીઓનો એચએનઆઈ રોકાણકારો તરફથી સૌથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. એચએનઆઈ હિસ્સ 184.58 ગણો ભરાયો હતો. જ્યારે ક્વિપ હિસ્સો 115.77 ગણો છલકાયો હતો. રિટેલ હિસ્સો 10 ગણો ભરાયો હતો. કંપનીએ રૂ. 1024 કરોડ એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશ કર્યો હતો.

FPIsને નોન-સેન્સિટીવ કોમોડિટી ફ્યુચર્સમાં ટ્રેન માટે છૂટ મળે તેવી શક્યતાં
સેબીએ રચેલી કમિટિએ વિદેશી રોકાણકારોને ભારતીય કોમેક્સ પર ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડ માટે સર્વસંમતિ સાથે છૂટ આપી
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભારતીય કોમોડિટી એક્સચેન્જિસ પર લિસ્ટેડ નોન-સેન્સિટિવ કોમોડિટીઝ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ)ને છૂટ આપવા માટેનો સર્વસંમત નિર્ણય લીધો છે. આમ કરવાનો મુખ્ય હેતુ સ્થાનિક કોમોડિટી ડેરિવેટિવ્સ માર્કેટને ઊંડાણ અને લિક્વિડીટી પૂરી પાડવાનો છે.
માર્કેટ રેગ્યુલેટર, કેન્દ્રિય નાણા મંત્રાલય અને એક્સચેન્જિસના અધિકારીઓ ઉપરાંત વ્યક્તિગત નિષ્ણાતો, અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓને ધરાવતી પેનલે કેટલાક દિવસો અગાઉ કોમેક્સિસ ખાતે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં વિદેશી રોકાણકારોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેને કારણે ભારતીય કોમોડિટી અને ડેરિવેટિવ્સ માર્કેટમાં ઊંડાણ અને લિક્વિડીટીમાં વૃદ્ધિ થશે એમ મોટાભાગનો વર્ગ માની રહ્યો છે. ભારતનો કટ્ટર હરિફ ચીન પણ તેને ત્યાં કોમોડિટીઝ ફ્યુચર્સમાં ટ્રેડિંગમાં આંતરરાષ્ટ્રીય ટ્રેડર્સને છૂટ આપી રહ્યો છે ત્યારે ભારત પણ આમ કરી શકે છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. જોકે આ મુદ્દે આખરી નિર્ણય સેબી અને કેન્દ્ર સરકાર લેશે. ખાસ કરીને તેઓ આમ કરવાને કારણે કોમોડિટીઝના ભાવ પર સંભવિત અસરની શક્યતાઓ ચકાસ્યાં બાદ જ આખરી નિર્ણય લેશે.
ભારત જેવા કૃષિ કોમોડિટીઝનું જંગી સ્પોટ માર્કેટ ધરાવતાં દેશમાં વિદેશી રોકાણકારો માટે ફ્યુચર્સ માર્કેટને ખૂલ્લું કરવું એક મહત્વનું પગલું હશે. ભારત 19મી સદીના આખરથી વિશાળ કોમોડિટી માર્કેટ ધરાવે છે. જોકે તેણે 1960ના મધ્યભાગથી મોટાભાગની કોમોડિટીઝમાં ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. 1990માં ઉદારીકરણ બાદ કેટલીક ફ્યુચર્સ ટ્રેડિંગ પરનો પ્રતિબંધ દૂર થયો હતો. જેના એક દાયકા બાદ 2003માં એમસીએક્સ અને એનસીડેક્સ અસ્તિત્વમાં આવતાં કેટલીક કોમોડિટીઝમાં ફ્યુચર્સ ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવી હતી.
આ વાતથી જાણકાર વ્યક્તિ જણાવે છે કે વિદેશી રોકાણકારોને કઈ ફ્યુચર્સ ટ્રેડિંગની છૂટ માટે યોગ્ય કોમોડિટીઝની પસંદગી જરૂરી છે. કમિટિના તમામ સભ્યો એફપીઆઈને છૂટને લઈને સર્વસંમતિ ધરાવે છે. જોકે તેમની વચ્ચે કોમોડિટીઝની પસંદગીને લઈને ભેદ જોવા મળે છે. એક વર્ગ માને છે કે માત્ર એવી કોમોડિટીઝમાં જ એફપીઆઈને છૂટ મળવી જોઈએ તે વપરાશકારો માટે ભાવની રીતે સેન્સિટિવ નથી. એટલેકે ખાદ્ય પદાર્થો સિવાયની કોમોડિટીઝમાં વિદેશી રોકાણકારોને છૂટ આપી શકાય. સેબીની વ્યાખ્યા મુજબ કૃષિ કોમોડિટીઝને સેન્સિટિવ કોમોડિટીઝ ગણવામાં આવે છે. હાલમાં દેશમાં 50 જેટલી કોમોડિટીઝમાં ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લિસ્ટેડ છે. જેમાં ગોલ્ડ, ક્રૂડ, નેચરલ ગેસ વગેરેમાં સારી લિક્વિડીટી જોવા મળી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage