બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વેચવાલી પાછળ સપ્તાહાંતે આગળ વધતો ધીમો ઘસારો
વૈશ્વિક બજારોમાં પણ દિશાહિન માહોલ
નિફ્ટીએ 18300ની સપાટી જાળવી રાખી
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ઘટી 14.39ની સપાટીએ
પીએસઈ, ઓટો, ફાર્મામાં વેચવાલીનું દબાણ
પીએસયૂ બેંક શેર્સ નવી ઊંચાઈએ
બંધન બેંક, માસ્ટેક, વોલ્ટાસ, ક્વેસ કોર્પ વાર્ષિક તળિયે
સપ્તાહના આખરી દિવસે શેરબજારમાં હળવી વેચવાલી જળવાય હતી અને બેન્ચમાર્ક્સ સતત બીજા દિવસે નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં પણ દિશાહિન ટ્રેન્ડને કારણે સ્થાનિક બજારમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 88 પોઈન્ટ્સ ગગડી 61663ની સપાટીએ જ્યારે નિફ્ટી 36 પોઈન્ટ્સના ઘટાડે 18308ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલીને કારણે નિફ્ટી કાઉન્ટર્સ નરમ માર્કેટ-બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ કુલ 50માંથી 36 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 14 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયા હતાં. બ્રોડ માર્કેટમાં પણ સુસ્તીને કારણે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.3 ટકા ઘટી 14.39ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ પ્રવર્તી રહ્યો હતો. યુએસ બજારો તેમના તળિયેથી સુધરીને બંધ રહ્યાં હતાં. જોકે આમ છતાં એશિયન બજારોમાં કોઈ સુધારાના ચિહ્નો નહોતા જોવાયા. ભારતીય બેન્ચમાર્કે તેમ છતાં પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે ઊંચા મથાળે વેચવાલી વચ્ચે તે બંધ થતાંના કલાક અગાઉ સુધી ઘસાતો રહ્યો હતો. જ્યારે આખરી કલાકમાં ખરીદી પાછળ તેણે મોટાભાગનો ઘટાડો કવર કર્યો હતો અને સાધારણ નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે નિફ્ટી 18210ના સ્તરે ટ્રેડ થયો હતો અને આખરે 18300 ઉપર બંધ રહ્યો હતો. માર્કેટને બેંકિંગ તરફથી પ્રમાણમાં સપોર્ટ મળ્યો હતો. બેંક નિફ્ટી લગભગ ફ્લેટ બંધ જોવા મળ્યો હતો. જેમાં પીએસયૂ બેંક્સનું યોગદાન મુખ્ય હતું. નિફ્ટી પીએસયૂ બેંક્સ 1.5 ટકા સુધરી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, આઈઓબી, યુનિયન બેંક, યૂકો બેંક, જેકે બેંક, પીએનબીમાં 4 ટકાથી લઈ 9 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. અન્ય તમામ સેક્ટરલ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જેમાં ઓટો ઈન્ડેક્સ 1.2 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. આ ઉપરાંત પીએસઈ ઈન્ડેક્સ 0.9 ટકા તૂટ્યો હતો. નિફ્ટી ફાર્મા 0.7 ટકા ગગડ્યો હતો. એફએમસીજી, આઈટીમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એનએમડીસી 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ સિવાય બિરલાસોફ્ટ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, હનીવેલ ઓટોમેશન, મહાનગર ગેસ અને ઈન્ટરગોલ્બ એવિએશનમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. બીજી બાજુ ગ્લેનમાર્ક, નવીન ફ્લોરિન, મણ્ણાપુરમ ફાઈ., રેઈન ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલે., એસઆરએફમાં વેચવાલી જોવા મળી હતી. પીએસયૂ બેંક્સમાં નાની બેંકોએ તેમની ઘણા વર્ષોની ટોચ દર્શાવી હતી. જે ઉપરાંત જીઈ શીપીંગ, એસકેએફ ઈન્ડિયા, ટિમકેન, ગોડફ્રે ફિલિપ્સ, ભારતી એરટેલે પણ વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે બીજી બાજુ માસ્ટેક, બંધન બેંક, ક્વેસ કોર્પ, લક્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટાસે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.
ઈરડાઈ આગામી બેઠકમાં કમિશન સહિતના સુધારાઓ અંગે વિચારશે
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર બેંકેશ્યોરન્સ જોડાણો તથા મેનેજમેન્ટ એક્સપેન્સિસ જેવા મુદ્દાઓને પણ ચર્ચામાં સમાવશે
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ઈરડાઈ) તેની 25 નવેમ્બરે મળનારી બેઠકમાં કેટલાંક મહત્વના સુધારાઓને લઈને વિચારણા હાથ ધરશે એમ વર્તુળો જણાવે છે. જેમાં કમિશન ચૂકવણી, એક્સપેન્સિસ ઓફ મેનેજમેન્ટ(ઈઓએમ), બેંકેશ્યોરન્સ ટાઈ-અપ્સ અને કેપિટલ લિમિટ્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ઈરડાઈની ઈન્શ્યોરન્સ એડવાઈઝરી કાઉન્સિલે લાંબા સમયથી પડી રહેલાં 10-11 સુધારાઓની યાદી રેગ્યુલેટરને સુપ્રત રી છે. જેને આગામી મિટિંગમાં હાથ ધરવામાં આવે તેવી શક્યતાં છે. આ સુધારાઓની યાદીમાં ઈઓએમ મર્યાદામાં રાહત, રિન્યૂઅલ કમિશનના મેક્સિમમ રેટમાં વૃદ્ધિ તથા સીધી રીતે સોર્સ કરવામાં આવેલી પોલિસિમાં પ્રિમીયમમાં ડિસ્કાઉન્ટ રજૂ કરવાનો સમાવેશ થાય છે. ઈન્શ્યોરન્સ વર્તુળોના મતે જો રેગ્યુલેટર ઈઓએમમાં રાહત આપે છે તો સમગ્ર ઉદ્યોગને તેનો લાભ મળશે. ખાસ કરીને મોટા ખેલાડીઓને તેનો વધુ લાભ થશે. કેમકે તેઓ મોટી રિન્યૂઅલ બુક ધરાવતાં હોય છે. તેને કારણે રિન્યૂઅલ બુકને થોડું વધુ વેઈટેજ આપવામાં આવે તેવી શક્યતાં છે. હાલમાં જે ઈન્શ્યોરર્સ 100 ટકાથી નીચો ઈઓએમ ધરાવે છે, તેમને માટે કોઈ ફ્લેક્સિબિલિટી નથી. જો તેને મંજૂર કરવામાં આવશે તો આ સુધારો આવા ઈન્શ્યોરર્સને ઊંચું ડિસ્ટ્રીબ્યુટર કમિશન્સ ચૂકવવાની જગા કરી આપશે. અન્ય પ્રસ્તાવોમાં વધુ કેપિટલ-ઈન્ટેન્સિવ વર્ટિકલ્સ માટે વધારી શકાય તેવા ખર્ચ અથવા રિન્યૂએબલ પ્રિમીયમને 17.5 ટકા સુધી વધારવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈરડાઈ બેંક તરફથી વર્તમાન મહત્તમ ત્રણ ઈનઅશ્યોરન્સ ટાઈ-અપની સંખ્યા વધારવા માટે પણ વિચારણા હાથ ધરશે. હાલની સ્થિતિ મુજબ બેંક ત્રણ-ત્રણ લાઈફ, હેલ્થ અને જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઝ સાથે જોડાણ કરી શકે છે. અહેવાલ મુજબ કાઉન્સિલે મહત્તમ આવા નવ જોડાણો માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે ઉદ્યોગ વર્તુળોના મતે પ્રસ્તાવ મુજબ કુલ 27 ટાઈ-અપ્સ થાય. જેને મંજૂરી મળવી અશક્ય છે. કેમકે મોટાભાગની બેંક્સ હાલમાં ઉપલબ્ધ મહત્તમ મર્યાદાનો પણ ઉપયોગ કરી રહી નથી.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ 6.1-6.3 ટકા રહેવાની અપેક્ષાઃ RBI
વાસ્તવિક ડેટા ચાલુ મહિનાની આખરમાં રજૂ કરવામાં આવશે
ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશનું અર્થતંત્ર 6.1 ટકાથી 6.3 ટકા વચ્ચેનો વૃદ્ધિ દર દર્શાવે તેવી અપેક્ષા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના માસિક બૂલેટિનમાં વ્યક્ત કરી છે. જો આ વૃદ્ધિ દર હાંસલ થશે તો ભારત 2022-23માં 7 ટકાના ગ્રોથ રેટને હાંસલ કરવાના માર્ગ પર છે એમ સેન્ટ્રલ બેંકે ઉમેર્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે આર્થિક વૃદ્ધિ દર સંબંધી ડેટા ચાલુ મહિનાની આખરમાં રજૂ કરવામાં આવશે.
બેંક રેગ્યુલેટરે તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે ઈન્ફ્લેશનમાં રાહતના મળી રહેલા સંકેતોને જોતાં સ્થાનિ મેક્રોઈકોનોમિક આઉટલૂકને રેસિલિઅન્ટ કહી શકાય. જોકે વૈશ્વિક અવરોધોને લઈને તે સંવેદનશીલ રહેશે એમ રિપોર્ટ ઉમેરે છે. રિપોર્ટ મુજબ શહેરી માગ મજબૂત જોવા મળી રહી છે. જોકે ગ્રામીણ માગ મંદ છે. જોકે તાજેતરમાં તેમાં સુધારો જોવા મળ્યો છે. આરબીઆઈના મતે વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ સંઘર્ષોનો સામનો કરી રહી છે અને તે ઘટાડાનું જોખમ ધરાવે છે. વૈશ્વિક સ્તરે નાણાકિય સ્થિતિ ટાઈટ બની રહી છે. માર્કેટ લિક્વિડીટીની સ્થિતિ વણસવાને કારણે ફાઈનાન્સિયલ પ્રાઈસ મૂવમેન્ટ્સમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. બજારો પોલિસી રેટ્સમાં મધ્યમસરની વૃદ્ધિને ગણનામાં લઈ ચૂક્યાં છે. તેમજ રિસ્ક-એપેટાઈટ પરત ફર્યો છે. ભારતમાં સપ્લાય સંબંધી સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે એમ બેંક નોંધે છે.
PSU બેંક્સના CEO માટે મહત્તમ કાર્યકાળ 10 વર્ષ કરાયો
સરકારે અગાઉના 5 વર્ષની મેક્સિમમ મુદતને ટેલેન્ટ જાળવવાના હેતુથી વધારવામાં આવી
જાહેર ક્ષેત્રની બેંક્સ(PSU)ના સીઈઓ અને એમડી માટે મહત્તમ કાર્યકાળની મુદત વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. આમ કરવાનો મુખ્ય હેતુ સરકારી બેંકિંગ ક્ષેત્રે ટેલેન્ટને જાળવી રાખવાનો છે. સરકારે 17 નવેમ્બર 2022ના રોજ જાહેર કરેલા એક જાહેરનામા મુજબ પીએસયૂ બેંકના એમડી અને સીઈઓ માટે મહત્તમ કાર્યકાળની મુદતને અગાઉના 5 વર્ષો પરથી વધારી 10 વર્ષ કરવામાં આવી છે. જે માટે 60 વર્ષની સુપરએન્યૂએન્શન એજ લાગુ પડશે.
અગાઉ પીએસયૂ બેંક્સના એમડી મહત્તમ પાંચ વર્ષ અથવા તો 60 વર્ષની વય, જે વહેલા આવે ત્યાં સુધી હોદ્દા પર ચાલુ રહેવા માટે યોગ્યતા ધરાવતાં હતાં. આ જ બાબત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ(સીપીએસઈ)ના હોલ-ટાઈમ ડિરેક્ટર્સને પણ લાગુ પડે છે. મેનેજિંગ ડિરેક્ટર સહિત હોલ-ટાઈમ ડિરેક્ટરે તેમનો તમામ સમય નેશનલાઈડ્ઝ બેંક સંબંધી કામગીરીમાં ફાળવવાનો રહેશે અને તેમણે શરૂઆતી પાંચ વર્ષ માટે તેમનો હોદ્દો સંભાળવાનો રહેશે. જે 10 વર્ષ ઉપર ચાલુ રહી શકશે નહિ એમ સરકારના નેશનલાઈઝ્ડ બેંક(મેનેજમેન્ટ એન્ડ મિસ્સેલેનિઅસ પ્રોવિઝન્સ) એમેન્ડમેન્ટ સ્કિમ 2022માં જણાવાયું છે. કેન્દ્ર સરકાર એક્સપાયરી ટર્મ અગાઉ પણ મેનેજિંગ ડિરેક્ટર સહિત પીએસયૂ બેંક્સના હોલ-ટાઈમ ડિરેક્ટરના કાર્યકાળને પૂરો કરવાનો અધિકાર ધરાવે છે. સરકાર ત્રણ મહિનાથી ઓછા સમયગાળા માટેની નોટિસ પાઠવીને આમ કરી શકે છે. આ નિર્ણયને રણે સરકારી બેંક્સને ટેલેન્ટ જાળવણીમાં સહાયતા મળશે એમ માનવામાં આવે છે. ખાસ કરીને જેઓ 45-50 વર્ષની વયે હોલ-ટાઈમ ડિરેક્ટર્સ જેવી પોઝીશન્સ પણ પહોંચે છે. તેઓ તેમની ટેલેન્ટનો લાભ બેંકને આપી શકશે. હાલમાં પીએસયૂ બેંક્સમાં એવા અને હોલ-ટાઈમ ડિરેક્ટર્સ છે, જેઓ યુવાન વયે બોર્ડમાં પ્રવેશ્યાં છે. આ સુધારો તેમને આગામી સમયગાળામાં સહાયરૂપ બનશે.
એપ્રિલથી ઓક્ટોબરમાં ઓઈલમિલ્સ નિકાસમાં 38 ટકા વૃદ્ધિ
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન દેશમાંથી ઓઈલમિલ્સની નિકાસમાં 38 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. એપ્રિલ-ઓક્ટોબર 2022માં દેશમાંથી કુલ 19.84 લા ટન ઓઈલમિલ્સની નિકાસ જોવા મળી હતી. જે ગઈ સિઝનમાં 14.33 લાખ ટન પર નોંધાઈ હતી. ઓક્ટોબરમાં દેશમાંથી 2.13 લાખ ટન ઓઈલમિલ્સની નિકાસ જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.57 લાખ ટન પર હતી. આમ વાર્ષિક ધોરણે 35.26 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ચાલુ નાણા વર્ષમાં ઓઈલમિલ્સની નિકાસમાં વૃદ્ધિ પાછળ મુખ્ય કારણ રેપસીડ(રાયડા) મિલની નિકાસમાં 100 ટકાથી ઊંચી વૃદ્ધિ છે. 2022-23ના પ્રથમ સાત મહિનામાં રેપસીડ ઓઈલમિલ્સની નાસ 13.41 ટકા પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 6.58 લાખ ટનની સરખામણીમાં 104 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગઈ રવિ સિઝનમાં રાયડાના વિક્રમી વાવેતર પાછળ રેકર્ડ ઉત્પાદનને કારણે રાયડાનું વિક્રમી પિલાણ જોવા મળ્યું હતું. જેને કારણે નિકાસ માટે નોંધપાત્ર જથ્થો ઉપલબ્ધ હતો. ભારત રાયડાના ખોળનો સૌથી સ્પર્ધાત્મક સપ્લાયર બની રહ્યો હતો. ખાસ કરીને તેણે સાઉથ કોરિયા, વિયેટનામ, થાઈલેન્ડ અને અન્ય દક્ષિણ-પૂર્વના દેશોમાં ખોળ નિકાસ કરી હતી. ભારતે 295 ડોલર પ્રતિ ટન(એફઓબી)ના ભાવે નિકાસ કરી હતી. જ્યારે હાલમાં એફઓબી હેમબર્ગનો ભાવ 363 ડોલર પ્રતિ ટન પર ચાલી રહ્યો છે. દેશમાંથી સોયામિલની નિકાસમાં 8 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે ગયા વર્ષે 1.76 લાખ ટન સામે ચાલુ સિઝનમાં 1.62 લાખ ટન પર રહી હતી.
નવી સિઝનની શરૂઆતમાં ખાંડના ઉત્પાદનમાં સાધારણ ઘટાડો
ઓક્ટોબર મહિના સાથે શરૂ થયેલા નવા સુગર વર્ષના શરૂઆતી 45 દિવસોમાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. ગઈ સિઝનમાં 20.8 લાખ ટન સુગર ઉત્પાદન સામે ચાલુ સિઝનમાં સમાનગાળામાં 19.9 લાખ ટનનું ઉત્પાદન જોવા મળ્યું છે એમ ઈન્ડિયા સુગર મિલ્સ એસોસિએશન(ઈસ્મા)એ જણાવ્યું છે. તેના જણાવ્યા મુજબ દેશના પશ્ચિમ ભાગોમાં કેટલીક મિલોએ કામગીરી મોડી શરૂ કરવાના કારણે આમ જોવા મળ્યું છે. જેને કારણે 15 નવેમ્બર સુધીમાં ઉત્પાદન થોડું નીચું રહ્યું છે. ઈસ્માના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 35 લાખ ટન સુગર નિકાસના કોન્ટ્રેક્ટ થઈ ચૂક્યાં છે. જેમાંથી ઓક્ટોબરમાં 2 લાખ ટન સુગરની રવાનગી પણ થઈ ચૂકી છે. ગયા વર્ષે સમાનગાળામાં 4 લાખ ટન સુગરની રવાનગી થઈ ચૂકી હતી. કેટલાંક ટ્રેડર્સે 5 નવેમ્બરે એક્સપોર્ટ પોલિસીની જાહેરાત અગાઉ જ કોન્ટ્રેક્ટ્સ કર્યાં હતાં. જોકે ત્યારબાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં સુગરના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. જેને કારણે સુગર મિલ્સ હાલમાં એક્સપોર્ટ કોન્ટ્રેક્ટને લઈને બાયર્સ સાથે પુનર્વિચારણા ચલાવી રહી છે.
કોર્પોરેટ પ્રોફિટમાં BFSIનો હિસ્સો વિક્રમી સપાટીએ નોંધાયો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ નફામાં બેંકિંગ સહિતના ફાઈનાન્સિયલ્સનો હિસ્સો 41.5 ટકા પર રહ્યો
દેશના કોર્પોરેટ સેક્ટરમાં બેંકિંગ સહિતના ફાઈનાન્સિયલ સર્વિસિઝ(BFSI) સેક્ટરની સમૃદ્ધિ વધતી જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓએ રજૂ કરેલા અર્નિંગ્સમાં આ વાત સ્પષ્ટ થાય છે. બીજી બાજુ કોમોડિટીઝના ઊંચા ભાવ અને વધતાં ઈન્ફ્લેશનને કારણે અન્ય ઉદ્યોગ સેક્ટરની નફાકારક્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું અભ્યાસ દર્શાવે છે.
જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિના દરમિયાન કંપનીઓએ દર્શાવેલી કામગીરીનો અભ્યાસ રીએ તો જણાય છે કે બેંક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઈન્શ્યોરન્સ અને સ્ટોક બ્રોકિંગ કંપનીઓ મળીને કુલ પ્રોફિટ દેશના કુલ કોર્પોરેટ પ્રોફિટમાં 41.5 ટકા જેટલો થાય છે. BFSI સેક્ટરનો હિસ્સો તેના છેલ્લાં 10 વર્ષોમાં જોવા મળેલા સરેરાશ 21.8 ટકાના હિસ્સાથી બમણી વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જોકે અભ્યાસમાં જૂન 2020નું ક્વાર્ટર ગણતરીમાં નથી લીધું. કેમકે તે વખતે BFSI સેક્ટરનો હિસ્સો કુલ કોર્પોરેટ પ્રોફિટમાં 60 ટકા નજીક જોવા મળ્યો હતો. લોકડાઉનને કારણે અન્ય સેક્ટર્સની કામગીરી પર પ્રતિકૂળ અસરને કારણે આમ બન્યું હતું. એક વર્ષ અગાઉ સપ્ટેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો BFSI સેક્ટરનો નફો 30 ટકા પર રહ્યો હતો. જ્યારે જૂન ક્વાર્ટરમાં તે 32.7 ટકાના સ્તરે જોવા મળ્યો હતો. નોન-ફાઈનાન્સિયલ સેક્ટર્સની કંપનીઓ ઊંચા ઈન્ટરેસ્ટ રેટ્સ અને કોમોડિટી પ્રાઈસિસમાં તેજી પાછળ તેમની નફાકારક્તામાં ઘટાડો જોઈ રહી છે ત્યારે BFSI સેગમેન્ટની નફાકારક્તામાં સુધારો નોંધાયો છે.
અભ્યાસમાં સમાવાયેલી 450 BFSI કંપનીઓએ રૂ. 86000 કરોડનો વિક્રમી નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે કોવિડ અગાઉના સમયગાળાની સરખામણીમાં લગભગ ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલ-જૂન 2019 ક્વાર્ટરમાં આ કંપનીઓએ મળીને રૂ. 30 હજાર કરોડનો નફો નોંધાવ્યો હતો. BFSI સેગમેન્ટમાં બેંકિંગ સેક્ટરની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે. તેમણે વાર્ષિક ધોરણે 35.8 ટકા નફા વૃદ્ધિ દર્શાવી છે. બીજી બાજુ, અભ્યાસમાં ગણનામાં લેવામાં આવેલી નોન-BFSI કંપનીઓના નફામાં વાર્ષિક 20 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. તેમના ઓપરેટિંગ ખર્ચમાં અને ફાઈનાન્સ કોસ્ટમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. કેટલાંક એનાલિસ્ટ્સ આ પ્રકારની સ્થિતિને જોતાં એમ પણ જણાવી રહ્યાં છે કે શું નોન-BFSIના ભોગે બેંકિંગ કંપનીઓ સહિતના લેન્ડર્સનો નફો વધ્યો છે. તાજેતરમાં રેટ વૃદ્ધિ પાછળ બેંકિંગ કંપનીઓના નફા માર્જિનમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં BFSI કંપનીઓના ગ્રોસ ઈન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે 14.9 ટકા ઉછળ્યાં હતાં. જ્યારે તેમનો ઈન્ટરેસ્ટ ખર્ચ 13.6 ટકા વધ્યો હતો. જેને કારણે તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં વૃદ્ધિ નોઁધાઈ હતી. મહામારી પછીના સમયગાળામાં આ ટ્રેન્ડ જળવાયો છે. માર્ચ 2020 પછીના ક્વાર્ટર્સમાં BFSI કંપનીઓની ગ્રોસ ઈન્ટરેસ્ટ ઈન્કમ 32.3 જેટલી વધી છે. જ્યારે તેમનો ઈન્ટરેસ્ટ ખર્ચ માત્ર 9.8 ટકા વધ્યો છે. જેના કારણે બેંક્સના માર્જિનમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. એનાલિસ્ટ્સ જોકે BFSI સેક્ટર અને બાકીના કોર્પોરેટ સેક્ટર વચ્ચે વધી રહેલો અર્નિંગ્સ ગેપ જળવાય શકે તેમ નહિ હોવાનું માની રહ્યાં છે. જો અન્ય સેક્ટર્સ સંઘર્ષ કરી રહ્યાં હોય તો BFSI સેક્ટર લાંબાગાળા સુધી આ રીતે સમૃદ્ધિમાં ઉમેરો કરી શકે નહિ.
BFSIની સમૃદ્ધિમાં ઝડપી વૃદ્ધિ
• 450 BFSI કંપનીઓએ રૂ. 86000 કરોડનો વિક્રમી નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ સૂચવે છે.
• માર્ચ 2020 પછીના ક્વાર્ટર્સમાં BFSI કંપનીઓની ગ્રોસ ઈન્ટરેસ્ટ ઈન્કમ 32.3 જેટલી વધી છે. જ્યારે તેમનો ઈન્ટરેસ્ટ ખર્ચ માત્ર 9.8 ટકા વધ્યો.
• BFSI સેગમેન્ટમાં બેંકિંગ સેક્ટરની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે. તેમણે વાર્ષિક ધોરણે 35.8 ટકા નફા વૃદ્ધિ દર્શાવી.
• સપ્ટેમ્બર ક્વાર્ટરમાં BFSI કંપનીઓના ગ્રોસ ઈન્ટરેસ્ટ માર્જિન 14.9 ટકા ઉછળ્યાં હતાં. જ્યારે તેમનો ઈન્ટરેસ્ટ ખર્ચ 13.6 ટકા વધ્યો.
• સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નોન-BFSI કંપનીઓના નફામાં વાર્ષિક 20 ટકા ઘટાડો જોવા મળ્યો હતો
કોર્પોરેટ હેડલાઈન્સ
પીજી હેલ્થઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 63.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 55.4 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 273 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 298 કરોડ પર રહી હતી.
ઈન્ફો એજઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 103 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 179 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 547 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 604 કરોડ પર રહી હતી.
પતંજલિઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 110 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 158 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 5990 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 8500 કરોડ પર રહી હતી.
રેલીગેરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 207 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 429 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 797 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 1164 કરોડ પર રહી હતી.
મણ્ણાપુરમ ફાઈઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 409.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 369.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1532 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 1696 કરોડ પર રહી હતી.
બોરોસિલ ગ્લાસઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 25 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 222 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 271 કરોડ પર રહી હતી.
એક્સેલ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 22 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 231 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 312 કરોડ પર રહી હતી.
મહાનગર ગેસઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 164 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 204 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 908 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 1718 કરોડ પર રહી હતી.
આઈબી રિઅલ્ટીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 57 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 349 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં ઘટીને રૂ. 194 કરોડ પર રહી હતી.
ડેલ્હીવેરીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 254 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 635 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1497 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં વધીને રૂ. 1796 કરોડ પર રહી હતી.
Market Summary 18 November 2022
November 18, 2022
