Market Summary 18 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં સાતમા ટ્રેડિંગ સત્રમાં તેજીઃ સેન્સેક્સ 62 હજારની છેટે
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે સોમવારે સતત સાતમા ટ્રેડિંગ સત્ર દરમિયાન તેજી જાળવી રાખી હતી. બીએસઈ સેન્સેક્સ 459.64 પોઈન્ટસના સુધારે 61,765.59 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 138.50 પોઈન્ટસના સુધારે 18477.05ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સે 61963ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. આમ તે લગભગ 62 હજારને સ્પર્શી ચૂક્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 18543ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી થોડો સુધારો ગુમાવ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ કેશની સરખામણીમાં 11 પોઈન્ટસના પ્રિમીયમે 18487.90ના સ્તરે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 344 પોઈન્ટસ ઉછળી 39684.80ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો.
ભારતીય રોકાણકારોની માર્કેટ વેલ્થમાં રૂ. 1.93 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. ગયા શુક્રવારે રૂ. 272.76 લાખ કરોડ પરથી તે વધીને રૂ. 274.69 લાખ કરોડની વિક્રમી ટોચ પર નોંધાયું હતું. આમ એક દિવસમાં જ લગભગ 25 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ હતી.
બપોરે યુરોપિયન બજારોમાં નરમાઈ છતાં ભારતીય બજારમાં તેજીવાળાઓએ મચક આપી નહોતી. માર્કેટને મેટલ તરફથી મજબૂત સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.89 ટકા ઉછળી 6253ની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે 6300.45ની ઈન્ટ્રા-ડે હાઈ દર્શાવી હતી. મેટલ્સ શેર્સમાં નાલ્કો 13.10 ટકા ઉછળી રૂ. 121.70ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે વેદાંત 12 ટકા, હિંદુસ્તાન ઝીંક 12 ટકા, હિંદાલ્કો 5 ટકા, સેઈલ 4 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા અને ટાટા સ્ટીલ 2.6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જીમાં પણ 1.5 ટકાનો સુધારો નોંધાયો હતો. નિફ્ટી પીએસઈએ 1.75 ટકાનો તથા નિફ્ટી આઈટીએ 1.57 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ 4.45 ટકા ઉછળી રૂ. 1792ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે ટેક મહિન્દ્રા 3.4 ટકા, એમ્ફેસિસ 2.76 ટકા અને ટીસીએસ એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ તેની ઘણા વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. જેમાં એનએચપીસી 15 ટકા ઉછળ્યો હતો. જ્યારે આઈઆરસીટીસી 8 ટકા, ભારત ઈલેક્ટ્રીક 3.13 ટકા, એનએમડીસી 2.61 ટકા, ઓએનજીસી 2 ટકા અને આઈઓસી 1.45 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3624 કાઉન્ટર્સમાંથી 1830 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1616 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ આવ્યાં હતાં. 178 કાઉન્ટર્સ ફ્લેટ બંધ રહ્યાં હતાં. જ્યારે 422 કાઉન્ટર્સે અપર સર્કિટ તથા 268 કાઉન્ટર્સમાં લોઅર સર્કિટ્સ જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.17 ટકા સુધરી રૂ. 32884.80ની સર્વોચ્ચ સપાટીએ જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.70 ટકા ઉછળી 11677.55ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં.

નિફ્ટીએ કેલેન્ડરમાં 32 ટકા રિટર્ન સાથે વૈશ્વિક હરિફોને પાછળ રાખ્યાં
ચીનના બેન્ચમાર્ક શાંઘાઈ કંપોઝીટનું માત્ર 2.74 ટકા રિટર્ન, હોંગ કોંગ બજારનું 7 ટકા નેગેટિવ રિટર્ન
વિકસિત બજારો ફ્રાન્સ, યુએસ અને જર્મનીનો ઈમર્જિંગ બજારો કરતાં સારો દેખાવ

ભારતીય શેરબજારમાં તેજીના વંટોળ પાછળ બેન્ચમાર્ક નિફ્ટીએ વૈશ્વિક હરિફોની સરખામણીમાં ખૂબ સારો દેખાવ દર્શાવ્યો છે. કેલેન્ડર 2021માં સોમવાર સુધી નિફ્ટીએ 32.15 ટકાનું વળતર આપ્યું છે. જે બીજા ક્રમે આવતાં ફ્રાન્સના બેન્ચમાર્ક કેકે દર્શાવેલાં 20.13 ટકાના વળતર સામે નોંધપાત્ર ઊંચું છે. જ્યારે ભારતના કટ્ટર હરિફ ચીનના શાંઘાઈ કંપોઝીટે નોંધાવેલા 2.74 ટકાના રિટર્ન કરતાં તે 10 ગણાથી વધારે છે.
નિફ્ટીની વાત કરીએ તો ડિસેમ્બર 2020ના અંતે તે 13981.75ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યાંથી સુધરતો રહી સોમવારે 18477.05 પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સ 47751.33ના સ્તર સામે 61765.59ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. સમાનગાળામાં અન્ય ઈમર્જિંગ બજારોએ ખૂબ જ નબળા રિટર્ન દર્શાવ્યાં છે. એશિયન બજારોમાં તાઈવાન અને કોરિયાના શેરબજારોએ અનુક્રમે 13.39 ટકા અને 4.64 ટકાનો સુધારો દર્શાવ્યો છે. જોકે હોંગ કોંગ માર્કેટના બેન્ચમાર્ક હેંગ સેંગમાં 6.7 ટકાનો નોઁધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કંપોઝીટ માત્ર 2.74 ટકાનો સુધારો દર્શાવી શક્યો છે. આની સરખામણીમાં વિકસિત બજારોએ નોંધપાત્ર સારો દેખાવ દર્શાવ્યો છે. જેમાં ફ્રાન્સનું બજાર ટોચ પર છે. ફ્રેન્ચ બેન્ચમાર્ક કેક-40 એ કેલેન્ડરમાં 20.13 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારબાદ નાસ્ડેક 15.59 ટકાના રિટર્ન સાથે વિકસિત બજારોમાં બીજો મહત્વનો બેન્ચમાર્ક છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ 15.32 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. જર્મનીનો ડેક્સ 12.91 ટકાનો સુધારો સૂચવે છે. જ્યારે યૂકેનો ફૂટ્સી 11.62 ટકાનો સુધારો સૂચવે છે. આમ એશિયન પરંતુ વિકસિત બજાર એવા જાપાનનો નિક્કાઈ 5.76 ટકાનો સુધારો દર્શાવે છે. આશ્ચર્યની બાબત એ છે કે ચીનનું બજાર છેલ્લાં પાંચ વર્ષોમાં લગભગ કોઈ રિટર્ન દર્શાવી શક્યું નથી. જ્યારે આ સમયગાળા દરમિયાન ભારતીય બજારે સતત સારો દેખાવ નોંધાવ્યો છે. સામાન્યરીતે વૈશ્વિક બજારોની સાથે સમાંતર ચાલ દર્શાવતું હોંગ કોંગ માર્કેટ ચીનની ધોંસ વધતાં રોકાણકારોને રિટર્નથી નવાજવામાં નિષ્ફળ રહ્યું છે. પશ્ચિમી દેશોના અનેક કોર્પોરેટ્સ હોંગ કોંગ છોડીને અન્યત્ર શિફ્ટ થઈ રહ્યાં હોવાનું કારણ પણ આમાં મહત્વનું છે. જોકે સિટી કન્ટ્રી સિંગાપુરનું બજાર પણ કોઈ નોંધપાત્ર રિટર્ન દર્શાવી શક્યું નથી.

વર્તમાન કેલેન્ડરમાં વૈશ્વિક બજારોનો દેખાવ

બેન્ચમાર્ક્સ 31 ડિસે. 2020નો બંધ 18 ઓક્ટો. 2021 વૃદ્ધિ(%)
નિફ્ટી 50 13981.75 18477.05 32.15%
BSE સેન્સેક્સ 47751.33 61765.59 29.35%
કેક 40 5551.41 6668.71 20.13%
નાસ્ડેક 12888.28 14897.34 15.59%
ડાઉ જોન્સ 30606.48 35294.76 15.32%
તાઈવાન 14732.53 16705.46 13.39%
ડેક્સ 13718.78 15489.9 12.91%
ફૂટ્સી 100 6460.52 7211.32 11.62%
નિક્કાઈ 225 27444.17 29025.46 5.76%
કોસ્પી 2873.47 3006.68 4.64%
શાંઘાઈ કંપોઝીટ 3473.069 3568.14 2.74%


LIC IPO સમયસર થાય તેવા સરકારના પ્રયાસોઃ નાણાપ્રધાન
સરકાર પીએસયૂ જીવન વીમા સાહસ એલઆઈસીનો આગામી માર્ચની સમયમર્યાદામાં પૂરો થાય તે માટેના તમામ પ્રયાસો કરી રહી હોવાનું નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આઈપીઓમાં કોઈ વિલંબ થશે તો તેની પાછળ રાજકીય ઈચ્છાશક્તિ જવાબદાર નહિ હોય. બ્લૂમબર્ગ સાથે એક ઈન્ટરવ્યૂમાં સીતારામને જણાવ્યું હતું કે અમે આઈપીઓ સમયસર પૂરો થાય તે માટે ખૂબ પ્રયાસો કરી રહ્યાં છીએ. તેમણે ઉમેર્યું હતું કે આઈપીઓ સમયસર ના થાય તેવી ઈચ્છા અમે ધરાવીએ છીએ તેવું નથી પરંતુ પ્રશ્ન યોગ્ય પ્રક્રિયાને અનુસરવાનો છે. એલઆઈસીના કદની કંપની માટે વાર્ષિક ધોરણે આંતરિક વેલ્યૂએશનની પ્રક્રિયા થવી જરૂરી હોય છે. 65-વર્ષથી બિઝનેસમાં સક્રિય કંપનીનું એકવાર પણ વેલ્યૂએશન નથી થયું અને તેથી પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
અલ્ટ્રાટેકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1314 કરોડનો નફો નોંધાવ્યો
ચીન સિવાયના વિશ્વમાં ત્રીજા ક્રમની સિમેન્ટ ઉત્પાદક કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1314 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 11743 કરોડ રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11830 કરોડ પર હતી. કંપનીના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ત્રિમાસિક ધોરણે તેમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. જેનું મુખ્ય કારણ ચોમાસાને કારણે બીજા ક્વાર્ટરમાં માગમાં ઘટાડો હતો. કોલ અને પેટકોકના ઊંચા ભાવોને કારણે કંપનીના ગ્રોસ માર્જિન પર પણ અસર પડી હતી. ઉપરાંત ઓઈલના ભાવમાં વૃદ્ધિ પાછળ ફ્રેઈટ ખર્ચમાં પણ વધારો જોવા મળ્યો હતો. કંપનીનો શેર પરિણામ બાદ વધ-ઘટ વચ્ચે સાધારણ નરમાઈ સાથે રૂ. 7385 પર ટ્રેડ થતો હતો.
સુગર કંપનીઓના શેર્સમાં 20 ટકા સુધીનો ઉછાળો
ભારતીય શેરબજારમાં સુગર કંપનીઓના શેર્સમાં સોમવારે સાર્વત્રિક સુધારો જોવા મળ્યો હતો. જેમાં તેમણે 20 ટકા સુધીનો ઉછાળો દર્શાવ્યો હતો. અગ્રણી કંપનીઓના શેર્સ 6 ટકા સુધીના સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં ત્રિવેણી એન્જીનીયરીંગનો શેર 6.21 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જ્યારે બલરામપુર ચીનીનો શેર 3.20 ટકા સુધારા સાથે રૂ. 390.15ના સ્તરે બંધ રહ્યો હતો. ધામપુર સુગરનો શેર 1.64 ટકાનો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે શ્રી રેણુકા સુગર્સનો શેર 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. ઈઆઈડી પેરીનો શેર 2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નાની કંપનીઓમાં મવાના સુગર્સનો શેર 2.24 ટકા સુધારા સાથે તથા વિશ્વજિત સુગર ઈન્ડસ્ટ્રીઝનો શેર 20 ટકા અપર સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. રેટિંગ એજન્સી ઈકરાએ સુગર કંપનીઓની આવકમાં 5 ટકા વૃદ્ધિ અને ડેટમાં નોઁધપાત્ર ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે.
વૈશ્વિક ક્રૂડના ભાવ નવી ટોચ પર
ક્રૂડના ભાવમાં સપ્તાહની શરૂઆત નવી ટોચ સાથે થઈ છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક ટકાથી વધુ સુધારા સાથે 86.03 ડોલર પ્રતિ બેરલની ટોચ પર જોવા મળ્યો હતો. જ્યારે યુએસ ખાતે ડબલ્યુટીઆઈ ક્રૂડ ફ્યુચર્સ 1.4 ટકા ઉછળી 83.19 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે 2014 પછીની તેની સર્વોચ્ચ સપાટી છે. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો 1.93 ટકા ઉછળી રૂ. 6288ના સ્તરે ટ્રેડ દર્શાવતો હતો. તેણે દિવસ દરમિયાન રૂ. 6317ની છેલ્લા પાંચ વર્ષોની ટોચ દર્શાવી હતી. ક્રૂડના ઉત્પાદનમાં વૃદ્ધિના ઓપેકના નિર્ણય બાદ પણ કોમોડિટીના ભાવમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ સાથે કિંમતી ધાતુઓમાં પણ સાધારણ મજબૂતી જોવા મળતી હતી. એમસીએક્સ ગોલ્ડ રૂ. 47328 પર જ્યારે ચાંદી રૂ. 63535 પર ટ્રેડ થઈ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage