Market Summary 19 Feb 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ 15000નું લેવલ તોડ્યું

બેન્ચમાર્ક નિફ્ટીએ છેલ્લા બે કલાકના ટ્રેડિંગમાં ભારે વેચવાલી પાછળ 15000નો માનસિક સપોર્ટ તોડ્યો હતો. નીચામાં તે 14898 સુધી નીચે ગયો હતો અને કામકાજને અંતે 14982 પર બંધ આવ્યો હતો. નવા સપ્તાહે વૈશ્વિક બજારોમાં પોઝીટીવ રૂખ હશે તો બજાર ફરી 15000 પર ટકવાનો પ્રયાસ કરી શકે છે. નિફ્ટી ચાલુ સપ્તાહે લાંબા સમય બાદ ટોચના સ્તરેથી 2 ટકા કરતાં વધુ ઘટીને બંધ આવ્યો છે. સેન્સેક્સ પણ 52000ની નીચે ઉતરી ગયો છે.

બેંક નિફ્ટી 2 ટકા ઘટ્યો

પીએસયૂ અને પ્રાઈવેટ બેંકિંગ શેર્સમાં વેચવાલી પાછળ બેંક નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ તેણે બે દિવસ અગાઉ દર્શાવેલી 37709ની ટોચ પરથી 1900 પોઈન્ટ્સ જેટલો તૂટી 35842ના સ્તરે બંધ રહ્યો હતો. તે ઘણા સમયથી ઓવરબોટ હતો અને તેથી તેમાં કરેક્શન ડ્યૂ હતું.

પીએસયૂ બેંકિંગ શેર્સમાં ઊંચા મથાળે વેચવાલી જોવા મળી

 

અવિરત ત્રણ દિવસ સુધી વધતાં રહેલાં પીએસયૂ બેંક શેર્સમાં શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી હતી. પોઝીટીવ ઓપનીંગ બાદ તેઓ દિવસ દરમિયાન ઘસાતાં રહ્યાં હતાં. ખાસ કરીને પ્રાઈવેટીઝેશનના કારણ પાછળ ત્રણ દિવસથી ઉપલી સર્કિટમાં બંધ રહેતાં આવેલા ચાર બેંકના શેર્સમાં સર્કિટનો ક્રમ તૂટ્યો હતો. જેમાં બેંક ઓફ ઈન્ડિયા રૂ. 101.40ના 9 ટકાથી વધુના ગેપ-અપ ઉછાળા બાદ ઊંધા માથે પટકાયો હતો અને આખરે 9.5 ટકાના ઘટાડે લોઅર સર્કિટ નજીક બંધ આવ્યો હતો. સેન્ટ્રલ બેંકનો શેર પણ ખૂલતામાં 26.40ની ઉપલી સર્કિટમાં ખૂલી પાછળથી રૂ. 21.40ના સ્તરે 10 ટકાની નીચલી સર્કિટમાં બંધ રહ્યો હતો. આઈઓબીનો શેર રૂ. 20.65ની ઉપલી સર્કિટમાં બંધ રહ્યાં બાદ આખરે 6.4 ટકાના ઘટાડે રૂ. 17.60ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રનો શેર પણ રૂ. 27.60ના સર્કિટ ફિલ્ટરમાંથી ખૂલી 7 ટકાના ઘટાડે રૂ. 23.35ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 5 ટકા તૂટ્યો હતો.

 

 

ટોરેન્ટ પાવરનો શેર નવી ટોચ બનાવી પાછો પડ્યો

 

ગુજરાત સ્થિત ખાનગી ક્ષેત્રની અગ્રણી યુટિલિટી કંપની ટોરેન્ટ પાવરના શેરે સતત બીજા દિવસે નવી ટોચ દર્શાવી હતી. કંપનીનો શેર શુક્રવારે રૂ. 377.65ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો અને બજારમાં નરમાઈ પાછળ ઘસાયો હતો  અને સાધારણ નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. કામકાજના અંતે તે રૂ. 365 પર બંધ જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 17 હજાર કરોડ પર જોવા મળ્યું હતું.

 

વૈશ્વિક બજારમાં નરમાઈ પાછળ સોનું સાત મહિનાના તળિયા પર

 

એમસીએક્સ ખાતે સ્પોટ ગોલ્ડનો ભાવ જુલાઈ આખરની રૂ. 56000ની ટોચ પરથી રૂ. 46000ની નીચે ઉતરી ગયો

 

કોમેક્સ સ્પોટ ખાતે ભાવ 2075 ડોલર પરથી ગગડી 1770 ડોલર પર ટ્રેડ થયું

 

 

બજારોમાં જંગી લિક્વિડીટી છતાં સોનામાં તેજી ટકી શકતી નથી. અંતિમ ચાર સપ્તાહથી સોનુ નિરંતર ઘટાડો દર્શાવી રહ્યું છે. શુક્રવારે તેણે સ્થાનિક સહિત વૈશ્વિક બજારમાં સાત મહિનાનું તળિયું દર્શાવ્યું હતું. એમસીએક્સ ખાતે સ્પોટ ગોલ્ડ રૂ. 46000ની સપાટી નીચે ઉતરી ગયું હતું. જ્યારે વૈશ્વિક બજારમાં સોનું 1770 ડોલર પર ટ્રેડ થતું હતું. યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં સતત વૃદ્ધિ અને ડોલર ઈન્ડેક્સમાં પણ મજબૂતી વચ્ચે પિળી ધાતુ ગયા જુલાઈમાં નવી ટોચ બનાવ્યા બાદ દિશા હિન ટ્રેડ દર્શાવી રહી છે.

 

કિંમતી ધાતુનો ભાવ શુક્રવારે એમસીએક્સ ખાતે નીચામાં રૂ. 45861ના સ્તર પર જોવા મળ્યો હતો. જે જુલાઈ આખરમાં તેણે દર્શાવેલી રૂ. 56100ના ટોચના સ્તરેથી 18 ટકા કરતાં વધુ ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં તે 2075 ડોલરની ટોચ પરથી 1770 ડોલર સુધી ઘટ્યું છે. સ્થાનિક બજારમાં ગોલ્ડના ભાવમાં વધુ ધોવાણનું કારણ છેલ્લા સાત મહિના દરમિયાન સ્થાનિક ચલણ રૂપિયામાં ડોલર સામે જોવા મળેલો સુધારો છે. એપ્રિલ 2020માં કોવિડ પાછળ ગબડીને 77ની સપાટી પર પટકાયેલો રૂપિયો હાલમાં 73ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જેને કારણે ઈમ્પોર્ટેડ એવા ગોલ્ડના સ્થાનિક ભાવમાં ઘટાડો વધુ ઊંચો જણાય છે. જો અંતિમ એક વર્ષની વાત કરીએ તો ગોલ્ડના ભાવ હજુ પણ સુધારો દર્શાવી રહ્યાં છે. જેમકે વૈશ્વિક સ્તરે એક વર્ષ અગાઉના સ્તર સામે સોનું 9 ટકા સુધારો સૂચવે છે. ગઈ 19 ફેબ્રુઆરીએ તે 1611 ડોલર પર ચાલી રહ્યું હતું. જ્યારે એમસીએક્સ ખાતે સોનામાં 10 ટકાનો સુધારો જોવા મળે છે. ગયા વર્ષે સમાન દિવસે તે રૂ. 41500 પર ટ્રેડ થતું  હતું. સોનામાં કોવિડ પાછળ માર્ચ  2020માં તમામ એસેટ ક્લાસિસ સાથે ઘટાડા બાદ એપ્રિલથી તેજીની શરૂઆત થઈ હતી અને જોત જોતામાં તે 2000 ડોલરની સપાટીને કૂદાવી ગયું હતું. જ્યારે સ્થાનિક સ્તરે તેણે રૂ. 55000નું સ્તર પાર કર્યું હતું. તેણે અગાઉ 2012ની સાલમાં દર્શાવેલા 1900 ડોલરના સ્તરને પાર કર્યું હતું. આમ તે નવા ઝોનમાં પ્રવેશ્યું હતું અને એનાલિસ્ટ્સ 2500 ડોલરની સપાટીની અપેક્ષા રાખતાં થયાં હતાં. જોકે દિવાળી અગાઉના ત્રણેક મહિના અગાઉ શરૂ થયેલા ઘટાડો દિવાળીના ત્રણ મહિના બાદ પણ જળવાયો છે. અંતિમ ચાર સપ્તાહમાં જોવા મળી રહેલા સુધારા ટક્યાં નથી અને સોનું નવા તળિયા બનાવી રહ્યું છે. કોવિડ વેક્સિનના આગમન બાદ સોનામાં ખરીદી અટકી છે અને જેઓએ નીચા ભાવે ખરીદી કરી હતી. તેઓ દરેક સુધારે વેચવાલી કરી રહ્યાં છે એમ એનાલિસ્ટ્સ માને છે. તેમના મતે સોનામાં હવેનો સપોર્ટ રૂ. 44000નો છે.

 

સોનામાં ઘટાડાના મુખ્ય કારણોમાં બોન્ડ યિલ્ડ્સમાં જોવા મળી રહેલો અસાધારણ સુધારો છે. ફેડ રિઝર્વે રેટને હજુ વધુ બે વર્ષ સુધી સ્થિર રાખવાની અપનાવેલી નીતિ વચ્ચે યુએસ ખાતે બોન્ડ્સ યિલ્ડ્સમાં તેજી જોવા મળી છે. બીજી બાજુ ડોલર ઈન્ડેક્સમાં પણ મજબૂતી જળવાય છે. તે 90 ડોલરના નીચેના સ્તરે ટકતો નથી અને હાલમાં 91 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જે પણ બજારની અપેક્ષાથી વિરુધ્ધનું છે. કોવિડ બાદ યુએસ ફેડે ઠાલવેલી જંગી લિક્વિડીટી બાદ બજાર ડોલરમાં નરમાઈની અપેક્ષા રાખતું હતું. જોકે આમ થયું નથી. એનાલિસ્ટ્સ માને છે કે યુએસ ખાતે સ્ટીમ્યુલસને મંજૂરી બાદ બજારમાં લિક્વિડીટીમાં ઓર વૃદ્ધિ થશે. જે તમામ એસેટ ક્લાસિસને ઓર બહેકાવી શકે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage