Market Summary 19 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક દબાણ વચ્ચે નિફ્ટીએ 18 હજારનું સ્તર ગુમાવ્યું
જીઓ પોલિટીકલ રિસ્ક, બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી પાછળ ક્રૂડ મજબૂત, બજારો તૂટ્યાં
યુએસ અને જાપાનના સૂચકાંકોમાં 2.8 ટકા સુધીનો ઘટાડો
નિફ્ટી કન્ઝ્યૂમર ડ્યૂરેબલ 4.7 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ
પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 2.21 ટકાની મજબૂતી નોંધાઈ
જાહેર સાહસોમાં ઓએનજીસી, કોઈ ઈન્ડિયા, આઈઓસીમાં લેવાલી

વૈશ્વિક રોકાણકારો ફરી રિસ્ક-ઓફ મોડમાં જઈ રહ્યાં છે. જેની પાછળ બે દિવસોથી બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય બજારે પણ સતત બીજા દિવસે એક ટકા આસપાસનો ઘટાડો નોંધાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 656 પોઈન્ટ્સ તૂટી 60098.82ની સપાટીએ જ્યારે નિફ્ટી 174.65 પોઈન્ટ્સ ગગડી 17938.40ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં. બેન્ચમાર્ક્સ સમગ્ર દિવસ દરમિયાન નેગેટિવ ટ્રેડ થયાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સમાં 0.17 ટકાની સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 36 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં.
શેરબજારોને અગાઉથી અકળાવી રહેલી બાબતો જેવીકે યુએસ ફેડ રેટની વૃદ્ધિ અને તેની પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિમાં હવે જીઓ-પોલિટીકલ રિસ્ક પણ ઉમેરાયું છે. જેમાં યુક્રેન પર રશિયાના સંભવિત હુમલા તથા મધ્ય-પૂર્વમાં ઈરાન-સાઉદી વચ્ચે ફરી ઘર્ષણની શક્યતાં છે. જેને કારણે ક્રૂડના ભાવ તેમની પાંચ વર્ષોથી વધુની ટોચ પર પહોંચ્યાં છે. ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડના ભાવ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ એક્સાઈઝમાં ઘટાડો કરી એક રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે એક હદથી વધુ આમ કરી શકે તેમ નથી. રૂપિયામાં ડોલર સામે સ્થિરતા એક રાહતની બાબત છે. જોકે ક્રૂડમાં વધુ વૃદ્ધિ ભારતીય બજાર પર વધુ દબાણ ઊભું કરી શકે છે. જોકે કોમોડિટી એનાલિસ્ટ્સના મતે બ્રેન્ટ ક્રૂડ વાયદો વર્તમાન સ્તરેથી નોઁધપાત્ર સુધારો દર્શાવે તેવી શક્યતાં ઓછી છે અને તેથી હાલમાં તો બજારોને મોટી ચિંતા સતાવી રહી નથી.
મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં એક ટકાથી વધુ ઘટાડો અને નાસ્ડેકમાં 2.6 ટકા ઘટાડે એશિયન બજારોમાં હોંગ કોંગને બાદ કરતાં નરમાઈ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ 2.8 ટકા ઘટાડો દર્શાવતો હતો. આમ ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ ઘસાતું રહ્યું હતું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકા ડાઉન હતો. જોકે ઓટો, મેટલ, એનર્જી, પીએસઈ અને પીએસયૂ બેંક સૂચકાંકો મજબૂતી દર્શાવતાં હતાં. બજેટ પૂર્વે નિફ્ટી કન્ઝ્યૂમર ડ્યૂરેબર 4.7 ટકા ઉછળી 29850ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જેમાં અંબેર એન્ટરપ્રાઈઝ, બાટા અને રાજેશ એક્સપોર્ટ્સનું યોગદાન મુખ્ય હતું. બીએસઈ ખાતે 3495 કાઉન્ટર્સમાંથી 1494 કાઉન્ટર્સ સુધરીને બંધ રહ્યાં હતાં. જ્યારે 1917 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. જોકે મંગળવાર કરતાં માર્કેટ-બ્રેડ્થ સારી હતી. એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ પોઝીટીવ ઝોનમાં બંધ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે 337 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટીમાં સુધારો દર્શાવનારા ટોચના પાંચ કાઉન્ટર્સમાં ઓએનજીસી(4 ટકા), ટાટા મોટર્સ(2 ટકા), કોલ ઈન્ડિયા(1.93 ટકા), એસબીઆઈ અને હિંદાલ્કોનો સમાવેશ થતો હતો. ખાનગી બેંકિંગ સ્પેસમાં કોટક મહિન્દ્રા બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક લગભગ 2 ટકાની નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે આઈટી સ્પેસમાં એલએન્ડટી ટેક્નોલોજી 6.33 ટકા, એમ્ફેસિસ 3.54 ટકા, ઈન્ફોસિસ 2.8 ટકા, માઈન્ડટ્રી 2.71 ટકા અને એલએન્ડટી ઈન્ફોટેક 2.51 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં.

સેન્સેક્સમાં બે સત્રોમાં 1210 પોઈન્ટ્સનું ગાબડું
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત બે દિવસથી વેચવાલી પાછળ બીએસઈ સેન્સેક્સે 1210 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો. બુધવારે સેન્સેક્સે 59949.22ના તળિયેથી પરત ફરી 60098.82 પર બંધ આપવા સાથે 60 હજારની સપાટી જાળવી રાખી હતી. જોકે નિફ્ટી બે સત્રોમાં 369.7 પોઈન્ટ્સના ઘટાડે 18 હજારની નીચે ઉતરી ગયો હતો અને બુધવારે 17938.40ના સ્તરે બંધ રહ્યો હતો. યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ અને ક્રૂડના ભાવમાં સતત વધારા પાછળ રોકાણકારો જોખમી એસેટ્સમાંથી બહાર નીકળી રહ્યાં હોવાથી માર્કેટ્સ પર દબાણ જોવા મળી રહ્યું છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. ભારતીય બજારમાં બજેટ અગાઉ સાત ટ્રેડિંગ સત્રો બાકી છે અને તેથી પણ બજાર રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવે તેવી શક્યતાં છે. વર્ષના શરૂઆતી સપ્તાહના પોઝીટીવ ફ્લો દર્શાવનાર વિદેશી રોકાણકારો ફરી નેગેટિવ બન્યાં છે. જોકે સ્થાનિક સંસ્થાઓએ સામે ચોખ્ખી ખરીદી દર્શાવી છે.

અદાણી ગ્રીન એનર્જીનો શેર 14 સત્રોમાં 50 ટકા ઉછળ્યો
જૂન 2018ના રૂ. 26ના તળિયાથી શેરમાં 7500 ટકાનું રિટર્ન
કંપનીના શેરમાં તીવ્ર ઉછાળા પાછળ અદાણી પરિવારની કુલ માર્કેટ-વેલ્થ 105 અબજ ડોલર પર પહોંચી
રૂ. 3 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કરનારી અદાણી જૂથની પ્રથમ કંપની
અદાણી જૂથની રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સક્રિય અદાણી ગ્રીન એનર્જીનો શેર બુધવારે રૂ. 1955.90ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. છેલ્લાં 14 ટ્રેડિંગ સત્રોમાં જ શેરમાં 50 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જે સાથે જ કંપની રૂ. 3 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવનાર પ્રથમ અદાણી જૂથ કંપની બની હતી. જેમાં 60 ટકાથી વધુ માર્કેટ-હિસ્સા સાથે અદાણી પ્રમોટર્સની વેલ્થ રૂ. 1.82 લાખ કરોડ થતી હતી. જ્યારે સમગ્ર અદાણી જૂથમાં તેમના હિસ્સાનું મૂલ્ય રૂ. 7.8 લાખ કરોડ થતું હતું. ડોલર સંદર્ભમાં તેમની વેલ્થ 105 અબજ ડોલર બેસતી હતી.
કેલેન્ડર 2018માં લિસ્ટીંગ બાદ 1 જૂને રૂ. 26ના તળિયાના ભાવથી ગણીએ તો બુધવારની ટોચના ભાવે કંપનીના શેરે 7500 ટકાનું માતબર રિટર્ન આપ્યું હતું. કંપનીનો શેર છેલ્લાં એક વર્ષમાં જ 100 ટકાથી વધુનું રિટર્ન દર્શાવે છે. અગાઉ જૂથ કંપનીઓમાં રૂ. 2 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવનાર તે પ્રથમ કંપની બની હતી. જ્યારે બુધવારે તેણે રૂ. 3 લાખ કરોડનું એમ-કેપ હાંસલ કર્યું હતું. એનએસઈ ખાતે શેર 2.02 ટકા સુધારા સાથે રૂ. 1938.45ના સ્તરે બંધ રહ્યો હતો. 30 ડિસેમ્બરે તે રૂ. 1307.05ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અદાણી જૂથના અન્ય શેર્સ જોકે છેલ્લાં કેટલાંક સત્રોથી કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. જોકે જૂથની અન્ય બે કંપનીઓ રૂ. 2 લાખ કરોડથી વધુના માર્કેટ-કેપ સાથે ટ્રેડ થઈ રહી છે. જેમાં અદાણી ટ્રાન્સમિશન(રૂ. 2.15 લાખ કરોડ) અને અદાણી એન્ટરપ્રાઈઝ(રૂ. 2 લાખ કરોડ)નો સમાવેશ થાય છે. અદાણી ટોટલ ગેસ(રૂ. 1.95 લાખ કરોડ)નું માર્કેટ-કેપ ધરાવે છે. જ્યારે અદાણી પોર્ટ્સ(રૂ. 1.52 લાખ કરોડ)નું માર્કેટ-કેપ ધરાવે છે.
અદાણી ગ્રીન એનર્જીએ ત્રીજા ક્વાર્ટરમાં એનર્જી વેચાણમાં વાર્ષિક ધોરણે 97 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવવા સાથે કુલ 250.4 કરોડ યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જેમા સોલાર અને વિન્ડ, બંને પોર્ટફોલિયોનો દેખાવ મજબૂત જોવામળ્યો હતો. ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં તેણે 127.3 કરોડ યુનિટ્સ એનર્જી વેચાણ દર્શાવ્યું હતું. વાર્ષિક ધોરણે કંપનીની કામકાજી ક્ષમતા પણ 84 ટકા વધી 5410 મેગાવોટ પર જોવા મળી હતી. કંપનીના સોલાર પોર્ટફોલિયોનો કેપેસિટી યુટીલાઈઝેશન ફેક્ટર(સીયૂએફ) 21.9 ટકા જોવા મળ્યું હતું. જે વાર્ષિક ધોરણે 1.1 ટકા સુધારો દર્શાવતું હતું. જ્યારે વિન્ડ પોર્ટફોલિયો સીયૂએફ 10 બેસીસ પોઈન્ટના સુધારે 18.6 ટકા પર રહ્યું હતું.

રિલાયન્સ જીઓએ સ્પેક્ટ્રમ ડ્યૂઝના રૂ. 30791 કરોડ આગોતરા ચૂકવ્યાં
દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓએ જણાવ્યું છે કે સ્પેક્ટ્રમ ખરીદી પેટે દેવાની થતી સમગ્ર રકમને તેણે માર્ચ 2021 અગાઉ ચૂકવી દીધી હતી. કંપનીએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને 2014, 2015, 2016ના વર્ષોમાં ઓક્શન્સ દરમિયાન ખરીદેલા સ્પેક્ટ્રમ તથા 2021માં ભારતી એરટેલ સાથે રાઈટ ટુ યુઝના ટ્રેડિંગ પેટે મેળવેલા સ્પેક્ટ્રમ સંબંધી તમામ જવાબદારીઓ ચૂકતે કરી દીધી હતી. કંપનીએ આ ચૂકવણી નાણા વર્ષ 2022-23થી 2034-35 દરમિયાન હપ્તા ધોરણે કરવાની થતી હતી. તથા તેના પર 9.3 ટકાથી 10 ટકાના દરે વ્યાજ લાગુ પડતું હતું. સાથે સાત વર્ષોથી વધુનો રેસિડ્યુઅલ પિરિયડ પણ લાગુ પડતો હતો. જોકે કંપનીએ આગોતરુ પેમેન્ટ કરી દેતાં તેને વાર્ષિક ધોરણે વ્યાજ ખર્ચ પેટે રૂ. 1200 કરોડની બચત થઈ હોવાનું જણાવ્યું છે.
બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 89 ડોલરની સપાટીને સ્પર્શ્યો
વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં મજબૂતી જોવા મળી રહી છે. યેમેન સ્થિત હૂથી જૂથે યુએઈ પર ડ્રોન એટેક કરતાં ક્રૂડના ભાવ ભડક્યાં હતાં. જોકે આના કારણે વૈશ્વિક ક્રૂડ સપ્લાય પર કોઈ મટિરિયલ અસર નથી પડી. આમ પણ યૂએઈ વિશ્વમાં કુલ ઉત્પાદનનો ખૂબ નાનો હિસ્સો ધરાવે છે. જોકે આ ઘટનાને કારણે ઈરાન સમર્થિત ગેરિલાઓ અને સાઉદી સમર્થિત દેશો વચ્ચે ફરી અશાંતિ સર્જાઈ શકે છે. જે ક્રૂડના ભાવને 90 ડોલરનું સ્તર પાર કરાવે તેવી શક્યતાં છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 89.04 ડોલર પ્રતિ બેરલની 2016 પછીની ટોચ પર ટ્રેડ થયો હતો.
વૈશ્વિક ડેટ ઈન્વેસ્ટર્સને કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિની સંભાવના
આગામી નાણા વર્ષ માટેના બજેટની રજૂઆતમાં નાણાપ્રધાન ભારતીય બજારમાં વૈશ્વિક ડેટ ઈન્વેસ્ટર્સને કેપિટલ ગેઈન્સમાંથી મુક્તિની જાહેરાત કરી શકે છે. સરકારના આ નિર્ણય આતુરતાથી જેન રાહ જોવાઈ રહી છે તે વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં ભારતીય બોન્ડ્સના સમાવેશ માટેનો માર્ગ મોકળો કરી શકે છે. જો આમ થશે તો સ્થાનિક ડેટ સિક્યૂરિટીઝમાં વિદેશી રોકાણકારો તરફથી નોંધપાત્ર કેપિટલ ફ્લો જોવા મળી શકે છે. જે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં યિલ્ડ્સને નીચા લાવી શકે છે. એકવાર વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં સમાવેશ બાદ વિદેશી રાકણકારો પસંદગીની સોવરિન સિક્યૂરિટીઝમાં ટ્રેડિંગ પણ શરૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

પેટીએમનો શેર 4 ટકા તૂટી રૂ. 1000ની અંદર
ફિનટેક કંપની પેટીએમનો શેર બુધવારે 4.25 ટકાના ઘટાડે રૂ. 997.35ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂ. 2150ના ઈસ્યુ ભાવથી 54 ટકા ધોવાણ સાથે રૂ. 990ના તળિયા પર ટ્રેડ થયો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 64655 કરોડનું જોવા મળતું હતું. કંપનીએ આઈપીઓ મારફતે રૂ. 18200 કરોડની વિક્રમી રકમ ઊભી કરી હતી. જોકે લિસ્ટીંગ બાદ તે સતત ઘસાતો રહ્યો છે. છેલ્લાં 12 સત્રોમાં તેણે 26 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાવ્યો છે. કંપની હજુ પણ ખોટ દર્શાવી રહી છે અને તે ક્યારે ટર્નએરાઉન્ડ કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જેને જોતાં એનાલિસ્ટ્સ શેરથી દૂર રહેવાની સલાહ આપે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage