માર્કેટ સમરી
વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ખરડાતાં સેન્સેક્સમાં 587 પોઈન્ટ્સનો કડાકો
બેન્ચમાર્ક નિફ્ટી 171 પોઈન્ટ્સ ગગડી 15752 પર બંધ રહ્યો
બેંક નિફ્ટીએ 1.9 ટકા નરમાઈ સાથે ઘટાડાની આગેવાની લીધી, મેટલ ઈન્ડેક્સે સાથ આપ્યો
માર્કેટ-વેલ્થ રૂ. 1.3 લાખ કરોડના ઘટાડે રૂ. 233.15 લાખ કરોડ પર જોવા મળી
મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં મજબૂતી વચ્ચે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી
નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.03 ટકાના સુધારા સાથે નવી ટોચ પર બંધ રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8.3 ટકા ઉછળ્યો
વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ ખરડાતાં ઉઘડતાં સપ્તાહે શેરબજારોમાં વેચવાલી નીકળી હતી. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 587 પોઈન્ટ્સ ગગડી 53000ની સપાટી નીચે ઉતરી ગયો હતો. બેન્ચમાર્ક 1.1 ટકા ઘટી 52553ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ 171 પોઈન્ટ્સ તૂટી 15752ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. ભારતીય બજારમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 1.3 લાખ કરોડનું ગાબડું પડ્યું હતું. શુક્રવારે બીએસઈ ખાતે જોવા મળતું કુલ માર્કેટ-કેપ રૂ. 234.46 લાખ કરોડની સામે રૂ. 233.15 લાખ કરોડ પર પટકાયું હતું.
સોમવારે ભારતીય શેરબજાર પર બેવડો માર જોવા મળ્યો હતો. એકબાજુ વૈશ્વિક બજારોમાં 2 ટકા સુધી નરમાઈ જોવા મળતી હતી. બીજી બાજુ સપ્તાહાંતે અગ્રણી બેંકિંગ કંપની એચડીએફસીએ રજૂ કરેલાં પરિણામો બજારની અપેક્ષા પૂરી કરી શક્યાં નહોતાં અને તેથી બેંકિંગ સેક્ટરમાં બજાર ખૂલ્યું ત્યારથી જ દબાણ જોવા મળ્યું હતું. બેંક નિફ્ટી 1.88 ટકા થવા 673 પોઈન્ટ્સ ગગડી 35079ના સ્તર બંધ રહ્યો હતો. બ્લ્યૂ-ચિપ એવી પ્રિમીયમ વેલ્યૂએશન પર ટ્રેડ થતી એચડીએફસી બેંકનો શેર 3.4 ટકા ઘટી રૂ. 1471 પર બંધ રહ્યો હતો. તેની પાછળ અન્ય પ્રાઈવેટ બેંકિંગ શેર્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંક(2.72 ટકા), આઈડીએફસી ફર્સ્ટ બેંક(2.7 ટકા), આરબીએલ બેંક(2.6 ટકા), ફેડરલ બેંક(2.2 ટકા) અને એક્સિસ બેંક(2.1 ટકા)નો ઘટાડો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારે વ્યક્તિગત બેંક શેર્સમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેમાં સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડા અગ્રણી હતાં. બેંકિંગ શેર્સને સાથ આપતાં મેટલ કાઉન્ટર્સ પણ તૂટ્યાં હતાં અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.5 ટકા ગગડ્યો હતો.
જોકે રિટેલ ઈન્વેસ્ટર્સ માટે સોમવારનો ઘટાડો મોટી ચિંતાનું કારણ નહોતો બની રહ્યો. કેમકે મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં અનેક કાઉન્ટર્સે તેમની આગેકૂચ જાળવી રાખી હતી. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. કુલ 3492 ટ્રેડ્રેડ કાઉન્ટર્સમાંથી 1757 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1571 તેમના અગાઉના બંધની સરખામણીમાં નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. 622 કાઉન્ટર્સ ઉપલ સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 520 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.03 ટકાના સુધારા સાથે પોઝીટીવ બંધ રહ્યો હતો. માર્કેટમાં નરમાઈ પાછળ ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સે નોંધપાત્ર સમય બાદ 8.28 ટકાનો તીવ્ર સુધારો નોંધાવ્યો હતો. જોકે હજુ પણ તે 2 વર્ષના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ માર્કેટમાં વોલેટિલિટીને લઈને કોઈ મોટી ચિંતાનું કારણ જોવા મળતું નથી. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 15750ના મહત્વના સપોર્ટને તોડી શક્યો નથી તે રાહતની વાત છે. જોકે વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટમાં ઓવરનાઈટ ફેરફારની શક્યતા નથી. ભારતીય બજાર બંધ થયાં બાદ યુરોપના બજારોમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ ડાઉ જોન્સ ફ્યુચર 474 પોઈન્ટ્સના ઘટાડે 34083ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે આગામી સમયગાળાને લઈને ચિંતાનો વિષય છે.
એશિયન બજારોમાં અવિરત ઘટાડો
ભારતીય બજાર ગયા સપ્તાહે તેની નવી ટોચ દર્શાવવામાં સફળ રહ્યું હતું ત્યારે અન્ય ઈમર્જિંગ બજારો આમ કરી શક્યાં નથી. સોમવારે હોંગકોંગ 1.9 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતું હતું. જાપાન, સિંગાપુર, કોરિયા અને તાઈવાન બજારોમાં પણ 1.3 ટકા સુધી નરમાઈ જોવા મળી હતી. યુએસ અને યુરોપના બજારમાં છેલ્લા એક મહિનામાં સુધારા દરમિયાન એશિયન બજારો સતત ઘસાતાં રહ્યાં છે. અગાઉ ભારતીય બજાર અને એશિયન બજારો વચ્ચે જોવા મળતી કો-રિલેશનશીપ પણ છેલ્લા કેટલાક વખતથી દૂર થઈ છે અને તેથી જ જૂન-જુલાઈમાં એશિયામાં નરમાઈ વચ્ચે ભારતીય બજાર સુધારો દર્શાવતું રહ્યું હતું. જોકે સોમવારે ભારતીય બજાર એશિયન બજારોને અનુસર્યું હતું. જેણે ટ્રેડર્સમાં ચિંતા જન્માવી હતી. ભારતીય બજાર કોવિડના બીજા રાઉન્ડના ગભરાટમાંથી બહાર આવી ચૂક્યું છે. જ્યારે એશિયન બજારો હાલમાં કોવિડની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
એચસીએલ ટેક. જૂન ક્વાર્ટરમાં રૂ. 3214 કરોડનો નફો રળ્યો
દેશમાં ચોથા ક્રમે આવતી આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીસે જૂન ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3205 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક 12.5 ટકા વધી રૂ. 20068 કરોડ રહી હતી. એનાલિસ્ટ્સના રૂ. 3253 કરોડના નફાના અંદાજ સામે કંપનીએ સાધારણ નીચો નફો નોંધાવ્યો હતો. જ્યારે આવક પણ રૂ. 20303 કરોડના અંદાજ સામે થોડી નીચી જોવા મળી હતી. કંપનીના એબિટા માર્જિન 24.5 ટકાના સ્તરે જળવાયાં હતાં. ચાલુ કેલેન્ડરમાં સેન્સેક્સમાં 10 ટકા સામે એચસીએલ ટેક્નો શેરમાં 6 ટકાનો સુધારો જોવા મળ્યો છે.
ડોલર સામે રૂપિયામાં 32 પૈસાનો તીવ્ર ઘટાડો
ભારતીય ચલણમાં સપ્તાહના પ્રથમ દિવસે મોટી નરમાઈ જોવા મળી હતી. ગય સપ્તાહાંતે 74.55ના સ્તરે બંધ રહેલો રૂપિયો ગ્રીનબેક સામે 32 પૈસા ગગડી 74.88ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેનું લગભગ 3 મહિનાનું નીચું સ્તર હતું. અગાઉ તે 23 એપ્રિલે આ સપાટી પર જોવા મળ્યો હતો. જ્યાંથી સુધરતો રહી 72.60 સુધી ઉછળ્યો હતો. જોકે 15 જૂન બાદ તેમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે અને તે એપ્રિલ મહિનાના તળિયા નજીક આવી પહોંચ્યો છે. વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સમાં નરમાઈ અને એફઆઈઆઈના આઉટફ્લોની અસરે તે 75ની સપાટી પણ તોડે તેવી શક્યતાં ફોરેક્સ એનાલિસ્ટ્સ વ્યક્ત કરે છે. તેમના મતે રૂપિયાએ એપ્રિલમાં દર્શાવેલું 75.55નું સ્તર સપોર્ટ બની શકે છે.
જૂન ક્વાર્ટરમાં જીટીપીએલે રૂ. 48 કરોડનો નફો નોંધાવ્યો
ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે જૂન ક્વાર્ટરમાં રૂ. 47.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે રૂ. 610.6 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 22 ટકા ઊંચી હતી. ત્રિમાસિકગાળામાં કંપનીએ 55,000 નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા હતા.
વૈશ્વિક બજાર પાછળ સોનુ-ચાંદીમાં નરમાઈ
નવા સપ્તાહે કિંમતી ધાતુઓમાં કામકાજની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. કોમેક્સ ગોલ્ડ ફરી એકવાર 1820 ડોલરના સપોર્ટ નીચે ઉતરી ગયું હતું. જેની અસરે સ્થાનિક કોમેક્સ ખાતે પણ સોનુ રૂ. 48000ની નીચે ટ્રેડ દર્શાવતું હતું. નોંધપાત્ર બાબત એ હતી કે રૂપિયામાં તીવ્ર નરમાઈ છતાં સોનુ પોઝીટીવ ટ્રેડ દર્શાવી શક્યું નહોતું. એમસીએક્સ ઓગસ્ટ ગોલ્ડ વાયદો 0.23 ટકા ઘટાડા સાથે રૂ. 47942 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સપ્ટેમબર સિલ્વર વાયદો રૂ. 452ના ઘટાડે રૂ. 67867ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. સોનું છેલ્લા ચાર સપ્તાહોથી સતત સારા સુધારો દર્શાવી રહ્યું હતું. જે ટ્રેન્ડ ચાલુ સપ્તાહે અટકે તેવી શક્યતા એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે. ચાંદી પણ રૂ. 68000ની સપાટી નીચે વધુ ઘટાડે રૂ. 65000 સુધી ગગડી શકે છે.
આઈપીઓ પહેલાની તૈયારી
એલઆઈસીએ 2020-21માં નેટ NPAમાં 74 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો
ડેટ સેગમેન્ટમાં LICની ગ્રોસ એનપીએ 2020-21માં 39 બેસીસ પોઈન્ટ્સ ઘટી 7.78 ટકા થઈ
ચાલુ નાણાકિય વર્ષના ચોથા ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશવા માટે તૈયારી કરી રહેલી જાબેર ક્ષેત્રની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)એ 2020-21 માટે તેના ડેટ પોર્ટફોલિયોમાં જોવા મળતી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ)માં સુધારો નોંધાવ્યો હતો. માર્ચમાં પૂરા થતાં વર્ષ દરમિયાન એલઆઈસીની એનપીએ ગયા વર્ષના 8.17 ટકાના સ્તરેથી 39 બેસીસી પોઈન્ટ્સના સુધારા સાથે 7.78 ટકા પર જોવા મળી હતી. બીજી બાજુ ઈન્શ્યોરરની નેટ એનપીએમાં 74 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને તે 0.05 ટકા પર રહી હતી. જે સૂચવે છે કે ઈન્શ્યોરરે તેની બેલેન્સ શીટને સાફ કરવા માટે નેટ એનપીએને ઘટાડવા જંગી પ્રોવિઝન્સનો સહારો લીધો છે.
પોલિસીધારકોની પોલીસિ સંખ્યાના સંદર્ભમાં રિન્યૂઅલ પ્રિમિયમને સૂચવતો 13મા મહિનાનો પર્સિસ્ટન્સિ રેશિયો 2019-20ની સરખામણીમાં સુધરી 67 ટકા પર જોવા મળ્યો હતો. વાર્ષિક પ્રિમીયમના સંદર્ભમાં આ રેશિયો અગાઉના વર્ષના 72 ટકાની સરખામણીમાં સુધરી 79 ટકા જોવા મળ્યો હતો. આ જ રીતે 61મા મહિનાનો પર્સિન્ટન્સિ રેશિયો રિન્યૂલના સંદર્ભમાં અગાઉના વર્ષના 44 ટકાની સામે સુધરી 48 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે વાર્ષિક પ્રિમીયમના સંદર્ભમાં 54 ટકા પરથી સુધરી 59 ટકા પર જોવા મળ્યો હતો.
2020-21માં ઈન્શ્યોરરની કુલ આવક 10.7 ટકા વધી રૂ. 6.82 લાખ કરોડ પર રહી હતી. જે 2019-20માં રૂ. 6.16 લાખ કરોડ પર હતી. જ્યારે એલઆઈસીનું નેટ પ્રિમીયમ રૂ. 4.03 લાખ કરોડ રહ્યું હતું. જે 2019-20ના રૂ. 3.79 લાખ કરોડની સરખામણીમાં 6.33 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. કંપનીનું ફર્સ્ટ-યર પ્રિમીયમ ઘટીને 41.4 ટકા રહ્યું હતું. જ્યારે રિન્યૂઅલ પ્રિમીયમ્સ વધીને 8.82 ટકા રહ્યું હતું. જ્યારે સિંગલ પ્રિમીયમમાં 25 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. એલઆઈસીનો ચોખ્ખો નફો 6.9 ટકા વધી રૂ. 2906.77 કરોડ રહ્યો હતો. કુલ આવકની સરખામણીમાં ચોખ્ખા નફાનો રેશિયો 0.004 ટકાના સમાનદરે જળવાયો હતો. 2020-21માં કંપનીનું ઈન્વેસ્ટમેન્ટ યિલ્ડ 7.42 ટકા રહ્યું હતું. જે 2019-20માં 7.54 ટકા પર હતું. તેણે ઈન્ટરેસ્ટ, ડિવિડન્સ્સ અને રેંટમાંથી રૂ. 2.34 લાખ કરોડની કમાણી કરી હતી. જે અગાઉ વર્ષની રૂ. 2.16 લાખ કરોડ સામે 8.33 ટકા વધુ હતી.