બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓ હાવી રહેતાં બેન્ચમાર્ક દોઢ મહિનાની ટોચે
નિફ્ટીએ 16300 પાર કરતાં શોર્ટ સેલર્સની ચિંતા વધી
બેંકિંગ, ઓટો અને મેટલમાં મજબૂતી
નિફ્ટી ઓટો ઈન્ડેક્સે સર્વોચ્ચ સપાટી દર્શાવી
પીએસયૂ બેંક શેર્સમાં સતત બીજા દિવસે લેવાલી નીકળી
વોલેટિલિટી ઈન્ડેક્સમાં સ્થિરતા
એશિયા-યુરોપ સહિત વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ નરમ
અદાણી એન્ટરપ્રાઈઝે નવી ટોચ દર્શાવી
ભારતીય બજારે આગવી ચાલ દર્શાવતાં મંગળવારે બીજા દિવસે સુધારો જાળવ્યો હતો. બેન્ચમાર્ક સૂચકાંકો તેમની દોઢ મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 246 પોઈન્ટ્સ સુધરી 54768ની સપાટીએ જ્યારે નિફ્ટી 62 પોઈન્ટ્સ સુધારા સાથે 16341ની સપાટી પર બંધ રહ્યાં હતાં. જે 9 જૂન પછીનું તેમનું સૌથી ઊંચું બંધ હતું. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી અને બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સમાં સ્થિરતા જોવા મળી હતી. જે સૂચવે છે કે માર્કેટ ટૂંકાગાળામાં કોન્સોલિડેશન મોડમાં પ્રવેશી શકે છે.
સોમવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. જોકે શરૂઆતી ઘટાડો ઝડપથી ધોવાયો હતો અને માર્કેટ ફ્લેટ ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. મધ્યાહન બાદ નિફ્ટીએ 16300ની સપાટી પાર કરતાં શોર્ટ સેલર્સમાં ચિંતા વ્યાપી હતી અને તેમણે પોઝીશન કવર કરવાનું મુનાસિબ માન્યું હતું. જેની પાછળ બેન્ચમાર્ક 16360ની ટોચ પર ટ્રેડ થયા બાદ 20 પોઈન્ટ્સ નીચે બંધ રહ્યો હતો. માર્કેટમાં તેજીનું સુકાન બેંકિંગ પાસે હતું. પ્રથમ હરોળ સાથે બીજી હરોળની પ્રાઈવેટ બેંક્સમાં સારી ખરીદી જોવા મળી હતી. તો જાહેર ક્ષેત્રના બેંકિંગ શેર્સમાં પણ નોંધપાત્ર ખરીદી જળવાય હતી અને બેંક નિફ્ટી એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીના ઘટકોમાં બેંક ઓફ બરોડાનો શેર 4.35 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ફેડરલ બેંક 4 ટકા, બંધન બેંક 2.5 ટકા, એક્સિસ બેંક 2.35 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2 ટકા અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 1.61 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ નહિ એવો આરબીએલ બેંકનો શેર 6 ટકાથી વધુ સુધારા સાથે મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. આમ બેંકિંગ સેક્ટરમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. એનાલિસ્ટ્સ છેલ્લાં ઘણા સમયથી બેંકિંગ શેર્સમાં ખરીદી માટે ભલામણ કરી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં દેશમાં ક્રેડિટ ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બેંકિંગ કંપનીઓની એનપીએ છ વર્ષોના તળિયા પર પહોંચી છે અને તેથી તેમના પ્રોવિઝન્સ ઘટી રહ્યાં છે. જે તેમની પાસેનો કેશ ફ્લો વધારી રહ્યાં છે. આમ નવા બિઝનેસ માટે તેમની પાસે ઊંચી મૂડી પર્યાપ્તતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં એચડીએફસી બેંક તરફથી પ્રથમ ક્વાર્ટરનું પરિણામ રજૂ કરવામાં આવ્યું છે. જે મહ્દઅંશે સારુ રહ્યું છે. ફેડરલ બેંક પણ તેનું પરિણામ રજૂ કરી ચૂકી છે. જ્યારબાદ બેંક શેરના ભાવમાં ખરીદી જોવા મળી છે. ઓટો સેક્ટરમાં પણ ખરીદી ચાલુ રહી છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સે મંગળવારે 12553.60ની ટોચ દર્શાવી હતી. ચાલુ કેલેન્ડરમાં તે 15 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે છેલ્લાં ત્રણ મહિનામાં તે 18 ટકાનું મજબૂત રિટર્ન સૂચવે છે. મંગળવારે ઓટો કાઉન્ટર્સમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટનો શેર 12 ટકા જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત ભારત ફોર્જ 2 ટકા, એમએન્ડએમ 2 ટકા, આઈશર મોટર 1.4 ટકા અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ પણ લગભગ એક ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. સ્ટીલ શેર્સ પાછળ તેણે સુધારો નોંધાવ્યો હતો. સેઈલ, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર્સે તેમના ગયા સપ્તાહની ટોચને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ આમ કરવામાં સફળ નહોતાં રહ્યાં. માર્કેટ નિરીક્ષકોના મતે બુધવારનો દિવસ મેટલ શેર્સ માટે મહત્વનો છે. જો ફોલોઅપ બાઈંગ જળવાશે તો તેઓ ટૂંકાગાળામાં 10-15 ટકા સુધીનું રિટર્ન દર્શાવી શકે છે. મેટલ ઈન્ડેક્સ તેની ઓલ-ટાઈમ ટોચ પરથી નોંધપાત્ર કરેક્ટ થઈ ચૂક્યો છે અને તેથી તેમાં બાઉન્સની પૂરતી શક્યતાં છે. નિફ્ટી ફાર્મા એકમાત્ર ઈન્ડેક્સ બે સત્રોથી નરમાઈ દર્શાવી રહ્યો છે. મંગળવારે આઈટી શેર્સ ફ્લેટ ટ્રેડ દર્શાવતાં જોવા મળ્યાં હતાં.
બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાય હતી. જેની પાછળ બીએસી ખાતે માર્કેટ બ્રેડ્થ બીજા દિવસે પોઝીટીવ જોવા મળી હતી. પ્લેટફોર્મ પર કુલ ટ્રેડેડ 3454 કાઉન્ટર્સમાંથી 1975 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જયારે 1337 નેગેટિવ બંધ રહ્યાં હતાં. 98 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં એસ્કોર્ટ્સ કુબોટા 5.3 ટકા, ઓબેરોય રિઅલ્ટી 5 ટકા, પોલીકેબ 4.5 ટકા, બેંક ઓફ બરોડા 4.35 ટકા, કેનેરા બેંક 4 ટકા અને ફેડરલ બેંક 4 ટકા સુધારો દર્શાવતી હતી. જ્યારે ગેઈલ 2.7 ટકા, એનબીસીસ 2.3 ટકા, મેક્સ ફાઈનાન્સિયલ 2 ટકા અને ઈન્ડસ ટાવર્સ 2 ટકા ઘટાડો સૂચવતાં હતાં.
મીડ અને સ્મોલ-કેપ્સે મહિનાથી ઓછા સમયમાં 53 ટકાનું રિટર્ન આપ્યું
17 જૂને નિફ્ટીમાં 15183ના તળિયાથી મંગળવાર સુધીમાં બેન્ચમાર્કનું 8 ટકા રિટર્ન
અદાણી ટ્રાન્સમિશનનો શેર 50 ટકા જેટલો ઉછળ્યો
શેરબજારમાં છેલ્લો એક મહિનો મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ માટે ચાલુ કેલેન્ડરનો શ્રેષ્ઠ સમયગાળો બની રહ્યો છે. માર્કેટમાં જ્યારે મંદીનો ગભરાટ જોવા મળી રહ્યો હતો ત્યારે પંટર્સે તકનો લાભ લઈને પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી કરતાં 20 ટ્રેડિંગ સત્રોમાં તો તેમણે 53 ટકા સુધીનું તગડું રિટર્ન રળી આપ્યું છે. જેમાં હોસ્પિટલ, ફાર્મા, રિઅલ્ટી સહિતના સેક્ટર્સની કંપનીઓનો સમાવેશ થાય છે. જે સૂચવે છે કે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં હજુ પણ વેલ્યૂ બાઈંગની તકો પડેલી છે. જેનો બજારમાં ઘટાડા સમયે ઉપયોગ કરી શકાય છે.
એનએસઈ-500 જૂથના શેર્સના છેલ્લાં એક મહિના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે જૂથમાં સમાવિષ્ટ 500માંથી 454 કાઉન્ટર્સ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. એટલેકે 90 ટકાથી વધુ શેર્સમાં તેમના તળિયા આસપાસના ભાવથી સુધારો જોવા મળ્યો છે. 454 કાઉન્ટર્સમાંથી 191 કાઉન્ટર્સ 1 ટકાથી લઈ 10 ટકા સુધીનું વળતર દર્શાવી રહ્યાં છે. જ્યારે અન્ય 191 કાઉન્ટર્સ 10 ટકાથી 20 ટકાની રેંજમાં રિટર્ન આપી ચૂક્યાં છે. આમ લગભગ 382 કાઉન્ટર્સ એક ટકાથી લઈ 20 ટકા સુધીનું મધ્યમસરનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જે બેન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળતાં 8 ટકાના રિટર્નની સરખામણીમાં નોંધપાત્ર ઊંચું છે. આમ મીડ-કેપ અને સ્મોલ-કેપે બેન્ચમાર્ક્સને મોટા માર્જિનથી આઉટપર્ફોર્મ કર્યાં છે તે સ્પષ્ટ છે. જ્યારે 50 જેટલા કાઉન્ટર્સ 20-30 ટકાની રેંજમાં ઊચું વળત દર્શાવી રહ્યાં છે. તો 13 કાઉન્ટર્સ એવા છે જે 30 ટકાથી લઈ 53 ટકા સુધીનું તગડું વળતર આપી ચૂક્યાં છે. આમ બેન્ચમાર્કમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ્સમાં ચૂપચાપ તેજીનું ઓપરેશન્સ પાર પાડવામાં આવ્યું હતું એમ જોઈ શકાય છે. એનાલિસ્ટ્સના મતે ઓક્ટોબર 2021માં બજારે સર્વોચ્ચ ટોચ બનાવ્યાં બાદ વોલેટિલિટી વચ્ચે તે ઘસાતું રહ્યું હતું. જોકે મે-જૂનમાં મોટાભાગના મીડ અને સ્મોલ-કેપ્સના ઓવરસોલ્ડ ઝોનમાં પ્રવેશવા સાથે વેલ્યૂએશન્સની રીતે ફરી આકર્ષક બન્યાં હતાં. એમાં પણ કેટલીક ચોક્કસ કંપનીઓએ માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષાથી ઘણા સારા દર્શાવ્યાં હતા અને તેથી તેમાં નીચા ભાવે ખરીદીની તક ઊભી થઈ હતી. જેનો સ્માર્ટ રોકાણકારોએ લાભ લીધો હતો. એનએસઈ-500 જૂથની માત્ર 46 કંપનીઓ જ છેલ્લાં એક મહિનામાં સુધારો દર્શાવવામાં નિષ્ફળ રહી છે. જેમાં માત્ર ચાર જ કંપનીઓ એવી છે જે 10 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહી છે. આમાં ઓએનજીસી અને ઓઆઈએલ જેવી બે કંપનીઓ તો સરકારના નિર્ણયને કારણે તેમની ટોચના ભાવેથી નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહી છે. આ સિવાય સુઝલોન અને ઝોમેટોના શેર્સ અનુક્રમે 13 ટકા અને 17 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 32 શેર્સ એવા છે જે 1થી લઈ 9 ટકા સુધીનો ઘટાડો દર્શાવે છે.
ભાવમાં તીવ્ર સુધારો દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં ટીઆઈ ઈન્ડિયા(53 ટકા), આઈટીઆઈ(51 ટકા), અદાણી ટ્રાન્સમિશન(50 ટકા), એચજીએસ(48 ટકા), અદાણી ટોટલ(37 ટકા) અને સોભા ડેવલપર્સ(37 ટકા)નો સમાવેશ થાય છે.
જૂન મહિનાના તળિયેથી મીડ-કેપ્સની તેજીના આગેવાન
સ્ક્રિપ્સ 17 જૂનનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી 15183 16341 8
ટીઆઈ ઈન્ડિયા 1465 2235 53
ITI 82 124 51
અદાણી ટ્રાન્સ. 2005 3013 50
HGS 910 1350 48
ATGL 2062 2835 37
સોભા ડેવલપર્સ 488 668 37
આસાહી ઈન્ડિયા 421 573 36
સિએટ 895 1200 34
બજાજ ઈલે. 859 1135 32
અનુરાસ 556 731 32
ફ્લોરોકેમ 2464 3233 31
ગ્રેન્યૂલ્સ 235 308 31
જૂનમાં કોવિડ અગાઉના સ્તર કરતાં રિટેલ સેલ્સમાં 13 ટકા વૃદ્ધિ
Market Summary 19 July 2022
July 19, 2022
