માર્કેટ સમરી
નિફ્ટીમાં તળિયેથી 3 ટકાનો સ્માર્ટ બાઉન્સ
ભારતીય બજારે શરૂઆતી એક કલાકમાં પેનિક બાદ દિવસ દરમિયાન શોર્ટ કવરિંગ પાછળ તીવ્ર બાઉન્સ દર્શાવ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 14350ના તેના તળિયાથી 400 પોઈન્ટ્સથી વધુના સુધારે 14788 પર ટ્રેડ થયો હતો. માર્કેટમાં બ્રોડ બેઝ રિકવરી જોવા મળી હતી અને લાર્જ-કેપ્સ સાથે કેટલાક મીડ-કેપ્સમાં પણ તળિયાના ભાવથી સુધારો જોવા મળ્યો હતો.
નિફ્ટીને 14350નો સપોર્ટ મળ્યો
નિફ્ટીને તેણે 26 ફેબ્રુઆરીએ દર્શાવેલા 13300ના સ્તરેથી સપોર્ટ મળ્યો હતો. આ સ્તર અગાઉ મે 2020 અને સપ્ટેમ્બર 2020માં દર્શાવેલા બોટ્મ્સને જોડતી ટ્રેન્ડલાઈન પર આવે છે અને તેથી તે મહત્વનો સપોર્ટ છે. એનાલિસ્ટ્સના મતે બજેટના બીજા દિવસે ગેપ-અપ ઓપનીંગ વખતે આ ઝોનમાં એક ગેપ હતો તે પૂરાયો છે. જોકે અવરલી ચાર્ટ પર બજાર હજુ પણ નરમાઈ સૂચવે છે અને તેથી જ્યાં સુધી નિફ્ટી 14870 પર બંધ આપે નહિ ત્યાં સુધી તે આઉટ ઓફ વૂડ્સ છે એમ કહી શકાય નહિ.
જેએસડબલ્યુ સ્ટીલનું એમ-કેપ એક લાખ કરોડ પાર કરી ગયું
સ્ટીલ ક્ષેત્રે અગ્રણી ખેલાડી જેએસડબલ્યુ સ્ટીલે રૂ. એક લાખના માર્કેટ-કેપ હાંસલ કર્યું છે. કંપનીનો શેર શુક્રવારે 4 ટકાથી વધુના સુધારે રૂ. 446ની ટોચ બનાવી રૂ. 441 પર બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર વાર્ષિક રૂ. 132ના તળિયાના ભાવથી સતત સુધરતો જોવા મળ્યો છે. સ્ટીલ ક્ષેત્રે દેશમાં તે સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. કંપનીએ ટાટા સ્ટીલને એમ-કેપમાં પાછળ રાખી દીધી છે. શુક્રવારે તમામ સ્ટીલ કંપનીઓના શેર્સમાં નીચલા સ્તરેથી બાઉન્સ જોવા મળ્યો હતો.
રેટિંગ એજન્સી ઈકરાનો શેર 20 ટકા ઉપલી સર્કિટમાં બંધ
દેશમાં જાણીતી રેટિંગ એજન્સી ઈકરાનો શેર નરમ બજારમાં પણ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. ગુરુવારે રૂ. 2791 પર બંધ રહેલો શેર શુક્રવારે 20 ટકા અથવા રૂ. 558.15ના ઉછાળે રૂ. 3349ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3232 કરોડ પર જોવા મળ્યું હતું. રૂ. 1969ના વાર્ષિક તળિયા સામે કંપનીનો શેર 60 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે.
સોનું-ચાંદી સહિત બેઝ મેટલ્સમાં નરમાઈ
કિંમતી ધાતુઓમાં એકાંતરે દિવસે તેજી-મંદીની રમત જોવા મળી રહી છે. ગુરુવારે સુધારો દર્શાવ્યાં બાદ સોનું-ચાંદી શુક્રવારે નરમાઈ દર્શાવતાં હતાં. એમસીએક્સ સિલ્વર મે વાયદો 0.9 ટકા થવા રૂ. 577ના ઘટાડે રૂ. 67170 પર ટ્રેડ થતો હતો. જ્યારે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 44ના ઘટાડે રૂ. 44907 પર ટ્રેડ થતો હતો. કોપરમાં 1.5 ટકાની નરમાઈ હતી અને તે અંતિમ ઘણા સપ્તાહોના તળિયા પર ટ્રેડ દર્શાવતું હતું. ક્રૂડ, નીકલ, ઝીંક અને એલ્યુમિનિયમ પણ નરમાઈ દર્શાવતાં હતાં.
માર્કેટમાં ઊંચી વધ-ઘટ વચ્ચે રોકાણકારો ડિફેન્સિવ્સ તરફ વળ્યાં
શુક્રવારે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે 34-ડીએમએ પાર કરીને બ્રેક-આઉટ દર્શાવ્યું
આઈટી ઈન્ડેક્સ ગુરુવારે એક દિવસ માટે નરમ રહ્યાં બાદ ફરી મજબૂત બન્યો
ભારતીય બજારમાં જોવા મળી રહેલી ઊંચી વધ-ઘટને જોતાં રોકાણકારો ડિફેન્સિવ્સ તરફ વળ્યાં છે. ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ઊંચી વોલેટિલિટી વચ્ચે આઈટી કાઉન્ટર્સ સુધારાતરફી બની રહ્યાં હતાં. શુક્રવારે તેમની સાથે એફએમસીજી કંપનીઓ જોડાઈ હતી. તેમણે લાંબા સમય બાદ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને મહત્વનું બ્રેકઆઉટ આવ્યું હતું. ફાર્મા શેર્સમાં પણ સાધારણ મજબૂતી જોવા મળી હતી.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે નોંધપાત્ર સમય બાદ એફએમસીજી શેર્સમાં ઊંચી ખરીદી જોવા મળી હતી અને તેઓ 4 ટકાથી વધુનો સુધારો દર્શાવી શક્યાં હતાં. જેની પાછળ નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે 34-ડીએમએના સ્તરને પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જે સ્પષ્ટપણે સૂચવે છે કે આગામી દિવસોમાં એફએમસીજી ઈન્ડેક્સ તેણે ફેબ્રુઆરીમાં દર્શાવેલી સર્વોચ્ચ સપાટીને ફરી સ્પર્ષી શકે છે. એફએમસીજી ઈન્ડેક્સે 8 ફેબ્રુઆરીના રોજ 35000ની ટોચ બનાવી હતી. જ્યારબાદ તે કરેક્ટ થયો હતો. જોકે શુક્રવારે તેણે 34-ડીએમએનું સ્તર પાર કર્યું હતું અને 2.43 ટકા અથવા 806 પોઈન્ટ્સ ઉછળી 34028 પર બંધ રહ્યો હતો. અગ્રણી તમામ એફએમસીજી કાઉન્ટર્સ ઉછળ્યાં હતાં. જેમાં હેવીવેઈટ હિંદુસ્તાન યુનિલીવર 4.4 ટકા ઉછળી બંધ આવ્યો હતો. તે મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. સારો દેખાવ દર્શાવનાર અન્ય એફએમસીજી કાઉન્ટર્સમાં જ્યુબિલિઅન્ટ ફૂડ્ઝ(2.8 ટકા), પીએન્ડજી(2.7 ટકા), યુનાઈટેડ બ્રૂઅરીઝ(2.5 ટકા), આઈટીસી(2.5 ટકા) અને મેરિકો(2.2 ટકા)નો સમાવેશ થતો હતો. આઈટીસીએ સતત બીજા દિવસે સારો દેખાવ દર્શાવ્યો હતો. ચાલુ સપ્તાહ દરમિયાન નિફ્ટી એફએમસીજી 3 ટકા સુધર્યો હતો.
આઈટી કંપનીઓની વાત કરીએ તો સોમવારથી બુધવાર દરમિયાન બજારમાં નરમાઈ વચ્ચે તેમણે પોઝીટીવ ટ્રેન્ડ નોંધાવ્યો હતો અને 34-ડીએમએની સપાટી પાર કરી બ્રેકઆઉટ આપ્યું હતું. જોકે ગુરુવારે બજારમાં વ્યાપક વેચવાલી પાછળ આઈટી ઈન્ડેક્સ પણ ગગડ્યો હતો. જોકે શુક્રવારે તે પરત ફર્યો હતો. અગ્રણી આઈટી કંપની એક્સેન્ચરે સારુ ગાઈડન્સ આપતાં આઈટી કંપનીઓ માટે સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. કંપની ભારતીય બજાર પર લિસ્ટેડ નથી. જોકે તેનું કદ મોટું છે અને તેથી બજાર તેના ગાઈડન્સની નોંધ લેતું હોય છે. આમ લિસ્ટેડ આઈટી કંપનીઓ પર સારી અસર પડી હતી અને 3 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહી હતી. એકમાત્ર ટેક મહિન્દ્રાને બાદ કરતાં તમામ આઈટી કંપનીઓ સુધારા સાથે બંધ રહી હતી. ફાર્મા ક્ષેત્ર જોકે તેજીમાં જોડાઈ શક્યું નથી. નિફ્ટી ફાર્મા 12 જાન્યુઆરીના રોજ તેની ટોચ બનાવ્યાં બાદ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યો છે. જોકે કોવિડ બાદ બજારમાં કડાકા બાદ સૌથી પહેલા ફાર્મા કંપનીઓમાં તેજી આવી હતી અને તેમણે તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. આમ તેઓ હજુ પણ કેટલોક સમય કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે એમ એનાલિસ્ટ્સ માને છે.
શુક્રવારે એફએમસીજી-આઈટી કંપનીઓનો દેખાવ
કંપની વૃદ્ધિ(%)
એચયૂએલ 4.37
જ્યુબિલિઅન્ટ ફૂડ 3.0
કોફોર્જ 3.2
ઈન્ફો એજ 2.8
પીએન્ડજી 2.7
યુનાઈટેડ બ્રૂઅરીઝ 2.5
આઈટીસી 2.5
મેરિકો ઈન્ડસ્ટ્રીઝ 2.4