Market Summary 19 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સપ્તાહાંતે તેજીવાળાઓએ બમણા જોરથી બદલો લીધો
મંદીવાળાઓને શોર્ટ કાપણી માટે દોડવું પડ્યું
નિફ્ટી ફરી 16 હજાર પર પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 23.10ના સ્તરે
મેટલ, ફાર્મા, ઓટો, એફએમસીજી, એનર્જી, રિઅલ્ટીમાં ભારે લેવાલી
બ્રોડ માર્કેટમાં પણ નીકળેલી સારી લેવાલી
તેજીના દિવસે પણ એલઆઈસીમાં 2 ટકાનું ધોવાણ
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ અન્ડરટોન
શેરબજારમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલા જોવા મળી રહ્યાં છે. ચાલુ સપ્તાહે બે બાજુની મોટી વધ-ઘટને જાળવતાં સપ્તાહના આખરી દિવસ શુક્રવારે તેજીવાળાઓએ મંદીવાળાઓને શોર્ટ કાપણી માટે ફરજ પાડી હતી અને બેન્ચમાર્ક્સ ગુરુવારના ઘટાડા કરતાં પણ ઊંચા સુધારે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 1534 પોઈન્ટ્સ ઉછળી 54326ના સ્તરે જ્યારે એનએસઈનો નિફ્ટી 457 પોઈન્ટ્સના ઉછાળે 16266ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઘટી 23.10ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 48 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 2માં ઘટાડો જોવા મળતો હતો. બ્રોડ માર્કેટમાં એક દિવસના વિરામ બાદ ખરીદી નીકળી હતી અને ત્રણ શેર્સમાંથી વધુમાં સુધારા સામે એકમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આશ્ચર્યની બાબત એ છે કે ગુરુવારે રાતે પણ યુએસ બજારો નરમાઈ સાથે જ બંધ રહ્યાં હતાં અને તેમ છતાં ઈમર્જિંગ બજારોમાં મજબૂતી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડ. એવરેજ 239 પોઈન્ટ્સના ઘટાડે જ્યારે નાસ્ડેક પણ નરમાઈ સાથે બંધ રહ્યો હોવા છતાં એશિયાઈ બજારો 3 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. જેમાં હોંગ કોંગ માર્કેટ 3 ટકા સાથે સૌથી ઊંચો દેખાવ નોંધાવતું હતું. જ્યારે કોરિયા, જાપાન, ચીન અને સિંગાપુરના બજારો પણ એકથી બે ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બપોરે ખૂલેલા યુરોપ બજારો પણ 2 ટકા મજબૂતી સૂચવતાં હતાં. આમ ભારતીય બજારને ઊંચો મોરલ સપોર્ટ સાંપડ્યો હતો અને તેથી તેજીવાળાઓએ શરૂઆતથી જ તેમની પકડ જાળવી રાખી હતી. જે બજાર બંધ થયું ત્યાં સુધી જળવાય હતી. બેન્ચમાર્ક નિફ્ટી બજાર બંધ થાય તે પહેલા 16283ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ જોવા મળ્યો હતો. મે સિરિઝ ફ્યુચર્સ પણ 9 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 16275ના સ્તરે બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે શુક્રવારે બજારમાં તીવ્ર બાઉન્સ જોતાં નવા સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે થવાની શક્યતાં ઊંચી છે. જે સ્થિતિમાં નિફ્ટી 16500-16600 સુધીના સ્તર દર્શાવી શકે છે. કેમકે આગામી સપ્તાહે વધુ શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.
શુક્રવારે માર્કેટને તમામ ક્ષેત્રો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં મેટલ, ફાર્મા અને ઓટો મુખ્ય હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેસ 4.2 ટકા ઉછળ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં વેલસ્પન કોર્પ 17 ટકા ઉછળ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ 5 ટકા, નાલ્કો 5 ટકા, એનએમડીસી 4.5 ટકા, ટાટા સ્ટીલ 4.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ફાર્મા ક્ષેત્રે ડો. રેડ્ડીઝ લેબોરીટરીઝ 8 ટકા ઉછળ્યો હતો. ઓરોબિંદો ફાર્મા 7 ટકા, બાયોકોન 5.4 ટકા, ઝાયડસ લાઈફ 5.3 ટા, સિપ્લા 4.3 ટકા અને સન ફાર્મા 3.5 ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઓટો ક્ષેત્રે અશોક લેલેન્ડ 6 ટકા, બોશ 6 ટકા, ટાટા મોટર્સ 5 ટકા, હીરોમોટોકો 3 ટકા અને અમર રાજા બેટરીઝ 3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 5.83 ટકા ઉછળી રૂ. 2624ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે પણ બેન્ચમાર્ક્સના ઉછાળામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નિફ્ટીમાં ઊંચો સુધારો દર્શાવનાર અન્ય કાઉન્ટર્સમાં નેસ્લે, અદાણી પોર્ટ્સ, લાર્સન, બ્રિટાનિયા, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક તથા એસબીઆઈનો સમાવેશ પણ થાય છે. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 10.5 ટકા, સન ટીવી નેટવર્ક 8.4 ટકા, ભેલ 7.6 ટકા, સ્ટ્રાઈડ્સ ફાર્મા 6 ટકા, જેકે સિમેન્ટ 5.4 ટકાનો સુધારો નોંધાવતા હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3418 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2497 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 777 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ 65 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.
સુગર નિકાસ 75 લાખ ટન પર પહોંચી
દેશમાંથી ખાંડની નિકાસ 75 લાખ ટન પર પહોંચી ગઈ છે. જ્યારે અન્ય 15 લાખ ટનના કોન્ટ્રેક્ટ શીપમેન્ટ માટેની પાઈપલાઈનમાં છે. જે આગામી બે મહિના દરમિયાન હાથ ધરવામાં આવશે. જેને જોતાં દેશમાંથી 2021-22(ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં 90 લાખ ટનની સુગર નિકાસનો નવો વિક્રમ સ્થપાશે એમ વર્તુળો માની રહ્યાં છે. સરકારી વર્તુળોના જણાવ્યા અનુસાર દેશ માટે પ્રથમવાર એવું બન્યું છે કે એકપણ પૈસાની સબસિડી વિના વિક્રમી સુગર નિકાસ હાથ ધરવામાં આવી છે. ગઈ સિઝનમાં પણ કુલ નિકાસ 70 લાખ ટન પર રહી હતી અને તેણે 60 લાખ ટનના અંદાજને પાર કર્યો હત. છેલ્લાં પાંચ વર્ષોમાં સુગર મિલ્સને નિકાસ માટે સુવિધા આપવા સરકારે રૂ. 14456 કરોડ છૂટા કર્યાં હતાં. જ્યારે રૂ. 2000 કરોડ બફર સ્ટોકની જાળવણી માટે ચૂકવ્યાં હતાં. જે મળીને કુલ રૂ. 16500 કરોડની સબસિડી ચૂકવી હતી. જોકે વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ મજબૂત રહેવાના કારણે ચાલુ સિઝનમાં કોઈપણ સબસિડીની જરૂર પડી નથી. નિકાસમાંથી ઊંચા મળતરને કારણે સુગર કંપનીઓ શેરડી ખેડૂતોને ચૂકવવાના થતાં નાણા પણ ચૂકવી શકી છે. દરમિયાનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 58.07 લાખ ટન અથવા 18 ટકા જેટલું વધ્યું છે. ચાલુ સિઝનમાં 521 મિલ્સે કામગીરી નોંધાવી છે. જે ગઈ સંખ્યા સિઝનમાં 506 પર હતી. 15 મે સુધીમાં 405 મિલ્સે કામગીરી બંધ કરી હતી. જ્યારે 116 મિલ્સ હજુ પણ કાર્યરત છે.
એક્સપોર્ટ ક્વોટા પૂરો થતાં સ્ટીલ મિલ્સના યુરોપ શીપમેન્ટ્સમાં ઘટાડો
ભારતીય સ્ટીલ મિલ્સે ભાવમાં ઘટાડા તેમજ તેમનો નિકાસ ક્વોટા પૂરો થતાં યુરોપ ખાતે નિકાસ ઘટાડી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં યુરોપ તેમના માટે એક મહત્વનું બજાર બની રહ્યું હતું. ટ્રેડ વર્તુળોના જણાવ્યા મુજબ સ્થાનિક મિલ્સે એપ્રિલથી જૂન માટેના નિકાસ ક્વોટાને પણ વાપરી લીધો છે અને તેથી તેમના શીપમેન્ટ્સ ઘટ્યાં છે. ભારત માટે આ સમયગાળામાં એચઆરસી માટેનો ક્વોટા સુધારી 2,73,200 ટન કરવામાં આવ્યો હતો. જે જાન્યુઆરી-માર્ચ 2022ના ક્વોટાની સરખામણીમાં 39 ટકા ઊંચો હતો. ત્યારે કોલ્ડ રોલ્ડ કોઈલ્સ માટેનો ડેટા 1 ટકા સુધારી 86,600 ટન કરવામાં આવ્યો હતો.
જર્મન રિટેલર મેટ્રો 1.75 અબજ ડોલરમાં ભારતીય બિઝનેસને વેચશે
જર્મન રિટેલ કંપની મેટ્રો એજી ભારતીય બજારમાંથી બહાર નીકળવા માટેનું વિચારી રહી છે. જે માટે કંપની તેના કેશ-એન્ડ-કેરી ઓપરેશન્સને 1.5-1.75 અબજ ડોલરના વેલ્યૂએશનમાં વેચવાની વિચારણા ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. કંપનીના બિઝનેસની ખરીદીમાં એમેઝોન, રિલાયન્સ રિટેલ, એવન્યૂ સુપરમાર્ટ્સ, તાતા ગ્રૂપ, લૂલૂ ગ્રૂપ, પીઈ ફંડ સમારા કેપિટલ તથા થાઈલેન્ડનું રિટેલ જૂથ પણ રસ ધરાવતું હોવાનું જાણવા મળે છે. ભારતમાં 2003માં પ્રવેશનાર મેટ્રો એજી હાલમાં કુલ 31 કેશ-એન્ડ-કેરી સ્ટોર્સ ચલાવે છે. કંપનીએ જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાચને ભારતમાં મેટ્રો એજીના બિઝનેસના યોગ્ય ખરીદાર શોધવા માટે નીમ્યાં હોવાનું જાણવા મળે છે.


સંસ્થાકિય રોકાણકારો અને HNIs માટે IPO બિડીંગ પ્રક્રિયાને કડક બનાવવાની વિચારણા
રિટેલ ઈન્વેસ્ટર્સની માફક ક્વિબ અને એનઆઈઆઈએ પણ પણ બીડ સાથે જ અપફ્રન્ટ કેશ ચૂકવવી પડશે

સંસ્થાકિય રોકાણકારો અને હાઈ નેટ વર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સે હવેથી આરંભિક જાહેર ભરણા(આઈપીઓ)માં શેર્સની ખરીદી માટે બીડ કરતી વખતે રિટેલ ઈન્વેસ્ટર્સની માફક જ અપફ્રન્ટ કેશની ચૂકવણી કરવાની રહેશે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કરવામાં આવી રહેલી આઈપીઓ બીડીંગ સિસ્ટમની સમીક્ષામાં આમ વિચારાઈ રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. જેમાં ઉપરોક્ત બંને કેટેગરીઝે જરૂરી ફંડ્સની ચૂકવણી સાથે જ બીડ્સ રજૂ કરવાના રહેશે.
હાલની વ્યવસ્થા મુજબ સંસ્થાકિય રોકાણકારો અને હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સને તેમના બીડ રજૂ કર્યાં બાદ એક કે બે દિવસમાં ફંડ્સની ગોઠવણ કરવાની છૂટ મળે છે. સરકારે વર્તમાન બીડીંગ સિસ્ટમ સંસ્થાકિય રોકાણકારો અને હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સને વ્યવસ્થાનું શોષણ કરીને સબસ્ક્રિપ્શનના આંકને ખોટી રીતે ઊંચે લઈ જવામાં આવતો હોવાનું નોંધ્યા બાદ રેગ્યુલેટરે સમીક્ષા હાથ ધરી છે. પાછળથી આ રોકાણકારો ફંડ્સના અભાવે અથવા અન્ય કારણોસર સબસ્ક્રિપ્શનને રદ પણ કરતાં હોય છે. આમ તેઓ વર્તમાન સુવિધાનો દૂરુપયોગ કરી રહ્યાં છે. માર્કેટની ભાષામાં આ પ્રકારના બીડને ‘બીડેડ બટ નોટ બેંક્ડ’ એપ્લિકેશન્સ તરીકે ગણવામાં આવે છે અને તે આપમેળે રિજેક્ટ થતી હોય છે. વર્તમાન નિયમો હેઠળ બંને કેટેગરીઝના રોકાણકારોને કોઈપણ પ્રકારના ફંડ્સ વિના બીડ સબમિટ કરવાની છૂટ હોવાના કારણે આવી અરજીઓ સંભવ બને છે. જે રિટેલ ઈન્વેસ્ટર્સ માટેના નિયમોથી તદ્દન વિપરીત છે. રિટેલ ઈન્વેસ્ટર્સ જો તેના બેંક એકાઉન્ટ્સમાં પર્યાપ્ત ફંડ હોય તો જ આઈપીઓમાં શેર્સ માટે બીડ કરી શકે છે. બીડ સાથે જ બેંકમાં રહેલું ફંડ બ્લોક્ડ થાય છે. તાજેતરમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આઈપીઓમાં સંસ્થાકિય સેગમેન્ટમાં મોટી સાઈઝના બીડીંગ ફંડના અભાવે રિજેક્ટ થયાં બાદ આ મુદ્દો વધુ મહત્વનો બન્યો છે એમ જાણકારો જણાવે છે. આઈપીઓમાં ક્વિપ હિસ્સો ઓવર-સબસ્ક્રાઈબ્ડ રહે તે માટે સ્થાનિક સંસ્થાઓએ છેલ્લી મિનિટે બીડીંગ માટે દોડવું પડ્યું હતું. તાજેતરમાં મર્ચન્ટ બેંકર્સના અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન એવા એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ ઓફ ઈન્ડિયાએ તેના સભ્યોને જણાવ્યું હતું કે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ બાયર્સ અને નોન-ઈન્સ્ટિટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સના હિસ્સામાં અનેક અરજીઓને તેમના ખાતામાં ફંડના અભાવે રજિસ્ટ્રારે અને ટ્રાન્સફર એજન્ટે રિજેક્ટ કરી હતી. તાજેતરમાં એલઆઈસીના આઈપીઓ બાદ સરકારના દિપમ વિભાગના અધિકારીઓ સાથે માર્કેટ પાર્ટિસિપન્ટ્સની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

SPACsના લિસ્ટીંગ માટે રૂપરેખા તૈયાર કરી રહેલી સેબી
બ્લેન્ક ચેક તરીકે ઓળખખાતી આવી કંપનીઓની રચના આઈપીઓ થકી નાણા ઊભા કરવા માટે થઈ હોય છે
ભારતમાં ટૂંક સમયમાં બ્લેન્ક ચેક કંપનીનું પોતાનું વર્ઝન આવશે. યુએસની માફક ભારતીય માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પણ સ્પેશિયલ પર્પઝ એક્વિઝીશન કંપનીઝ (એસપીએસી)ના લિસ્ટિંગને મંજૂરી આપે તેવી શક્યતા છે.
સેબીએ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમીટી ઓન ફાઇનાન્સને જાણકારી આપી છે કે તે ભારતીય મૂડી બજારો માટે એસપીએસી માટેના માળખા અંગે ચર્ચા વિચારણા કરી રહી છે તથા આ બાબતને ધ્યાનમાં લેવા માટે રચાયેલી કમીટી તેના રિપોર્ટને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં છે. મહત્વપૂર્ણ છે કે એસપીએસીની કોઇપણ પ્રકારની વાણિજ્યિક કામગીરી હોતી નથી, પરંતુ તે આઇપીઓ દ્વારા માત્ર મૂડી ભંડોળ એકત્ર કરવા માટે જ રચવામાં આવે છે. એસપીએસીનો હેતુ વર્તમાન કંપનીને હસ્તગત કરવાનો અથવા મર્જરનો હોય છે. માર્કેટની ભાષામાં એસપીએસીને બ્લેન્ક ચેક કંપની તરીકે ઓળખવામાં આવે છે.
એક અંદાજ મૂજબ વર્ષ 2020માં લગભગ 250 એસપીએસીની રચના કરાઇ હતી, જેમાં મોટાભાગની યુએસમાં હતી તથા તેમાં 80 અબજ યુએસ ડોલરનું રોકાણ થયું હતું. વર્ષ 2021માં આશરે 600 એસપીએસીના આઇપીઓ આવ્યાં હતાં. તાજેતરમાં ભારતીય કંપની દ્વારા રચાયેલી એસપીએસી યુએસમાં લિસ્ટ થઇ હતી. ઉદાહરણરૂપે રિન્યૂ પાવર યુએસ સ્થિત બ્લેન્ક ચેક કંપની આરએમજી એક્વિઝિશન કોર્પોરેશન 2 સાથે મર્જ થઇ હતી અને ત્યારબાદ નાસ્ડેક ઉપર લિસ્ટ થઇ હતી. આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા લાંબી છે કારણકે તેમાં ફરજીયાત નિયામકીય ફાઇલિંગ્સ તથા બીજી જવાબદારીઓ સામેલ હોય છે. તેનાથી વિપરિત એસપીએસી સાથે મર્જ થતી અથવા તેના દ્વારા હસ્તગત કરાયેલી કંપની થોડાં જ દિવસમાં એક્સચેન્જીસ ઉપર લિસ્ટ કરી શકાય છે.

ઘઉંનું ઉત્પાદન ગઈ સિઝન કરતાં 38 લાખ ટન નીચું રહેવાનો અંદાજ
સરકારના અગાઉના 11.13 કરોડ ટન સામે ઉત્પાદન 4.41 ટકા ઘટાડે 10.64 કરોડ ટન રહેશે
રાયડાનું 1.17 કરોડ ટન જ્યારે ચણાનું ઉત્પાદન 1.39 કરોડ ટન રહેવાનો અંદાજ
આગામી જૂનમાં પૂરી થનારી 2021-22ની પાક સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 10.641 કરોડ ટન રહેવાનો સત્તાવાર અંદાજ મૂકવામાં આવ્યો છે. જે ગયા વર્ષના ઉત્પાદનની સરખામણીમાં 38 લાખ ટન જેટલો નીચો હશે. જ્યારે સરકારે સિઝનના મધ્યાંતરે અંદાજેલા 11.132 કરોડ ટન ઉત્પાદનના અંદાજની સરખામણીમાં 4.41 ટકા જેટલો નીચો રહેશે. ઉત્પાદનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઘઉં પકવતાં મુખ્ય રાજ્યો જેવાકે પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં માર્ચ મહિનામાં જોવા મળેલો હિટ વેવ છે. જેને કારણે યિલ્ડ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
ગુરુવારે રજૂ કરવામાં આવેલા ત્રીજા ખાદ્યાન્ન ઉત્પાદન અંગેના અંદાજ મુજબ ભારતમાં સમગ્રતયા ખાદ્યાન્નનું ઉત્પાદન 31.451 કરોડ ટન જોવા મળશે. જે ગયા વર્ષે જોવા મળેલા 31.074 કરોડ ટનની સરખામણીમાં એક ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. તાજા આંકડા મુજબ સેન્ટ્રલ પુલ માટે ઘઉંની ખરીદી 18 મે સુધીમાં 1.81 કરોડ ટન પર જોવા મળી હતી. એનો અર્થ એવો થાય છે કે સરકારે ગયા શનિવારે દેશમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં બાદ નવી 1.16 લાખ ટન ઘઉંની ખરીદી જોવા મળી છે. સરકારે ચણાનું ઉત્પાદન 1.398 કરોડ ટન પર રહેવાનો અંદાજ બાંધ્યો છે. જે ગયા વર્ષે 1.119 કરોડ ટન પર હતું. જ્યારે રવિ તેલિબિયાં રાયડાનું ઉત્પાદન ગયા વર્ષે 1.021 કરોડ ટન સામે 17 ટકા જેટલું વધી 1.174 કરોડ ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં બાદ દેશમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 80-100 જેટલાં તૂટ્યાં હતાં. જેમાં મધ્ય પ્રદેશમાં કેટલીક મંડીઓમાં ઘઉંના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2015 પ્રતિ ક્વિન્ટલની નીચે પણ ઉતરી ગયા હતા. ભારતીય ટ્રેડર્સે નવી માર્કેટિંગના બે મહિનામાં જ 40 લાખ ટનથી વધુ ઘઉં નિકાસના કોન્ટ્રેક્ટ્સ કર્યાં હોવાનું મનાય છે. જેમાંથી 12 લાખ ટનનું શીપમેન્ટ પણ થઈ ચૂક્યું હતું. જે નાણા વર્ષ 2021-22માં થયેલી નિકાસના 56 ટકા જેટલો હિસ્સો સૂચવે છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

કોન્કોરઃ સરકારી સાહસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 257.3 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25.06 કરોડ પર હતો. કંપનીનો એબિટા ગયા વર્ષના રૂ. 177 કરોડ પરથી વધી રૂ. 415.84 કરોડ પર રહ્યો હતો.
ગ્રેવિટાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 94.46 ટકા વૃદ્ધિ સાથે રૂ. 45.6 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.45 કરોડ પર હતો. કંપનીની આવક 52 ટકા ઉછળી રૂ. 666.4 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 438.3 કરોડ પર હતી.
અશોક લેલેન્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 901 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 252 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 8169 કરોડના અંદાજ સામે રૂ. 8744 કરોડ પર રહી હતી.
ચંબલ ફર્ટિલાઈઝરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 243.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 541.75 કરોડની સરખામણીમાં 55 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક રૂ. 1640.8 કરોડ સામે વધી રૂ. 3307.4 કરોડ જોવા મળી હતી.
એચપીસીએલઃ અગ્રણી ઓઈલ માર્કેટિંગ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1795 કરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ. 1620 કરોડના અંદાજ કરતાં ઊંચો છે. કંપનીની આવક જોકે રૂ. 1.14 લાખ કરોડના અંદાજ સામે રૂ. 97752 કરોડ પર રહી હતી.
ગ્લેન્ડ ફાર્માઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 286 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 290.8 કરોડના અંદાજથી સાધારણ નીચો છે. કંપનીની આવક જોકે રૂ. 1016 કરોડના અંદાજ સામે રૂ. 1103 કરોડ પર રહી હતી.
હેસ્ટર બાયોસાયન્સિસઃ કંપનીએ 2021-22 માટે રૂ. 39.48 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 34.70 કરતાં 14 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષની રૂ. 214.33 કરોડથી વધી રૂ. 235 કરોડ પર રહી હતી. તેની ઈપીએસ રૂ. 46.41 રહી હતી. કંપનીએ શેર દીઠ રૂ. 10ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
પંજાબ એન્ડ સિંધ બેંકઃ પીએસયૂ બેંકે નાણા વર્ષ 2021-22 માટે રૂ. 1039 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે તેણે રૂ. 2733 કરોડની ખોટ નોંધાવી હતી. માર્ચ ક્વાર્ટરમાં બેંકે રૂ. 346 કરોડનો નફો રળ્ય હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 161 કરોડ પર હતો.
ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડ્ક્ટ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 363.24 કરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ. 384 કરોડના અંદાજની સરખામણીમાં નીચો જોવા મળ્યો હત. કંપનીની આવક રૂ. 2895 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 2915 કરોડ પર રહી હતી.
પ્રિન્સ પાઈપ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 88.2 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 97.2 કરોડ પર હતો. કંપનીની આવક 6.2 ટકા ઉછળી રૂ. 901.1 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 761.3 કરોડ પર હતી.
એન્ડ્યૂરન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 136 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 187 કરોડ પર હતો. કંપનીની આવક 2.5 ટકા ઘટી રૂ. 2078.7 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 2132.8 કરોડ પર હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage