Market Summary 19 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક બજારમાં બ્લડબાથ વચ્ચે સેન્સેક્સ 1416 પોઈન્ટ્સ ગગડ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ઉછળી 24.55ના સ્તરે
નિફ્ટીના 50માંથી ત્રણ જ કાઉન્ટર્સ પોઝીટીવ
આઈટી શેર્સમાં ભારે વેચવાલી પાછળ ઈન્ડેક્સ 6 ટકા તૂટ્યો
મેટલ, ઓટો, રિઅલ્ટી, ફાર્મા, બેંકિંગ સહિત 4 ટકા સુધીનું ધોવાણ
બ્રોડ માર્કેટમાં ત્રણથી વધુ શેર્સમાં ઘટાડા સામે એકમાં ખરીદી
એલઆઈસીનો શેર રૂ. 949ની ઓફર સામે રૂ. 838 પર ટ્રેડ થયો
યુએસ બજારની આગેવાનીમાં વિશ્વભરના બજારોમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી હતી. એકમાત્ર ચીનને બાદ કરતાં તમામ મુખ્ય શેરબજારો 2-4 ટકા સુધીના ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ તેમના મે મહિનાના તળિયા પર બંધ રહ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 1416 પોઈન્ટ્સ ગગડી 52792ની સપાટીએ જ્યારે એનએસઈનો નિફ્ટી 431 પોઈન્ટ્સના ઘટાડે 15809ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકાથી વધુ ઉછળી 24.55ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 47 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર ત્રણ જ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ આવી જ હતી. બીએસઈ ખાતે ત્રણથી વધુ કાઉન્ટર્સમાં ઘટાડા સામે એક કાઉન્ટર પોઝીટીવ જોવા મળતું હતું.
શેરબજાર માટે ચાલુ સપ્તાહ ભારે વોલેટાઈલ જોવા મળી રહ્યું છે. યુએસ બજારમાં બે બાજુની એકાંતરે દિવસે જોવા મળતી વધ-ઘટ પાછળ વૈશ્વિક બજારો પણ તેમની ચાલ દર્શાવતાં રહ્યાં છે. મંગળવારે 2.5 ટકાના ઉછાળા સાથે બંધ રહેલું ભારતીય બજાર ગુરુવારે 2.6 ટકાથી વધુ ઘટાડો સૂચવતું હતું. જેનું કારણ બુધવારે યુએસ માર્કેટમાં જોવા મળેલ 5 ટકા સુધીનો તીવ્ર ઘટાડો છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક, બંને ફરી તેમના વર્ષના તળિયા નજીક ટ્રેડ થયાં હતાં. જેની પાછળ એશિયન બજારો પાણી-પાણી જોવા મળતાં હતાં. એકમાત્ર ચીનને બાદ કરતાં તમામ બજારો 2-3 ટકાની રેંજમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બજાર પણ 2 ટકાના ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ઘસારો દર્શાવીને દિવસના તળિયા નજીક જ બંધ રહ્યું હતું. નિફ્ટી માટે હવે 15600-15700ની રેંજમાં એક મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો બજાર વધુ 500-700 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે તેવી શક્યતા રાખવામાં આવે છે. જ્યારે ઉપરમાં 16300ના સ્તરની ઉપર બંધ આપવામાં નિફ્ટી સફળ રહે તો વધુ સુધારો દર્શાવી શકે છે. ટૂંકાગાળા માટે નિફ્ટી ઓવરસોલ્ડ છે અને તેથી એક બાઉન્સની અપેક્ષા રખાઈ રહી છે. જોકે તે ટકી શકતાં નથી. જોકે વિદેશી સંસ્થાકિય રોકાણકારોનું વલણ એપ્રિલની સરખામણીમાં મેમાં સારુ રહ્યું છે અને તેથી શોર્ટ કવરિંગ પાછળ એક ઝડપી બાઉન્સની શક્યતાં ટાળી શકાતી નથી.
ગુરુવારે માર્કેટમાં સૌથી વધુ વેચવાલી આઈટી સેક્ટરમાં જોવા મળી હતી. નિફ્ટી આઈટી 5.74 ટકા ગગડ્યો હતો. તે 39500ની ટોચ પરથી ગગડીને 28300ની સપાટી પર પહોંચી ગયો છે. અગ્રણી ઘટાડો દર્શાવનાર આઈટી કાઉન્ટર્સમાં કોફર્જ(7 ટકા), એલએન્ડટી ટેક્નોલોજી(7 ટકા), એમ્ફેસિસ(7 ટકા), વિપ્રો(6 ટકા), એચસીએલ ટેક(6 ટકા), માઈન્ડટ્રી(6 ટકા), ઈન્ફોસિસ(5.4 ટકા) અને ટેક મહિન્દ્રા(5.4 ટકા)નો સમાવેશ થતો હતો. આઈટી ઉપરાંત મેટલ ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. ઓટોમાં 2.7 ટકા, ફાર્મા 2.2 ટકા, બેંકનિફ્ટી 2.5 ટકા, નિફ્ટી રિઅલ્ટી 2.6 ટકા, નિફ્ટી એનર્જી 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. રોકાણકારોએ એક દિવસમાં રૂ. 6.75 લાખ કરોડનું ધોવાણ નોંધાવ્યું હતું. નિફ્ટી કાઉન્ટર્સમાં આઈટીસી 3.3 ટકા સાથે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. આ સિવાય ડો. રેડીઝ લેબો અને પાવર ગ્રીડ કોર્પો પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ ઘટવામાં અગ્રણી હતાં. ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં પીઆઈ ઈન્ડ., અબોટ, મેટ્રોપોલીસ અને અંબુજા સિમેન્ટ્સ પોઝીટીવ જોવા મળતાં હતાં.

સરકાર 30 સપ્ટેમ્બર પછી પણ ડ્યુટી-ફ્રી કોટનની છૂટ આપી શકે
કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલે ટેક્સટાઈલ ઉત્પાદકોને ખાતરી આપતાં જણાવ્યું છે કે જે કિસ્સામાં લેડિંગ બિલ્સ ઈસ્યુ કરવામાં આવ્યાં હશે તેવા કિસ્સામાં સરકાર 30 સપ્ટેમ્બર બાદ પણ આયાત મુક્ત કોટનની છૂટ આપી શકે છે. કોટનના ભાવો નીચા આવે તે માટેના પ્રયાસો અંગેની ચર્ચામાં ઉદ્યોગ વર્તુળો સાથેની બેઠકમાં તેમણે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. આ કાઉન્સિલમાં ટેક્સટાઈલ્સ, એગ્રીકલ્ચર તથા કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફાઈનાન્સ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હશે. સાથે કાઉન્સિલમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના પ્રતિનિધિ પણ સમાવિષ્ટ હશે. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં સૌથી ઊંચી રોજગારી ઊભા કરતાં ટેક્સટાઈલ ઉદ્યોગના ભોગે સરકાર કોટન નિકાસ થવા દેશે નહિ. કાઉન્સિલની પ્રથમ બેઠક 28 મેના રોજ મળશે.
ક્રૂડમાં ઊંચા મથાળે ફરી વેચવાલી જોવા મળી
વૈશ્વિક ક્રૂડના ભાવ ઊંચા મથાળે ટકવામાં અવરોધનો સામનો કરી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ગુરુવારે 114 ડોલરની ટોચ પરથી ગગડી 107 ડોલરના સ્તર નીચે ઉતરી ગયો હતો. બુધવારે પણ તે આ સ્તરેથી પરત ફર્યાં બાદ 109 ડોલર આસપાસ બંધ રહ્યો હતો. જોકે ગુરુવારે ફ્લેટ ઓપનીંગ બાદ તે ફરી શરૂમાં સુધારાતરફી જળવાયાં બાદ પાછળથી ગગડ્યો હતો. ચીન ખાતે વપરાશમાં તીવ્ર ઘટાડાની સંભાવના પાછળ ક્રૂડ ઊંચા સ્તરે ટકવામાં સતત નિષ્ફળતાં દર્શાવી રહ્યું છે. બીજી બાજુ માર્કેટમાંથી રશિયન સપ્લાય દૂર થઈ રહ્યો છે અને તેથી સમગ્રતયા પુરવઠાની સ્થિતિ ગંભીર બની રહી છે. જેની પાછળ બ્રેન્ટ વાયદો 100 ડોલર નીચે ટ્રેડ થવાની શક્યતા પણ ઓછી હોવાનું નિરીક્ષકો માને છે.

કેન્દ્ર સરકારે પીએસયુ બોર્ડને વધુ સત્તાઓ આપી
હવેથી પીએસયૂ બોર્ડ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી શકશે

જાહેરક્ષેત્રની કંપનીઓના બોર્ડને વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ, લઘુત્તમ હિસ્સાનું વેચાણ અથવા તેમની પેટા કંપનીઓ અને સંયુક્ત સાહસોને બંધ કરવાની ભલામણ કરવા માટે સક્ષમ કરવાની દરખાસ્તને કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી છે.
હાલમાં પીએસયુ બોર્ડ્સ પાસે ઇક્વિટી રોકાણ તથા મર્જર અને એક્વિઝિશન કરવાની સત્તા છે, જેમાં કેટલીક ટોચ મર્યાદાઓ સામેલ છે. આ ઉપરાંત કેટલીક પીએસયુ પાસે લઘુત્તમ હિસ્સાના વેચાણનો પણ પાવર છે. વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી શકાશે તથા તે સ્પર્ધાત્મક બિડિંગના સિદ્ધાંતો ઉપર આધારિત રહેશે. તેના માટેની માર્ગદર્શિકા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) દ્વારા નિર્ધારિત કરાશે. પીએસયુ બંધ કરવા માટેની માર્ગદર્શિકા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસિસ (ડીપીઇ) દ્વારા ઇશ્યૂ કરાશે.
વધુમાં કેબિનેટે વૈકલ્પિક કાર્યપદ્ધતિને પણ સક્ષમ બનાવી છે, જેમાં નાણા મંત્રી નિર્મલા સિતારમણ, માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડતરી તથા એડમિનિસ્ટ્રેટિવ મિનિસ્ટ્રીના મંત્રી સામેલ છે કે જેઓ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ, લઘુત્તમ હિસ્સાના વેચાણ, પેટા કંપનીઓને બંધ કરવી તથા પેરેન્ટ પીએસયુમાં જોઇન્ટ વેન્ચરના હિસ્સાના વેચાણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી શકે છે.
ન્દ્રની પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (પીએસઇ) નીતિ, 2021ને અનુરૂપ આ પહેલનો હેતુ વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક સેક્ટરમાં સરકારની હાજરીને ઓછી કરવાનો છે. પીએસયુ બોર્ડ્સને પ્રદાન કરાયેલી સત્તાઓ તેમને વધુ સ્વાયત્તતા પ્રદાન કરશે, જેથી તેઓ પેટા કંપનીઓ અથવા સંયુક્ત સાહસોમાં તેમના રોકાણમાંથી સમયસર બહાર નીકળી જવાના નિર્ણય અને ભલામણો કરી શકશે.કોમોડિટીની તેજી પાછળ અદાણી-અંબાણીની વેલ્થમાં જંગી ઉછાળો
ફેબ્રુઆરી આખરમાં યુધ્ધની શરૂઆત બાદ અદાણીની માર્કેટ-વેલ્થમાં 25 અબજ ડોલરની વૃદ્ધિ
જ્યારે અંબાણીના માર્કેટ-કેપમાં 8 અબજ ડોલરનો સુધારો નોંધાયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરમાં વિક્રમી નફો નોંધાવ્યો
અદાણી એન્ટરપ્રાઈઝે તેના છેલ્લાં છ ક્વાર્ટરમાં સૌથી ઊંચો નફો દર્શાવ્યો
રશિયાએ યૂક્રેન પર કરેલા હુમલા પાછળ વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં તેજીનો લાભ ભારતના બે ટોચના સાહસિકો ગૌતમ અંદાણી અને મુકેશ અંબાણીને મળી રહ્યો છે. બંને જૂથની લિસ્ટેડ કંપનીઓએ છેલ્લાં બે મહિના દરમિયાન બજારની ચાલથી વિપરીત ચાલ ચાલીને માર્કેટ-કેપમાં જંગી વૃદ્ધિ નોંધાવી છે. 24 ફેબ્રુઆરીએ યુધ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર્સમાં અનુક્રમે 19 ટકા અને 42 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. બંને જૂથની માર્કેટ-વેલ્થમાં પણ નોંધપાત્ર સુધારો જવા મળ્યો છે.
રશિયા-યૂક્રેન જંગની શરૂઆતથી અત્યાર સુધીમાં અદાણીએ તેમની માર્કેટ વેલ્થમાં 25 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાવી છે. જેની પાછળ તેમની નેટ વર્થ ઉછળીને 106 અબજ ડોલર પર પહોંચી હોવાનું બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ સૂચવે છે. બીજી બાજુ મુકેશ અંબાણીની વેલ્થમાં 8 અબજ ડોલરનો ઉમેરો જોવા મળ્યો છે અને તે 92.4 અબજ ડોલર પર પહોંચી છે. કોલના ભાવમાં તેજીને કારણે અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના માર્ચ ક્વાર્ટરના નફામાં 30 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે છેલ્લાં છ ક્વાર્ટર્સમાં સૌથી ઊંચો હતો. જ્યારે બીજી બાજુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વધતાં ભાવો પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેનો સૌથી ઊંચો ત્રિમાસિક નફો નોંધાવ્યો હતો. રિલાયન્સની લગભગ 60 ટકા આવક ઓઈલ રિફાઈનીંગ અને પેટ્રો કેમિકલ્સ ક્ષેત્રમાંથી આવે છે.
માર્કેટ નિરીક્ષકોના મતે અદાણી અને અંબાણીની વેલ્થમાં યુધ્ધ છતાં વૃદ્ધિ થવાનું કારણ કોમોડિટીઝ બિઝનેસમાં તેમની વ્યાપક હાજરી છે. બંને જૂથ કોમોડિટીઝ ક્ષેત્રે અગ્રણી પ્લેયર છે અને પરિપક્વ બિઝનેસ ધરાવે છે. ક્રૂડથી લઈને કોલના ભાવમાં તેજી પાછળ તેમની એસેટ્સના ભાવ ઊંચકાયા છે અને તે લાંબાગાળા માટે મજબૂતી દર્શાવે તેવી શક્યતાં છે. રશિયાના યુક્રેન પર હુમલા બાદ ફોસિલ ફ્યુઅલના ભાવમાં મોટો ઊછાળો નોંધાયો છે. જે કારણથી જ ગ્રીન એનર્જી ક્ષેત્રે જંગી રોકાણની જાહેરાત કરી ચૂકેલા એશિયાના ટોચના ધનપતિઓનો પરંપરાગત ફોસિલ ફ્યુઅલ બિઝનેસ ફરી ચળકાટ દર્શાવી રહ્યો છે. અદાણી જૂથ ઓસ્ટ્રેલિયામાં કોલ ક્ષેત્રે જંગી એસેટ ધરાવે છે જ્યારે અંબાણી જામનગર ખાતે વિશ્વમાં સૌથી મોટા રિફાઈનીંગ કોમ્પ્લેક્સના માલિક છે. તેઓ રિફાઈનીંગ કોમ્પ્લેક્સ માટે ડિસ્કાઉન્ટમાં મળી રહેલા ક્રૂડ કાર્ગોનો લાભ લઈ રહ્યાં છે. જીઓ-પોલિટિકલ ઘર્ષણને કારણે ફોસિલ ફ્યુઅલની માગમાં વૃદ્ધિને જોતાં ગ્રીન એનર્જી ક્ષેત્રે સંયુક્તપણે 142 અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની યોજનાઓ જાહેર કરી ચૂક્યાં બાદ પણ તેમના માટે ઓઈલ કે કોલ બિઝનેસ આકર્ષક બની રહ્યો છે. એક અપેક્ષા મુજબ 2022માં વૈશ્વિક કોલની માગ વિક્રમી સ્તરે જોવા મળશે. તેમજ 2024 સુધી તે ઊંચા સ્તરે જળવાયેલી રહેશે એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી જણાવે છે. મુંબઈ સ્થિત એડવાઈઝરી સર્વિસના ઈન્વેસ્ટમેન્ટ અધિકારીના જણાવ્યા મુજબ યુધ્ધને કારણે ભારત સ્થિત ફોસિલ ફ્યુઅલ આધારિત કંપનીઓ માટે મોટી અનૂકૂળતા ઊભી થઈ છે. તેમના કહેવા મુજબ યુધ્ધને કારણે આગામી 20 વર્ષો સુધી ફોસિલ ફ્યુઅલ મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. આટલો સમયગાળો કાર્બન-બેઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ્સમાંથી લાભો મેળવવા માટે પર્યાપ્ત તક પૂરી પાડે છે.
વૈશ્વિક કોલના ભાવ આસમાન સ્પર્શી રહ્યાં છે. હાલમાં તે વિક્રમી સ્તરે ટ્રેડ થાય છે. જેને કારણે કોન્ગ્લોમેરટ અદાણી ઓસ્ટ્રેલિયામાં તેમની વિવાદાસ્પદ માઈનનું વિસ્તરણ કરી રહ્યાં છે. જેથી માગને પૂરી કરી શકાય. વિકસિત દેશો રશિયન સપ્લાયને ટાળીને અન્ય સ્રોતમાંથી વૈકલ્પિક ફ્યુઅલ્સ માટે ફાંફા મારી રહ્યાં છે ત્યારે બંને ભારતીય જાયન્ટ્સ તેમનો પગપેસારો કરી રહ્યાં છે. ટોચના વિકસિત દેશો એવા જી-7ના રશિયન ઓઈલ અને ગેસ પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસને જોતાં વિશ્વ જેનાથી દૂર થવા પ્રયાસ કરી રહ્યું છે તેવા સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતાં એવા કોલની જરૂરિયાતમાં ઓર વૃદ્ધિ જોવા મળશે. યુધ્ધના કારણે માત્ર બે ભારતીય ધનપતિઓને જ લાભ મળી રહ્યો છે તેવું નથી જ. યુએસ ઓઈલ અને ગેસ ટાયકૂન્સ હેરોલ્ડ હામ, રિચાર્ડ કાઈન્ડેર અને મિશલ એસ સ્મિથ તથા ઈન્ડોનેશિયાના પીટી બેયન રિસોર્સિસના માલિક લો ટક ક્વોંગ જેવા સાહસિકોને પણ ફાયદો થઈ રહ્યો છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

મારુતિ સુઝુકીઃ કંપનીએ સોનિપત ખાતે 800 એકર સાઈટમાં કુલ રૂ. 18 હજાર કરોડના રોકાણ કરાશે એમ જણાવ્યું છે. નવો પ્લાન્ટ વાર્ષિક 10 લાખ યુનિટ્સ ઉત્પાદન ક્ષમતા ધરાવતો હશે. કંપની શરૂમાં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે.
ડીએલએફઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 15 ટકા ઘટાડે રૂ. 405.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 477.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1712 કરોડની સરખામણીમાં 10 ટકા ગગડી રૂ. 1547 કરોડ પર રહી હતી.
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 204.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 179.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1197 કરોડની સરખામણીમાં 17 ટકા વધીને રૂ. 1395 કરોડ પર રહી હતી.
સેઈલઃ જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની અને આરઆઈએનએલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેઈન્સ માટે વ્હીલ્સનું ઉત્પાદન કરશે.
રત્નમણિ મેટલ્સઃ સ્ટીલ પાઈપ્સ ઉત્પાદક કંપનીના બોર્ડ બે શેર્સ સામે એક શેર બોનસના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
જેકે લક્ષ્મીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 188.36 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 18.37 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 159.13 કરોડનો નફો નોંધાવ્યો હતો.
એલઆઈસી હાઉસિંગઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 1120 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 399 કરોડનો નફો દર્શાવ્યો હતો.
ઓરોબિંદો ફાર્માઃ ફાર્મા કંપનીએ નિકોટીન પોલાક્રિલેક્સ લોઝેન્ગેસ માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મેળવી છે.
આઈડીબીઆઈ બેંકઃ સરકાર અને એલઆઈસીની માલિકીની બેંકે આર્સિલમાં તેના 19.18 ટકા હિસ્સાનું એવન્યૂ ઈન્ડિયાને વેચાણ કર્યું છે.
આઈઓબીઃ સરકારી માલિકીની બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 552 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 58 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
શ્યામ મેટાલિક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 433.18 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 11.73 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 388 કરોડનો નફો નોંધાવ્યો હતો

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage