Market Summary 19 October 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


એશિયામાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં તેજીની હેટ્રીક
નિફ્ટીએ 17500ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સે ફ્લેટ બંધ દર્શાવ્યું
હેવીવેઈટ RIL તરફથી બીજા દિવસે મુખ્ય સપોર્ટ
આઈટી, મેટલ, ઓટો, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
ટીવીએસ મોટર, આઈડીએફસી બેંકની આગેકૂચ જારી
એલઆઈસી, એલેમ્બિક ફાર્મા, મધરસન નવા તળિયે
બ્રોડ માર્કેટમાં સાવચેતીના સૂર વચ્ચે સુસ્તી

એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે બુધવારે સતત ત્રીજા દિવસે તેજી દર્શાવી હેટ્રીક નોંધાવી હતી. બીએસઈ સેન્સેક્સ 147 પોઈન્ટ્સ સુધરી 59107ની સપાટીએ જ્યારે નિફ્ટી 25 પોઈન્ટ્સ મજબૂતીએ 17512ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 33 નેગેટિવ બંધ દર્શાવતા હતાં. જ્યારે 17 કાઉન્ટર્સે અગાઉના બંધની સરખામણીમાં સુધારા સાથે બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ લેવાલીનો અભાવ જોવા મળતો હતો અને તેથી બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. વોલિટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.17 ટકાના સાધારણ સુધારા સાથે 17.48ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે યુએસ બજારો ખાતે ઊંચી વધ-ઘટ જોવા મળી હતી અને એક તબક્કે માર્કેટ્સ ગેપ-અપ ઓપનીંગ બાદ ફ્લેટિશ જોવા મળ્યાં હતાં. જોકે પાછળથી તેઓ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેન પાછળ એશિયાઈ બજારોએ કામકાજની શરુઆત ફ્લેટથી પોઝીટીવ દર્શાવી હતી. જોકે ઉપરના મથાળે વેચવાલી પાછળ તેઓ નેગેટિવ ઝોનમાં સરી પડ્યાં હતાં અને ઘટાડા સાથે બંધ દર્શાવતાં હતાં. જેમાં હોંગ કોંગ માર્કેટ 2 ટકાથી વધુના ઘટાડે બંધ જોવા મળ્યું હતું. જ્યારે તાઈવાન એક ટકાથી વધુ નરમાઈ દર્શાવતું હતું. કોરિયા અને ચીનના બજારો પણ મંદ જોવા મળ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17487ના બંધ સામે 17568 પર ગેપ-અપ ઓપનીંગ બાદ સુધરતો રહી 17608ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી તે ઘસાતો રહ્યો હતો અને ઈન્ટ્રા-ડે 17473ની બોટમ બનાવી 17500 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સ 6 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ સાથે 17506.10ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17570ની આસપાસ અવરોધ નડ્યો છે. જેની પર બંધ આપી શક્યો નથી. ત્રણ સત્રોથી સતત સુધારા બાદ માર્કેટ એક કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. નીચામાં 17200 આસપાસ સપોર્ટ છે અને તેથી ટ્રેડર્સ આ સપાટીને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ પોઝીશન ઊભી રાખી શકે છે. વૈશ્વિક બજારોમાં, ખાસ કરીને યુએસ માર્કેટ્સ ઊંચી વધ-ઘટ દર્શાવી રહ્યાં છે. જોકે ડાઉ જોન્સ અને નાસ્ડેક, બંનેએ તાજેતરમાં નવી બોટમ બનાવ્યાં બાદ સ્થિરતા પ્રાપ્ત કરી છે અને ટૂંકાગાળામાં તેઓ ઊંચી વધ-ઘટ દર્શાવી સ્થિરતા મેળવી શકે છે. ભારતીય બજાર વિકસિત અને ઈમર્જિંગ બજારોમાં સૌથી સ્થિતિસ્થાપક જણાય છે. નિફ્ટીએ એક વર્ષ અગાઉ 19 ઓક્ટોબરે 18606ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જે સ્તરેથી તે હાલમાં લગભગ 6 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે વિશ્વના અન્ય બેન્ચમાર્ક્સ તેમની વાર્ષિક ટોચ પરથી 20-40 ટકા જેટલાં નીચે ટ્રેડ થઈ રહ્યાં છે.
બુધવારે માર્કેટને મુખ્ય સપોર્ટ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પ્રાપ્ત થયો હતો. હાઈડ્રોકાર્બન જાયન્ટ કંપનીનો શેર 1.74 ટકા ઉછળી રૂ. 2493.90ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 2528ની ટોચ દર્શાવી હતી. જોકે તે રૂ. 2500ન સપાટી પર બંધ આપી શક્યો નહોતો. મંગળવારે પણ તે પોણા બે ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. કંપની ચાલુ સપ્તાહાંતે તેના સપ્ટેમ્બર ક્વાર્ટર પરિણામો રજૂ કરશે. માર્કેટને ફાઈનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી અને ફાર્મા તરફથી સાધારણ સપોર્ટ પ્રાપ્ય બન્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 0.4 ટકા સુધારે 18094ની સપાટી પર બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન એચડીએફસીનું હતું. કંપનીનો શેર 2.15 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેંક, એચડીએફસી એએમસી, એચડીએફસી બેંક, મૂથૂત ફાઈનાન્સ, પિરામલ એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, કોટક મહિન્દ્રામાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા 0.1 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં બાયોકોન 1.1 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા પણ એક ટકા આસપાસ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.4 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં 1.8 ટકા સુધારા સાથે નેસ્લેનું યોગદાન મુખ્ય હતું. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સારુ પરિણામ જાહેર કરતાં શેર સુધર્યો હતો. આ ઉપરાંત આઈટીસી, વરુણ બેવરેજીસ, ઈમામી અને જ્યુબિલિઅન્ટ ફૂડ પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ડાબર ઈન્ડિયા, યુનાઈડેટ બ્રૂઅરીઝ, બ્રિટાનિયામાં નરમાઈ જોવા મળી હતી. ઘટાડો દર્શાવવામાં નિફ્ટી આઈટી 0.9 ટકા સાથે ટોચ પર હતો. છેલ્લાં એક સપ્તાહથી નોંધપાત્ર મજબૂતી દર્શાવ્યાં બાદ તે ઠંડો પડ્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેક્નોલોજી 5 ટકા ડાઉન જોવા મળ્યો હતો. આ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, ટીસીએસ, કોફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેક પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ સેક્ટર સાધારણ પોઝીટીવ મળ્યું હતું. જોકે પીએસયૂ બેંક શેર્સ નરમ જોવા મળતાં હતાં. બેંકનિફ્ટી 0.14 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં એક્સિસ બેંકે તેજીની આગેવાની લીધી હતી. બેંક શેર 1.65 ટકા સુધરી રૂ. 830ના છેલ્લાં ઘણા મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યો હતો. જોકે બીજી બાજુ મોટાભાગના અગ્રણી શેર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જેમાં બેંક ઓફ બરોડા, એસબીઆઈ, ફેડરલ બેંક, બંધન બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થતો હતો. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.6 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા, જેકે બેંક, એસબીઆઈ અને કેનેરા બેંક ઘટવામાં મુખ્ય હતાં. જ્યારે નાના બેંકિંગ શેર્સ મજબૂતી દર્શાવતાં હતાં. જેમાં યૂકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય હતાં. નિફ્ટી ઓટો સતત બીજા દિવસે ઈન્ટ્રા-ડે ટોચ બનાવી નીચે ગગડતો રહ્યો હતો. જોકે કેટલાંક ઓટો શેર્સે સુંદર દેખાવ દર્શાવ્યો હતો. જેમાં ટીવીએસ મોટર 3.8 ટકા ઉછળી રૂ. 1171.45ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, બજાજ ઓટો, ભારત ફોર્જ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, એમઆરએફ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ સુધારો નોઁધાયો હતો. બીજી બાજુ અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, અમર રાજા બેટરીઝ, મારુતિ સુઝુકી અને હીરો મોટોકોર્પ નરમ જોવા મળ્યાં હતાં. નિફ્ટી એનર્જી પણ 0.23 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં એનટીપીસી, અદાણી ગ્રીન એનર્જી, બીપીસીએલ, ટાટા પાવર, ઓએનડીસી અને ગેઈલ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ એચપીસીએલ, આઈઓસી અને પાવર ગ્રીડ કોર્પોરેશન મજબૂત જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ 0.7 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ 1.7 ટકા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, વેદાંત, હિંદાલ્કો, સેઈલ, ટાટા સ્ટીલ, એનએમડીસી સહિતના કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 0.4 ટકા સુધારો જોવા મળ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી અને ગોદરેજ પ્રોપર્ટી એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. જ્યારે ફિનિક્સ મિલ્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સનટેક રિઅલ્ટી અને હેમિસ્ફિઅર 4 ટકા સુધી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કન્ટેનર કોર્પોરેશન 7 ટકા ઉછળી સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. શેર તેની 52-સપ્તાહની ટોચથી સહેજ છેટે રૂ. 771.25ની સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત સિન્જિન ઈન્ટરનેશનલ 6.3 ટકા, લૌરસ લેબ્સ 3.5 ટકા, પીવીઆર 3.16 ટકા, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 2.5 ટકા અને એપોલો ટાયર્સ 2.4 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ભારે વેચવાલી પાછળ વધુ 8.3 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એસ્ટ્રાલ 5.22 ટકા, બિરલા સોફ્ટ 3.3 ટકા, ટાટા કોમ 2.3 ટકા, ઈન્ટેલેક્ટ ડિઝાઈન 2.2 ટકા અને ચંબલ ફર્ટિલાઈઝર્સ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસીઈ ખાતે કુલ 3571 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1762 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1567 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 132 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ અથવા તો વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 47 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 138 કાઉન્ટર્સ તેમની અગાઉની બંધ સપાટી પર સ્થિરત જોવા મળ્યાં હતાં.


ટોચ બનાવ્યાના વર્ષ બાદ 6 ટકા નીચે ટ્રેડ દર્શાવતો નિફ્ટી
નિફ્ટી કાઉન્ટર્સમાં આઈટીસી, કોલ ઈન્ડિયા, એમએન્ડએમ અને આઈશર મોટર આઉટપર્ફોર્મર બની રહ્યાં
વિપ્રો, બીપીસીએસ, ટેક મહિન્દ્રા અને ડિવિઝ લેબ્સ અન્ડરપર્ફોર્મર

ભારતીય શેરબજારે 19 ઓક્ટોબર 2021ના રોજ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું હતું. બુધવારે બંધ ભાવે બેન્ચમાર્ક નિફ્ટી ટોચના સ્તરેથી 6 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે નિફ્ટીના આઉટપર્ફોર્મર્સ 49 ટકા સુધીનું રિટર્ન દર્શાવતાં હતાં. જ્યારે અન્ડરપર્ફોર્મર્સ 45 ટકા સુધીનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં.
છેલ્લાં એક વર્ષ દરમિયાન ભારતીય બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી છે અને બેન્ચમાર્ક 15200થી 18300ની રેંજમાં અથડાયેલો રહ્યો છે. બુધવારે નિફ્ટી 17512ની સપાટી પર બંધ રહ્યો હતો. જે 18606ની ઈન્ટ્રા-ડે ટોચ પરથી 6 ટકા ઘટાડો દર્શાવતો હતો. જોકે સમાનગાળામાં નિફ્ટીના કેટલાક કાઉન્ટર્સે નોંધપાત્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જેમાં સિગારેટ અગ્રણી આઈટીસી ટોચ પર જોવા મળે છે. કંપનીનો શેર ગયા ઓક્ટોબરથી ચાલુ ઓક્ટોબરમાં 49 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવી રહ્યો છે. બુધવારે કંપનીનો શેર રૂ. 347ની તેની છેલ્લાં પાંચથી વધુ વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. કેટલાંક અન્ય આઉટપર્ફોર્મર્સમાં કોલ ઈન્ડિયા(47 ટકા), એમએન્ડએમ(41 ટકા), આઈશર મોટર(36 ટકા), સિપ્લા(24 ટકા) અને સન ફાર્મા(22 ટકા) સુધારો દર્શાવી રહ્યાં છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, મારુતિ, ભારતી એરટેલ, એસબીઆઈ અને પાવરગ્રીડ પણ મજબૂત સુધારો દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાંક અન્ડરપર્ફોર્મર્સમાં વિપ્રો, ડિવિઝ લેબ્સ, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ, શ્રી સિમેન્ટ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. આ શેર્સ 45 ટકા સુધીનો ઘટાડો સૂચવી રહ્યાં છે.
માર્કેટ નિરીક્ષકોના મતે ભારતીય બેન્ચમાર્ક ભલે તેની ઓક્ટોબર ટોચને પાર નથી કરી શક્યો પરંતુ તેના વૈશ્વિક સમકક્ષો કરતાં સારો દેખાવ જાળવી રાખ્યો હતો. જેમાં કોર્પોરેટ્સ તરફથી સારા અર્નિંગ્સ એક મહત્વનું પરિબળ હતું. છેલ્લાં એક વર્ષોમાં આઈટી અને પીએસયૂ કંપનીઓને બાદ કરતાં અન્ય તમામ સેક્ટર્સે સારો દેખાવ નોંધાવ્યો છે. જેમાં ઓટોમોબાઈલ અને બેંકિંગ ટોચ પર છે. જ્યારે ફાર્મા સેક્ટરે પણ છેલ્લાં એક વર્ષ દરમિયાન વાજબી દેખાવ નોંધાવ્યો છે.

નિફ્ટીના આઉટપર્ફોર્મર્સ

સ્કિપ્સ/ઈન્ડેક્સ ઓક્ટોબર 2021ની ટોચ બુધવારનો બંધ ભાવ ફેરફાર(ટકામાં
નિફ્ટી 18604 17516 -6
ITC 234 347 49
કોલ ઈન્ડિયા 162 238 47
M&M 888 1250 41
આઈશર મોટર 2663 3617 36
સિપ્લા 907 1123 24
સન ફાર્મા 798 976 22
ICICIબેંક 751 891 19
NTPC 140 164 17
મારુતિ 7522 8702 16
ભારતી એરટેલ 696 784 13
SBI 495 554 12
પાવરગ્રીડ 191 214 12
ટાઈટન 2396 2648 11પેર્નોડની ટેક્સ સંબંધી કાર્યવાહી અટકાવવાની માગ અમાન્ય રાખવા સરકારની માગ
સરકારે ફ્રેન્ચ સ્પિરિટ જાયન્ટ પાસે 24.4 કરોડ ડોલરની ટેક્સ માગણી કરી છે, જેને અટકાવવા માટે કંપનીએ કોર્ટમાં અરજી કરી છે
ભારતીય સત્તાવાળાઓએ પેર્નોડ રિકાર્ડ્સની 24.4 કરોડ ડોલરની ટેક્સ માગ સંબંધી કામગીરીને અટકાવવા માટે કરેલા પ્રયાસને ફગાવી દેવા કોર્ટને જણાવ્યું છે. સરકારે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પેર્નોડ એક ‘હેબિચ્યુલ લિટીગન્ટ’ છે અને તે સરકારને ‘ડિફ્રોડ’ કરવાનું કાવતરું ઘડી રહી છે.
દેશના કસ્ટમ સત્તાવાળાઓએ મુંબઈ કોર્ટમાં 3 ઓક્ટોબરે કરેલા કોર્ટ ફાઈલીંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને પર્નોડના સ્થાનિક યુનિટ વચ્ચે કંપની તરફથી છેલ્લાં કેટલાંક દાયકાઓથી તેની આયાતનું મૂલ્યાંકન કરવાને લઈ વધી રહેવા વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કસ્ટમ સત્તાવાળાઓના મતે પેર્નોડે આયાત કરની ચોરી માટે ખોટી ગણતરી કરી છે. પેર્નોડ રિકાર્ડને ભારતમાં તેના બિઝનેસ અને રેગ્યુલેશનને લઈને તકલીફ ઊભી થતાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ભારત કંપની માટે એક મહત્વનું ગ્રોથ માર્કેટ છે. જ્યાં તે 17 ટકા બજાર હિસ્સો ધરાવે છે. અગાઉ કંપનીએ મોદી સરકારને જણાવ્યું હતું કે લિકર ઈમ્પોર્ટ્સના વેલ્યૂએશનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે ભારતમાં નવા રોકાણ સામે અવરોધ ઊભો થયો છે. ભારતે ચિવાસ રિગલ અને એબ્સોલ્યુટ વોડકાની ઉત્પાદક કંપની પાસે પાછોતરી અસરથી ટેક્સની માગણી કરતાં પેર્નોડે સરકારને કોર્ટમાં પડકારી હતી. જેમાં તેણે સરકારી તપાસને અટકાવવાની માગ કરી હતી.સપ્ટેમ્બરમાં ડોમેસ્ટીક પેસેન્જર વોલ્યુમમાં 65 ટકા ઉછાળો
ડોમેસ્ટીક એર પેસેન્જર વોલ્યુમમાં સપ્ટેમ્બરમાં 64.61 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 1.035 કરોડ પર રહ્યું હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ જણાવ્યું છે. એક વર્ષ અગાઉ સ્થાનિક રૂટ્સ પર 76.6 લાખ પેસેન્જર્સે ઉડાન ભરી હતી. સપ્ટેમ્બર આંકડામાં નવી લોંચ થયેલી આકાશ એરનો સમાવેશ નથી કરાયો. કંપનીએ 7 ઓગસ્થી ડોમેસ્ટીક રૂટ્સ પર સેવા શરૂ કરી હતી. સપ્ટેમ્બરમાં એવરેજ પેસેન્જર લોડ ફેક્ટર 77.5 ટકા પર રહ્યું હતું. જે ઓગસ્ટમાં 72.5 ટકા પર હતું એમ ડીજીસીએ ડેટા જણાવે છે. માર્કેટ શેરની રીતે જોઈએ તો ઈન્ડિગો 57 ટકા સાથે ટોચ પર હતી. જ્યારે વિસ્ટારા 9.6 ટકા માર્કેટ શેર દર્શાવતી હતી.કોર્પોરેટ હેડલાઈન્સ

અલ્ટ્રાટેક સિમેન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 759 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક સ્તરે 42 ટકાનો ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે તેણે 1310 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીનું વેચાણ 16 ટકા વધી રૂ. 13893 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો કુલ ખર્ચ રૂ. 12934 કરોડ રહ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 10209 કરોડની સરખામણીમાં 27 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો.
શેફલર ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 215.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે રૂ. 170.8 કરોડના નફા સામે 26.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1487.5 કરોડ સામે 18.1 ટકા ઉછળી રૂ. 1756.4 કરોડ પર રહી હતી.
કેપીઆઈ ગ્રીનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 72.7 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.3 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 57.4 કરોડ સામે ઉછળી રૂ. 159.8 કરોડ પર રહી હતી.
ઝી લિમિટેડઃ કંપનીમાં બ્લોક ડિલમાં ખરીદી કરનારાઓમાં નોમુરા, આદિત્ય બિરલા સન લાઈફ, એવેન્ડૂસ, બીએનપી પારિબા, બોફા સિક્યૂરિટીઝ, સિટી, એડલવેઈસ એમએફ, ફ્રેન્કલીન, આઈસીઆઈસીઆઈ પ્રૂ લાઈફ, ગોલ્ડમેન સાચ, ઈન્વેસ્કો, સોસાયટી જનરાલી, ટાટા એઆઈએ લાઈફનો સમાવેશ થતો હતો.
ટેલિકોમ કંપનીઓઃ દેશમાં ટોચના ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓએ ઓગસ્ટ મહિના દરમિયાન નવા 32.8 લાખ કસ્ટમર્સનો ઉમેરો કર્યો હતો. જ્યારે બીજા ક્રમે ભારતી એરટેલે 17.2 લાખ ગ્રાહકો ઉમેર્યાં હતાં.
વોડાફોનઃ કંપનીનું બોર્ડ 21 ઓક્ટોબરે ઈક્વિટીમાં રૂપાંતર થઈ શકે તેવા કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ઈસ્યુ મારફતે ફંડ રેઈઝીંગ અંગે વિચારણા માટે મળશે.
એચએફસીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 81.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 81.6 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ રૂ. 1122.1 કરોડ પરથી ઊછળી રૂ. 1173.5 કરોડ પર જોવા મળી હતી.
મહિન્દ્રા સીઆઈઈઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 171.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 166.3 કરોડ પર હતો. કંપનીની રેવન્યૂ રૂ. 2090.6 કરોડ પરથી 30.3 ટકા ઉછળી રૂ. 2723.1 કરોડ પર રહી છે.
જેએસડબલ્યુ ઈસ્પાતઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 209.1 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 36.9 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1437.6 કરોડ સામે ઘટી રૂ. 757.5 કરોડ રહી હતી.
ગેઈલઃ પીએસયૂ કંપનીને જેબીએફ પેટ્રોકેમિકલ્સની કોર્પોરેટ ઈન્સોલ્વન્લી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી)માં સફળ રેઝોલ્યૂશન એપ્લિકેન્ટ તરીકે જાહેર કરવામાં આવી છે.
પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48.13 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 44.4 ટકાની ઊંચી વૃદ્ધિ સૂચવે છે.
અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 33.74 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં બમણી વૃદ્ધિ સૂચવે છે.
સંવર્ધન મધરસનઃ જાપાન સ્થિત સોજિત્ઝ કોર્પોરેશને કંપનીમાં 12.8 કરોડ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
ટિનપ્લેટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 35.1 કરોડની ખોટ દર્શાવી છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો.
ટીવી18 બ્રોડકાસ્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 10.28 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 231.40 કરોડ પર જોવા મળતો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage