Market Summary 19 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ભારતીય માર્કેટનું હરિફ બજારો સામે આઉટપર્ફોર્મન્સ યથાવત
નિફ્ટીએ 17600નું સ્તર પરત મેળવ્યું
બેંકિંગ, એફએમસીજી અને ઓટો સેક્ટર્સ તરફથી સપોર્ટ
આઈટી શેર્સમાં વેચવાલી અટકી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.6 ટકા સુધરી 19.94ના સ્તરે
એસ્કોર્ટ્સ, ફોર્ટિસ જેવા કાઉન્ટર્સે સર્વોચ્ચ સપાટીએ
માસ્ટેક, કોફોર્જ, ઝેનસાર અને સનોફી વાર્ષિક તળિયે
એસબીઆઈએ સર્વોચ્ચ સપાટી દર્શાવી
વૈશ્વિક સ્તરે કોરિયા, હોંગ કોંગ, સિંગાપુર અને યુરોપમાં નરમાઈ

ભારતીય બજારે ઉઘડતાં સપ્તાહે પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે સ્થાનિક બજારે ફ્લેટ ઓપનીંગ વચ્ચે સુધારો જાળવી રાખ્યો હતો અને પોઝીટીવ બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 300 પોઈન્ટ્સ સુધરી 59141ની સપાટીએ જ્યારે નિફ્ટી 91 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17622ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી જળવાતાં નિફ્ટી 50 કાઉન્ટર્સમાંથી 38 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 12 કાઉન્ટર્સમાં ઘટાડો નોંધાયો હતો. બ્રોડ માર્કેટમાં જોકે કોઈ ખાસ મૂવમેન્ટનો અભાવ હતો. જેની પાછળ બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.6 ટકા મજબૂતી સાથે 19.94ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહે આખરી ત્રણ સત્રોમાં મંદી દર્શાવનાર ભારતીય બજાર સોમવારે પણ એશિયન બજારોમાં નરમાઈને જોતાં નેગેટિવ રહેવાની પ્રબળ સંભાવના હતી. જોકે માર્કેટને સપોર્ટ સાંપડ્યો હતો અને મંદીવાળાઓ સામે તેણે મચક આપી નહોતી. વૈશ્વિક સ્તરે એશિયન અને યુરોપ બજારોમાં એક ટકાથી વધુના ઘટાડા વચ્ચે ભારતીય બજાર મજબૂત જળવાય રહ્યું હતું. નિફ્ટી 17540ની સપાટીએ ખૂલ્યાં બાદ એક તબક્કે ગગડી 17429ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી પરત ફરી ઈન્ટ્રા-ડે 17667ની ટોચ પર જોવા મળ્યો હતો અને 17600 ઉપર જ બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર્સ 17640ની સપાટીએ 18 પોઈન્ટ્સ પ્રિમીયમે બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 17300નો સપોર્ટ મહત્વનો છે. જેની નીચે 17150નો સપોર્ટ છે. જ્યારે ઉપરમાં 17800 ઉપર નિર્ણાયક બંધ આપે તે જરૂરી છે. છેલ્લાં કેટલાંક સત્રોમાં ઊંચા સ્તરે જોવા મળી રહેલા દબાણને જોતાં એનાલિસ્ટ્સ માર્કેટ તબક્કાવાર ઘસારો દર્શાવે તેવું માની રહ્યાં છે. ચાલુ સપ્તાહે યુએસ ફેડ 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરે તે લગભગ નિશ્ચિત છે. જોકે ફેડ ચેરમેન શું ટિપ્પણી કરે છે તે મહત્વનું છે. જો તેઓ હજુ પણ 75 બેસીસ પોઈન્ટ્સની વાત કરશે તો માર્કેટમાં કડાકો જોવા મળી શકે છે. જ્યારે તેઓ એકાદ પોઝ અને ત્યારબાદ નવા ડેટાને આધારે રેટ વૃદ્ધિ માટે જણાવશે તો માર્કેટને મોટી રાહત મળી શકે છે. વૈશ્વિક સ્તરે ગોલ્ડના ભાવમાં છેલ્લાં ચાર સત્રોમાં જોવા મળેલા ઘટાડાને જોતાં ઈક્વિટી ઈન્વેસ્ટર્સનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. યુએસ માર્કેટ ફરી તેમના જૂનના તળિયા નજીક આવી પહોંચ્યાં છે. જે ઈમર્જિંગ માર્કેટ્સ માટે મોટી ચિંતાનો વિષય છે. ડાઉ જોન્સ માટે 30 હજારનો સપોર્ટ મહત્વનો છે. જ્યારે નાસ્ડેક માટે 11 હજારની સપાટી જાળવવી જરૂરી છે. જો તેઓ આ સપાટી તોડશે તો વૈશ્વિક બજારોમાં રક્તપાત જોવા મળી શકે છે.
સોમવારે ભારતીય બજારને બેંકિંગ, ઓટો અને એફએમસીજી સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન ડિટર્જન્ટ અગ્રણી હિંદુસ્તાન યુનિલીવરનું રહ્યું હતું. શેર 2 ટકાથી વધુ ઉછાળે બંધ રહ્યો હતો. આ ઉપરાંત પીએન્ડજી, નેસ્લે, યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસીમાં પણ મજબૂતી જોવા મળી હતી. જોકે બ્રિટાનિયા, વરુણ બેવરેજીસ અને જ્યુબિલિઅન્ટ ફૂડમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો એક ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. યુટિલિટી વ્હીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3 ટકાથી વધુના ઉછાળાને કારણે ઓટો ઈન્ડેક્સ સુધર્યો હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, હીરોમોટોકોર્પ, અશોક લેલેન્ડ અને બજાજા ઓટો પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જોકે બીજી બાજુ ટાટા મોટર્સ, ભારત ફોર્જ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને અમર રાજા બેટરીઝમાં એક ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. બેંકિંગ શેર્સમાં પીએસયૂ બેંકિંગમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ તેઓ સર્વોચ્ચ અથવા તો ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. બેંકનિફ્ટી જોકે 41 હજારની સપાટી પર બંધ આપી શક્યો નહોતો. પીએસયૂ બેંક નિફ્ટી 2 ટકાથી વધુ ઉછાળો દર્શાવતો હતો. જેમાં બેંક ઓફ બરોડા 3 ટકા, પીએનબી 2 ટકા, એસબીઆઈ 1 ટકા સુધારો સૂચવતાં હતાં. પ્રાઈવેટ બેંક્સમાં એક્સિસ બેંક, ફેડરલ બેંક અને એચડીએફસી બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નાની બેંકમાં કર્ણાટક બેંકનો શેર રૂ. 91ની તેની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. આઈટી સેક્ટરે સોમવારે મોટી રાહત મેળવી હતી. અગ્રણી આઈટી કંપનીઓમાં શેર્સમાં સાધારણ ખરીદી પાછળ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઈન્ફોસિસનું એક ટકા સુધારા સાથે સૌથી ઊંચું યોગદાન હતું. આ ઉપરાંત ટીસીએસ, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ અને એચસીએલ ટેકનોલોજી પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેકમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. માસ્ટેડ, એમ્ફેસિસ જેવા આઈટી કાઉન્ટર્સ તેમના વર્ષના તળિયા પર ટ્રેડ થયાં હતાં. આમ આઈટીમાં હજુ પણ બોટમ ફિશીંગ કરવાનો સમય નથી. ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર પણ રૂ. 3000ની નીચે ઉતરી ગયો હતો. નિફ્ટી પીએસઈમાં 0.7 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં નાલ્કો 3.5 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. આ સિવાય સેઈલ, ગેઈલ, આઈઆરસીટીસી, પાવર ગ્રીડ, એનટીપીસી, પાવર ફાઈનાન્સ, ઓઈલ ઈન્ડિયા, આરઈસીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 0.5 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. ઓઈલ પીએસયૂ કંપનીઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બીપીસીએલ અને આઈઓસી નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે એચપીસીએલમાં 2 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી પણ 1.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અંબુજા સિમેન્ટ્સ, ઈન્ડિયા સિમેન્ટ્, એસ્કોર્ટ્સ કુબોટા, મેક્સ ફાઈનાન્સિયલ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, બેંક ઓફ બરોડા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, અદાણી પોર્ટ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, આલ્કેમ લેબ, ઝી એન્ટરટેઈનમેન્ટમાં 2 ટકાથી લઈ 9 ટકા સુધીનો ઉછાળો જોવા મળતો હતો. જ્યારે કેન ફિન હોમ્સ, જીએનએફસી, ડેલ્ટા કોર્પ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, વેદાંત, ઈન્ડસ ટાવર્સ, જીએસપીસીમાં 3 ટકાથી 7 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. એસ્કોર્ટ્સ, ફોર્ટિસ, વેલસ્પન કોર્પ, મઝગાંવ ડોક, ગુજરાત ફ્લોરો વગેરે તેમની સર્વોચ્ચ અથવા તો વાર્ષિક ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ એસઆઈએસ, બિરલા સોફ્ટ, મેટ્રોપોલીસ, પિરામલ એન્ટરપ્રાઈઝ, માસ્ટેડ, કોફોર્જ, ઝેનસાર ટેકનોલોજી, સનોફી ઈન્ડિયા અને બાયોકોન જેવા કાઉન્ટર્સ તેમના વાર્ષિક તળિયા પર ટ્રેડ થયા હતાં.

સિમેન્ટ ક્ષેત્રે અદાણીના પ્રવેશ બાદ સિમેન્ટ શેર્સમાં 74 ટકા સુધીનો ઉછાળો
અદાણી જૂથ દ્વારા સિમેન્ટ ક્ષેત્રે વધુ ખરીદી પાછળ સિમેન્ટ શેર્સમાં ભારે ખરીદી
અંબુજા સિમેન્ટમાં તીવ્ર તેજી પાછળ કંપની માર્કેટ-કેપમાં અલ્ટ્રા-ટેક બાદ બીજા ક્રમે પહોંચી

હોલ્સિમે અંબુજા સિમેન્ટ અને એસીસીમાંના તેના હિસ્સાને અદાણી જૂથને વેચવાનું નક્કી કર્યું તે દિવસથી અત્યાર સુધીમાં સિમેન્ટ શેર્સે બ્રોડ માર્કેટની સરખામણીમાં જબરદસ્ત આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. ચાર મહિનાના ગાળામાં સિમેન્ટ શેર્સમાં 74 ટકા જેટલો તીવ્ર ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને નાના સિમેન્ટ પ્લેયર્સના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી છે. જ્યારે બીજી બાજુ દેશમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક અલ્ટાટ્રેક સિમેન્ટનો શેર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે.
ઉઘડતા સપ્તાહે સિમેન્ટ શેર્સમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. જેની પાછળ સિમેન્ટ શેર્સ 10 ટકા જેટલાં ઉછળ્યાં હતાં. એક બાજુ વપરાશી ક્ષેત્રના શેર્સમાં નરમાઈ જોવા મળી રહી હતી. જ્યારે સિમેન્ટ શેર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેમકે દક્ષિણ સ્થિત ઈન્ડિયા સિમેન્ટનો શેર 9 ટકા ઉછળી તેની 17 વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. ઊંચા ડેટના બોજથી લદાયેલી કંપનીનો શેર છેલ્લાં કેટલાંક સત્રોથી ઊંચા વોલ્યુમ સાથે તેજી દર્શાવી રહ્યો છે. પશ્ચિમ ભારતમાં ઉત્પાદન કેન્દ્રો ધરાવતી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ, અંબુજા સિમન્ટ અને નૂવોકોના શેર્સ પણ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. અંબુજા સિમેન્ટનો શેર સોમવારે 9 ટકાથી વધુ ઉછળી રૂ. 564.90ની સપાટીએ બંધ રહ્યો હતો. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.12 લાખ કરોડ જેટલું થવા જતું હતું. જે આદિત્ય બિરલા જૂથની અલ્ટ્રાટેક સિમેન્ટ બાદ બીજા ક્રમનું છે. અગાઉ બીજા ક્રમે શ્રી સિમેન્ટ અને ત્યારબાદ ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો ક્રમ આવતો હતો. જોકે અંબુજા સિમેન્ટના શેર્સમાં તીવ્ર ઉછાળાને પગલે કંપની રૂ. 1 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. માર્કેટ વર્તુળોના મતે સિમેન્ટ કંપનીઓના શેર્સમાં ઉછાળાનું મુખ્ય કારણ અદાણી જૂથ તરફથી સિમેન્ટ ક્ષેત્રે વધુ એક્વિઝીશનની સંભાવના છે. માર્કેટ વર્તુળોના મતે અદાણી ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ એમ તમામ પ્રદેશોના સિમેન્ટ બજારમાં તેમની મજબૂત હાજરી ઈચ્છી રહ્યાં છે. ઈન્ડિયા સિમેન્ટના શેરમાં ઉછાળાનું કારણ દક્ષિણમાં તેની મજબૂત હાજરી છે. જોકે કંપનીમાં રાધાકૃષ્ણ દામાણી જેવા જાણીતા રોકાણકાર એક સ્ટ્રેટેજીક ઈન્વેસ્ટર છે અને તેથી કંપનીને ખરીદી માટે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે કારણસર જ નફો નહિ દર્શાવતી સિમેન્ટ કંપનીનો શેર પણ છેલ્લાં બે મહિનામાં અસાધારણ સુધારો દર્શાવી રહ્યો છે અને 2006 પછીની તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો છે. ઈન્ડિયા સિમેન્ટ્સ ઉપરાંત કેટલીક અન્ય કંપનીઓ પણ ખરીદારોની શોધમાં છે અને તે અદાણી માટે એક તક સમાન બની રહેશે.
આશ્ચર્યની વાત એ છે કે મે મહિનામાં હોલ્સિમ પાસેથી કરેલી ખરીદીને માર્કેટ ઊંચા ભાવની ખરીદી ગણાવતો હતો. જોકે ચાર મહિના બાદ વેલ્યૂએશન્સ તેના કરતાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે અને તેથી કોમોડિટી એનાલિસ્ટસ માટે પણ સિમેન્ટ સેક્ટર એક કોયડા સમાન બન્યું છે. અગ્રણી બ્રોકરેજના એનાલિસ્ટ્સ વર્તમાન ભાવે સિમેન્ટ શેર્સમાં ખરીદીથી દૂર રહેવાનું સૂચન કરે છે. તેમના મતે વૈશ્વિક મંદી પાછળ ભારતમાં પણ વપરાશમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સ્થિતિમાં સાઈક્લિકલ નેચરના ક્ષેત્રોથી દૂર રહેવામાં શાણપણ છે. સિમેન્ટ શેર્સ તેમના ઐતિહાસિક સરેરાશ વેલ્યૂએશન્સથી નોંધપાત્ર પ્રિમીયમે ટ્રેડ થઈ રહ્યાં છે. જે રોકાણકાર સામે સૌથી મોટું રિસ્ક છે. ઉપરાંત, સિમેન્ટ ક્ષેત્રે વધુ કોન્સોલિડેશન માટે કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે.
સિમેન્ટ શેર્સમાં આગઝરતી તેજી
સ્ક્રિપ્સ 13 મેનો બંધ(રૂ.) બજારભાવ(રૂ) વૃદ્ધિ(ટકામાં)
ઈન્ડિયા સિમેન્ટ 168.3 292.7 73.92
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ 40.95 67.4 64.59
જેકે લક્ષ્મી 381.7 621 62.69
અંબુજા સિમેન્ટ 359.1 564.75 57.27
નૂવોકો 297.4 456 53.33
વિસાકા ઈન્ડ. 486.54 646.5 32.88
એવરેસ્ટ ઈનડ. 540.59 698 29.12
મંગલમ સિમેન્ટ 301.05 383 27.22
ACC 2113.3 2639.95 24.92
જેકે સિમેન્ટ 2302.9 2819 22.41
દાલમિયા ભારત 1402.37 1668.9 19.01
રામ્કો સિમેન્ટ 666.5 765.5 14.85

કોટનમાં નવી આવકો વચ્ચે માગના અભાવે ભાવ છ મહિનાના તળિયે
ઉત્તરમાં નવી આવકોના ભાવ ગગડી હાજરમાં રૂ. 75 હજાર આસપાસ પહોંચ્યાં
જોકે રૂ. 70 હજાર આસપાસ જ મિલોની ખરીદી નીકળે તેવી શક્યતાં
દેશમાં દૈનિક 5-7 હજાર ગાંસડીની આવકો સપ્ટેમ્બર આખરમાં 25-30 હજાર પર જોવા મળશે
નવી સિઝનમાં કેરીઓવર સ્ટોક 10 લાખ ગાંસડીના વિક્રમી તળિયા પર રહેશે

મિલોની ખરીદીના અભાવે કોટનના ભાવ છ મહિનાના તળિયા પર પટકાયાં છે. મહિના અગાઉ જ રૂ. 1 લાખ પ્રતિ ખાંડી પર ટ્રેડ થયેલા ભાવ સોમવારે રૂ. 75 હજાર આસપાસ બોલાતા હતાં. હાલમાં ઉત્તરમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં નવી આવકો શરૂ થઈ ચૂકી છે. દેશમાં દૈનિક સાત હજાર ગાંસડી આસપાસની આવકો જોવા મળી રહી છે. જે સપ્ટેમ્બર આખર સુધીમાં 25 હજાર ગાંસડી પર પહોંચે તેવી શક્યતાં છે.
ગુજરાત સહિત દેશમાં કપાસના પાકની સ્થિતિ ઘણી સારી છે. છેલ્લાં બે વર્ષોની સરખામણીએ હજુ સુધી પાછોતરા વરસાદને કારણે પાકને કોઈ નુકસાન ઉઠાવવાનું નથી બન્યું. જો સ્થિતિ આવી જળવાય રહે તો ચાલુ સિઝનમાં યિલ્ડ સારા રહેવા ઉપરાંત એકંદર ક્વોલિટી પણ ઘણી સારી જોવા મળે તેવી આશા છે. ગઈ સિઝનમાં શરૂમાં 3.8 કરોડ ગાંસડીનો અંદાજ હતો. જે પાછળથી તબક્કાવાર રીતે ઘટાડવામાં આવ્યો હતો અને બજાર વર્તુળોના મતે વાસ્તવમાં 3.1 કરોડ ગાંસડીનો પાક જ રહ્યો છે. જેને કારણે પાઈપલાઈન પણ ખાલી છે અને સિઝનની આખરમાં 10 લાખ ગાંસડીથી વધુના કેરીઓવરની શક્યતાં નથી. જે ભારતીય બજારમાં રેકોર્ડ લો કેરીઓવર બની રહેશે. છેલ્લાં ચાર મહિનામાં સ્થાનિક વપરાશમાં નોંધપાત્ર ઘટાડાને કારણે જ આ કેરીઓવર જોવા મળી રહ્યો છે. અન્યથા દેશમાં કોટનનો જથ્થો નહિવત હોત. ખાંડીના ભાવ રૂ. 80 હજાર ઉપર પહોંચ્યાં બાદ સ્પીનીંગ મિલ્સે કામગીરી ઘટાડી હતી અને તેથી ચાર મહિનામાં દેશમાં કોટનનો વપરાશ 50 લાખ ગાંસડી જેટલો નીચો રહ્યો હોવાનું વર્તુળો જણાવે છે. સામાન્ય રીતે પ્રતિ માસ 30 લાખ ગાંસડીના વરરાશ સામે છેલ્લાં ચાર મહિનામાં 19 લાખ ગાંસડીનો વપરાશ જ જોવા મળ્યો છે. આમ 40 ટકા જેટલો વપરાશ ઘટી ગયો છે. ગુજરાતની વાત કરીએ તો 20-25 હજારની સ્પીન્ડલ્સ ધરાવતાં સ્પીનર્સ હાલમાં કામગીરી બંધ કરી બેઠાં છે. તેમની માગ ખાંડી રૂ. 70 હજારની નીચે જાય પછી જ નીકળે તેવી શક્યતાં જીનર્સ વ્યક્ત કરી રહ્યાં છે. સ્થાનિક ભાવ ઊંચા રહેવાથી છેલ્લાં ઘણા મહિનાઓથી નિકાસ પણ બંધ થઈ હતી. બીજી બાજુ મિલ્સે કોટન આયાત કરવું પડ્યું હતું. જેની ડિલિવરી હાલમાં ચાલુ છે.
ચાલુ સિઝનમાં દેશમાં કોટનનું વાવેતર 127 લાખ હેકટરને પાર કરી ગયું છે. જે ગઈ સિઝનની સરખામણીમાં 7 લાખ હેકટરની વૃદ્ધિ સૂચવે છે. ઉપરાંત મહારાષ્ટ્રને બાદ કરતાં પાકને નુકસાની ખૂબ ઓછી જોવા મળી રહી છે અને તેથી પ્રથમ અંદાજ મુજબ નવી સિઝનમાં 3.8 કરોડ ગાંસડીનો પાક રહેવાની શક્યતાં છે. જે ગઈ સિઝન કરતાં 15-20 ટકા જેટલો ઊંચો છે. વૈશ્વિક સ્તરે કોટનના પાક નીચો રહેવાનો છે. જેમાં પાકિસ્તાન ખાતે તાજેતરના પૂરને કારણે પાક પર ગંભીર અસર થઈ છે. જ્યારે યુએસ ખાતે પણ પાક નીચો છે. આ સ્થિતિમાં ભારતીય કોટનની માગ ઊંચી જોવા મળી શકે છે. જે પાકમાં મોટા ઘટાડાને અટકાવશે. જીનીંગ વર્તુળોના મતે કોટનના ભાવ રૂ. 65 હજાર આસપાસ સ્થિર થાય તો સ્પીનર્સ અને ખેડૂતો, બંને માટે વીન-વીન સ્થિતિ બની રહેશે. કેમકે ખેડૂતોને ટેકાના ભાવથી ઊંચા ભાવ મળી રહેશે. સાથે સ્પીનર્સને સારી ક્વોલિટી ઉપલબ્ધ બનશે. હાલમાં ખેડૂતોને ભેજવાળા માલોના રૂ. 1600-2000 પ્રતિ મણની રેંજમાં ભાવ મળી રહ્યાં છે. જે એમએસપીથી ઊંચા છે. આવકો પાછળ ભાવ ઘટે તો પણ રૂ. 1400-1600ની રેંજમાં જળવાય રહેવાની શક્યતાં વર્તુળો વ્યક્ત કરી છે. ચાલુ સિઝન વહેલી શરૂ થઈ હોવાથી જીનર્સે મૂહૂર્ત કરી નાખ્યાં છે અને તેઓ પખવાડિયામાં કામગીરી પણ ચાલુ કરી દેશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

શ્રી રેણુકાઃ સુગર ઉત્પાદક કંપનીએ તેની ઈથેનોલ પ્રોડક્શનની ક્ષમતામાં વૃદ્ધિ કરી છે. અગાઉ 720 કિલો લીટર પ્રતિ દિવસની ક્ષમતા હવેથી 1250 કિલો લીટર પ્રતિ દિવસ રહેશે. નવો ઉત્પાદન ડિસેમ્બરથી કામગીરી શરૂ કરશે.
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઃ એનસીએલટીએ એક્સાઈડ લાઈફ ઈન્શ્યોરન્સ અને એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ વચ્ચેના એમાલ્ગમેશનની યોજનાને મંજૂરી આપી છે.
એવિએશન કંપનીઓઃ દેશમાં પેસેન્જર એરલાઈન્સ કંપનીઓએ ઓગસ્ટમાં ટ્રાફિકમાં ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. સરકારી આંકડા મુજબ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે ટ્રાફિકમાં 51 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
એમએન્ડએમઃ અગ્રણી કેનેડિયન ફંડ ઓન્ટેરિયો ટિચર્સ પેન્શન પ્લાન ફંડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ મહિન્દ્રા સસ્ટેનમાં રૂ. 711 કરોડનું રોકાણ કરશે. પેન્શન ફંડ રૂ. 2371 કરોડના વેલ્યૂએશન પર મહિન્દ્રા સસ્ટેનમાં 30 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદશે.
મારુતિ સુઝુકીઃ અગ્રણી કાર ઉત્પાદક કંપનીએ 4 મેથી 30 જુલાઈ 2022 દરમિયાન ઉત્પાદિત 5002 સુપર કેરી વેહીકલ્સને પરત બોલાવ્યાં છે. કંપની દ્વારા તાજેતરમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે.
યસ બેંકઃ રશિયન બેંક પિટ્સબર્ગ સોશ્યલ કોમર્સિયલ બેંકે રૂપી-રૂબલમાં ટ્રેડને શક્ય બનાવવા માટે પ્રાઈવેટ સેક્ટર બેંક યસ બેંકમાં રૂપી એકાઉન્ટ ઓપન કરાવ્યું છે. આ એકાઉન્ટ રશિયા અને ભારત વચ્ચે સ્થાનિક ચલણમાં વેપારની સૂવિધા પૂરી પાડશે.
સ્ટીલ પીએલઆઈઃ અગ્રણી સ્ટીલ કંપનીઓ ટાટા સ્ટીલ, જેએસપીએલ સહિત કુલ 75 કંપનીઓએ સ્ટીલ સેક્ટર માટેની પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ માટે અરજી કરી હોવાનું સરકારે જણાવ્યું છે. તેમણે સ્પેશ્યાલિટી સ્ટીલ માટે આ અરજી કરી છે.
ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાઃ ફાર્મા કંપનીની શેર બાયબેક ઓફર 27 સપ્ટેમ્બરે ખૂલશે અને 11 ઓક્ટોબરના રોજ બંધ થશે.
દિપક ફર્ટિલાઈઝર્સઃ વેનગાર્ડ ગ્રૂપ ઈન્કે વેનગાર્ડ ઈમર્જિંગ માર્કેટ્સ સ્ટોક્સ ઈન્ડેક્સ ફંડ એ સિરિઝ મારફતે ફર્ટિલાઈઝર કંપનીમાં 6,88,921 ઈક્વિટી શેર્સ ખરીદ્યાં છે.
વેલસ્પન કોર્પઃ કંપનીએ 785 માઈલ્સ અથવા એક લાખ ટન હાઈ ફ્રિકવન્સી ઈન્ડક્શન વેલ્ડિંગ પાઈપ્સ સપ્લાયનો ઓર્ડર મેળવ્યો છે.
તાતા પાવરઃ તાતા જૂથની કંપની રિસર્જન્ટ પાવર વેન્ચર્સે સાઉથ ઈસ્ટ યૂપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમેટેડના એક્વિઝિશનની કામગીરીને પૂર્ણ કરી છે.
મધરનસ વાયરિંગઃ ઈન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજિસ ફંડે કંપનીમાં 1.67 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage