Market Summary 2 Aug 2021

એચડીએફસીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3001 કરોડનો નફો નોંધાવ્યો

અગ્રણી મોર્ગેજ લેન્ડર હાઉસિંગ ફાઈનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન(એચડીએફસી)એ જૂન ક્વાર્ટરમાં રૂ. 3001 કરોડનો નફો દર્શાવ્યો છે. જે લગભગ ગયા વર્ષે સમાનગાળામાં તેણે દર્શાવેલા રૂ. 3051 કરોડના નફા બરાબર છે. કંપનીએ જણાવ્યું છે કે કેટલાક કારણોસર નફાના આંકડા ગયા વર્ષના સમયગાળા સાથે સરખાવી શકાય તેમ નથી. કેમકે ચાલુ વર્ષે 23.1 ટકાનો ઊંચો ઈફેક્ટિવ ટેક્સ રેટ લાગુ પડે છે. જે ગયા વર્ષે 15.4 ટકા પર હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 22 ટકા ઉછળી રૂ. 4147 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3392 કરોડ પર હતી. જ્યારે વ્યક્તિગત લોન માટે સમગ્રતયા કલેક્શન એફિશ્યન્સિ રેશિયો 98.3 ટકા પર રહ્યો હતો. જે માર્ચ 2021 ક્વાર્ટરમાં 98 ટકા પર હતો. કોવિડના બીજા રાઉન્ડને કારણ અવરોધો છતાં કંપનીએ વ્યક્તિગત લોન બુકમાં 22 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે સમગ્રતયા લોન બુકમાં 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જૂન 2021ને અંતે કંપનીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 5.74 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.31 લાખ કરોડ પર હતું. વ્યક્તિગત લોન વિતરણમાં ગયા વર્ષે પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 181 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. એફોર્ડેબલ તથા હાઈ એન્ડ પ્રોપર્ટીઝ, બંને સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો હતો.

જૂન ક્વાર્ટરમાં  FIIsના હોલ્ડિંગમાં ઘટાડો

દેશના શેરબજારો પર લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોના હિસ્સામાં જૂન ક્વાર્ટર દરમિયાન ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી-500 ગ્રૂપના શેર્સમાં એફઆઈઆઈનો હિસ્સો 60 બેસીસ પોઈન્ટ્સ ઘટી 21.7 ટકા પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 શેર્સમાં પણ તેમનો હિસ્સો 40 બેસીસ પોઈન્ટ્સ ઘટી 27.4 ટકા પર જોવા મળ્યો હતો. જો વાર્ષિક ધોરણે સરખામણી કરીએ તો પણ તેમના હિસ્સામાં ઘટાડો નોંધાયો હતો. જેમાં નિફ્ટી-500 શેર્સમાં તેમનો હિસ્સો 90 બેસીસ પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી-50 શેર્સમાં તો 140 બેસીસ પોઈન્ટ્સનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લાં દોઢ મહિનાથી એફઆઈઆઈ સતત વેચવાલી દર્શાવી રહી છે. જેની પાછળ ચાલુ કેલેન્ડરમાં ગયા મહિના સુધી પોઝીટીવ ઈનફ્લો દર્શાવતી એફઆઈઆઈ ગયા સપ્તાહથી નેટ આઉટફ્લો દર્શાવી રહી છે. શુક્રવાર સુધીમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટી માર્કેટ્સમાં કુલ રૂ. 6500 કરોડની વેચવાલી દર્શાવી હતી.

પોલીસીબઝારે ડીઆરએચપી ફાઈલ કર્યું

ઓનલાઈન ઈન્શ્યોરન્સ માર્કેટબ્લેસ પોલીસિ બઝારે પણ અન્ય ઈન્ટરનેટ કંપનીઓને અનુસરતાં સોમવારે પ્રાઈમરી બજારમાં પ્રવેશવા માટે ડીઆરએચપી ફાઈલ કરી દીધું છે. કંપનીના રૂ. 6017 કરોડના આઈપીઓમાં કંપનીમાં વર્તમાન રોકાણકારોના રૂ. 1875 કરોડના ઓફર ફોર સેલ હિસ્સાનો તથા કંપની દ્વારા રૂ. 3750 કરોડના ફ્રેશ ઈસ્યુનો સમાવેશ થાય છે એમ ડીઆરએચપી દર્શાવે છે. ઈન્ફોએજનું સમર્થન ધરાવતી ઝોમેટો પછીની આ બીજી કંપની શેરબજારમાં પ્રવેશ કરશે. કંપનીએ ડીઆરએચપીમાં નોંધ્યું છે કે તેની વર્તમાન ખોટ અને પ્લાન્ડ ખર્ચાઓ કંપની માટે જોખમી પરિબળો છે. સાથે ડેટા સાથે કોઈપણ પ્રકારના ચેડા તથા પાર્ટનર્સ દ્વારા ચૂકવવામાં આવતાં કમિશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર પણ રિસ્ક ફેક્ટર છે.

રૂપિયામાં 7 પૈસાના સુધારે પોઝીટીવ શરૂઆત

યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં નવા સપ્તાહે મજબૂતી સાથે કામકાજની શરૂઆત જોવા મળી હતી. રૂપિયો ગ્રીનબેક સામે અગાઉના 74.42ના બંધ સામે 7 પૈસા સુધરી 74.35ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં પોઝીટીવ ટ્રેન્ડે રૂપિયાને સપોર્ટ કર્યો હતો. શુક્રવારે એફઆઈઆઈ તરફથી રૂ. 3800 કરોડની ઊંચી વેચવાલીની પણ કોઈ ખાસ અસર ચલણના મૂલ્ય પર જોવા મળી નહોતી. રૂપિયો ઉપરમાં 74.39 પર જોવા મળ્યો હતો. આમ અગાઉના બંધથી ઉપર જ ટ્રેડ દર્શાવ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage