Market Summary 2 August 2022

બ્લોગ કન્ટેન્ટ

 

માર્કેટ સમરી

 

 

વૈશ્વિક બજારોને અવગણી ભારતીય શેરબજારની આગેકૂચ જારી

એશિયન શેરબજારોમાં મંગળવારે ભારે વેચવાલી નોંધાઈ

હોંગ કોંગ, ચીન, જાપાન, તાઈવાન, કોરિયન બજારોમાં 2.4 ટકા સુધીનો ઘટાડો

વોલેટિલિટી ઈન્ડેક્સ બીજા દિવસે 6 ટકા ઉછળ્યો

એનર્જી, ઓટો, બેંક, એફએમજીસીમાં અન્ડરટોન મક્કમ

આઈટી, મેટલમાં નરમાઈ

બ્રોડ માર્કેટમાં લેવાલી ધીમી પડવા છતાં બ્રેડ્થ પોઝીટીવ

ઝોમેટોમાં સારા પરિણામ પાછળ 20 ટકાની અપર સર્કિટ

 

સપ્તાહના બીજા સત્રમાં સાંકડી વધ-ઘટ વચ્ચે ભારતીય બજારે સતત પાંચમા દિવસે પોઝીટીવ બંધ જાળવ્યું હતું. વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી વચ્ચે સ્થાનિક બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 21 પોઈન્ટ્સ સુધારા સાથે 58328ની સપાટીએ જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ્સ સુધારે 17345ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં માર્કેટ-બ્રેડ્થ ન્યૂટ્રલ જેવી જોવા મળતી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 27 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 23માં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી ધીમી પડી હતી. જોકે બીએસઈ ખાતે સુધારો દર્શાવનાર શેર્સની સંખ્યા ઘટાડો દર્શાવનાર શેર્સ કરતાં ઊંચી જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સ્થિરતા વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સે બીજા દિવસે 6 ટકા ઉછાળો દર્શાવ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી સત્રો બે બાજુની વધ-ઘટવાળા હોઈ શકે છે.

મંગળવારે સ્થાનિક બજારની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. નિફ્ટી 30 પોઈન્ટ્સ ઘટાડા સાથે ઓપન થયા બાદ વધુ ગગડી 110 પોઈન્ટ્સ ડાઉન જોવા મળી રહ્યો હતો. જોકે ત્યારબાદ તેજીવાળઓએ બજાર પર ફરી અંકુશ મેળવ્યો હતો અને બંધ થતાં અગાઉ ઈન્ડેક્સ 17390ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે આખરે તેણે સાધારણ ફ્લેટિશ બંધ દર્શાવ્યું હતું. ભારતીય બજારે એશિયન બજારોની ધરાર અવગણના કરી હતી. સિંગાપુરને બાદ કરતાં તમામ એશિયન બજારો નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ અને ચીનના બજારો 2 ટકાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે જાપાન અને તાઈવાનના બજારો એક ટકાથી વધુ ડાઉન જોવા મળતાં હતાં. કોરિયન માર્કેટ 0.5 ટકા નરમાઈ સૂચવતું હતું. આમ ભારતીય બજાર તરફથી હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ સતત જળવાયું છે.

નિફ્ટીને મંગળવારે સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક 2.6 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય એશિયન પેઈન્ટ્સ, એનટીપીસી, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચયૂએલ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. જ્યારે આનાથી ઊલટું બેન્ચમાર્ક પર દબાણ ઊભું કરવામાં યૂપીએલ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ, હિંદાલ્કો અને એચડીએફસી મુખ્ય હતાં. વિવિધ સેક્ટરલ બેન્ચમાર્કસના દેખાવ પર નજર નાખીએ તો નિફ્ટી એનર્જી એક ટકાથી વધુ સુધારે બંધ જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ એનટીપીસી, એચપીસીએલ અને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી સપોર્ટ હતો. પાવર શેર્સમાં સાર્વત્રિક મજબૂતી જોવા મળી રહી હતી. ટાટા પાવર, એનએચપીસી જેવા કાઉન્ટર્સ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.6 ટકા સુધારો દર્શાવતો હતો. એચયૂએલમાં 1.63 ટકાનો સુધારો નોઁધાયો હતો અને તે રૂ. 2600ની સપાટી પાર કરી ગયો હતો. આઈટીસીએ જૂન ક્વાર્ટર માટે બમ્પર રિઝલ્ટ રજૂ કરતાં તેણે એફએમસીજી બેન્ચમાર્કને સપોર્ટ કર્યો હતો. આ સિવાય પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, નેસ્લેમાં પણ એક ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 2.7 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં જેકે બેંક 5 ટકા, બેંક ઓફ બરોડા 5 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 4 ટકા, કેનેરા બેંક 3.6 ટકા, યુકો બેંક 3.5 ટકા અને આઈઓબી 3 ટકા સુધારો સૂચવતાં હતાં. બેંક નિફ્ટી 0.32 ટકાનો સાધારણ સુધારો દર્શાવતો હતો. જોકે તેણે 38 હજારની સપાટીને પાર કરી હતી. આમ તેણે મહત્વની સાયકોલોજિકલ સપાટી પાર કરી હતી. ટોચની પ્રાઈવેટ બેંક્સ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, બંધન અને એક્સિસ બેંક નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ઓટોમોબાઈલ ક્ષેત્રે સારા વેચાણ આંકડા પાછળ મજબૂતી જળવાય હતી. ઓટો ઈન્ડેક્સ 13000ની સપાટી પાર કરી 13023 પર બંધ રહ્યો હતો. જેમાં મારુતિ સુઝુકી 2 ટકા સુધારે રૂ. 9200 નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. એમઆરએફ, એમએન્ડએમ, ટીવીએસ મોટર, આઈશર મોટર્સ પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મામાં ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. ઓરોબિંદો ફાર્મા 3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. મેટલ્સમાં ઊંચા સ્તરે વેચવાલી નીકળી હતી. જેમાં નાલ્કો, જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, વેદાંત અને હિંદુસ્તાન ઝીંક નરમાઈ સાથે બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી પણ 0.7 ટકા ડાઉન જોવા મળતો હતો. જેમાં મુખ્યત્વે કોફોર્જ, એલએન્ડટી ઈન્ફોટેક, ટેક મહિન્દ્રા, માઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી અને એમ્ફેસિસ જેવા કાઉન્ટર્સ 1-3 ટકા ઘટાડો સૂચવતાં હતાં.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આઈડીએફસી 4.3 ટકા, ઓરેકલ ફાઈનાન્સિયલ 4.3 ટકા, બર્ગર પેઈન્ટ્સ 3.75 ટકા, વોડાફોન આઈડિયા 3.3 ટકા, આદિત્ય બિરલા ફેશન 3 ટકા, આરબીએલ બેંક 2.9 ટકા અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 2.7 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે આનાથી વિપરીત એસ્કોર્ટ્સમાં 5.2 ટકા, ગેઈલ 4 ટકા, ઈન્ડુસ ટાવર્સ 3.4 ટકા, અશોક લેલેન્ડ 3.6 ટકા, ફર્સ્ટસોર્સ 3.5 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 3.2 ટકા અને કોફોર્જ 3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.

 

 

 

 

રાજ્યમાં કપાસનું વાવેતર 25 લાખ હેકટરને પાર કરી પાંચ વર્ષની ટોચે

ગઈ સિઝનમાં 22.22 લાખ હેકટર સામે 2.82 લાખ હેકટરની વૃદ્ધિ

બીજી બાજુ મગફળીમાં વાવેતર 16.72 લાખ હેકટર સાથે 2.22 લાખ હેકટરનો ઘટાડો

અનાજના વાવેતરમાં 72 હજાર હેકટરનો ઉમેરો જ્યારે કઠોળના વિસ્તારમાં 1 લાખ હેકટરનું ગાબડું

કુલ વાવેતર 5.82 લાખ હેકટર વધી 70.25 લાખ હેકટરમાં નોંધાયું

 

ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં કપાસ પર પસંદગી ઉતારી છે. જેને કારણે ખરિફ વાવણી સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે મુખ્ય ચોમાસુ પાકનું વાવેતર પાંચ વર્ષની ટોચ સાથે 25.04 લાખ હેકટરની સપાટીને પાર કરી ગયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 22.22 લાખ હેકટરની સરખામણીમાં 2.82 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 24 લાખ હેકટરના વાવેતરની સામે 4 ટકા જેટલું વધારે છે. ગયા સપ્તાહમાં કપાસ વાવેતરમાં 55 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી.

જોકે બીજી બાજુ તેલિબિયાં, કઠોળ, શાકભાજી અને ઘાસચારા પાકોના વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કપાસ બાદ બીજા ક્રમે આવતી મગફળીનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 2.22 લાખ હેકટરના ઘટાડે 16.72 લાખ હેકટરમાં નોંધાયું છે. ગયા વર્ષે સમાનગાળામાં તે 18.94 લાખ હેકટર પર જોવા મળતું હતું. ગયા સપ્તાહે મગફળીના વાવેતરમાં 46 હજાર હેકટરનો ઉમેરો થયો હતો. મગફળી પાછળ તેલિબિયાંનો કુલ વાવેતર વિસ્તાર પણ 2.18 લાખ હેકટરના ઘટાડે 20.79 લાખ હેકટર(ગઈ સિઝનમાં 22.97 લાખ હેકટર) પર જોવા મળી રહ્યો છે. ખાદ્યાન્નની વાત કરીએ તો ગયા સપ્તાહમાં 2.19 લાખ હેકટરના ઉમેરા સાથે તેનું વાવેતર 11.44 લાખ હેકટર પર પહોંચ્યું છે અને ગઈ સિઝનની સરખામણીમાં 72 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. સપ્તાહમાં ડાંગરનું વાવેતર 1.94 લાખ હેકટરની વૃદ્ધિ સાથે 6.67 લાખ હેકટરે જોવા મળે છે. જે 38 હજારની વૃદ્ધિ સૂચવે છે. જોકે ખરિફ કઠોળ પાકોના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં 1.03 લાખ હેકટરનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મઠને બાદ કરતાં તમામ કઠોળ પાકોનું વાવેતર નીચું જોવા મળે છે. જેમાં અડદનું વાવેતર લગભગ 50 ટકા જેટલું નીચું છે. તુવેરનું વાવેતર પણ ગઈ સિઝનના 2.12 લાખ હેકટર સામે 1.88 લાખ હેકટરમાં જોવા મળે છે. કઠોળ પાકોનું કુલ વાવેતર 4.36 લાખ હેકટર સામે 3.33 લાખ હેકટરમાં નોંધાયું છે.

ચાલુ સિઝનમાં કપાસ બાદ એરંડાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા સપ્તાહમાં વધુ 70 હજાર હેકટરના ઉમેરા સાથે અખાદ્ય તેલિબિયાંનું કુલ વાવેતર 1.47 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 1.02 લાખ હેકટર પર જ હતું. કપાસ, મગફળી અને ડાંગર બાદ એરંડા 6.77 લાખ હેકટરમાં વવાતો ચોથા મોટો ખરિફ પાક છે. દેશમાં 85 ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

સપ્તાહમાં ખરિફ વાવેતરમાં વૃદ્ધિ(લાખ હેક્ટરમાં)

પાક            વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ         કુલ વાવેતર વિસ્તાર

કપાસ                  0.55                           25.04

મગફળી                        0.46                           16.72

ડાંગર                  1.94                           6.67

અનાજ                 2.19                           11.44

કઠોળ                  0.47                           3.33

કુલ                     5.82                           70.25

 

 

 

કોટનના ભાવમાં તળિયેથી રૂ. 7000નો ઉછાળો

ખાંડીએ રૂ. 85 હજાર પર બોલાયેલા ભાવ મંગળવારે રૂ. 92 હજાર પર પહોંચ્યાં

યુએસ ખાતે પાક પર ખતરા પાછળ કોટનમાં મજબૂતી

 

કપાસ ઉત્પાદકો માટે સતત બીજા વર્ષ સારુ બની રહે તેવી પૂરી શક્યતાં જોવાઈ રહી છે. કોટનના ભાવ પખવાડિયા અગાઉ રૂ. 85 હજાર પ્રતિ ખાંડીનું તળિયું બનાવી બાઉન્સ થયાં છે. મંગળવારે તે રૂ. 92 હજાર પર જોવા મળતાં હતાં. આમ રૂ. 7000નો સુધારો દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે કોટન બેલ્ટમાં વરસાદના અભાવ કારણે પાક પર ખતરા પાછળ સેન્ટિમેન્ટ મજબૂત બન્યું હોવાનું વર્તુળો જણાવે છે.

દેશમાં કપાસનું વાવેતર 1.2 કરોડ હેકટર પર પહોંચી ચૂક્યું હોવા છતાં કોટનના ભાવ ફરી મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેનું કારણ સંપૂર્ણપણે ખાલી પાઈપલાઈન છે. વર્તુળોના મતે હાલમાં મિલો પાસે માલ છે. એ સિવાય બજારમાં 3-5 લાખ ગાંસડી માલ માંડ પડ્યો છે. જોકે બીજી બાજુ મિલ્સને નુકસાન છે અને તેથી તેમણે કામ પણ મોટાપાયે ઘટાડી દીધાં છે. સાઉથની મિલો એક પાળીમાં કામ કરી રહી છે. તેમની પાસે માલ પડ્યો છે. નવી આવકો 15 સપ્ટેમ્બરથી જોવા મળશે. ત્યાં સુધી ભાવમાં મજબૂતી ટકશે. જોકે નવી સિઝનની શરૂઆત બાદ ભાવમાં મોટા ઘટાડાની શક્યતાં નથી. અગાઉ ઓક્ટોબર ડિલિવરીના રૂ. 71 હજારના ભાવ વધી રૂ. 75 હજાર જ્યારે ડિસેમ્બર ડિલીવરીના રૂ. 63-64 હજારવાળા ભાવ વધી રૂ. 68-69 હજાર બોલાઈ રહ્યાં છે. દેશમાં સૌથી મોટા વાવેતરકારમહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે પાકને નુકસાનને કારણે પણ ભાવમાં મજબૂતી જોવા મળી છે. રાજ્યમાં 43 લાખ હેકટરમાં કોટનની વાવણી થઈ ચૂકી છે.

 

 

 

 

ઓટો કંપનીઓએ જુલાઈમાં કોવિડ પછીનું સૌથી ઊંચું વેચાણ નોંધાવ્યું

ચીપ સપ્લાય સુધરતાં તથા નવા લોંચિસને કારણે સેલ્સમા વધારો

પેસેન્જર વેહીકલ્સ ઉપરાંત ટુ-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ સેગમેન્ટ્સનો પણ સારો દેખાવ

સેમીકંડક્ટરનો સપ્લાય સુધરતાં તેમજ નવા લોંચિસને કારણે ઓટોમોબાઈલ કંપનીઓએ જુલાઈ દરમિયાન કોવિડ પછીનો સૌથી સારુ વેચાણ નોંધાવી શકી હતી. જેમાં કાર સહિત ટુ-વ્હીલર્સ અને કમર્સિયલ વેહીકલ સેગમેન્ટ્સનો સમાવેશ પણ થતો હતો. કેટલીક કંપનીઓએ માસિક ધોરણે વાહન વેચાણના નવા વિક્રમો પણ દર્શાવ્યાં હતાં.

પ્રાઈવેટ વેહીકલ સેગમેન્ટમાં માર્કેટ લીડર મારુતિ સુઝુકીએ જાઈ દરમિયાન ડીલર્સને હોલસેલ વેચાણમાં 7 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીએ ગયા કેલેન્ડરમાં જુલાઈની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 1,42,850 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. બીજા ક્રમે આવતી હ્યુન્દાઈએ પણ વાર્ષિક ધોરણે 5 ટકા વૃદ્ધિ સાથે 50,500 યુનિટ્સનું સેલ્સ કર્યું હતું. જ્યારે તાતા મોટર્સે વાર્ષિક 57 ટકા ગ્રોથ સાથે 47505 યુનિટ્સ વેચ્યાં હતાં. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 33 ટકા વૃદ્ધિ સાથે 28053 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કિયા ઈન્ડિયાએ પણ 47 ટકા વૃદ્ધિ સાથે 22022 નંગનું વેચાણ કર્યું હતું. ઓટો ક્ષેત્રે સ્ટોક બિલ્ડ-અપમાં પણ વૃદ્ધિ થઈ હતી. એપ્રિલની શરૂઆતમાં 1.2 લાખ યુનિટ્સ પરથી હાલમાં ઉદ્યોગ ક્ષેત્રે કુલ બે લાખ વાહનોનો સ્ટોક પડ્યો છે.

ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર હીરો મોટોકોર્પે જુલાઈમાં વાર્ષિક ધોરણે સાધારણ વૃદ્ધિ સાથે 4,30,684 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે હોન્ડા મોટરસાઈકલે 18 ટકા વૃદ્ધિ સાથે 4,02,701 નંગ વેહીકલ્સ વેચ્યાં હતાં. ટીવીએસે(201942 યુનિટ્સ) પણ વાર્ષિક ધોરણે 15 ટકા જ્યારે બજાજ ઓટો(164384 યુનિટ્સ)એ 5 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.

 

 

સરકાર ઘઉંની આયાત ડ્યુટીમાં ઘટાડો કરે તેવી સંભાવના

છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ઘઉંના ભાવમાં જોવા મળી રહેલી સતત વૃદ્ધિને કારણે કેન્દ્ર સરકાર ઘઉં પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કરે તેવી સંભાવના હોવાનું માર્કેટ વર્તુળો જણાવી રહ્યાં છે. સરકારે આ વાતને સત્તાવાર સમર્થન નથી આપ્યું તેમ છતાં તહેવારોની સિઝનમાં ક્યાંય કોઈ ભાવ વધારો નડે નહિ તે માટે આમ કરી શકે છે. દેશમાં ઘઉંની આયાત પર 40 ટકા ડ્યુટી લાગુ પડે છે. આ ઉપરાંત સરકાર કેન્દ્રિય પુલમાંથી કેટલોક જથ્થો છૂટો કરે અને પ્રાઈવેટ ટ્રેડર્સને આપે તેવી પણ વાત છે. સાથે અમુક જથ્થાથી વધુ હિસ્સો રાખવા પર પ્રતિબંધ પણ મૂકી શકે છે. જોકે ટ્રેડર્સના મતે વૈશ્વિક બજારમાં વર્તમાન સ્થિતિને જોતાં આયાત જકાતમાં ઘટાડાથી કોઈ મોટો લાભ થવાની શક્યતાં નથી. કેમકે વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની પડતર રૂ. 3 હજાર પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે દેશમાં સૌથી વધુ ભાવ દક્ષિણ ભારતમાં રૂ. 2700-2750 આસપાસ ચાલી રહ્યાં છે. હાલમાં આયાત ડ્યુટીમાં ઘટાડાનો કોઈ અર્થ રહેતો નથી. કેમકે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વૈશ્વિક પ્રાઈસ લેવલ કરતાં નીચાં છે. તેમના મતે જો આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાંથી 5-10 લાખ ટન ઘઉં દક્ષિણ ભારતીય પોર્ટ તુતીકોરિન મારફતે તે વિસ્તારમાં પ્રવેશી શકે છે અને ત્યાં ફ્લોર પ્રાઈસમાં ઘટાડો જોવા મળી શકે છે.

 

જુલાઈમાં ડોમેસ્ટીક એર પેસેન્જર્સ ટ્રાફિકમાં 11 ટકા ઘટાડો

ડોમેસ્ટીક એર પેસેન્જર ટ્રાફિકમાં જુલાઈ દરમિયાન 10.67 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જૂન મહિનામાં 105.37 લાખ પેસેન્જર્સની સરખામણીમાં તે ઘટી 94.13 લાખ પેસેન્જર્સનો જોવા મળ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા મુજબ જુલાઈમાં ઉડ્ડયન ઉદ્યોગે ડોમેસ્ટીક રુટ્સ પર માસિક ધોરણે પ્રતિ દિવસ સરેરાશ 47500 પેસેન્જર્સનો ઘટાડો નોંધાવ્યો હતો. જુલાઈમાં દૈનિક પેસેન્જર્સની સંખ્યા 3,03,645 પર રહી હતી. જે જૂન દરમિયાન 3,51,257 પર હતી. ભારતીય ઉડ્ડયન કંપનીઓએ જુલાઈમાં તેમની ફ્લાઈટ્સમાં 8.41 ટકા ઘટાડો કર્યો હતો. જ્યારે બીજી બાજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ડિપાર્ચર્સમાં 4.67 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ઉદ્યોગ એનાલિસ્ટ્સના મતે ઊંચા હવાઈ ભાડાને કારણે ડોમેસ્ટીક રૂટ્સ પર પ્રતિકૂળ અસર પડી હતી.

 

માર્કેટમાં મંદીને કારણે NFOsની NAV રૂ. 10ની નીચે ઉતરી ગઈ

ઈક્વિટી માર્કેટ્સમાં ચાલુ કેલેન્ડરમાં જોવા મળેલી ઊંચી વધ-ઘટ વચ્ચે નરમાઈને કારણે છેલ્લાં એક વર્ષમાં બજારમાં પ્રવેશેલી ન્યૂ ફંડ ઓફર્સ(એનએફઓ)ની નેટ એસેટ વેલ્યૂ(એનએવી) તેમની રૂ. 10ની ફેસ વેલ્યૂની નીચે ઉતરી ગઈ હતી. જો જુલાઈ મહિનામાં બજારમાં રાહતરૂપી તેજી જોવા ના મળી હોત તો તે ખૂબ મોટો ઘટાડો દર્શાવતી હોત.

ગયા સપ્ટેમ્બરમાં બજારમાં પ્રવેશનાર એચએસબીસી મીડ-કેપ ફંડની એનએવી ગયા શુક્રવારે રૂ. 9.10 પર જોવા મળતી હતી. ફંડ રૂ. 1002 કરોડનું એયૂએમ ધરાવે છે. ડિસેમ્બરમાં પ્રવેશેલાં અને ગયા વર્ષના સફળ એનએફઓમાંના એક એક્સિસ મલ્ટિકેપ ફંડની એનએવી રૂ. 9.65 પર જોવા મળતી હતી. ફંડ રૂ. 4843 કરોડનું એયૂએમ ધરાવે છે. આ જ રીતે કોટક મલ્ટિ-કેપ ફંડની એનએવી ગયા શુક્રવારે રૂ. 9.72 પર જોવા મળતી હતી. ફંડે ગયા સપ્ટેમ્બરમાં રૂ. 3500 કરોડ ઊભા કર્યાં હતાં. એવું નથી કે માત્ર એક્ટિવ ફંડ એનએફઓ એ જ નુકસાન ઉઠાવ્યું છે. પેસિવ ફંડ એનએફઓએ પણ સહન કરવાનું બન્યું છે. આવા પેસિવ ફંડ્સમાં આદિત્ય બિરલા સન લાઈફ નિફ્ટી હેલ્થકેર ઈટીએફ અને મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડની એનએવી અનુક્રમે રૂ. 8.04 અને રૂ. 8.80 પર જોવા મળી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ પ્રૂ નિફ્ટી સ્મોલ કેપ 250 ઈન્ડેક્સ ફંડની એનએવી રૂ. 9 પર હતી. ફંડ ગૃહોએ ગયા વર્ષે બજારમાં તેજીના સમયે એનએફઓ લોંચ કર્યાં હતાં અને ઊભા કરેલા ફંડ્સનું ઊંચા વેલ્યૂએશન્સ પર બજારમાં રોકાણ કર્યું હતું. નિપ્પોન ઈન્ડિયા તાઈવાન ઈક્વિટી ફંડની એનએવી રૂ. 7.07 જેટલી નીચે ઉતરી ગઈ હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ પ્રૂ નાસ્ડેક 100 ઈન્ડેક્સ ફંડની એનએવી રૂ. 8.90 પર જોવા મળી હતી.

 

 

કોર્પોરેટ હેડલાઈન્સ

 

કેસ્ટ્રોલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 1242 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 890 કરોડની સરખામણીમાં 40 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 140 કરોડ નફા સામે 47 ટકા ઊંચો 206.3 કરોડનો નફો નોંધાવ્યો હતો.

ઝોમેટોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 1414 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 844.4 કરોડની સરખામણીમાં 67.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 356 કરોડની ખોટ સામે રૂ. 186 કરોડની ખોટ નોંધાવી હતી.

મેક્સ લાઈફઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1009 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રિમીયમ મેળવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 875 કરોડની સરખામણીમાં 15 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું ગ્રોસ રિટન પ્રિમીયમ 18 ટકા વધી રૂ. 3364 કરોડ સામે રૂ. 4103 કરોડ રહ્યું હતું.

ડીએલએફઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 1441 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1139 કરોડની સરખામણીમાં 27 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 337 કરોડ નફા સામે 39 ટકા ઊંચો 469 કરોડનો નફો નોંધાવ્યો હતો.

ઈઝીટ્રીપઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 1663 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 356 કરોડની સરખામણીમાં 367 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 15 કરોડ નફા સામે 126 ટકા ઊંચો 33.7 કરોડનો નફો નોંધાવ્યો હતો.

રેઈન ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 5541 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4437 કરોડની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 304 કરોડ નફા સામે 129 ટકા ઊંચો 696 કરોડનો નફો નોંધાવ્યો હતો.

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 25 ટકા વૃદ્ધિ સાથે રૂ. 15.6 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં ઊંચી એયુએમ વૃદ્ધિ પાછળ આવક 43 ટકા વધી રૂ. 128.3 કરોડ રહી હતી. કાર્વીની ખરીદીને કારણે ઈક્વિટી એયુએમ 43 ટકા વધીને રૂ. 43,618 કરોડ રહ્યું હતું.

દીપક ફર્ટિલાઇઝર્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 740 કરોડનો એબિટા નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 290 કરોડ પર હતો. કંપનીનો ચોખ્ખો નફો 233 ટકા ઉછળ્યો છે. કેમિકલ સેગમેન્ટની આવક બમણી થઈ રૂ. 1771 કરોડ પર રહી હતી. જ્યારે માર્જિન 41 ટકા પર રહ્યું હતું.

થાયરોકેરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 128 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 164.7 કરોડની સરખામણીમાં 22.4 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 55.6 કરોડ નફા સામે 61 ટકા ઘટાડે 21.7 કરોડનો નફો નોંધાવ્યો હતો.

દિગ્વિજય સિમેન્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક રૂ. 161.2 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 154.7 કરોડની સરખામણીમાં 4.2 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 21.72 કરોડ નફા સામે 21 ટકા ઘટાડે 17.2 કરોડનો નફો નોંધાવ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage