માર્કેટ સમરી
ઈન્ટ્રા-ડે કરેક્શન દર્શાવી નિફ્ટી પરત ફર્યો
બુધવારનો દિવસ વોલેટિલિટીથી ભરપૂર રહ્યો હતો. ફ્લેટ ઓપનીંગ બાદ બજાર નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું અને બપોર સુધી ઘસાતું રહ્યું હતું. જોકે અંતિમ કલાકમાં તેણે નોંધપાત્ર બાઉન્સ દર્શાવ્યો હતો. નિફ્ટી તેના 12984ના ઈન્ટ્રા-ડે લોથી 130 પોઈન્ટસના સુધારે 13114 પર નવી ટોચ પર બંધ રહ્યો હતો. મંગળવારે તેણે 13109નું સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. આમ નિફ્ટી કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યું છે.
નિફ્ટી મેટલ 2.6 ટકા ઉછળ્યો
સ્ટીલ અને મેટલ શેર્સમાં મજબૂતી પાછળ નિફ્ટી મેટલ 2.56 ટકા ઉછળી 3050 પર બંધ રહ્યો હતો. અગ્રણી તમામ સ્ટીલ શેર્સ છેલ્લા બે વર્ષની ટોચ પર બંધ રહ્યાં હતાં. આદિત્ય બિરલા જૂથની એલ્યુમિનિયમ ઉત્પાદક હિંદાલ્કોનો શેર બુધવારે નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર 2 ટકાથી વધુના સુધારે રૂ. 236.85ના સ્તરે જોવા મળ્યો હતો. કંપનીનો શેર ત્રણેક વર્ષના ટોચના સ્તરે જોવા મળ્યો હતો. તેણે રૂ. 50 હજાર કરોડના માર્કેટ-કેપને પણ પાર કર્યું હતું. માર્ચ મહિનામાં હિંદાલ્કોનો શેર રૂ. 85ના સ્તરે પટકાયો હતો. જ્યાંથી તે લગભગ 180 ટકા રિટર્ન સૂચવી રહ્યો છે.
સ્ટીલ શેર્સમાં લાવ-લાવ જળવાયો
બુધવારે બજારમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ સ્ટીલ શેર્સની આગેકૂચ જળવાય હતી. અગ્રણી સ્ટીલ કંપનીઓ જેવીકે ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના શેર્સમાં બે વર્ષની ટોચ જોવા મળી હતી. પીએસયૂ સ્ટીલ ઉત્પાદક સેઈલનો શેર પણ ઘણા સમય બાદ મજબૂતી દર્શાવી રહ્યો હતો. ટાટા સ્ટીલનો શેર 4 ટકાના સુધારે રૂ. 600ની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકાના સુધારે રૂ. 370 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેએસપીએલનો શેર 6 ટકા મજબૂતી સાથે રૂ. 268ના ત્રણથી વધુ વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે સેઈલે રૂ. 53નું સ્તર પાર કર્યું દર્શાવ્યું હતું.
બેંક શેર્સ નરમ રહ્યાં, નિફ્ટી બેંક 1.2 ટકા ઘટ્યો
અગ્રણી બેંક શેર્સમા ઘટાડા પાછળ બીજો મહત્વનો ટ્રેડેડ બેન્ચમાર્ક બેંક નિફ્ટી 1.2 ટકા અથવા 355 પોઈન્ટ્સની નરમાઈએ 29463 પર બંધ જોવા મળ્યો હતો.
ઓટોમાં મજબૂતી, નિફ્ટી ઓટો 1.2 ટકા મજબૂત
નવેમ્બરમાં ઓટો વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવતાં ઓટોમોબાઈલ શેર્સમાં પોઝીટીવ રૂખ જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી ઓટો 1.2 ટકા અથવા 107 પોઈન્ટસ સુધરી 9094ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા પણ સાધારણ પોઝીટીવ રહ્યો હતો.
મીડ-કેપ્સ મજબૂત રહ્યાં
બીએસઈ ખાતે 3085 કાઉન્ટર્સમાંથી 1719 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1202 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. આમ માર્કેટ-બ્રેડ્થ સતત પાંચમા દિવસે પોઝીટીવ જળવાય હતી. 229 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 416 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં.
ચાંદીમાં ત્રણ સેશનમાં 10 ટકાનો ઉછાળો, સોનું 4 ટકા બાઉન્સ થયું
સોમવારે સાંજના સત્રમાં એમસીએક્સ માર્ચ વાયદો રૂ. 58880ના સ્તરેથી સુધરી બુધવારે રૂ. 64150 બોલાયો
સોનુ ફેબ્રુઆરી વાયદો સોમવારે સાંજે રૂ. 47551ના સ્તરેથી સુધરી બુધવારે રૂ. 49111 પર ટ્રેડ થયો
સતત બે સપ્તાહ સુધી ઘટતાં રહ્યાં બાદ કિંમતી ધાતુઓને સપોર્ટ મળ્યો છે અને તાજેતરના તળિયાથી તેમણે તીવ્ર બાઉન્સ દર્શાવ્યો છે. ખાસ કરીને ચાંદી સોમવારે સાંજે યોજાયેલા એમસીએક્સના સત્રમાં રૂ. 58880ના 5 મહિનાના તળિયેથી 9.5 ટકા જેટલી ઉછળી રૂ. 64150 પર ટ્રેડ થઈ છે. ઓગસ્ટ મહિનામાં ટોપ બનાવીને કરેક્શનમાં જોવા મળતી ચાંદીએ લાંબા સમયબાદ તીવ્ર પ્રત્યાઘાતી સુધારો દર્શાવ્યો છે. ટેકનિકલી ચાંદીમાં લેણના સંજોગો ઊભા થયાં છે અને એનાલિસ્ટ્સ તેમાં રૂ. 66000ના સુધારાની શક્યતા જોઈ રહ્યાં છે. સોનું પણ રૂ. 47500 સુધી પટકાઈને રૂ. 49111ની સપાટી સુધી પરત ફર્યું છે અને હવે તેમાં રૂ. 50000નું ટાર્ગેટ જોવા મળે તેવો આશાવાદ છે.