માર્કેટ સમરી
નિફ્ટી તળિયેથી રિકવર થઈ પોઝીટીવ બંધ આવ્યો
ભારતીય બજારમાં છેલ્લા બે દિવસ કોન્સોલિડેશનના જોવા મળ્યાં છે. બુધવારે નિફ્ટી મોટાભાગનો સમય રેડિશ જોવા મળ્યો હતો. જોકે આખરી ટ્રેડ દરમિયાન તેણે ઝડપી સુધારો દર્શાવ્યો હતો અને 1.35ના સાધારણ સુધારા સાથે 15576 પર બંધ આવ્યો હતો. બેન્ચમાર્કને મેટલ અને ઓટો તરફથી તથા હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મહત્વનો સપોર્ટ મળ્યો હતો. આમ વૈશ્વિક બજારોની સરખામણીમાં સ્થાનિક બજારનું અન્ડરપર્ફોર્મન્સ ચાલુ રહ્યું હતું.
ઓટો અને મેટલ ઈન્ડેક્સમાં 2-2 ટકા ઉછાળો
બુધવારે બ્રોડ માર્કેટમાં સુસ્તી જોવા મળી હતી. જોકે ઓટોમોબાઈલ અને મેટલ શેર્સમાં ખરીદી નીકળી હતી. મે મહિના માટે ઓટો વેચાણના આંકડા સારા આવતાં ઓટો કંપનીના શેર્સમાં સુધારો જોવાયો હતો. જેની પાછળ નિફ્ટી ઓટો 1.8 ટકા ઊછળ્યો હતો. ઓટો એન્સિલિઅરી કંપની મધરસન સુમીનું પરિણામ સારુ આવતાં કંપનીનો શેર 13 ટકા ઉછળી બંધ આવ્યો હતો. ઉપરાંત ટાયર કંપનીઓ શેર્સ પણ ચાલ્યા હતાં. મેટલ ઈન્ડેક્સ 2.2 ટકા ઉછળી 5233 પર બંધ રહ્યો હતો. અગ્રણી મેટલ કંપનીઓમાં વેદાંત, વેલસ્પન કોપ્રસ ટાટા સ્ટીલ, મોઈલ અને જેએસડબલ્યુ સ્ટીલમાં 2 ટકાથી વધ સુધારો જોવા મળ્યો હતો.
જેબી કેમિકલ્સે રૂ. 1500ની સપાટી કૂદાવી
ગુજરાત સ્થિત જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સનો શેર બુધવારે પ્રથમવાર રૂ. 1500ની સપાટી પાર કરી ગયો હતો. શેર અગાઉના રૂ. 1476ના બંધ સામે રૂ. 1525ની ટોચ પર ટ્રેડ થયા બાદ કામકાજના અંતે 2.4 ટકા સુધારે રૂ. 1511ની સપાટી પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 12 હજાર કરોડ નજીક પહોંચ્યું હતું. માર્કેટ-કેપની રીતે તે ગુજરાત સ્થિત ત્રીજા ક્રમની ફાર્મા કંપની છે. કંપનીનો શેર વાર્ષિક રૂ. 658ના તળિય સામે 120 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપનીને યુએસ સ્થિત પીઈ કંપનીએ ખરીદ્યાં બાદ શેરના ભાવમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.
ડોલર સામે રૂપિયામાં સતત ત્રીજા દિવસે નરમાઈ
યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. બુધવારે રૂપિયો વધુ 20 પૈસા તૂટી 73.09 પર બંધ રહ્યો હતો. તેણે અગાઉ 72.89નું બંધ દર્શાવ્યું હતું. મંગળવારે તે 27 પૈસા જેટલો ઘટાડો દર્શાવતો હતો. આમ ચાલુ સપ્તાહના શરૂઆતી ત્રણેય સત્રો દરમિયાન તેણે નેગેટિવ દેખાવ દર્શાવ્યો છે અને કુલ 66 પૈસા જેટલો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. ભારતનું વિદેશી હૂંડિયામણ વિક્રમી સપાટી પર છે અને ઈનફ્લો મજબૂત હોવા છતાં રૂપિયામાં બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિના દરમિયાન તેણે મોટી વધ-ઘટ દર્શાવી છે. જે સૂચવે કે આગામી દિવસોમાં પણ તે વોલેટાઈલ રહી શકે છે.
ઈન્ડિયન વીક્સ 5 મહિનાના તળિયે
ભારતીય શેરબજારમાં વોલેટિલિટીનો ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ પાંચ મહિનાથી વધુના તળિયા પર જોવા મળી રહ્યો છે. બુધવારે તે એક ટકા ઘટાડે 17.21 પર બંધ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન તેણે 15.16નું તળિયું દર્શાવ્યું હતું. અગાઉ એપ્રિલમાં તે 28 જેટલા ઊંચા સ્તરે જોવા મળ્યો હતો. જોકે મે મહિનામાં બજારમાં સુધારા બાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. વિક્સમાં ઘટાડો સૂચવે છે કે આગામી સમયગાળામાં બજારમાં વોલેટિલિટીનું પ્રમાણ નીચું જોવા મળશે અને બજાર એક દિશામાં સુધારો દર્શાવે તેવું બને.
અદાણી માર્કેટ-વેલ્થમાં મુકેશ અંબાણીથી 5 અબજ ડોલરથી પણ ઓછા અંતરે
બુધવારે અદાણી કંપનીઓમાં પ્રમોટર્સનું માર્કેટ-કેપ 6.72 લાખ કરોડ પર જોવા મળતું હતું જ્યારે મુકેશ અંબાણીનું માર્કેટ-કેપ રૂ. 7.06 લાખ કરોડ પર હતું
ડોલર સંદર્ભમાં અદાણીની વેલ્થ 92 અબજ ડોલર પર જ્યારે મુકેશ અંબાણી 96.71 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવતાં હતાં
અદાણી જૂથની બે કંપનીઓએ બુધવારે નવી ટોચ દર્શાવી હતી
અદાણી જૂથના શેર્સ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે, જેની પાછળ પ્રમોટર અદાણી પરિવારની માર્કેટ-સંપત્તિમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવારે બંધ બજારભાવે અદાણી પરિવારની માર્કેટ સંપત્તિ રૂ. 6.72 લાખ કરોડ પર જોવા મળી હતી. જે તેમની બજારમાં અત્યાર સુધીની સર્વોચ્ચ વેલ્થ હતી. જ્યારે દેશમાં સૌથી ધનવાન રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીની માર્કેટ-વેલ્થ રૂ. 7.06 લાખ કરોડ પર હતી. આમ ગૌતમ અદાણી પ્રમોટેડ અદાણી જૂથની માર્કેટ-સંપત્તિ અંબાણી કરતાં માત્ર રૂ. 34 હજાર કરોડ નીચે જોવા મળતી હતી. ડોલર સંદર્ભમાં જોઈએ તો મુકેશ અંબાણીના 96.71 અબજ ડોલરના માર્કેટ-કેપ સામે અદાણી પરિવાર 92 અબજ ડોલર સાથે માત્ર 4.71 અબજ ડોલર પાછળ જોવા મળી રહ્યો છે. અદાણી જૂથના શેર્સમાં જોવા મળતાં ઝડપી સુધારાને જોતાં આ અંતર ટૂંકાગાળામાં દૂર થતું જોવા મળે તો નવાઈ નહિ.
બુધવારે અદાણી જૂથના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી અને બે કંપનીઓએ તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 9.21 ટકા ઉછળી રૂ. 1547 પર બંધ રહ્યો હતો. તેણે દિવસ દરમિયાન રૂ. 1557ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.70 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. અદાણી ટોટલ ગેસનો શેર પણ દિવસ દરમિયાન 10 ટકાની સર્કિટમાં રૂ. 1585ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ 9.7 ટકા સુધારા સાથે રૂ. 1580 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.74 લાખ કરોડ રહ્યું હતું. જ્યારે અદાણી ટ્રાન્સમિશનનો શેર 4 ટકા ઉછળી રૂ. 1558ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.71 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. આમ આ ત્રણેય કંપનીઓનું માર્કેટ-કેપ જોતજોતામાં અદાણી પોર્ટ્સથી આગળ નીકળી ગયું હતું. અદાણી ગ્રીન એનર્જીનો શેર 2.26 ટકા સુધરી રૂ. 1300 પર બંધ રહ્યો હતો અને તે રૂ. 2.04 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે રૂ. 2 લાખ કરોડનું એમ-કેપ પાર કરનાર પ્રથમ કંપની બની હતી. અદાણી પાવર એકમાત્ર જૂથ શેર એવો છે જે રૂ. 37 હજાર કરોડના નીચા માર્કેટ-કેપ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આમ છ કંપનીઓ મળીને અદાણી પ્રમોટરનું કુલ માર્કેટ-કેપ રૂ. 6.72 લાખ કરોડના જંગી સ્તરે પહોંચ્યું હતું. સપ્ટેમ્બર 2020 બાદ અદાણી જૂથની કંપનીઓમાં તીવ્ર સુધારા પાછળ અદાણીની માર્કેટ-વેલ્થ જબરદસ્ત વધી છે અને તેઓ મુકેશ અંબાણીની માર્કેટ-સંપત્તિ નજિક પહોંચી ગયાં છે. બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 1.5 ટકા સુધારા સાથે રૂ. 2201ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 14 લાખ કરોડ પર જોવા મળતું હતું. જ્યારે કંપનીમાં 50.58 ટકા હિસ્સા સાથે મુકેશ અંબાણી પરિવારની સંપત્તિનું મૂલ્ય રૂ. 7.06 લાખ કરોડ એટલેકે 96.71 અબજ ડોલર પર હતું. લગભગ એક મહિના અગાઉ અદાણીની માર્કેટ વેલ્થ અને અંબાણીની માર્કેટ-વેલ્થ વચ્ચે 8-10 અબજ ડોલરનો ગેપ જોવા મળતો હતો. જોકે હાલમાં તે ઘટીને 4.71 અબજ ડોલર પર આવી ગયો છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી એશિયાના બે ટોચના સંપત્તિવાન છે.
અદાણી જૂથની માર્કેટ-વેલ્થ
કંપની બજારભાવ(રુ.) પ્રમોટરનું માર્કેટ-કેપ(રૂ. કરોડમાં)
અદાણી એન્ટરપ્રાઈઝ 1547 127449
અદાણી પાવર 96.45 27889
અદાણી પોર્ટ 812 105623
એટીજીએલ 1585 130358
અદાણી ટ્રાન્સમિશન 1558 128359
અદાણી ગ્રીન 1300 152306
પ્રમોટર્સનું કુલ એમ-કેપ 671983
રિલાયન્સ જૂથનું માર્કેટ-વેલ્થ
કંપની બજારભાવ(રૂ.) પ્રમોટર એમ-કેપ(રૂ. કરોડમાં)
રિલાયન્સ ઈન્ડ. 2201 705845
Market Summary 2 June 2021
June 02, 2021