Market Summary 2 June 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક નરમાઈ વચ્ચે સ્થાનિક બજારમાં તેજીવાળાઓ હાવી
નિફ્ટી ફરીથી 16600ની સપાટી પર બંધ આપવામાં સફળ
એનર્જી, આઈટી અને મેટલ તરફથી મુખ્ય સપોર્ટ
વોલેટિલિટી ઈન્ડેસ 2.54 ટકા ગગડી 20.32ના સ્તરે
બ્રોડ માર્કેટમાં પણ જોવા મળેલું પાર્ટિસિપેશન
હેવીવેઈટ રિલાયન્સ 3.45 ટકા સુધારા સાથે દેખાવમાં ટોપ પર
ઓટો શેર્સમાં સારા વેચાણ આંકડા બાદ પ્રોફિટ બુકિંગ
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે બે દિવસની નરમાઈને બાજુ પર રાખી આગેકૂચ દર્શાવી હતી. સાધારણ નેગેટિવ ઓપનીંગ બાદ બજાર સતત સુધરતું રહ્યું હતું અને દિવસની ટોચ નજીક જ બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 437 પોઈન્ટ્સ ઊંચકાઈ 55818ની સપાટી પર જ્યારે નિફ્ટી 105 પોઈન્ટ્સના સુધારે 16628 પર બંધ રહ્યાં હતાં. દિવસના તળિયેથી સેન્સેક્સ 683 પોઈન્ટ્સનો સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી બે સત્રો બાદ ફરીવાર 16600ની સપાટી પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 ઘટાડો દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.54 ટકા ઘટાડા સાથે 20.32ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પાર્ટિસિપેશન પરત ફર્યું હતું અને માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી.
ભારતીય બજારે તેના હરિફો સામે ગુરુવારે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં તમામ માર્કેટ્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જેમાં કોરિયા, હોંગ કોંગ, તાઈવાન, સિંગાપુર અને જાપાનના બજારો એક ટકા સુધી ધોવાણ સૂચવતાં હતાં. જ્યારે ચીનનું બજાર 0.42 ટકા સાથે પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. બપોરે યુરોપ બજારોમાં ફ્રાન્સમાં એક ટકા સુધી સુધારો જળવાયો હતો. જોકે યુએસ બજારોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. આમ, વૈશ્વિક બજારોમાં નરમ ટોન વચ્ચે ભારતીય બજારમાં તેજીવાળાઓ પરત ફર્યાં હતાં. જે સૂચવે છે કે સમગ્રતયા બજારમાં લેણનું જોર ઊંચું છે. માર્કેટ નિરીક્ષકોના મતે ટેકનિકલી બજારે મજબૂતી મેળવી લીધી છે અને તે તેજીના નવા દોર માટે તૈયાર થયું છે. જૂન મહિનામાં જ નિફ્ટી 17 હજારની સપાટી પરત મેળવે તેવી પૂરી શક્યતા હોવાનું તેઓ જણાવે છે. સાથે ઓગસ્ટ સુધીમાં માર્કેટ નવી ટોચ પણ દર્શાવી શકે છે. કેમકે માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષા જેટલાં નેગેટિવ નથી જોવા મળ્યાં. કોમોડિટીઝના ભાવોમાં વૃદ્ધિ છતાં કંપનીઓએ ઊંચો પ્રોફિટ ગ્રોથ દર્શાવ્યો છે અને તેઓ આગામી ક્વાર્ટર્સમાં પણ આ ટ્રેન્ડ જાળવી રાખે તેવી શક્યતાં છે. જેની પાછળ નિફ્ટી એકવાર 18600ની તેની ટોચને ફરી સ્પર્શ કરી શકે છે.
ગુરુવારે માર્કેટને મુખ્ય સપોર્ટ એનર્જી, આઈટી અને મેટલ્સ તરફથી સાંપડ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3.6 ટકાના તીવ્ર ઉછાળા પાછળ નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો હતો. તે અગાઉના બંધ સામે રૂ. 90.80ના ઉછાળે રૂ. 2724.30ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીમાં પણ 4 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ઓએનજીસી અને એનટીપીસી પણ 2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી 1.82 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 3.4 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. એલએન્ડટી ઈન્ફોટેક, એમ્ફેસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, ઈન્ફોસિસ અને માઈન્ડટ્રી પણ 3 ટકા સુધી સુધારો નોંધાવી રહ્યાં હતાં. મેટલ્સ શેર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા, વેદાંત ટકા અને ટાટા સ્ટીલ 1.7 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી બજારની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવનારા ઓટો શેર્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી ઓટો 0.62 ટકા નરમાઈ દર્શાવતો હતો. એપ્રિલ મહિનામાં અપેક્ષાથી નીચા વેચાણ બદલ હીરો મોટોકોર્પ 3.43 ટકા ડાઉન જોવા મળ્યો હતો. જ્યારે આઈશર મોટર્સ, ભારત ફોર્જ, ટાટા મોટર્સ અને બજાજ ઓટો પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં બર્જર પેઈન્ટ્સ 3.57 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. જ્યારે અબોટ ઈન્ડિયા, ફેડરલ બેંક, એલએન્ડટી ફાઈનાન્સ અને યુનાઈટેડ સ્પિરિટ્સ પણ 3 ટકાથી વધુનો સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ એપોલો હોસ્પિટલ 5 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય ઈન્ફો એજ, આઈજીએલ, નવીન ફ્લોરિન, એસ્ટ્રાલ લિ., આઈઆરસીટીસી, કોલગેટ અને ઝાયડસ લાઈફમાં પણ 2 ટકાથી ઊંચી નરમાઈ જોવા મળતી હતી. બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે 3444 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1990 પોઝીટીવી બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1395 નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં.

અગ્રણી પ્રાઈવેટ-PSU બેંક્સે રેટ્સમાં કરેલી વૃદ્ધિ
ટોચના ખાનગી તેમજ જાહેર ક્ષેત્રના લેન્ડર્સે તાજેતરમાં રેટ્સમાં વૃદ્ધિ કરતાં ઈએમઆઈ મોંઘા બનશે તે નક્કી છે. આવા લેન્ડર્સમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંકનો સમાવેશ થાય છે. અગ્રણી મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીએ રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટમાં 5 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી છે. જે 1 જૂનથી અમલી બનશે. નવા રેટ 7.05 ટકાથી 7.50 ટકાની રેંજમાં રહેશે. જે વિવિધ કેટગરી મુજબ લાગુ પડશે. અગાઉ તેણે 9 મેથી આરપીએલઆરમાં 30 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ રી હતી. પીએબીએ તેના એમસીએલઆરમાં 15 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી છે. તેનો વન-યર એમસીએલઆર 7.4 ટકા જ્યારે ત્રણ-વર્ષ માટે 7.7 ટકા રહેશે. આઈસીઆઈસીઆઈ બેંકે એમસીએલઆરને તમામ મુદત માટે 30 બેસીસ પોઈન્ટ્સ જેટલો વધાર્યો છે. જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ તેમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે.
માર્ચ ક્વાર્ટરમાં FMCG કંપનીઓના વોલ્યુમમાં 4.1 ટકાનો ઘટાડો નોંધાયો
ફાસ્ટ-મુવીંગ કન્ઝ્યૂમર કંપનીઓએ માર્ચ ક્વાર્ટર વેચાણમાં 4.1 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. મોંઘવારીના દબાણ વચ્ચે ભાવ વૃદ્ધિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં વપરાશી માગ નીચી રહેવાના કારણે કંપનીઓનું વેચાણ ઘટ્યું હોવાનું કારણ આપવામાં આવે છે. એક અભ્યાસમાં જણાવ્યા મુજબ ગયા વર્ષની સરખામણીમાં કંપનીઓના વોલ્યુમમાં 4.1 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે ભાવમાં વૃદ્ધિને કારણે મૂલ્યના સંદર્ભમાં તેમનું વેચાણ 6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીઓએ છેલ્લાં મહિનાઓમાં દ્વિ-અંકી ભાવ વૃદ્ધિ નોંધાવી છે. સમગ્ર દેશમાં વેચાણ ઘટ્યું છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં માર્ચ ક્વાર્ટરમાં ગયા વર્ષની સરખામણીમાં 5.3 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જે છેલ્લાં ત્રણ ક્વાર્ટર્સમાં વપરાશમાં જોવા મળેલો સૌથી મોટો ઘટાડો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઊંચી ભાવ વૃદ્ધિને કારણે આમ બન્યું છે. શહેરી વિસ્તારોમાં 8.8 ટકા સામે ગ્રામીણ વિસ્તારોમાં 11.9 ટકા ભાવ વૃદ્ધિ જોવા મળી છે.
NSE કેસમાં ચિત્રા રામક્રિષ્ણનને રૂ. 2 કરોડ જમા કરાવવા મુદત લંબાવતી સેટ

સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુલને એનએસઈના ભૂતપૂર્વ વડા ચિત્રા રામક્રિષ્ણનને દેશના સૌથી મોટા એક્સચેન્જ ખાતે ગવર્નન્સની બાબતમાં છીંડાઓ બદલ રૂ. 2 કરોડની રકમ ડિપોઝીટ કરાવવા માટે વધુ મુદત આપી છે. એપલેટ ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે 11 એપ્રિલના અમારા નાણા જમા કરાવવાના ઓર્ડર હેઠળની મુદતને અમે વધુ ચાર સપ્તાહ સુધી લંબાવીએ છીએ. 11 એપ્રિલે સેટે તેના આદેશમાં રામક્રિષ્ણનની અરજીને દાખલ કરી હતી અને છ સપ્તાહમાં રૂ. 2 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે જો આટલી રકમ જમા કરાવવામાં આવશે તો કેસ ચાલુ હશે ત્યાં સુધી બીજી રકમ જમા કરાવવાની જરૂર નહિ પડે. વધુમાં સેટે એનએસઈને રામક્રિષ્ણનના લીવ એન્કેશમેન્ટ અને મુલત્વી રાખવામાં આવેલા બોનસની રકમના બદલામાં એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 4 રોડ જમા કરાવવા જણાવ્યું હતું. જે સેબીના ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડમાં આ રકમ જમા કરાવવાના આદેશથી વિરુધ્ધ હતું.


ઓટો કંપનીઓએ મેમાં 2019ના કોવિડ અગાઉના વેચાણના આંકડા વટાવ્યાં
મારુતિએ મે મહિનામાં 1.61 લાખ યુનિટ્સનું હોલસેલ વેચાણ કર્યું જે 2019માં સમાનગાળાની સરખામણીમાં 20 ટકા ઊંચું

ઓટોમોબાઈલ ઉત્પાદકોએ મે મહિનામાં તેમના હોલસેલ વેચાણના સંદર્ભમાં કોવિડ અગાઉના સમયગાળાના વેચાણને પાછળ રાખી દીધું હતું. સપ્લાય ચેઈન સંબંધી પડકારો વચ્ચે અગ્રણી ઓટો કંપનીઓએ મે મહિનામાં ઊંચું વેચાણ દર્શાવ્યું હતું. જોકે વધતાં ઈન્ટરેસ્ટ રેટ અને ફુગાવાને જોતાં આગામી સમયગાળો પડકારદાયી બની રહેવાની શક્યતાં હોવાનું ઓટો કંપની એક્ઝિક્યૂટીવ્સ જણાવે છે.
દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીના જણાવ્યા મુજબ મે મહિનામાં તેણે હોલસેલમાં 1,61,413 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જેને કોવિડ અગાઉના સમયગાળા માટે બેન્ચમાર્ક તરીકે ગણી શકાય તેવા મે 2019માં સમાનગાળામાં દર્શાવેલા વેચાણની સરખામણીમાં 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મારુતિની મિની કાર્સ અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ ગયા મહિને 17408 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 4760 યુનિટ્સ પર હતું. કંપનીએ જણાવ્યું હતું કે સ્વિફ્ટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો અને ડિઝાઈર જેવા કોમ્પેક્ટ સેગમેન્ટમાં મે મહિના દરમિયાન વેચાણ 67947 યુનિટ્સ પર રહ્યું હતું. મારુતિ બાદ બીજા ક્રમે બજાર હિસ્સો ધરાવતી હ્યુન્ડાઈ ઈન્ડિયાએ મે 2022માં 51263 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે 2019ના વેચાણ આંકડાની સરખામણીમાં 20.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડો હજુ પણ ઊંચો જોવા મળી શક્યો હોત. જોકે કંપનીના ચેન્નાઈ સ્થિત બંને પ્લાન્ટ્સ મેઈન્ટેનન્સ માટે ગયા હોવાથી 16મે થી 21 મે દરમિયાન છ દિવસો સુધી ઉત્પાદન બંધ રાખવામાં આવ્યું હતું.
સ્થાનિક ઓટો ઉત્પાદક તાતા મોટર્સે તો મે મહિનામાં તેના વેચાણમાં 2019ના સમયગાળાની સરખામણીમાં 70 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. મે મહિનામાં તેણે 76210 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે 2019માં 40155 યુનિટ્સ પર હતું. નોંધપાત્ર બાબત એ છે તેણે પેસેન્જર કાર્સ સેગમેન્ટમાં વેચાણની રીતે હ્યુન્ડાઈને પાછળ રાખી બીજો ક્રમ હાંસલ કર્યો હતો. જોકે કાર ઉત્પાદકોની માફક ટુ-વ્હીલર્સ ઉત્પાદકો માટે મે મહિનામાં વેચાણ આકર્ષક નથી જોવા મળ્યું. ટુ-વ્હીલર્સ ઉત્પાદકો હજુ પણ મે 2019ના વેચાણની સરખામણીમાં નીચું વેચાણ દર્શાવી રહ્યાં છે. જેમકે બજાજ ઓટોએ મેમાં 2.75 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે તેના એપ્રિલમાં ઉત્પાદનની સરખામણીમાં 11.23 ટકા જેટલું નીચું હતું. ટીવીએસ મોટરે મેમાં 3.03 લાખ યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. ટુ-વ્હીલર્સ કંપનીઓએ એપ્રિલ મહિનામાં વેચાણમા વૃદ્ધિ દર્શાવી હતી. જોકે ત્યારબાદ ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિને કારણે તેમણે પ્રોડક્ટ પ્રાઈસ વધાર્યાં હતાં. જેની અસર વૃદ્ધિ પર પડી હતી.


માર્કેટથી નવા રિટેલ ઈન્વેસ્ટર્સનો પ્રવેશ ધીમો પડ્યો
જાન્યુઆરી 2022માં નવા 34 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગ સામે એપ્રિલમાં 24.3 લાખ ડિમેટ ખૂલ્યાં

કોવિડ મહામારીની શરૂઆત બાદના બે વર્ષોમાં વિક્રમી પાર્ટિસિપેશન બાદ શેરમાર્કેટમાંથી રિટેલ ઈન્વેસ્ટર્સનો રસ ઘટવાતરફી જોવા મળી રહ્યો છે. ચાલુ કેલેન્ડરના પ્રથમ ચાર મહિનાઓમાં ડિ-મેટ એકાઉન્ટ ઓપનીંગ્સની સ્થિતિ જોઈએ તો આમ જણાય છે. જાન્યુઆરી 2022માં મહિને 34 લાખ નવા ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગ બાદ માસિક ધોરણે નવા ડિમેટ એકાઉન્ટ ખૂલવાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડિપોઝીટરીઝ તરફથી પ્રાપ્ય આંકડાનો અભ્યાસ કરીએ તો જણાય છે કે ફેબ્રુઆરી 2022માં 28 લાખ ડિમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં. આમ જાન્યુઆરીની સંખ્યામાં તેમાં છ લાખનો ઘટાડો નોંધાયો હતો. માર્ચ મહિનામાં તે લગભગ સમાન સ્તર પર ટકી રહ્યાં હતાં. જ્યારે એપ્રિલમાં નવા ડિમેટ એકાઉન્ટ ઓપનીંગની સંખ્યા ઘટી 24.3 લાખ પર જોવા મળી હતી. જે એપ્રિલ 2021 બાદ માસિક ધોરણે સૌથી નીચા ડિમેટ ઓપનીંગ્સ સૂચવે છે. બ્રોકરેજિસના જણાવ્યા મુજબ વૈશ્વિક બજાર સાથે સ્થાનિક બજારમાં ઊંચી વધ-ઘટને કારણે રિટેલ ઈન્વેસ્ટર્સે છેલ્લાં મહિનાઓમાં કરેલા રોકાણ પર નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. ખાસ કરીને નવા પ્રવેશકો માટે આ સ્થિતિ પચાવવી અઘરી છે અને તેને કારણે જ રિટેલ તરફથી 2021માં શેરબજારને લઈને જોવા મળેલો ઉન્માદ હવે ઓસરી ચૂક્યો છે. સેકન્ડરી માર્કેટ સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ ગતિવિધિમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેણે રિટેલ ઈન્વેસ્ટર્સને નિરસ બનાવ્યાં છે. 2021માં આઈપીઓ મારફતે વિક્રમી રૂ. 2 લાખ કરોડથી વધુની રકમ ઊભી કરવામાં આવી હતી. જ્યારે અનેક આઈપીઓએ 100 ટકા કે તેથી વધુના પ્રિમીયમ સાથે લિસ્ટીંગ દર્શાવ્યું હતું. જેનો ચાલુ કેલેન્ડરમાં અભાવ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે સૌથી ઊંચા 30 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગ જોવા મળ્યું છે. જ્યારે કુલ 12માંથી છ આઈપીઓએ નેગેટિવ લિસ્ટીંગ લાભ આપ્યો છે. જેણે પણ રિટેલ સેન્ટીમેન્ટ પર અસર કરી છે.
માર્ચ 2020માં કોવિડ શરૂઆત વખતે શેરબજારમાં તીવ્ર કરેક્શન બાદ જોવા મળેલી લાંબી તેજી દરમિયાનના બે વર્ષોમાં દેશમાં કુલ નવા પાંચ કરોડ ડિમેટ એકાઉન્ટ્સનો ઉમેરો થયો હતો. જ્યારબાદ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા બમણી બની હતી અને 10 કરોડને પાર કરી ગઈ હતી. આમ બે વર્ષોમાં જ 100 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી એમ કહી શકાય. કેલેન્ડર 2021માં માસિક ધોરણે સરેરાશ 20.8 લાખ નવા ડિમેટ એકાઉન્ટ્સનો ઉમેરો જોવા મળ્યો હતો. જે કેલેન્ડર 2019 અને 2020માં અનુક્રમે 3.1 લાખ અને 8.5 લાખની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો હતો. તાજેતરમાં એલઆઈસીના આઈપીઓને કારણે જાન્યુઆરી-એપ્રિલ 2022માં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં 43.4 લાખનો ઉમેરો નોંધાયો હતો. જોકે એલઆઈસીના લિસ્ટીંગ બાદ આ રનરેટમાં ઘટાડો જોવા મળ્યો છે.

2022માં ડિમેટ ઓપનીંગની સ્થિતિ
મહિનો ડિમેટ ઓપનીંગ(લાખમાં)
જાન્યુઆરી 34.0
ફેબ્રુઆરી 28.3
માર્ચ 28.5
એપ્રિલ 24.3


માર્ચ ક્વાર્ટરમાં કોર્પોરેટ કંપનીઓના નફામાં 28 ટકા વૃદ્ધિ નોંધાઈ
બેંકિંગ, આઈટી અને રિફાઈનરીઝ તરફથી કુલ નફામાં 42 ટકાનું ઊંચું યોગદાન
નિફ્ટી-50 કંપનીઓએ વાર્ષિક ધોરણે 15 ટકા પ્રોફિટ ગ્રોથ દર્શાવ્યો
બેંકિંગ ક્ષેત્રની આગેવાનીમાં ભારતીય કોર્પોરેટ સેક્ટરે માર્ચ 2022 ક્વાર્ટર દરમિયાન નફામાં 28 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. જોકે આ વૃદ્ધિ દર ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે જોવા મળેલા 30 ટકાના ગ્રોથ રેટ કરતાં નીચો રહ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં વેચાણ વૃદ્ધિ દર પણ ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નીચો જળવાયો હતો.
માર્ચ ક્વાર્ટર માટે મોટાભાગની કંપનીઓ તેમના પરિણામ જાહેર કરી ચૂકી છે. જેમાં લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સનો સમાવેશ થાય છે. શેરબજાર પર લિસ્ટેડ 2695 કંપનીઓના પરિણામોના અભ્યાસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે માર્ચ ક્વાર્ટર દરમિયાન આવકમાં વૃદ્ધિ સારી રહી હતી. જોકે તે ડિસેમ્બર ક્વાર્ટર જેટલી સારી નહોતી જ. નોંધપાત્ર બાબત એ છે કે માર્ચ ક્વાર્ટર દરમિયાન ઈન્ફ્લેશનમાં ઊંચી વૃદ્ધિ વચ્ચે કંપનીઓની આવકમાં વૃદ્ધિ દર જળવાય રહ્યો હતો. સામાન્યરીતે માર્ચ બિઝનેસિસ માટે એક ઘણો સારો ક્વાર્ટર બની રહેતો હોય છે. ચાર ક્વાર્ટર્સમાં તે વેચાણની બાબતમાં ટોચ પર જોવા મળે છે. અગ્રણી સેક્ટર તરફથી માર્ચ ક્વાર્ટર દરમિયાન પ્રોફિટમાં ઊંચું યોગદાન જળવાયું હતું. અભ્યાસમાં ત્રણ ક્ષેત્રો તરફથી કુલ નફામાં 41.9 ટકાનું યોગદાન જોવા મળ્યું હતું. જેમાં બેંકિંગ સેક્ટર 18.8 ટકા સાથે ટોચ પર હતું. જ્યારે 11.9 ટકા પ્રોફિટ હિસ્સા સાથે ઈન્ફર્મેશન ટેક્નોલોજી બીજા ક્રમે જોવા મળતું હતું. જ્યારે રિફાઈનરીઝ તરફથી નફામાં 11.3 ટકા યોગદાન નોંધાયું હતું. જો ફાઈનાન્સિયલ્સને ગણતરીમાંથી બાકાત રાખીએ તો કોર્પોરેટ કંપનીઓની નફા વૃદ્ધિ માત્ર 19.1 ટક પર રહી જાય છે. બેંકિંગ સેક્ટરે એસેટ ક્વોલિટીમાં સુધારા પાછળ સારો દેખાવ નોંધાવ્યો છે. જેમાં પ્રાઈવેટ સેક્ટર બેંક્સ ટોચ પર છે. તેમના સ્લીપેજિસમાં ઘટાડાને કારણે તેમના પ્રોવિઝન્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ ત્રિમાસિક ધોરણે રિસ્ટ્રક્ચર્ડ બુકમાં પણ મોટ ઘટાડો નોંધાયો છે. જો ફાઈનાન્સિયલ્સ ઉપરાંત સાઈક્લિકલ્સ જેવાકે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન, નોન-ફેરસ મેટલ્સ, રિફાઈનરીઝ, સ્ટીલ તથા માઈનીંગ એન્ડ મિનરલ પ્રોડક્ટ્સને પણ બાકાત રાખીએ તો નેટ પ્રોફિટમાં વૃદ્ધિ જોવા મળે છે. જોકે નેટ સેલ્સમાં વૃદ્ધિ દર ખૂબ નીચો જણાય છે. ઊંચા રો-મટિલિયલ ખર્ચને કારણે માર્જિન પર સમગ્રતયા ઊંચી અસર જોવા મળી રહી છે એમ અભ્યાસ દર્શાવે છે. જેને કારણે ફાઈનાન્સિયલ્સ સિવાયના ક્ષેત્રોમાં એબિટા વાર્ષિક ધોરણે 13 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે એબિટા માર્જિન વાર્ષિક ધોરણે 2.19 ટકા ઘટાડા સાથે 17.9 ટકા પર જોવા મળે છે. નિફ્ટી-50 કંપનીઓની વાત કરીએ તો તેમણે ચોખ્ખા નફામાં 15 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જેમાં ફાઈનાન્સિયલ્સનું યોગદાન મુખ્ય રહેલું છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

એનબીસીસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 35.38 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 82.36 કરોડની સરખામણીમાં 57 ટકા ઘટાડ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 2753 કરોડની સરખામણીમાં 11.3 ટકા ગગડી રૂ. 2441 કરોડ પર રહી હતી.
માર્કસન્સ ફાર્માઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 29.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 79.4 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 330.1 કરોડની સરખામણીમાં વઘી રૂ. 418 કરોડ પર રહી હતી.
વોખાર્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 311 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 107 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક વાર્ષિક ધોરણે રૂ. 632 કરોડ પરથી 3.5 ટકા વધી રૂ. 655 કરોડ પર રહી હતી.
સુબેક્સ સિસ્ટમઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 60 લાખનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.6 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 96.1 કરોડની સરખામણીમાં ઘટી રૂ. 78.8 કરોડ પર રહી હતી.
ગ્રિવ્ઝ કોટનઃ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ગ્રિવ્ઝ ઈલેક્ટ્રીક મોબિલિટીમાં અબ્દુલ જમીલ ઈન્ટરનેશનલ ડીએમસીસીએ 15 કરોડ ડોલર અથવા રૂ. 1160 કરોડમાં 35.8 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
પ્રૂડન્ટ કોર્પોરેટઃ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ કંપનીએ 2021-22 માટે રૂ. 80.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિ ધોરણે 77 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 57 ટકા વધી ગયા વર્ષના રૂ. 286.5 કરોડની સરખામણીમાં રૂ. 450.8 કરોડ પર રહી હતી. કંપનીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 49473 કરોડ પર રહ્યું હતું.
ટીડબલ્યુએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 25.3 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 70 લાખનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 430 કરોડની સામે વધી રૂ. 481 કરોડ પર જોવા મળી હતી.
ઈન્ડિયન બેંકઃ પીએસયૂ બેંકે તમામ મુદત માટેના ટીબીએલઆર લેન્ડિંગ રેટ્સમાં 70-90 બેસીસ પોઈન્ટ્સનો જ્યારે એમસીએલઆર લેન્ડિંગ રેટમાં 10-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે બિરલા ટાયર્સમાંના તેના હિસ્સાનું 30 અને 31 મેના રોજ વેચાણ કર્યું હતું. જ્યારબાદ કંપનીમાં તેનો હિસ્સો ઘટીને 3.87 ટકા જેટલો રહ્યો છે.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કંપની તરફથી પાવર ગૃહોને મે મહિના દરમિયાન પાવર લોડિંગમાં ગયા વર્ષની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
અમી ઓર્ગેનિક્સઃ પ્લુટુસ વેલ્થ મેનેજમેન્ટ એલએલપીએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 5.25 લાખ શેર્સની ખરીદી કરી છે.
બટરફ્લાય ગાંધીમથીઃ રેટિંગ એજન્સી ક્રિસિલે કંપનીના લોંગ ટર્મ રેટિંગને ‘એ-‘ પરથી ‘એએ’ પર જ્યારે શોર્ટ ટર્મ રેટિંગને ‘એ2પ્લસ’ પરથી ‘એ1પ્લસ’ પર અપગ્રેડ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage