Market Summary 2 March 2022

માર્કેટ સમરી

રશિયા-યૂક્રેન સંઘર્ષ લંબાતા માર્કેટની મૂંઝવણ વધી, બેન્ચમાર્ક્સ તૂટ્યાં
સેન્સેક્સ 1227 પોઈન્ટ્સના ઈન્ટ્રા-ડે ઘટાડા પરથી બાઉન્સ બાદ 779 પોઈન્ટ્સના ઘટાડે બંધ
વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 2.3 ટકા વધી 29.23ની વાર્ષિક ટોચ પર
લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે બ્રોડ માર્કેટમાં સિલેક્ટિવ બાઈંગ
મેટલ ઈન્ડેક્સમાં બીજા દિવસે 4 ટકાનો ઉછાળો નોંધાયો
ઓટો, બેંકિંગ અને ફાર્મામાં ભારે વેચવાલી જોવા મળી

રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ સાતમા દિવસમાં પ્રવેશતાં શેરબજારોમાં પણ અનિશ્ચિતતામાં વૃદ્ધિ જોવા મળી હતી અને અગાઉના બે સત્રોમાં જોવા મળેલું બાઉન્સ ટકી શક્યું નહોતું. બેન્ચમાર્ક્સ 1.4 ટકા આસપાસના ઘટાડે બંધ રહ્યા હતાં. સેન્સેક્સ 778 પોઈન્ટ્સ ગગડી 55469ના સ્તરે જ્યારે નિફ્ટી 188 પોઈન્ટ્સ તૂટી 16606 પર બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ એક તબક્કે 1227 પોઈન્ટ્સના ઘટાડા સામે 400 પોઈન્ટ્સથી વધુનો બાઉન્સ સૂચવતો હતો. જ્યારે નિફ્ટી પણ ઈન્ટ્રા-ડે તળિયા સામે 125 પોઈન્ટ્સથી વધુ સુધારો દર્શાવતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.31 ટકા ઉછળી 29.23ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 35 અગાઉના બંધ સામે ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં.
મંગળવારે શિવરાત્રીને કારણે રજા હોવાને કારણે બુધવારે ભારતીય બજારોએ વૈશ્વિક બજારોમાં જોવા મળેલી બે સત્રોની મૂવમેન્ટની પ્રતિક્રિયા રૂપે નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. બજાર બપોર સુધી ઘસાતું રહ્યું હતું. જોકે કામકાજના અંતિમ કલાકમાં એક બાઉન્સ જોવા મળ્યો હતો અને ઘટાડો હળવો બન્યો હતો. એશિયન બજારોમાં હોંગ કોંગ, જાપાન અને સિંગાપુરના બજારો પણ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. એકમાત્ર કોરિયન માર્કેટ ગ્રીન ઝોનમાં જોવા મળતું હતું. જ્યારે બપોરે યુરોપ બજારો પણ પોઝીટીવ ટ્રેડિંગ દર્શાવી રહ્યાં હતાં.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે રશિયા-યુક્રેન વચ્ચે ઘર્ષણ લંબાઈ જતાં ક્રૂડ જેવી કોમોડિટીઝના ભાવ ઠંડા પડી રહ્યાં નથી. અંતિમ બે સત્રોમાં બ્રેન્ટ ક્રૂડ વાયદામાં 14 ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. જેને કારણે ભારત જેવા બજારને લઈને ચિંતા વધી છે. તેમના મતે નિફ્ટીમાં 16200નો સપોર્ટ મહત્વનો છે. જે તૂટશે તો બજાર વધુ ઘટાડો દર્શાવી શકે છે. જો ક્રૂડના ભાવ ઝડપથી ઘટશે તો માર્કેટમાં પણ એક નોંધપાત્ર બાઉન્સ જોવા મળી શકે છે. સરકાર તરફથી આગામી સપ્તાહે સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ લાવી શકે છે. જોકે ક્રૂડના ભાવ 100 ડોલર પર ટકી રહે છે કે કેમ તે જોવાનું રહેશે. યુએસ પ્રમુખ બાઈડને ક્રૂડના પુરવઠાને હળવો કરવા માટે કેટલોક જથ્થો રિલીઝ કર્યો છે. જેની બજાર પર અસર પડી શકે છે. દરમિયાન ગોલ્ડમેન સાચે ક્રૂડના ભાવ 115 ડોલર થવાની આગાહી કરી છે. જોકે તે 111 ડોલર પર તો પહોંચી ચૂક્યાં છે.
બુધવારે મેટલ સેક્ટરમાં સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. અગ્રણી એલ્યુમિનિયમ અને સ્ટીલ કંપનીઓના શેર્સમાં 7 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો હતો અને છેલ્લાં ત્રણ મહિનાની ટોચ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત જાહેર ક્ષેત્રના શેર્સમાં પણ ઊંચી ખરીદી જોવા મળી હતી. મિડિયા ઈન્ડેક્સ 2 ટકા સુધર્યો હતો. જોકે ઓટો ઈન્ડેક્સ 3 ટકા ગગડ્યો હતો. મારુતિ સુઝુકીના શેરમાં 6 ટકાનું ગાબડું પડ્યું હતું. જ્યારે નિફ્ટી શેર્સમાં સૌથી સારો સુધારો કોલ ઈન્ડિયામાં 9 ટકા જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવ પાછળ એશિયન પેઈન્ટ્સનો શેર 4.6 ટકા ગગડ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે સારી કામગીરી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3458 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1606 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1741 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ સૂચવતાં હતાં. ખરાબ બજારમાં પણ અપર સર્કિટ્સમાં બંધ રહેનાર કાઉન્ટર્સની સંખ્યા 279 પર જ્યારે લોઅર સર્કિટમાં બંધ રહેનાર કાઉન્ટર્સની સંખ્યા 211 પર જોવા મળી હતી. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો 44 પૈસા ગગડ્યો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં બે દિવસથી તીવ્ર ઉછાળા પાછળ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે ભારતીય ચલણ ગ્રીનબેક સામે ઊંચા ગેપ-ડાઉન ઓપનીંગ સાથે 75.78ના સ્તરે ખૂલ્યો હતો. જ્યાંથી વધુ ગગડી 75.80ના સ્તરે જોવા મળ્યો હતો. કામકાજની આખરમાં તે 75.77ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે રૂપિયો 75.33ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ 0.2 ટકા મજબૂતી સાથે 97.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સોનું-ચાંદીમાં ઊંચા સ્તરે જોવા મળતું પ્રોફિટ બુકિંગ
કિંમતી ધાતુઓમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં કોમેક્સ ખાતે ગોલ્ડ 1950 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની ટોચ પર ટ્રેડ થયા બાદ 12 ડોલરથી વધુની નરમાઈએ 1931 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. જેની પાછળ એમસીએક્સ ખાતે પણ ગોલ્ડ એપ્રિલ વાયદો સવારે રૂ. 52070ની ટોચ બનાવ્યાં બાદ સાંજે રૂ. 189ના ઘટાડે રૂ. 51627ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ માર્ચ સિલ્વર ફ્યુચર્સ પણ રૂ. 67236ની ઈન્ટ્રા-ડે ટોપ સામે સાંજના ભાગમાં રૂ. 299ના ઘટાડે રૂ. 66700ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે બીજી બાજુ બેઝ મેટલ્સ અને નેચરલ ગેસમાં મજબૂતી જોવા મળી રહી હતી.
યુરોપ ખાતે ફુગાવો સતત ચોથા મહિને વિક્રમી સપાટીએ
ચલણ તરીકે યુરોનો ઉપયોગ કરતાં 19 યુરોપિય દેશોમાં ફુગાવો સતત ચોથા મહિને વિક્રમી સપાટી પર જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં તે 5.8 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવતો હતો એમ યુરોપિયન યુનિયન સ્ટેસ્ટીક્સ એજન્સી યુરોસ્ટેટે જણાવ્યું હતું. 1997માં યુરો અસ્તિત્વમાં આવ્યાં બાદ જોવા મળેલા જાન્યુઆરીમાં 5.1 ટકાના વિક્રમ ગયા મહિને પાછળ રહી ગયો હતો. યુરોપમાં એનર્જિના ભાવોમાં તીવ્ર વૃદ્ધિ પાછળ ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ જોવા મળી છે. તાજેતરમાં યૂક્રેન પર રશિયાના હુમલા બાદ સ્થિતિ વધુ વણસે તેવી શક્યતાં છે. યુરોપિય દેશો માટે રશિયા સૌથી મોટું એનર્જી સપ્લાયર છે.

આર્થિક પ્રતિબંધો વચ્ચે ટ્રેડ સેટલમેન્ટ્સ અટકી પડતાં બેંક્સ ચિંતિત
આયાત બિલ્સ બાઉન્સ થઈ રહ્યાં છે જ્યારે નિકાસ પેમેન્ટ્સ અટવાઈ પડ્યાં
કુલ કેટલાં પેમેન્ટ્સ અટક્યાં છે તેનું આરબીઆઈ આકલન કરી રહી છે
રશિયા પર પશ્ચિમી દેશોએ લાગુ પાડેલા આર્થિક પ્રતિબંધોને કારણે ભારતીય બેંકિંગ કંપનીઓ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. વિવિધ પ્રતિબંધોને કારણે રશિયા ખાતેથી આયાત માટેના બિલ્સ બાઉન્સ થવાની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે નિકાસ માટેના પેમેન્ટ્સ અટવાઈ પડ્યાં છે.
એક સિનિયર બેંકરના જણાવ્યા મુજબ વિવિધ આર્થિક પ્રતિબંધોને કારણે પેમેન્ટ સેટલમેન્ટ અટકી પડ્યાં છે અને હાલમાં બેંક્સ માટે તે ચિંતાનો વિષય છે. લેન્ડર્સે આ અંગે મધ્યસ્થ બેંક તથા ઈન્ડસ્ટ્રી બોડી સમક્ષ તેમની સમસ્યા રજૂ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ અંગે પસંદગીના બેન્કર્સ સાથે બેઠક યોજી હતી અને લેન્ડર્સ રશિયા તથા યૂક્રેન સાથે કેટલું એક્સપોઝર ધરાવે છે તેનું આકલન કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે તેમની ભારતીય બેંક્સ પર કેટલી અસર પડી શકે છે તે પણ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ એક સિનિયર બેંકર જણાવે છે. હાલમાં કેટલાં પેમેન્ટ અટકી પડ્યાં છે, તેનો ચોક્કસ ખ્યાલ નથી. રેગ્યુલેટર તેને નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
કેલેન્ડર 2021માં રશિયા ખાતેથી ભારતમાં 6.9 અબજ ડોલરની નિકાસ જોવા મળી હતી. તેની મુખ્ય નિકાસમાં ડિફેન્સ સંબંધી સામગ્રી, મિનરલ રિસોર્સિસ, ફર્ટિલાઈઝર્સ, મેટલ્સ અને કિંમતી પત્થરોનો સમાવેશ થતો હતો. જ્યારે ભારત ખાતેથી રશિયામાં 3.33 અબજ ડોલરના સામાનની નિકાસ થઈ હતી. જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટ્સ, ચા અને કોફીનો સમાવેશ થતો હતો. રશિયા સાથે વર્ષો જૂના વેપાર અને સંરક્ષણ સંબંધી જોડાણો ધરાવતાં ભારતે યુક્રેન પરના તેના હુમલાની હજુ જાહેરમાં ટીકા નથી કરી. ભારતે બંને દેશોને મંત્રણા મારફતે તેમના મુદ્દાઓ ઉકેલવા જણાવ્યું છે.
ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ડિયન બેંક્સ એસોસિએશને પણ રશિયા સાથે વેપારમાં ઊભી થનારી અડચણો નક્કી કરવા માટે પસંદગીના બેંકર્સ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. હજુ સુધી બેંકર્સે રેગ્યુલેટર અથવા તો સરકાર સુધી પહોંચવા માટે આઈબીએની સહાયતાની માગ નથી કરી એમ વર્તુળો જણાવે છે. દરમિયાનમાં બેંકોએ કોર્પોરેટ ક્લાયન્ટ્સનો સંપર્ક કરીને તેમને રશિયા અને યૂક્રેન સાથેના તેમના એક્સપોઝરને સમજવાની શરૂઆત કરી દીધી છે. જેથી કરીને તેમના બિઝનેસને કારણે બેંકને લોનના રિ-પેમેન્ટ્સ પર કેટલી અસર થશે તેનો કયાસ લગાવી શકાય. એસબીઆઈ સહિત અન્ય કેટલીક બેંકોએ રશિયન કંપનીઓ સંડોવાયેલી હોય તેવા કોઈપણ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનું બંધ કર્યું છે.

 

રશિયા વૈશ્વિક સૂચકાંકોમાંથી દૂર થતાં હરિફ ઈમર્જિંગ માર્કેટ્સમાં ફ્લો વધશે
MSCI સ્ટાન્ડર્ડ એન્ડ સ્મોલ કેપ ઈન્ડાઈસિસમાંથી રશિયા દૂર થાય તો પેસિવ ટ્રેકર્સે 15.74 અબજ ડોલરના શેર્સના શેર્સ વેચવા પડે
એનાલિસ્ટ્સના મતે ભારત સહિતના ઉભરતાં બજારોમાં 60 કરોડ ડોલરથી 2.4 અબજ ડોલર સુધીનો ઈનફ્લો સંભવ
પશ્ચિમના દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો મારફતે નાણાકિય હુમલા કરી રહ્યાં છે. હજુ સુધી જોકે રશિયન શેરબજારમાં રોકાણ અંગે કોઈ પ્રતિબંધો લાગુ પાડવામાં નથી આવ્યાં પરંતુ વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ એમએસસીઆઈ અને એફટીએસઈએ રશિયાને તેમના સૂચકાંકોમાંથી દૂર કરવાનું શરૂ કર્યું છે. તેમના આ પગલાને કારણે રશિયામાંથી અબજો ડોલરનો આઉટફ્લો જોવા મળશે. આ આઉટફ્લોનો આંશિક હિસ્સો ભારત સહિતના અન્ય ઈમર્જિંગ માર્કેટ્સમાં પ્રવેશે તેવી શક્યતા છે. તે એટલા માટે કે રશિયાને દૂર કરવામાં આવશે તેવી સ્થિતિમાં એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ તથા અન્ય વ્યાપક ટ્રેકિંગ ધરાવતાં સૂચકાંકોમાં ભારતનું વેઈટેજ વધશે.
સોમવારે મોડીસાંજે એમએસસીઆઈએ રશિયન ઈક્વિટી માર્કેટની વર્તમાન એક્સેસિબિલિટી અને ઈન્વેસ્ટેબિલિટી અંગે વૈશ્વિક ફંડ મેનેજર્સનો પ્રતિભાવ માગ્યો હતો. ઈન્ડેક્સ પ્રોવાઈડરે જણાવ્યું હતું કે તે રશિયન ઈક્વિટી માર્કેટની એક્સેસિબિલિટી અને ઈન્વેસ્ટેબિલિટી પર ચાંપતી નજર નાખી રહ્યો છે. રશિયા પર અનેક નાણાકિય પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યાં છે. જેમાં ત્યાંની બેંકિંગ કંપનીઓને સ્વિફ્ટ સિસ્ટમમાંથી બહાર કરવામાં આવી છે. રશિયન માર્કેટમાં રોકાણમાં અવરોધરૂપ પરિબળોમાં રૂબલમાંથી વિદેશી ચલણોમાં રૂપાંતરણની વણસતી સ્થિતિ, મોસ્કો સ્ટોક એક્સચેન્જમાં કામગીરી બંધ હોવી તથા શેર્સના વેચાણ પર પ્રતિબંધોનો સમાવેશ થાય છે.
આ પરિબળોને ધ્યાનમાં રાખીને એમએસસીઆઈએ લોકો પાસેથી પ્રતિભાવો મંગાવ્યા હતા. જો એમએસસીઆઈ સ્ટાન્ડર્ડ એન્ડ સ્મોલ કેપ ઈન્ડાઈસિસમાંથી રશિયાને દૂર કરવામાં આવે તો પેસિવ ટ્રેકર્સે 15.74 અબજ ડોલરના શેર્સનું વેચાણ કરવું પડે. આ ફ્લો 23 ફેબ્રુઆરીના બંધ ભાવને આધારે છે. હાલમાં આ ફ્લો 30 ટકા જેટલો નીચો હશે એમ સ્માર્ટકર્માના એનાલિસ્ટ જણાવે છે. 25 ફેબ્રુઆરીના રોજ એમએસસીઆઈ ઈએમમાં રશિયાનું વેઈટેજ 2.66 ટકા જેટલું હતું. જે આંઠમા ક્રમે હતું. ઈન્ડેક્સમાં ચીન 29.55 ટકા અને તાઈવાન 15.86 ટકા સાથે અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે. ભારત 12.25 ટકા સાથે ત્રીજા ક્રમે વેઈટેજ ધરાવે છે. ફૂટ્સીએ પણ રશિયાને ધ્યાનમાં રાખી એક નોંધ જારી કરી હતી.
ગયા સપ્તાહે આઈઆઈએફએલ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝના અલ્ટરનેટીવ રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે જો એમએસસીઆઈ ઈમર્જિંગમાંથી રશિયાને દૂર કરવામાં આવે તો ભારતને લાભ થશે. આવી સ્થિતિમાં ભારતનું વેઈટેજ 40 બેસીસ પોઈન્ટ્સ જેટલું વધશે. જેને કારણે સ્થાનિક બજારમાં 1.7 અબજ ડોલરનું ફંડ જોવા મળી શકે છે. જો ફૂટ્સી ગ્લોબલ ઈક્વિટી ઈન્ડાઈસિસ પણ આ જ પ્રમાણે વિચારશે તો ત્યાંથી 0.7 અબજ ડોલરનો વધુ ઈનફ્લો જોવા મળી શકે છે. રશિયન માર્કેટમાં તીવ્ર ઘટાડાને પહલે વૈશ્વિક સૂચકાંકોમાં તેના વેઈટેજમાં ઓર ઘટાડો જોવા મળ્યો છે. એનાલિસ્ટ્સના મતે રશિયાને વૈશ્વિક સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવતાં ભારતીય બજારમાં પ્રવેશનારો ફ્લો લિક્વિડી લાર્જ-કેપ કાઉન્ટર્સમાં જઈ શકે છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા નામોનો સમાવેશ થાય છે.

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીની પેટાકંપની રિલાયન્સ રિટેલે અબ્રાહમ એન્ડ ઠાકોર એક્સપોર્ટ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. 1992માં સ્થાપિત એએન્ડટી વિશ્વ બજારમાં અગ્રણી બ્રાન્ડેડ શોપ્સને લોંજવેર અને હોમ કલેક્શન્સની નિકાસ કરી રહ્યાં છે. જેમાં કોનરાન શોપ, લિબર્ટી, બ્રાઉન્સ, હેરોડ્સ વગેરેનો સમાવેશ થાય છે.
એચયૂએલઃ હિંદુસ્તાન યુનિલિવરે ફેબ્રુઆરીમાં બીજીવાર તેની પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ કરી હતી. આ વખતે તેણે 1-9 ટકા જેટલો ભાવ વધારો કર્યો છે. બે સપ્તાહ અગાઉ તેણે શોપ્સ, ડિટર્જન્ટ્સ, ડિશ વોશીંગ પ્રોડક્ટ્સમાં 3-10 ટકા વૃદ્ધિ કરી હતી. આ વખતે પણ હોમ અને પર્સનલ કેટેગરીનો સમાવેશ થાય છે.
આઈશર મોટર્સઃ કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં 6856 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 5457 યુનિટ્સ વેચાણની સામે 7.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
એવરેડી ઈન્ડઃ ડાબરના પ્રમોટર બર્મન ફેમિલીએ એવરેડી ઈન્ડ.માં 26 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 320 પ્રતિ શેરના ભાવે ઓપર ઓફર કરી છે. તેઓ કુલ રૂ. 604.7 કરોડના મૂલ્યના શેર્સ ખરીદશે.
કોલ ઈન્ડિયાઃ મજબૂત આર્થિક રિકવરી પાછળ પીએસયૂ કોલ ઉત્પાદકે ફેબ્રુઆરીમાં 5.74 કરોડ ટનનો કોલ ઓફટેક નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.13 કરોડ ટન ઉપાડની સરખામણીમાં 12 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ગૂડલક ટાયરઃ ટાયર ઉત્પાદક કંપનીએ રૂ. 1000 કરોડના મૂલ્યની નિકાસને પાર કરી છે. જે ગયા નાણાકિય વર્ષની સરખામણીમાં 110 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
એમએન્ડએમઃ યુટિલિટી ઉત્પાદકે ફેબ્રુઆરીમાં 27663 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે 21 હજાર યુનિટ્સના અંદાજ કરતાં નોંધપાત્ર ઊંચું હતું. તેણે 20437 યુનિટ્સ એગ્રી ઈક્વિપમેન્ટ્સનું વેચાણ કર્યું હતું. જે 20 હજાર યુનિટ્સની અપેક્ષા કરતાં વધુ જોવા મળ્યું હતું.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage