બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓમાં ઊંચા મથાળે ખચકાટ પાછળ ચોપી ટ્રેડ વચ્ચે બજારમાં નરમાઈ
નિફ્ટીમાં 18 હજારના સ્તર પર વેચવાલીનું દબાણ, માર્કેટમાં નરમાઈ વચ્ચે વિક્સમાં ઘટાડો
બેંકિંગ-ઓટો-હેલ્થકેરમાં મજબૂતી, મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ સુધારો
સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં જોવા મળેલો સુધારો એક દિવસીય નીવડ્યો હતો. મંગળવારે તેજીવાળાઓમાં ઊંચા સ્તરે ખચકાટ જોવા મળતાં બજારને સપોર્ટ અટક્યો હતો. જેને કારણે નિફ્ટી 18000નું સ્તર જાળવી રાખી શક્યો નહોતો. દિવસ દરમિયાન બે બાજુની વધ-ઘટ બાદ બેન્ચમાર્ક 40.70 પોઈન્ટ્સના ઘટાડે 17888.95ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 109.40ના ઘટાડે 60029.06ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીએ 18012.125ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી.
વૈશ્વિક બજારોમાં પણ મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. સોમવારે યુએસ બજારો તેમની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં. જોકે એશિયન બજારોએ તેની પોઝીટીવ પ્રતિક્રિયા નહોતી આપી કોરિયા અને સિંગાપુરને બાદ કરતાં અન્ય તમામ એશિયાઈ બજારો ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બપારે યુરોપિય બજારોમાં યુકેને બાદ કરતાં ફ્રાન્સ અને જર્મની સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. ભારતીય બજારે કામકાજની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. જોકે શરૂઆતી સુધારો લાંબુ ટકી શક્યો નહોતો અને બજાર પર મંદીવાળાઓ હાવી થતાં પાછળથી તેણે રેડ ઝોનમાં જ ટ્રેડ દર્શાવ્યું હતું. નિફ્ટી સ્પોટની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સમાં કામકાજના અંતે 34 પોઈન્ટસનું પ્રિમીયમ જોવા મળ્યું હતું.
જો સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, બેંકિંગ, રિઅલ્ટી, મિડિયા જેવા ક્ષેત્રોમાં પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. જ્યારે બીજી બાજુ આઈટી, મેટલ્સ, એફએમસીજી, એનર્જી અને પીએસઈમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 3.38 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. જ્યારે મેટલ ઈન્ડેક્સ 1.58 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ 2.37 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો હતો. જેની પાછળ જેએન્ડકે(8 ટકા), યુનિયન બેંક(6 ટકા), કેનેરા બેંક(4.5 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(3.56 ટકા), બેંક ઓફ બરોડા(3.28 ટકા) અને બેંક ઓફ મરારાષ્ટ્ર(3 ટકા)નો સુધારો કારણભૂત હતો. માર્કેટમાં સતત બીજા દિવસે બ્રોડ બેઝ બાઈંગ જોવા મળ્યું હતું. જેને કારણે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.83 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.02 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3401 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1961 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1264 કાઉન્ટર્સ ઘટીને બંધ આવ્યા હતાં. કુલ 361 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 186 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સમાં બંધ આપ્યું હતું. 184 શેર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી.
કોવિડ બુસ્ટર છતાં ફાર્મા ફંડ્સ રિટર્ન આપવામાં સૌથી પાછળ
છેલ્લાં ક્વાર્ટરમાં ફાર્મા ફંડે 3 ટકા નેગેટિવ રિટર્ન દર્શાવ્યું જ્યારે વાર્ષિક ધોરણે 29.3 ટકા સાથે સૌથી નીચું રિટર્ન
બીજી બાજુ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, બેંકિંગ, કન્ઝમ્પ્શન જેવા સેક્ટરલ ફંડ્સનું 56-84 ટકાનું વાર્ષિક રિટર્ન
વૈશ્વિક સ્તરે કોવિડ મહામારીના ફેલાવા બાદ શેરબજારમાં ફાર્મા શેર્સમાં જોવા મળેલી તીવ્ર તેજી છતાં ફાર્મા ફંડ્સ વિવિધ સેક્ટરલ ફંડ્સની સરખામણીમાં રિટર્ન આપવામાં સૌથી તળિયે જોવા મળી રહ્યાં છે. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન તેમણે 3 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે વાર્ષિક ધોરણે તેમણે 29 ટકાનું અન્યોની સરખામણીમાં ખૂબ નીચું રિટર્ન આપ્યું છે.
એનએસઈ ફાર્મા ઈન્ડેક્સે છેલ્લાં ત્રણ મહિના દરમિયાન 2.6 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે એક વર્ષના દેખાવ પર નજર કરીએ તો તે 25 ટકા ઘટાડો સૂચવી રહ્યો છે. આની સરખામણીમાં બેન્ચમાર્ક નિફ્ટીએ ત્રણ મહિનામાં 12 ટકાનો સુધારો દર્શાવ્યો છે. જ્યારે છેલ્લાં એક વર્ષમાં તે 51 ટકાનું રિટર્ન સૂચવે છે. જાન્યુઆરીની શરૂઆતથી અત્યાર સુધીમાં નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સે 8.8 ટકા રિટર્ન આપ્યું છે. જોકે ફાર્મા ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 10 કંપનીઓ નેગેટિવ રિટર્ન દર્શાવી રહી છે. ફાર્મા ફંડ્સ છેલ્લાં કેટલાંક વર્ષોથી સુસ્તી દર્શાવી રહ્યાં છે. જે પાછળના મુખ્ય કારણોમાં યુએસએફડીએ તરફથી કોમ્પ્લાયન્સને લઈને જોવા મળતી બાબતો ઉપરાંત યુએસ ખાતે દવાઓના પ્રાઈસિંગની સમસ્યાનો સમાવેશ થાય છે. વિવિધ ફંડ હાઉસિસ જેવાકે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ્સ, ડીએસપી, આઈડીબીઆઈ અને મિરાઈ એસેટે ફાર્મા ક્ષેત્રના ઉજળા સંયોગાની અપેક્ષાએ કેલેન્ડર 2018 અને 2019માં તેમના ફાર્મા અને હેલ્થકેર ફંડ ઓફર કર્યાં હતાં.
અગ્રણી બ્રોકરેજનો રિસર્ચ અહેવાલ જણાવે છે કે સાત ક્વાર્ટર્સના હેલ્ધી પર્ફોર્મન્સ બાદ વાર્ષિક ધોરણે ફાર્મા ક્ષેત્રે અર્નિંગ્સ ફ્લેટ જોવા મળશે. યુએસ ખાતે સ્પર્ધામાં તીવ્ર વૃદ્ધિ, નવા લોંચિસની ઝડપમાં ઘટાડો અને કોવિડ સંબંધી નીચા ઓફ-ટેકને કારણે 2021-22ના સમગ્રતયા દેખાવ પર વિપરીત અસર જોવા મળશે. બ્રોકરેજ હાઉસ જેનેરિક સેગમેન્ટમાં તીવ્ર સ્પર્ધા જોઈ રહ્યો છે અને કેટલાંક ક્વાર્ટર્સ સુધી ભાવમાં ઘટાડો ચાલુ રહે તેવી અપેક્ષા ધરાવે છે. ઉપરાંત યુએસએફડીએએ ફિઝિકલ ઈન્સ્પેક્શન્સ શરૂ કરતાં કોમ્પ્લાયન્સ સંબંધી અહેવાલો પણ કંપનીઓના શેર્સના ભાવમાં ઊંચી વોલેટિલિટી દર્શાવી શકે છે. ચલણના ભાવમાં સુધારાને કારણે ટોપ લાઈનમાં વાર્ષિક ધોરણે 1.5 ટકા સુધારાની શક્યતાં તે દર્શાવે છે. ગયા વર્ષે સ્થાનિક વેચાણ અને નિકાસમાં વૃદ્ધિ પાછળ કંપનીઓએ સારો દેખાવ દર્શાવ્યો હતો. મહામારીને ધ્યાનમાં રાખી વિકસિત દેશોએ કેટલાંક એક્ઝેમ્પ્શન્સમાં ઝડપી મંજૂરી આપી હતી. તેમજ ફિઝિકલ ઈન્સપેક્શન ઘટાડ્યાં હતાં. જોકે ચાલુ વર્ષે ઘણા ફાર્મા યુનિટ્સ યુએસએફડીના ફિઝિકલ ઈન્સ્પેક્શન્સને કારણે પ્રતિકૂળ ઓબ્ઝર્વેશન્સ દર્શાવી રહ્યાં છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં સમાવિષ્ય હેવીવેઈટ્સ જેવાકે સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબો, લ્યુપિન, સિપ્લા વગેરેએ છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન સારો દેખાવ નથી કર્યો. લ્યુપિન નિકાસ મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. જ્યારે સન ફાર્મા ટર્નઓવર ગ્રોથને ઝડપી બનાવવામાં મુશ્કેલી અનુભવી રહી છે.
વિવિધ સેક્ટરલ ફંડ્સના રિટર્ન
સેક્ટર વાર્ષિક(ટકામાં) ત્રિમાસિક(ટકામાં)
એનર્જી 84.2 2.5
ઈન્ફ્રાસ્ટ્રક્ચર 82.9 8.1
ટેક્નોલોજી 73.2 12.4
બેંકિંગ 65.4 11.9
કન્ઝમ્પ્શન 56.2 10.0
ફાર્મા 29.3 -3.0
ગુરુવારે નવા સંવત પૂર્વે મૂહૂર્ત ટ્રેડિંગ યોજાશે
દેશના શેરબજારોમાં વાર્ષિક પરંપરા મુજબ નવા વિક્રમ સંવત 2078ની પૂર્વસંધ્યાએ ગુરુવારે સાંજે 6-15 વાગે મૂહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક કલાક ચાલશે અને 7-15 વાગે પૂરું થશે. મૂહૂર્ત ટ્રેડિંગ અગાઉ 6 વાગે પ્રિઓપનીંગ સેશન શરૂ થશે તે 6-08 સુધી ચાલશે. જ્યારે 6-08થી 6-15 સુધી મેચીંગ પિરિયડ ચાલુ રહેશે.
ડેલ્હિવેરીએ રૂ. 7460 કરોડના IPO માટે DRHP ફાઈલ કર્યું
લોજિસ્ટીક્સ સ્ટાર્ટઅપ ડેલ્હિવેરીએ રૂ. 7460 કરોડના આઈપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. જેમાં રૂ. 5 હજાર કરોડના ફ્રેશ ઈસ્યુનો તથા રૂ. 2460 કરોડના ઓએફએસનો સમાવેશ થશે. આઈપીઓમાં હિસ્સો વેચનારા મુખ્ય ઈન્વેસ્ટર્સમાં ચાઈના મોમેન્ટમ ફંડ રૂ. 400 કરોડ, કાર્લાઈલ રૂ. 920 કરોડ અને સોફ્ટબેંક રૂ. 720 કરોડ તથા ટાઈમ્સ ઈન્ટરનેટ રૂ. 330 કરોડનું વેચાણ કરશે. ડીઆરએચપી મુજબ કંપની આઈપીઓની રકમનો ઉપયોગ ઓર્ગેનિક તેમજ ઈનઓર્ગેનિક ગ્રોથ માટે કરશે.
બજારની તેજી પાછળ યુલિપ બેઝ ઈન્શ્યોરન્સની માગમાં વૃદ્ધિ
શેરબજારમાં અવિરત તેજી પાછળ યુનિટ લિંન્ક્ડ ઈન્શ્યોરન્સ પોલીસીની માગમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું વીમા કંપનીઓનો ડેટા સૂચવે છે. કોવિડ સમયે પ્યોર પ્રોટેક્શન પ્લાન ખરીદતાં ગ્રાહકો બજારની તેજી બાદ યુલિપ્સ તરફ વળ્યાં છે. તાતા એઆઈએ લાઈફ ઈન્શ્યોરન્સના એમડી નવીન તેહિલ્યાણીના મતે એપ્રિલ-સપ્ટેમ્બરમાં યુલિપ્સમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. બીજા ત્રિમાસિકગાળાને અંતે એયૂએમ રૂ. 53 હજાર કરોડ પર રહ્યું હતું. જે અગાઉના વર્ષે સમાનગાળાની સરખામણીમાં 30 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ રૂ. 3416 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રિમીયમ મેળવ્યું હતું. ગયા વર્ષે તેની નાણાકિય આવકમાં 34 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
સતત બીજા મહિને ઈમર્જિંગ માર્કેટ્સનો મોટાભાગનો ઈનફ્લો ચીને આકર્ષ્યો
સપ્ટેમ્બર મહિના દરમિયાન ચીને સતત બીજા મહિને ઈમર્જિંગ માર્કેટ્સમાં જોવા મળેલો મોટાભાગનો ફંડ ફ્લો આકર્ષ્યો હતો. તેણે મહિના દરમિયાન 10.8 અબજ ડોલરનો ફંડ ફ્લો નોંધાવ્યો હતો. જેની સરખામણીમાં બ્રાઝિલે 58.7 કરોડ ડોલર અને ભારતે 36.2 કરોડ ડોલરનો ફ્લો મેળવ્યો હતો. જ્યારે તાઈવાન અને થાઈલેન્ડે 51.6 કરોડ ડોલર અને 20.7 કરોડ ડોલરનો ફ્લો મેળવ્યો હતો એમ બ્રોકરેજે તૈયાર કરેલો ડેટા સૂચવે છે. ઈન્ડિયા-ડેડિકેટેડ ફંડ્સે સપ્ટેમ્બરમાં 17.2 કરોડ ડોલરનો ફ્લો મેળવ્યો હતો. અત્યાર સુધીમાં 2021માં તેમણે 2.5 અબજ ડોલરનો આઉટફ્લો નોંધાવ્યો છે.
બેંક ઓફ ઈન્ડિયાનો નફો 100 ટકા ઉછળી રૂ. 1051 કરોડ
પીએસયૂ કંપની બેંક ઓફ ઈન્ડિયાનો સપ્ટેમ્બર ક્વાર્ટરનો નફો 100 ટકા ઉછળી રૂ. 1051 કરોડ રહ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 526 કરોડનો નફો દર્શાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 45.97 ટકા ઉછળ્યો હતો. જૂન ક્વાર્ટરમાં તેણે રૂ. 720 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 3523 કરોડ રહી હતી. જે ત્રિમાસિક ધોરણે 12.06 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. નોન-ઈન્ટરેસ્ટ ઈન્કમ 58.71 ટકા ઉછળી રૂ. 2136 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 1346 કરોડ પર હતી. કંપનીની નેટ એનપીએ ઘટીને 2.79 ટકા પર જોવા મળી હતી.
Market Summary 2 Nov 2021
November 02, 2021