માર્કેટ સમરી
ખાનગી બેંકિંગ શેર્સના સપોર્ટથી બજાર પોઝીટીવ રહેવામાં સફળ રહ્યું હતું. પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ 4.24 ટકા સુધર્યો હતો અને તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 8 ટકાથી વધુના ઘટાડા સામે બજારને મજબૂત ટકી રહેવામાં સહાયતા કરી હતી. ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, એચડીએફસી અને કોટક સહિતની બેંકોએ 7 ટકા સુધીનો સુધારો નોંધાવ્યો હતો. એસબીઆઈ પણ 3 ટકા સુધર્યો હતો. ઉપરાંત એચડીએફસી, બજાજ ફાઈ. જેવા એનબીએફસી શેર્સ પણ મજબૂત રહ્યાં હતાં.
એનટીપીસી રૂ. 115ના ભાવે શેર બાયબેક કરશે
સરકારી સાહસ એનટીપીસી રૂ. 115ના ભાવે શેર બાયબેક કરશે. જે વર્તમાન રૂ. 89ના બજારભાવ કરતાં લગભગ 29 ટકાનું પ્રિમીયમ સૂચવે છે. કંપની રૂ. 2275.75 કરોડના ખર્ચે 19.78 કરોડ શેર્સ બાયબેક કરશે. જેમાં રિટેલ હિસ્સો 2.96 કરોડ શેર્સનો હશે.
રિલાયન્સ ઈન્ડ.માં 8 ટકાથી વધુના ઘટાડા સાથે એક દિવસમાં રૂ. 1.20 લાખ કરોડનું માર્કેટ-કેપ ધોવાણ
- અપેક્ષા કરતાં સારા પરિણામો પાછળ પ્રોફિટ બુકિંગ પાછળ એક દિવસમાં શેર 8.62 ટકા તૂટી રૂ. 1877.30 પર બંધ રહ્યો
- કંપનીમાં 50 ટકા હિસ્સા સાથે પ્રમોટર્સની વેલ્થમાં પણ રૂ. 60 હજાર કરોડનું નુકસાન
- કંપનીનો શેર તેના અગાઉના રૂ. 2027ના બંધ ભાવથી 8.62 ટકા અથવા રૂ. 177ના ઘટાડે રૂ. 1877.30ના સ્તરે બંધ રહ્યો હતો. જે સ્તરે તેનું માર્કેટ-કેપ રૂ. 12.69 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ગયા શુક્રવારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 13.89 લાખ કરોડ હતું. સોમવારે કંપનીએ ચાલુ કેલેન્ડરનો ત્રીજો મોટો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે 2000ની સાલથી તેનો 11મો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ 2020માં બજારમાં મોટા કડાકા દરમિયાન તેણે બે વાર અનુક્રમે 13 ટકા અને 12 ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો હતો.
- કંપનીમાં 50.1 ટકા હિસ્સાને જોતાં પ્રમોટર મુકેશ અંબાણી પરિવારની માર્કેટ વેલ્થમાં પણ સોમવારે રૂ. 60 હજાર કરોડથી વધુનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે બજાર બંધ થયા બાદ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં હતાં. જેમાં તેણે રૂ. 9567 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે અપેક્ષા કરતાં ઊંચો હતો. કંપનીએ આવકમાં જૂન ક્વાર્ટરની સરખામણીમાં 27 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. જોકે અગાઉ પણ સારા પરિણામોની રજૂઆત બાદ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેનું સોમવારે ફરીએકવાર પુનરાવર્તન થયું હતું. માર્કેટ વર્તુળોના મતે એપ્રિલ મહિનાથી સતત આઉટપર્ફોર્મન્સ બાદ આ પ્રકારનો મૂવ સ્વાભાવિક છે. 16 સપ્ટેમ્બરે રિલા. ઈન્ડ.નો શેર રૂ. 2369ની તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી તે 21 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. જે એક હેલ્ધી કરેક્શન છે. કાઉન્ટર આગામી કેટવાક સત્રોમાં કોન્સોલિડેશન બાદ પુનઃ સુધારાતરફી બને તેવી શક્યતા પણ એનાલિસ્ટ વ્યક્ત કરી રહ્યાં છે. છેલ્લા પાંચ મહિનામાં જીઓ પ્લેટફોર્મ તેમજ રિલાયન્સ રિટેલમાં હિસ્સા વેચાણ મારફતે કંપની જંગી કેશ મેળવવા સાથે ઋણમુક્ત બની છે. ઉપરાંત તેણે ફ્યુચર જૂથ બિઝનેસ પણ ખરીદ્યો હતો. જોકે એમેઝોનના વાંધાને કારણે હાલમાં આ ડીલને લઈને બજાર દ્વિધામાં છે.
- આશ્ચર્યની વાત એ છે કે રિલાયન્સના શેરમાં 2009 બાદ કેલેન્ડર 2020માં પ્રથમવાર તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરી 2009માં 12 ટકાના ઘટાડા બાદ માર્ચ 2020માં તેણે બે વાર 12 ટકા અને 13 ટકાનો એક દિવસીય ઘટાડો નોંધાવ્યો હતો. અગાઉ તેણે 2001માં ત્રણેકવાર 9-12 ટકાની રેંજમાં એક દિવસીય ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે 2008માં તેણે 16 ટકાનો સૌથી તીવ્ર એક દિવસીય ઘટાડો દર્શાવ્યો હતો. જોકે સોમવારનો ઘટાડો માર્કેટ-કેપની રીતે નુકસાનમાં સૌથી તીવ્ર હતો. કેમકે અગાઉના ઘટાડા સમયે રિલાયન્સ ઈન્ડ.નો શેર ઘણા નીચા વેલ્યૂએશન પર ટ્રેડ થઈ રહ્યો હતો. માર્ચ મહિનાના તળિયાથી સપ્ટેમ્બર મહિનાની ટોચ સુધીમાં તેણે 178 ટકા રિટર્ન આપ્યું હતું.
રિલાયન્સના અંતિમ સાત મોટા ઘટાડા
તારીખ બંધ ભાવ(રૂ) ઘટાડો(%)
24/10/2008 243.56 -16.27
23/3/2020 872.59 -13.15
5/11/2008 303.18 -12.58
7/1/2009 286.86 -12.41
9/3/2020 1099.71 -12.34
21/1/2008 602.1 -9.24