Market Summary 2 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ફેડ બેઠક અગાઉ માર્કેટમાં સાવચેતીનો સૂર
ચાર સત્રોથી પોઝીટીવ બંધના ક્રમ પર વિરામ
નિફ્ટીએ જોકે 18 હજારનું સ્તર જાળવ્યું
એશિયન બજારો મક્કમ જોવા મળ્યાં, યુરોપમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.3 ટકા ઉછળી 16.66ની સપાટીએ
ફાર્મા, મેટલ અને એનર્જિમાં સુધારો જળવાયો
ઓટો, આઈટી, બેંકિંગ અને રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે સુસ્તી
મઝગાંવ ડોક 14 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ
સન ફાર્મા, આઈટીસી અને ટોરેન્ટ ફાર્મા પણ વાર્ષિક ટોચ પર

યુએસ ફેડ રિઝર્વની એફઓએમસીની બેઠક અગાઉ ભારતીય બજારમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો. સતત ચાર સત્રોથી સુધારા સાથે બંધ દર્શાવતું બજાર નેગેટિવ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 215 પોઈન્ટ્સના ઘટાડે 60906ની સપાટીએ જ્યારે નિફ્ટી 62 પોઈન્ટ્સ ઘટી 18083ની સપાટી પર બંધ રહ્યાં હતાં. માર્કેટ મોટાભાગનો સમય રેડ ઝોનમાં ટ્રેડ થયું હતું અને પરત ફરવામાં નિષ્ફળ રહ્યું હતું. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સ નેગેટિવ બ્રેડ્થ દર્શાવતાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિશ્ટ 50માંથી 30 કંપનીઓના શેર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 20 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે સુધારા સાથે બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સુસ્તી છતાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. જે સૂચવે છે કે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં નીચા સ્તરે વેચવાલી નથી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.3 ટકા ઉછળી 16.66ની સપાટી પર બંધ રહ્યો હતો. ફેડ જેવી ઈવેન્ટ પાછળ માર્કેટમાં વોલેટિલિટીમાં વૃદ્ધિ સંભવ છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો યુએસ બજારો મંગળવારે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જોકે એશિયન બજારોમાં બીજા દિવસે સુધારો જળવાયો હતો. હોંગ કોંગનો બેન્ચમાર્ક 2 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે ચીનું બજાર પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવતું હતું. કોરિયા, તાઈવાન અને સિંગાપુરના બજારો પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર જાપાન સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. જ્યારે બીજી બાજુ યુરોપના બજારો ગ્રીન ઝોનમાં ખૂલ્યાં બાદ ગગડ્યાં હતાં રેડ ઝોનમાં સરી પડ્યાં હતાં. ભારતીય બજાર અગાઉના 18145.40ના બંધ સામે 18177.90ના સ્તરે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ દિવસ દરમિયાન ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. નિફ્ટીએ બજાર બંધ થવાના કલાક અગાઉ 18049ની ઈન્ટ્રા-ડે બોટમ દર્શાવી હતી. જ્યાંથી તે થોડો સુધરીને બંધ રહ્યો હતો. ચાર સત્રોના સુધારા બાદ માર્કેટમાં ઘટાડો સ્વાભાવિક હતો. પેનિકનો અભાવ હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18200-18300ની રેંજમાં અવરોધ જોવા મળી રહ્યો છે. બેન્ચમાર્કને 18 હજારનો સાયકોલોજિકલ સપોર્ટ છે. જેની નીચે 17750નો સપોર્ટ છે. જ્યારે તેની નીચે 17300નો સપોર્ટ છે. નિફ્ટી ઓક્ટોબરમાં 16800ના તેના બોટમથી લગભગ 1300 પોઈન્ટ્સથી વધુ સુધારો દર્શાવી ચૂક્યો છે. આમ કેટલોક સમય તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જ્યારબાદ કોઈ એક બાજુ બ્રેકઆઉટની સંભાવના છે. ટ્રેડર્સ 17800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
બુધવારે માર્કેટને ફાર્મા, મેટલ અને એનર્જી તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. તે સિવાય અન્ય તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.6 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. મેટલ શેર્સમાં સુધારો દર્શાવવામાં એનએમડીસી 4.5 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત વેદાંત 4 ટકા, હિંદાલ્કો 2 ટકા, હિંદુસ્તાન ઝીંક 2 ટકા, જિંદાલ સ્ટીલ 1 ટકા અને નાલ્કો એક ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યાં હતાં. એકમાત્ર જેએસડબલ્યુ સ્ટીલ અને મોઈલ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ ધીમે-ધીમે તેની ટોચ તરફ સરકી રહ્યો છે. ફાર્મા ઈન્ડેક્સને મુખ્ય સપોર્ટ સન ફાર્મા તરફથી સાંપડ્યો હતો. તે 1.5 ટકા સુધારા સાથે 1052ની સપાટી પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ 2.7 ટકા, ઓરોબિંદો ફાર્મા 1.4 ટકા, ઝાયડસ લાઈફ એક ટકો, ટોરેન્ટ ફાર્મા 0.5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે ડિવિઝ લેબ્સ, સિપ્લા, બાયોકોન અને લ્યુપિન નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી સાધારણ સુધારા સાથે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન એચપીસીએલ, ઓએનજીસી, અદાણી ગ્રીન એનર્જી અને રિલાયન્સનું હતું. પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા પાવર, એનટીપીસી અને ગેઈલ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.8 ટકા ગગડ્યો હતો. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 2 ટકા, ઓબેરોય રિઅલ્ટી 1.5 ટકા, ડીએલએફ 1 ટકા, સનટેક રિઅલ્ટી 1.2 ટકા, સોભા ડેવલપર્સ 0.7 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.75 ટકા નરમાઈ સૂચવતો હતો. જેમાં મારુતિ સુઝુકી 2.4 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. મારુતિનો શેર છેલ્લાં બે સત્રોમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવી ચૂક્યો છે. આ ઉપરાંત ટીવીએસ મોટર, આઈશર મોટર્સ, હીરોમોટોકોર્પ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ જેવા કાઉન્ટર્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. માત્ર ટ્યુબ ઈન્વેસ્ટમન્ટ 1.7 ટકા સુધારે નવી ટોચ પર પહોંચ્યો હતો. ટાટા મોટર્સમાં પણ બીજા સત્રમાં મજબૂતી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.45 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં એચસીએલ ટેક્નોલોજી 1.4 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ, ટીસીએસ, માઈન્ડટ્રી અને કોફોર્જ નરમાઈ સૂચવતાં હતાં. જ્યારે બીજી બાજુ એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એલએન્ડટી ઈન્ફોટેક અને એલએન્ડટી ટેક્નોલોજી પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બેંકનિફ્ટી 0.4 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જોકે તેણે 41 હજારની સપાટી જાળવી રાખી હતી. બેંક શેર્સમાં ઘટાડો દર્શાવવામાં પીએનબી 2 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત બંધન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એચડીએફસી બેંક અને કોટક બેંક પોઝીટીવ બંધ રહ્યાં હતાં. નિફ્ટી કન્ઝ્મ્પ્શન ઈન્ડેક્સ 1 ટકા ગગડ્યો હતો. જેમાં ભારતી એરટેલ 3 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ્સ, ટ્રેન્ટ, બ્રિટાનિયા, એવન્યૂ સુપરમાર્ટ, નેસ્લે અને ટાઈટન કંપનીનો સમાવેશ પણ થતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ 5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત સન ટીવી નેટવર્ક, સિન્જિન ઈન્ટરનેશનલ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, આઈઈએક્સ, આઈઆરસીટીસી, બલરામપુર ચીની, હિંદાલ્કો અને હિંદ કોપરનો સમાવેશ થતો હતો. બીજી બાજુ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 8 ટકાથી વધુ ગગડ્યો હતો. ચંબલ ફર્ટિલાઈઝર્સ 6 ટકા, એસઆરએફ 3 ટકા, કેન ફિન હોમ્સ 3 ટકા, એમએન્ડએમ ફાઈનાન્સ 2.3 ટકા, ટોરેન્ટ પાવર 2.3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. કેશ સેગમેન્ટમાં મઝગાંવ ડોક 14 ટકા ઉછળી રૂ. 725ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. એસ્ટર ડીએમ 6 ટકા સુધારે વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત કોચીન શીપયાર્ડ, એઆઈએ એન્જીનીયરીંગ, વી-ગાર્ડ, મેક્સ હેલ્થકેર, આઈટીસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ટોરેન્ટ ફાર્મા અને કોલ ઈન્ડિયા નવી ટોચ પર બંધ રહ્યાં હતાં.


ઉદ્યોગ ક્ષેત્રે ક્રેડિટ માગ આઁઠ વર્ષોની ટોચ પર
સપ્ટેમ્બર દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ તરફથી ક્રેડિટ માગ છેલ્લાં 100 મહિનાની ટોચ પર જોવા મળી હતી. કોર્પોરેટ્સ તરફથી વર્કિંગ કેપિટલ માટેની જરૂરિયાત વધવાને કારણે ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 12.6 ટકા જોવા મળ્યો હતો. દેશમાં ક્રેડિટ-ટુ-ઈન્ડસ્ટ્રીઝ નોન-ફૂડ ક્રેડિટનો 27.6 ટકા જેટલો નોઁધપાત્ર હિસ્સો ધરાવે છે. માસિક ધોરણે ઉદ્યોગ ક્ષેત્રે ક્રેડિટ માગ 1.4 ટકા વધી હતી. જે સાત મહિનાઓમાં સૌથી ઊંચી હતી. જ્યારે કેલેન્ડરમાં અત્યાર સુધીમાં તે 2.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. નીચી બેઝ ઈફેક્ટ ઉપરાંત માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ તરફથી ઊંચી ક્રેડિટ માગને કારણે પણ ક્રેડિટ વૃદ્ધિ સારી રહી હતી. સ્મોલ અને માઈક્રો કંપનીઓએ વાર્ષિક ધોરણે 27.1 ટકા ક્રેડિટ ગ્રોથ દર્શાવ્યો હતો. જ્યારે મિડિયમ સાઈઝ કંપનીઓને ક્રેડિટ ગ્રોથ 36 ટકા પર જોવા મળ્યો હતો.
ઓક્ટોબરમાં EV રજિસ્ટ્રેશને પ્રથમવાર એક લાખનો આંક વટાવ્યો
દેશમાં માસિક ધોરણે તમામ સેગમેન્ટ્સમાં ઈલેક્ટ્રિક વેહીકલ્સ રજિસ્ટ્રેશનમાં પ્રથમવાર એક લાખનો આંકડો પાર થયો હતો. ટુ-વ્હીલર્સ ઈવીની ઊંચી માગને કારણે આમ બન્યું હતું. ઓક્ટોબલમાં કુલ 1,14,001 યુનિટ્સ ઈવી રજિસ્ટ્રેશન્સ જોવા મળ્યું હતું. જે સપ્ટેમ્બરમાં 92,833 યુનિટ્સની સરખામણીમાં 23 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. 2021માં સમાનગાળાની સાથે સરખામણી કરીએ તો તે 190 ટકા વૃદ્ધિ દર્શાવે છે એમ વાહન ડેશબોર્ડનો ડેટા સૂચવે છે. કુલ ઈવી રજિસ્ટ્રેશન્સમાં 75,294 યુનિટ્સ સાથે ટુ-વ્હીલર ઈવી 66 ટકા હિસ્સો ધરાવતાં હતાં. માસિક ધોરણે તેઓ 42 ટકા અને વાર્ષિક ધોરણે 290 ટકા વૃદ્ધિ સૂચવે છે.




ફેડ રેટ વૃદ્ધિ બાદ શેરબજારમાં તેજી-મંદીનું ફિફ્ટી-ફિફ્ટી
કેલેન્ડર 2022માં છ રેટ વૃદ્ધિ બાદ તત્કાળ પ્રતિક્રિયામાં ત્રણમાં સુધારો અને ત્રણમાં ઘટાડો જોવા મળ્યો છે
જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ફેડ વૃદ્ધિ વખતે બજાર 15500-17800ની રેંજમાં અથડાયેલું રહ્યું છે

બુધવારે રાતે યુએસ ફેડ તરફથી વધુ એક રેટ વૃદ્ધિ કરવામાં આવશે. જેને ભારત સહિત વૈશ્વિક બજારો કેવી પ્રતિક્રિયા આપશે તેને લઈને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ સાવચેત જોવા મળી રહ્યાં છે. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં ફેડ તરફથી જોવા મળેલી છ રેટ વૃદ્ધિ બાદ બજારની પ્રતિક્રિયા પર નજર નાખીએ તો જણાય છે કે માર્કેટે તેજી અને મંદી, બંને બાજુની ચાલ દર્શાવી છે. કુલ છ રેટ વૃદ્ધિમાંથી ત્રણ વાર તેણે પછીના દિવસે સુધારો દર્શાવ્યો છે જ્યારે ત્રણ કિસ્સામાં તેણે ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે ફેડ રેટ બાદના પાંચ સત્રોની વાત કરીએ તો પણ બજારનો દેખાવ લગભગ સમાન જોવા મળે છે. એટલેકે પ્રથમ દિવસની પ્રતિક્રિયા પછીના પાંચ સત્રો સુધી લંબાયેલી જોવા મળી છે.
યુએસ ફેડ રિઝર્વે ચાર વર્ષો બાદ 26 જાન્યુઆરી 2022ના રોજ પ્રથમવાર રેટ વૃદ્ધિ દર્શાવી હતી. 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ બાદના પ્રથમ સત્રમાં ભારતીય બજાર 0.75 ટકા સુધારા સાથે બંધ રહ્યું હતું. તે વખતે બેન્ચમાર્ક નિફ્ટી 17277ની સપાટી પર બંધ રહ્યો હતો. જો પછીના ચાર સત્રો સાથે રેટ વૃદ્ધિના એક સપ્તાહનો દેખાવ જોઈએ તો પણ બજાર લગભગ 0.84 ટકા સુધારો દર્શાવતું હતું. આમ રેટ વૃદ્ધિ બાદની શરૂઆતી પ્રતિક્રિયા પછીના સત્રોમાં પણ જળવાયેલી રહી હતી અને બજારે રેટ વૃદ્ધિને બહુ ગણકારી નહોતી એમ કહી શકાય. જોકે માર્કેટ એનાલિસ્ટ્સના મતે ફેડે રેટ વૃદ્ધિનો ક્રમ ભલે જાન્યુઆરીમાં શરૂ કર્યો પરંતુ તે ઓક્ટોબર 2021થી રેટ વૃદ્ધિ કરશે એમ ટિપ્પણી કરતી રહી હતી અને બજારે રેટ વૃદ્ધિના નોંધપાત્ર પ્રમાણને અગાઉથી ગણનામાં લઈ લીધું હતું. ફેડે રેટ વૃદ્ધિના બીજા રાઉન્ડમાં 16 માર્ચે 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી હતી. તે વખતે માર્કેટ 25 બેસીસ પોઈન્ટ્સ કે 50 બેસીસ પોઈન્ટ્સની અટકળમાં હતું અને ફેડે અપેક્ષિત રેંજની ઊપરની બાજુ વૃદ્ધિ દર્શાવી હોવા છતાં માર્કેટ 1.87 ટકાના નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યું હતું. જો રેટ વૃદ્ધિથી પાંચ સત્રોનો દેખાવ જોઈએ તો બજાર 0.84 ટકા સુધારા સાથે બંધ જોવા મળતું હતું. આમ શરૂઆતી પ્રતિક્રિયા બાદના સુધારાનો કેટલોક અંશ તેણે ગુમાવ્યો હતો. જોકે માર્કેટ પોઝીટીવ ઝોનમાં ટકી રહ્યું હતું. ફેડે 4 મેના રોજ ત્રીજી રેટ વૃદ્ધિમાં પણ 50 બેસીસ પોઈન્ટ્સ વધારો જાળવી રાખ્યો હતો. જેણે બજારને એક આંચકો આપ્યો હતો અને તેની પ્રતિક્રિયામાં ભારતીય બજાર 2.3 ટકા જેટલું ગગડ્યું હતું. માર્કેટમાં નરમ ટોન જળવાય રહ્યો હતો અને પાંચ સત્રો બાદ પણ તે 2.25 ટકા ઘટાડો દર્શાવતું હતું. આમ ત્રીજા રાઉન્ડની રેટ વૃદ્ધિ દરમિયાન માર્કેટની પ્રતિક્રિયા નેગેટિવ જળવાય હતી. સતત બે વાર 50 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ બાદ ફેડે 15 જૂને પ્રથમવાર 75 બેસીસ પોઈન્ટસની આકરી રેટ વૃદ્ધિ દર્શાવી હતી. જેની પ્રતિક્રિયારૂપે બજારમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ તે વખતે 70200નું તેનું એક વર્ષનું તળિયું દર્શાવ્યું હતું. 15 જૂનથી લઈ 20 જૂન સુધીના સમયગાળામાં નિફ્ટી 2.18 ટકા જેટલો ગગડ્યો હતો. આમ નરમાઈ આગળ વધી હતી. ફેડ રિઝર્વે જૂન બાદ વધુ બે 75-75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ જાળવી હતી. જેમાં 27 જુલાઈએ રેટ વૃદ્ધિ બાદ ભારતીય બજાર એક ટકા સુધારા સાથે બંધ રહ્યું હતું. રેટને અગાઉથી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું હોવાથી તેમજ એફઆઈઆઈ બજારમાં પરત ફરી હોવાથી રેટ વૃદ્ધિના પાંચ સત્રોમાં માર્કેટ 4.2 ટકાનો સુધારો દર્શાવતું જોવા મળ્યું હતું. જોકે છેલ્લે 21 સપ્ટેમ્બરના રોજ ફેડ તરફથી 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ બાદ માર્કેટે 0.55 ટકા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જે ઘટાડો પછીના ચાર સત્રોમાં પણ આગળ વધ્યો હતો અને કુલ પાંચ સત્રો બાદ માર્કેટ 3.96 ટકા ઘટાડો સૂચવી રહ્યું હતું.
છેલ્લા રાઉન્ડની રેટ વૃદ્ધિ બાદ યુએસ બેન્ચમાર્ક રેટ 3.25 બેસીસ પોઈન્ટસ પર જોવા મળી રહ્યાં હતાં. બુધવારે ફેડ રિઝર્વ વધુ 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરશે તે અપેક્ષિત છે. બજાર તેને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જોકે ફેડ આગામી સમયગા માટે શું વિચારી રહી છે તે અંગે ફેડ ચેરમેનની ટિપ્પણી મહત્વની બની રહેશે. માર્કેટ પાર્ટિસિપન્ટ્સ ડિસેમ્બર બેઠકમાં 50 બેસીસ પોઈન્ટ્સની શક્યતાં જોઈ રહ્યાં છે. જો ફેડ તેના વલણને થોડું પણ ‘ડોવિશ’ બનાવશે તો માર્કેટને રાહત મળશે અને તે પોઝીટીવ પ્રતિક્રિયા જાળવી શકે છે. આનાથી ઊલટું જો ફેડ પાંચમીવાર પણ 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિનો સંકેત આપશે તો બજારોનું સેન્ટિમેન્ટ ખરડાઈ શકે છે.

ફેડની રેટ વૃદ્ધિ બાદ ભારતીય બજારનો દેખાવ

રેટ વૃદ્ધિ તારીખ ફેડ રેટ(વૃદ્ધિ બાદ) ફેરફાર(ટકામાં) પાંચ સત્રોમાં ફેરફાર(ટકામાં) D+5
21/9/2022 3.250 -0.55% -3.96%
27/7/2022 2.500 0.96% 4.20%
15/6/2022 1.750 -0.25% -2.18%
4/5/2022 1.000 -2.29% -2.25%
16/3/2022 0.500 1.87% 0.84%
26/1/2022 0.250 0.75% 0.36%


CBDTએ ક્રિપ્ટો એસેટ્સને ધ્યાનમાં રાખી કોમન રિટર્ન માટે પ્રસ્તાવ મૂક્યો
નવા ITR પ્રસ્તાવમાં સ્થાનિક નાગરિકે વિદેશી ઈક્વિટી-ડેટમાં રોકાણ જેવી વિગતો પણ આપવાની રહેશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(CBDT)એ નવા કોમન ઈન્કમ-ટેક્સ રિટર્નનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ કરવા પાછળનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકો પાસે રહેલી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અથવા ક્રિપ્ટો કરન્સી એસેટ્સ તેમજ વિદેશી શેરબજારમાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સના ડિસ્ક્લોઝીંગનો છે.
નોન-રેસિડેન્ટ ભારતીયો માટે ડ્રાફ્ટ આઈટીઆર ઊંડાણપૂર્વકની વિગતો ઈચ્છી રહ્યું છે. જેમાં બિઝનેસના નેચર, પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ(PE), બિઝનેસ કનેક્શન, કંપની ભારતમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે કે નહિ જેવી વિગતો સાથે ભારતમાં કેટલાં વપરાશકાર ધરાવે છે તેનો સમાવેશ થાય છે. NRIs માટે ઈન્કમટેક્સ રિટર્ન પ્રોટોકોલ, નાણા બિલ 2028-19માં રજૂ કરવામાં આવેલા SEP પ્રિન્સિપલની તકોને વ્યાપક બનાવશે. તેમજ જો આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સમાંથી કુલ પેમેન્ટ્સ નિર્ધારિત રકમ કરતાં વધી જતી હશે તો સ્પષ્ટપણે વ્યાખ્યાયિત ‘બિઝનેસ કનેક્શન’માં ડેટા અથવા સોફ્ટવેર ડાઉનલોડની જોગવાઈનો સમાવેશ કરવાનો રહેશે. SEP જોગવાઈઓને OECD હેઠળ મલ્ટીલેટરલ સોલ્યુશન હાથ ધરવામાં ના આવે ત્યાં સુધી 2022-23 સુધી મોકૂફ રાખવામાં આવી હતી. આ મલ્ટીલેટરલ સોલ્યુશન હેઠળ તમામ ટેક્સ ટ્રિટિઝ આપમેળે જ સુધારો અમલી બનશે. જોકે આ દરમિયાનમાં ભારતે છેલ્લા કેટલાંક વર્ષોમાં નોન-રેસિડેન્ટ ડિજીટલ એન્ટીટીઝ માટે લેવી ઈક્વલાઈઝેશનની તકોને વ્યાપક બનાવી છે. નવા પ્રસ્તાવિત ITRને વર્તમાન રિપોર્ટિંગ જરૂરિયાત જેવીકે પાસ-થ્રૂ ઈન્કમ અથવા વિવિધ હેડ્સ હેઠળ નુકસાન સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. સીબીડીટીએ ટેક્સ ફોર્મમાં પ્રસ્તાવિત ફેરફારને લઈને 15 ડિસેમ્બર સુધીમાં સંબંધિત ઉદ્યોગ ભાગીદારો પાસેથી ટિપ્પણી મગાવી છે. હાલમાં કરદાતાએ ફોર્મ આઈટીઆર-1થી આઈટીઆર-7માં તેના ઈન્કમ-ટેક રિટર્ન્સને દર્શાવવાનું રહે છે. નવુ કોમન આઈટીઆર ફોર્મ આઈટીઆર-1 અને આઈટીઆર-4ના જૂના ફોર્મ્સને સમાંતર પ્રાપ્ય રહેશે. એકવાર નવું કોમન ફોર્મ નોટીફાઈડ કરવામાં આવશે ત્યારબાદ આઈટીઆર-2, આઈટીઆર-3, આઈટીઆર-5 અને આઈટીઆર-6 ફોર્મ્સમાં રિટર્ન ફાઈલ કરનારાઓ માટે જૂના ફોર્મ્સમાં રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ નહિ રહે.


કોર્પોરેટ હેડલાઈન્સ

કર્ણાટક બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે સપ્ટેમ્બરમાં રૂ. 411.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 125.6 કરોડ પર હતો. કંપનીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ 26 ટકા વધી રૂ. 803 કરોડ પર રહ્યાં હતાં. જે ગયા વર્ષે રૂ. 637 કરોડ પર હતાં.
વીએસએસએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 28 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 24.3 કરોડ સામે 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 335.7 કરોડ સામે 32 ટકા વધી રૂ. 443.2 કરોડ પર રહી હતી.
અદાણી પોર્ટ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1677 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે રૂ. 1520 કરોડના અંદાજ કરતાં ઊંચો હતો. કંપનીની રેવન્યૂ પણ રૂ. 4680 કરોડની અપેક્ષા સામે રૂ. 5211 કરોડ પર જોવા મળી હતી.
કન્સાઈ નેરોલેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 199 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 163 કરોડ સામે 23 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 1620 કરોડ સામે 19 ટકા વધી રૂ. 1931 કરોડ પર રહી હતી.
એલઆઈસી હાઉસિંગઃ કંપને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 305 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 248 કરોડની સરખામણીમાં 23 ટકા વધુ હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 1167 કરોડ પરથી ગગડી રૂ. 1163 કરોડ પર રહી હતી.
વ્હર્લપુલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 122 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 132 કરોડ સામે 9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 1607 કરોડ સામે સ્થિર રહી રૂ. 1612 કરોડ પર રહી હતી.
તમિલનાડુ પેટ્રોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 26.6 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27.6 કરોડ સામે 3 ટકાથી વધુ નીચો રહ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. 553.4 કરોડ સામે 9 ટકા વધી રૂ. 602 કરોડ રહી હતી.
જેકે ટાયરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 51.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 66 કરોડ સામે 23 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક રૂ. 2987 કરોડ સામે 26 ટકા વધી રૂ. 3757 કરોડ પર રહી હતી.
ચંબલ ફર્ટિલાઈઝર્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 274.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 506 કરોડ સામે 46 ટકાથી વધુ નીચો રહ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. 4479 કરોડ સામે 92 ટકા વધી રૂ. 8587 કરોડ રહી હતી.
વર્ધમાન સ્ટીલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 35 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે જૂન ક્વાર્ટરના રૂ. 46 કરોડ સામે 24 ટકા નીચો છે. કંપનીની આવક પણ જૂન ક્વાર્ટરમાં રૂ. 469 કરોડ સામે 6 ટકા ગગડી રૂ. 443 કરોડ પર રહી હતી.
મેક્રોટેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 367 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 287 કરોડની સરખામણીમાં 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 2124 કરોડ સામે 16 ટકા ગગડી રૂ. 1765 કરોડ પર રહી હતી.
ઈન્ડિયન બેંકઃ કંપનીએ 3 નવેમ્બરથી અમલી બને તે રીતે તમામ મુદત માટેના લેન્ડિંગ રેટ્સમાં 15-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે.
ગ્રાસિમ ઈન્ડઃ કંપનીના બોર્ડે એનસીડી મારફતે રૂ. 1000 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage