Market Summary 2 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

નિફ્ટીએ આગેકૂચ જાળવી નવી ટોચ દર્શાવી

ભારતીય બજારે વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જાળવી રાખતાં ગુરુવારે નવી ટોચ દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 0.92 ટકા ઉછળી 17234ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 17245.50ની ટોચ દર્શાવી હતી. તેણે બુધવારની 17226ની ટોચને પાર કરી હતી. બજારને બેકિંગ, એફએમસીજી સહિતના ક્ષેત્રોનો સપોર્ટ સાંપડ્યો હતો. એકમાત્ર ઓટો અને પીએસબી ઈન્ડેક્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં.

સિમેન્ટ શેર્સમાં નવેસરથી લેવાલી વચ્ચે ભાવ ટોચ પર

અગ્રણી સિમેન્ટ કંપનીઓના શેર્સમાં ગુરુવારે ભારે લેવાલી જોવા મળી હતી, જેની પાછળ શેર્સ તેમની નવી ટોચ પર જોવા મળ્યાં હતાં. જેમાં શ્રી સિમેન્ટનો શેર 5.6 ટકા અથવા રૂ. 1587ના સુધારે રૂ. 30050ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.08 લાખ કરોડ પર રહ્યું હતું. બિરલા જૂથની અલ્ટ્રા-ટેક સિમેન્ટનો શેર રૂ. 190 અથવા 2.5 ટકાના સુધારે રૂ. 7954.40ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 2.3 લાખ કરોડ પર પહોંચ્યું હતું. અંબુજા સિમેન્ટનો શેર 1.61 ટકા સુધારા સાથે રૂ. 428.20ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 432ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી. એસીસીનો શેર 2.15 ટકા સુધરી રૂ. 2475 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 2496ની ટોચ નોંધાવી હતી. ગ્રાસિમનો શેર 1.22 ટકાના સુધારે રૂ. 1504 પર બંધ જોવા મળ્યો હતો.

એફએમસીજી ઈન્ડેક્સે 40 હજારનું સ્તર કૂદાવ્યું

સતત લેવાલી વચ્ચે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 40 હજારનું સ્તર પાર કરવા સાથે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ગુરુવારે એફએમસીજી કંપનીઓમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી, જેની પાછળ ઈન્ડેક્સ 652 પોઈન્ટ્સ ઉછળી 40296.40 પર બંધ રહ્યો હતો. તેણે 40323.65ની ટોચ દર્શાવી હતી. અગ્રણી એફએમસીજી કાઉન્ટર્સમાં એચયૂએલે 2.5 ટકા સુધારા સાથે રૂ. 2810ની ટોચ દર્શાવી હતી. કંપનીનું એમ-કેપ રૂ. 6.58 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ડાબર ઈન્ડિયા, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકો જેવા કાઉન્ટર્સે પણ તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. એફએમસીજી સેક્ટર છેલ્લાં કેટલાંક સમયથી આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે અને બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડી રહ્યું છે. જોકે તે વેલ્યૂએશન્સની રીતે મોંઘું બની ગયુ હોવાનું એનાલિસ્ટ્સ માની રહ્યાં છે.

વોડાફોન આઈડિયાનો શેર 17 ટકા ઉછળ્યો

આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ટેલિકોમ પ્રધાનની મુલાકાત લેતાં વોડાફોન આઈડિયાનો શેર 17 ટકા ઉછળ્યો હતો. એનએસઈ ખાતે ટેલિકોમ કંપનીનો શેર 17.21 ટકા અથવા રૂ. 1.05ના સુધારે રૂ. 7.15 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 7.25ની ટોચ દર્શાવી હતી. કાઉન્ટરે 73.61 કરોડ શેર્સનું વોલ્યુમ નોંધાવ્યું હતું. કંપનીનો શેર ત્રણ સપ્તાહ અગાઉના તેના તળિયાથી 70 ટકા કરતાં વધુ સુધારો દર્શાવી રહ્યો છે. બજાર વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર ટેલિકોમ ક્ષેત્ર માટે કેટલાંક રાહતના પગલાઓ લેવાનું વિચારી રહી છે તેવા સમયે કુમાર મંગલમે ટેલિકોમ પ્રધાન સાથે મંત્રણા યોજી છે. તેમણે ટેલિકોમ ક્ષેત્ર માટે તત્કાળ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું કહેવાય છે. ગયા મહિને તેમણે વોડાફોનના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. કંપની હાલમાં કુલ રૂ. 1.91 કરોડનું ઋણ ધરાવે છે. જેમાં મોકૂફ રાખવામાં આવેલા સ્પેક્ટ્રમ પેટેના નાણા ઉપરાંત એજીઆરનો સમાવેશ થાય છે. જૂન ક્વાર્ટરમાં વોડાફોને રૂ. 7319 કરોડની ખોટ દર્શાવી હતી. કંપની નવા નાણા ઊભા કરી શકતી નથી. જેને કારણે તાજેતરનું તેનું રેટિંગ પણ ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે.

 

FPIIPO મારફતે ભારતીય બજારમાં 5 અબજ ડોલર ઠાલવ્યાં

જુલાઈ-ઓગસ્ટમાં સેકન્ડરી માર્કેટમાં રૂ. 25 હજાર કરોડનું વેચાણ જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ. 14300 કરોડનું રોકાણ

જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં સેકન્ડરી માર્કેટમાં રૂ. 12826 કરોડ સામે એફપીઆઈનું આઈપીઓમાં કુલ રૂ. 36577 કરોડનું રોકાણ

 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ) પણ ભારતીય બજારમાં જોવા મળી રહેલા આઈપીઓ ઉન્માદમાં દિલથી ભાગ લઈ રહ્યાં છે. ચાલુ કેલેન્ડરના પ્રથમ આંઠ મહિનામાં તેમણે પ્રાઈમરી માર્કેટમાં કુલ રૂ. 36577 કરોડ(લગભગ પાંચ અબજ ડોલર)નું રોકાણ દર્શાવ્યું છે. આમ સેકન્ડરી માર્કેટમાં મોટા ફ્લોથી દૂર જોવા મળેલા વિદેશી રોકાણકારોએ નવા ભરણાઓ મારફતે બજારમાં તેમનો નાણાપ્રવાહ જાળવી રાખ્યો છે.

જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના આંઠ મહિનાની વાત કરીએ તો સેકન્ડરી માર્કેટમાં એફઆઈઆઈ માત્ર રૂ. 12826 કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાવ્યું છે. જ્યારે પ્રાઈમરી માર્કેટમાં તેમણે આનાથી લગભગ ત્રણ ગણુ એટલેકે રૂ. 36577 કરોડનું રોકાણ કર્યું હતું. આમ ચાર મહિના પૂરા થવાના બાકી છે ત્યારે કેલેન્ડરમાં તેમનો કુલ ઈનફ્લો રૂ. 49402 કરોડ પર રહ્યો હતો. જે ગયા કેલેન્ડરના રૂ. 1.5 લાખ કરોડની સરખામણીમાં ઘણો નીચો છે. જોકે પ્રાઈમરી માર્કેટમાં તેમણે પ્રથમવાર આટલું ઊંચું રોકાણ દર્શાવ્યું છે.

ભારતીય બજારમાં એફઆઈઆઈના નોંધપાત્ર પ્રવેશ બાદ બીજીવાર એવું બન્યું છે કે તેમણે સેકન્ડરી માર્કેટ કરતાં પ્રાઈમરી માર્કેટમાં ઊંચી ખરીદી દર્શાવી છે. અગાઉ 2017માં પણ તેમણે આઈપીઓ મારફતે ઊંચું રોકાણ નોંધાવ્યું હતું. 2021માં સેકન્ડરી માર્કેટમાં આંઠમાંથી ચાર મહિના દરમિયાન તેઓ ચોખ્ખા વેચવાલ રહ્યાં છે. જેમાં જુલાઈ દરમિયાન તેમણે રૂ. 17482 કરોડની સૌથી ઊંચી વેચવાલી દર્શાવી હતી. જ્યારે ઓગસ્ટમાં પણ તેમણે રૂ. 7821 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. આનાથી ઊલટું જુલાઈ-ઓગસ્ટમાં પ્રાઈમરી માર્કેટમાં તેમણે રૂ. 6174 કરોડ અને રૂ. 8189 કરોડ સાથે ઊંચો ઈનફ્લો જાળવ્યો હતો. પ્રાઈમરી માર્કેટમાં તેમણે જાન્યુઆરીમાં રૂ. 541 કરોડના આઉટફ્લોને બાદ કરતાં અન્ય સાતેય મહિનાઓ દરમિયાન ચોખ્ખું રોકાણ જાળવ્યું છે. જેમાં જૂન અને ઓગસ્ટમાં તેમણે એક અબજ ડોલર કરતાં ઊંચો ઈનફ્લો નોંધાવ્યો હતો.

પ્રાઈમરી માર્કેટમાં વિદેશી રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ આઈપીઓ ઉપરાંત ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ બાઈંગ(ક્વિબ) અને રાઈટ્સ ઈસ્યુ મારફતે જોવા મળતું હોય છે. ચાલુ કેલેન્ડરમાં બજારમાં 38 આઈપીઓ લિસ્ટ થઈ ચૂક્યાં છે અને તેમાં ક્વિબ તરીકે એફપીઆઈએ મહત્વની ભાગ ભજવ્યો છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. અગાઉ 2018માં એફપીઆઈ સેકન્ડરી માર્કેટમાંથી રૂ. 51,774 કરોડ બહાર ખેંચ્યાં હતાં. જ્યારે બીજી બાજુ પ્રાઈમરી માર્કેટ મારફતે રૂ. 18761 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું હતું. 2019માં જોકે આઈપીઓ માર્કેટ ડલ રહ્યું હતું અને તેથી નોંધપાત્ર ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું નહોતું.

2021માં પ્રાઈમરી માર્કેટમાં એફપીઆઈ ફ્લો

મહિનો          રોકાણ(રૂ. કરોડમાં)

જાન્યુઆરી              -541

ફેબ્રુઆરી                4219

માર્ચ                    6905

એપ્રિલ                    46

મે                      3977

જૂન                    7608

જુલાઈ                  6174

ઓગસ્ટ                 8189

 

મહિન્દ્રાની પણ ચીપ શોર્ટેજ પાછળ 25 ટકા ઉત્પાદન કાપની ચેતવણી

અગાઉ ટાટા અને મારુતિએ પણ સેમીકંડક્ટર્સની અછતને કારણે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે

ભારતીય કાર ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ચીપની અછતને કારણે ઉત્પાદનમાં ઘટાડો થશે તેમ જણાવી રહી છે. અગાઉ બે અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદકો ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી આ પ્રકારની શક્યતા વ્યક્ત કરી ચૂક્યાં છે. ગુરુવારે મહિન્દ્રાએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે સેમીકન્ડક્ટર્સની અછતને કારણે ગુરુવારે સપ્ટેમ્બર મહિના દરમિયાન ઉત્પાદનમાં 20-25 ટકા ઘટાડની અપેક્ષા છે. જોકે ટ્રેકટર્સ અને થ્રી-વ્હીલર્સના ઉત્પાદન પર આની કોઈ અસર નહિ પડે તેમ તેણે ઉમેર્યું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં સેમીકંડક્ટરની અછત અનુભવાઈ રહી છે અને તેની નજીકના સમયમાં પ્રોડક્શન પર અસર પડશે. વૈશ્વિક સ્તરે કાર ઉત્પાદક કંપનીઓ સેમીકંડક્ટર્સની અછતનો સામનો કરી રહી છે અને ચીપ ડિલીવરીઝ માટે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ક્ષેત્રે પ્રવર્તી રહેલી તીવ્ર સ્પર્ધાને જોતાં હજુ પણ વધુ મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે તેમ તેઓનું કહેવું છે. અગાઉ ટાટા મોટર્સની બ્રાન્ડ જગુઆર અને લેન્ડ લોવરે પણ ચીપની અછતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે બે દિવસ અગાઉ મારુતિએ જણાવ્યું હતું કે ચીપની તંગી પાછળ તે હરિયાણા અને ગુજરાત સ્થિત પ્લાન્ટ્સમાં સપ્ટેમ્બર મહિનામાં 40 ટકા કામગીરી જ કરી શકશે. આમ તેણે ઉત્પાદનમાં જંગી ઘટાડાની શક્યતા દર્શાવી હતી. કોરિયન કાર કંપની હ્યુન્ડાઈએ પણ જણાવ્યું હતું કે ચીપ શોર્ટેજને કારણે તે યુએસ પ્લાન્ટ ખાતે ઉત્પાદન ઘટાડશે.

મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બર મહિના દરમિયાન તેના ઓટોમોટિવ ડિવિઝન ખાતે લગભગ સાત દિવસો માટે ‘નો પ્રોડક્શન ડેઝ’ રાખશે. ઉત્પાદનમાં ઘટાડા પાછળ આગામી ક્વાર્ટર દરમિયાન મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત અન્ય કાર ઉત્પાદકોની આવક અને નફાકારક્તા પર પણ અસર પડશે. કેમકે તેમના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય તેવું જણાય રહ્યું છે. ઓટોમોબાઈલ કંપનીઓ માટે તહેવારોના સમયગાળામાં ચીપ શોર્ટેજ મોટું નેગેટિવ કારણ બની શકે છે. ગુરુવારે શેરબજારમાં મજબૂતી વચ્ચે નિફ્ટી ઓટો ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ 2.3 ટકા સાથે સૌથી વધુ ડાઉન હતો. જ્યારે ટાટા મોટર્સ 0.7 ટકાનો ઘટાડો સૂચવતો હતો. મારુતિનો શેર બુધવારે ઘટાડા બાદ 0.1 ટકાના સાધારણ સુધારે ટ્રેડ થઈ રહ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage