Market Summary 2 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નરમ અન્ડરટોન વચ્ચે સ્થિર બંધ આપવામાં માર્કેટ સફળ
બેંક, એફએમસીજી અને મેટલ તરફથી સાંપડેલો સપોર્ટ
એનર્જી, આઈટી, ઓટોમોબાઈલ અને ફાર્મામાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 19.55ની સપાટીએ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વધુ એક ટકાનો ઘટાડો
આરપાવરનો શેર ચાર વર્ષોની ટોચે
હિંદુસ્તાન એરોનોટિક્સે ઓલ-ટાઈમ હાઈ દર્શાવ્યું
એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં નરમાઈ
યુરોપિયન બજારોમાં જોવા મળેલો સુધારો

શેરબજારમાં નરમ અન્ડરટોન વચ્ચે સપ્તાહના આખરી સત્રમાં સ્થિરતા જોવા મળી હતી. તેજીવાળાઓએ મચક ના આપતાં માર્કેટ બે બાજુની રેંજમાં અથડાયાં બાદ અગાઉની સપાટી આસપાસ જ બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 37 પોઈન્ટ્સ સુધરી 58803ની સપાટીએ જ્યારે નિફ્ટી 3 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17539 પર બંધ રહ્યાં હતાં. આમ નિફ્ટી સતત ત્રીજા દિવસે 17500ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 35 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ ન્યૂટ્રલ જોવા મળી હતી. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ ફ્લેટિશ રહી હતી. એટલેકે સુધરનારા અને ઘટનારા શેર્સની સંખ્યા સમાન હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 19.55ની તાજેતરની ટોચ પર જોવા મળ્યો હતો.
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે પોઝીટવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે શરૂઆતી દોરમાં મંદીવાળાઓ હાવી જણાયા હતા અને જોતજોતામાં માર્કેટ ગગડ્યું હતું અને ગુરુવારના તળિયાની નીચે ઉતરી ગયું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17476ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાં તેણે સપોર્ટ મેળવ્યો હતો અને બજારમાં ધીમો-ધીમો સુધારો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક એક તબક્કે ફરી 17600ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે બંધ થવાના આખરી તબક્કામાં ફરી ઘસાઈને ફ્લેટ બંધ જોવા મળ્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. વૈશ્વિક સ્તરે ડોલરમાં મજબૂતીને કારણે યુએસ બજારો સતત વેચવાલી અનુભવી રહ્યાં છે. એશિયન બજારોમાં પણ નવા તળિયા જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતીય બજાર ક્યાં સુધી સુધારો જાળવશે તે એક મોટો સવાલ છે. માર્કેટનો એક વર્ગ સ્થાનિક બજારના વૈશ્વિક બજારથી ડિકપલીંગની વાત કરી રહ્યો છે. જેની સામે બીજો વર્ગ પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે. તેના મતે જો યુએસ અને યુરોપ જેવા અર્થતંત્રો મંદીમાં ગરકાવ થશે તો ભારતની આઈટી અને ફાર્મા કંપનીઓ પર ગંભીર અસર જોવા મળશે. જેને કારણે છેલ્લાં કેટલાંક સત્રોથી આઈટી કંપનીઓ એકાંતરે દિવસે વધ-ઘટ દર્શાવી રહી છે. જોકે કેલેન્ડર 2021માં તેમણે દર્શાવેલી ટોચની સરખામણીમાં તેઓ 30-40 ટકા કરેક્શન દર્શાવી ચૂકી છે અને તેથી વેલ્યૂએશનની રીતે ઘણી વાજબી જણાય છે. રેટ વૃદ્ધિ સાથે ક્રેડિટ ગ્રોથ વૃદ્ધિ પણ જોવા મળતાં બેકિંગ માટે સોને પે સુહાગા જેવી સ્થિતિ ઊભી થઈ છે અને તેથી નાના બેંક શેર્સમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ખૂબ મજબૂતી જોવા મળી છે. આમાં પીએસયૂ બેંક્સ પણ સામેલ છે. એફએમસીજી કંપનીઓને ક્રૂડ અને ફૂડ કોમોડિટીઝના ભાવમાં ઘટાડાને કારણે માર્જિન્સમાં નોંધપાત્ર લાભ થવાની શક્યતાં છે. ગ્રાહક માગ સારી હોવાના કારણે તેમનું સેલ્સ પણ તહેવારોની સિઝનમાં સારુ જોવા મળી રહ્યું છે. ઓટોમોબાઈલ સેક્ટરે પણ ઓગસ્ટમાં સારો દેખાવ દર્શાવી બજારને મોટી રાહત પૂરી પાડી છે. આ તમામ પરિબળોને જોતાં ભારતીય બજાર એક નાના કોન્સોલિડેશન બાદ નવી ટોચ તરફ આગળ વધે તેમ કેટલાંક એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. તેમના મતે એકથી દોઢ વર્ષમાં બેન્ચમાર્ક નિફ્ટી 20-21 હજારની ટોચ દર્શાવી શકે છે. જેની આગેવાની બેંકિંગ શેર્સ તરફથી જોવા મળશે.
શુક્રવારે માર્કેટને સપોર્ટ આપવામાં બેંકિંગ, એફએમસીજી અને મેટલ સેક્ટર મુખ્ય હતાં. નિફ્ટી બેંક 0.3 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ એચડીએફસી બેંકમાં ખરીદી જોવા મળી હતી અને તે એક ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંક પણ લગભગ એક ટકા સુધારે બંધ રહ્યાં હતાં. જ્યારે ફેડરલ બેંક ઈન્ટ્રા-ડે રૂ. 122ની સપાટી પાર કર્યાં બાદ સાધારણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. બીજી બાજુ બેંક ઓફ બરોડા, પીએનબી જેવા પીએસયૂ બેંક શેર્સમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડ્સઈન્ડ બેંક અને બંધન બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 0.4 ટકા સુધારે બંધ રહ્યો હતો. તે સર્વોચ્ચ સપાટીએથી 40 પોઈન્ટ્સ છેટે સુધી ટ્રેડ થયો હતો. આઈટીસીમાં 2 ટકા સુધારા પાછળ એફએમસીજી ઈન્ડેક્સમાં સુધારો જળવાયો હતો. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ તથા યુનાઈટેડ સ્પિરિટ્સ અને યુનાઈટેડ બ્રૂઅરિઝ જેવા કાઉન્ટર્સ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ જ્યુબિલિઅન્ટ ફૂડ, વરુણ બેવરેજિસ, નેસ્લે, ગોદરેજ કન્ઝ્યૂમર અને મેરિકોમાં નરમાઈ જોવા મળી હતી. બ્રિટાનિયા અને હિંદુસ્તાન યુનિલિવર પણ નેગેટિવ જોવા મળતાં હતાં. મેટલ ઈન્ડેક્સમાં સુધારાનું મુખ્ય કારણ અદાણી એન્ટરપ્રાઈઝ હતો. કંપનીનો શેર વધુ 4 ટકા ઉછળ્યો હતો અને સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. એનર્જી, ઓટો, આઈટી, ફાર્મામાં પોણા ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વધુ 1.2 ટકા ઘટાડા પાછળ નિફ્ટી એનર્જી 0.75 ટકા ગગડ્યો હતો. નિફ્ટી આઈટી 0.36 ટકા ડાઉન હતો. એમ્ફેસિસ, કોફોર્જ, ઈન્ફોસિસ, વિપ્રો, માઈન્ડટ્રી અને ટીસીએસ જેવા કાઉન્ટર્સમાં નરમાઈ આ માટેનું કારણ હતું. નિફ્ટી ઓટો પણ મજબૂત ઓપનીંગ બાદ ધીમે-ધીમે ઘસાયો હતો. જેમાં હીરો મોટોકોર્પ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો અને ટાટા મોટર્સ ઘટવામાં મુખ્ય હતાં. જોકે ભારત ફોર્જ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, અશોક લેલેન્ડમાં સુધારો જોવા મળ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એસ્ટ્રાલનો શેર 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયામાર્ટ, સન ટીવી નેટવર્ક, હિંદુસ્તાન એરોનોટિક્સ, એસ્કોર્ટ્સ, જીએમઆર ઈન્ફ્રામાં 6 ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. બીજી બાજુ કોરોમંડલ ઈન્ટરનેશનલ, એચપીસીએલ, બીપીસીએલ, કોન્કોર, એસઆરએફ, શ્રી સિમેન્ટ્સ, વેદાંત, સેઈલ અને સીજી કન્ઝ્યૂમરમાં 2 ટકાથી 3.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ન્યૂટ્રલ રહી હતી. પ્લેટફોર્મ ખાતે 3567 કાઉન્ટર્સમાં ટ્રેડિંગમાંથી 1715 કાઉન્ટર્સ સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 1723 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં.


ITCએ 5 વર્ષો બાદ ફરી રૂ. 4 લાખ કરોડનું M-Cap મેળવ્યું
છ મહિનામાં સિગારેટ અગ્રણીના શેરે 50 ટકા રિટર્ન આપ્યું
અગાઉ 14 જુલાઈ 2017ના રોજ કંપનીએ રૂ. 4.1 લાખ કરોડનું એમ-કેપ નોંધાવ્યું હતું

દેશમાં સૌથી મોટી સિગારેટ ઉત્પાદક કંપની આઈટીસીએ શુક્રવારે પાંચ વર્ષો બાદ ફરી રૂ. 4 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીના શેરના ભાવમાં અવિરત સુધારા પાછળ આમ શક્ય બન્યું હતું. છેલ્લાં છ મહિનામાં એફએમસીજી કંપનીનો શેર 50 ટકાનું તગડું રિટર્ન સૂચવી રહ્યો છે. સપ્તાહના આખરી સત્ર દરમિયાન તે 1.75 ટકા સુધારે રૂ. 323.15ની સપાટીએ બંધ રહ્યો હતો.
આઈટીસીના શેરે બીએસઈ ખાતે ઈન્ટ્રા-ડે રૂ. 323.40ની ટોચ દર્શાવી હતી. કંપની મજબૂત વૃદ્ધિ ગ્રોથ દર્શાવે તેવી ધારણા પાછળ શેરમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લાં છ મહિનામાં બીએસઈ સેન્સેક્સમાં 6 ટકા સુધારા સામે આઈટીસીના શેરે તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. તેણે અન્ય એફએમસીજી હરિફોને પણ સુધારાની બાબતમાં પાછળ રાખી દીધાં છે. જો કેલેન્ડર 2022ની વાત કરીએ તો બેન્ચમાર્ક સૂચકાંકો 0.54 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં છે ત્યારે આઈટીસીનો શેર 47 ટકા સુધારો સૂચવી રહ્યો છે. કંપની ભારતમાં સૌથી મોટી સિગારેટ ઉત્પાદક છે અને કુલ બજારનું 75 ટકા વોલ્યુમ ધરાવે છે. અગાઉ આઈટીસીના શેરે 14 જુલાઈ 2017ના રોજ રૂ. 353ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જે વખતે તેનું માર્કેટ-કેપ રૂ. 4.16 લાખ કરોડની ટોચ પર જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદ કંપનીનો શેર કરેક્શનમાં ગયો હતો અને લાંબો સમય કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. જેને કારણે છેલ્લાં બે વર્ષોમાં રિટેલ વર્ગ તરફથી આઈટીસીમાં સતત વેચાણ નોંધાયું હતું અને માર્ચ 2022 ક્વાર્ટરની આખરમાં રિટેલ હિસ્સામાં 8 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એફઆઈઆઈ હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળતીહતી. સિગારેટ ઉપરાંત કંપની પેપર, હોટેલ્સ, એફએમસીજી તથા એગ્રી નિકાસ બિઝનેસમાં સક્રિય છે. જે તમામ હાલમાં ખૂબ સારો દેખાવ નોંધાવી રહ્યાં છે. કંપનીનો આઈટી બિઝનેસ પણ મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. રોકાણકારો નોંધપાત્ર સમયથી કંપનીમાં વેલ્યૂ અનલોકિંગની પ્રતિક્ષા કરી રહ્યાં છે.


અદાણી ટ્રાન્સમિશનનો ટોચની 10 સૌથી મોટી લિસ્ટેડ કંપનીમાં સમાવેશ
અદાણી જૂથની પાવર યૂટિલિટી કંપની અદાણી ટ્રાન્સમિશનનો શેર ભારતીય શેરબજાર પર લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાં પ્રવેશ્યો છે. નવી દિલ્હી સ્થિત પાવર યુટિલિટી કંપનીનો શેર ચાલુ વર્ષે 125 ટકા સુધારા સાથે રૂ. 4.4 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવી રહ્યો છે. માર્કેટ-કેપની બાબતમાં તેણે એલઆઈસી, ભારતી એરટેલ અને આઈટીસી જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ રાખી દીધી છે. આ ઉપરાંત તે અદાણી જૂથની સાત લિસ્ટેડ કંપનીઓમાં પણ સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી કંપની બની છે. રૂ. 4 લાખ કરોડથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી તે જૂથની એકમાત્ર કંપની છે. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર સોમવારે 4 ટકા સુધારે રૂ. 3356ની સપાટીએ બંધ રહ્યો હતો અને તે રૂ. 4 લાખ માર્કેટ-કેપથી રૂ. 4 હજાર છેટે રૂ. 3.96 લાખ કરોડનું એમ-કેપ દર્શાવતો હતો.
ઓગસ્ટમાં વીજ વપરાશ 2 ટકા વધી 130 અબજ યુનિટ્સ રહ્યો
દેશમાં વીજ વપરાશમાં વૃદ્ધિ જોવા મળી છે. ઓગસ્ટ મહિનામાં કુલ વીજ વપરાશ વાર્ષિક ધોરણે 2 ટકા ઉછળી 130 અબજ યુનિટ્સ પર રહ્યો હોવાનું વીજ મંત્રાલયનો ડેટા જણાવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં દેશમાં વીજ વપરાશ 128 અબજ યુનિટ્સ પર રહ્યો હતો. જે 2020 ઓગસ્ટમાં જોવા મળતાં 109 અબજ યુનિટ્સની સરખામણીમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવતો હતો. જોકે ઓગસ્ટ 2022માં પીક ડે ડિમાન્ડ ગગડીને 195 ગીગાવોટ પર જોવા મળી હતી. જે ઓગસ્ટ 2021માં 196 ગીગાવોટ પર જ્યારે ઓગસ્ટ 2020માં 167 ગીગાવોટ પર રહી હતી. ઓગસ્ટ 2020માં કોવિડ લોકડાઉનને કારણે વીજ માગ પર તીવ્ર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
FMCG માર્કેટમાં ઓગસ્ટમાં 6 ટકા વૃદ્ધિ નોંધાઈ
સતત ત્રણ મહિનાથી માસિક ધોરણે ઘટાડો દર્શાવતાં રહેલાં દેશના એફએમસીજી માર્કેટમાં ઓગસ્ટ દરમિયાન મૂલ્ય સંદર્ભમાં 6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. પર્સનલ કેર અને કોમોડિટીઝની માગ વધવા પાછળ આમ જોવાયું હતું. વાર્ષિક ધોરણે ગ્રોસરીના વેચાણમાં 23 ટકા વૃદ્ધિ નોંધાઈ હોવાનું એક અભ્યાસ સૂચવે છે. અગ્રણી એફએમસીજી કંપનીના એમડી જણાવે છે કે સામાન્યરીતે જ્યારે ઈન્ફ્લેશન ઊંચું હોય ત્યારે ગ્રાહકો એફએમસીજી ખર્ચમાં ઘટાડો કરે છે. જોકે ઓગસ્ટમાં ખરીદી સૂચવે છે કે ફૂડ ઈન્ફ્લેશન મહ્દઅંશે અંકુશમાં છે. તેમજ નીચી બેઝ ઈફેક્ટનો પણ લાભ મળી રહ્યો છે. જ્યારે ગ્રામીણ સેક્ટરમાં પણ માગમાં રિવાઈવલ જોવા મળી રહ્યું છે.
કેન્દ્ર અંકુશ ઉઠાવે તો 50 લાખ ટન સુગર નિકાસ સોદાઓની શક્યતાં
કેન્દ્ર સરકાર ચાલુ સિઝન માટે તેણે સુગર નિકાસ પર મૂકેલી 1 કરોડ ટનની મર્યાદાને દૂર કરે તો નિકાસકારો વધુ 50 લાખ ટન સુગર નિકાસ માટેની ડિલ્સન શક્યતાં જોઈ રહ્યાં છે. વર્તમાન સિઝન 30 સપ્ટેમ્બરે પૂરી થશે. જો સરકાર નિકાસ અંકુશ દૂર કરે તો વૈશ્વિક બજારમાં ઊંચા ઉત્પાદનની શક્યતાં છતાં ભારતીય સુગરની નિકાસ ઊંચી જોવા મળી શકે છે. ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ સરકારે 1 ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝન માટે નિકાસ પરનો પ્રતિબંધ હઠાવી લેવો જોઈએ. દેશમાં નવી સિઝનમાં 3.5 કરોડ ટન ખાંડ ઉત્પાદનનો અંદાજ છે. હાલમાં અખાતી દેશો તેમજ અન્ય એશિયન દેશો તરફથી ભારતીય ખાંડની ઊંચી માગ જોવા મળી રહી છે. જોકે વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર નવી સિઝન માટે દેશમાંથી સુગર નિકાસ મર્યાદાને ચાલુ સિઝનની 1.12 કરોડ ટન પરથી ઘટાડી 80 લાખ ટન કરવા વિચારી રહી છે.ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ આંઠ વર્ષની ટોચ પર
છેલ્લાં ત્રણ વર્ષોથી રૂ. 28-29 લાખ કરોડની રેંજ કુદાવી ચાલુ વર્ષે રૂ. 31.82 લાખ કરોડનું ધિરાણ
કોર્પોરેટ્સ માટે મૂડીબજારની સરખામણીમાં બેંક ક્રેડિટ સસ્તી હોવાનું મુખ્ય કારણ

ઈન્ડસ્ટ્રીઝ સેગમેન્ટમાં ક્રેડિટ ગ્રોથ આંઠ વર્ષોની ટોચ પર જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય કંપનીઓ તેમના ડિલેવરેજિંગ તબક્કામાંથી બહાર આવી રહી છે અને તેમની મૂડી જરૂરિયાતો માટે ફરીથી બેંક્સ તરફ પરત વળી રહી છે. બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિને જોતાં બેંક્સના લેન્ડિંગ રેટ્સ હજુ પણ વાજબી જોવા મળી રહ્યાં છે અને તેથી તેમના માટે બજારમાંથી નાણા ઊભા કરવા કરતાં બેંક ક્રેડિટ સસ્તી બની રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજા અહેવાલ મુજબ માઈક્રો, સ્મોલ, મિડિયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીઝને બેંક લોન્સ જુલાઈ આખરમાં રૂ. 31.82 લાખ કરોડ પર જોવા મળતી હતી. જે વાર્ષિક ધોરણે 10.5 ટકા વૃદ્ધિ દર સૂચવે છે. માસિક ધોરણે જોઈએ તો પણ તે 0.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે જાન્યુઆરીમાં કેલેન્ડરની શરૂઆતથી તેણે એક ટકા વૃદ્ધિ નોંધાવી છે. બેંકિંગ ઈન્ડસ્ટ્રીઝે નોન-ફૂડ સેગમેન્ટમાં આપેલી ક્રેડિટમાંથી 27.7 ટકા હિસ્સો ઈન્ડસ્ટ્રીઝ પાસે છે. આ અગાઉ મે 2014માં ઈન્ડસ્ટ્રીઝ સેગમેન્ટમાં ક્રેડિટ ગ્રોથ આ દરે જોવા મળ્યો હતો. તે વખતે કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ 11 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો. માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝને લોન્સમાં 28.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે મિડિયમ ઈન્ડસ્ટ્રીઝને લોનમાં 36.8 ટકાનો ઊંચો વધારો નોંધાયો હતો. લાર્જ ઈન્ડસ્ટ્રીઝને 5.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. એક બ્રોકરેજના રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ, આર્યન એન્ડ સ્ટીલ, પેટ્રોકેમિકલ્સ અને માઈનીંગ સેક્ટર્સ ઈન્ડસ્ટ્રી ક્રેડિટ ગ્રોથના મુખ્ય ચાલકબળ છે. બીજી બાજુ ટેલિકોમ્યુનિકેશન્સ, ટેક્સટાઈલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નબળો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો છે.
આરબીઆઈ રિપોર્ટના મતે વર્તમાન સેન્ક્શન લિમિટ્સના ઉપયોગ અને કેટલાંક સેક્ટર્સમાં રિ-લેવરેજિંગને કારણે ઈન્ડસ્ટ્રીઝ સેગમેન્ટમાં ક્રેડિટનું પ્રમાણ છેલ્લાં ત્રણ વર્ષોથી જોવા મળતાં રૂ. 28-29 લાખ કરોડની રેંજની બહાર નીકળી ગયું હતું. કન્ઝ્યૂમર ડિમાન્ડમાં રિવાઈવલ, પ્રાઈવેટ કેપેક્સમાં વૃદ્ધિ અને સરકારી ખર્ચમાં વધારાને કારણે ઈન્ડસ્ટ્રી ક્રેડિટ ગ્રોથ વધવા પામ્યો છે. બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિને કારણે કોર્પોરેટ કંપનીઓએ મૂડી બજાર પરથી તેમની નિર્ભરતા ઘટાડી છે અને તેઓ પ્રમાણમાં સસ્તી બેંક ક્રેડિટ તરફ વળ્યાં છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

ધનલક્ષ્મી બેંકઃ દિલ્હી સ્થિત ડાયવર્સિફાઈડ બિઝનેસ હાઉસ ધનવર્ષા ગ્રૂપે જૂની પેઢીની ખાનગી બેંક ધનલક્ષ્મીની ખરીદી માટે ઓફર કર્યાંનું જાણવા મળે છે. જૂથે રૂ. 300 કરોડમાં ધનલક્ષ્મી બેંક ખરીદવા ઓફર મૂકી હોવાનું કહેવાય છે. જે પ્રતિ શેર રૂ. 11.85નો ઓફર ભાવ સૂચવે છે.
યસ બેંકઃ પ્રાઈવેટ બેંકે એનઆરઇ ફિક્સ્ડ ડિપોઝિટ્સ રેટ્સમાં 50થી 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. બેંકે ફોરન કરન્સી નોન-રેસિડન્ટ ડિપોઝિટ પરનો રેટ પણ 20 બેસિસ પોઇન્ટ વધાર્યો છે. 12 મહિનાથી લઈને 18 મહિનાથી ઓછી મુદ્દત માટે એનઆરઇ ફિક્સ્ડ ડિપોઝિટના રેટ વધારીને વર્ષદીઠ 7.01 ટકા કર્યા છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ ટોચની સ્ટીલ કંપનીની પાંખ ઈન્વર્ઝિઓન્સ યુરોશ લિમિટેડા ચિલી સ્થિત સાન્તા ફે માઈનીંગમાંનો તેનો 70 ટકા હિસ્સો ડિઆગો કાલ્વો એસપીએને વેચાણ કરશે.
આઈશર મોટર્સઃ ઓટો કંપનીએ ઓગસ્ટ મહિનામાં 70 હજારના અંદાજ સામે કુલ 70112 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
ટીવીએસ મોટર્સઃ ટુ-વ્હીલર કંપનીએ ઓગસ્ટમાં 3.26 લાખ યુનિટ્સના અંદાજ સામે કુલ 3.33 લાખ યુનિટ્સ ટુ-વ્હીલર્સ તેમજ થ્રી-વ્હીલર્સનું વેચાણ દર્શાવ્યું હતું.
જીએફઆર ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપની એકથી વધુ તબક્કામાં ક્યૂઆઈપી તથા એફસીસીબી મારફતે રૂ. 6000 કરોડનું ફંડ ઊભું કરવાની વિચારણા હાથ ધરશે.
હિંદુસ્તાન ઝીંકઃ કેન્દ્ર સરકારના દિપમ વિભાગે હિંદુસ્તાન ઝીંકમાં સરકારના 29 ટકા હિસ્સા વેચાણ માટે લીગલ એડવાઈઝર્સની એંગેજમેન્ટ માટે આરએફપી ઈસ્યુ કર્યું છે.
રામ્કો સિસ્ટમઃ અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સમાં વર્લ્ડ લીડર જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સે રામ્કો સિસ્ટમની પસંદગી કરી છે.
ઓરોબિંદો ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીની સબસિડિયરી ક્યૂરાટેક બાયોલોજિક્સ ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 300 કરોડનું રોકાણ કરશે.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી કંપનીએ લાઈફ સાઈન્સિઝ કન્સલ્ટિંગ અને ટેક્નોલોજી લીડર બીએએસઈ લાઈફ સાઈન્સની ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે.
લિકર શેર્સઃ દિલ્હી ખાતે ગુરુવારથી તમામ પ્રાઈવેટ લીકર શોપ્સ બંધ થઈ છે. હવેથી 300 સરકારી વેન્ડર્સે સમગ્ર રિટેલ સેલ્સની જવાબદારી સંભાળશે.
એનટીપીસીઃ દેશમાં સૌથી મોટી વીજ ઉત્પાદક અને જાહેર ક્ષેત્ર કંપનીએ રૂ. 12 હજાર કરોડ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મેળવી છે. તે બોન્ડ્સ ઈસ્યુ મારફતે આ ફંડ ઊભું કરશે.
ઉડ્ડયન કંપનીઓઃ દિલ્હી ખાતે જેટ ફ્યુઅલ એટીએફના ભાવમાં 0.7 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ કિલોલિટર રૂ. 1.22 લાખ સામે તે હવે રૂ. 1.21 લાખ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
એસઆઈએસઃ કંપનીએ સેફ્ટી ડિરેક્ટ સોલ્યુશન્સમાં 85 ટકા શેરહોલ્ડિંગ કરીદવા માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ પર સાઈન કર્યું છે.
ગેલેન્ટ ફાર્માઃ કંપનીના શેરને 5 સપ્ટેમ્બરથી અસરમાં આવે તે રીતે ટી જૂથમાંથી બી જૂથમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ડોડલા ડેરીઃ અશોક ઈન્ડિયા ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે ડેરી કંપનીના 5.1 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
મહિન્દ્રા લોજિસ્ટીક્સઃ ફર્સ્ટ સેન્ટિઅર ઈન્વેસ્ટર્સ આઈસીવીસી સ્ટુવર્ટ ઈન્વેસ્ટર્સ એશિયા પેસિફિક સસ્ટેનિબિલિટી ફંડે કંપનીના 3.68 લાખ શેર્સનું ઓપન માર્કેટમાં વેચાણ કર્યું છે.
રૂટ મોબાઈલઃ કંપનીના પ્રમોટર સુનીતા સંદિપ ગુપ્તાએ કંપનીના 6.75 લાખ શેર્સ માર્કેટમાં ઓફલોડ કર્યાં છે.
બીઈએલઃ કંપનીએ હાઈ-એનર્જી સ્કેનીંગ સિસ્ટમ્સના ઉત્પાદન માટે સ્મિથ્સ ડિટેક્શન સાથે એમઓયુ કર્યાં છે.
યૂપીએલઃ કંપનીએ ગ્લોબલ ક્રોપ પ્રોટેક્શન બિઝનેસના સીઈઓ તરીકે માઈક ફ્રેન્કની નિમણૂંક કરી છે. ગ્લોબલ ક્રોપ પ્રોટેક્શન ભારત બહારની તમામ સીપી એસેટ્સનું સંચાલન કરે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage