Market Summary 20/01/2023

મંદીવાળાઓ હાવી રહેતાં સ્થાનિક બજારમાં ઘટાડો યથાવત
વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ જળવાયું
HULમાં સારા પરિણામો છતાં રોયલ્ટી વૃદ્ધિ પાછળ શેરમાં 4 ટકા ગાબડું
ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 13.78ની સપાટીએ
બેંકિંગ, પીએસઈને બાદ કરતાં તમામ સેક્ટર્સમાં નરમાઈ
એન્જીનીયર્સ ઈન્ડિયા, લાર્સને નવી ટોચ બનાવી
અતુલ, ઈન્ડુસ ટાવર્સ નવા લો પર

ભારતીય બજારમાં વેચવાલીનું દબાણ જળવાયું છે. સપ્તાહની શરૂમાં જોવા મળેલી મજબૂત અલ્પજીવી નિવડતાં સતત બીજા દિવસે માર્કેટ નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 236.66 પોઈન્ટ્સ ઘટી 60621.77ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 80.20 પોઈન્ટ્સના ઘટાડે 18027.65ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 13 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે 3639 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1912 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1560 પોઝીટીવ જોવા મળતાં હતાં. 132 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 68 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.3 ટકા ગગડી 13.78ની સપાટીએ બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. ત્યારબાદ શરૂઆતી પ્રથમ કલાકમાં તે પોઝીટીવ જળવાય રહ્યો હતો. જોકે ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવ્યાં બાદ તે દિવસ દરમિયાન ઘસાતો રહ્યો હતો અને કામકાજની આખરમાં દિવસના તળિયે જ બંધ જળવાયો હતો. બેન્ચમાર્ક નિફ્ટી જોકે 18 હજારની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ 28 પોઈન્ટ્સ પ્રિમીયમ દર્શાવી રહ્યો હતો. જે સૂચવે છે કે માર્કેટમાં નેટ લોંગ પોઝીશનનો ઉમેરો થયો હતો. ગુરુવારે લાંબા સમયગાળા બાદ ફ્યુચર્સ 2 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 18050નો સપોર્ટ ગુમાવ્યો હતો. જે આગામી સત્રોમાં માર્કેટમાં સુસ્તી જળવાય રહે તેમ દર્શાવે છે. ઘટાડે નિફ્ટીને 17800નો સપોર્ટ મળી શકે છે. જ્યારે તેના માટે 18100-18200ની રેંજમાં અવરોધ રહેલો છે. જ્યાં સુધી માર્કેટ 18200 પર ટકશે નહિ ત્યાં સુધી વધુ સુધારાની જગા નથી. તેમજ સુધારે શોર્ટ પોઝીશન લઈ શકાય છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરવામાં કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંક, એચડીએફસી, આઈટીસી, તાતા મોટર્સ મુખ્ય હતાં. સતત બીજા દિવસે જાહેર સાહસોમાં મજબૂતી જોવા મળી હતી. જે બજેટમાં પીએસયૂ કંપનીઓ માટે સરકાર તરફથી કોઈ પોઝીટીવ જાહેરાતનો સંકેત સૂચવે છે. બીજી બાજુ નિફ્ટી પર મુખ્ય દબાણ હેવીવેઈટ હિંદુસ્તાન યુનિલિવર તરફથી જોવા મળ્યું હતું. કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા બાદ ડિસેમ્બર ક્વાર્ટર માટે સારા પરિણામોની જાહેરાત વચ્ચે પેરન્ટ કંપની માટે રોયલ્ટી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપતાં કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને શેર લગભગ 4 ટકા ગગડ્યો હતો. આ સિવાય એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, નેસ્લે, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, હિંદાલ્કો, બજાજ ફિનસર્વ, યૂપીએલમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં જ મજબૂતી જોવા મળી રહી હતી. જ્યારે તે સિવાયના સેક્ટર્સમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી બેંક 0.42 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંક મુખ્ય કાઉન્ટર્સ હતાં. જોકે ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, પીએનબી, કોટક મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ એક ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. ગુરુવારે સર્વોચ્ચ સપાટી પર બંધ દર્શાવ્યાં બાદ મેટલ ઈન્ડેક્સમાં ઊંચા મથાળે દબાણ જોવા મળ્યું હતું. જેમાં હિંદુસ્તાન ઝીંક અપેક્ષાથી નબળા પરિણામો પાછળ 7 ટકા જેટલો ગગડ્યો હતો. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, નાલ્કો, એનએમડીસી, સેઈલ, જિંદાલ સ્ટીલ અને તાતા સ્ટીલ પણ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ એક ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં એચયૂએલ ઉપરાંત નેસ્લે, ઈમામી, બ્રિટાનિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ વગેરે કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો 0.6 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેમાં ટીવીએસ મોટર, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, બોશ, એમઆરએફ અને હીરો મોટોકોર્પ એક ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. આઈટી ઈન્ડેક્સ પણ 0.35 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 5 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી.
નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સ 0.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ, પોલીકેબ, પુનાવાલા ફિનકોર્પ, વોડાફોન, આઈઈએક્સ, દાલમિયાન ભારત અને યસ બેંક જેવા કાઉન્ટર્સ 2-4 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. જોકે ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કોફોર્જ, ઈન્ડિયામાર્ટ, પર્સિસ્ટન્ટ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, આઈજીએલ, ગુજરાત ગેસ, તાતા એલેક્સિ, ભેલ જેવા કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં એન્જીનીયર્સ ઈન્ડિયા, મઝગાંવ ડોક, કેપીટીએલ, સ્ટર્લિંગ વિલ્સન, અંબેર એન્ટરપ્રાઈઝ, કોચીન શીપયાર્ડ, એપીએલ એપોલો મજબૂત જોવા મળ્યાં હતાં. જ્યારે એડલવેઈસ, પીવીઆર, કાર્બોરેન્ડમ, જસ્ટ ડાયલ, જેબી કેમિકલ્સ, આરતી ડ્રગ્ઝ, હેડલબર્ગ, વોખાર્ડમાં નરમાઈ જોવા મળતી હતી.

રિલાયન્સ જીઓનો નેટ પ્રોફિટ 28 ટકા ઉછળી રૂ. 4638 કરોડ રહ્યો
કંપનીની આવક 19 ટકા વધી રૂ. 22,998 કરોડ પર જોવા મળી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી અને દેશની ટોચની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4,638 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 28.29 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 3,615 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે જોઈએ તો કંપનીનો પ્રોફિટ 2.65 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં તે રૂ. 4,518 કરોડ પર જોવા મળતો હતો.
ચાલુ નાણા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ. 22,998 કરોડ રહી હતી. જે વાર્ષિક ધોરણે 18.87 ટકા ઊંચી જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 19,347 કરોડની આવક દર્શાવી હતી. ત્રિમાસિક ધોરણે આવક 2.11 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 22,521 કરોડ પર જળવાય હતી. કંપનીએ કરવેરા અગાઉ રૂ. 6,222 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 28.36 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે રૂ. 4,847 કરોડની સામે તે રૂ. 1,375 કરોડ વધુ છે.

વૈશ્વિક ગોલ્ડમાં મજબૂતીએ MCX ગોલ્ડમાં નવી ટોચ
એમસીએક્સ ખાતે ફેબ્રુઆરી વાયદો રૂ. 56850ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો
અમદાવાદ ખાતે હાજર બજારમાં રૂ. 57700ના ભાવ જોવાયા

વૈશ્વિક બજારમાં ત્રણેક સત્રોના કોન્સોલિડેશન બાદ ગોલ્ડમાં મજબૂતી પરત ફરી હતી અને કોમેક્સ ખાતે ગોલ્ડ 1938 ડોલરની આંઠ મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. જેની પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ગોલ્ડ રૂ. 56850ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યું હતું. હાજર બજારમાં જોકે ભાવ તેની ઓલ-ટાઈમ ટોચથી થોડા છેટે જોવા મળ્યાં હતાં. અમદાવાદ બુલિયન બજારમાં ભાવ રૂ. 200ની મજબૂતી સાથે રૂ. 57700 પર બોલાતાં હતાં.
યુએસ ખાતે મેક્રો ડેટા નબળા રહેવાના પગલે ગોલ્ડ મક્કમ ટકી રહ્યું છે. છેલ્લાં પખવાડિયામાં તે સાધારણ કરેક્શન દર્શાવી તરત પરત ફરી જાય છે. જે સૂચવે છે કે હાલમાં અન્ડરટોન મજબૂત છે. માર્કેટ વર્તુળોના મતે ગોલ્ડમાં શોર્ટ સેલર્સ ફસાઈ ગયાં છે. એકવાર વૈશ્વિક ગોલ્ડ 1945 ડોલર પર બંધ આપશે તો શોર્ટ કવરિંગ પાછળ 1970 ડોલર સુધી ઉછળી શકે છે. જ્યાં તેજી વિરામ લઈ શકે છે. વૈશ્વિક સ્તરે ડોલરમાં નરમાઈ પણ ગોલ્ડને સપોર્ટ પૂરો પાડી રહી છે. સતત સાત સપ્તાહથી ડોલર ઈન્ડેક્સ નવી તળિયા દર્શાવી રહ્યો છે અને હાલમાં તે સાત મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લાં સપ્તાહથી તે 101-103ની રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજુ વધુ ઘટાડાની શક્યતાં છે. હવે ફેડ એફઓએમસીની બેઠક ફેબ્રુઆરીમાં યોજાશે. ત્યાં સુધી રેટ વૃદ્ધિને લઈને બજારમાં કોઈ ચિંતા નથી આમ ગોલ્ડ માટે નજીકમાં કોઈ નેગેટિવ કારણ પણ જોવા મળે તેમ નથી જણાતું. જીઓ-પોલિટીકલ તણાવો યથાવત રહેતાં ગોલ્ડને નજીકના સમયગાળામાં સેન્ટિમેન્ટલ સપોર્ટ જળવાયેલો રહેશે. આમ ગોલ્ડ માટે એકથી વધુ સપોર્ટિવ પરિબળો ઉપલબ્ધ હોવાના કારણે ગોલ્ડમાં ખરીદીને જ વેચાણ કરવાની સલાહ છે. જ્યારે શોર્ટ સેલર્સે તેમના શોર્ટને હાલ પૂરતાં કવર કરવાનું સૂચન ટેક્નિકલ એનાલિસ્ટ્સ કરી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં 24 ડોલરની પર ટકવામાં કઠિનાઈનો સામનો કરી રહેલી સિલ્વર શુક્રવારે ફરી 24 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી હતી. જો તે 24.7 ડોલરનું સ્તર પાર કરશે તો 29 ડોલર સુધીનો ઝડપી ઉછાળો દર્શાવી શકે છે એમ માનવામાં આવે છે. આ સ્થિતિમાં સ્થાનિક કોમેક્સ ખાતે તે રૂ. 75 હજાર સુધીની મજબૂતી દર્શાવી શકે છે. ડોલર સામે રૂપિયામાં મજબૂત અન્ડરટોન જોતાં કરન્સીને કારણે કિંમતી ધાતુઓને લાભ મળવાની શક્યતાં ઓછી છે. જોકે રૂપિયો 81ની નીચે બંધ આપે તેવી સંભાવના પણ પાંખી છે અને તેથી વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં જોવા મળતી મજબૂતી સ્થાનિક બજારમાં પણ પ્રતિબિંબિત થશે.

જાન્યુઆરીમાં ભારત રશિયન ક્રૂડનું સૌથી મોટું ખરીદાર બન્યું
નવા કેલેન્ડરના પ્રથમ મહિનામાં ભારત રશિયન ક્રૂડનું સૌથી મોટું ખરીદાર બની રહ્યું છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં તેણે ચીનને પાછળ રાખી દીધું છે. એનર્જી ઈન્ટેલિજન્સ કંપની વોર્ટેક્સના જણાવ્યા મુજબ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં ભારતીય રિફાઈનર્સે પ્રતિ દિવસ કુલ 13 લાખ બેરલ્સ ક્રૂડની ખરીદી કરી છે. જે કુલ આયાતનો 60 ટકા હિસ્સો દર્શાવે છે. ડિસેમ્બરની સરખામણીમાં માસિક ધોરણે જાન્યુઆરીમાં આયાતમાં પ્રતિ દિવસ 2.6 લાખ બેરલની વૃદ્ધિ જોવા મળી હતી. આની સામે ચીન ખાતે પ્રતિ દિવસ 8.9 લાખ બેરલ ક્રૂડની નિકાસ જોવા મળી હતી. જે ડિસેમ્બરમાં પ્રતિ દિવસ 7.7 લાખ બેરલ્સના ડિસ્પેચ સામે સાધારણ સુધારો દર્શાવે છે.
સેબીની નિપ્પોન MF અને યસ બેંક વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ્સની તપાસ
માર્કેટ રેગ્યુલેટર સેબી નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડ અને યસ બેંક વચ્ચે 2016 અને 2019 દરમિયાન થયેલા ઈન્વેસ્ટમેન્ટ્સની તપાસ કરી રહી છે. સેબી ઈન્વેસ્ટર્સના નાણાના દૂરૂપયોગની શંકાને ધ્યાનમાં રાખી આ તપાસ કરી રહી છે. તે વખતે મ્યુચ્યુલ ફંડની પેરન્ટ કંપની અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની માલિકીની હતી. જ્યારે યસ બેંકને 2020માં આરબીઆઈએ ટેકઓવર કરી હતી અને પાછળથી બેંક કોન્સોર્ટિયમને તેનું વેચાણ કર્યું હતું. તે વખતે રિલાયન્સ મ્યુચ્યુલ ફંડ તરીકે જાણીતી કંપનીએ યસ બેંકના પર્પેચ્યુલ બોંડ્સમાં કરેલા રોકાણ સામે યસ બેંકે એડીએજી જૂથના શેર્સમાં રોકાણ કર્યું હતું કે તેની સેબી તપાસ કરી રહી છે એમ વર્તુળો જણાવે છે.

વિદેશી રોકાણકારો PSU શેર્સ માટે ફરી બુલીશ બન્યાં
મજબૂત બેલેન્સ શીટ્સ અને ઊંચા ડિવિડન્ડ યિલ્ડ્સ પાછળ FPIsનો જાહેર સાહસોમાં હિસ્સો વધ્યો

વિદેશી રોકાણકારો ફરી એકવાર જાહેર સાહસોમાં રોકાણ વધારી રહ્યાં છે. જેનું મુખ્ય કારણ વેલ્યૂ તરફના શિફ્ટે ઘણા પીએસયૂને આકર્ષણ બનાવ્યાં છે. લગભગ 25 જેટલી લિસ્ટેડ પીએસયૂ કંપનીઓમાં વિદેસી સંસ્થાકિય રોકાણકારોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમના હિસ્સામાં વૃદ્ધિ કરી છે. જેની પાછળ આવી કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર વૃદ્ધિ પણ જોવા મળી છે. આવા કેટલાંક કાઉન્ટર્સમાં ભેલ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, બેંક ઓફ બરોડા, આઈઆરસીટીસી, એનએમડીસી, એનટીપીસી અને ઈરકોન ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે.
અગ્રણી બ્રોકરેજ હાઉસના રિસર્ચ હેડના જણાવ્યા મુજબ જ્યારે પણ કોઈ કાઉન્ટર્સ નીચી ઓઉનરશીપમાંથી પર્યાપ્ત ઓઉનરશીપ તરફ વળે છે ત્યારે તના ભાવમાં સુધારો જોવા મળે છે. પીએસયૂ કાઉન્ટર્સની વાત કરીએ તો તેમના અર્નિંગ્સ આઉટલૂકમાં સુધારાને કારણે માર્કેટ રિ-રેટિંગ જોવા મળી રહ્યું છે. જેની પાછળ વિદેશી રોકાણકારો સહિતના ઈન્વેસ્ટર્સની ખરીદી જોવા મળી છે અને આ કંપનીઓના શેર્સના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. બેન્ચમાર્ક્સની સરખામણીમાં કેલેન્ડર 2022માં પીએસયૂ શેર્સે ઊંચું આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારોની ખરીદી હતું. વિદેશી રોકાણકારોએ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સક્રિય જાહેર સાહસોમાં ખરીદી કરવાનું પસંદ કર્યું હતું. જેમકે પાવર ઈક્વિપમેન્ટ ઉત્પાદક ભેલના કાઉન્ટરમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમણે હિસ્સામાં 3.68 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે સાથે કંપનીમાં તેમનો કુલ હિસ્સો 8.48 ટકા પર પહોંચ્યો હતો. વાર્ષિક ધોરણે તેમણે કંપનીમાં હિસ્સામાં 4.62 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. આમ મોટાભાગની ખરીદી ડિસેમ્બર ક્વાર્ટરમાં જોવા મળી હતી. જેને કારણે વાર્ષિક ધોરણે ભેલનો શેર 34.35 ટકા સાથે પીએસયૂ બાસ્કેટમાં આઉટપર્ફોર્મર બની રહ્યો હતો. વિશ્વમાં સૌથી મોટા કોલ ભંડાર ધરાવતી કોલ ઈન્ડિયામાં પણ એફપીઆઈએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેના હિસ્સામાં 1.13 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે સાથે કંપનીમાં વિદેશી રોકાણકારોનું કુલ હોલ્ડિંગ 7.86 ટકા પર પહોંચ્યું હતું. જ્યારે કેલેન્ડર 2022 દરમિયાન કંપનીના શેરમાં 54.09 ટકાનું આકર્ષક રિટર્ન જોવા મળ્યું હતું. કાઉન્ટર તેની ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. એનર્જી સેક્ટર સાથે જોડાયેલા અન્ય પીએસયૂ પાવર ગ્રીડ કોર્પોરેશનમાં પણ વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.08 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જે સાથે કાઉન્ટરમાં એફપીઆઈ હિસ્સો 32.77 પર પહોંચ્યો હતો. જોકે 2022માં કંપનીનો શેર 4.55 ટકા રિટર્ન દર્શાવી શક્યો હતો.
પીએસયૂ બેંક્સે પણ વિદેશી રોકાણકારોને આકર્ષી હતી. જેનું મુખ્ય કારણ બેંક્સની કામગીરીમાં સુધારા પાછળ તેમની એસેટ ક્વોલિટીમાં પણ નોંધપાત્ર સુધારો હતો. બીજા ક્રમની જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ બરોડામાં એફપીઆઈનો હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.04 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જે સાથે જ બેંકમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોનો હિસ્સો 9.97 ટકા પર પહોંચ્યો હતો. બીઓબીના શેરે 2022માં 126.60 ટકાનું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું હતું. નિફ્ટીમાં 2022માં 2.7 ટકાના વળતર સામે નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સે 67 ટકાનું તગડું રિટર્ન નોંધાવ્યું હતું અને અન્ય તમામ સેક્ટરલ બેન્ચમાર્ક્સને પાછળ રાખી દીધાં હતાં. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સે પણ નિફ્ટી કરતાં ઊંચું 13 ટકાનું રિટર્ન નોંધાવ્યું હતું. બેંક ઓફ બરોડા ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંકમાં પણ એફપીઆઈ હિસ્સામાં વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લાં દાયકામાં પીએસયૂ ઈન્ડેક્સ તથા પીએસયૂ બેંક ઈન્ડેક્સે નિફ્ટીની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. કેમકે ઊંચા ડિવિડન્ડ યિલ્ડ્સ છતાં રોકાણકારો ગ્રોથ કાઉન્ટર્સ તરફ વધુ આકર્ષિક રહ્યાં હોવાના કારણે પીએસયૂથી દૂર રહ્યાં હતાં. જોકે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો હાલમાં ડિવિડન્ડ યિલ્ડ્સને પણ ગણનામાં લઈ રહ્યાં છે. સરકારી માલિકીની કંપનીઓ વાર્ષિક 10-15 ટકા સુધીના ઊંચા ડિવિડન્ડ યિલ્ડ્સ દર્શાવી રહી છે.

PSUમાં વિદેશી રોકાણકારોના હિસ્સામાં પરિવર્તન
કંપની ડિસે. 2022ને આખરે FPI હોલ્ડિંગ FPI હિસ્સામાં ત્રિમાસિક વૃદ્ધિ 2022માં ભાવ વૃદ્ધિ
ભેલ 8.48 3.68 34.35
કોલ ઈન્ડિયા 7.86 1.13 54.09
પાવર ગ્રીડ કોર્પો. 32.77 1.08 4.55
બેંક ઓફ બરોડા 9.97 1.04 126.60
આઈઆરસીટીસી 6.84 1.03 -23.09
ઈન્ડિયન બેંક 3.59 1.03 104.41
બેંક ઓફ ઈન્ડિયા 2.07 0.95 71.69
એસબીઆઈ લાઈફ 25.09 0.76 2.95
ઈરકોન ઈન્ટર. 2.72 0.76 32.34
એનટીપીસી 15.67 0.72 33.80

કોર્પોરેટ હેડલાઈન્સ

HUL: હિંદુસ્તાન યુનિલીવરે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2474 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2297 કરોડની સરખામણીમાં 7.71 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 13,439 કરોડની સરખામણીમાં 16.06 ટકા ઉછળી રૂ. 15,597 કરોડ પર રહી હતી. કંપનીનો એબિટા રૂ. 2,469 કરોડની સરખામણીમાં 9.66 ટકા ઉછળી રૂ. 3,804 કરોડ પર રહ્યો હતો. કંપનીના મેનેજમેન્ટે પેરન્ટ કંપની યુનિલિવરને રોયલ્ટી પેટે ચૂકવવામાં આવતાં 2.65 ટકાને 80 બેસીસ પોઈન્ટ્સ વધારી 3.45 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતાં શેરના ભાવમાં શુક્રવારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
હેપ્પીએસ્ટ માઈન્ડઃ આઈઠી કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 57.58 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 18 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે ત્રિમાસિક ધોરણે 3.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે 3.2 ટકા વધી રૂ. 366.68 કરોડ રહી હતી.
સન ફાર્માઃ ફાર્મા કંપની યુએસ સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટિકલ્સની 57.6 કરોડ ડોલરમાં ખરીદી કરશે. કંપની આ સમગ્ર ખરીદી કેશમાં કરશે. કંપની પેચી બાલ્ડનેસની સારવાર માટેની એક્સપરિમેન્ટલ ડ્રગની ખરીદી માટે આમ કરશે.
એયૂ સ્મોલ બેંકઃ બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 393નો વિક્રમી ત્રિમાસિક નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 30 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની એસેટ ક્વોલિટામાં પણ સુધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની ગ્રોસ એનપીએ 1.81 ટકા જ્યારે નેટ એનપીએ 0.51 ટકા પર જોવા મળી હતી. કંપનીનું સરવૈયું રૂ. 80 હજાર કરોડને પાર કરી ગયું હતું.
હિંદુસ્તાન ઝીંકઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2156 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે રૂ. 2210 કરોડના નફાની અપેક્ષા સામે સાધારણ નીચો નફો નોંધાવ્યો છે. કંપનીની કુલ આવક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 8336 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 7866 કરોડ પર જોવા મળી હતી.
ઈન્ડિયા માર્ટઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 112.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 70 કરોડ પર જોવા મળતો હતો. કંપનીની કુલ આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 188 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 34 ટકા ઉછળી રૂ. 251.4 કરોડ પર જોવા મળી હતી.
એલટીટીએસઃ લાર્સન ટેક્નોલોજીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 303.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ 298 કરોડની અપેક્ષા સામે સાધારણ ઊંચો હતો. કંપનીની આવક રૂ. 379.2 કરોડની અપેક્ષા સામે રૂ. 382.9 કરોડ પર જોવા મળી હતી.
પીવીઆરઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 16.1 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.2 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની કુલ આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 614 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 53 ટકા ઉછળી રૂ. 941 કરોડ પર જોવા મળી હતી.
કેન ફીન હોમઃ હોમ ફાઈનાન્સ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 151.16 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 115.3 કરોડ પર હતો. કંપનીની કુલ આવક ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 508.5 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 709.7 કરોડ પર જોવા મળી હતી.
આઈઆઈએફએલ મેનેજમેન્ટઃ કંપનીના બોર્ડે એક શેર સામે એક બોનસ શેરને મંજૂરી આપી છે. સાથે શેરને બે ભાગમાં વહેંચવાની તથા પ્રતિ શેર રૂ. 17ના ઈન્ટરિમ ડિવિડન્ડની મંજૂરી આપી છે.
ભેલઃ પીએસયૂ એન્જિનીયરીંગ કંપનીએ ગુજરાત સ્થિત ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે સ્ટીમ ટર્બાઈન્સના રિનોવેશન માટે રૂ. 300 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage