બુલ્સની મજબૂત પકડે માર્કેટ ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફર્યું
વૈશ્વિક બજારોમાં સતત બીજા સત્રમાં નરમાઈ જોવા મળી
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા ઘટાડે 11.13ના સ્તરે
આઈટી, ઓટો, પીએસઈ, એનર્જીમાં મજબૂતી
ફાર્મા, મિડિયામાં નરમાઈ
મઝગાંવ ડોક, એન્જિનીયર્સ ઈન્ડિયા, રૂટ મોબાઈલ નવી ટોચે
ઝી એન્ટરટેઈનમેન્ટ નવા તળિયે
અમદાવાદ
ભારતીય શેરબજારે મંગળવારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. વિશ્વ બજારોમાં નરમાઈ પાછળ એક તબક્કે એક ટકા જેટલો ઘટાડો દર્શાવનાર બેન્ચમાર્ક્સ બપોર પછી ઝડપી બાઉન્સ દર્શાવી ગ્રીન ઝોનમાં પરત ફર્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 159 પોઈન્ટ્સના સુધારે 63327.70ની સપાટીએ જ્યારે નિફ્ટી 61.25ના સુધારે 18,816.70ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી ચાલુ રહી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3631 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1942 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1566 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 190 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 188 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 27 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.9 ટકા ઘટાડે 11.13ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે સાધારણ નરમાઈ સાથે ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 18755ના અગાઉના બંધ સામે 18752 પર ખૂલી વધુ ગગડી 18661 પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી સતત ખરીદી નીકળી હતી અને બેન્ચમાર્ક બંધ થતાં અગાઉ સુધીમાં 18840ની સપાટી પર ટ્રેડ થઈ 18800 પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 60 પોઈન્ટ્સ પ્રિમીયમે 18877 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 85 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 25 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એમ થાય કે માર્કેટમાં ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી છે. જે આગામી સત્રોમાં માર્કેટમાં કોન્સોલિડેશનનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જોકે બજારમાં ટ્રેન્ડ સુધારાતરફી જ છે અને તેથી નિફ્ટી વધ-ઘટે નવી ટોચ તરફ આગળ ગતિ દર્શાવશે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક્નોલોજી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈશર મોટર્સ, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, ઓએનજીસીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, ઓટો, પીએસઈ, એનર્જીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે ફાર્મા, મિડિયામાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, વિપ્રો, એમ્ફેસિસ અને ટીસીએસ પણ મજબૂતી દર્શાવતાં હતાં. ઓટો ઈન્ડેક્સ તેની સપ્તાહ અગાઉની ટોચ નજીક પરત ફર્યો હતો અને 0.74 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેને બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ ડેટા પર નજર નાખીએ તો એચડીએફસી એએમસી 11.23 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. કંપનીમાં મોટી બ્લોક ડિલ મારફતે અબરદને તેની પાસેના 10 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. આ ઉપરાંત શ્રીરામ ફાઈનાન્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, ડો. લાલ પેથલેબ્સ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, આરઈસી, મેટ્રોપોલીસ, જિંદાલ સ્ટીલ, એક્સાઈડ ઈન્ડસ્ટરીઝ અને પાવર ફાઈનાન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ ઝી એન્ટરટેઈનમેન્ટ 6.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કોન્કોર, વોડાફોન આઈડિયા, ડિક્સોન ટેક્નોલોજી, બજાજ ફાઈનાન્સ, પીવીઆર આઈનોક્સ, એસ્કોર્ટ્સ કુબોટા, બજાજ ફિનસર્વ, આઈડીએફસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં મઝગાંવ ડોક, એન્જિનીયર્સ ઈન્ડિયા, રૂટ મોબાઈલનો સમાવેશ થતો હતો. જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટે નવું તળિયું બનાવ્યું હતું.
TCS વસૂલાત માટે ક્રેડિટ કાર્ડ યુઝરે બેંક્સને ફોરેક્સ સોદાઓ જણાવવા પડશે
ટેક્સ કલેક્શન એટ સોર્સ માટે યંત્રણા ઊભી કરવા IT ડિપાર્ટમેન્ટ અને આરબીઆઈ વચ્ચે મંત્રણા
આવકવેરા વિભાગ એક પ્રસ્તાવની વિચારણા કરી રહ્યું છે, જે હેઠળ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સે ઈસ્યુ કરનાર કંપનીને ચોક્કસ સમય મર્યાદામાં ડિક્લેરેશન રજૂ કરવાનું રહેશે. જે ફોરેન કરન્સીમાં થયેલા ખર્ચનો પ્રકાર જણાવતો હશે. જેથી ટીસીએસ(ટેક્સ કલેક્શન એટ સોર્સ)ની વસૂલાતમાં સરળતા ઊભી થાય એમ વર્તુળો જણાવે છે.
આ માટે આઈટી વિભાગ હાલમાં બેંક રેગ્યુલેટર આરબીઆઈ અને અન્ય ભાગીદારો સાથે મંત્રણા ચલાવી રહ્યું છે. જેનો હેતુ વિદેશી ચલણમાં થયેલો ખર્ચ એ 5 ટકા ટીસીએસ આકર્ષતાં મેડિકલ કે એજ્યૂકેશન સંબંધી હતો કે પછી 20 ટકા ટીસીએસ આકર્ષતાં કોઈ હેતુ માટે હતો તેને સરળતાથી અલગ તારવી શકાય એવી યંત્રણા તૈયાર કરવાનો છે એમ તેઓ ઉમેરે છે. વર્તુળોના મતે કરદાતાઓને તેમના વિદેશી ચલણમાં ખર્ચનો પ્રકાર ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર બેંક સમક્ષ ડિક્લેરેશન રજૂ કરવા માટે વધારાનો સમય આપવાને લઈ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ટીસીએસનો પ્રસ્તાવ 1 જુલાઈથી અમલમાં આવશે. ટેક્સ ડિપાર્ટમેન્ટ ટીસીએસની વસૂલાત માટે જરૂરી મોડાલિટીઝ અંગે વિગતવાર FAQ(વારંવાર પૂછાતાં સવાલો)ને પણ જારી કરશે. આગામી મહિનાની શરૂઆતથી ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 7 લાખથી વધુના વિદેશી ખર્ચ પર 20 ટકા ટીસીએસ લાગુ પડશે. જોકે, આવો ખર્ચ મેડિકલ કે એજ્યૂકેશ્નલ હેતુથી કરવામાં આવ્યો હશે તો ટીસીએસનો રેટ 5 ટકાનો રહેશે. જેઓ વિદેશમાં અભ્યાસ માટે એજ્યૂકેશન લોન્સ લેશે તેમને રૂ. 7 લાખની મર્યાદા ઉપરની રકમ માટે 0.5 ટકાના નીચા દરે ટીસીએસ ભરવાનો રહેશે.
ઉપજ પકડીને બેઠેલાં જીરું ઉત્પાદકોને ધીરજ ફળી
ઊંઝા ખાતે મંગળવારે જીરું મણે રૂ. 10400ની ટોચે બોલાયું
સિઝનની શરૂમાં રૂ. 5500-5800ના ભાવમાં લગભગ બમણી વૃદ્ધિ જોવાઈ
અપેક્ષાથી સારા ભાવો પાછળ ધીમે-ધીમે આવકો છોડી રહેલાં ખેડૂતો
જીરું ઉત્પાદકો માટે ચાલુ માર્કેટિંગ સિઝનમાં ધીરજના ફળ મીઠાં પુરવાર થઈ રહ્યાં છે. નવી સિઝનમાં નીચા પાકની શક્યતાંએ શરૂ થયેલી તેજી જળવાતાં ખેડૂતોને તેમની અપેક્ષા કરતાં પણ ઊંચા ભાવ ઉપજી રહ્યાં છે. મંગળવારે ઊંઝા બજાર ખાતે 20 કિગ્રા(મણ) કોમોડીટીના ભાવ રૂ. 10400ની ટોચ પર જોવા મળ્યાં હતાં. ત્યારે ખેડૂતો તરફથી 10-12 હજાર ગુણી માલ બજારમાં ઠાલવવામાં આવ્યો હતો. દેશમાં ઓનલાઈન કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સ ખાતે ઓગસ્ટ જીરું વાયદો 2 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 53180ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો.
છેલ્લાં છ મહિનામાં જીરું વાયદાના ભાવ બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. ડિસેમ્બર 2022ની આસપાસ એનસીડેક્સ ખાતે જીરું વાયદો રૂ. 25000-26000ની રેંજમાં ટ્રેડ થયો જોવા મળતો હતો. જોકે, માવઠાંની અસરે પાક નીચો રહેવાની ગણતરી પાછળ જીરામાં તેજીની શરૂઆત થઈ હતી. માર્ચમાં રૂ. 40 હજાર આસપાસ પહોંચ્યાં પછી થોડો વિરામ લઈ ભાવમાં ફરી તેજી જોવા મળી હતી અને જૂનમાં તે રૂ. 50 હજારની સર્વોચ્ચ સપાટી પાર કરી ગયાં હતાં. એનસીડેક્સમાં ભાવમાં તેજીને જોતાં ખેડૂતોએ શરૂઆતથી જ જરૂરિયાત મુજબની આવકો લાવવાનું વલણ દાખવ્યું હતું અને તેથી હાલમાં ઊંચા ભાવોનો લાભ તેઓ લઈ રહ્યાં છે એમ ઊંઝા સ્થિત અગ્રણી વેપારી વિમલભાઈ પટેલ જણાવે છે. સિઝનની શરૂમાં રૂ. 5500 આસપાસના ભાવો સામે હાલમાં તેમને લગભણ બમણો ભાવ મળી રહ્યો છે. પટેલના મતે ખેડૂતો પાસે 30-40 ટકા જેટલો માલ પડ્યો છે અને તેઓ ધીમે-ધીમે તેને બજારમાં ઠાલવી રહ્યાં છે. તાજેતરમાં બિપરજોય પાછળ વ્યાપક વરસાદને જોતાં તેમને માટે માલને છોડવાનું કારણ પણ છે. ઊંઝા સ્થિત એક અન્ય વેપારીના મતે ખેડૂતો સહિત ટ્રેડર્સ સહુના માટે સિઝન સારી રહી છે. તેમજ વર્તમાન જીરાની તેજીમાં કોઈ પાર્ટી શોર્ટ સેલીંગમાં પણ ફસાયાના કોઈ અહેવાલ નથી. ઊંચા ભાવને કારણે કોમોડિટીની માગ પર અસર પડી છે પરંતુ ભાવમાં ઝડપી ઘટાડાની શક્યતાં નહિવત છે. ચાલુ સિઝનમાં જીરાનો પાક 3.85 લાખ ટન આસપાસ રહેવાની શક્યતાં છે. જે ગયા વર્ષે(2022-23) જોવા મળેલા 3.01 લાખ ટનની સરખામણીમાં 28 ટકા ઊંચો છે. ચાલુ સિઝનમાં યિલ્ડ ઊંચા રહેવાને કારણે પાકમાં વૃદ્ધિ જોવા મળી હતી. અત્યાર સુધીમાં 1.3 લાખ ટન જેટલો માલ આવી ચૂક્યો હોવાનું વેપારી વર્તુળો માને છે. આમ હજુ પણ નોંધપાત્ર આવક બજારમાં આવવાની બાકી છે. જેનો લાભ ખેડૂતોને મળ્યાં વિના નહિ રહે.
ખરિફ વાવેતરની શુભ શરૂઆતઃ 13 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ
ગયા વર્ષની સરખામણીમાં સમાનગાળામાં 54 હજાર હેકટર ઊંચું વાવેતર
કપાસનું વાવેતર ગઈ સિઝન કરતાં 1 લાખ હેકટર વૃદ્ધિ સાથે 6.90 લાખ હેકટરમાં
મગફળી, તલ અને સોયાબિન સહિત તેલિબિયાંમાં નીચી વાવણી
ખરિફ 2023ની શરૂઆત સારી જોવા મળે છે. શરૂઆતી ત્રણ સપ્તાહની આખરમાં રાજ્યમાં 10.78 લાખ હેકટરમાં વાવેતર કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધાયેલા 85.97 લાખ હેકટરના સરેરાશ વાવેતરના 12.54 ટકા વિસ્તાર સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 10.24 લાખ હેકટર વાવેતરની સરખામણીમાં ચાલુ વર્ષે વાવેતરમાં 54 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. ખેડૂતોમાં ચોમાસુ પાકોમાં મુખ્ય એવા કપાસ તરફનો ઝોક જોવા મળે છે. જ્યારે ખરિફ તેલિબિયાંના પાકનું વાવેતર ઘટાડો દર્શાવે છે.
સોમવાર સુધીમાં રાજ્યમાં વાવણીના આંકડા જોઈએ તો કપાસનું વાવેતર 6,89,576 હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે સમાનગાળાં 5,88,980 હેકટરમાં નોંધાયું હતું. આમ ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર એક લાખ હેકટરથી પણ વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં કપાસનું વાવેતર સરેરાશ 23.61 લાખ હેકટરમાં જોવા મળ્યું હતું. જેના 29 ટકા વાવેતર અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાછોતરા વરસાદને કારણે પાકમાં બગાડને જોતાં પિયત ધરાવતાં ખેડૂતો કપાસની વાવણી વહેલી કરવાનું પસંદ કરે છે. જેથી સપ્ટેમ્બરમાં તો નવો કપાસ બજારમાં પ્રવેશી જાય છે. તેલિબિયાંની સરખામણીમાં કપાસના ભાવ સારા મળ્યાં હોવાથી પણ ખેડૂતોએ કપાસ પર પસંદગી ઉતારી છે. હાલમાં વૈશ્વિક બજારમાં ખાધ્ય તેલોના ભાવ કડડભૂસ થયા છે અને તેથી ખેડૂતોને તેલિબિયાંની વાવણીમાં વિશેષ રસ નથી જણાય રહ્યો. કપાસના મુખ્ય હરિફ પાક એવા મગફળીનું વાવેતર આ કારણે જ ગઈ સિઝનની સરખામણીમાં 62 હજાર હેકટર ઘટાડા સાથે 3.04 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં 3,66,492 હેકટરમાં નોંધાયું હતું. તલનું વાવેતર પણ ગઈ સિઝનના 768 હેકટર સામે 247 હેકટરમાં જોવા મળે છે. જોકે સોયાબિનનું વાવેતર ગઈ સિઝનના 9130 હેકટર સામે વધી 16135 હેકટરમાં થઈ ચૂક્યું છે. કઠોળ પાકોમાં પણ શરૂઆતી વલણ નિરસ જણાય છે. સૌથી મોટા ખરિફ કઠોળ પાક તુવેરનું વાવેતર ગઈ સિઝનના 2704 હેકટર સામે માત્ર 546 હેકટરમાં થઈ ચૂક્યું છે. જોકે મગનું વાવેતર ગઈ સિઝનના 209 હેકટર સામે 335 હેકટરમાં જોવા મળે છે. ખરિફ ઘાસચારાનું વાવેતર ગઈ સિઝનના 21472 હેકટર સામે સાધારણ વૃદ્ધિ સાથે 23042 હેકટર પર જ્યારે ઘાસચારાનું વાવેતર ગઈ સિઝનના 31293 હેકટર સામે નોંધપાત્ર સુધારા સાથે 43274 હેકટર પર જોવા મળી રહ્યું છે.
મે મહિનામાં PE/VC ફંડિંગ 44 ટકા ગગડી 3.5 અબજ ડોલર રહ્યું
ગયા વર્ષે મે 2022માં પ્રાઈવેટ ઈક્વિટીઝે 6.2 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું હતું
પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સ તરફથી મે મહિનામાં પણ રોકાણમાં ઘટાડો જળવાયો છે. વાર્ષિક ધોરણે તેમના તરફથી રોકાણ 44 ટકા ગગડી 3.5 અબજ ડોલર પર જોવા મળ્યું હતું એમ કન્સલ્ટન્સી ફર્મ ઈવાયનો ડેટા જણાવે છે. મે 2022માં પીઈ અને વીસી તરફથી 6.2 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે એપ્રિલ 2023માં તેમના તરફથી 7.4 અબજ ડોલરનું રોકાણ નોંધાયું હતું. આમ, માસિક ધોરણે પીઈ રોકાણમાં 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઈવીના પાર્ટનરના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી કંપનીઓને લઈ સેન્ટીમેન્ટમાં સુધારા છતાં ભારતીય ટેક સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ્સ મંદ જોવા મળ્યું છે. તેમના મતે લાર્જ-ફંડ્સ મોટા પ્રમાણમાં નાણા લઈ બેઠાં છે. જોકે, તેમાંના મોટાભાગના નવા રોકાણને લઈને શંકાશીલ જોવા મળી રહ્યાં છે અને તેઓ વર્તમાન પોર્ટફોલિયોના સંચાલન માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યાં છે. કેમકે ત્યાં ગ્રોથ અને માર્જિનને લઈ ચિંતા જોવા મળી રહી છે. માત્ર હેલ્થકેર અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરમાં કેટલુંક રોકાણ જોવા મળ્યું છે. તેમના મતે મધ્યમથી લાંબાગાળા માટે સેન્ટીમેન્ટ પોઝીટીવ જણાય છે અને 2023માં કુલ રોકાણ ગયા વર્ષનો આંક પાર કરી જશે. મે 2023માં કુલ 71 ટ્રાન્ઝેક્શન્સ(ડીલ્સ) થયાં હતાં. જે ગયા વર્ષની સરખામણીમાં 42 ટકા નીચાં હતાં. મે મહિનામાં રિઅલ એસ્ટેટ સેક્ટર પસંદગીનું ક્ષેત્ર રહ્યું હતું. જેણે સાત ડિલ્સમાં 1.2 અબજ ડોલરનું પીઈ-વીસી રોકાણ નોંધાવ્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં 12 ડિલ્સ સાથે રિઅલ એસ્ટેટ સેક્ટરમાં 1.1 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું હતું.
બેરિંગ PE, ક્રિસકેપિટલે HDFC ક્રેડિલામાં 90 ટકા હિસ્સો ખરીદ્યો
એજ્યૂકેશન લોન કંપનીમાં બંને ઈન્વેસ્ટર્સે રૂ. 9060 કરોડમાં હિસ્સો મેળવ્યો
પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ બેરિંગ્સ અને ક્રિસકેપિટલ એન્ડ એસોસિએટ્સે એજ્યૂકેશન લોન કંપની એચડીએફસી ક્રેડિલા ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં રૂ. 9060 કરોડમાં 90 ટકા હિસ્સાની ખરીદી કરી છે. કંપનીએ મોર્ગેજ લેન્ડર એચડીએફસી પાસેથી આ હિસ્સો ખરીદ્યો છે.
એચડીએફસીએ એક્સચેન્જ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે તેણે 19 જૂને એક ડેફિનિટીવ ડોક્યૂમેન્ટ્સમાં એચડીએફસી ક્રેડિલાના કુલ પેઈડ-અપ કેપિટલના 90 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. ખરીદારોમાં બેરિંગ્સ પ્રાઈવેટ ઈક્વિટી એશિયા ઈક્યૂટી ગ્રૂપના કોપવુર્ન બી વી અને ક્રિસકેપિટલ ગ્રૂપના મોસ ઈન્વેસ્ટમેન્ટ્સ, ડેફાટી ઈન્વેસ્ટમેન્ટ્ હોલ્ડિંગ અને ઈન્ફિનીટી પાર્ટનર્સનો સમાવેશ થાય છે. એપ્રિલ 2023માં આરબીઆઈએ એચડીએફસીને એચડીએફસી બેંક સાથે મર્જર સ્કિમના બે વર્ષમાં એચડીએફસી ક્રેડિલામાંના તેના હિસ્સાને ઘટાડી 10 ટકા કરવા માટે જણાવ્યું હતું. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ એચડીએફસી ક્રેડિલાની લોન બુક 31 માર્ચ 2023 સુધીમાં વધીને રૂ. 15,298 કરોડ પર જોવા મળી હતી. જે 31 માર્ચ 2022ના રોજ રૂ. 8838 કરોડ પર હતી.
મેનકાઈન્ડ ફાર્મા માર્કેટ-કેપમાં પાંચમા ક્રમની ફાર્મા કંપની બની
દેશમાં ટોચની પાંચ માર્કેટ-કેપ ધરાવતી ફાર્મા કંપનીઓમાં મેનકાઈન્ડ ફાર્માનો સમાવેશ થયો છે. કંપનીનો શેર લિસ્ટીંગ પછી સતત સુધરતો જોવા મળ્યો છે અને મંગળવારે તેણે 3 ટકા મજબૂતી સાથે રૂ. 1755ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 70 હજારની નજીક પહોંચી ગયું હતું. આમ સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને સિપ્લા પછી મેનકાઈન્ડ ફાર્મા પાંચમી સૌથી મોંઘી ફાર્મા કંપની બની છે. કંપનીના વેચાણનો 97 ટકા હિસ્સો ભારતીય બજારમાંથી આવે છે. જેમાં 8 ટકા હિસ્સો કન્ઝ્યૂમર હેલ્થકેર પ્રોડક્ટ્સનો છે.
સેબીના પ્રતિબંધ પછી IIFL સિક્યૂરિટીઝનો શેર 19 ટકા ગગડ્યો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ બે વર્ષ માટે નવા ક્લાયન્ટ્સ લેવા પર પ્રતિબંધ મૂક્યાં પછી આઈઆઈએફએલ સિક્યૂરિટીઝનો શેર લગભગ 19 ટકા જેટલો ગગડ્યો હતો. સોમવારે રૂ. 71.20ની સપાટીએ બંધ રહેલો શેર મંગળવારે રૂ. 59ની સપાટી પર ખૂલી નીચે રૂ. 57.50 પર ટ્રેડ થઈ રૂ. 60-61ની રેંજમાં અથડાતો જોવા મળ્યો હતો. સેબીએ આઈઆઈઆઈએફએલ સિક્યૂરિટીઝને બે વર્ષ માટે બ્રોકર તરીકે નવા ક્લાયન્ટ્સ નહિ લેવાનો નિર્દેશ કર્યો હતો. જોકે, કંપનીએ સેબીના ઓર્ડરને સેટમાં પડકારવાનું નક્કી કર્યું છે. સેબીએ 2011-13 દરમિયાન બ્રોકરેજ કંપની દ્વારા પોતાના ટ્રેડ માટે ક્લાયન્ટ્સના ફંડના ઉપયોગ બદલ કંપનીને પેનલ્ટી ફટકારી હતી. સેબીએ 2014માં ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું.
વોખાર્ડના ભૂતપૂર્વ અધિકારી પર સિક્યૂરિટીઝ માર્કેટમાં કામગારી પર છ-મહિનાનો પ્રતિબંધ
ઉપરાંત યતેન્દ્રકુમાર પર છ એક વર્ષ માટે વોખાર્ટના શેર્સમાં કામકાજ પર પ્રતિબંધ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફાર્મા કંપની વોખાર્ટના ભૂતપૂર્વ અધિકારી યતેન્દ્રકુમાર પર છ મહિના માટે સિક્યૂરિટીઝ માર્કેટમાં કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમોનો ભંગ કરીને અટકાવેલા રૂ. 14 લાખને પરત કરવા જણાવ્યું છે. સેબીએ જાન્યુઆરી 2012થી ઓગસ્ટ 2013ના સમયગાળા દરમિયાન વોખાર્ડની સ્ક્રિપ્સમાં ટ્રેડિંગની તપાસ કરી હતી. જેનો હેતુ ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમોની જોગવાઈઓનો ભંગ થયો છે કે કેમ તે જાણવાનો હતો. સોમવારે પોતાના 50-પાનાના આદેશમાં સેબીએ નોંધ્યું હતું કે યતેન્દ્રકુમારે મહારાષ્ટ્રમાં કંપનીના ઉત્પાદન પ્લાન્ટ સંબંધી યુએસએફડીએના 483 ફોર્મ સંબંધી અપ્રગટ એવી પ્રાઈસ-સેન્સિટીવ ઈન્ફોર્મેશન(યૂપીએસઆઈ)નો ઉપયોગ કરી વોખાર્ડના શેરમાં ટ્રેડિંગ કર્યું હતું. કંપનીના ગ્લોબલ આઈપી, ક્વોલિટી એસ્યોરન્સ(ક્વોલિટી કંટ્રોલ)ના પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળતા કુમારે 22 માર્ચ 2013થી 14 એપ્રિલ 2013 સુધીમાં 6,841 શેર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે 15 એપ્રિલ 2013થી 31 જુલાઈ, 2013 સુધીમાં 1041 શેર્સ વેચ્યાં હતાં. સેબીને જવાબમાં કુમારે જણાવ્યું હતું કે તેમને યુએસએફડીએ તરફથી 483 ફોર્મ ઈસ્યુઅન્સની માહિતી 22 માર્ચે 2013ના રોજ જ મળી ગઈ હતી. ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમોનો ભંગ કરી કુમારે રૂ. 14.23 લાખનું નુકસાન ટાળ્યું હતું.
કોર્પોરેટ એડવાઈઝરી
ઝી એન્ટરટેઈનમેન્ટઃ સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ ઝી એન્ટરટેઈનમેન્ટના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાની સેબીના ઈન્ટરિમ ઓર્ડર સામેની અરજી પર 26 જૂને સુનાવણી કરશે. સેબીએ તેના ઓર્ડરમાં ઝીના ચેરમેન તથા એમડી અને સીઈઓને લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા મેનેજરીયલ હોદ્દો ધરાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
બાઈજુસઃ દેશના સૌથી મોટી એડટેક કંપનીએ વધુ 1000 કર્મચારીઓને છૂટાં કર્યાં છે. જે સાથે તાજેતરમાં તે 3500 આસપાસ કર્મચારીઓને છૂટાં કરી ચૂકી છે. વર્તુળોના જણાવ્યા મુજબ જોબ કટનો હેતુ કંપનીની નાણાકિય સ્થિતિમાં સુધારણાનો અને તેને નફા તરફ લઈ જવાનો છે.
ટિમકેન ઈન્ડિયાઃ કંપનીની સિંગાપુર સ્થિત પેરન્ટ કંપની ટિમકેન સિંગાપુરે ભારતીય સબસિડિયરીમાં 8.4 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બેરિંગ્સ અને પાવર ટ્રાન્સમિશન પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપનીમાં આ હિસ્સા વેચાણ મારફતે ટિમકેન સિંગાપુર 23.1 કરોડ ડોલર ઊભા કરશે. કંપનીએ રૂ. 3000 પ્રતિ શેરના ભાવે હિસ્સ વેચવાનું નક્કી કર્યું છે. જે સોમવારના બંધ ભાવથી 14 ટકા ડિસ્કાઉન્ટ સૂચવે છે.
મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સઃ પ્રાઈવેટ ઈન્શ્યોરરે કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં રૂ. 49.50 કરોડના ખર્ચે 2.99 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીને રૂ. 10ની ફેસવેલ્યૂના કુલ 10.57 લાખ શેર્સની ફાળવણી કરવામાં આવી છે. કંપનીએ રૂ. 458 પ્રતિ શેરનું પ્રિમીયમ ચૂકવ્યું છે.
તાતા પાવરઃ તાતા જૂથની વિજ કંપનીએ ચાલુ નાણાકિય વર્ષ માટે તેનું કેપેક્સ ગયા વર્ષની સરખામણીમાં બમણુ કરીને રૂ. 12000 કરોડ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મુખ્યત્વે રિન્યૂએબલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન અને સોલાર ઈક્વિપમન્ટ મેન્યૂફેક્ચરિંગ ક્ષમતા પર ધ્યાન આપવામાં આવશે.
એચડીએફસી એએમસીઃ એસેટ મેનેજરમાં અગ્રણી રોકાણકાર એવા યુકે સ્થિત અબરદન ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટે એચડીએફસી એસેટ મેનેજમેન્ટમાં 10.2 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. કંપનીએ રૂ. 1800ના ભાવની આસપાસ આ વેચાણ કર્યું હતું. જે મારફતે તેણે રૂ. 3900 કરોડથી વધુની રકમ મેળવી હતી.
રેમન્ડઃ કંપનીએ સંયુક્ત સાહસ મારફતે તેના રિઅલ્ટી બિઝનેસના વિસ્તરણનો નિર્ણય કર્યો છે. જેમાં તે અન્ય લેન્ડઓઉનર્સ સાથે જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરશે. સાથે કંપની થાણે સ્થિત તેની 60 એકર જમીનને મોનેટાઈઝ પણ કરશે. કંપની અગાઉ તેના એફએમસીજી બિઝનેસને ગોદરેજ જૂથને વેચાણ કરી ચૂકી છે.
એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદકે તેના રામાગુંદમ, કુડગી અને સોલાપુર સ્ટેશન્સ માટે સિંગારેની કોલીએરિઝ સાથે જોડાણ કર્યું છે. જોડાણ ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ માટે કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કંપનીને તેના ત્રણેય સ્ટેશન્સ માટે સપ્લાય મળશે.
બીએસઈએસઃ કંપનીએ જુલાઈ 2023માં 50 લાખ સ્માર્ટ મીટર્સનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે. જે કંપનીની વિવિધ સબસિડિયરીઝ તરફથી આપવામાં આવશે. જેમાં બીએસઈએસ રાજધાની પાવર, બીએસઈએસ યમુના પાવરનો સમાવેશ થાય છે. આ ઓર્ડરનું મૂલ્ય રૂ. 5000-6000 કરોડ જેટલું હશે. જેને ટેન્ડરિંગ પ્રોસેસ મારફતે આપવામાં આવશે.