બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
યુએસ યિલ્ડ્સ ઉછળતાં શેરબજારમાં મંદીની આગેકૂચ
નિફ્ટી 19600ની સપાટી નીચે ઉતર્યો
વૈશ્વિક બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા ગગડી 10.81ના સ્તરે
પીએસયૂ બેંક્સ, એફએમસીજી, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈમાં વેચવાલી
એકમાત્ર પ્રાઈવેટ બેંક નિફ્ટી મજબૂત
બોમ્બે બર્માહ, એમસીએક્સ, બીએસઈ, સુઝલોન નવી ટોચે
ગુજરાત ગેસ, નવીન ફ્લોરિનમાં નવું તળિયું
શેરબજારોમાં સેન્ટીમેન્ટ દિન-પ્રતિદિન વણસી રહ્યું છે. યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ પાછળ વૈશ્વિક શેરબજારોમાં સતત ત્રીજા દિવસે વેચવાલી નીકળી હતી. બીએસઈ સેન્સેક્સ 232 પોઈન્ટ્સ ગગડી 65398ની સપાટીએ જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ્સ ગગડી 19543ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3836 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2329 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1375 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 251 કાઉન્ટર્સે તેની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 26 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. 6 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા ગગડી 10.81ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારે સતત બીજા દિવસે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછી તે સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 19594ની ટોચ જ્યારે 19519ના તળિયા વચ્ચે અથડાયેલો રહ્યો હતો. તેણે 19600નો સપોર્ટ ગુમાવતાં લોંગ ટ્રેડર્સ ચિંતામાં જોવા મળતાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 20 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19523ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 7 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ્સની સરખામણીમાં વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં ઘટાડે લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી છે. જે સાવચેતીનો નિર્દેશ છે. ટ્રેડર્સે નવી લોંગ પોઝીશન લેવાનું ટાળવું જોઈએ. તેમજ લોસ બુક કરવાની તૈયાર પણ દાખવવી જોઈએ. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, ટીસીએસ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, એનટીપીસી, નેસ્લે, એચડીએફસી બેંક, તાતા કન્ઝ્યૂમર, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, સન ફાર્માનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈટીસી, તાતા સ્ટીલ, ડિવિઝ લેબ્સ, એચયૂએલ, બીપીસીએલ, સિપ્લા, હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, યૂપીએલ, ગ્રાસિમ અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એકમાત્ર પ્રાઈવેટ બેંક નિફ્ટી સાધારણ મજબૂતી દર્શાવતો હતો. જ્યારે એ સિવાય પીએસયૂ બેંક્સ, એફએમસીજી, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈમાં વેચવાલી જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 1.6 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. જેના ઘટકોમાં જેકે બેંક 5 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત પંજાબ એન્ડ સિઁધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક, આઈઓબી, પીએનબી, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, કેનેરા બેંકમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 1.33 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ 5 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત નાલ્કો, એનએમડીસી, તાતા સ્ટીલ, વેદાંત, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, સેઈલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 1.32 ટકા ઘટ્યો હતો. જેના ઘટકોમાં આઈટીસી 2.7 ટકા અને એચયૂએલ 2.1 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતા. આ ઉપરાંત પીએન્ડજી, મેરિકો, વરુણ બેવરેજિસ, યુનાઈટેડ સ્પિરિટ્સમાં પણ ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી ફાર્મા પણ એક ટકા ડાઉન બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, સિપ્લા, બાયોકોન, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા અને ડો. રેડ્ડીઝ લેબ્સમાં એક ટકાથી લઈ ત્રણ ટકા સુધી ઘટાડો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સ ઈન્ડિયા 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત યુનાઈટેડ બ્રૂઅરિઝ, કોટક મહિન્દ્રા, ડેલ્ટા કોર્પ, મૂથૂત ફાઈનાન્સ, બર્ગર પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, લૌરસ લેબ્સ, ટીસીએસ, કોલગેટ, એસબીઆઈ લાઈફ, ઝી એન્ટર., પર્સિસ્ટન્ટ, એનટીપીસીમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, આઈજીએલ 12 ટકા સાથે તૂટવામાં અગ્રણી હતો. આ ઉપરાંત, મહાનગર ગેસ, હેવેલ્સ ઈન્ડિયા, એમ્ફેસિસ, તાતા કોમ્યુનિકેશન્સ, આદિત્ય બિરલા ફેશન, ઈન્ટરગ્લોબ એવિએશન, એચપીસીએલ, નાલ્કો, એસીસીમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં બોમ્બે બર્માહ, એમસીએક્સ ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, બીએસઈ, સુઝલોન એનર્જી, સુવેન ફાર્મા, ક્રિસિલ, કોલગેટ, નેસ્લે અને સોનાટાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ગુજરાત ગેસ, નવીન ફ્લોરિન, ટીસીઆઈ એક્સપ્રેસે નવું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
2028 સુધીમાં ભારત વિશ્વિક વૃદ્ધિનો 18 ટકા હિસ્સો ધરાવશેઃ IMF
ચીનની સરખામણીમાં ભારતનો ઊંચો વૃદ્ધિ દર વૈશ્વિક ગ્રોથમાં ભારતનો હિસ્સો વધારશે
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની અપેક્ષા મુજબ આગામી પાંચ વર્ષોમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરમાં ભારતનું યોગદાન વધીને 18 ટકા પર પહોંચશે. હાલમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરમાં ભારત 16 ટકાનું યોગદાન ધરાવે છે. જે 2028 સુધીમાં 18 ટકા પર જોવા મળશે.
આઈએમએફના એશિયા એન્ડ પેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ક્રિષ્ણા શ્રીનિવાસનના જણાવ્યા મુજબ ચીનની સરખામણીમાં ભારતના ઝડપી વૃદ્ધિ દરને જોતાં વૈશ્વિક વૃદ્ધિ દરમાં ભારતનું યોગદાન વધશે. જોકે, આ બાબત હંગામી બની રહેશે. કેમકે ચીનના અર્થતંત્રના કદને જોતાં તેનું પ્રભુત્વ જળવાય રહેશે. આઈએમએફના તાજેતરના અંદાજને આધારે ચીનની નોમીનલ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ 2018 સુધીમાં વધી 23.61 અબજ ડોલર પર પહોંચશે. જ્યારે ભારત માટે તે 5.94 અબજ ડોલર પર હશે. 2023 અને 2024માં ચીન અને ભારત મળી સંયુક્તપણે વિશ્વનો 50 ટકા વૃદ્ધિ દર ધરાવશે એમ આઈએમએફનો આંકડા ધરાવે છે. એચએસબીસીના અર્થશાસ્ત્રી પ્રેડરિક ન્યમેન અને જસ્ટીન ફેંગે ગયા સપ્તાહે જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં ચીનના યોગદાનને હાંસલ કરવામાં ભારતને હજુ ખૂબ વાર લાગશે. આઈએમએફના અંદાજ મુજબ ભારતનું અર્થતંત્ર ચાલુ વર્ષે અને આગામી વર્ષે 6.3 ટકાના દરે વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે. તેના મતે એશિયા પેસિફિક પ્રદેશ સૌથી વધુ મજબૂત પ્રદેશ બની રહેશે. તે 4.6 ટકાનો વૃદ્ધિ દર દર્શાવશે. જોકે, 2024માં તે ઘટીને 4.2 ટકા થવાની શક્યતાં છે. જ્યારે મધ્યમગાળામાં તે 3.9 ટકા બની રહે તેવો અંદાજ છે. જે 2022માં અપવાદને જોતાં સૌથી નીચું હશે.
નિફ્ટી-500 કંપનીઓના બોર્ડ સભ્યોમાં પાંચમાંથી એક મહિલા સભ્ય
પાંચ વર્ષ અગાઉ આઁઠ ડિરેક્ટર્સમાંથી એક મહિલા હતી જ્યારે દસ વર્ષ અગાઉ 20 સભ્યોમાંથી એક મહિલા સભ્ય જોવા મળતાં હતાં
કંપનીઝ એક્ટ 2013ના અમલને 10-વર્ષો પછી નિફ્ટી-500 કંપનીઓના બોર્ડમાં પાંચ સભ્યોમાંથી એક મહિલા સભ્ય હોવાનું અભ્યાસ સૂચવે છે. પ્રાઈમ ડેટા બેઝ તરફથી હાથ ધરવામાં આવેલો અભ્યાસ જણાવે છે કે પાંચ વર્ષ અગાઉ આઁઠ ડિરેક્ટર્સમાંથી એક મહિલા હતી જ્યારે દસ વર્ષ અગાઉ 20 સભ્યોમાંથી એક મહિલા સભ્ય જોવા મળતાં હતાં.
જે બાબત સૂચવે છે કે છેલ્લાં વર્ષોમાં કોર્પોરેટ કંપનીઓના બોર્ડ લેવલે લિંગ સમાનતાને લઈને કેટલીક પ્રગતિ જોવા મળી છે. જોકે, હજુ પણ તેમાં નોંધપાત્ર સુધારાની જગ્યા છે. 2013માં અમલી બનેલા કંપનીઝ એક્ટમાં કંપનીના બોર્ડ પર લઘુત્તમ એક મહિના સભ્યની જોગવાઈ ફરજિયાત બનાવવામાં આવી હતી. કાનૂની જરૂરિયાતે નિફ્ટી-500 જૂથની લગભગ તમામ કંપનીઓમાં મહિલા ડિરેક્ટરની હાજરીની ખાતરી આપવા સાથે ભારતીય કંપનીઓના બોર્ડ્સ પર મહિલાઓની હાજરીને વ્યાખ્યાયિત કરી છે. કાનૂની નિયમો મૂજબ નિફ્ટી-500ની 223 અથવા 45 ટકા કંપની પાસે માત્ર એક મહિના ડિરેક્ટર છે. વધુમાં, મોટી કંપનીઓના બોર્ડમાં મહિલા ડિરેક્ટર્સની નીચી હાજરી જોવા મળે છે. 81 કંપનીઓ 10 કે તેથી વધુ સભ્યોના બોર્ડ્સમાં એક મહિલા ડિરેક્ટર ધરાવે છે. દાખલા તરીકે લાર્સન એન્ડ ટુબ્રોના 19 બોર્ડ સભ્યોમાં માત્ર એક મહિલા ડિરેક્ટર છે. એપોલો હોસ્પિટલ્સના વાઈસ ચેરમેન એલએન્ડટીના બોર્ડમાં સામેલ છે. તેમની ખુદની કંપનીમાં સાત બોર્ડ મેમ્બર્સમાંથી છ મહિના મેમ્બર્સ છે. એપોલો હોસ્પિટલ ફિફ્ટી પ્લસ ક્લબમાં સમાવેશ પામતી આંઠ કોર્પોરેટ કંપનીઓમાંની એક છે.
અનેક લિસ્ટેડ કંપનીઓમાં ઈન્ડિપેન્ડન્ટ મહિના ડિરેક્ટર તરીકે સ્થાન ધરાવનાર મંજુ અગ્રવાલના જણાવ્યા મુજબ કંપની મેનેજમેન્ટ્સ સામાન્યરીતે એવા ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને જ નીમતું હોય છે જેમને તે પહેલાથી ઓળખતું હોય છે. કેમકે આ બાબત તેમને એક રાહત પૂરી પાડે છે. આ ઉપરાંત, તેઓ સરકારી નિવૃત્ત અધિકારીની નિમણૂઁક કરવાનું પસંદ કરતાં હોય છે. કેટલીક ભારતીય કંપનીઓના બોર્ડમાં ઈન્ડિપેન્ડન્ટ મહિલા ડિરેક્ટર તરીકેનું સ્થાન સંભાળતાં સુતાપા બેનર્જીના મતે પાંચ બોર્ડ મેમ્બર્સમાંથી એક મહિલા મેમ્બર એ કોઈ મોટી વાત નથી. તેમના મતે મહિલા ડિરેક્ટરના બોર્ડમાં સમાવેશ માટે વધુ પ્રયાસની જરૂર છે. કેમકે આજે પણ મોટાભાગના બોર્ડ મેમ્બર્સ માત્ર પુરુષો જ છે.
અદાણી જૂથ 3.5 અબજ ડોલરની લોન મેળવવામાં સફળ
જૂથે અંબુજા સિમેન્ટ્સની ખરીદી માટે લીધેલી લોનના રિફાઈનાન્સિંગ માટે મેળવેલું ફંડ
જૂથે વૈશ્વિક બેંકર્સ પાસેથી એશિયાની સૌથી મોટી લોન્સમાંની એક મેળવી
બિલિયોનર ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે અંબુજા સિમેન્ટ્સની ખરીદી માટે લીધેલા વર્તમાન ડેટના રિફાઈનાન્સિંગ માટે 3.5 અબજ ડોલર(રૂ. 29098 કરોડ)ની લોન મેળવવામાં સફળ રહ્યું છે. જે જૂથમાં રોકાણકારોના વિશ્વાસનું તાજુ દ્રષ્ટાંત પૂરું પાડે છે.
ચાલુ વર્ષે એશિયામાં ટોચની 10 લોન્સમાંનું એક ડીલ ચાલુ સપ્તાહે સીલ થવાની શક્યતાં છે એમ જાણકાર વર્તુળનું કહેવું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓની ચર્ચા-વિચારણા પછી આ લોન ક્લોઝ થવા જઈ રહી છે. આ લોન 10 આંતરરાષ્ટ્રીય બેંક્સ તરફથી મળી રહી છે. જેમાં ડીબીએસ બેંક, ફર્સ્ટ અબુ ધાબી બેંક, મિઝૂહો બેંક અને એમયૂએફજી બેંકનો સમાવેશ થાય છે. આ બેંક્સે મેંડેટેડ લીડ એરેંજર અને બુકરનર્સ અને અન્ડરરાઈટરની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત બાર્ક્લેઝ બેંક, બીએનપી પારિબા, ડોઈશે બેંક એજી, આઈએનજી બેંક, સુમિટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે પણ મેંડેટેડ લીડ એરેંજર્સ તરીકે ભૂમિકા ભજવી છે.
અદાણી જૂથે એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિ. મારફતે આ લોન સિક્યોર કરી છે. આ રિફાઈનાન્સ સુવિધાને કારણે અદાણી સિમેન્ટ સમગ્રતયા 30 કરોડ ડોલરની બચત કરી શકશે. અદાણી સિમન્ટ દેશમાં બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક છે. તેણે 2022માં સ્વિસ જૂથ હોલ્સિમ પાસેથી 6.6 અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની ખરીદી કરી હતી. હાલમાં બંને કંપનીઓ સંયુક્તરીતે 6.7 કરોડ ટન પ્રતિ વર્ષની ઉત્પાદન સુવિધા ધરાવે છે.
અગાઉ અદાણી જૂથની ફ્લેગશિપ કંપનીએ સ્થાનિક ચલણમાં બોન્ડ્સ ઈસ્યુ કરીને જુલાઈમાં રૂ. 1250 કરોડ મેળવ્યાં હતાં. આમ, હિંડેનબર્ગના રિપોર્ટ પછી જૂથમાં રોકાણકારો તરફથી નોંધપાત્ર વિશ્વાસ જોવા મળ્યો છે. જે જૂથની મજબૂત શાખ અને પ્રતિષ્ઠા સૂચવે છે.
સુગર નિકાસ પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂકાયો
શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાં વચ્ચે ભાવ નિંયત્રણમાં જળવાય રહે તે માટે લેવાયેલું પગલું
કેન્દ્ર સરકારે દેશમાંથી સુગરની નિકાસ પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂક્યો છે. ચાલુ વર્ષે નબળા ચોમાસા પાછળ સ્થાનિક બજારમાં ખાંડના ભાવ નિયંત્રણમાં જળવાય રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ તેમણે સુગર નિકાસને માર્ચ 2024 સુધી લંબાવી હતી.
કેન્દ્રિય ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન ડિપાર્ટમેન્ટ સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા મુજબ શેરડી પકવતાં મુખ્ય રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડાની સંભાવના રાખવામાં આવે છે. જેને જોતાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની પૂરી શક્યતાં છે. આ સ્થિતિમાં દેશમાંથી નિકાસની અનૂકૂળતા નથી. ગયા વર્ષે સરકારે 60 લાખ ટન સુગર નિકાસની મર્યાદા બાંધી હતી. જ્યારે તેના અગાઉના વર્ષે દેશમાંથી 1.1 કરોડ ટન ખાંડની વિક્રમી નિકાસ જોવા મળી હતી.
એકબાજુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનું ઉત્પાદન નીચું રહેવાની ધારણા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં સારા વરસાદ પાછળ શેરડીનું ઉત્પાદન સારુ જળવાય તેવી શક્યતાં છે. આમ દક્ષિણના રાજ્યોમાં ઉત્પાદનમાં ઘટાડો ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન વૃદ્ધિથી કંઈક અંશે સરભર થશે. ચોપરાના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં શરૂ થયેલા નવા સુગર વર્ષ દરમિયાન દેશમાં 57 લાખ ટનનો કેરી ઓવર સ્ટોક જોવા મળતો હતો. જે ગયા વર્ષે જોવા મળતાં 61 લાખ ટનના કેરી ઓવર સ્ટોક કરતાં 4 લાખ ટન નીચો હતો. ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાંને જોતાં સરકારે આગોતરા પગલાંરૂપે નિકાસ ઓર્ડરને અચોક્કસ મુદત માટે લંબાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ સ્થાનિક બજારની સરખામણીમાં નોંધપાત્ર ઊંચા હોવાના કારણે નિકાસકારો સુગર એક્સપોર્ટ પરના પ્રતિબંધને દૂર કરવા માટે લોબીંગ કરી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ 12-વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે ભારતીય બજારમાં ભાવ મોટેભાગે સ્થિરતા દર્શાવી રહ્યાં છે.
સેબીએ NFO મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવી
કેટલાંક કિસ્સાઓમાં તો માત્ર સાત દિવસમાં જ નવી ફંડ સ્કિમ માટે મંજુરી અપાઈ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુલ ફંડ્સ તરફથી ન્યૂ ફંડ ઓફર્સ(NFO) મારફતે નાણા ઊભા કરવા માટેની અરજીને મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવી છે એમ જાણકારોનું કહેવું છે. ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ એનએફઓ માટેની અરજીને પેન્ડેન્સિમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કેટલાંક કિસ્સાઓમાં તો એનએફઓને રેગ્યુલેટરની મંજૂરી મેળવવામાં મહિનાથી પણ ઓછો સમય લાગ્યો છે. આ પગલાને કારણે દેશના રૂ. 48 લાખ કરોડના એમએફ ઉદ્યોગને તેમની પ્રોડક્ટને સમયસર લોંચ કરવામાં સહાયતા મળી છે.
ચાલુ વર્ષે શરૂઆતમાં એક ફંડ હાઉસે સ્મોલકેપ લક્ષી સ્કિમ લોંચ કરવા માટે રેગ્યુલેટર સમક્ષ અરજી કરી હતી. એસેટ મેનેજરે માત્ર સાત દિવસોમાં જ સેબીની મંજૂરી મેળવી હતી. સેબીમાં ડોક્યૂમેન્ટ રજૂ કર્યાંના 45-દિવસોમાં ત એનએફઓ સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. અગાઉ સેબીને એનએફઓ માટે મંજૂરી આપવામાં એકથી બે મહિનાનો સમય લાગતો હતો. સેબી સમક્ષ મંજૂરી માટે છ મહિનાથી વધુ સમય માટે પડી રહેલી અરજીઓની સંખ્યા એક સમયે 69 પર જોવા મળી હતી.જ્યારે ત્રણથી છ મહિના માટે પેન્ડિંગ હોય તેવી અરજીઓની સંખ્યા 33 પર હતી. જ્યારે એક મહિના અને ત્રણ મહિનાથી પેન્ડિંગ હોય તેવી અરજીઓની સંખ્યા 45 પર હતી એમ જુલાઈમાં સેબીના એક પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. હાલમાં, ભાગ્યે જ કોઈ અરજી હશે કે જે ત્રણ મહિનાથી વધુ સમયથી મંજૂરી માટે પેન્ડિંગ છે એમ જાણકાર જણાવે છે. એમ્ફીના ચીફ એક્ઝીક્યૂટીવના જણાવ્યા મુજબ સેબીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ભાગરૂપે એનએફઓ એપ્રૂવલ પ્રક્રિયાને ખરેખર સરળ બનાવી છે. એનએફઓની સંખ્યામાં વૃદ્ધિનું બીજું કારણ નવા એએમસી ખેલાડીઓ તરફથી તેમની શરૂઆતી ફંડ સ્કિમ્સનું લોંચિંગ છે. સેબીની વેબસાઈટ મુજબ ઘણા ફંડ્સ બજારમાં પ્રવેશવા મંજૂરીની માગણી કરી રહ્યાં છે. જેમાં હેલિઓસ એમએફ, બજાજ ફિનસર્વ જેવી નવી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ તેમના પ્રથમ એનએફઓ સાથે બજારમાં પ્રવેશશે.
હાલમાં દર ઘટાડાની વિચારણા નથીઃ RBI ગવર્નર
શક્તિકાંતા દાસના મતે વિશ્વમાં કેવા ફેરફારો થાય છે તેના પર બધો આધાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે હાલમાં વ્યાજ દરમાં ઘટાડાની કોઈ વિચારણા નથી. કૌટિલ્ય ઈકોનોમિક કોન્ક્લેવમાં બોલતાં સેન્ટ્રલ બેંકના વડાએ જણાવ્યું હતું કે હાલમાં તેઓ ફુગાવાના પરિમાણો પર ધ્યાન આપી રહ્યાં છે અને તે માટે જરૂરી તમામ પગલાંઓ હાથ ધરશે.
વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં બોલતાં દાસે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક્સનો સૂર વ્યાજ દર ઊંચા સ્તરે જળવાય રહેશે. જોકે, તેમણે ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે એક સામાન્ય પ્રકારના નિવેદન સિવાય કશું પણ કહેવું તે પડકારદાયી છે. કેમકે વર્તમાન અનિશ્ચિતતાનો સમય જોતાં સેન્ટ્રલ બેંક્સ કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે કશું કહેવું શક્ય નથી. ભારતમાં વ્યાજ દરોની વાતને સંબંધ છે ત્યાં સુધી તમે એવું માનતા હોવ કે આરબીઆઈ રેટમાં ઘટાડો કરશે તો માફ કરજો. કેમકે હાલમાં આ પ્રકારની કોઈ વિચારણા નથી. વ્યાજ દર ઊંચા જળવાય રહેશે. જોકે, તે કેટલો સમય ઊંચા જળવાયેલા રહેશે તે સમય જ જણાવશે. વૈશ્વિક સ્તરે કેવી ઘટનાઓ ઘટી રહી છે તે આ માટે મહત્વની બની રહેશે. આપણે ઈન્ફ્લેશનમાં સતત ઘટાડો જોવો જરૂરી છે અને અમારો ટાર્ગેટ 4 ટકાનો છે એમ તેમણે ઉમેર્યું હતું.
આરબીઆઈએ 2022-23માં રેટ વૃદ્ધિની શરૂઆત કરી હતી. જ્યારપછી ફેબ્રુઆરી 2023 સુધીમાં તેણે રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. જોકે, છેલ્લી ચાર મોનેટરી સમીક્ષામાં તેણે રેટને સ્થિર જાળવ્યાં હતાં. અર્થશાસ્ત્રીઓ હવે એપ્રિલ-જૂન 2024 સુધીમાં પ્રથમ રેટ કટની શક્યતાં દર્શાવી રહ્યાં છે. આરબીઆઈની 6 ઓક્ટોબરની બેઠક પછી રજૂ થયેલો ડેટા સૂચવે છે કે સપ્ટેમ્બર માટેનો સીપીઆઈ ઘટીને 5.02 ટકાના ત્રણ મહિનાના તળિયે જોવા મળ્યો હતો. જેમાં કોર ઈન્ફ્લેશન 4.5 ટકાના ઘણા વર્ષોના તળિયે નોંધાયું હતું.
RBI ઓપન માર્કેટ બોન્ડ વેચાણ હાથ ધરશે
દેશની સેન્ટ્રલ બેંક એકવાર સરકારી ખર્ચમાં વૃદ્ધિમાં ટોચ બની જાય અને બજારમાં જળવાય શકે તેવી લિક્વિડીટી પરત ફરે ત્યારપછી ઓપન માર્કેટ બોન્ડ વેચાણ હાથ ધરશે. જેથી વધારાની લિક્વિડીટીને બજારમાંથી દૂર કરી શકાય એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. હાલમાં સરકારનું સ્પેન્ડિંગ નીચું છે અને કોર લિક્વિડિટી રૂ. 3 લાખ કરોડની પુરાંત દર્શાવે છે એમ એક વર્તુળે જણાવ્યું હતું. કોર લિક્વિડીટી સરપ્લસમાં આરબીઆઈ પાસે રહેલાં સરકારી કેશ બેલેન્સનો સમાવેશ થાય છે. ચાલુ મહિને શરૂમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે તે ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે બોન્ડ્સનું વેચાણ કરી બેંકિંગ સિસ્ટમ લિક્વિડિટીનું સંચાલન કરશે.
સિપ્લામાં હિસ્સો ખરીદવા ટોરેન્ટે મેળવેલી 5 અબજ ડોલર ફંડિંગની ખાતરી
અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે દેશમાં બીજા ક્રમની દવા કંપની સિપ્લામાં પ્રમોટર્સના 33 ટકા હિસ્સાને ખરીદવા માટેના તેના પ્રયાસના ભાગરૂપે ઓછામાં ઓછા પાંચ અબજ ડોલરના ફંડીગ માટેની ખાતરી મેળવી લીધી હોવાનું વર્તુળો જણાવે છે. જેમાં વિદેશી બેંક્સનો સમાવેશ થાય છે. જોકે, આમાં કઈ બેંક્સે ફંડ માટે ખાતરી આપી છે તે વર્તુળોએ જણાવ્યું નહોતું. ટોરેન્ટના પ્રમોટર સિપ્લાના પ્રમોટર પાસેનો 33 ટકા હિસ્સો ખરીદવા ઈચ્છે છે. જે માટે તેઓ પ્રાઈવેટ ઈક્વિટીઝ સહિતનું કન્સોર્ટિયમ બનાવી રહ્યાં છે. વર્તુળોના મતે ટોરેન્ટ પાસે ડિલ માટે નાણા તૈયાર છે પરંતુ તે 11 અબજ ડોલરથી નીચા વેલ્યૂએશન પર જ ટ્રાન્ઝેક્શનમાં આગળ વધવા માટે આતુર છે. જોકે, સિપ્લાના પ્રમોટર્સ તેનાથી ઊંચા વેલ્યૂએશનનો આગ્રહ રાખી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જેએસડબલ્યુ સ્ટીલઃ ટોચની સ્ટીલ ઉત્પાદકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2773 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 915 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની કુલ આવક ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 41,996 કરોડની સરખામણીમાં વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 44,821 કરોડ પર જોવા મળી હતી. કંપનીનો ખર્ચ ઘટી રૂ. 40,801 કરડ પર રહ્યો હતો.
ટીવીએસ મોટરઃ કંપની દક્ષિણ અમેરિકન દેશમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય કંપની બની છે. એક્સચેન્જ ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તે લોકલ ડિસ્ટ્રીબ્યુટર મારફતે તેની પ્રોડક્ટ્સ લોંચ કરશે. નવા માર્કેટમાં કંપની તેની પ્રિમીયમ પ્રોડક્ટ્સ લોંચ કરશે. આ ઉપરાંત કંપનીના સ્કૂટર્સને પણ લોંચ કરવામાં આવશે.
તીતાગઢ રેલ્વેઃ કંપનીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી રૂ. 350 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. જે હેઠળ તે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 પ્રોજેક્ટ માટે 30 સ્ટાન્ડર્ડ ગેજ કાર્સનું ડિઝાઈનીંગ અને મેન્યૂફેક્ચરિંગ કરશે. જે હેઠળ લેટર ઓફ એક્સેપ્ટન્સના 70 સપ્તાહોની અંદર પ્રોટોટાઈપ ડિલિવર કરવામાં આવશે. મેટ્રો કાર્સનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ સુવિધા ખાતે કરાશે.
હિમાદ્રી સ્પેશિયાલિટીઃ કેમિકલ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 100 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35.88 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 1067.10 કરોડ સામે ઘટી 1014.34 કરોડ પર જોવા મળી હતી. જ્યારે ખર્ચ પણ ગયા વર્ષે રૂ. 994.81 કરોડ પરથી ઘટી રૂ. 875.24 કરોડ પર રહ્યો હતો. કંપની 2050 સુધી નેટ-ઝીરોનો ટાર્ગેટ ધરાવે છે.
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ ઉત્પાદક જૂથ કંપની તાતા પાવર રિન્યૂએબલ એનર્જીની સબસિડિયરી ટીપી વર્ધમાન સૂર્યામાં 26 ટકા હિસ્સો ખરીદશે. ઉપરાંત, કંપની ટીપી વર્ધમાન સાથે ફિક્સ્ડ-ખર્ચ પર 379 મેગાવોટનો કેપ્ટિવ રિન્યૂએબલ પાવર ખરીદવા માટે લોંગ-ટર્મ કોન્ટ્રેક્ટ પણ કરશે.
જિંદાલ સ્ટેનલેસઃ કંપનીએ તેના ઈન્ડોનેશિયા ઓપરેશન્સને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચીન તરફથી થઈ રહેલાં ડંપીંગ પાછળ કંપનીએ આ નિર્ણય લીધો છે. ઉપરાંત, યુએસ અને યુરોપ તરફથી એશિયન દેશોમાંથી થતી આયાત પર ઊંચી ડ્યુટીને કારણે પણ ઈન્ડોનેશિયા પ્લાન્ટ ચલાવવો શક્ય નથી.
તાતા મોટર્સઃ તાતા જૂથ કંપનીએ ફ્રેઈટ ટાઈગરમાં રૂ. 150 કરોડમાં 26.79 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપની આગામી બે વર્ષોમાં ફ્રેઈટ ટાઈગરમાં વધુ તે વખતના બજારભાવે રૂ. 100 કરોડનું રોકાણ કરશે. ફ્રેઈટ ટાઈગર કાર્ગો મૂવમેન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટીક્સ સોલ્યુશન્સ પૂરું પાડે છે.