Market Summary 20/11/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં સંવતના બીજા સપ્તાહની સુસ્તી સાથે શરૂઆત
નિફ્ટીએ 19700ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઉછળી 12.14ના સ્તરે
આઈટી, પીએસઈ સિવાય લગભગ નરમાઈ
ઓટો, મેટલ, રિઅલ્ટી પર દબાણ
તાતા ઈન્વે. કોર્પ, કેપીઆઈટી, પીબી ફિનટેક નવી ટોચે
અદાણી વિલ્મેર તળિયું બનાવી પરત ફર્યો

શેરબજારમાં નવા સંવતના બીજા સપ્તાહની સુસ્તી સાથે શરૂઆત થઈ હતી. એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેડ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 140 પોઈન્ટ્સ ગગડી 65,655ની સપાટીએ જ્યારે નિફ્ટી50 38 પોઈન્ટ્સ ગગડી 19,694ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી અટકતાં બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3980 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1939 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1876 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 413 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 20 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઉછળી 12.14ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ફ્લેટ ઓપનીંગ દર્શાવ્યું હતું. તે અગાઉના 19732ના બંધ સામે 19731ની સપાટીએ ખૂલી ઉપરમાં 19756ની ટોચ દર્શાવી નીચામાં 19671 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 56 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19750ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 68 પોઈન્ટ્સના પ્રિમીયમમાં થોડો ઘટાડો સૂચવે છે. જેનો અર્થ લોંગ પોઝીશન લિક્વિડ થઈ છે. બજારમાં ઊંચા મથાળે દબાણને જોતાં નવી ખરીદીમાં સાવચેતી રાખવાની જરૂર છે. નિફ્ટીમાં 19500ના સ્ટોપલોસ સાથે તેજી જાળવી શકાય. જો આ લેવલ તૂટશે તો 19300ની સપાટી જોવા મળી શકે છે. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, તાતા મોટર્સ, યૂપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ અને એચયૂએલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, પીએસઈ સિવાય લગભગ તમામ સેક્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં ઓટો, મેટલ, રિઅલ્ટી પર દેખીતું દબાણ હતું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.6 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં એલએન્ડટી ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રીનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ પણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, આરઈસી, સેઈલ, એનએમડીસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, એનએચપીસી, આઈઓસીનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક પણ સાધારણ ગ્રીન જોવા મળતો હતો. જેના ઘટકોમાં પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક અને યૂકો બેંક સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો પર દબાણ જોવા મળ્યું હતું અને તે સર્વોચ્ચ ટોચ બનાવી રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ 6 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત એમએન્ડએમ, ટીવીએસ મોટર, મધરસન, અશોક લેલેન્ડ, સોના બીએલડબલ્યુ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, બોશ અને એમઆરએફનો સમાવેશ થતો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ અડધો ટકા ડાઉન જોવા મળતો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, વેલસ્પન કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, તાતા સ્ટીલ, નાલ્કોનો સમાવેશ થતો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.4 ટકા ડાઉન બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં જ્યુબિલિઅન્ટ ફૂડ, પીએન્ડજી, એચયૂએલ, મેરિકો, યુનાઈડેટ બ્રૂઅરિઝ, આઈટીસી, નેસ્લે, બ્રિટાનિયામાં ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ડુસ ટાવર્સ ત્રણ ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પાવર ફાઈનાન્સ, આરઈસી, ઈન્ડિયન હોટેલ્સ, ડિવિઝ લેબ્સ, સિટી યુનિયન બેંક, ટ્રેન્ટ, એલએન્ડટી ટેક્નોલોજી, બલરામપુર ચીની, ભારતી એરટેલ, અબોટ ઈન્ડિયા, મેટ્રોપોલીસ, પર્સિસ્ટન્ટ, બીબી ઈન્ડિયા, એસબીઆઈ કાર્ડ, ટોરેન્ટ ફાર્મામાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, વોડાફોન, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આરબીએલ બેંક, રામ્કો સિમેન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, અતુલ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ, ઈપ્કા લેબ્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, જીએમઆર એરપોર્ટ્સમાં નોઁધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં તાતા ઈન્વે. કોર્પ, કેપીઆઈટી, પીબી ફિનટેક, અજંતા ફાર્મા, પાવર ફાઈનાન્સ, મેક્સ હેલ્થકેર, આરઈસી, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, ટ્રેન્ટનો સમાવેશ થતો હતો. જ્યારે અદાણી વિલ્મેર તળિયું બનાવી પરત ફર્યો હતો.

જીઓ ફાઈનાન્સિયલ રૂ. 5000 કરોડનો પ્રથમ બોન્ડ ઈસ્યુ કરશે
કંપની માર્ચ ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશે તેવી શક્યતાં
રિલાયન્સ જૂથ કંપનીની હાલમાં મર્ચન્ટ બેંકર્સ સાથે ચાલી રહેલી મંત્રણા

રિલાયન્સ જૂથ કંપની જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ તેના પ્રથમ બોન્ડ ઈસ્યુ માટે હાલમાં મર્ચન્ટ બેંકર્સ સાથે વાતચીત ચલાવી રહી હોવાનું વર્તુળોનું કહેવું છે. બેંકર્સના મતે કંપની ચાલુ નાણાકિય વર્ષના આખરી ક્વાર્ટરમાં બોન્ડ ઈસ્યુ મારફતે રૂ. 5000 કરોડથી રૂ. 10000 કરોડ(60 કરોડ ડોલર) વચ્ચેની રકમ ઊભી કરે તેવી શક્યતાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી અલગ પડેલી જીઓ ફાઈનાન્સિયલ હાલમાં તેના ક્રેડિટ રેટિંગને મેળવવાની તથા અન્ય જરૂરી રેગ્યુલેટરી પ્રક્રિયામાં સક્રિય છે.
રિલાયન્સ જીઓનું ઓગસ્ટમાં શેરબજાર પર લિસ્ટિંગ થયું હતું. તે ભારતના ઝડપી વૃદ્ધિ પામી રહેલા માર્કેટમાં પોતાને ફૂલ-સર્વિસ ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની તરીકે સ્થાપવા માટે વિચારી રહી છે. કંપની ઓટો, હોમ લોન્સ અને અન્ય પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માગે છે. તે બજાજ ફાઈનાન્સ જેવી ટોચની એનબીએફસી સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે. રોકફોર્ટ ફિનકેપના સ્થાપક અને એમડી વેંકટક્રિષ્ણન શ્રીનિવાસનના જણાવ્યા મુજબ જીઓ ફાઈનાન્સિયલ ખૂબ મજબૂત પેરન્ટ ધરાવે છે અને તેને આપમેળે જ ટ્રિપલ એનું ક્રેડિટ રેટિંગ મળે તેવી અપેક્ષા છે. વર્તુળોના મતે બોન્ડનું પ્રાઈસિંગ તેની મુદત અને બેલેન્સ શીટના કદ પર આધારિત હશે પરંતુ એક એનબીએફસી હોવાના કારણે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરતાં 10-20 બેસીસ પોઈન્ટ્સ ઊંચું જોવા મળશે. ચાલુ મહિનાની શરૂમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 10-વર્ષના બોન્ડ ઈસ્યુ મારફતે રૂ. 20000 કરોડ ઊભા કર્યાં હતાં. જે નોન-ફાઈનાન્સિયલ ભારતીય કંપની માટે સૌથી મોટો બોન્ડ ઈસ્યુ હતો. તેણે સરકારની બોરોઈંગ કોસ્ટ કરતાં 40 બેસીસ પોઈન્ટ્સ વધુ ચૂકવ્યાં હતાં. બોન્ડ ઈસ્યુ અગાઉ બેંકર્સે જીઓ ફાઈનાન્સિયલને ટૂંકાગાળા માટેના કોમર્સિયલ પેપર્સ ઈસ્યુ કરવાની ભલામણ પણ કરી હોવાનું બે બેંકર્સ જણાવે છે. કંપનીને શરૂઆતમાં પાંચ વર્ષથી વધુની પાકતી મુદત માટે બોન્ડ્સ ઈસ્યુ નહિ કરવા માટેની ભલામણ પણ કરવામાં આવી હોવાનું ચાર બેંકર્સનું કહેવું છે. કંપની હજુ નવી હોવાથી ડોક્યૂમેન્ટેશન અને કોમ્પ્લાયન્સમાં સમય લાગશે અને તે માર્ચ મહિનાની આખર પહેલાં બજારમાં પ્રવેશી શકે છે એમ મર્ચન્ટ બેંકર જણાવે છે.

ખાનગી બેંકોની સાત વર્ષમાં સૌથી ઊંચી સરકારી બોન્ડ ખરીદી
15 નવેમ્બર 2016 પછી ગયા શુક્રવારે પ્રથમવાર રૂ. 8343 કરોડની એક દિવસીય બોન્ડ ખરીદી
ખરીદીમાં એક કોર્પોરેટ તરફથી રૂ. 5000 કરોડના રોકાણનો પણ સમાવેશ

ભારતની ખાનગી બેંકોએ ગયા શુક્રવારે સાત વર્ષોમાં એક દિવસમાં સૌથી મોટી સરકારી બોન્ડ ખરીદી નોંધાવી હતી. જેમાં કોર્પોરેટ તરફથી મોટા રોકાણનો પણ સમાવેશ થતો હતો એમ ટ્રેડર્સ જણાવે છે. અગાઉ 15 નવેમ્બર, 2016ના રોજ જોવા મળેલી ખરીદી પછી શુક્રવારે રૂ. 8343 કરોડની સૌથી મોટી ખરીદી નીકળી હતી એમ ક્લિઅરીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે. જેની પાછળ સમગ્ર નવેમ્બરમાં કુલ ખરીદી રૂ. 2 લાખ કરોડને પાર કરી ગઈ હતી. ઓક્ટોબરમાં રૂ. 1.01 લાખ કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાયું હતું.
એક મોટા કોર્પોરેટરે ખાનગી બેંક મારફતે રૂ. 5 હજાર કરોડ આસપાસના બેન્ચમાર્ક પેપરની ખરીદી કરી હોવાનું ટ્રેડર્સનું કહેવું છે. એક ખાનગી બેંકના સિનિયર ટ્રેઝરી અધિકારીના મતે શુક્રવારની ખરીદીમાં એક ક્લાયન્ટની ખરીદનો સમાવેશ થતો હતો તેમ છતાં પ્રાઈવેટ બેંક્સની પોતાની ખરીદીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. કેમકે તેમની પાસે હાલમાં નજીકમાં પાકતી મુદત ધરાવતાં પેપર્સનો નોંધપાત્ર હિસ્સો રહેલો છે. જે નાણાને તેમણે રોકાણ કરવાનું રહે છે એમ તેઓ ઉમેરે છે. આગામી એક મહિનામાં રૂ. 1.7 લાખ કરોડનો ઈનફ્લો બજારમાં પ્રવેશવા તૈયાર છે. કેમકે તેમની પાસે 2023માં 8.83 ટકા, 2023માં 4.56 ટકા અને 2023માં 7.68 ટકાની કૂપન સાથેના પેપર્સ પાકી રહ્યાં છે. આમાંના મોટાભાગના નાણાનું લિક્વિડ પેપર્સમાં ફરીથી રોકાણ કરવાનું રહેશે. જેમાં પાંચ-વર્ષ અને બેન્ચમાર્ક 10-વર્ષ પેપરનો સમાવેશ થતો હશે. સુધરી રહેલી મેક્રોઈકોનોમિક પરિસ્થિતિને કારણે પણ બોન્ડ બાઈંગની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. સીએસબી બેંકના ગ્રૂપ ટ્રેઝરી હેડ આલોક સિંઘના જણાવ્યા મુજબ યુએસ ડેટા નબળો આવવાની શરૂઆત થઈ છે અને ટ્રેઝરી યિલ્ડ્સ ઘટી રહ્યાં છે. જે રેટ વૃદ્ધિની સાઈકલમાં ટોચ બની ચૂકી હોવાનો સંકેત છે. જેને કારણે પણ પ્રાઈવેટ બેંક્સ તરફથી ટ્રેડિંગની કામગીરીમાં વૃદ્ધિ જોવા મળી છે. યુએસ 10-વર્ષના બોન્ડ યિલ્ડ્સ નવેમ્બરમાં 55 બેસીસ પોઈન્ટ્સ જેટલાં ગગડી 4.45 ટકા પર જોવા મળ્યાં હતાં. ટ્રેડર્સના મતે હાલમાં લિક્વિડિટીની સ્થિતિ ટાઈટ હોવાના કારણે આરબીઆઈ તરફથી ડેટ સેલ્સની અપેક્ષાઓ ઓછી છે અને તેથી પણ ખરીદી માટેનું સેન્ટીમેન્ટ સુધર્યું છે. આરબીઆઈએ 10 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સેકન્ડરી માર્કેટમાં બોન્ડ્સનું વેચાણ નહોતું કર્યું. જોકે, તેના અગાઉના 10 સપ્તાહોમાં તેણે રૂ. 18500 કરોડના મૂલ્યના બોન્ડ્સ વેચ્યાં હતાં.

શિયાળુ વાવેતરમાં અત્યાર સુધી 4.7 લાખ હેકટરનો તીવ્ર ઘટાડો
ગઈ સિઝનમાં 16.46 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં માત્ર 11.77 લાખ હેકટરમાં વાવેતર
ઘઉંનું વાવેતર ગઈ સિઝનના 2.82 લાખ હેકટર સામે 1.88 લાખ હેકટરમાં
ચણાનું વાવેતર પણ 3.5 લાખ હેકટર સામે માત્ર 2.31 લાખ હેકટરમાં
રાયડાનું વાવેતર 2.47 લાખ હેકટરની સરખામણીમાં 1.66 લાખ હેકટરમાં
બટાટા, ડુંગળી, ધાણા જેવા પરચૂરણ પાકોનું પણ નીચું વાવેતર
માત્ર જીરું અને વરિયાળીનું વાવેતર ગઈ સિઝન કરતાં ઊંચું જોવાયું
ગુજરાતમાં અત્યાર સુધીમાં રવિ સિઝનનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં ખૂબ નીચું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે 16.46 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં શિયાળુ પાકોનું વાવેતર 11.77 લાખ હેકટરમાં નોંધાયું છે. જે 4.69 લાખ હેકટરનો તીવ્ર ઘટાડો સૂચવે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમા સરેરાશ 44.75 લાખ હેકટર વિસ્તારમાં રવિ વાવેતર જોવા મળ્યું હતું. જોકે, ચાલુ સિઝનમાં શરૂઆતથી જ નીચું વાવેતર જોવા મળી રહ્યું છે. જે દર્શાવે છે કે વર્તમાન સિઝનમાં વાવેતર નોંધપાત્ર નીચું જોવા મળશે. જે માટે પાછોતરા વરસાદના અભાવે જમીનમાં ભેજનો અભાવ તેમજ સિંચાઈની સુવિધાનો અભાવ જવાબદાર છે.
ચાલુ સપ્તાહની શરૂમાં સોમવાર સુધીના વાવેતર આંકડા પર નજર કરીએ તો તમામ મુખ્ય શિયાળુ પાકોના વાવેતરમાં ઘટાડો જોવા મળે છે. જેમાં ઘઉં, ચણા, રાયડો, ડુંગળી, બટાટા, ઘાસચારા અને શાકભાજી પાકોનો સમાવેશ થાય છે. માત્ર જીરું અને વરિયાળી જેવા પાકોનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં ઊંચું જોવા મળી રહ્યું છે. ચણાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 2.31 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 3.5 લાખ હેકટરમાં થઈ ચૂક્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 7.75 લાખ હેકટર વિસ્તારમાં ચણાની વાવણી થઈ હતી. ઘઉંની વાત કરીએ તો માત્ર 1.88 લાખ હેકટરમાં જ વાવેતર જોવા મળે છે. જે ગઈ સિઝનમાં 2.82 લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ લગભગ 94 હજાર હેકટર જેટલું નીચું વાવેતર જોવા મળે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં 13.39 લાખ હેકટર વિસ્તારમાં ઘઉંની વાવણી થઈ હતી. જોકે, રવિ સિઝનનો સવા મહિનો લગભગ પૂરો થવા છતાં વાવેતરમાં વેગ જોવા નથી મળી રહ્યો. જે ખેડૂતોમાં વાવેતરને લઈ ઉદાસીનતા સૂચવે છે. સામાન્ય રીતે 15 ડિસેમ્બર સુધી શિયાળુ પાકોની વાવણી થતી હોય છે. જોકે ઘણું ખરું વાવેતર નવેમ્બરની આખર સુધીમાં થઈ જતું હોય છે.
શિયાળુ તેલિબિયાં એવા રાયડાનું વાવેતર પણ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. રાજ્યમાં સામાન્યરીતે વવાતાં 2.42 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ વર્ષે 1.66 લાખ હેકટરમાં 69 ટકા વિસ્તારમાં વાવણી થઈ ચૂકી છે. ગયા વર્ષે સમાનગાળામાં પાકનું વાવેતર 2.47 લાખ હેકટરમાં જોવા મળતું હતું. શિયાળુ પાકોમાં મહત્વના એવા મસાલા પાક જીરુનું વાવેતર 89 હજાર હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 77 હજાર હેકટરમાં જોવા મળતું હતું. આમ લગભગ 12 હજાર હેકટરમાં ઊંચું વાવેતર નોંધાયું છે. જેનું મુખ્ય કારણ કોમોડિટીના વિક્રમી ભાવો છે. ગયા એક વર્ષમાં જીરુંના ભાવોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને તેને કારણે ચણા અને ઘઉંમાંથી કેટલોક વિસ્તાર જીરુંમાં શિફ્ટ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં 4.21 લાખ હેકટરમાં જીરુંની વાવણી જોવા મળી હતી. ધાણાની વાત કરીએ તો વાવેતર ગઈ સિઝનમાં 96 હજાર હેકટર સામે માત્ર 36 હજાર હેકટરમાં જ નોંધાયું છે. બીજી બાજુ વરિયાળીનું વાવેતર 14 હજાર હેકટર સામે 32 હજાર હેકટરમાં જોવા મળે છે. બે કેશ ક્રોપ બટાટા અને ડુંગળીનું વાવેતર અનુક્રમે 36 હજાર(49 હજાર) અને 23 હજાર(32 હજાર)માં જોવા મળે છે. જ્યારે શાકભાજીનું વાવેતર ગઈ સિઝનના 61 હજાર સામે 49 હજાર હેકટરમાં અને ઘાસચારાનું વાવેતર ગઈ સિઝનના 1.69 લાખ હેકટર સામે 2.04 લાખ હેકટરમાં નોંધાયું છે.

રવિ વાવેતરનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક વર્ષ 2022 વર્ષ 2023
ઘઉં 2.82 1.88
ચણા 3.50 2.31
રાયડો 2.47 1.66
શેરડી 1.05 0.91
જીરું 0.77 0.89
ધાણા 0.96 0.36
ડુંગળી 0.32 0.23
બટાટા 0.49 0.36
શાકભાજી 0.61 0.49
ઘાસચારો 2.04 1.69
કુલ 16.46 11.77

રિલાયન્સ કેપિટલના બોર્ડમાં હિંદુજા જૂથના ડિરેસ્ટર્સને RBIની મંજૂરી
IIHL માટે રૂ. 10000 કરોડના રેઝોલ્યુશન પ્લાનને સેન્ટ્રલ બેંક તરફથી નો-ઓબ્જેક્શન અપાયું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ નાદાર કંપની રિલાયન્સ કેપિટલના બોર્ડમાં ડિરેક્ટર્સ તરીકે હિંદુજા જૂથના પ્રતિનિધિઓને મંજૂરી આપી છે. રિલાયન્સ કેપિટલ માટે હાલમાં ઈન્સોલ્વન્સીની પ્રક્રિયા ચાલુ રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ રિલાયન્સ કેપિટલના બોર્ડમાં ડિરેક્ટર્સ તરીકે અમર ચિન્તોપંથ, શરદચંદ્ર વી ઝારેગાંવકર, મોસેઝ ન્યૂલિંગ હાર્ડિંગ, ભૂમિકા બાત્રા અને અરુણ તિવારીનો સમાવેશ થાય છે. આરબીઆઈએ રિલાયન્સ કેપિટલ માટે IIFL માટે રૂ. 10000 કરોડના રેઝોલ્યુશન પ્લાન માટે નો-ઓબ્જેક્શન પણ આપ્યું હતું. જ્યારપછી નાદાર કંપનીની તમામ સંપત્તિ આઈઆઈએચએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઈઆઈએચએલ બીએફએસઆઈ(ઈન્ડિયા)ને ટ્રાન્સફર કરવામાં આવશે. આરબીઆઈએ રિલાયન્સ કેપિટલના મેનેજમેન્ટમાં પરિવર્તનને ધ્યાનમાં રાખી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે હિંદુજા જૂથ કંપની ઈન્ડસઈન્ડ બેંક સાથે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શનથી દૂર રહેશે. ઉપરાંત, રેઝોલ્યુશન પ્લાનના અમલ પછી કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે આરબીઆઈની આગોતરી મંજૂરી લેવાની રહેશે. તેણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) તરફથી આઈઆઈએચએલના રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતાં આદેશની કોપી પણ આરબીઆઈને રજૂ કરાવવા માટે જણાવ્યું હતું.
હાલમાં આઈઆઈએચએલના રેઝોલ્યુશન પ્લાનની મંજૂરી પેન્ડિંગ છે. કેમકે રિલાયન્સ કેપિટલના લેન્ડર્સ તરફથી યોજવામાં આવેલા બીજા રાઉન્ડના ઓક્શનની સામે ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટની અરજીને લઈ સુપ્રીમ કોર્ટે હજુ નિર્ણય લેવાનો બાકી છે. ચાલુ સપ્તાહે ટોરેન્ટની અરજીને લઈ સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવાની છે. પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ જૂથની કંપની સૌથી ઊંચી બીડર હતી.

ઓપનAIના ભૂતપૂર્વ CEO સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાશે
ટેક જાયન્ટના સીઈઓ સત્ય નાડેલાએ ટ્વિટ મારફતે કરેલી જાહેરાત

ગયા સપ્તાહાંતે ઓપનAIના સીઈઓ પદેથી દૂર કરવામાં આવેલા સેમ ઓલ્ટમેન બિલ ગેટ્સ સ્થાપિત માઈક્રોસોફ્ટમાં જોડાશે તેવી જાહેરાત કંપનીના સીઈઓ સત્યા નાડેલાએ જણાવ્યું છે. ઓલ્ટમેનની સાથે ગ્રેગ બ્રોકમેન તથા ઓપનAIના અન્ય કર્મચારીઓ પણ માઈક્રોસોફ્ટમાં જોડાશે એમ નાડેલાએ નોંધ્યું હતું.
નાડેલાએ X પર એક પોસ્ટમાં નોંધ્યું હતું કે અમે ઓપનAI સાથેની અમારી ભાગીદારીને લઈ પ્રતિબધ્ધ છીએ તેમજ અમને અમારા પ્રોડક્ટ રોડમેપમાં, માઈક્રોસોફ્ટ ઈગ્નાઈટ ખાતે ઈનોવેશનને લઈ અમે કરેલી જહેરાતમાં વિશ્વાસ છે. માઈક્રોસોફ્ટના સીઈઓએ જણાવ્યું હતું કે એમ્મેટ શિઅર અને ઓપનAIની નવી લીડરશીપ ટીમ સાથે કામ કરવાને લઈ તેમજ સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન અને તેમના સહકર્મીઓના માઈક્રોસોફ્ટમાં જોડાવાને લઈ અમે ખૂબ ઉત્તેજિત છીએ. તેઓ માઈક્રોસોફ્ટ ખાતે નવી એડવાન્સ્ડ એઆઈ રિસર્સ ટીમની આગેવાની કરશે. અમે તેમની સફળતા માટે તેમને જરૂરી સંશાધનો ઝડપથી પૂરાં પાડવા તૈયાર છીએ એમ નાડેલાએ ઉમેર્યું હતું. ગયા શનિવારે ઓપનAIના બોર્ડે કંપનીના સીઈઓના પદેથી સેમ ઓલ્ટમેનને દૂર કર્યાં હતાં. જોકે, સપ્તાહાંતે માધ્યમોના અહેવાલો મુજબ કંપનીએ ઓલ્ટમેનને ફરીથી સીઈઓ પદની ઓફર કરી હતી. જોકે, સેમ ઓલ્ટમેને તેઓ ફરીથી ઓપનAIના સીઈઓ નહિ બને તેમ એક ટ્વિટ મારફતે જાણ કરી હતી.

RBIએ બજાજ ફાઈનાન્સની બે ઈ-લેન્ડિંગ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો
કંપનીની ઈકોમ અને ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ પર ડિજિટલ લેન્ડિંગ માર્ગદર્શિકાઓનું પાલન નહિ કરવા બદલ પ્રતિબંધ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બજાજ ફાઈનાન્સની બે પ્રોડક્ટ્સ ‘ઈકોમ’ અને ‘ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ’ હેઠળ નવી લોન્સ ઈસ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કંપની તરફથી આરબીઆઈની ડિજીટલ લેન્ડિંગ ગાઈડલાઈન્સનું પાલન નહિ કરવાને કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં પણ કંપનીએ આ બે પ્રોડક્ટ્સ હેઠળ તેના ગ્રાહકોને કી ફેક્ટ સ્ટેટમેન્ટ્સ(KFS) ઈસ્યુ નહિ કરવાને આરબીઆઈએ ગંભીરતાથી લીધું હતું. કંપની તરફથી કેએફસી ઈસ્યુ કરવામાં નોંધપાત્ર ઊણપો જોવા મળી હતી.
સેન્ટ્રલ બેંકે સપ્ટેમ્બર 2022માં ડિજીટલ લેન્ડિંગ નિયમો જાહેર કર્યાં હતાં. જેનો હેતુ ઈન્સ્ટન્ટ ડિજિટલ પર્સનલ લોન્સ સેગમેન્ટમાં નિતી-નિયમો વિના જોવા મળતાં ઊંચા વૃદ્ધિ દરને અટકાવવાનો તેમજ ગ્રાહકોની સુરક્ષાનો હતો. આ માર્ગદર્શિકાઓમાંની એક જરૂરિયાત લોન લેનારા ગ્રાહકોને કી ફેક્ટ સ્ટેટમેન્ટ્સ(KFS) ઈસ્યુ કરવાની હતી. જે લોન આપતી પહેલાં એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જારી કરવાનું રહે છે. ગેરકાયદેસર લોન એપ્સનો રાફડો ફાટવાને કારણે તેમજ નાના મૂલ્યની ડિજિટલ લોન્સમાં નાદારી વધવાને કારણે ડિજીટલ લોન્સને લઈ આરબીઆઈએ સજાગ બનવું પડ્યું હતું. જેને ગણનામાં લઈ સેન્ટ્રલ બેંકરે કેએફએસની જોગવાઈને ફરજિયાત બનાવી હતી. જેથી કન્ઝ્યૂમર લેન્ડિંગમાં ટ્રાન્સપરન્સીને વધારી શકાય.

ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડી 83.35ની ઓલ-ટાઈમ લો પર
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે તેના ઐતિહાસિક તળિયા પર બંધ રહ્યો હતો. સોમવારે ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડી 83.35ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં છેલ્લાં બે સત્રોથી જોવા મળી રહેલા નેગેટિવ ટ્રેન્ડ પાછળ રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડર્સ જણાવતાં હતાં. ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલીમાં નોંધપાત્ર ઘટાડાં વચ્ચે રૂપિયો નરમાઈ દર્શાવી રહ્યો છે. સોમવારે તે ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં 83.25ની સપાટીએ ખૂલી 83.35ના આજીવન લો પર બંધ રહ્યો હતો. શુક્રવારે તે 83.26ની સપાટીએ બંધ દર્શાવતો હતો. અગાઉ 13 નવેમ્બરના રોજ સપ્તાહ અગાઉ તેણે 83.33નું તળિયું બનાવ્યં હતું.

પ્રાઈવેટ બેંક્સમાં ઊંચા એટ્રીશનને લઈ RBIએ વ્યક્ત કરેલી ચિંતા
નાણા વર્ષ 2022-23માં એચડીએફસીબ બેંકમાં જૂનિયર લેવલ એમ્પ્લોઈઝમાં 40-50 ટકાનું ઊંચું એટ્રીશન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટોચના અધિકારીઓએ પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓના વડા સાથે તેમના કર્મચારીઓમાં અસાધારણ રીતે ઊંચા એટ્રિશનને લઈ ચર્ચા-વિચારણા શરૂ કરી છે. જેમાં ટોચની પ્રાઈવેટ બેંક્સ મુખ્ય છે. આ ઘટનાને નજીકથી જોઈ રહેલાં વર્તુળ જણાવે છે કે નાણા વર્ષ 2022-23માં ટોચની ખાનગી બેંક્સે છેલ્લાં પાંચ વર્ષોની સરેરાશની સરખામણીમાં ઊંચું એટ્રિશન નોંધાવ્યું હતું. જે લાંબાગાળા માટે સેક્ટર માટે સારી બાબત નથી. આરબીઆઈ તરફથી બેંકર્સને મુખ્ય સવાલ તેઓ કેવી રીતે અનુગામી તૈયાર કરી રહ્યાં છે તેમજ ત્રીજા લેયરમાં કેવા પ્રકારની લીડરશીપ ઊભી કરી રહ્યાં છે તે અંગેનો હતો એમ તેઓ ઉમેરે છે.
તાજેતરમાં જ આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે બેંક્સમાંથી કર્મચારીઓનો ઊંચો એટ્રિશન રેટ ચિંતાનું કારણ છે. આરબીઆઈના ટોચના અધિકારીઓએ દિવાળી અગાઉ જ પ્રાઈવેટ બેંક્સના સીઈઓ સાથે આ અંગે મંત્રણા યોજી હોવાનું વર્તુળ જણાવે છે. જો આ ઘટનાને તેના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો 2022-23માં પ્રાઈવેટ બેંક્સમાં સરેરાશ એટ્રિશન રેટ 30-35 ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. એન્ટ્રી લેવલ પર મોટાભાગની પ્રાઈવેટ બેંક્સમાં તે 40-45 ટકા જેટલો ઊંચો નોંધાયો હતો. જ્યારે મીડલ લેવલમાં તે 20-25 ટકા પર જોવા મળ્યો હતો. જે લાંબાગાળા માટે જોવા મળતાં 10-15 ટકાના એટ્રીશન કરતાં ઘણો ઊંચો છે.
વર્તુળોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક તરફથી બેંકર્સને એટ્રીશન માટેનું કારણ પૂછવામાં આવતાં તેમણે આ માટે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમને કારણભૂત ગણાવ્યો હતો. નામ નહિ આપવાની શરતે એક બેંકર જણાવે છે કે આજે બેંકમાં ટેલરની જોબ કે બ્રાન્ચ મેનેજરની જોબ એ ખૂબ જ કષ્ટદાયી બની ગઈ છે. બ્રાન્ચ ખાતે કર્મચારીએ 14-16 કલાક આપવા પડી રહ્યાં છે. તેમની જોબ્સનો મોટો સમય દિવસની કામગીરીના ડોક્યૂમેન્ટેશનમાં જાય છે. આના ઉપર બ્રાન્ચના દરેક કર્મચારી ઉપર સેલ્સ ટાર્ગેટનું દબાણ હોય છે. કોઈ એમબીએ ગ્રેજ્યૂએટ બેંકની એન્ટ્રી લેવલ જોબ કરતાં રિટેલ કંપનીમાં માર્કેટિંગ પ્રોફેશ્નલની જોબ પસંદ કરે છે. આ ઉપરાંત, પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓમાં એન્ટ્રી લેવલ જોબ માટે વેતન પણ નીચું જોવા મળતું હોવાનું એક વર્તુળ જણાવે છે.
એક અન્ય બેંક સીઈઓના મતે બ્રાન્ચ મેનેજર લેવલે જોવા મળતી સમસ્યાઓ અલગ છે. જવાબદારીની વાત આવે છે ત્યારે બ્રાન્ચ મેનેજર એક સીઈઓની સમકક્ષ હોય છે. હાલમાં બેંકિંગ ઉદ્યોગ ‘બીગ ફોર’ મોમેન્ટમાંથી પસાર થઈ રહ્યો છે. જેને જોતાં બેંકર્સે રેગ્યુલેટરને બ્રાન્ચિસ ખાતે તેમના વર્કલોડને સ્ટ્રીમલાઈન કરવા માટેની વિનંતી પણ કરી છે.

પ્રાઈમરી માર્કેટમાં IPOની વણઝાર પાછળ ગ્રે માર્કેટમાં ધમધમાટ
તાતા ટેક્નોલોજીના શેર માટે ઓફરભાવ સામે 70 ટકાનું પ્રિમીયમ
સરકારી સાહસ ઈન્ડિયન રિન્યૂએબલમાં 23 ટકાનું પ્રિમીયમ

સેકન્ડરી માર્કેટમાં કોન્સોલિડેશન વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં ફંડ એકત્ર કરવાની લાઈન લાગી છે. ચાલુ સપ્તાહે દિવાળી પછી કંપનીઓ ફરીથી આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવા તૈયાર છે ત્યારે ગ્રે-માર્કેટમાં પણ ધમધમાટ જોવા મળ્યો છે. જેમાં આઈપીઓના ઓફરભાવથી 70 ટકા સુધીનું પ્રિમીયમ મળી રહ્યું હોવાનું જાણવા મળે છે.
અગાઉ 2021માં આઈપીઓ વખતે માર્કેટમાં આ કક્ષાએ કામકાજ જોવા મળતાં હતાં. કેમકે ત્યારપછી માર્કેટમાં એકસાથે ક્યારેય આટલી મજબૂત આઈપીઓ પાઈપલાઈન જોવા મળી નહોતી. તેમજ, માર્કેટમાં આઈપીઓની ક્વોલિટી પણ હાલ જેટલી સારી નહોતી જળવાતી એમ વર્તુળોનું કહેવું છે. તેમના મતે એક સપ્તાહમાં રૂ. 7500 કરોડની રકમ ઉઘરાવવા કંપનીઓ આવી રહી છે. જેમાંથી રૂ. 3000 કરોડથી વધુ તાતા ટેક્નોલોજીસ લઈ જશે. ગ્રે-માર્કેટ તાતા ટેક્નોલોજીના શેર પર 70 ટકાનું પ્રિમીયમ સૂચવી રહ્યું છે. કંપનીના રૂ. 475-500ના ઓફરભાવ સામે ગ્રે-માર્કેટ રૂ. 800ના ભાવે લિસ્ટીંગ જોઈ રહી છે. આમ રૂ. 300-325નો લાભ મળવાની શક્યતાં છે. ગાંધાર ઓઈલના શેરને લઈને પણ 34 ટકાનું પ્રિમીયમ જોવા મળી રહ્યું છે. જયારે સરકારી સાહસ ઈન્ડિયન રિન્યૂએબલના શેર માટે 23 ટકા પ્રિમીયમ મળે છે. સ્ટેશનરી કંપની ફ્લેટ રાઈટિંગના શેરને લઈ ગ્રે-માર્કેટ 22 ટકાનું પ્રિમીયમ દર્શાવે છે. જોકે, ફેડરલ બેંકની સબસિડિયરી ફેડબેંક ફાઈનાન્સિયલને લઈ ગ્રે-માર્કેટ માત્ર 4 ટકાનું પ્રિમીયમ સૂચવે છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ
કંપની ઓફરભાવ સામે પ્રિમીયમ(રૂ.) ઓફરભાવ સામે પ્રિમીયમ(ટકામાં)
તાતા ટેકનોલોજી 347 70
ગાંધાર ઓઇલ 57 34
ઇન્ડિયન રિન્યૂએબલ 7.5 23
ફ્લેર રાઇટિંગ 67 22
ફેડબેંક ફાઇનાન્સિયલ 5 4

કોર્પોરેટ હેડલાઈન્સ

સિપ્લાઃ ટોચની ફાર્મા કંપની સિપ્લાને તેના પીઠમપુર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટને લઈને યુએસ રેગ્યુલેટર એફડીએ તરફથી વોર્નિંગ લેટર પાઠવવામાં આવ્યો છે. યુએસએફડીએએ 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી 2023 સુધી પ્લાન્ટ ખાતે ધરેલા ઈન્સ્પેક્શનના સંદર્ભમાં આ નોટિસ ઈસ્યુ કરાઈ છે. આ ચેતવણી ગુડ મેન્યૂફેક્ચરિંગ પ્રેકટિસિસ સંબંધી નિયમોને લઈને પાઠવાઈ છે. જેમાં જરૂરી સુધારા-વધારા માટે પણ નિર્દેશો કરવામાં આવ્યાં છે. કંપનીએ નિર્ધારિત સમયમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે.
એનએમડીસીઃ સરકારી ખનીજ સાહસ ગ્રાહકોની જરૂરિયાત મૂજબની પ્રોડક્ટ્સ ડિલિવર કરવા માટેનું વિચારી રહી છે. આ માટે તેણે મેકેન્ઝી એન્ડ કંપની અને ડેલોઈટની કન્સલ્ટન્સ્ટ તરીકે નિમણૂંક કરી છે. આ માટે કંપની ચાલુ નાણાકિય વર્ષની આખર સુધીમાં માર્કેટિંગ પોલીસી રજૂ કરશે. કંપની દેશમાં સૌથી મોટી આયર્ન ઓરની ઉત્પાદક છે. જે હાલમાં વિવિધ વર્ગના ગ્રાહકો પર ફોકસ કરી રહી છે. 65-વર્ષ જૂની નવરન્ત પીએસયૂ કંપની કોપર, રોક ફોસ્ફેટ, લાઈમસ્ટોન અને મેગ્નેસાઈટ, ડાયમંડ, ટંગસ્ટનનું ઉત્પાદન પણ ધરાવે છે.
સ્પાઈસજેટઃ દિલ્હી હાઈકોર્ટે લો-કોસ્ટ એરલાઈનના સીએમડી અજય સિંઘ સામે કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ કાઢ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કોર્ટ તરફથી તેમની સામે આ બીજું સમન્સ છે. અગાઉ ઓગસ્ટ 2023માં કોર્ટે સિંઘને હાજર રહેવા જણાવ્યું હતું. સોમવારે રજૂ કરેલા સમન્સ મુજબ હવે તેમણે 10 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવું પડશે. જે દિવસે કંપની અને કલાનિધિ મારન વચ્ચેના કેસની સુનાવણી રાખવામાં આવી છે. સ્પાઈસજેટે મારનને રૂ. 440 કરોડ ચૂકવવાના છે.
એબીબીઃ એન્જીનીયરીંગ કંપનીએ ભારતમાં મેટ્રો પ્રોજેક્ટ્સ માટે ટીટાગઢ રેલ સિસ્ટમ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની રચના કરી છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યા મુજબ સરકારનr ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ આ ભાગીદારી હાથ ધરવામાં આવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage