Market Summary 20 August 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મંદીવાળાઓ જોઈએ તેવા ફાવ્યાં નહિ
વૈશ્વિક બજારોમાં ગુરુવાર અને શુક્રવાર મળીને 3-4 ટકા ઘટાડા સામે ભારતીય બજારે શુક્રવારે સારો દેખાવ જાળવ્યો હતો. એશિયન બજારોમાં હોંગ કોંગ, કોરિયામાં 1-2 ટકાના વધુ ઘટાડા વચ્ચે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી 0.71 ટકાના સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યો હતો. તે 16376નું તળિયું બનાવ્યા બાદ 16451ના સ્તરે બંધ આવ્યો હતો. વ્યક્તિગત શેર્સમાં મેટલ્સને બાદ કરતાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી 1.46 ટકા તૂટ્યો હતો.
બજારમાં 9 ટકા કરેક્શનની શક્યતાઃ બોફા
ભારતીય શેરબજારમાં ટૂંકમાં 9 ટકા કરેક્શનની શક્યતા હોવાનું યુએસ બ્રોકિંગ કંપની બોફાએ જણાવ્યું છે. તેના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક સત્રોમાં ઝડપી સુધારા બાદ બજારમાં વધુ સુધારાની જગ્યા નથી. ગયા બુધવારે સેન્સેક્સે 56000ની સપાટી દર્શાવી હતી. જ્યારે નિફ્ટે 16700નું સ્તર હાંસલ કર્યું હતું. બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ ઈન્ડિયાના એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ ડિસેમ્બર સુધીમાં નિફ્ટીમાં અમે 15000નું ટાર્ગેટ જોઈ રહ્યાં છીએ. જે વર્તમાન સ્તરેથી 9 ટકા ઘટાડો સૂચવે છે. ભારતીય બજારે છેલ્લાં 73 સપ્તાહમાં 118 ટકાનો સુધારો દર્શાવ્યો છે. રિપોર્ટમાં નોંધ્યું છે કે અગાઉ તેજી અને મંદીનું બજાર 75 સપ્તાહનું જોવા મળ્યું છે. જેણે સરેરાસ 106 ટકાનું રિટર્ન પૂરું પાડ્યું છે. આવી તેજી બાદ બજાર ચાર મહિનામાં 30 ટકા જેટલું કરેક્ટ થયું છે.
NCDEX ટૂંકમાં જ NSEમાં મર્જ થવાની શક્યતા
દેશમાં સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ એનએસઈ ટૂંક સમયમાં જ એગ્રી પ્રોડક્ટ્સમાં અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સને ખરીદી લે તેવા અહેવાલ છે. હાલમાં બંને પ્લેટફોર્મ્સ વચ્ચેની વાતચીત આખરી તબક્કામાં જોવા મળી રહી છે. જાણકારોના મતે રૂ. 900-1000 કરોડના એન્ટરપ્રાઈઝ વેલ્યૂએશન પર આ ડીલ થવાની સંભાવના છે. એનસીડેક્સનું મૂળ પ્રમોટર એનએસઈ હતું અને આજે પણ તે કોમેક્સનો 15 ટકા હિસ્સો ધરાવે છે. વર્તુળોના જણાવ્યા મુજબ એનસીડેક્સના એક સિનિયર અધિકારી ડીલના ભાગરૂપે એનએસઈ ખાતે ડેપ્યૂટી એમડીનો હોદ્દો માગી રહ્યાં છે. એ વાત ઉલ્લેખનીય છે કે સેબીએ અગાઉ એનસીડેક્સને આઈપીઓ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપેલી છે. જોકે એનએસઈ સાથે મર્જરની શક્યતા જોતાં આઈપીઓની યોજનાનો અર્થ રહેતો નથી. અગાઉ એનએસઈ અને એમસીએક્સ મર્જર માટેની શક્યતા ચકાસી રહ્યાં હતાં. જોકે સેબીએ આ ડિલમાં અનેક રેગ્યુલેટરી અવરોધો જોતાં આમ થઈ શક્યું નથી.
રિન્યૂએબલ એનર્જિ ક્ષેત્રે 6.6 અબજ ડોલરનો ફ્લો જોવાયો
દેશમાં રિન્યૂએબલ એનર્જિ ક્ષેત્રે રોકાણમાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે. એપ્રિલ-જુલાઈ 2021 સુધીના ચાર મહિનામાં જ રિન્યૂએબલ ક્ષેત્રે 6.6 અબજ ડોલરનું કુલ રોકાણ જોવા મળ્યું છે. ઈન્સ્ટીટ્યુટ ફોર એનર્જી ઈકોનોમિક્સ એન્ડ ફાઈનાન્સિયલ એનાલિસિસએ જણાવ્યા મુજબ ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ રિન્યૂએબલ ક્ષેત્રે કુલ રોકાણ 2020-21ના 6.4 અબજ ડોલરને પાર કરી ગયું છે અને તે 2019-20ના 8.4 અબજ ડોલરના રોકાણને પાર કરવા તરફ આગળ વધી રહ્યું છે. રોકાણમાં મોટો હિસ્સો એક્વિઝીશન્સનો છે. જેને કારણે મૂડી નવા પ્રોજેક્ટ્સમાં જતી જોવા મળી છે. ગયા નાણા વર્ષ અને ચાલુ વર્ષના ચાર મહિના દરમિયાન કુલ 30 મોટા ડિલ્સમાં સોફ્ટ બેંકે અદાણી ગ્રીન એનર્જિમાંથી લીધેલી એક્ઝિટ સૌથી મોટું ડિલ હતું. બેંકે 3.5 અબજ ડોલરની એસેટ્સનું વેચાણ કર્યું હતું.

FMCG કાઉન્ટર્સે બજારને તીવ્ર ઘટાડાથી બચાવ્યું
નિફ્ટી એફએમસીજી 2.3 ટકા વૃદ્ધિ સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો

વૈશ્વિક શેરબજારોમાં ગુરુવારે તીવ્ર ઘટાડા વખતે રજાને કારણે બંધ ભારતીય બજાર શુક્રવારે તીવ્ર ઘટાડો દર્શાવે તેવી પૂરી શક્યતા હતી. તેમાં પણ એશિયન બજારોમાં શુક્રવારે પણ નોંધપાત્ર ઘટાડો જોતાં સ્થાનિક બજાર ઊંધા માથે પટકાઈ શક્યું હોત. જોકે એફએમસીજી શેર્સે બજારને સમયસર સપોર્ટ પૂરો પાડ્યો હતો અને બજાર એક ટકાથી પણ નીચા ઘટાડે બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 0.71 ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો.
નિફ્ટી એફએમસીજી 2.27 ટકા સુધરી 38596ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 38741ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. ઈન્ડેક્સના મહત્વના ઘટકોમાં હિંદુસ્તાન યુનિલીવર 5.36 ટકાના ઉછાળે રૂ. 2619 પર બંધ જોવા મળ્યો હતો. કાઉન્ટરે ઈન્ટ્રા-ડે રૂ. 2630ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. કંપનીનો શેર ઓપનીંગમાં નરમ ખૂલ્યાં બાદ સતત સુધરતો રહ્યો હતો અને જોતજોતામાં 5 ટકાથી વધુ સુધરી ચૂક્યો હતો. કંપની રૂ. 6 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરવામાં પણ સફળ રહી હતી અને શેરબજારમાં આવી પાંચમી કંપની બની હતી. અન્ય એફએમસીજી કાઉન્ટર્સમાં બ્રિટાનિયા(5 ટકા), નેસ્લે(3.5 ટકા), ગોદરેજ કન્ઝ્યૂમર(2.8 ટકા), મેરિકો(3 ટકા) અને ડાબર(2.4 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. નેસ્લે, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યૂમરના શેર્સે તેમની નવી ટોચ દર્શાવી હતી. જ્યારે ગોદરેજ કન્ઝ્યૂમરનો શેર પણ તેની નવી ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપ પર બંધ રહ્યો હતો. એફએમસીજી હેવીવેઈટ આઈટીસીનો શેર્સ જોકે દિવસ દરમિયાન પોઝીટીવ જળવાયા બાદ આખરે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. એફએમસીજી ઈન્ડેક્સમાં સમાવિષ્ટ લીકર ઉત્પાદક કંપનીઓના શેર્સ પણ તેજીમાં જોડાયાં નહોતાં અને 2 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં.
શુક્રવારના સુધારા સાથે એફએમસીજી ઈન્ડેક્સ સપ્તાહમાં 5 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે એક મહિનામાં તે 6.5 ટકા જેટલો સુધરી ચૂક્યો છે. અગ્રણી એનાલિસ્ટ્સ અગ્રણી એફએમસીજી શેર્સમાં હજુ પણ ઊંચા સ્તરો જોઈ રહ્યાં છે. જેમાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે હિંદુસ્તાન યુનિલીવર માટે રૂ. 2750નો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે શેરખાને કાઉન્ટર માટે રૂ. 2790નો ટાર્ગેટ રાખ્યો છે. એક અન્ય બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલના મતે એચયૂએલનો શેર રૂ. 2830 સુધીનો સુધારો દર્શાવી શકે છે. બ્રિટાનિયા માટે શેરખાને રૂ. 4200નો જ્યારે મોતીલાલ ઓસ્વારે રૂ. 4575નો ટાર્ગેટ આપ્યો છે.

એફએમસીજી શેર્સનું આઉટપર્ફોર્મન્સ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં)
HUL 5.4
બ્રિટાનિયા 4.71
નેસ્લે 3.5
ગોદરેજ કન્ઝ્યૂમર 2.8
મેરિકો 2.8
ડાબર ઈન્ડિયા 2.4
વરુણ બેવરેજિસ 2.0









આયર્ન ઓરના ભાવમાં કડાકા પાછળ મેટલ ઈન્ડેક્સ 7 ટકા પટકાયો
ગુરુવારે વૈશ્વિક બજારમાં આયર્ન ઓરના સ્પોટ ભાવમાં 14 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો
શુક્રવારે એનએમસીડીનો શેર 10 ટકા અને વેદાંતનો શેર 9 ટકા તૂટ્યો જ્યારે ટાટા સ્ટીલ 8 ટકા તૂટ્યો

વૈશ્વિક બજારમાં આયર્ન ઓરના ભાવમાં ગુરુવારે તીવ્ર કડાકા પાછળ સ્થાનિક બજારમાં કોમોડિટી ઉત્પાદક સહિત તમામ મેટલ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ શુક્રવારે અગાઉના બંધ સામે 7 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે વ્યક્તિગત મેટલ કાઉન્ટર્સમાં 10 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
ચીન સરકાર તરફથી જટિલ બની રહેલી પોલિસીને જોતાં આયર્ન ઓરના ભાવમાં ગુરુવારે સ્પોટ બજારમાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો 14 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે એક સમયે સૌથી હોટ ગણાતી કોમોડિટીના ભાવમાં ફ્યુચર્સ માર્કેટમાં પાંચ સપ્તાહથી નરમાઈ જોવા મળી રહી હતી. મે મહિનાના વિક્રમી સ્તરેથી અત્યાર સુધીમાં તે 40 ટકા જેટલો ઘટાડો દર્શાવી ચૂક્યો છે. ચીને સ્ટીલ ઉત્પાદકો પર પ્રદૂષણને ઓછુ કરવા મુદ્દે લાગેલા પ્રતિબંધો બાદ મુખ્ય રો-મટિરિયલ એવા આયર્ન ઓરમાં નેગેટિવ ટ્રેન્ડ ચાલુ થયો હતો.
કાચી ધાતુના વપરાશને લઈને જોવા મળી રહેલી અનિશ્ચિતતા પાછળ ભાવમાં કરેક્શન જોવા મળ્યું છે. ચીન ખાતે ઓયર્ન ઓરની માગ ઘટી છે. જોકે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર ત્યાં આર્થિક વૃદ્ધિ દરને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ વળશે. વૈશ્વિક બજારમાં 62 ટકા ઓર ધરાવતાં બેન્ચમાર્ક સ્પોટ રેટ 14 ટકા તૂટ્યાં હતાં. જોકે સિંગાપુર ખાતે શુક્રવારે ફ્યુચર્સ 5.9 ટકા ઉછળી 138.30 ડોલર પ્રતિ ટન પર જોવા મળ્યો હતો. ગુરુવારે તેણે 12 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો અને ડિસેમ્બર 2020 પછીના નીચા સ્તરે જોવા મળ્યો હતો.
સ્થાનિક બજારમાં મુખ્ય આયર્ન ઓર ઉત્પાદક એનએમડીસીનો શેર 9.55 ટકા ગગડી રૂ. 151ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યારે વેદાંત 9.01 ટકા તૂટી રૂ. 269.25 પર ટ્રેડ થયો હતો. ઓર વપરાશકારોના શેર્સમાં પણ ઊંચો ઘટાડો નોંધાયો હતો. જેમાં ટાટા સ્ટીલ(9 ટકા), જિંદાલ સ્ટીલ(8 ટકા), સેઈલ(7 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(7 ટકા), નાલ્કો(7 ટકા), હિંદુસ્તાન કોપર(7 ટકા), હિંદાલ્કો(5 ટકા) અને હિંદુસ્તાન ઝીંક(4 ટકા)નો સમાવેશ થતો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ અગાઉના 5703ના બંધ સામે 367 પોઈન્ટ્સ તૂટી 5336 પર બંધ રહ્યો હતો. મેટલ ઈન્ડેક્સમાં માર્ચ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના મતે મેટલ ક્ષેત્રે લોંગ-ટર્મ ટ્રેન્ડ બુલીશ જ છે. વૈશ્વિક કારણોને લીધે શેર્સમાં નરમાઈ જોવા મળી છે. છેલ્લાં બે ક્વાર્ટરમાં કંપનીઓએ જબરદસ્ત દેખાવ દર્શાવ્યો છે અને તેની પાછળ શેર્સના ભાવમાં પણ તીવ્ર સુધારો નોંધાયો છે. આગામી ક્વાર્ટર્સમાં પણ માગ ઊંચી જળવાશે અને ભારતીય ઉત્પાદકોને વિશ્વમાં સૌથી સસ્તાં હોવાને કારણે નોંધપાત્ર લાભ મળશે. તેઓ ઘટાડે મેટલ શેર્સમાં ખરીદીની ભલામણ કરી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage