Market Summary 20 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


બજેટ પૂર્વે મંદીવાળાઓની પકડ મજબૂત બનતાં ત્રીજા દિવસે ઘટાડો
નિફ્ટી 17700ના મહત્વના સપોર્ટ નજીક ટ્રેડ થયો
એશિયન બજારોમાં 3.42 ટકા સુધીના ઉછાળા વચ્ચે ભારતીય બજારમાં રકાસ
આઈટી, ફાર્મા, એફએમસીજી જેવા ડિફેન્સિવ સેક્ટર્સમાં ભારે વેચવાલી
મેટલ અને પીએસયૂ શેર્સમાં અન્ડરટોન મક્કમ
છેલ્લાં ત્રણ દિવસોમાં સૌથી સારી માર્કેટ-બ્રેડ્થ જોવાઈ

ભારતીય શેરબજારમાં મંદીની હેટ્રીક જોવા મળી હતી. વૈશ્વિક શેરબજારોમાં બાઉન્સથી વિપરીત સ્થાનિક બજારમાં વેચવાલી આગળ વધી હતી અને બેન્ચમાર્ક્સ તેમના સપોર્ટ સ્તર પર પહોંચી ઘટતાં અટક્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી 181.40 પોઈન્ટ્સના ઘટાડે 17757ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 634.20 પોઈન્ટ્સના ઘટાડે 59464.62 પર બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સમાં બીજા દિવસે કોઈ મોટો ફેરફાર નહોતો જોવા મળ્યો અને તે 0.17 પોઈન્ટ્સ ઘટી 17.79 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 35 નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 15 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું.
નવા કેલેન્ડરમાં ભારતીય બજારે પ્રથમવાર વૈશ્વિક બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. એશિયન બજારોમાં હોંગ કોંગ બજાર 3.42 ટકાનો છેલ્લાં ઘણા મહિનાઓના સૌથી મોટા ઉછાળા સાથે બંધ જોવા મળ્યું હતું. જાપાન અને કોરિયાના બેન્ચમાર્ક્સ પણ 1.11 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે ભારતીય બજારે સતત ત્રીજા દિવસે એક ટકાથી વધુ ઘટાડો નોંધાવ્યો હતો. બુધવારે યુએસ બજારો પણ સતત ત્રીજા દિવસે નરમ જળવાયા હતાં. જેની અસર સ્થાનિક બજાર પર જળવાય હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લાં ચારેક સત્રો દરમિયાન ઊંચી વેચવાલી દર્શાવી છે. બુઘવારે સ્થાનિક ફંડ્સ પણ એફઆઈઆઈ સાથએ વેચવાલ જોવા મળ્યાં હતાં. આમ એફઆઈઆઈની વેચવાલીને પચાવવા માટે બજારમાં અવકાશ પ્રવર્તી રહ્યો છે.
ગુરુવારે જોકે માર્કેટ-બ્રેડ્થ છેલ્લાં ત્રણ દિવસોમાં સૌથી સારી રહી હતી. આમ મીડ અને સ્મોલ-કેપ્સમાં નીચા સ્તરે વેચવાલીનો અભાવ જોવા મળી રહ્યો હતો. બીએસઈ થાતે 3484 કાઉન્ટર્સમાંથી 1678 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1727 કાઉન્ટર્સે નેગેટિવ બંધ રહ્યા હતાં. 383 કાઉન્ટર્સ ઉપર સર્કિટ્સમાં જ્યારે 310 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટ્સમાં બંધ જળવાયાં હતાં. ખરાબ માર્કેટમાં પણ 342 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જેની સામે માત્ર 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું બોટમ નોંધાવ્યું હતું. નિફ્ટી ખાતે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો નજીવા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ્સમાં ડિફેન્સિવ સેક્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી આઈટી બુધવારે 2 ટકાથી વધુ ઘટાડા બાદ સતત બીજા દિવસે 1.66 ટકા તૂટ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ પણ 1.66 ટકાનો ઘટાડો સૂચવતો હતો. જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ 1.15 ટકા ડાઉન બંધ રહ્યો હતો. મેટલ અને પીએસઈ સૂચકાંકોમાં અડધા ટકાનો સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ સેગમેન્ટમાં ખરીદી ચાલુ રહી હતી અને નિફ્ટી કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ઈન્ડેક્સ 3.91 ટકા ઉછળી 29752.95ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. બાટા ઈન્ડિયા, વ્હર્લપુલ અને વી-ગાર્ડમાં ખરીદી પાછળ કન્ઝ્યૂમર સેગમેન્ટમાં મજબૂતી જોવા મળી હતી.


શેરબજારમાં મંદીની હેટ્રીકઃ સેન્સેક્સ 60 હજાર નીચે
ત્રણ ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોએ રૂ. 6.81 લાખ કરોડ ગુમાવ્યાં

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે રોકાણકારોની વેચવાલી જળવાતાં બેન્ચમાર્ક સેન્સેક્સ 60 હજારની સપાટીની નીચે ઉતરી 59464 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 181 પોઈન્ટ્સ ગગડ્યો હતો. વૈશ્વિક બજારોમાં સ્થિરતા છતાં ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ નરમ જળવાયુ હતું અને બજારમાં બાઉન્સ જોવા મળી શક્યું નહોતું. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં સેન્સેક્સમાં 1844.20 પોઈન્ટ્સનો જ્યારે નિફ્ટીમાં 551.10 પોઈન્ટસનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે રોકાણકારોની વેલ્થમાં રૂ. 6.81 લાખ કરોડનું ગાબડું પડ્યું હતું અને તે રૂ. 283.21 લાખ કરોડ પર જોવા મળી હતી. યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં સતત વૃદ્ધિ વચ્ચે રોકાણકારો સાવચેતી દાખવી રહ્યાં છે. બજારની નજર આગામી સપ્તાહે મળનારી ફેડની બેઠક પર છે. જેમાં રેટ વૃદ્ધિની શક્યતાં જોવામાં આવે છે. જોકે તેમ છતાં વૈશ્વિક બજારોમાં બુધવારે મોડી સાંજે ગોલ્ડમાં ઉછાળો નોંધાયો હતો અને તે 1840 ડોલરના અવરોધને પાર કરી ગયું હતું. જેને જોતાં હવે ગોલ્ડમાં 1880 ડોલર સુધીનો ઝડપી ઉછાળો એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. ગોલ્ડમાં સુધારાનું મુખ્ય કારણ જીઓપોલિટીકલ રિસ્ક હોવાનું માનવામાં આવે છે. જેને કારણે ડોલર સાથે ગોલ્ડ પણ મજબૂતી દર્શાવી રહ્યું છે. સામાન્યરીતે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળતો હોય છે.

MF માટે વિદેશી રોકાણ મર્યાદાને બમણી કરવામાં આવે તેવી શક્યતાં
માર્કેટ રેગ્યુસેટર સેબી ઉદ્યોગવાર મર્યાદાને 7 અબજ ડોલર પરથી વધારી 12-15 અબજ ડોલર કરી શકે

સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ માટે વિદેશબજારમાં રોકાણની વર્તમાન મર્યાદાને બમણી કરવા માટે વિચારણા કરી રહી છે. માર્કેટ રેગ્યુલેટરનું આ પગલું નાગરિકોને તેમના રોકાણના વૈવિધ્યીકરણ માટે સહાયરૂપ બની શકે છે.
વર્તુળોના જણાવ્યા અનુસાર સેબી ઉદ્યોગવાર વર્તમાન સાત અબજ ડોલરની રોકાણ મર્યાદાને વધારીને 12 અબજ ડોલર અથવા 15 અબજ ડોલર કરવાનો ઈરાદો ધરાવે છે. જોકે હજુ આ અંગે આખરી નિર્ણય લેવામાં વાર લાગશે. સેબીની આ વિચારણા પાછળ સ્થાનિક ફંડ હાઉસિસમાં વિદેશી એસેટ્સમાં રોકાણનું વધી રહેલું વલણ છે. હાલમાં જોકે વર્તમાન 7 અબજ ડોલરની મર્યાદાનો સંપૂર્ણપણે ઉપયોગ થવાનો બાકી છે. જોકે કેટલાંક ખેલાડીઓ વ્યક્તિગત ફંડ હાઉસિસ માટે નિર્ધારિત મર્યાદાને સ્પર્શવાની નજીક પહોંચી ગયા છે અને તેથી તેઓ આ મર્યાદામાં વૃદ્ધિ થાય તેમ ઈચ્છી રહ્યાં છે. આ જ કારણથી મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ તેની ત્રણ ઈન્ટરનેશનલ સ્કીમ્સમાં લમ-સમ સબસ્ક્રિપ્શન બંધ કર્યું છે. તેણે ઓવરસિઝ ઈન્વેસ્ટમેન્ટ લિમિટ્સના પાલન માટે આમ કરવું પડ્યું છે. ફંડે તેના રોકાણકારોની સાથે કોમ્યુનિકેશનમાં જણાવ્યું હતું કે ત્રણ વિદેશી ફંડ્સમાં લમ-સમ રોકાણ મોકૂફી ટૂંકા સમયગાળા માટે છે અને અમે ઉદ્યોગ ક્ષેત્રે અન્ય લોકો સાથે મળીને રેગ્યુલેટરને વિદેશમાં રોકાણ માટેની મર્યાદાને વધારવા માટે સમજાવી રહ્યાં છીએ. રેગ્યુલેટર વિદેશી એસેટ્સમાં રોકાણની લિમિટ્સ વધારશે એવી આશા છે એમ તેઓ જણાવે છે. જોકે ઉદ્યોગ વર્તુળોના મતે સેબી આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે આ અંગે ચર્ચા-વિચારણા કર્યાં બાદ જ નિર્ણય લઈ શકે છે. તેમના સેબી ઉદ્યોગ માટે રોકાણ મર્યાદા વધારવા ઉપરાંત પ્રતિ ફંડ હાઉસ મર્યાદાને પણ એક અબજ ડોલરથી વધારવાની જરૂર છે. રોકાણકારો તરફથી ઈન્ટરનેશનલ ફંડ્સમાં ઊંચા પાર્ટિસિપેશનને જોતાં આમ થવું જરૂરી બન્યું છે. સેબીએ જૂન 2021માં સમગ્ર ઉદ્યોગ માટે 7 અબજ ડોલરની કુલ મર્યાદામાં પ્રતિ ફંડ હાઉસ માટે વિદેશમાં રોકાણ મર્યાદાને 60 કરોડ ડોલર પરથી વધારી એક અબજ ડોલર કરી હતી. આમાં એક અબજ ડોલરમાંથી સિંગલ ઓવરસીઝ ઈટીએફમાં મહત્તમ 30 કરોડ ડોલરનું રોકાણ કરી શકાય છે. જોકે એક વર્ગ માને છે કે વિદેશમાં રોકાણની મર્યાદામાં વૃદ્ધિ ફોરેક્સ સંબંધી પડકારો ઊભા કરી શકે છે અને તેથી સેબી પૂરતી વિચારણા બાદ જ નિર્ણય લેશે.


HULના નફામાં ત્રીજા ક્વાર્ટરમાં 17 ટકાનો ઉછાળો નોંધાયો
એફએમસીજી જાયન્ટ હિંદુસ્તાન યુનિલીવરે ડિસેમ્બર ક્વાર્ટરમાં 17 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 2243 કરોડનો ચોખ્ખો નફો નોઁધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1921 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક 10.2 ટકા વધી રૂ. 13183 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 11959 કરોડ પર રહી હતી. કંપનીના એબિટા માર્જિનમાં વાર્ષિક ધોરણે 100 બેસીસ પોઈન્ટ્સનો સુધારો નોંધાયો હતો અને તે 25.4 ટકા પર રહ્યું હતું. કંપનીના હોમ કેર બિઝનેસમાં 23 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ફેબ્રિક વોશ અને હાઉસહોલ્ડ કેરમાં પણ ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. બ્યૂટી એન્ડ પર્સનલ કેર બિઝનેસ 7 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટમાં 3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

ડોલર સામે રૂપિયામાં 7 પૈસાની નરમાઈ
ભારતીય ચલણે ડોલર સામે સતત બીજા દિવસે ઘટાડો દર્શાવ્યો હતો. બુધવારે 74.44ના સ્તરે બંધ રહેલો રૂપિયો 74.43ના સ્તરે સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ વધુ સુધારે 74.29ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાંથી ગગડી 74.53ના તળિયા પર ટ્રેડ થઈ 74.51 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીને કારણે પણ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં સેન્ટીમેન્ટ નરમ જોવા મળતું હતું. માર્કેટની નજર આગામી સપ્તાહે મળનારી યુએસ ફેડની બેઠક પર છે.

વૈશ્વિક બજારો પાછળ સોનુ-ચાંદીમાં અન્ડરટોન મજબૂત
બુધવારે મોડી સાંજે વૈશ્વિક બજારોમાં ઓચિંતી લેવાલી પાછળ બુલિયનના ભાવમાં મહત્વનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. જેમાં કોમેક્સ ગોલ્ડ વાયદો 1840 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જેની પાછળ એમસીએક્સ ખાતે પણ સોનુ રૂ. 48 હજારના અવરોધને કૂદાવી ગયું હતું. જોકે ગુરુવારે સોનુ વધુ સુધારો દર્શાવી શક્યું નહોતું અને કોન્સોલિડેશનમાં જોવા મળ્યું હતું. ફેબ્રુઆરી વાયદો રૂ. 23ના સાધારણ સુધારે રૂ. 48405ના ભાવે ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર્સ રૂ. 143ના સુધારે રૂ. 64548ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એનાલિસ્ટ્સ ચાંદીમાં આઉટપર્ફોર્મન્સની શક્યતાં જોઈ રહ્યાં છે. જેની પાછળ તે રૂ. 67 હજારનો ટાર્ગેટ મૂકી રહ્યાં છે.

મજબૂત માગ પાછળ કોટન ખાંડી રૂ. 77 હજારની નવી ટોચ પર
મહારાષ્ટ્રમાં પ્રિમીયમ માલોના રૂ. 78 હજાર બોલાયા, એમસીએક્સ વાયદો પણ રૂ. 78 હજાર
ન્યૂ યોર્ક કોટન વાયદો 124.76 સેન્ટ પ્રતિ પાઉન્ડની 11 વર્ષોની ઊંચાઈએ
ખેડૂતોનો લોભ વધતાં રૂ. 2050ના મણના ભાવે પણ માલ પકડી રાખવાનું વલણ

લગભગ પખવાડિયા સુધી કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ કોટનના ભાવ ફરી તેજી તરફી બન્યાં છે. ગુજરાત બજારોમાં ગુરુવારે કોટન ખાંડી રૂ. 76500-77000ના ભાવે બોલાતી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં પ્રિમીયમ માલના ભાવ રૂ. 78 હજાર પર જોવા મળતા હતાં. એમસીએક્સ વાયદાએ સવારમાં રૂ. 3740ની ટોચ દર્શાવી હતી. એટલેકે તે રૂ. 78 હજારના ભાવે ટ્રેડ થયો હતો. વૈશ્વિક બજારમાં ન્યૂ યોર્ક કોટન વાયદો 124.76 સેન્ટ્સની 11 વર્ષોની ટોચ દર્શાવી પ્રોફિટ બુકીંગ પાછળ 123.10 સેન્ટ્સ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સોમવારથી ગુરુવાર સુધીના ચાર દિવસોમાં કોટનના ભાવમાં રૂ. 3 હજારથી 3500ની તેજી જોવા મળી હોવાનું વર્તુળો જણાવે છે. જેના મુખ્ય કારણોમાં વૈશ્વિક બજારોમાં તેજી ઉપરાંત સ્થાનિક બજારમાં ઊંચી માગ છે. વૈશ્વિક સ્તરે યાર્નની નિકાસ ઊંચી હોવાના કારણે સ્પીનર્સની માગ અકબંધ છે. ગયા વર્ષે કિલોગ્રામે રૂ. 50-70ની નફા સામે ચાલુ વર્ષે કોટનમાં મજબૂતી છતાં તેઓ કિગ્રા પર રૂ. 25-30ની કમાણી કરી રહ્યાં છે અને તેથી તેમને માટે ચિંતાનું કોઈ કારણ નથી. યાર્ન ક્ષેત્રે ભારત હાલમાં સૌથી સ્પર્ધાત્મક છે અને તેથી દેશમાં કોટનનો વપરાશ સતત વધી રહ્યો છે. એક અંદાજ મુજબ 2021-22માં મહિને 28 લાખ ગાંસડીનો વપરાશ જળવાશે અને તેથી વર્ષે કુલ 3.4 કરોડ ગાંસડીનો વપરાશ જોવા મળશે. જ્યારે દેશમાં કોટનનું ઉત્પાદન 3.2-3.3 કરોડ ગાંસડી જ રહેવાનો અંદાજ છે. આ સ્થિતિમાં દેશ કોટન મામલે નેટ સરપ્લસ દેશમાંથી નેટ ડેફિસિટ દેશ બનશે. એટલેકે સ્થાનિક માગને પૂરી કરવા માટે ભારતે પણ નોંધપાત્ર પ્રમાણમાં કોટન આયાત કરવાનું બનશે. છેલ્લાં 12 વર્ષોમાં ભારત વિશ્વમાં યુએસ બાદ બીજા ક્રમનો કોટન નિકાસકાર બની રહ્યો હતો. ગઈ સિઝનમાં દેશમાંથી 75 લાખ ગાંસડી કોટનની નિકાસ થઈ હતી. જ્યારે ચાલુ સિઝનમાં સ્થાનિક ભાવ સ્પર્ધાત્મક નહિ રહ્યાં હોવા છતાં 40 લાખ ગાંસડી નિકાસની શક્યતાં છે. ગઈ સિઝનનો 50 લાખ ગાંસડીનો કેરીઓવર સ્ટોક હોવાના કારણે ચાલુ સિઝનમાં તો માલની મોટી તંગી જોવા મળે તેવી શક્યતાં નથી. જોકે આયાતના અભાવે સિઝનના પાછળના ભાગમાં માલની તંગી જોવા મળી શકે છે. જેને ધ્યાનમા રાખતાં સરકારે દેશમાં કોટન આયાત પર ગયા બજેટમાં લાગુ પાડવામાં આવેલી 10 ટકા ડ્યુટીને દૂર કરવી યોગ્ય બની રહેશે.
કોટનના ભાવમાં સિઝનની શરૂઆતથી જોવા મળી રહેલી તેજીને કારણે મોટા ખેડૂતોએ તેમની પાસેનો માલ પકડી રાખ્યો છે. અગાઉ મણે રૂ. 1500ના ભાવે વેચવાની ઈચ્છા ધરાવતાં ખેડૂતોને હવે રૂ. 2000ના ભાવે પણ માલ વેચવો નથી અને તેથી જ દેશમાં કપાસની આવકો પિક સિઝનમાં પણ જોઈએ તેટલી જોવા મળી નથી. ડિસેમ્બરમાં 2-2.5 લાખ ગાંસડી દૈનિક આવકો સામે 1.75 લાખ ગાંસડી આવકો જળવાય હતી. જ્યારે હાલમાં તે 1.5 લાખ ગાંસડી પર જોવા મળે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage