Market Summary 20 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

US માર્કેટનો સપોર્ટ સાંપડતાં સ્થાનિક બજારમાં તેજીની હેટ્રીક
ડાઉ જોન્સ 2.5 ટકા અને નાસ્ડેકમાં 3 ટકાથી વધુનો ઉછાળો
નિફ્ટીએ 16500ની સપાટ પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા ગગડી 16.82ના છ મહિનાના તળિયે
આઈટી, મેટલ, એફએમસીજી, એનર્જી અને પીએસઈ સેક્ટરનો સપોર્ટ
ઓટોમોબાઈલમાં વિરામ લેતી તેજી
વિન્ડફોલ ટેક્સમાં ઘટાડે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી રૂ. 2500 ઉપર
બ્રોડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે લેવાલી જળવાઈ

શેરબજારમાં તેજી પરત ફરી છે. મંગળવારે યુએસ બજારમાં 2-3 ટકાના તીવ્ર ઉછાળાનો સપોર્ટ મળતાં ભારતીય બજારે ત્રીજા દિવસે પોઝીટીવ બંધ આપ્યું હતું. બેન્ચમાર્ક્સ તેમની દોઢ મહિનાની નવી સપાટી પર જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 630 પોઈન્ટ્સ ઉછળી 55397ની સપાટીએ જ્યારે નિફ્ટી 180 પોઈન્ટ્સના સુધારે 16521ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 14 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી હતી. જેને કારણે સતત ત્રીજા સપ્તાહે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.2 ગગડી 16.82ના છ મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો. એનાલિસ્ટ્સના મતે માર્કેટ ટૂંકાગાળામાં ઓવરબોટ બન્યું છે અને તેથી તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. બુધવારે નિફ્ટી કેશ સામે ફ્યુચર્સે મોટાભાગનો સમય ડિસ્કાઉન્ટમાં ટ્રેડ દર્શાવ્યું હતું. જે સૂચવે છે કે માર્કેટમાં આગામી સત્રોમાં ધીમો ઘસારો સંભવ છે.
બુધવારે ભારતીય બજારની શરૂઆત મોટા ગેપ-અપ ઓપનીંગ સાથે જોવા મળી હતી. યુએસ શેરબજારોમાં તેજીના મોમેન્ટમને કારણે એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો હતો. જેણે ભારતીય બજારમાં તેજીવાળાઓ માટે અનૂકૂળતા કરી આપી હતી. સરકારે બુધવારે વહેલી સવારે પેટ્રોલિયમ પેદાશો પરના વિન્ડફોલ ટેક્સમાં રાહતની જાહેરાત કરતાં બજારને ઓર બળ મળ્યું હતું. આમ નિફ્ટી અગાઉના બંધ ભાવ સામે 200થી વધુ પોઈન્ટ્સનું ગેપ-અપ ઓપનીંગ દર્શાવતો હતો. જે સમય જતાં ધીમે-ધીમે વધુ સુધરીને 16588ની જૂન પછીની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. માર્કેટને ઓટો અને ફાર્મા સિવાય તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે આઈટી સેક્ટરે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3 ટકા જેટલો ઉછળ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 7 ટકા, એમ્ફેસિસ 5 ટકા, ટેક મહિન્દ્રા 4 ટકા, કોફોર્જ 3.7 ટકા, માઈન્ડટ્રી 3.6 ટકા, એચસીએલ ટેક 3 ટકા અને એલએન્ડટી ઈન્ફોટેક 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી જાયન્ટ હિંદુસ્તાન યુનિલીવર તરફથી જૂન ક્વાર્ટર માટે સારા પરિણામો રજૂ કરવામાં આવતાં એફએમસીજી ઈન્ડેક્સમાં 1 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. જેમાં ડાબર ઈન્ડિયા 1.6 ટકા, એચયૂએલ 1.42 ટકા, નેસ્લે 1.3 ટકા, આઈટીસી 1.22 ટકા અને બ્રિટાનિયા 1.1 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ પણ 1 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં પ્રતિ શેર રૂ. 19ના ડિવિડન્ડન જાહેરાત પાછળ વેદાંતમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જે ઉપરાંત સેઈલ 2.4 ટકા, નાલ્કો 2 ટકા અને જિંદાલ સ્ટીલ 1 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ પણ લગભગ એક ટકા જેટલો મજબૂત બંધ રહ્યો હતો. જેમાં ઓએનજીસી 3.7 ટકા જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.7 ટકા સુધારો દર્શાવતાં હતાં. સરકારે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરી બંને કંપનીઓને રાહત આપતાં શેર્સમાં લેવાલી જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી રૂ. 2500ની સપાટી પાર કરી ગયો હતો. ગેઈલ અને આઈઓસીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. બેંકનિફ્ટી 0.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે તે 36000ના સ્તર પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. બેંકિંગ શેર્સમાં એસબીઆઈ 2.2 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 2 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 1.3 ટકા અને એચડીએફસી બેંક 1.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નાની પ્રાઈવેટ બેંક શેર્સ ઘટાડો સૂચવતાં હતાં. જેમકે બંધન બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંકમાં 1 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી ઓટોમાં તેજી વિરામ લઈ રહી હોય તેમ જણાતું હતું. છેલ્લાં ક્વાર્ટરમાં નોંધપાત્ર સુધારા બાદ ઓટો શેર્સ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 3 ટકા, એમએન્ડએમ 1.8 ટકા અને આઈશર મોટર્સ 1 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. જોકે અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પમાં 1 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પર્સિન્ટન્ટ 5.6 ટકાનો સુધારો દર્શાવતો હતો. જે સિવાય ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ 5.6 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 4.6 ટકા, ચંબલ ફર્ટિ 3.6 ટકા, ડો. લાલ પેથલેબ્સ 3.53 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 3.32 ટકા અને ડિક્સોન ટેક્નોલોજી 3.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3489 કાઉન્ટર્સમાંથી 1930માં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 1424 ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 115 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સ તેમની વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 135 કાઉન્ટર્સે ફ્લેટ બંધ આપ્યું હતું.



સરકારે પેટ્રોલિયમ પેદાશો પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો
પેટ્રોલ નિકાસ પર રૂ. 6 પ્રતિ લિટરનો ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો
ડિઝલ પરનો નિકાસ ટેક્સ રૂ. 13 પ્રતિ લિટરથી ઘટાડી રૂ. 11 કરાયો
સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પરનો ટેક્સ 27 ટકા ઘટાડી પ્રતિ ટન રૂ. 17 હજાર કરવામાં આવ્યો

વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડાને પગલે કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ, ડિઝલ, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ અને ક્રૂડ પર બે સપ્તાહ અગાઉ લાગુ પાડેલા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયને કારણે દેશમાંથી ફ્યુઅલ એક્સપોર્ટર્સને તથા ઓઈલ એક્સપ્લોરર્સને લાભ થશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશમાંથી સૌથી મોટી ફ્યુઅલ નિકાસકાર છે. જ્યારે સરકારી કંપની ઓએનજીસી ઓઈલ એક્સપ્લોરર છે. સરકારનો નિર્ણય 20 જુલાઈથી અમલમાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો.
સરકારે પેટ્રોલની નિકાસ પર અમલી બનાવેલો રૂ. 6 પ્રતિ લિટરનો એક્સપોર્ટ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કર્યો હતો. જ્યારે હવાઈ જહાજમાં વપરાતાં એટીએફ પરનો ટેક્સ રૂ. 6 પ્રતિ લિટરથી ઘટાડી રૂ. 4 કર્યો હતો. વધુમાં, ડિઝલની નિકાસ પરનો ટેક્સ રૂ. 13 પ્રતિ લિટરથી ઘટાડી રૂ. 11 કરવામાં આવ્યો હોવાનું સરકારી જાહેરનામુ જણાવે છે. આ ઉપરાંત સ્થાનિક ધોરણે ઉત્પાદિત ક્રૂડ પરનો ટેક્સ પણ 27 ટકા ઘટાડી રૂ. 17000 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. વિન્ડફોલ ટેક્સ એ બજારના પરિબળોને કારણે ઊભી થતી અસામાન્ય સ્થિતિને કારણે કંપનીઓને ગેરવાજબી રીતે થતાં અસાધારણ નફા પર વસૂલવામાં આવતો ટેક્સ છે. જે લાગુ પાડવો પડે તેવી સ્થિતિ ક્યારેક જ નિર્માણ પામતી હોય છે. કેન્દ્ર સરકારે 1 જુલાઈના રોજ પેટ્રોલ, ડિઝલ અને એટીએફની નિકાસ પર વિન્ડફોલ ગેઈન ટેક્સ લાગુ પાડ્યો હતો. સાથે તેણે સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર પણ ટેક્સ અમલી બનાવ્યો હતો. તેણે ફ્યુઅલ એક્સપોર્ટર્સને પ્રથમ સ્થાનિક માગ પૂરી કરવાનો આદેશ પણ કર્યો હતો. સરકારના આદેશ બાદ ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને એટીએફની નિકાસ પર રૂ. 6 પ્રતિ લિટર(પ્રતિ બેરલ 2.2 ડોલર) જ્યારે ડિઝલની નિકાસ પર રૂ. 13 પ્રતિ લિટર(પ્રતિ બેરલ 26.3 ડોલર)નો ટેક્સ ચૂકવતી હતી. ક્રૂડના ભાવમાં જૂન મહિનાના મધ્યભાગથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ગયા સપ્તાહે 100 ડોલર નીચે ગગડી ગયો હતો. જોકે બુધવારે તે 106 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ ક્રૂડ 103 ડોલર નજીક ટ્રેડ થતું હતું.


રૂપિયાને તૂટતો અટકાવવા RBI વધુ 100 અબજ ડોલર ખર્ચવા તૈયાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતીય ચલણ રૂપિયાના ઘટાડાને અટકાવવા માટે 100 અબજ ડોલર સુધીનું હૂંડિયામણ ખર્ચવા માટે તૈયાર હોવાનું સિનિયર વર્તુળો જણાવે છે. આ રકમ બેંક પાસે પડેલા કુલ હૂંડિયામણના લગભગ છઠ્ઠા ભાગ જેટલું થવા જાય છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં સેન્ટ્રલ બેંકે રૂપિયાને ઘસાતો અટકાવવા માટે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરી હતી અને સ્થાનિક ચલણને સપોર્ટ પૂરો પાડ્યો હતો. જેને કારણે જ હરિફ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોની સરખામણીમાં ડોલર સામે રૂપિયામાં મર્યાદિત ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેલેન્ડર 2022મા રૂપિયો 7 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યો છે. તેણે ગુરુવારે ફરી એકવાર 80ના સાયકોલોજિકલ સ્તર નીચે ટ્રેડ દર્શાવ્યું હતું. જો આરબીઆઈ રૂપિયાને ખૂલીને સપોર્ટ નહિ આપે તો સ્થાનિક ચલણ વધુ ઘટાડો દર્શાવશે એમ વર્તુળો જણાવે છે. સપ્ટેમ્બર 2021માં 642.450 અબજ ડોલરની વિક્રમી સપાટી પરથી આરબીઆઈનું ફોરેક્સ રિઝર્વ્સ 60 અબજ ડોલરથી વધુ ઘટાડો દર્શાવી રહ્યું છે. છેલ્લાં 11 જુલાઈએ પૂરા થતાં બે સપ્તાહ દરમિયાન તેમાં 13 અબજ ડોલરનો તીવ્ર ઘસારો જોવા મળ્યો હતો. હાલમાં આરબીઆઈ 580 અબજ ડોલર સાથે વિશ્વમાં પાંચમા ક્રમે ડોલર હૂંડિયામણ ધરાવે છે. જે સેન્ટ્રલ બેંકરને તેરૂપિયામાં તીવ્ર ઘટાડો અટકાવી શકશે તેવો આત્મવિશ્વાસ પૂરો પાડે છે. આરબીઆઈના વર્તુળોના જણાવ્યા મુજબ બેંક જરૂર પડશે તો રૂપિયાને બચાવવા માટે 100 અબજ ડોલર સુધીનું હૂંડિયામણ ખર્ચી શકે છે. તેઓ ઉમેરે છે કે મધ્યસ્થ બેંકર તેની સર્વવિદિત ભૂમિકા મુજબ રૂપિયાને બિનજરૂરી સપોર્ટ નહિ જ કરે પરંતુ ચલણમાં કોઈપણ પ્રકારના ઝડપી ઘટાડાને અટકાવવા માટે તે માર્કેટમાં ચોક્કસ દરમિયાનગીરી કરશે. રૂપિયામાં છેલ્લાં કેટલાંક મહિનાઓમાં જોવા મળી રહેલો ઘટાડો વૈશ્વિક સ્તરે અન્ય ચલણોમાં ડોલર સામેના ઘટાડાની લાઈનમાં જ છે. જોકે કેટલાંક વિકસિત ચલણોમાં તીવ્ર ધોવાણ સામે રૂપિયો ઘણો મક્કમ જોવા મળ્યો છે. યુરો અને યુઆન જેવા ચલણોએ 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો છે. ભારતીય ચલણમાં ઘટાડાનું મુખ્ય પરિબળ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સની વેચવાલી છે. તેઓએ નવ મહિનામાં 35 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું છે. બીજી બાજુ ક્રૂડના ઊંચા ભાવોને કારણે આયાત બિલમાં ઝડપી વૃદ્ધિને કારણે વેપારી ખાધને કારણે પણ હૂંડિયામણ ઘસાયું છે.

સપ્તાહમાં 11 લાખ હેકટરના ઉમેરા સાથે રાજ્યમાં ખરિફ વાવેતર 64 ટકામાં સંપન્ન
અગાઉના સપ્તાહે 44.37 લાખ હેકટર સામે સોમવાર સુધીમાં 55.42 લાખ હેકટરમાં ચોમાસુ પાક વવાયાં
ગયા વર્ષની સરખામણીમાં 2.43 લાખ હેકટરની ખાધ ઘટી 1.78 લાખ હેકટર જ રહી
ગયા સપ્તાહે ધાન્ય પાકોના વાવેતરમાં 3.66 લાખની વૃદ્ધિ, ડાંગરનું વાવેતર 1.76 લાખ હેકટર વધ્યું
કપાસમાં 2.59 લાખ હેકટરના ઉમેરા સાથે કુલ વાવેતર 23.12 લાખ હેકટરે પહોંચ્યું
મગફળીમાં પણ 1.37 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ, કઠોળ પાકોમાં 91 હજાર હેકટરનો ઉમેરો

રાજ્યમાં ખરિફ વાવેતરમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈના ત્રીજા સપ્તાહની આખરમાં કુલ ચોમાસુ વાવેતર 55.42 લાખ હેકટર પર પહોંચી ગયું છે. જે ત્રણ વર્ષોના 86.32 લાખ હેકટરના સરેરાશના 64.2 ટકા જેટલું છે. ગયા એક સપ્તાહમાં 11.05 લાખ હેકટરની વાવેતર વૃદ્ધિને કારણે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 57.20 લાખ હેકટર વાવેતરની સરખામણીમાં હવે માત્ર 1.78 લાખ હેકટરનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બે સપ્તાહ અગાઉ 10 લાખ હેકટરથી પણ ઊંચા સ્તર પર હતો.
છેલ્લાં બે સપ્તાહમાં રાજ્યના તમામ વિસ્તારોમાં વ્યાપક વરસાદ જોવા મળ્યો છે. સિઝનના સરેરાશ વરસાદના 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને તેથી જે વિસ્તારોમાં વરસાદના અભાવે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વાવણી થઈ શકી નહોતી. ત્યાં ખેડૂતોએ બીજ રોપવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે ચાલુ સપ્તાહે તેમજ આગામી સપ્તાહ સુધીમાં ખરિફ વાવેતર 85-90 ટકા વિસ્તાર સુધી પહોંચે તેવી શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. ચાલુ સિઝનમાં વાવેતર ત્રણ વર્ષોની સરેરાશને હાંસલ કરે તેવી પૂરી શક્યતાં છે. જેનું મુખ્ય કારણ રાજ્યવ્યાપી વરસાદ છે. કેટલાંક તાલુકાઓમાં હજુ પણ પર્યાપ્ત વરસાદ નથી જોવા મળી રહ્યો. જોકે ત્યાં પણ 5-10 ઈંચની રેંજમાં વરસાદ નોંધાયો છે અને તેમણે વાવેતર શરૂ કર્યું છે. ખરિફ પાકોમાં કપાસનું વાવેતર નવો વિક્રમ દર્શાવે તેવા પૂરા સંકેતો મળી રહ્યાં છે. સોમવારે સુધીમાં રાજ્યમાં 23.12 લાખ હેકટરમાં કપાસ વવાઈ ચૂક્યો હતો. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 20.91 લાખ હેકટરની સરખામણીમાં 2.21 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ગયા એક સપ્તાહમાં કપાસના વાવેતર વિસ્તારમાં 2.59 લાખ હેકટરનો ઉમેરો જોવા મળ્યો હતો. કપાસ બાદ બીજા ક્રમે આવતાં મગફળીનું વાવેતર ગયા સપ્તાહે વધુ 1.37 લાખ હેકટરના ઉમેરા સાથે 15.63 લાખ હેકટર પર પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં 17.65 લાખ હેકટર કરતાં 1.98 લાખ હેકટરનો ઘટાડો દર્શાવે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ મગફળીના સ્થાને કપાસનું વાવેતર કર્યું છે અને તેથી તેલિબિયાંના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. તલનું વાવેતર પણ ગયા વર્ષની સરખામણીમાં માંડ અડધે પહોંચ્યું છે. ગઈ સિઝનમાં 50 હજાર હેકટર સામે ચાલુ સિઝનમં 24 હજાર હેકટરમાં જ તલની વાવણી થઈ છે. સોયાબિનનું વાવેતર ગઈ સિઝનના 2.01 લાખ હેકટર સામે 1.86 લાખ હેકટરમાં નોંધાયું છે.
ધાન્ય પાકોની વાત કરીએ તો ડાંગર માટે મોટી સાનૂકૂળતા ઊભી થઈ છે. જેને કારણે ગયા એક સપ્તાહમાં ડાંગરની વાવણીમાં 1.76 લાખ હેકટરનો મોટો ઉછાળો નોંધાયો છે અને તે 2.55 લાખ હેકટર પર પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 2.37 લાખ હેકટર પર હતું. બાજરીના વાવેતરમાં પણ સપ્તાહ દરમિયાન 66 હજાર હેકટરનો ઉમેરો થયો હતો અને તે 1.28 લાખ હેકટરે પહોંચ્યું છે. જે ગઈ સિઝનના 95 હજાર હેકટર સામે 33 હજાર હેકટરી વૃદ્ધિ દર્શાવે છે. મકાઈનું વાવેતર જોકે ગઈ સિઝનમાં 2.51 લાખ હેકટર સામે 6 હજાર હેકટર નીચે 2.45 લાખ હેકટરમાં જોવા મળે છે. ઉનાળુ ઘાસચારાનું વાવેતર પણ ગઈ સિઝનના 5.26 લાખ હેકટર સામે 4.56 લાખ હેકટરમાં જ્યારે શાકભાજીનું વાવેતર 1.42 લાખ હેકટર સામે 1.3 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે.

ગયા એક સપ્તાહમાં વાવેતરમાં વૃદ્ધિ(લાખ હેકટરમાં)
પાક કુલ વાવેતર વિસ્તાર સપ્તાહમાં વાવેતર વૃદ્ધિ
કપાસ 23.12 2.59
મગફળી 15.63 1.37
ધાન્ય 6.38 3.66
ડાંગર 2.55 1.76
કઠોળ 2.07 0.91
કુલ 55.42 11.05
કોર્પોરેટ ઈન્ડિયા

હિંદુસ્તાન યુનિલીવરઃ એફએમસીજી લીડરે જૂન ક્વાર્ટરમાં રૂ. 14272 કરોડની રેવન્યૂ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11915 કરોડની સરખામણીમાં 19.78 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા રૂ. 2847 કરોડથી 14 ટકા વધી રૂ. 3247 કરોડ પર રહ્યો હતો. જ્યારે તેનો નેટ પ્રોફિટ રૂ. 2061 કરોડ પરથી વધી રૂ. 2289 કરોડ પર રહ્યો હતો.
વેદાંતાઃ મેટલ ક્ષેત્રે સંકળાયેલી કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 19.5નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જેની પાછળ શેરનો ભાવ 6 ટકા ઉછળ્યો હતો. કંપનીનો શેર 8 ટકા ડિવિડન્ડ યિલ્ડ દર્શાવતો હતો.
ગ્રાસિમઃ બિરલા જૂથની સિમેન્ટ અને ટેક્સટાઈલ કંપની બિલ્ડીંગ મટિરિયલ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ માટે બીટુબી ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટેની યોજના તૈયાર કરી રહી છે.
ક્રસ્ના ડાયગ્નોસ્ટીક્સઃ રાજસ્થાન સરકારની રાજસ્થાન મેડિકલ એજ્યૂકેશન સોસાયટીએ સિટી સ્કેન સેન્ટરના સપ્લાય, ઈન્સ્ટોલેશન, ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે કંપનીને ટેન્ડર ફાળવ્યું છે.
રેલીસ ઈન્ડિયાઃ તાતા જૂથ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 863 કરોડની રેવન્યૂ નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 740 કરોડની આવક સામે 18 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નફો ગયા વર્ષે રૂ. 82 કરોડ સામે રૂ. 15 કરોડના ઘટાડે રૂ. 67 કરોડ પર રહ્યો હતો.
અંબુજા સિમેન્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1048 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 723 કરોડના નફાની સરખામણીમાં 45 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 3371 કરોડની સામે 18 ટકા વધી રૂ. 3993 કરોડ પર રહી હતી.
એલએન્ડટી ફાઈઃ લાર્સન જૂથની એનબીએફસી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1533 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 1499 કરોડની સરખામણીમાં 2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 178 કરોડની સરખામણીમાં 47 ટકા વૃદ્ધિ સાથએ રૂ. 262 કરોડ પર જોવા મળ્યો હતો.
જેએસડબલ્યુ એનર્જીઃ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે જેએસડબલ્યુ હાઈડ્રો એનર્જીની 2031માં પાકતી 70.7 કરોડ ડોલરની સિનિયર સિક્યોર્ડ નોટ્સને સ્ટેબલ આઉટલૂક સાથે બીએ1નું રેટિંગ આપ્યું છે.
થર્મેક્સઃ પૂણે સ્થિત કેપિટલ ગુડ્ઝ કંપની કોવેક્સિસ ટેક્નોલોજિસ પ્રાઈવેટ લિ.માં રૂ. 9.99 કરોડ સુધીનું રોકાણ કરશે.
ટ્રાઈડેન્ટઃ ટેક્સટાઈલ કંપની કામદારોની હડતાળને કારણે તેની પંજાબ સ્થિત કામગીરીને 20-21 જુલાઈના રોજ હંગામી ધોરણે બંધ રાખશે.
આલ્કેમ લેબ્સઃ દેશમાં ટોચની 15-ફાર્મા કંપનીઓમાં સમાવિષ્ટ આલ્કેમ લેબોરેટરીએ યુએસએફડી તરફથી એરિથ્રોમાઈસિન ટેબ્લેટ્સ માટે મંજૂરી મેળવી છે.
ન્યૂકલિયસ સોફ્ટવેરઃ કંપની અને સીએમસી-ટીએસે વિયેટનામ પબ્લિક જોઈન્ટ-સ્ટોક કમર્સિયલ બેંક સાથે એગ્રીમેન્ટ કર્યો છે.
મેંગલોર કેમિકલ્સઃ સાઉથમાં અગ્રણી ફર્ટિલાઈઝર ઉત્પાદક કંપનીએ આયાતી રો-મટિલિયલ્સની ઉપલબ્ધિના અભાવે ફોસ્ફેટિક ફર્ટિલાઈઝર્સ પ્લાન્ટને બંધ કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage