બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી 15000 પર ટકવામાં ફરી નિષ્ફળ
ભારતીય બજારમાં કામકાજના આખરી તબક્કામાં તીવ્ર વેચવાલી પાછળ નિફ્ટી 15000ની નીચે ઉતરી ગયો હતો. બ્રોડ માર્કેટમાં મજબૂતી છતાં બેન્ચમાર્ક તૂટ્યો હતો. જે સૂચવે છે કે નિફ્ટી માટે નવી ટોચ બનાવવી આસાન કામ નથી. નિફ્ટી માટે હવે 14900નું સ્તર મહત્વનો સપોર્ટ છે. જો બજાર શુક્રવારે પરત ફરે છે અને 15000 ક્રોસ કરે છે તો નવા સપ્તાહે વધુ સુધારો સંભવ છે.
માત્ર પીએસયૂ બેંક અને રિઅલ્ટી ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યાં
ગુરુવારે ઊંચા સ્તરેથી બજારમાં જોવા મળેલી વેચવાલી વચ્ચે જાતે-જાતમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે પીએસયૂ બેંક અને રિઅલ્ટી સૂચકાંકોમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 0.36 ટકા સુધરી બંધ રહ્યો હતો. જોકે વ્યક્તિગત શેર્સમાં પીએનબી 3.6 ટકાના ઊંચા સુધારા સાથે બંધ રહ્યો હતો. એ સિવાય કેનેરા બેંક, યુનિયન બેંક, એસબીઆઈ પણ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. રિઅલ્ટી ઈન્ડેક્સ 1.02 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટમાં 9 ટકા સુધારો આ માટે મુખ્ય જવાબદાર હતો. એ સિવાય ઓબેરોય રિઅલ્ટી 2 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 1.7 ટકા અને ઓમેક્સ 1.3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
ડોલર સામે રૂપિયામાં 7 પૈસા મજબૂતી
ભારતીય ચલણે ગુરુવારે યુએસ ડોલર સામે સાધારણ મજબૂતી દર્શાવી હતી. બુધવારે 73.17ની સપાટી પર બંધ રહેલો રૂપિયો ગુરુવારે 73.10ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તે તાજેતરની ટોચ નજીક જોવા મળ્યો હતો. રૂપિયો 73.17ના અગાઉના બંધ સ્તરે ખૂલી સુધરી 73.08 થઈ 73.10 પર બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલી છતાં રૂપિયાના મૂલ્યમાં નિરંતર સુધારો જોવા મળી રહ્યો છે. તે માર્ચ મહિનાના આખરમાં જોવા મળતાં સ્તરે પરત ફર્યો છે. બદાર નિરીક્ષકોના મતે રૂપિયો 73ના સ્તરની અંદર ટકશે તો વધુ સુધારો દર્શાવી શકે છે. કેમકે વૈશ્વિક સ્તરે ડોલરના મૂલ્યમાં નરમાઈ જોવા મળી રહી છે.
અદાણી ટ્રાન્સમિશને રૂ. 1.5 લાખ કરોડનું એમ-કેપ હાંસલ કર્યું
અદાણી જૂથની પાવર યુટિલિટી કંપની અદાણી ટ્રાન્સમિશનનો શેર ગુરુવારે નવી ટોચ પર પહોંચ્યો હતો. તે અગાઉના રૂ. 1323.55ના બંધ સામે 5 ટકા ખૂલી રૂ. 1389.70ની 5 ટકાની સર્કિટમાં બંધ રહ્યાં બાદ કામકાજના અંતે 4.71 ટકા સુધારે રૂ. 1385.95ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 1.5 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.52 લાખ કરોડથી વધુ જોવા મળ્યું હતું. માર્કેટ-કેપની રીતે તે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ બાદ જૂથની ત્રીજા ક્રમની કંપની બની છે. તેણે અદાણી એન્ટરપ્રાઈઝને છેલ્લા બે દિવસમાં એમ-કેપમાં પાછળ રાખી દીધી છે. જૂથનું કુલ માર્કેટ-કેપ રૂ. 7 લાખ કરોડથી વધુ જોવા મળી રહ્યું છે.
માસ ફાઈનાન્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 36.53 કરોડનો નફો નોંધાવ્યો
અમદાવાદ સ્થિત એસએમઈ ફાઈનાન્સિંગમાં અગ્રણી કંપની માસ ફાઈનાન્શિયસ સર્વિસિઝે 2020-21 નાણા વર્ષના માર્ચ ક્વાર્ટર માટે રૂ. 36.53 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 34.50 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 139.15 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 169.89 કરોડ રહી હતી. માર્ચ ક્વાર્ટરમાં કુલ એયૂએમ રૂ. 5372.44 કરોડ રહ્યું હતું. એયૂએમમાં વાર્ષિક ધોરણે 9.95 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સોનું-ચાંદી અને ક્રૂડમાં નરમાઈનો ટ્રેન્ડ
સપ્તાહની શરૂઆતમાં તીવ્ર સુધારા બાદ કિંમતી ધાતુઓના ભાવ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને સોનુ બુધવારે રાતે રૂ. 48800 સુધી સુધરીને પાછુ પડ્યું હતું. વૈશ્વિક બજારમાં પણ તે 1880 ડોલર પર ટકી નહિ શકતાં સ્થાનિક કોમેક્સ ખાતે તે દિવસ દરમિયાન નરમાઈ સાથે ટ્રેડ દર્શાવતું હતું. એમસીએક્સ જૂન વાયદો રૂ. 200ના ઘટાડે રૂ. 48465 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીમાં પણ વૈશ્વિક ભાવ 28 ડોલરની નીચે જોવા મળ્યાં હતાં. જેની પાછળ એમસીએક્સ જુલાઈ વાયદો રૂ. 281 નીચે રૂ. 72093 પર બોલાતો હતો. જોકે ચાંદીમાં ટ્રેન્ડ પોઝીટીવ છે અને સરવાળે તે સુધારાતરફી ચાલ જાળવી રાખે તેવું એનાલિસ્ટ્સ માને છે. એમસીએક્સ ક્રૂડ 1.35 ટકાના ઘટાડે રૂ. 4606 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
સરકારે ખાતર સબસિડીમાં વૃદ્ધિ કરતાં ફર્ટિલાઈઝર શેર્સમાં સુધારો
વિવિધ ફર્ટિલાઈઝર્સ ઉત્પાદકોના શેર્સ 5.5 ટકા સુધીના સુધારા સાથે બંધ રહ્યાં
કેન્દ્ર સરકારે ડાય-એમોનિયમ ફોસ્ફેટ ફર્ટિલાઈઝર માટેની સબસિડીમાં વૃદ્ધિ કરતાં વિવિધ ખાતર ઉત્પાદક કંપનીઓના શેર્સમાં મધ્યમ કક્ષાનો સુધારો જાવો મળ્યો હતો અને બજારમાં નરમાઈ વચ્ચે તેઓ 5 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
સરકારે બુધવારે ડીએપી માટેની સબસિડિમાં પ્રતિ બેગ રૂ. 700ની વૃદ્ધિ જાહેર કરી હતી અને તેની રૂ. 500 પરથી રૂ. 1200 કરી હતી. આ માટે તેણે રૂ. 14500 કરોડથી વધુની ફાળવણી કરી હતી. આ નિર્ણયથી ફર્ટિલાઈધર્સ કંપનીઓને સીધો લાભ થશે. જેની પાછળ ગુરુવારે મોટાભાગની ફર્ટિલાઈઝર્સ કંપનીઓના શેર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં સરકારી કંપની નેશનલ ફર્ટિલાઈઝર્સનો શેર 5.5 ટકા ઉછળી રૂ. 69.30ના સ્તરે બંધ રહ્યો હતો. શેર અગાઉના રૂ. 65.70 સામે 7 ટકા ઉછળ્યો હતો. અન્ય સરકારી કંપની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઝર્સનો શેર પણ 4.51 ટકા ઉછળી અગાઉના રૂ. 80.85ના બંધ સામે રૂ. 84.50ના સ્તર બંધ રહ્યો હતો. ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કોરોમંડલ ઈન્ટરનેશનલનો શેર 4 ટકા ઉછળ્યો હતો અને રૂ. 774.50ના જૂના બંધ સામે રૂ. 803 પર બંધ રહ્યો હતો. કંપની ડીએપીમાં અગ્રણી કંપની છે. ગુજરાત સરકારની જીએસએફસીનો શેર પણ અગાઉના રૂ. 117.85ના બંધ સામે 5 ટકા ઉછળી રૂ. 124.70 બોલાઈ આખરે 3 ટકા સુધારે રૂ. 121.40ના સ્તરે બંધ રહ્યો હતો. ચંબલ ફર્ટિલાઈઝરનો શેર પણ રૂ. 284.85ના બંધ સામે રૂ. 310ની સર્વોચ્ચ ટોચ દર્શાવી કામકાજના અંતે 2.60 ટકા સુધરી રૂ. 292.25 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 12 હજાર કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. દિપક ફર્ટિલાઈઝર્સનો શેર 2.5 ટકા સુધરી રૂ. 295.25ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 309ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી.