Market Summary 20 October 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારની આગેકૂચ જારી
હોંગ કોંગ, તાઈવાન, સિંગાપુરના બજારોએ નવું લો દર્શાવ્યું
યુએસ માર્કેટ્સમાં પણ એકાંતરે દિવસે તેજી-મંદીનો ખેલ
નિફ્ટીએ 17500નું સ્તર જાળવી રાખ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 17.23ની સપાટીએ
પીએસયૂ બેંક, આઈટી, એનર્જી, મેટલ, પીએસઈમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગ, રિઅલ્ટીમાં નરમાઈ
આઈટીસી, ઈન્ડિયન બેંક, પેજ ઈન્ડસ્ટ્રીઝ નવી ટોચે
પીબી ઈન્ફોટેક, સનોફી ઈન્ડિયા, એલઆઈસીમાં નવા લો

વૈશ્વિક બજારોમાં નરમાઈ છતાં ભારતીય બજારે આગેકૂચ જાળવી રાખી હતી. ચાલુ સપ્તાહે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં બજાર સુધારા સાથે બંધ જોવા મળ્યું હતું. જેમાં બીએસઈ સેન્સેક્સ 95.71 પોઈન્ટ્સ સુધરી 59203ની સપાટીએ જ્યારે નિફ્ટી 51.70 પોઈન્ટ્સની મજબૂતી સાથે 17563.95ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં સારી લેવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સ પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. બેન્ચમાર્કના 50 કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ જોવા મળ્યું હતાં. જ્યારે માત્ર 14 કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો હતો અને તેથી બીએસઈ ખાતે સતત બીજા દિવસે માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.49 ટકા ઘટી 17.23ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ સાથે કામગીરીની શરૂઆત કરી હતી. યુએસ બજારોમાં નરમાઈ પાછળ એશિયન બજારો 1-2 ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેમાં હોંગ કોંગ, તાઈવાન, કોરિયા, જાપાન, સિંગાપુર અને ચીન તમામ બજારો નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. હોંગ કોંગ અને તાઈવાન બજારોએ ગુરુવારે તેમનું વાર્ષિક લો દર્શાવ્યું હતું. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી પણ અગાઉના 17512.25ના બંધ સામે 17423.10ની સપાટીએ ખૂલી નીચામાં 17421 અને ઉપરમાં 17584.15ના સ્તરે ટ્રેડ થયો હતો. કામકાજની આખરમાં તે ટોચ નજીક જ બંધ જોવા મળ્યો હતો. જોકે કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સ સમગ્ર દિવસ દરમિયાન ડિસ્કાઉન્ટમાં જ ટ્રેડ થતો જોવા મળ્યો હતો અને લગભગ 19 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ સાથે 17544.90 પર બંધ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે ટ્રેડર્સમાં લોંગ પોઝીશન લેવામાં ખચકાટ જોવા મળી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટને 17570નો અવરોધ છે. જેની નજીક તેણે બંધ આપ્યું છે. ઉપરમાં તેને 17750નો અવરોધ છે. જો વૈશ્વિક બજારોમાં સ્થિતિ સારી હશે તો સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજાર તેનો સુધારો જાળવી રાખી શકે છે. આગામી સપ્તાહે દિવાળીના તહેવારોને કારણે એક દિવસ રજા છે. જ્યારે સોમવારે માત્ર સાંજે એક કલાક માટે મૂહૂર્ત ટ્રેડિંગ યોજાશે. ગુરુવારે સિરિઝ એક્સપાયરી હોવાને કારણે પણ રોલઓવરને કારણે માર્કેટમાં વધ-ઘટ સંભવ છે. ટ્રેડર્સે 17150ના સ્ટોપલોસને જાળવી લોંગ ઊભું રાખવું જોઈએ એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
શુક્રવારે બજારને મુખ્ય સપોર્ટ પીએસયૂ બેંક્સ અને આઈટી તરફથી સાંપડ્યો હતો. આ ઉપરાંત મેટલ, એનર્જી અને એફએમસીજી કાઉન્ટર્સ પણ સુધારો સૂચવી રહ્યાં હતાં. કેનેરા બેંકે અપેક્ષા કરતાં ખૂબ સારુ પરિણામ જાહેર કરતાં પીએસયૂ બેંક્સમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.88 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કેનેરા બેંક 4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત પીએનબી, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે પ્રાઈવેટ સેક્ટર બેંક્સમાં નરમાઈ જોવા મળી હતી. ખાસ કરીને ઈન્ડિસઈન્ડ બેંકના પરિણામો પાછળ શેર 5 ટકા જેટલો તૂટ્યો હતો. આ ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક પણ 5.4 ટકા જેટલો તૂટ્યો હતો. અન્ય પ્રાઈવેટ બેંક કાઉન્ટર્સમાં ફેડરલ બેંક, એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર બંધન બેંક સાધારણ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. આઈટી સેક્ટરમાં લેવાલી પાછળ નિફ્ટી આઈટી 1.33 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા 2.20 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એચસીએલ ટેક, એમ્ફેસિસ, માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ, ટીસીએસ, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેક્નોલોજી અને વિપ્રો પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.2 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ 2.5 ટકા સુધર્યો હતો. આ ઉપરાંત નાલ્કો, વેદાંત, સેઈલ, મોઈલ, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, એનએમડીસી, ટાટા સ્ટીલ અને જિંદાલ સ્ટીલ પણ પોઝીટીવ જાવા મળતા હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં પીએસયૂ કંપનીઓનું મુખ્ય યોગદાન હતું. ગેઈલ 3.1 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય એનટીપીસી, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પો., એચપીસીએલ, ઓએનજીસી અને આઈઓસીમાં પણ એકથી લઈ 2 ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.52 ટકા સુધારે બંધ જોવા મળ્યો હતો. જેમા સિપ્લા, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ જોવા મળતાં હતાં. એકમાત્ર લ્યુપિન નેગેટિવ બંધ સૂચવી રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અનેક કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેમાં યૂપીએલ 5.4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં પણ સુધરવામાં તે ટોચ પર હતો. મજબૂત સુધારો દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં બિરલાસોફ્ટ, જેકે સિમેન્ટ, એચડીએફસી એએમસી, ગેઈલ, ઈન્ફો એજ, ઈન્ડિયા સિમેન્ટ્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. આનાથી ઊલટું કન્ટેનર કોર્પ, એબીબી ઈન્ડિયા, સિટી યુનિયન બેંક, હેવેલ્સ ઈન્ડિયા, ટીવીએસ મોટર, પીવીઆર, ઈન્ડિયન હોટેલ્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, મેક્સ ફાઈનાન્સિયલમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જેમાં દિપક ફર્ટિલાઈઝર્સ, ઈઆઈડી પેરી, ઈન્ડિયન બેંક, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. જ્યારે પીબી ઈન્ફોટેક, સનોફી ઈન્ડિયા, એલેમ્બિક ફાર્મા, એલઆઈસી ઈન્ડિયા, સુદર્શન કેમિકલે વાર્ષિક અથવા તો નવુ તળિયું દર્શાવ્યું હતું. બીએસઈ ખાતે કુલ 3571 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1866 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માત્ર 1567 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. 119 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 64 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 138 કાઉન્ટર્સ તેમની અગાઉની સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં.







વોડફોન આઈડિયાના ડેટને ઈક્વિટીમાં ફેરવવાના સરકારના પ્રસ્તાવને સેબીની મંજૂરી
ઋણના ઈક્વિટીમાં રૂપાંતરણ બાદ વોડાફોનમાં સરકારનો હિસ્સો 30 ટકાથી વધુ રહેવાની શક્યતાં
સરકારના શેરહોલ્ડિંગને પબ્લિક ફ્લોટ તરીકે વર્ગીકૃત કરવા માટે પણ સેબી તૈયાર

ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા પાસેથી લેવાના નીકળતાં 1.92 અબજ ડોલરના ડ્યૂઝને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાના સરકારના પ્રસ્તાવને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી હોવાનું બે વરિષ્ઠ સરકારી અધિકારીઓ જણાવે છે.
ગયા વર્ષે ભારત સરકારે જંગી દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપનીઓ માટે રેસ્ક્યૂઝ પેકેજને મંજૂરી આપી હતી. જેણે કંપનીઓને સરકારને મૂલત્વી રાખવામાં આવેલી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ પરના ઈન્ટરેસ્ટને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાની છૂટ આપી હતી. દેશના ત્રણ મુખ્ય ટેલિકોમ ખેલાડીઓમાં વોડાફોન આઈડિયા માટે આ પેકેજ એક પ્રકારના બેઈલઆઉટ તરીકે જોવામાં આવી રહ્યું હતું. જો આમ ના બન્યું હોત તો કંપની નાદારીના આરે આવીને ઊભી હતી. નામ નહિ આપવાની શરતે સરકારી વર્તુળો જણાવે છે કે સેબીએ ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટર તરીકે કંપનીમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ટેલિકોમ મંત્રાલયને આ અંગે સૂચિત પણ કરવામાં આવી છે. ડેટના ઈક્વિટીમાં રૂપાંતરણ બાદ વોડાફોન આઈડિયામાં સરકાર 30 ટકાથી વધુ ઈક્વિટી ધરાવતી હશે. જે કંપનીમાં તેને યૂકેના વોડાફોન ગ્રૂપ અને આદિત્ય બિરલા ગ્રૂપ સાથે ત્રીજો મોટો શેરધારક બનાવશે. વોડાફોનમાં પોતાના શેરહોલ્ડિંગને પબ્લિક ફ્લોટ તરીકે ક્લાસિફાઈ કરવા માટેની સરકારની માગને પણ સેબીએ સ્વીકારી છે. માર્કેટ રેગ્યુલેટરની માર્ગદર્શિકાઓ મુજબ માત્ર 10 ટકા સુધીના હિસ્સાને જ પબ્લિક ફ્લોટ તરીકે વર્ગીકૃત કરી શકાય. જોકે સરકારની માગણીને વિશેષ કિસ્સામાં માન્ય રાખવામાં આવી છે. સરકારી વર્તુળોએ ઉમેર્યું હતું કે એકવાર ટેલિકોમ કંપની ટર્ન એરાઉન્ડ કરશે એટલે સરકાર કંપનીમાંના તેના હિસ્સાનું વેચાણ કરશે. જોકે સરકાર ઉપરાંત વોડાફોને અન્યોને પણ મોટી રકમ ચૂકવવાની થાય છે. કંપની હાલમાં ફંડ ઊભું કરવા માટે પ્રયાસ કરી રહી છે.



સરકાર PSU ડિવિડન્ડ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહે તેવી શક્યતાં
બજેટમાં નાણા પ્રધાને જાહેર સાહસો પાસેથી ડિવિડન્ડ પેટે રૂ. 40 હજાર કરોડનો અંદાજ બાંધ્યો હતો
જોકે અત્યાર સુધીમાં માત્ર રૂ. 15766 કરોડનું ડિવિડન્ડ જ મળ્યું છે
RBI તરફથી પણ ડિવિડન્ડ નોંધપાત્ર નીચું રહેવાની ગણતરી
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પણ પૂરો થવાની નહિવત શક્યતાં

કેન્દ્ર સરકારને નાણા સેક્ટરમાં સક્રિય નથી એવા(નોન-ફાઈનાન્સિયલ) જાહેર સાહસો પાસેથી ચાલુ નાણા વર્ષ 2022-23માં ડિવિડન્ડ ટાર્ગેટ હાંસલ કરવો અશક્ય જણાય રહ્યો છે. સરકારને મળતાં કુલ ડિવિડન્ડમાં સિંહફાળો ઓઈલ અને ગેસ કંપનીઓનો હોય છે. જોકે તેઓ ચાલુ વર્ષે ગયા વર્ષ સમાન ડિવિડન્ડ ચૂકવવાની સ્થિતિમાં નથી. તેમજ કેટલાંક પીએસયૂ તો ડિવિડન્ડ ચૂકવી શકે તેમ નથી. કેમકે ક્રૂડના ભાવમાં તેજીએ તેમની બેલેન્સ શીટ પર પ્રતિકૂળ અસર ઊભી કરી હોવાનું સત્તાવાળાઓ જણાવે છે.
બજેટમાં સરકારે પીએસયૂ પાસેથી રૂ. 40 હજાર કરોડના ડિવિડન્ડ્સનો ટાર્ગેટ બાંધ્યો હતો. અત્યાર સુધીમાં સરકારે ડિવિડન્ડ પેટે રૂ. 15766 કરોડ ઊભા કર્યાં છે. આવડુ નોંધપાત્ર ડિવિડન્ડ મેળવ્યા બાદ પણ સરકારને ડિવિડન્ડ ટાર્ગેટ હાંસલ થાય તેમ લાગી રહ્યું નથી એમ વર્તુળો જણાવે છે. સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મતે ક્રૂડના ઊંચા ભાવોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઊંચી અન્ડર-રિકવરીઝનો સામનો કરી રહી છે. ક્રૂડના ભાવમાં મજબૂતીને કારણે સરકારી ઓઈલ અને ગેસ ઉત્પાદક કંપનીઓને લાભ મળ્યો છે પરંતુ સરકારે તેમના પર વિન્ડફોલ ટેક્સ લાગુ પાડ્યો છે. જેને કારણે તેમના નફા પર અસર પડી છે અને તેઓ ઊંચું ડિવિડન્ડ ચૂકવી શકે તેવી શક્યતાં નીચી છે. આમ પીએસયૂ ડિવિડન્ડની આવકમાં શોર્ટફોલ જોવા મળશે તે લગભગ નક્કી છે.
જાહેર ક્ષેત્રની બેંક્સ તરફથી પણ ડિવિડન્ડની રકમમાં ગાબડું જોવા મળે તેવી શક્યતાં છે. આ ઉપરાંત નાણાકિય સંસ્થાઓ અને આરબીઆઈ તરફથી પણ ડિવિડન્ડમાં ઘટાડો જોવા મળે તેમ માનવામાં આવે છે. આરબીઆઈએ માર્ચ 2022માં પૂરા થયેલા વર્ષ દરમિયાન સરકારને ડિવિડન્ડ તરીકે રૂ. 30307 કરોડ ટ્રાન્સફર કર્યાં હતાં. જે અપેક્ષાથી ખૂબ નીચા હતાં. આ જ કારણસર સરકારી વર્તુળોને ચાલુ વર્ષે પણ આરબીઆઈ તરફથી ડિવિડન્ડ સામાન્યપણે જોવા મળતી રકમ કરતાં નીચું રહે તેમ લાગી રહ્યું છે. અગાઉના વર્ષે(2020-21)માં આરબીઆઈએ સરકારને ડિવિડન્ડ પેટે રૂ. 99,122 કરોડ ટ્રાન્સફર કર્યાં હતાં. જેને કારણે ડિવિડન્ડની રકમ ખૂબ ઊંચી જોવા મળી હતી. સરકારે 2022-23 માટે નોન-ટેક્સ રેવન્યૂ ટાર્ગેટ રૂ. 2.69 લાખ કરોડનો બાંધ્યો હતો. જે 2021-22 માટે રૂ. 3.14 લાખ કરોડના સુધારેલા અંદાજ કરતાં નીચો હતો. ડિસઈન્વેસ્ટમેન્ટ મોરચે પણ કામગીરી નબળી જોવા મળી રહી છે. સરકારી વર્તુળો 2022-23 માટે ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ હાંસલ થાય તેવી શક્યતાં નથી જોઈ રહ્યાં. તેમના મતે સરકારે રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆત અગાઉ ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નિર્ધારિત કર્યો હતો. જોકે ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ હતી અને તેને કારણે શેરબજારોનો દેખાવ નબળો જળવાયો હતો. ગયા વર્ષે સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે રૂ. 65 હજાર કરોડ મેળવ્યાં હતાં. સરકારી વર્તુળોના મતે આઈડીબીઆઈ બેંકમાં હિસ્સાનું તથા કોન્કોરનું ખાનગીકરણ આગામી વર્ષે પૂર્ણ થશે એવી અપેક્ષા છે. જ્યારે સરકાર હિંદુસ્તાન ઝીંકમાં તેના લઘુમતી હિસ્સાના વેચાણને તથા શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ખાનગીકરણને ગણનામાં લઈ રહી છે. વર્તમાન બજારભાવે હિંદુસ્તાન ઝીંકના હિસ્સાનું મૂલ્ય રૂ. 34400 કરોડ જેટલું બેસે છે.




રૂપિયો નવુ લો બનાવી 25 પૈસા રિકવર થયો
ભારતીય રૂપિયો ડોલર સામે નવુ તળિયું બનાવી પાછળથી રિકવર થયો હતો. ગુરુવારે રૂપિયો 83.29ની લાઈફ-ટાઈમ લો પર ટ્રેડ થયો હતો. જ્યાંથી રિકવર થયો હતો અને આખરે 25 પૈસા સુધારે 82.75ના સ્તરે બંધ રહ્યો હતો. રૂપિયાએ 19 જુલાઈએ સૌપ્રથમવાર ડોલર સામે તળિયું દર્શાવ્યું હતું. ક્રૂડના ભાવમાં વૃદ્ધિ તેમજ વૈશ્વિક ડોલરમાં મજબૂતી પાછળ અન્ય ચલણો સાથે રૂપિયો પણ ગગડતો રહ્યો હતો. બુધવારે તે 63 પૈસા ગગડી પ્રથમવાર 83ની નીચે ઉતરી ગયો હતો. એનાલિસ્ટ્સના મતે રૂપિયામાં એક ટેકનિકલ બાઉન્સ જોવા મળ્યું છે. જોકે ટ્રેન્ડ રિવર્સલ હજુ નથી જોવાયો. રૂપિયામાં સેન્ટીમેન્ટ નરમ જળવાય શકે છે.
એક્સિસ બેંકનો નફો 70 ટકા ઉછળ્યો
દેશમાં ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંક એક્સિસ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5330 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 70 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 3133 કરોડનો નફો રળ્યો હતો. એનાલિસ્ટ્સ રૂ. 4437 કરોડના નફાની અપેક્ષા રાખી રહ્યાં હતાં. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 31 ટકા ઉછળી હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે 10 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. કંપનીના પ્રોવિઝનીંગમાં વાર્ષિક 68 ટકા ઘટાડો નફામાં વૃદ્ધિનું મુખ્ય કારણ હતું. ગયા વર્ષે રૂ. 1735 કરોડ સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકે રૂ. 550 કરોડનું પ્રોવિઝનીંગ દર્શાવ્યું હતું. કંપનીની એસેટ ક્વોલિટી પણ સુધરી હતી.




કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્ડ્સઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1790 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1701 કરોડ પર હતો. કંપનીની ગ્રોસ એનપીએ જૂન ક્વાર્ટરમાં 2.35 ટકા સામે ઘટી 2.11 ટકા રહી હતી. જ્યારે નેટ એનપીએ 0.67 ટકા પરથી ગગડી 0.61 ટકા રહી હતી.
નિપ્પોન લાઈફઃ ઈન્શ્યોરન્સ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 206 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 214 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. 328 કરોડ પરથી સુધરી રૂ. 332 કરોડ પર રહી હતી.
મહા સ્કૂટર્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 190 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 135.7 કરોડની સરખામણીમાં 40 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 15.5 ટકા વધી રૂ. 166.6 કરોડ સામે રૂ. 192.4 કરોડ પર રહી હતી.
આઈનોક્સ લેઝરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન રૂ. 40.4 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 87.7 કરોડ પર હતી. કંપનીની આવક રૂ. 47.4 કરોડ પરથી ઉછળી રૂ. 374 કરોડ પર રહી હતી.
સાગર સિમેન્ટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 49.1 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 19.9 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. કંપનીની આવક 29 ટકા ઉછળી રૂ. 368.93 કરોડ પરથી રૂ. 474.55 કરોડ પર રહી હતી.
રેલીસ ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 71 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 56 કરોડની સરખામણીમાં 30 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 31 ટકા વધી રૂ. 728 કરોડ સામે રૂ. 951 કરોડ પર રહી હતી.
પર્સિસ્ટન્ટ સિસ્ટમઃ આઈટી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 220 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 211 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1878 કરોડ પરથી વધી રૂ. 2048 કરોડ પર રહી હતી.
શોપર્સ સ્ટોપઃ રિટેલ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 16.2 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 3.6 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક 58 ટકા ઉછળી રૂ. 642 કરોડ સામે રૂ. 1013 કરોડ પર રહી હતી.
એનએચપીસીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જાહેર ક્ષેત્રની હાઈડ્રો પાવર જનરેટર કંપનીમાં 2.02 ટકા હિસ્સાનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું છે.
હેવેલ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 187 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 302 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની આવક 14 ટકા વધી ગયા વર્ષના રૂ. 3221 કરોડ સામે રૂ. 3669 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage