Market Summary 20 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 17450નો મહત્વનો સપોર્ટ તોડ્યો
વૈશ્વિક બજારોમાં વેચવાલી પાછળ ભારતીય બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી બે બાજુની વધ-ઘટ વચ્ચે આખરે 188 પોઈન્ટ્સના ઘટાડે 17397ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે 17450નો મહત્વનો સપોર્ટ તોડ્યો હતો. બેન્ચમમાર્ક માટે હવે 17250નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે 17000 સુધી ગગડી શકે છે. બજારમાં મંદીની આગેવાની મેટલ અને બેંકિંગ શેર્સે લીધી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 6.6 ટકા જેટલો ગગડ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 1.8 ટકા તૂટ્યો હતો.

ફેડ રિઝર્વની બેઠક અગાઉ બજારોમાં વેચવાલી સાથે સપ્તાહની શરૂઆત
બુધવારે ફેડ એફઓએમસીની બેઠક ઉપરાંત સપ્તાહ દરમિયાન વિવિધ ડઝન સેન્ટ્રલ બેઠકોની મિટિંગ
સોમવારે સપ્તાહની શરુઆત વૈશ્વિક બજારોમાં વેચવાલી સાથે જોવા મળી હતી. એશિયાથી લઈને યુરોપ સુધીના બજારોમાં 4 ટકા સુધીની વેચવાલી જોવા મળી હતી. જ્યારે યુએસ ખાતે ડાઉ ફ્યુચર્સ સાંજના સમયે 675 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો અને 34 હજારની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જે સૂચવે છે કે ડાઉ જોન્સ પણ 34 હજારની નીચે જ કામકાજની શરુઆત દર્શાવશે.
આગામી બુધવારે યુએસ ફેડ રિઝર્વની એફઓએમસીની બે દિવસની બેઠક ચાલુ થશે. જેમાં ટેપરિંગ અંગે ચોક્કસ ટાઈમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા ઉપરાંત ફેડ રિઝર્વ ઈન્ટરેસ્ટ રેટમાં પણ ક્યારથી વૃદ્ધિ કરવામાં આવશે તે અંગે ચોક્કસ નિર્દેશ કરે તેવું માનવામાં આવે છે. ફેડ રિઝર્વ ઉપરાંત વૈશ્વિક સ્તરે લગભદગ ડઝનેક સેન્ટ્રલ બેંક્સ તેમની રેટ સમીક્ષા માટે મળનારા છે. આમ આગામી સપ્તાહ ઈક્વિટી સહિત વિવિધ એસેટ ક્લાસિસ માટે મહત્વનું બની રહેશે. ગયા મહિને જેક્સન હોલ ખાતે ફેડ ચેરમેન ચાલુ કેલેન્ડરના અંતે બોન્ડ બાઈંગમાં ઘટાડાની શરૂઆત કરવામાં આવશે તેમ કહી ચૂક્યાં છે. જોકે તેમણે રેટ વૃદ્ધિનો ઈન્કાર કર્યો હતો. જોકે તાજેતરમાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેત યેલેને ટેપરિંગની જરૂરિયાત હોવાનું જણાવતાં ફેડ તેના માસિક બોન્ડ બાઈંગને ઓછું કરશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જેની પાછળ એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી હતી. જોકે સોમવારે જાપાન, કોરિયા અને ચીન જેવા બજારો બંધ હોવાથી તેઓ કોઈ પ્રતિક્રિયા આપી શક્યાં નહોતા. હોંગ કોંગ બજારે 3.3 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો અને તે 52-સપ્તાહના તળિયા નજીક પહોંચી ગયો હતો.
યુરોપ ખાતે માર્કેટ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ સાંજ સુધી વધુ ઘસાતાં રહ્યાં હતાં. જેમાં જર્મનીનો ડેક્સ 2.88 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો હતો. બેંચમાર્ક તેની તાજેતરની 16030ની 52-સપ્તાહની ટોચ સામે ગગડીને 15044 પર ટ્રેડ થતો હતો. આમ તે 15000નો સપોર્ટ તોડે તેવી પૂરી શક્યતાં છે. ફ્રાન્સનું બજાર 2.7 ટકા જ્યારે યૂકેનું બજાર 1.9 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. ડાઉ ફ્યુચર્સ 373 પોઈન્ટ્સન ઘટાડે 33789ના સ્તરે ટ્રેડ દર્શાવતો હતો. શુક્રવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 166 પોઈન્ટ્સના ઘટાડે 34585ના સ્તરે બંધ રહ્યો હતો.


મેટલ્સમાં વેચવાલીના દબાણે શેર્સમાં ટોચથી 27 ટકા સુધીનું ધોવાણ

વૈશ્વિક બજારોમાં સ્ટીલ, આર્યન ઓર સહિતની કોમોડિટીઝમાં તેજીના વળતાં પાણીની અસર

સોમવારે ભારતીય બજારમાં નિફ્ટીમાં એક ટકા ઘટાડા સામે મેટલ ઈન્ડેક્સ લગભગ 7 ટકા જેટલો પટકાયો

ટાટા સ્ટીલનો શેર બંધ થવાના સમયે 10 ટકાની સેલર સર્કિટમાં જોવા મળ્યો


ભારતીય શેરબજારમાં મેટલ સેક્ટરે બજારમાં કરેક્શનની આગેવાની લીધી છે. ત્રણ મહિનામાં પ્રથમવાર બે ટ્રેટિંગ સત્રોમાં 2.4 ટકાના ઘટાડા સાથે બંધ રહેલા બેન્ચમાર્ક્સ સામે નિફ્ટી મેટલમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે વ્યક્તિગત શેર્સમાં 27 ટકા સુધીનો ઘટાડો બોલાઈ ગયો છે. જેમાં સ્ટીલ શેર્સ અગ્રણી છે. જ્યારે એલ્યુમિનિયમ સહિતના શેર્સ 9-16 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

સોમવારે બજારમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં એક ટકાથી વધુના ઘટાડા સામે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 6.6 ટકા ઘટી 5309 પર બંધ રહ્યો હતો. શુક્રવારે પણ તેણે ત્રણ ટકાથી વધુનો ઘટાડો દર્શાવ્યો હતો. છેલ્લાં ત્રણ મહિનામાં તેણે દર્શાવેલી ટોચથી ગણના કરીએ તો મેટલ ઈન્ડેક્સ 10.56 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં 5936ની ટોચ પરથી તે સોમવારે 5309ના સ્તરે બંધ રહ્યો હતો. માસિક ધોરણ તે એક ટકાનો ઘટાડો સૂચવે છે. મેટલ ઈન્ડેક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ સ્ટીલ અને આર્યન ઓર ઉત્પાદક કંપનીઓના શેર્સ છે. વૈશ્વિક બજારમાં સ્ટીલ તેજીના વળતાં પાણી પાછળ શેર્સના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલનો શેર તેણે બે સપ્તાહ અગાઉ દર્શાવેલી રૂ. 1534ની સર્વોચ્ચ સપાટી પરથી ગગડી સોમવારે રૂ. 1247.50ના સ્તર પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર કામકાજના અંતે 9.58 ટકાના ઘટાડે રૂ. 1253.10 પર બંધ રહ્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે વૈશ્વિક સ્ટીલ ઉત્પાદકનો શેર્સમાં ઓગસ્ટ મહિનાથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે ભારતીય બજારમાં સ્ટીલ કંપનીઓ પર તેની મોટી અસર જોવા મળી નહોતી. જોકે તેમની મજબૂતી લાંબુ ટકી શકી નહોતી અને છેલ્લા એક સપ્તાહમાં તેમણે વેચવાલીનો અનુભવ કર્યો હતો. ટેકનિકલી મેટલ શેર્સ મંદી તરફી બન્યાં છે અને આગામી સત્રોમાં તેઓ વધુ ઘટાડો દર્શાવશે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. એપ્રિલ 2020થી બજારમાં શરૂ થયેલી તેજીમાં મેટલ શેર્સ આઉટપર્ફોર્મર્સ રહ્યાં હતાં અને માર્ચ 2020ના તળિયાના ભાવથી તેઓએ 4-5 ગણો સુધારો દર્શાવ્યો હતો. આમ એક ટેકનિકલ કરેક્શન અનિવાર્ય હતું. સોમવારે અન્ય સ્ટીલ કાઉન્ટર્સમાં જિંદાલ સ્ટીલ(9.18 ટકા), સેઈલ(8.12 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ(7.20 ટકા)નો ઘટાડો દર્શાવતાં હતાં. આર્યન ઓર ઉત્પાદક પીએસયૂ કંપની એનએમડીસીનો શેર 8 ટકા ઘટાડા સાથે રૂ. 136ના સ્તરે બંધ રહ્યો હતો. તે છેલ્લાં બે મહિનાની રૂ. 184ની ટોચના ભાવથી 27 ટકા જેટલો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. પીએસયૂ સ્ટીલ ઉત્પાદક સેઈલનો શેર પણ તેની તાજેતરની ટોચથી 26 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. ખાનગી સ્ટીલ ઉત્પાદક કંપનીઓના શેર્સ પણ 20 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. સ્ટીલની સરખામણીમાં એલ્યુમિનિયમ શેર્સ આઉટપર્ફોર્મર જોવા મળે છે. જેમકે હિંદાલ્કોનો શેર તેની રૂ. 488ની સર્વોચ્ચ ટોચ સામે 9 ટકા કરેક્શન દર્શાવી રહ્યો છે. જ્યારે વેદાંત 12 ટકાનો ઘટાડો સૂચવે છે. જોકે પીએસયૂ એલ્યુમિનિયમ ઉત્પાદક નાલ્કોનો શેર રૂ. 102.45ની તાજેતરની ટોચથી 16 ટકા જેટલો ઘસાઈ ચૂક્યો છે.


સ્ક્રિપ્સ ત્રણ સપ્તાહની ટોચ(રૂ.) બજારભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)

નિફ્ટી મેટલ 5936 5309 10.56
NMDC 184.25 135.10 26.68
સેઈલ 141.99 105.30 25.84
જિંદાલ સ્ટીલ 435.00 349.20 19.72
JSW સ્ટીલ 776.50 629.10 18.98
ટાટા સ્ટીલ 1534.50 1247.35 18.71
નાલ્કો 102.45 85.75 16.30
મોઈલ 184.75 159.00 13.94
અદાણી એન્ટર. 1628.45 1419.00 12.86
વેદાંત 327.22 286.30 12.51
એપીએલ એપોલો 1044.70 915.00 12.42
વેલકોર્પ 136.91 122.50 10.53
હિંદાલ્કો 488.00 444.00 9.02










હોટેલ-સિનેમાં શેર્સમાં જોવા મળેલી મજબૂતી

બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે હોટેલ અને સિનેમા શેર્સમાં લેવાલી નીકળી હતી. છેલ્લાં ત્રણેક મહિનાઓમાં માર્કેટમાં નોંધપાત્ર સુધારા વચ્ચે હોટેલ અને સિનેમા શેર્સમાં મોટી ખરીદી જોવા મળી નહોતી. જેનું કારણ કોવિડના થર્ડ વેવને લઈને ચિંતા હતું. જોકે ઉડ્ડયન કંપનીઓને વધુ ક્ષમતા સાથે ઉડાનની છૂટ પાછળ હોટેલ્સ શેર્સ દોડ્યાં હતાં. જેમાં ઈન્ડિયન હોટેલનો શેર 8.15 ટકા ઉછળ્યો હતો. જ્યારે અન્ય કેટલાક કાઉન્ટર્સમાં તાજજીવીકે(5.41 ટકા), ઈઆઈએચ હોટેલ(3.31 ટકા), ચલેત હોટેલ્સ(2.81 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે સિનેમા શેર્સમાં આઈનોક્સ લેઝર(2.3 ટકા) અને પીવીઆર(2.22 ટકા) સુધરી બંધ રહ્યા હતાં.

યુએસ ડોલર સામે રૂપિયામાં વધુ 26 પૈસાની નરમાઈ

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સમાં નરમાઈ તથા ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ સ્થાનિક ચલણમાં યુએસ ડોલર સામે ઘટાડો નોંધાયો હતો. રૂપિયામાં બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. જોકે તે સમગ્ર દિવસ દરમિયાન નેગેટિવ ઝોનમાં જ ટ્રેડ થયો હતો. ગયા સપ્તાહના તેના 73.48ના બંધ સામે 26 પૈસા ઘટી 73.74ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસની શરૂઆતમાં તે 73.82ના સ્તરે ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ 73.83ની ટોચ બનાવી સુધરીને 73.62ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે ઈક્વિટી માર્કેટમાં પાછળથી જોવા મળેલી વેચવાલી પાછળ તે સુધારો જાળવી શક્યો નહોતો અને 73.74ના સ્તરે બંધ રહ્યો હતો.

વૈશ્વિક કોમોડિટીઝમાં સોનું સ્થિર, ક્રૂડમાં 2 ટકાનો ઘટાડો

વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં એકમાત્ર સોનુ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. કોમેક્સ ગોલ્ડ વાયદો 7 ડોલરની મજબૂતી સાથે 1758 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી નરમાઈ દર્શાવતી હતી. ક્રૂડના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. ફેડ ટેપરિંગને લઈને જાહેરાતની શક્યતા પાછળ બ્રેન્ટ ક્રૂડ વાયદો 75 ડોલર ઉપરના તેના દોઢ મહિનાની ટોચ પરના ગયા સપ્તાહના બંધ સામે 2 ટકા નરમાઈ સાથે 73.75 ડોલરની સપાટી પર ટ્રેડ થયો હતો. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ક્રૂડ વાયદો રૂ. 5286ના અગાઉના બંધ સામે રૂ. 5177ની નીચી સપાટીએ ટ્રેડ થયો હતો. બેઝ મેટલ્સમાં પણ સાર્વત્રિક નરમાઈ જોવા મળતી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage