ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક સુસ્તીનો માહોલ
સેન્ટ્રલ બેંકર્સ રેટ વૃદ્ધિમાં મક્કમ રહેવાના ગભરાટે બજારોમાં ફોલો-અપ ખરીદીનો અભાવ
નિફ્ટીમાં જોકે ઈન્ટ્રા-ડે લો પરથી મજબૂત બાઉન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઘટી 11.63ના સ્તરે
આઈટી, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી
ઓટો, બેંકિંગ, રિઅલ્ટીમાં નરમાઈ
સાયન્ટ, આઈટીસી, ગોદરેજ કન્ઝ્યૂમર, ઝાયડસ, એનસીસી નવી ટોચે
આવાસ, નાયકા, ઈન્ડોકો રેમેડીઝ નવા તળિયે
શેરબજારોમાં સાર્વત્રિક સુસ્તી પ્રવર્તી રહી છે. ભારતીય બજારની સાથે એશિયા, યુરોપ અને યુએસના બજારો પણ રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે અથડાયેલાં જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિને લઈ સતાવી રહેલી ચિંતા પાછળ ઈક્વિટી ફ્લો પર અસર થવાની શક્યતાં પાછળ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. શુક્રવારે ભારતીય બજાર બે બાજુ અથડાયાં બાદ ફ્લેટ બંધ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 23 પોઈન્ટ્સના સાધારણ સુધારે 59655ની સપાટીએ જ્યારે નિફ્ટી 0.4 પોઈન્ટ્સની નરમાઈ સાથે 17624ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં 50:50 વલણને જોતાં બ્રેડથ ન્યૂટ્રલ જોવા મળી હતી. નિફ્ટી-50ના 25 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 25 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે લાંબા સમયગાળા પછી નેગેટિવ બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3599 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1985 નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 1477 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 111 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઘટી 11.63ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારની શરૂઆત સાધારણ ગેપ-અપ ઓપનીંગ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટીએ અગાઉના 17624ના બંધ સામે 17640 પર ખૂલી ઉપરમાં 17663ની ટોચ બનાવી 17554ના બોટમ બનાવ્યું હતું. જોકે તળિયાના સ્તરેથી તેણે નોંધપાત્ર બાઉન્સ દર્શાવ્યું હતું અને બંધની રીતે 17600ની સપાટી જાળવી રાખી હતી. આમ ફરી એકવાર આ સ્તર મજબૂત સપોર્ટ બની રહ્યો છે. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 27 પોઈન્ટ્સના પ્રિમીયમે 17651ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 29 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં સાધારણ ઘટાડ દર્શાવે છે. જે માર્કેટમાં લોંગ પોઝીશનમાં નવા ઉમેરાની શક્યતાં નકારે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17600ની નીચે બંધ આપશે તો માર્કેટમાં વધુ ઘટાડો સંભવ છે. જોકે, હાલમાં આ સ્તર મહત્વનો સપોર્ટ બની રહ્યું છે. ઉપરમાં 17800 અવરોધ છે. જેના સ્ટોપલોસ સાથે શોર્ટ સેલર્સ પોઝીશન જાળવી શકે છે. સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં આઈટીસી 2 ટકા સાથે સૌથી વધુ સુધર્યો હતો. આ ઉપરાંત ટીસીએસ, બ્રિટાનિયા, વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, સિપ્લા, એચસીએલ ટેક, ડિવિઝ લેબ્સ અને બીપીસીએલમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, મારુતિ સુઝુકી, હિંદાલ્કો, તાતા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ અને આઈશર મોટર્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. એનો અર્થ એવો થયો કે રોકાણકારો ડિફેન્સિવ સેક્ટર્સ તરફ વળ્યાં છે. બીજી બાજુ ઓટો, બેંકિંગ, રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી. આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીએ માર્ચ ક્વાર્ટરના પરિણામમાં પોઝીટીવ સરપ્રાઈઝ આપતાં આઈટી કાઉન્ટર્સમાં નીચા મથાળે લેવાલી જોવા મળી હતી. જેમાં ટીસીએસ 2 ટકા સુધારા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. આ ઉપરાંત, વિપ્રો, એચસીએલ ટેક, એલએન્ડટી ટેક્નોલોજી, કોફોર્જ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, માઈન્ડટ્રી જેવા કાઉન્ટર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં સૌથી મોટું યોગદાન આઈટીસીનું જોવા મળતું હતું. સિગારેટ અગ્રણીનો શેર 2 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહેવા સાથે રૂ. 5 લાખ કરોડના માર્કેટ-કેપ પર પ્રથમવાર બંધ રહ્યો હતો. બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજિસ, મેરિકો સહિતના એફએમસીજી કાઉન્ટર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 7 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત, આરતી ઈન્ડસ્ટ્રીઝ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ટીસીએસ, લ્યુપિન, આલ્કેમ, બાટા ઈન્ડિયા, ટોરેન્ટ ફાર્મામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઓબેરોય રિઅલ્ટી, દાલમિયા ભારત, એચડીએફસી લાઈફ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ટીવીએસ મોટર, ઈન્ડિયામાર્ટ, મેક્સ ફાઈનાન્સિયલ, જેકે સિમેન્ટ, હિંદ કોપરમાં નરમાઈ જોવા મળી હતી. સાયન્ટ, આઈટીસી, ગોદરેજ કન્ઝ્યૂમર, ઝાયડસ, એનસીસી જેવા કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ જ્યારે આવાસ, નાયકા, ઈન્ડોકો રેમેડીઝ વાર્ષિક અથવા સર્વોચ્ચ તળિયાં નોંધાવ્યાં હતાં.
રિલાયન્સ જીઓનો નેટ પ્રોફિટ 13 ટકા ઉછળી રૂ. 4716 કરોડે પહોંચ્યો
ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 4173 કરોડનો નફો દર્શાવ્યો હતો
કંપનીની આવકમાં 12 ટકા વૃદ્ધિ નોંધાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી રિલાયન્સ જીઓ ઈન્ફોકોમે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 4716 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 4173 કરોડના નેટ પ્રોફિટ સામે 13 ટકા વૃદ્ધિ સૂચવે છે. દેશમાં સૌથી મોટા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે સબસ્ક્રાઈબર્સ બેઝમાં વૃદ્ધિ જાળવી રાખી આ ગ્રોથ હાંસલ કર્યો છે. જીઓ દેશમાં સૌથી વધુ ટેલિકોમ સબસ્ક્રાઈબર્સ ધરાવે છે. કંપનીની માર્ચ ક્વાર્ટરની આવક 11.9 ટકા વધી રૂ. 23,394 કરોડ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20,901 કરોડ પર જોવા મળતી હતી. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 22,998 કરોડ પર નોંધાઈ હતી.
કંપનીની નફા પહેલાની અર્નિંગ્સ એટલેકે એબિટા(અર્નિંગ્સ બિફોર ટેક્સિસ, ડેપ્રિસ્યેશન એન્ડ એમોર્ટાઈઝેશન) રૂ. 12,210 કરોડ પર રહ્યો હતો. જે ત્રિમાસિક ધોરણે 2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું એબિટા માર્જિન 52.2 ટકા પર જોવા મળ્યું હતું. જે વાર્ષિક સ્તરે 1.7 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જોકે, ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં તે સ્થિર જોવા મળ્યું હતું. ગયા નાણા વર્ષના સમાનગાળામાં એબિટા રૂ. 10,554 કરોડ પર રહ્યો હતો. પરિણામ અગાઉ રિલાયન્સનો શેર 0.13 ટકાના સાધારણ સુધારે રૂ. 2349ની સપાટીએ બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે કંપની ઓપરેટિંગ પ્રોફિટમાં ચોથા ક્વાર્ટરમાં 17 ટકા વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે. જ્યારે આવકમાં એક અંકી વૃદ્ધિ દર્શાવી શકે છે. ઉપરાંત, બજારની નજર ન્યૂ એનર્જિ બિઝનેસમાં કંપનીએ અગાઉ જાહેર કરેલા રૂ. 75000 કરોડના રોકાણ પર રહેલી છે.
ITCએ રૂ. 5 લાખ કરોડનું એમ-કેપ પાર કરી HDFCને પાછળ રાખી
સિગારેટ અગ્રણી આઈટીસી દેશમાં સાતમા ક્રમની કંપની બની
સિગારેટથી લઈ ફાસ્ટ મુવીંગ ગુડ્ઝ કંપની(એફએમસીજી) આઈટીસીએ શુક્રવારે તેની સર્વોચ્ચ સપાટી બનાવવા સાથે રૂ. 5 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. જે સાથે તેણે વેલ્યૂએશનની રીતે દેશમાં સૌથી મોટા મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીને પાછળ રાખી હતી અને દેશના શેરબજારમાં લિસ્ટેડ સાતમી સૌથી મોટી કંપની બની હતી. શુક્રવારે આઈટીસીના શેરે રૂ. 409ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. કામકાજની આખરમાં શેર 2 ટકા અથવા રૂ. 7.95ની મજબૂતી સાથે રૂ. 408.25ની સપાટીએ બંધ રહ્યો હતો. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 5,07,373 કરોડ પર જોવા મળતું હતું. એનએસઈ ખાતે આઈટીસી કાઉન્ટરમાં 1.43 કરોડ શેર્સનું કામકાજ નોંધાયું હતું. કેલેન્ડર 2023માં આઈટીસીના શેરે 22 ટકાનું મજબૂત રિટર્ન દર્શાવવા સાથે નિફ્ટી-50ના તેના હરિફોની સરખામણીમાં ચડિયાતો દેખાવ કર્યો છે. બીજી બાજુ, બેન્ચમાર્ક સેન્સેક્સ 3 ટકાનો ઘટાડો સૂચવી રહ્યો છે.
આઈટીસીએ રૂ. 5.03 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી એચડીએફસીને પાછળ રાખી હતી. મોર્ગેજ લેન્ડરનું માર્કેટ-કેપ રૂ. 5.03 લાખ કરોડ થતું હતું. આમ આઈટીસીએ તેને રૂ. 4 હજાર કરોડના માર્કેટ-કેપથી પાછળ પાડી હતી. ચાલુ કેલેન્ડરમાં એચડીએફસીનો શેર 2.4 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. આમ, આઈટીસીએ તેની સરખામણીમાં નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું છે. આઈટીસી દેશમાં સિગારેટ્સ, એફએમસીજી, હોટેલ્સ અને પેપર સેક્ટરમાં બિઝનેસ ધરાવતો ડાયવર્સિફાઈડ પ્લેયર છે. કંપની આઈટી સેક્ટરમાં પણ હાજરી ધરાવે છે. શોર્ટ-ટર્મમાં જોકે આઈટીસી ઓવરબોટ ઝોનમાં જણાય છે અને તેથી એનાલિસ્ટ્સ ખરીદી માટે ઘટાડાની રાહ જોવાની ભલામણ કરે છે. તેમના મતે આઈટીસીનો શેર છેલ્લાં એક વર્ષમાં લગભગ બમણો ભાવ દર્શાવી રહ્યો છે. જોકે, લાંબા સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યાં પછી તેણે ઊંચું વળતર દર્શાવ્યું છે. કોવિડ પછી માર્ચ 2020માં આઈટીસીનો શેર રૂ. 160ની સપાટીએ જોવા મળ્યો હતો. જોકે, છેલ્લાં એક વર્ષમાં આઈટીસી સિવાય અન્ય એફએમસીજી કંપનીઓએ સાધારણ પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. જ્યારે કેટલીક કંપનીઓએ નેગેટિવ રિટર્ન પણ આપ્યું છે.
અતિ ધનવાન ભારતીયોએ ગોલ્ડની ખરીદી વધારી
2018માં નેટ વર્થનો 4 ટકા હિસ્સો ગોલ્ડમાં રોકનાર અલ્ટ્રા-રિચ ભારતીયોએ 2022માં 6 ટકા સંપત્તિ ગોલ્ડમાં પાર્ક કરી
છેલ્લાં ચાર વર્ષોમાં ગોલ્ડમાં નોંધપાત્ર રિટર્નને જોતાં અમીરોમાં ગોલ્ડનું વધતું આકર્ષણ
દેશના અતિ ધનવાન વર્ગમાં ગોલ્ડ રોકાણ માટે આકર્ષક બની રહ્યું છે. એક સર્વે મુજબ 2022માં દેશના અલ્ટ્રા-રિચ પરિવારોએ તેમની સંપત્તિના 6 ટકાનું ગોલ્ડમાં રોકાણ કર્યું હતું. જે હિસ્સો 2018માં 4 ટકા પર જોવા મળતો હતો. વૈશ્વિક સ્તરે પણ અતિ ધનવાન ભારતીયો ગોલ્ડમાં રોકાણની બાબતમાં બીજા ક્રમે જોવા મળી રહ્યાં છે એમ રિપોર્ટ જણાવે છે.
રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઈટ ફ્રેંકે હાથ ધરેલા એટીટ્યુડ્સ સર્વે મુજબ પ્રમાણમાં નાના અર્થતંત્ર એવા ઓસ્ટ્રિયાના અતિ ધનવાનોએ તેમની આવકનો 8 ટકા હિસ્સો ગોલ્ડમાં ફાળવ્યો છે. જ્યારે ત્યારપછીના ક્રમે ભારતીયો અને ચાઈનીઝ ધનવાનો તેમની સંપત્તિના 6-6 હિસ્સાના ગોલ્ડમાં રોકાણ સાથે બીજા ક્રમે જોવા મળે છે. સોનામાં રોકાણમાં વૃદ્ધિનું મુખ્ય કારણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કિંમતી ધાતુ તરફથી જોવા મળેલું નોંધપાત્ર રિટર્ન તથા અન્ય એસેટ ક્લાસિસની સરખામણીમાં ગોલ્ડનું આઉટપર્ફોર્મન્સ છે. કેલેન્ડર 2018થી ગોલ્ડ ચઢિયાતો દેખાવ દર્શાવી રહ્યું છે. છેલ્લાં પાંચ કેલેન્ડરમાં તેણે 80 ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે. મુંબઈ ખાતે 2018માં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 2018માં રૂ. 29304 પરથી 2022ની આખરમાં રૂ. 52760 પર જોવા મળ્યો હતો. યુએસ-ચીન ટ્રેડ વોર, કોવિડ અને નીચા ઈન્ટરેસ્ટ રેટ પાછળ 2018થી 2020ના ત્રણ વર્ષોમાં ગોલ્ડમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. છેલ્લાં બે કેલેન્ડરમાં તેણે ઊંચી વધ-ઘટ દર્શાવી છે. જોકે, તેણે પોઝીટીવ રિટર્ન આપ્યું છે. આમ તેણે ઈક્વિટીઝ જેવા એસેટ ક્લાસને રિટર્નમાં પાછળ રાખ્યો છે. ભારતના અલ્ટ્રા-વેલ્ધી રોકાણકારોએ એસેટ ક્લાસને તેમની સરેરાશ ફાળવણીથી ઊંચું એલોકેશન કર્યું છે. વૈશ્વિક સ્તરે 2022માં સરેરાશ ધનવાન વ્યક્તિએ તેની સંપત્તિના 3 ટકા હિસ્સાનું ગોલ્ડમાં રોકાણ કર્યું હતું. જ્યારે એશિયા પેસિફિક પ્રદેશમાં આ રેશિયો 4 ટકા પર જોવા મળતો હતો. જેની સરખામણીમાં ભારતમાં તે 6 ટકા જેટલો ઊંચો નોંધાયો હતો. વૈશ્વિક અર્થતંત્રને લઈને જોવા મળી રહેલી અનિશ્ચિતતાને કારણે પણ ગ્રાહકોએ સેફહેવન તરીકે ગોલ્ડમાં તેમની ફાળવણી વધારી હતી. ગોલ્ડને ઈન્ફ્લેશન સામે એક હેજ તરીકે પણ જોવામાં આવે છે અને તેથી જ વૈશ્વિક સ્તરે એચએનઆઈ ઉપરાંત રિટેલ અને સેન્ટ્રલ બેંકર્સ પણ તેના તરફ વળ્યાં છે એમ નાઈટ ફ્રેંક ઈન્ડિયાનો રિપોર્ટ જણાવે છે. કેટલાં દેશોમાં જોકે અલ્ટ્રા-રિચ તરફથી ગોલ્ડમાં માત્ર એક ટકા એલોકેશન જોવા મળ્યું હતું. જેમાં યૂએસએ, સાઉથ કોરિયા, ઈટાલી અને આયર્લેન્ડન સમાવેશ થતો હતો. ત્યાંના અલ્ટ્રા-રિચે તરફથી ગોલ્ડમાં 1 ટકા રોકાણ જોવા મળતું હતું. બીજી બાજુ યુનાઈટેડ કિંગ્ડમ અને ઓસ્ટ્રેલિયા ગોલ્ડમાં 2 ટકા રોકાણ દર્શાવતાં હતાં.
2022માં ભારતે વિશ્વમાં 100 અબજ ડોલરનું સૌથી ઊંચું રેમિટન્સ મેળવ્યું
2021ની સરખામણીમાં રેમિટન્સમાં 12 ટકા વૃદ્ધિ નોંધાઈ
સામાન્યરીતે સરહદપાર વહેતાં નાણાના વહેવારોનું ચોક્કસ મૂલ્યાંકન સંભવ નથી. તેમ છતાં વર્લ્ડ બેંકના અંદાજ મુજબ નિમ્ન તથા મધ્યમ-આવક ધરાવતાં દેશોએ કેલેન્ડર 2022માં 630 અબજ ડોલરનું રેમિટન્સિસ મેળવ્યું હતું. જે આ દેશોમાં જોવા મળતાં સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ) સમકક્ષ થવા જાય છે. જે વાર્ષિક ધોરણે 5 ટકા વૃદ્ધિ સૂચવે છે. વિદેશમાં વસતાં મૂળનિવાસીઓ તરફથી ઘરે વધુ પ્રમાણમાં નાણા મોકલવાના કારણે આમ બન્યું હતું. ઉપરાંત, તાજેતરના વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ ચેનલ્સના વધતાં ચલણને કારણે પણ વૈશ્વિક મની ફ્લોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે વધુ દ્રષ્યમાન બન્યો છે. વિવિધ મોબાઈલ પેમેન્ટ્સ એપ્લિકેશન્સ તરફથી છેલ્લાં બે વર્ષોમાં 200થી વધુ દેશોમાં ઈનફ્લોમાં વૃદ્ધિ જોવા મળી છે.
એક અભ્યાસ મુજબ ભારત વિશ્વમાં સૌથી મોટો રેમિટન્સ મેળવનાર દેશ છે. દેશમાં ખાડી દેશો ઉપરાંત યુએસ, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખાતેથી પણ નોંધપાત્ર પ્રમાણમાં નાણાપ્રવાહ જોવા મળે છે. ખાડી દેશોમાં કતાર અને સાઉદી અરેબિયા મહત્વના નાણા સ્રોતો છે. આ રિપોર્ટ વર્લ્ડ બેંકના અંદાજનો પડઘો પાડે છે. તેમજ તે યુએન ડેટાને પણ પુરવાર કરે છે. જેના મતે વિશ્વમાં 1.8 કરોડ મૂળ નિવાસીઓ બહાર વસવાટ કરી રહ્યાં છે. જે વિશ્વમાં સૌથી મોટો ડાયસ્પોરા દર્શાવે છે. 2022માં ભારતમાં 100 અબજ ડોલરનું રેમિટન્સ વાર્ષિક 12 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2021માં વેક્સિનેશન પછી ફરીથી વૈશ્વિક પ્રવાસ શરૂ થતાં ઘણા કામદારો ખાડી દેશોમાં તેમની જોબ્સમાં પરત પરી શક્યાં હતાં. ઉપરાંત, ઓઈલના ઊંચા ભાવોને કારણે પણ વિદેશી કામદારો તેમના પરિવારોને વધુ નાણા મોકલી શક્યાં હતાં. આ ઉપરાંત યુએસ, યૂકે અને ઓસ્ટ્રેલિયા સ્થિત ઊચ્ચ-અભ્યાસ ધરાવતાં માઈગ્રેન્ટ્સ તરફથી પણ રેમિટન્સનો ફ્લો વધ્યો છે. બિનનિવાસી ભારતીયોએ ડોલર સામે રૂપિયામાં નરમાઈનો લાભ લઈને પણ વધુ નાણાપ્રવાહ નોંધાવ્યો હતો એમ વર્લ્ડ બેંક જણાવે છે. ભારત ઉપરાંત ફિલિપિન્સે પણ નોંધપાત્ર રેમિટન્સ ઈનફ્લો દર્શાવ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપનીના ક્રેડિટર્સની કમિટીએ કંપનીની એસેટ માટે યોજાનારા બીજા રાઉન્ડના ઓક્શન પછી રેઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ થશે તે અંગે ગેરંટી આપવાનો ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ઓક્શન પછી પણ બીડર્સ સાથે મંત્રણાનો અધિકાર ધરાવે છે. સીઓસીમાં ઈપીએફઓ અને એલઆઈસી મળીને 30 ટકા હિસ્સો ધરાવે છે.
એચસીએલ ટેકનોલોજીઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3983 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3593 કરોડના પ્રોફિટ સામે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22597 કરોડ પરથી 18 ટકા વધી રૂ. 26606 કરોડ પર રહી હતી. કંપનીએ પ્રતિ શેર રૂ. 18ના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
વેદાંતઃ કોમોડિટી જૂથે તેની જૂથ કંપની હિંદુસ્તાન ઝીંકનો 2.44 ટકા હિસ્સો પ્લેજ કરી રૂ. 1500 કરોડ મેળવ્યાં છે. ડેટ ચૂકવણીની જવાબદારી પૂરી કરવામાં સંઘર્ષ કરી રહેલી કંપનીએ એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝ મારફતે હિંદુસ્તાન ઝીંકના 10.32 કરોડ શેર્સ પ્લેજ કર્યાં છે. વેદાંત હિંદુસ્તાન ઝીંકમાં 64.92 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ અત્યાર સુધીમાં કંપનીનો 59.31 ટકા હિસ્સો પ્લેજ કરી રૂ. 39000 કરોડ ઊભા કર્યાં છે.
સાયન્ટઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 162.2 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સ તરફથી રૂ. 161.5 કરોડની અપેક્ષા કરતાં ઊંચો જોવા મળ્યો છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 14.2 ટકા માર્જિન દર્શાવ્યું છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 13.2 ટકા પર જોવા મળતું હતું.
ફોર્ટિસ હેલ્થકેરઃ હોસ્પિટલ ચેઈન્સ કંપનીએ ગુરુગ્રામ ખાતે માનેસર સ્થિત મેડીઓર હોસ્પિટલની ખરીદી માટે તેની માલિક કંપની વીપીએસ ગ્રૂપ સાથે ડેફિનિટીવ એગ્રીમેન્ટ્સ સાઈન કર્યાં છે. ફોર્ટિસ રૂ. 225 કરોડમાં આ ખરીદી કરશે. જેમાં ડેટ અને આંતરિક સ્રોતોનો સમાવેશ થશે.
ICICI પ્રૂડેન્શિયલઃ કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 235 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 27.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 5635 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રિમીયમ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 4788 કરોડની સામે 18 ટકા વૃદ્ધિ સૂચવે છે.
એસડબલ્યુ સોલારઃ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 417.5 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 126.3 કરોડ પર જોવા મળતી હતી. કંપનીની આવક 97.1 ટકા ઘટાડે રૂ. 88.4 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1071 કરોડ પર નોંધાઈ હતી.
સિમેન્સ/આરવીએનએલઃ સિમેન્સ અને રેઈલ વિકાસ નિગમના કોન્સોર્ટિયમે રૂ. 678 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. તેમણે ગુજરાત મેટ્રો રેઈલ કોર્પોરેશન તરફથી આ ઓર્ડર મેળવ્યો છે.
લક્ષ્મી ઓર્ગેનિકઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીના બોર્ડે રૂ. 2000 કરોડ સુધીના ફંડને એકત્ર કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની ઈક્વિટી અને ડેટ મારફતે આ ફંડ એકઠું કરશે.
ઓરિએન્ટલ હોટેલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 115.65 કરોડની આવક દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 17.79 કરોડ પર જોવા મળ્યો છે.