બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ તરફથી મજબૂત પ્રતિકાર પાછળ માર્કેટમાં પોઝીટીવ શરૂઆત
ચીન-હોંગ કોંગના બજારમાં 2 ટકા સુધીનો ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 11.96ના સ્તરે
મેટલ, આઈટી, ફાર્મા, એનર્જી, રિઅલ્ટીમાં ખરીદી
પીએસયૂ બેંક્સ, મિડિયામાં નરમાઈ
એનએમડીસી, જેબીએમ ઓટો, ડેટા પેટર્ન્સ નવી ટોચે
શેરબજારમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. ગયા સપ્તાહે મંદીવાળાઓ સમક્ષ હથિયાર હેઠાં મૂકી દેનાર તેજીવાળાઓએ મજબૂત પ્રતિકાર દર્શાવી બજારને સુધારાની દિશામાં જાળવી રાખ્યું હતું. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 267.43 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65,216.09ની સપાટીએ જ્યારે નિફ્ટી 83.45 પોઈન્ટ્સના સુધારે 19,393.60ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3907 ટ્રેડેડ કંપનીઓમાંથી 2097 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1623 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 208 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ તથા 46 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 19 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સમાં બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 11.96ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ચીન અને હોંગ કોંગ જેવા એશિયન બજારોમાં 2 ટકા સુધીના તીવ્ર ઘટાડા વચ્ચે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 19310.15ના બંધ સામે 19320.65ની સપાટી પર ખૂલી ઉપરમાં 19425.95ની ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. જોકે, તે 19400ની સપાટી પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 5 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 19399ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમા જોવા મળતાં 16 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો નોંધાયો નથી. જે હજુ પણ સાવચેત રહેવાનો સંકેત છે. જોકે, બીજી બાજુ નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 19300ની સપાટી નીચેથી પરત ફર્યો છે. જે આ સપાટી મજબૂત સપોર્ટ હોવાનું સૂચવે છે. ટેકનિકલી 19300ના નજીકના સ્ટોપલોસે લોંગ પોઝીશનનું સાહસ કરી શકાય. જો 19500ની સપાટી કૂદાવશે તો બેન્ચમાર્ક ઝડપી સુધારો દર્શાવી શકે છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એપોલો હોસ્પિટલ, એનટીપીસી, આઈટીસી, યૂપીએલ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા અને ટીસીએસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ, બીપીસીએલ, એસબીઆઈ, સિપ્લા, મારુતિ સુઝુકીમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવ પર નજર કરીએ તો મેટલ, આઈટી, ફાર્મા, એનર્જી, રિઅલ્ટીમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે પીએસયૂ બેંક્સ, મિડિયામાં નરમાઈ રહી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.3 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, સેઈલ, જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ, નાલ્કો, મોઈલ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, વેદાંત નોંધપાત્ર સુધારો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ, એલએન્ટડી ટેક્નોલોજી, કોફોર્જ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક્નોલોજી પોઝીટીવ ટ્રેડ સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા મજબૂત જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફિઅર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઈન્ડિયાબુલ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.3 ટકા સુધરી બંધ જળવાયો હતો. જેમાં ભેલ, એનએમડીસી, પાવર ગ્રીડ, સેઈલ, આરઈસી, એનટીપીસી, ભારત ઈલે., ગેઈલ, નાલ્કો, કોલ ઈન્ડિયા, આઈઆરસીટીસી જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો તાતા પાવર 4 ટકાથી વધુ સુધારા સાથે મોખરે હતો. આ ઉપરાંત જીએમઆર એરપોર્ટ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ડિક્સોન ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ભેલ, એનએમડીસી, ચોલા ઈન્વે., ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ જેવા કાઉન્ટર્સ પણ સારી ખરીદી સૂચવી રહ્યાં હતાં. બીજી બાજુ, હિંદ કોપર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી એએમસી, ઝી એન્ટરટેઈનમેન્ટ, એમએન્ડએમ, એસબીઆઈ કાર્ડ, વોડાફોન આઈડિયા, પીવીઆર આઈનોક્સ, ઈન્ડિયન હોટેલ્સમાં નરમાઈ જોવા મળતી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એનએમડીસી, જેબીએમ ઓટો, ડેટા પેટર્ન્સ, થર્મેક્સ, ઈઆઈએચ, લિંડે ઈન્ડિયા, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ફર્સ્ટસોર્સ, જીએમઆર એરપોર્ટ્સ, લેમન ટ્રી, કેપીઆર મિલ, મહિન્દ્રા હોલિડેઝ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો.
જુલાઈમાં MF તરફથી FMCG, PSU અને ઓટોમાં ખરીદી
ફંડ્સ તરફથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી ઊંચું વેચાણ જોવા મળ્યું
જુલાઈ 2023માં મ્યુચ્યુલ ફંડ્સે હિંદુસ્તાન યુનિલીવર, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, તાતા સ્ટીલ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સૌથી વધુ ખરીદી કરી હતી એમ આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝનો અભ્યાસ સૂચવે છે. બીજી બાજુ ફંડ્સ તરફથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત તેમણે એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ અને એલટીઆઈમાઈન્ડટ્રીમાં પણ નોંધપાત્ર વેચવાલી દર્શાવી હતી. આ અભ્યાસ એક્ટિવ ફંડ મેનેજર્સ તરફથી કરવામાં આવેલાં ખરીદ-વેચાણને સૂચવે છે. તેમાં પેસિવ ફંડ્સ કે આર્બિટ્રેડ ફંડ્સની કામગીરીનો સમાવેશ થતો નથી.
મીડ-કેપ શેર્સની વાત કરીએ તો ફંડ્સ તરફથી ફેડરલ બેંક, ફોર્ટિસ હેલ્થકેર, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ અને યુનાઈટેડ બ્રૂઅરિઝની સૌથી વધુ ખરીદી કરવામાં આવી હતી. જ્યારે મેક્સ હેલ્થકેર ઈન્સ્ટીટ્યુટ, બંધન બેંક, પોલીકેબ ઈન્ડિયા અને ઈન્ડિયન હોટેલ્સમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું. સ્મોલ-કેપ ક્ષેત્રે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક, એરિસ લાઈફલાયન્સિઝ, નેટવેબ ટેક્નોલોજિસ ઈન્ડિયા, પીવીઆર આઈનોક્સ અને અમર રાજા બેટરીઝમાં ખરીદી કરી હતી. જ્યારે ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, કેન ફિન હોમ, રેડિકો ખૈતાન, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. બ્રોકરેજ કંપનીએ તેના અભ્યાસમાં એચડીએફસી લિ. અને એચડીએફસી બેંકને તેમના મર્જરને કારણે બાકાત રાખ્યાં હતાં. લાર્જ-કેપ્સ ફંડ્સની સરખામણીમાં સ્મોલ અને મીડ-કેપ ફંડ્સમાં ઊંચું ખરીદ-વેચાણ જોવા મળ્યું હતું. જે રોકાણકારોમાં ઊંચો રિસ્ક એપેટાઈટ હોવાનું સૂચવે છે. સ્મોલ-કેપ અને મલ્ટી-કેપ ફંડ્સે એયૂએમના ટકાવારીની રીતે સૌથી ઊંચો ફ્લો દર્શાવ્યો હતો.
યુકે બેટરી પ્લાન્ટ માટે તાતા સન્સ ભાગીદારની શોધમાં
તાતા સન્સ તેના યૂકે બેટરી પ્લાન્ટ માટે ટેકમિકલ જાણકારી માટે ભાગીદારની શોધમાં છે. આ માટે તે એકથી વધઉ સ્ટાર્ટઅપ્સ સાથે ચર્ચા-મંત્રણા ચલાવી રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. કંપની 5.1 અબજ ડોલરના ખર્ચે યૂકેમાં બેટરી પ્લાન્ટ સ્થાપી રહી છે. જ્યાં 2026માં મોટાપાયે બેટરીનું ઉત્પાદન શરૂ કરવાનો ઈરાદો ધરાવે છે.
તાતા મોટર્સ જૂથના સીએફઓ પી બી બાલાજીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ ટેક્નોલોજીની બાબતમાં આગળ જોવા મળે છે. આ એક વિશાળ તક છે અને અમે કેટલાંક સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત ચલાવી રહ્યાં છીએ એમ તેમણે ઉમેર્યું હતું. વાર્ષિક ઓછામાં ઓછા 5 લાખ વેહીકલ્સની સપ્લાય ક્ષમતા ધરાવતો બેટરી પ્લાન્ટ સંયુક્ત સાહસથી લઈને નોલેજ શેરિંગ પ્રયોગ અને લાયસન્સિંગ એગ્રીમેન્ટ્સ બની શકે છે એમ બાલાજીનું કહેવું હતું. તાતા સેલ કેમેસ્ટ્રીથી મેન્યૂફેક્ચરિંગથી ઈન્ડસ્ટ્રીઅલાઈઝેશન સુધીના તમામ માર્ગમાં ભાગીદાર શોધી રહ્યાં છે એમ તેમણે જણાવ્યું હતું. આ માટે કોંગ્લોમેરટ વેલ્યૂ ચેઈનના વિવિધ તબક્કે સક્રિય કેટલીક કંપનીઓ સાથે હાલમાં વાતચીત કરી રહી છે. જેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, મેન્યૂફેક્ચરિંગ ઈનોવેશન અને રિફાઈનીંગનો સમાવેશ થાય છે. એકવાર કેટલાંક ખેલાડીઓને અલગ તારવ્યાં પછી કંપની આ અંગે જાહેરાત પણ કરશે. તાતાની બેટરી ફેક્ટરી યૂકેના કાર ઉદ્યોગ માટે એક મોટી ઘટના છે. કેમકે બ્રેક્સિટ પછી તે મોટા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો. તેમજ તે ઈવીમાં તબદિલ થઈ રહ્યો હતો. યૂકેએ ગયા વર્ષે 7.75 લાખ કાર્સનું ઉત્પાદન કર્યું હતું. જે 1965 પછીનું સૌથી નીચું હતું. તાતા તેમના પ્રોજેક્ટ માટે ઈક્વિટી તેમજ ડેટના સંયુક્ત સાધનથી નાણા મેળવવાનું વિચારે છે. તેમજ તેઓ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સિંગ માટે પણ નજર દોડાવી રહ્યાં છે. તેઓ બેલેન્સ શીટના ઓવર-લેવરેજીંગ વિના બિઝનેસ પ્લાનને આગળ ધરાવવા માટે જરૂરી તમામ બોરોઈંગ કરશે એમ બાલાજીએ ઉમેર્યું હતું.
સોફ્ટબેંકે IPO માટે તૈયાર ફર્સ્ટક્રાઈમાં રૂ. 435 કરોડમાં હિસ્સો વેચ્યો
ઈ-કોમર્સ કંપનીમાં ત્રણ ભારતીય ફેમિલી ઈન્વેસ્ટમેન્ટ ઓફિસિસે રોકાણ કર્યું
ત્રણ ભારતીય ઉદ્યોગપતિ પરિવારોની ફેમિલી ઈન્વેસ્ટમેન્ટ ઓફિસિસે સોફ્ટબેંક સમર્થત ઈ-કોમર્સ કંપની ફર્સ્ટક્રાઈમાં રૂ. 435 કરોડમાં હિસ્સો ખરીદ્યો છે. જેમાં રંજન પાઈની MEMG ફેમિલી ઓફિસ, હર્ષ મરિવાલાની શાર્પ વેન્ચર્સ અને હેમેન્દ્ર કોઠારીની ડીએસપી ફમિલી ઓફિસનો સમાવેશ થાય છે એમ એક મિડિયા રિપોર્ટ સૂચવે છે. આ રોકાણકારોએ જાપાની ઈન્વેસ્ટર સોફ્ટબેંક પાસેથી આ હિસ્સો ખરીદ્યો છે. સોફ્ટબેંક ફર્સ્ટક્રાઈમાં તેના હિસ્સામાં ઘટાડો ઈચ્છતી હતી. કંપનીમાં 29 ટકા હિસ્સો ધરાવતી સોફ્ટબેંકે તેના હિસ્સામાં 1.5થી 2 ટકા ઘટાડો કર્યો છે. ફર્સ્ટક્રાઈએ પાઈ પાસેથી 14 ઓગસ્ટે રૂ. 250 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનું જાણવા મળે છે. ફર્સ્ટક્રાઈમાં મહિન્દ્રા રિટેલ, ટીપીજી અને પ્રેમજી ઈન્વેસ્ટ જેવા અન્ય રોકાણકારો પણ અગાઉ રોકાણ કરી ચૂક્યાં છે. મહિન્દ્રા રિટેલ કંપનીમાં 12થી 13 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે પ્રેમજી ઈન્વેસ્ટ પાસે 9-11 ટકા હિસ્સો રહેલો છે. ફર્સ્ટક્રાઈ આગામી વર્ષે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશવાની પ્રક્રિયામાં છે ત્યારે આ ઘટના ઘટી છે. કંપનીના વર્તુળોના જણાવ્યા મુજબ તે 2023ની આખર સુધીમાં ડીઆરએચપી ફાઈલ કરે તેવી અપેક્ષા છે.
જીઓ ફાઈનાન્સિયલ વેલ્યૂએશનની રીતે બીજા ક્રમની NBFC બની
કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.66 લાખ કરોડ પર જોવા મળ્યું
કંપનીનો શેર રૂ. 262ના ભાવે ઓપન થઈ રૂ. 248.90ની પાંચ ટકાની સેલર સર્કિટમાં બંધ રહ્યો
રૂ. 4.15 લાખ કરોડના એમ-કેપ સાથે બજાજ ફાઈનાન્સ સૌથી મોટી એનબીએફસી હતી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરે સોમવારે રૂ. 262ના ભાવે લિસ્ટીંગ દર્શાવ્યું હતું. જે સાથે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.66 લાખ કરોડ પર જોવા મળ્યું હતું અને મૂલ્યની રીતે તે દેશમાં બીજા ક્રમની નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની બની રહી હતી. બજાજ ફાઈનાન્સનું માર્કેટ-કેપ 18 ઓગસ્ટના બંધ ભાવે રૂ. 4.15 લાખ કરોડ પર જોવા મળતું હતું અને તે દેશમાં સૌથી મોટી એનબીએફસી કંપની બની રહી હતી. બજાજ ફિનસર્વ રૂ. 2.32 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે એનબીએફસી કરતાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ હોલ્ડિંગ કંપની વધુ જોવા હોવાનું જણાય છે.
માર્કેટ નિરીક્ષકો જેએફએસનું માર્કેટ-કેપ રૂ. 1.65 લાખ કરોડથી ઈમ્પ્લાઈડ વેલ્યૂ કરતાં ઘણું ઊંચું જોઈ રહ્યાં હતાં. કેમકે ગ્રે-માર્કેટમાં કંપનીનો શેર રૂ. 50નું પ્રિમીયમ દર્શાવતો હતો. ગ્રે માર્કેટને અનુસર્યો હોત તો કંપનીનો શેર રૂ. 300ની સપાટીએ લિસ્ટ થયો હોત અને તેનું માર્કેટ-કેપ રૂ. 1.9 લાખ કરોડ પર જોવા મળ્યું હોત. જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનું વર્તમાન માર્કેટ-કેપ નિફ્ટી-50માં સમાવિષ્ટ યૂપીએલ, હીરો મોટોકોર્પ અને એપોલો હોસ્પિટલ્સ કરતાં ઊંચું જોવા મળે છે. તેણે ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા અને ટેક મહિન્દ્રાને પણ માર્કેટ-કેપની બાબતમાં પાછળ રાખી દીધાં છે.
વિદેશી બ્રોકિંગ કંપની જેફરિઝના જણાવ્યા મુજબ જેએફએસ રૂ. 28000 કરોડની નેટવર્થ ધરાવે છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 6.1 ટકા હિસ્સાનો સમાવેશ થાય છે. જે પેરન્ટ કંપનીએ ટ્રેઝરી શેર્સ ટ્રાન્સફર કરતાં જોવા મળ્યો છે. જો આ શેરના હિસ્સાનું મૂલ્ય ગણનામાં ના લઈએ તો કંપનીની કોર નેટ વર્થ રૂ. 14 હજાર કરોડ જોવા મળે છે. સ્ટ્રીટ હવે જીએફએસના બિઝનેસ મોડેલ પર ચાંપતી નજર નાખી રહી છે. કંપનીએ બ્લેકસ્ટોન સાથે એસેટ મેનેજેમેન્ટ ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશ માટે 50-50 ટકાના સંયુક્ત સાહસની જાહેરાત અગાઉ કરી દીધી છે. મોટાભાગના એનાલિસ્ટ્સ માને છે કે જેએફએસ મર્ચન્ટ લોન સ્પેસને ટાર્ગેટ કરશે. કેમકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કિરાણા સ્ટોર્સ સાથે વ્યાપક જોડાણ ધરાવે છે. જેએફએસના નોન-એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકે કેવી કામથ અને આરઆઈએલના સીઈઓ અને એમડી તરીકે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી હિતેષ સેઠિયાને જોતાં આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણી ભારતના ડિજીટલ ફાઈનાન્સ સેક્ટરમાં જેએફએસ મહત્વની ભૂમિકા ભજવશે તેને લઈને મજબૂત વિશ્વાસ ધરાવે છે.
લોકલ બેંક્સને UAE સાથે રૂપિયા, દિરહામમાં ટ્રેડ સેટલ માટે RBIની ટકોર
2022-23માં યૂએઈ સાથે ભારતની વેપાર ખાધ 21.61 અબજ ડોલર અથવા કુલ ખાધના 8.2 ટકા જેટલી હતી
ભારતીય સેન્ટ્રલ બેંક તેના ગ્રાહકોને યુનાઈટેડ આરબ અમિરેટ્સ(યૂએઈ) અને ભઆરત વચ્ચે દિરહામ અથવા રૂપિયાનો ઉપયોગ કરી ટ્રેડ સેટલ કરવા માટે સૂચવી રહી છે. બંને દેશો વચ્ચે યુએસ ડોલર આધારિત ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો કરવાના આશયથી આરબીઆઈ આમ કરી રહી હોવાનું પાંચ જાણકાર વર્તુળોનું કહેવું છે.
આ પગલું ભારત જે દેશો સાથે વેપાર ખાધ ધરાવે છે તેમની સાથે સ્થાનિક ચલણમાં ટ્રેડ સેટલમેન્ટને પ્રોત્સાહન આપવાના આરબીઆઈના વ્યાપક હેતુના ભાગરૂપ છે. આમ કરવાથી રૂપિયાની વૈશ્વિક પહોંચ વધશે તેમ માનવામાં આવે છે એમ ત્રણ બેંકિંગ વર્તુળો જણાવે છે. નાણા વર્ષ 2022-23માં યૂએઈ સાથે ભારતની વેપાર ખાધ 21.62 અબજ ડોલર પર જોવા મળતી હતી. જે કુલ ખાધના 8.2 ટકા જેટલી હતી. જુલાઈમાં બંને દેશોએ તેમના વેપારને ડોલર્સને બદલે રૂપિયામાં ફેસિલિટેટ કરવા માટે સહમતિ દર્શાવી હતી. આમ કરવા પાછળ દેશમાંથી ડોલરના આઉટફ્લોને ઘટાડવાનો હોવાનું સરકારી વર્તુળો કહી રહ્યાં છે. ખાસ કરીને જ્યારે દેશ ઊંચી વેપાર ખાધનો સામનો કરી રહ્યો છે ત્યારે આમ થાય તે જરૂરી છે. આરબીઆઈએ બેંકોને તેમના ગ્રાહકોને આ માટે પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું છે. આરબીઆઈ અધિકારી તરફથી મૌખિક રીતે ફોરેન એક્સચેન્જ ડિલર્સને પણ ગયા મહિને એક સેમિનારમાં આ પ્રકારે સૂચન કરવામાં આવ્યું હતું. ચાલુ મહિનાની શરૂમાં સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની સાથે 10 લાખ બેરલ્સ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં સોદો કર્યો હતો.
ફોરેક્સ રિઝર્વ્સમાં ગોલ્ડના હિસ્સો વધી રૂ. 3.67 લાખ કરોડે પહોંચ્યો
જાન્યુઆરી-2020ની શરૂમાં વિદેશી હૂંડિયામણમાં ગોલ્ડનો હિસ્સો રૂ. 2.02 લાખ કરોડ હતો
ટકાવારીની રીતે જોઈએ તો હાલમાં કુલ રિઝર્વ્સમાં 7.36 ટકા હિસ્સો ગોલ્ડ રિઝર્વ્સનો, જે જાન્યુઆરી, 2020માં 6.08 ટકા પર હતો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા પર નજર કરીએ તો જણાય છે કે દેશના વિદેશી હૂંડિયામણમાં ગોલ્ડનો હિસ્સો સતત વધી રહ્યો છે. અલબત્ત, તે વૈશ્વિક સ્તરે અન્યત્ર જોવા મળી રહેલા ટ્રેન્ડની દિશામાં જ છે. ટોચની ઈમર્જિંગ માર્કેટ સેન્ટ્રલ બેંક્સ તેમના રિઝર્વ્સમાં ગોલ્ડનું પ્રમાણ વધારતી જોવા મળી રહી છે. ભારતની વાત કરીએ તો 18 ઓગસ્ટ, 2023ના રોજ ફોરેક્સ રિઝર્વ્સમાં ગોલ્ડના હિસ્સો વધી રૂ. 3.67 લાખ કરોડે પહોંચ્યો હતો. જે જાન્યુઆરી-2020ની શરૂમાં વિદેશી હૂંડિયામણમાં ગોલ્ડનો હિસ્સો રૂ. 2.02 લાખ કરોડ જોવા મળતો હતો.
આમ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં ફોરેક્સ રિઝર્વ્સમાં ગોલ્ડનો હિસ્સો એક ટકાથી વધુ વૃદ્ધિ સૂચવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને વધતાં ઈન્ફ્લેશનને જોતાં સેન્ટ્રલ બેંક્સ ગોલ્ડની ખરીદી વધારી રહી છે. જેને કારણે ફોરેક્સ રિઝર્વ્સમાં ટકાવારીની રીતે ડોલરનું પ્રમાણ ઘટી રહ્યું છે. જ્યારે ગોલ્ડનું પ્રમાણ વધી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા મુજબ કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિનામાં અગ્રણી સેન્ટ્રલ બેંકર્સે કુલ 374 ટન સાથે ગોલ્ડની વિક્રમી ખરીદી દર્શાવી હતી. જેમાં પીપલ્સ બેંક ઓફ ચાઈનાને 103 ટન સાથે સૌથી ઊંચી ખરીદી કરી હતી. તેણે સતત આંઠમા મહિને ગોલ્ડની ખરીદી વધારી હતી.
આરબીઆઈના ડેટા મુજબ 18 ઓગસ્ટ, 2023ના રોજ કુલ રિઝર્વ્સમાં 7.36 ટકા હિસ્સો ગોલ્ડ રિઝર્વ્સનો હતો. જે 3 જાન્યુઆરી, 2020ના રોજ 6.08 ટકા પર જોવા મળતો હતો. એક બેંકરના જણાવ્યા મુજબ ગોલ્ડને સુરક્ષિત અને લિક્વિડ એસેટ્સ ગણવામાં આવે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તથા ઊંચા ઈન્ફ્લેશનની સ્થિતિમાં તે સેફ હેવન ગણાય છે. રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ જેવી જીઓપોલિટિકલ ઘટનાઓ પછી ગોલ્ડની ખરીદી ઓર વધી છે અને તેમાં હજુ પણ વૃદ્ધિની સંભાવનાઓ છે. કેમકે વિશ્વમાં ઘણે ઠેકાણે સરહદો વચ્ચે ઘર્ષણો વધવાની ઊંચી સંભાવના જોવાઈ રહી છે. આરબીઆઈની વાત કરીએ તો જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં ગોલ્ડ રિઝર્વ્સમાં 82 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. દરમિયાનમાં જાન્યુઆરી 2020માં કુલ રિઝર્વ્સ 51 ટકા પરથી વધી 18 ઓગસ્ટ 2023ના રોજ રૂ. 49.9 લાખ કરોડ પર નોંધાયું હતું.
ડોલર સામે રૂપિયો 2 પૈસા ઘટી 83.12ની ઓલ-ટાઈમ લો સપાટીએ
ઉઘડતાં સપ્તાહે યુએસ ડોલર સામે રૂપિયામાં નરમાઈ જળવાય હતી. સોમવારે ભારતીય રૂપિયો ડોલર સામે 2 પૈસા ગગડી 83.12ની ઓલ-ટાઈમ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી શેરબજારમાં આઉટફ્લો તથા ક્રૂડના ભાવમાં મજબૂતી પાછળ કરન્સી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને નરમાઈ આગળ વધી હતી. ફોરેક્ટ ટ્રેડર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક બજારોમાં ઈન્વેસ્ટર્સ હાલમાં જોખમ લેવાનું ટાળી રહ્યાં છે. જેને જોતાં રૂપિયામાં સેન્ટીમેન્ટ નેગેટિવ જળવાય રહેવાની શક્યતાં છે. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 83.10 પર ખૂલી સુધરી 83.05 થઈ 83.13ની ટોચ પર ટ્રેડ થયો હતો.
ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં FPIની ખરીદીમાં ઘટાડો
વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ભારતીય શેરબજારમાં ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં તેમના તરફથી માત્ર રૂ. 737 કરોડના મૂલ્યના શેર્સ ખરીદવામાં આવ્યાં છે એમ એનએસડીએલનો ડેટા સૂચવે છે. જે પાંચ મહિનામાં તેમની સૌથી ઓછી ખરીદી સૂચવે છે. વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશનને લઈ વધેલી ચિંતા વચ્ચે શેરબજારોમાં નરમાઈ પાછળ રોકાણકારો સાવચેત બન્યાં હોવાથી ખરીદી પાંખી બની હોવાનું માર્કેટ નિરીક્ષકો જણાવે છે. માર્ચ મહિના પછી ઓગસ્ટમાં તેમણે સૌથી નીચી ખરીદી દર્શાવી છે. માર્ચમાં તેમણે રૂ. 1553 કરોડની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. જ્યારે ફેબ્રુઆરીમાં તેમણે રૂ. 5294 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું.
RBIના લિક્વિડિટી ટાઈટનીંગની ક્રેડિટ ગ્રોથ પર અસરની નહિવત સંભાવના
રિટેલ ક્રેડિટનો મોટાભાગનો હિસ્સો ફ્લોટિંગ રેટ્સ આધારિત હોમ લોન્સમાંથી આવતો હોવાથી બેંકર્સને રાહત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે સપ્તાહ અગાઉ મળેલી તેની નાણાનીતિ સમીક્ષા દરમિયાન ઈન્ક્રિમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો(I-CRR)ની કરેલી જોગવાઈને કારણે કેટલીક જાહેર ક્ષેત્રની બેંક્સે તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ(MCLR)માં વૃદ્ધિ કરી છે. જેમાં બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જોકે, આમ કરવાથી ક્રેડિટ ગ્રોથ પર અસર પડવાની શક્યતાં નહિવત હોવાનું બેન્કર્સ અને નાણાકિય નિષ્ણાતો જણાવે છે. તેમના મતે રિટેલ બોરોઈંગનો મોટાભાગનો હિસ્સો હોમ લોન્સમાંથી આવે છે અને તેનો મોટો હિસ્સો ફલોટિંગ ઈન્ટરેસ્ટ રેટ્સ આધારિત હોવાથી એમસીએલઆર વૃદ્ધિની ક્રેડિટ ગ્રોથ પર અસર નહિ જોવા મળે.
ફૂડ ઈન્ફ્લેશનને લઈને ચિંતિત આરબીઆઈની એમપીસીએ આઈ-સીઆરઆરને 12 ઓગસ્ટથી શરૂ થાય તે રીતે પખવાડિયા માટે વધારી 10 ટકા કરી હતી. આનો સીધો અર્થ એમ થાય છે કે બેંક્સે તેમની પાસેની નેટ ડિમાન્ડ અને ટાઈમ લાયેબિલિટીઝનો 10 ટકા ઈનફ્લો અથવા તો સરળ રીતે કહીએ તો 19 મેથી 28 જુલાઈ દરમિયાનની તેમની ડિપોઝીટ્સનો 10 ટકા હિસ્સો આરબીઆઈમાં જમા કરાવવનો રહેશે. 10 ઓગસ્ટે આ પગલાંની જાહેરાત કરતાં આરબીઆઈ ગવર્નર શશીકાંતા દાસે જણાવ્યું હતું કે આમ કરવા પાછળનો હેતુ આર્થિક વૃદ્ધિ દરને નુકસાન ના પહોંચે તે રીતે ઈન્ફ્લેશન પર અંકુશ મેળવવાનો છે.
આરબીઆઈના આ પગલાને કારણે સિસ્ટમમાંથી રૂ. 1 લાખ કરોડની લિક્વિડિટી ભરાય જવાની અપેક્ષા છે. કેમકે આરબીઆઈ નિર્ધારિત સમય દરમિયાન શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ પાસે રૂ. 10 લાખ કરોડની ડિપોઝીટ્સ હતી. દેશમાં સૌથી મોટી બેંક એસબીઆઈની આંતરિક ઈકોનોમિક રિસર્ચ પાંખ ઈકોરેપના જણાવ્યા મુજબ આરબીઆઈના નવા નિર્દેશને કારણે તમામ શેડ્યૂલેડ બેંક્સ સાથેના વર્તમાન એનડીટીએલના 0.3 ટકા દૂર થશે. જેને કારણે રૂ. 1.8 લાખ કરોડના સરકારી સરપ્લસ સહિત વર્તમાન ડ્યુરેબલ લિક્વિડીટી રૂ. 3.6 લાખ કરોડ પરથી ઘટી રૂ. 2.6 લાખ કરોડ રહેશે. વધુમાં આરબીઆઈએ ફેબ્રુઆરીથી રેપો રેટ વૃદ્ધિમાં વિરામ જાળવ્યો ત્યારથી મોટાભાગની બેંક્સે તેમના એમસીએલઆરમાં વૃદ્ધિ કરી છે કેમકે તેઓ એક વર્ષમાં 250 બેસીસ પોઈન્ટ્સની રેપો રેટ વૃદ્ધિ સાથે હજુ પણ એડજસ્ટ થઈ રહ્યાં છે. આઈડીબીઆઈ બેંકના ટ્રેઝરી હેડના જણાવ્યા મુજબ તેમની બેંકે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 1-વર્ષ માટેના એમસીએલઆરમાં 30-35 બેસીસ પોઈન્ટ્સની રેંજમાં વૃદ્ધિ કરી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જીએમઆર એરપોર્ટ્સઃ કંપનીએ જુલાઈમાં વાર્ષિક ધોરણે 30 ટકા ઊંચો ટ્રાફિક નોંધાવ્યો હોવાનું ફાઈલીંગમાં જણાવ્યું છે. ગયા મહિને તેણે 98.60 લાખ પેસેન્જર ટ્રાફિક નોંધાવ્યો હતો. જ્યારે એરક્રાફ્ટ મૂવમેન્ટ વાર્ષિક ધોરણે 17 ટકા વધી 64,809 પર રહી હતી. ફિલિપિન્સ સ્થિત સેબુ એરપોર્ટે 79 ટકા સાથે સૌથી ઊંચી પેસેન્જર વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે દિલ્હી એરપોર્ટે 21 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
કેઈસી ઈન્ટરનેશનલઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ રૂ. 1007 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામનો સમાવેશ પણ થાય છે. કંપનીના નવા સિવિલ બિઝનેસ વર્ટિકલે ડિઝાઈન, એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્ર્કશન માટેના ઓર્ડર્સ મેળવ્યાં છે. કંપનીનો શેર સોમવારે 8 ટકા ઉછળ્યો હતો.
ઓએનજીસીઃ ઓએનજીસીની વિદેશ પાંખ ઓએનજીસી વિદેશે સાઉથ ચાઈના સીમાં આવેલા બ્લોક 128માં એક્સપ્લોરેશન માટે વિયેટનામ પાસેથી ત્રણ-વર્ષ માટેનું એક્સટેન્શન મેળવ્યું છે. કંપની 15 જૂન 2026 સુધી તેનું એક્સપ્લોરેશન જાળવી શકશે એમ તેણે જણાવ્યું છે. વિયેટનામ તરફથી આ સતત આંઠમું એક્સટેન્શન છે.
ક્રેડિટએક્સેસ ગ્રામીણઃ માઈક્રોફાઈનાન્સ કંપનીની એક્ઝિક્યૂટીવ બોરોઈંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિટિએ રૂ. 1000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. કંપની નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે આ નાણા ઊભા કરશે. કંપનીના શેરમાં સોમવારે 2 ટકા સુધારો નોંધાયો હતો.
વોખાર્ડ ફાર્માઃ દવા કંપનીના શેરધારકોએ કંપનીના પ્રમોટર પરિવારની કંપની ખોરાકીવાલા હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ પાસેથી પાંચ વર્ષોમાં રૂ. 1600 કરોડ ઊભા કરવા માટેના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. કંપનીએ શેરધારકો પાસેથી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી માગી હતી. ખોરાકીવાલા હોલ્ડિંગ્સ એ આરબીઆઈ રજિસ્ટર્ડ એનબીએફસી છે. પ્રસ્તાવના તરફેણમાં 49.87 ટકા વોટ સામે વિરુધ્ધમાં 50.12 ટકા મત પડ્યાં હતાં.
વિપ્રોઃ આઈટી સર્વિસ જાયન્ટે વિપ્રો એન્ટરપ્રાઈઝ ફ્યુચરીંગ માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ગ્લોબલ હેડ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે બ્રિજેશ સિંઘનું નામ જાહેર કર્યું છે. વિપ્રો એન્ટરપ્રાઈઝ ફ્યુચરિંગ એ વિપ્રો તરફથી રજૂ કરવામાં આવેલી ચાર ગ્લોબલ બિઝનેસ લાઈન્સમાંથી એક કંપની છે.