Market Summary 21/11/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

મેટલ, ફાર્મા, રિઅલ્ટી પાછળ શેરબજારમાં ખરીદીનો માહોલ
નિફ્ટીએ 19700ની સપાટી પરત મેળવી
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ મજબૂતી સાથે 12.23ના સ્તરે
ઓટો, એનર્જી, મિડિયામાં પોઝીટીવ સેન્ટીમેન્ટ
આઈટી, એફએમસીજીમાં નરમાઈ
કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ક્રેડિટએક્સેસ, ઓબેરોય રિઅલ્ટી નવી ટોચે
આલ્કિલ એમાઈન્સ નવા તળિયે

વૈશ્વિક બજારમાં સુસ્તી વચ્ચે મંગળવારે ભારતીય બજારમાં મજબૂતી પરત ફરી હતી. યુએસ ડોલરમાં નોંધપાત્ર ઘટાડા પાછળ બોન્ડ યિલ્ડ્સ ગગડતાં વિદેશી રોકાણકારો ફરીથી ભારતીય બજારમાં પરત ફરવાની શક્યતાં ઊભી થઈ છે. જેને કારણે સેન્ટીમેન્ટ પોઝીટીવ બન્યું છે. બીએસઈ સેન્સેક્સ 276 પોઈન્ટ્સ ઉછળી 65931ની સપાટીએ જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ્સ સુધારે 19783ની સપાટીએ બંધ જોવા મળ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી નીકળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ નોંધાઈ હતી. બીએસઈ ખાતે કુલ 3853 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2018 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1701 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 367 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ સાધારણ મજબૂતી સાથે 12.23ના સ્તરે બંધ દર્શાવતો હતો.
મંગળવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ નોંધાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19694ના બંધ સામે 19771ની સપાટી પર ગેપ-અપ ખૂલી ઉપરમાં 19829 પર ટ્રેડ થયો હતો. જોકે, તે 19800ની સપાટી પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 57 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19840 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 56 પોઈન્ટ્સના પ્રિમીયમ સમકક્ષ છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન અકબંધ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડા અને ડોલરમાં નરમાઈને જોતાં ભારત સહિત ઈમર્જિંગ બજારોનું આકર્ષણ વધી શકે છે. જેની પાછળ માર્કેટ નવી ટોચ બનાવે તેવી શક્યતાં છે. જોકે, આગામી દસેક દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બજારમાં ખાસ વધ-ઘટની શક્યતાં નથી. જો, રાજ્યોની ચૂંટણીના પરિણામો એનડીએની તરફેણમાં હશે તો લોકસભાની ચૂંટણી અગાઉ બજારમાં એક તેજીની શક્યતાં છે. ટેકનિકલ એનાલિસ્ટ 19500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવાનું સૂચન કરે છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, ટાઈટન કંપની, ડિવિઝ લેબ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, યૂપીએલ, સન ફાર્મા, તાતા મોટર્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, લાર્સન, એનટીપીસી, એસબીઆઈ, તાતા કન્ઝ્યૂમર, મારુતિ સુઝુકીમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, ફાર્મા, રિઅલ્ટી, મિડિયા સેગમેન્ટમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ આઈટી, એફએમસીજીમાં નરમાઈ જણાતી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.22 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં વેલસ્પન કોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, નાલ્કો, મોઈલ, જિંદાલ સ્ટીલ, સેઈલ, વેદાંતમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા પણ એક ટકાથી વધુ મજબૂતી સૂચવતો હતો અને સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, લ્યુપિન, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, ઝાયડસ લાઈફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એનર્જી પણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મુખ્ય યોગદાન હતું. નિફ્ટી ઓટો અડધા ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, સોના બીએલડબલ્યુ, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, બોશ, બજાજ ઓટો, એમએન્ડએમ, ટીવીએસ મોટરનો સમાવેશ થતો હતો. જોકે, નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી રેડ ઝોનમાં જોવા મળ્યાં હતાં. બેંક નિફ્ટી પોઝીટીવ જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઓબેરોય રિઅલ્ટી 4.3 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ, ઝી એન્ટરટેઈનમેન્ટ, મેક્સ ફાઈનાન્સિયલ, આરબીએલ બેંક, ઓરોબિંદો ફાર્મા, આઈઈએક્સ, એસબીઆઈ લાઈફ, એસ્ટ્રાલ, એચડીએફસી લાઈફ, આલ્કેમ લેબ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ચંબલ ફર્ટિ., લ્યુપિન, હિંદાલ્કો, વોલ્ટાસમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, કોલ ઈન્ડિયા 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઓએનજીસી, સન ટીવી નેટવર્ક, ઈન્ડુસ ટાવર્સ, આરઈસી, વોડાફોન આઈડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈઓસી, કોફોર્જ, પાવર ફાઈનાન્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં રતનઈન્ડિયા એન્ટર, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, કેર્ડિટએક્સેસ, પીસીબીએલ, પ્રિસમ જ્હોનસન, ઓબેરોય રિઅલ્ટી, બાસ્ફ, ફોર્ટિસ હેલ્થ, નારાયણ હ્દ્યાલય, મેક્સ ફાઈ., લેટન્ટ વ્યૂનો સમાવેશ થતો હતો. બીજી બાજુ આલ્કિલ એમાઈન્સે નવું તળિયું બનાવ્યું હતું.

ડેરિવેટિવ્સ ટ્રેડિંગ ભારતનું લાસ વેગાસ બની ગયું છે
મુંબઈ સ્થિત મની મેનેજરના મતે ઓપ્શન ટ્રેડિંગ આજે દેશમાં સૌથી મોટો જુગાર
સેબીના અભ્યાસમાં મુજબ ઓપ્શન ટ્રેડિંગ કરતાં 90 ટકા રિટેલર્સ તેમના નાણા ગુમાવે છે

મુંબઈ સ્થિત મની મેનેજર સિધ્ધાર્થ ભૈયાએ તાજેતરમાં એક ઈન્વેન્ટમાં ડેરિવેટીવ્સ ટ્રેડિંગમાં તેજીએ ઓપ્શન્સ ટ્રેડિંગને ભારતનું લાસ વેગાસ બનાવી દીધું હોવાની ટીપ્પણી કરી હતી. ઈન્ડિયન એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશ્નલ્સ(IAIP), ઈન્ડિયન સોસાયટી ઓફ સીએફએ ઈન્સ્ટીટ્યુટ આયોજિત ઈવેન્ટમાં બોલતાં એક્વિટાસ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીના એમડી અને સીઆઈઓએ જણાવ્યું હતું કે ભારતમાં સ્ટોક એક્સચેન્જિસ ખાતે 90 ટકા વોલ્યુમ ડેરિવેટિવેટીવ્સ પ્રોડક્ટ્સમાં જોવા મળે છે.
તેમણે નોંધ્યું હતું કે સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ટ્રેડ કરતાં 90 ટકા રિટેલ ટ્રેડર્સ નુકસાન કરી રહ્યાં છે. આમ અસરકારક રીતે 80 ટકા લોકો નાણા ગુમાવી રહ્યાં છે. ચોક્કસ 80 ટકા નહિ પરંતુ સંતુલિત રીતે આમ કરી રહ્યો છું. કેમકે કેટલોક વર્ગ ડેરિવેટીવ્સ અને સ્ટોક્સ, બંને કરતો હશે અને તે પણ નાણા ગુમાવતો હશે. હાલમાં ભારતમાં ડેરિવેટીવ્સ ટ્રેડિંગ સૌથી મોટો જુગાર બની ચૂક્યો છે. તેઓ કોઈપણ પ્રકારના ગ્લેમર વિનાના ભારતના લાસવેગાસ બન્યાં છે એમ તેઓ ઉમેરે છે.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાથ ધરેલા એક મહત્વના અભ્યાસમાં જણાયું હતું કે નાણા વર્ષ 2018-19 અને 2021-22 દરમિયાન ઈક્વિટી ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં નોંધણી ધરાવનારા રિટેલ ટ્રેડર્સની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાંથી મોટાભાગના વ્યક્તિગત રોકાણકારોએ ખોટ ભોગવવાની આવી હતી. આ તારણો ફરી એકવાર એ વાતનું મહત્વ દર્શાવી રહ્યાં છે જે ભારતીય બજાર વોચડોગ લાંબા સમયથી કહી રહી છે. સેબીએ અનેકવાર કહ્યું છે કે ડેરિવેટીવ્સ સેગમેન્ટ રિટેલ ટ્રેડર્સ માટે નથી ખાસ કરીને જેઓ આ ઈન્સ્ટ્રુમેન્ટની સાથે સંકળાયેલા જોખમોથી પૂરેપૂરા વાકેફ નથી તેમને આ બાબત ખાસ લાગુ પડે છે.
સેબીના એનાલિસીસ મુજબ 2021-22માં ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટમાં ટ્રેડ કરનારા રિટેલ ટ્રેડર્સની સંખ્યામાં 500 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. 2018-19માં 7.1 લાખ સામે 2021-22માં 45.2 લાખ રજિસ્ટર્ડ રિટેલ ટ્રેડર્સ જોવા મળ્યાં હતાં. વધુમાં ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટમાં ટ્રેડ કરનારા 10 રિટેલ ટ્રેડર્સમાંથી 9એ 2018-19 અને 2021-22માં ચોખ્ખું નુકસાન દર્શાવ્યું હતું. 2021-22માં રિટેલ ટ્રેડરે સરેરાશ રૂ. 50000નું નુકસાન દર્શાવ્યું હતું. નફો દર્શાવનાર ટ્રેડરની સરખામણીમં સરેરાશ નુકસાન 15 ગણું ઊંચું જોવા મળ્યું હતું એમ સેબીના તારણોમાં જોવા મળ્યું હતું. ભૈયા ઉમેરે છે કે ટ્રેડર્સ એક શર્ટ ખરીદીના નિર્ણયમાં લે છે તેના કરતાં ઘણા ઓછા સમયમાં શેર ખરીદીનો નિર્ણય લઈ લે છે. છેલ્લાં કેટલાંક સમયગાળાથી સ્ટોક એક્સચેન્જિસ ખાતે દૈનિક ધોરણે ડેરિવેટીવ્સ એક્સપાયરી દિવસને કારણે સોશ્યલ મિડિયામાં તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. દેશના બે ટોચના એક્સચેન્જિસ વચ્ચે ડેરિવેટીવ્સ વોલ્યુમ્સને લઈ સ્પર્ધા જોવા મળી રહી છે. ફંડ મેનેજરના મતે રિટેલ ટ્રેડર્સ એવું માને છે કે તેઓ તમામ અવરોધોને પાર કરીને ઓપ્શન્સ ટ્રેડિંગમાં નાણા કમાઈ શકે છે. જોકે, માર્કેટ ડેટા આનાથી વિપરીત જોવા મળે છે. રિટેલ ટ્રેડર્સ ઓપ્શન્સ ટ્રેડિંગમાં સતત નાણા ગુમાવી રહ્યાં છે.

CAIએ કોટન ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કર્યો
હરિયાણા ખાતે પિંક બોલવોર્મના ઉપદ્રવને કારણે પાકને ઘટાડી 294.10 લાખ ગાંસડી કરાયો
ગયા વર્ષે 312 લાખ ગાંસડી ઉત્પાદન સામે ચાલુ વર્ષે 18 લાખ ગાંસડી નીચું ઉત્પાદન જોવા મળશે
નવી સિઝનમાં દેશમાંથી 14 લાખ ગાંસડીની નિકાસ જ્યારે 22 લાખ ગાંસડી આયાતનો અંદાજ

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(CAI)એ દેશમાં વર્તમાન સિઝન ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 માટેના કોટન ઉત્પાદન માટેના અંદાજને ઘટાડી 294.10 લાખ ગાંસડી કર્યો છે. અગાઉ તેણે 295.10 લાખ ગાંસડી ઉત્પાદન માટેનો અંદાજ બાંધ્યો હતો. ગઈ સિઝનમાં દેશમાં 311.63 લાખ ગાંસડી કોટન ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે.
ઓક્ટોબર 2023માં કુલ કોટન સપ્લાય 54.74 લાખ ગાંસડી જોવા મળ્યો હતો. જેમાં 24.34 લાખ ગાંસડી નવી સિઝનની આવકોનો સમાવેશ થતો હતો. જ્યારે 1.5 લાખ ગાંસડી આયાતી કોટન પણ સામેલ હતું. જ્યારે ગયા વર્ષના કેરીઓવર સ્ટોક 28.90 લાખ ગાંસડીનો સમાવેશ થતો હતો. સીએઆઈએ નવા વર્ષ માટે દેશમાં કોટન વપરાશના અંદાજને 311 લાખ ગાંસડી પર સ્થિર જાળવ્યો છે. જ્યારે દેશમાંથી 14 લાખ ગાંસડી નિકાસનો તથા 22 લાખ ગાંસડી કોટન આયાત થવાનો અંદાજ બાંધ્યો છે. ગઈ સિઝનમાં દેશમાંથી 16.27 લાખ ગાંસડી કોટનની નિકાસ થઈ હતી. જ્યારે કુલ 12.5 લાખ ગાંસડી કોટન આયાત થયું હતું. ગયા વર્ષે પણ કોટન વપરાશ 311 લાખ ગાંસડી રહ્યો હોવાનો અંદાજ છે.
કોટન એસોસિએશને હરિયાણા ખાતે પિંક બોલવોર્મના ઉપદ્રવને કારણે એક લાખ ગાંસડીના નુકસાનીની શક્યતાં પાછળ તેના અગાઉના ઉત્પાદન અંદાજમાં ઘટાડો કર્યો છે. જીવાતના ઉપદ્રવને કારણે ખેડૂતોએ ખેતરમાંથી કપાસ દૂર કર્યો છે. કમિટિના સભ્યો હવેના મહિનાઓમાં પ્રેસીંગના આંકડા પર ચાંપતી નજર રાખશે. જેથી પાકમાં વધુ ઘટાડાની જરૂરિયાતનો ખ્યાલ આવશે એમ સંસ્થાના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું. એસોસિએશનના રિપોર્ટ મુજબ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને સમાવતાં ઉત્તર ભારતમાં ઉત્પાદન ગયા વર્ષના 41.66 લાખ ગાંસડી સામે 40.66 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. જેમાં ઉપરી રાજસ્થાનમાં ઉત્પાદન સાત લાખ ગાંસડીનો ઘટાડો દર્શાવી રહ્યું છે. જ્યારે પંજાબ, લોઅર રાજસ્થાન અને હરિયાણા ઊંચું ઉત્પાદન સૂચવે છે. મધ્ય ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ઉત્પાદન 175.65 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષે 190.67 લાખ ગાંસડી પર જોવા મળ્યું હતું. આ ત્રણેય રાજ્યોમાં હવામાન પ્રતિકૂળ રહ્યું હોવાના કારણે પાક પર અસર પડી હોવાનું સંસ્થા જણાવે છે. દક્ષિણના રાજ્યોમાં કોટનનું ઉત્પાદન ગયા વર્ષના 72.95 લાખ ગાંસડી સામે ચાલુ વર્ષે 65.60 લાખ ગાંસડી પર જોવા મળી રહ્યું છે. ઉત્પાદનમાં ઘટાડાનું કારણ તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પાકમાં જોવા મળતો ઘટાડો છે. એકમાત્ર તમિલનાડુમાં ઉત્પાદન ગઈ સિઝનના 5.31 લાખ ગાંસડી સામે 6.36 લાખ ગાંસડી પર જોવા મળતું હતું. જ્યારે ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં પણ પાકમાં ઘટાડાનો અંદાજ છે.

ઈન્સોલ્વન્સીના કિસ્સાઓમાં મેન્યૂફેક્ચરિંગ ઉદ્યોગ ટોચ પર, રિઅલ્ટી બીજા ક્રમે
પર્સનલ ગેરંટર પાસેથી રિકવરી રેટ હાલમાં 5.22 ટકા પર જોવા મળે છે જેમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ પછી વૃદ્ધિની ધારણા છે

ચાલુ નાણા વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(CIRP) હેઠળ દાખલ થયેલી 7058 કંપનીઓમાંથી 38 ટકા કંપનીઓ મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાંથી જોવા મળે છે. જ્યારપછીના ક્રમે રિઅલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટર્સનો આવે છે એમ કેરએજનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે. બીજા ક્વાર્ટરમાં ઈન્સોલ્વન્સીના કેસમાં વાર્ષિક ધોરણે 19 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે રેઝોલ્યુશન્સ માટેની સમયમર્યાદામાં વૃદ્ધિ જળવાય હતી એમ રિપોર્ટ સૂચવે છે.
રિપોર્ટ સૂચવે છે કે વિવિધ સેક્ટર્સનો હિસ્સો વર્ષ અગાઉ જોવા મળતાં હિસ્સા જેટલો જ જળવાયો છે. કુલ કેસિસમાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટર 38 ટકા સાથે સૌથી વધુ રેઝોલ્યુશન કેસિસ ધરાવે છે. જ્યારપછીના ક્રમે રિઅલ એસ્ટેટ(21 ટકા), કન્ટ્રક્શન(11 ટકા) અને હોલસેલ અને રિટેલ ટ્રેડ(10 ટકા) જોવા મળે છે. તાજેતરમાં એક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે પર્સનલ ગેરંટર્સના ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પરની આઈબીસી જોગવાઈઓની બંધારણીયતાને માન્ય રાખી હતી. તેણે આ જોગવાઈની કાનૂની માન્યતાને પડકારતી 200થી વધારે અરજીઓને ફગાવી દીધી હતી. આ આદેશ પછી ક્રેડિટર્સ તેના બાકી નીકળતાં ડેટ માટે ગેરંટર્સની અંગત સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. હાલમાં પર્સનલ ગેરંટર્સ પાસેથી રિકવરી રેટ 5.22 ટકા પર જોવા મળે છે. જે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદા પછી વધવાની શક્યતાં છે એમ કેરએજ તેના રિપોર્ટમાં નોંધે છે. રિપોર્ટ મુજબ પર્સનલ ગેરંટર્સના ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશનની 2289 અરજીઓ જોવા મળી છે. જેમાંથી 991 કેસિસમાં રેઝોલ્યુશન પ્રોફેશ્નલ્સની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 282 કેસિસને દાખલ કરવામાં આવ્યાં છે. આમાંથી 90 કેસિસ ક્લોઝ્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે સાતને પરત ખેંચવામાં આવ્યાં છે. જ્યારે 62 કેસિસને નોન-સબમિશન અથવા રિજેક્શન પ્લાન્સ પાછળ ક્લોઝ કરાયાં છે. માત્ર 21 કેસિસમાં રિપેમેન્ટ પ્લાન્સને મંજૂરી આપવામાં આવી છે અને રૂ. 91.27 કરોડ મેળવવામાં આવ્યાં છે. જે મંજૂર થયેલાં દાવાઓના 5.22 ટકા થવા જાય છે.
કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક 19 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જોકે, 2019-20માં મહામારી અગાઉના લેવલ કરતાં ઈન્સોલ્વન્સી પ્રોસેસ માટે દાખલ કરવામાં આવેલા કેસિસની સંખ્યા હજુ પણ નીચી છે એમ રેટિંગ એજન્સીનો રિપોર્ટ સૂચવે છે. રિપોર્ટ મુજબ આઈબીસીએ લોકપ્રિયતા મેળવવાનું ચાલુ રાખ્યું છે. અત્યાર સુધીમાં 7000થી વધુ કંપનીઓ તેમાં દાખલ થઈ છે અને આ કેસિસમાંથી નોંધપાત્ર સંખ્યામાં કેસિસ ફાઈનાન્સિયલ ક્રેડિટર્સ(3141 કેસિસ) તથા ઓપરેશ્નલ ક્રેડિટર્સ(3491 કેસિસ) તરફથી ફાઈલ કરવામાં આવ્યાં છે.
રિપોર્ટ મુજબ હાલમાં ચાલી રહેલા 2000થી વધુ CIRPમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 67 ટકા કેસિસની પ્રક્રિયા પૂરી થવામાં 270 દિવસથી વધુનો વિલંબ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણ સપ્ટેમ્બર 2021માં 73 ટકા પર હતું. જ્યારે સપ્ટેમ્બર 2022માં 63 ટકા પર હતું.

ઓઈલ, યિલ્ડ્સ અને ડોલરમાં ઘટાડો ભારત માટે પોઝીટીવ પરિબળો બની રહેશે
જુલિયસ બેઅર જૂથના એશિયા રિસર્ચ હેડ માર્ક મેથ્યૂઝના મતે ભારતમાં વિદેશી રોકાણકારો પરત ફરશે

ઈમર્જિંગ માર્કેટ નિષ્ણાત માર્કેટ મેથ્યૂઝ અન્ય વિકાસશીલ અર્થતંત્રોમાં ભારતને તેના ટોચના ઈન્વેસ્ટમેન્ટ બેટ તરીકે પસંદ કરી રહ્યાં છે. આ માટે તેઓ યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ, ક્રૂડ ઓઈલ અને ડોલરમાં ઘટાડાને મુખ્ય ત્રણ પરિબળો માની રહ્યાં છે. તેમના મતે આ પરિબળો ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ બાબતો છે. જુલિયસ બેઅર જૂથના એશિયા પરના રિસર્ચ હેડ મેથ્યૂઝના મતે આ ત્રણે બાબતો ભારત માટે ત્રણ ‘હોર્સમેન’ જેવી બની રહેશે અને તેની પાછળ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પરત ફરશે.
તેમના મતે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સ પર ખૂબ મોટી અસર ઊભી કરશે. તેમજ તેના કારણે ઈન્ફ્લેશનમાં ઘટાડો જોવા મળશે. કેમકે દેશ મોટેભાગે ક્રૂડની આયાત પર નિર્ભર છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 27 સપ્ટેમ્બરે 94 ડોલરની સપાટી પરથી 15 ટકા ગગડી 80 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં રિવર્સ ટ્રેન્ડ પણ ભારત માટે ખૂબ ઓછી સ્પર્ધા સૂચવે છે. જે રિઝર્વ બેંક માટે રેટમાં ઘટાડાની મોકળાશ કરી આપે છે. ડોલર ડેટ ઊંચા લેવલે હોવાથી નબળો ડોલર પણ ભારત જેવા ઊભરતાં અર્થતંત્ર માટે પોઝીટીવ બાબત છે. યુએસ ટ્રેઝરી યિલ્ડ્સ નવેમ્બરની શરૂમાં તેણે દર્શાવેલા 5 ટકાથી ઉપરની ટોચ પરથી 70 બેસીસ પોઈન્ટ્સ ગગડી 4.3 ટકા પર જોવા મળી રહ્યાં છે. છ ટોચની કરન્સિઝ સામે યુએસ ડોલરના માપદંડ એવા ડોલર ઈન્ડેક્સમાં 1 ઓક્ટોબરે તેણે દર્શાવેલી 103ની ટોચ પરથી 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ભારતનું બજાર હાલમાં 19ના પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જે લોંગ-ટર્મ એવરેજને ધ્યાનમાં લેતાં આકર્ષક વેલ્યૂએશન છે. મેથ્યૂના મતે યુએસ ફેડ નજીકના સમયગાળામાં રેટમાં ઘટાડો કરે તેવી શક્યતાં નથી અને તે હોકિશ ટોન જાળવી રાખશે. નવેમ્બર બેઠકમાં ફેડ રિઝર્વે તેના રેટને સ્થિર રાખ્યાં હતાં. તેણે સતત બીજી બેઠકમાં રેટમાં ફેરફાર કરવાનું ટાળ્યું હતું.

સોવરિન ગોલ્ડ બોન્ડ્સના શરૂઆતી રોકાણકારોને બમણાથી વધુ રિટર્ન
સોનાના ભાવમાં છેલ્લાં ચાર વર્ષોમાં અવિરત વૃદ્ધિને કારણે ઊંચો લાભ
નવેમ્બર 2015માં પ્રથમ તબક્કાના SGBમાં રોકાણકારોનું રોકણ 30 નવેમ્બરે રિડિમ થશે
રૂ. એક લાખના રોકાણ સામે રૂ. 2.26 લાખ મળ્યાં, ઉપરાંત રૂ. 22000નું ઈન્ટરેસ્ટ મળ્યું

કેન્દ્ર સરકારે નવેમ્બર 2015માં પ્રથમવાર લોંચ કરેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ પ્રથમ તબક્કામાં રોકાણ કરનારાઓને નોંધપાત્ર વળતર છૂટી રહ્યું છે. સરકાર તરફથી નિશ્ચિત વાર્ષિક 2.75 ટકાના ઈન્ટરેસ્ટ ઉપરાંત તેમને સોનાના ભાવમાં વૃદ્ધિને કારણે બમણાથી વધુ લાભ થઈ રહ્યો છે. જેઓએ આઁઠ વર્ષ અગાઉ સરકારી યોજનામાં રોકાણ કર્યું હતું તે 30 નવેમ્બરે પાકી રહ્યું છે.
યોજના હેઠળ આંઠ વર્ષ માટે રોકાણ જાળવવાનું રહેતું હતું. જોકે, પાંચ વર્ષ પછી રોકાણ પાછુ ખેંચવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ગયા મહિને રૂ. 6079 પ્રતિ યુનિટનો રિડીમ ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. જેને ગણનામાં લઈ એ તો નવેમ્બર 2015માં રૂ. 2684 પ્રતિ ગ્રામ પર રોકાણ કરનારને રૂ. 6079 પ્રતિ ગ્રામનો ભાવ મળી રહ્યો છે. જે ઉપરાંત વાર્ષિક ઈન્ટરેસ્ટ રેટ તો અલગ. આમ, રૂ. એક લાખના રોકાણ પર છેલ્લાં રિડિમ પ્રાઈસ પર રૂ. 2.26 લાખ ઉપજી રહ્યાં છે. જ્યારે રોકાણકારોને આ સમયગાળામાં રૂ. 22000નું ઈન્ટરેસ્ટ પણ ચૂકવવામાં આવ્યું છે.
આરબીઆઈ રિડમ્પ્શન દિવસથી અગાઉના ત્રણ દિવસ દરમિયાન ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશના 0.999 શુધ્ધતા ધરાવતાં ગોલ્ડના બંધ ભાવોની સરેરાશને આધારે રિડમ્પ્શન પ્રાઈસ નિર્ધારિત કરે છે. સોમવારે ગોલ્ડના ભાવ સાધારણ ઘટી રૂ. 6088 પ્રતિ ગ્રામ જોવા મળ્યાં હતાં. જે ગયા શુક્રવારે રૂ. 6117 પર જોવા મળ્યાં હોવાનું બુલિયન એસોસિએશન જણાવે છે. ગોલ્ડના ભાવમાં તીવ્ર વૃદ્ધિ પાછળ આરબીઆઈએ એસજીબીના ઈસ્યુને મર્યાદિત બનાવ્યાં હતાં. 2021-22માં 10 વાર ઈસ્યુઅન્સની સામે ગયા વર્ષે માત્ર ચાર વાર એસજીબી ઈસ્યુ કરવામાં આવ્યાં હતાં. ચાલુ નાણા વર્ષમાં આરબીઆઈએ માત્ર બે સોવરિન ગોલ્ડ બોન્ડ ઈસ્યુ કર્યાં છે. જેમાં અનુક્રમે રૂ. 5923 કરોડ અને રૂ,. 5926 કરોડ ઊભાં કર્યાં છે. 2022-23માં જૂનમાં રૂ. 5041 પ્રતિ ગ્રામના ભાવથી લઈ માર્ચમાં રૂ. 5611 પ્રતિ ગ્રામની રેંજમાં એસજીબી ઈસ્યુ કર્યાં હતાં. 2021-22માં 10 એસજીબીની રેંજ મે, 2022માં રૂ. 4777થી માર્ચ 2022માં રૂ. 5109ની રહી હતી. સરકારે 2015માં ગોલ્ડ બોન્ડ પર 2.75 ટકાનું ઈન્ટરેસ્ટ ઓફર કર્યું હતું. જેને પાછળથી થયેલાં બોન્ડ્સ પર ઘટાડી 2.5 ટકા કર્યું હતું.

ડોલર સામે રૂપિયો વધુ 2 પૈસા નરમાઈ સાથે નવા તળિયે
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડા વચ્ચે સ્થાનિક ચલણમાં ડોલર સામે નરમાઈ ચાલુ છે. ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટાડાતરફી જોવા મળી રહ્યાં છે. જોકે, તેમ છતાં મંગળવારે રૂપિયો વધુ 2 પૈસા ગગડી 83.36ના નવા તળિયે ટ્રેડ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સના મતે આયાતકારો તરફથી ડોલરની માગ સતત જળવાયેલી રહી છે અને તેથી સ્થાનિક ચલણ પર દબાણ જોવા મળે છે. સોમવારે 83.34ની સપાટીએ બંધ રહેલો રૂપિયો મંગળવારે 83.36 પર બંધ રહ્યો હતો. અગાઉ 10 નવેમ્બરે તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 83.42ની ઓલ-ટાઈમ લો દર્શાવી હતી. યુએસ ડોલરમાં નરમાઈથી તથા યુએસ બોન્ડ યિલ્ડ્સમાં ઘટાડાથી ભારતીય રૂપિયાને કોઈ લાભ મળી રહ્યો નથી એમ ફોરેક્સ એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે રૂપિયો રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવવાનું જાળવી રાખશે. હાલમાં વર્ષ આખરની ડોલર માગ પાછળ સ્થાનિક ચલણ પર નરમાઈ જળવાશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા પાવરઃ તાતા પાવરની સબસિડિયરી તાતા પાવર રિન્યૂએબલ એનર્જીએ ગ્રૂપ કેપ્ટિવ પ્રોજેક્ટ્સમાં 1.4 ગીગાવોટની ક્ષમતાને પાર કરી લીધી છે. કંપનીએ વિવિધ ઉદ્યોગો સાથે કામ કરીને આ ક્ષમતા મેળવી છે. કંપનીએ છેલ્લાં છ મહિનામાં તાતા સ્ટીલ, તાતા મોટર્સ, મૂકૂંદ, સુપ્રીમ પેટ્રોકેમ, એક્સપ્રો ઈન્ડિયા, નીઓસીમ ઈન્ડસ્ટ્રીઝ, શેલે હોટેલ્સ, સેન્યો સ્પેશ્યલ સ્ટીલ મેન્યૂફેક્ચરિંગ ઈન્ડિયા, આનંદ ગ્રૂપ વગેરે પાસે કેપ્ટિવ પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યાં છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની એન્જીનીયરીંગ કંપનીએ પશ્ચિમ એશિયા ખાતેથી મેગા ઓર્ડર મેળવ્યો છે. કંપનીના હાઈડ્રોકાર્બન બિઝનેસે પશ્ચિમ એશિયા સ્થિત ક્લાયન્ટ પાસેથી આ ઓર્ડર મેળવ્યાની જાહેરાત કરી છે. જોકે તેણે ઓર્ડરને મેગા ગણાવ્યો હતો પરંતુ તેનું ચોક્કસ મૂલ્ય નહોતું દર્શાવ્યું. કંપની માટે રૂ. 10 હજાર કરોડથી રૂ. 15 હજાર કરોડ વચ્ચેનું મૂલ્ય ધરાવતાં પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાવાય છે.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિઝ કંપનીએ ઓસ્ટ્રેલિયાના પ્રાઈમરી સિક્યૂરિટીઝ એક્સચેન્જ એએસએક્સ સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. જે હેઠળ ટીસીએસે ઓસ્ટ્રેલિયન સ્ટોક માર્કેટને ક્લિઅરીંગ અને સેટલમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડવાનું રહેશે. એએસએક્સ આ ટ્રાન્સફોર્મેશનને શક્ય બનાવવા માટે TCS BaNCSને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમલી બનાવશે. એએસએક્સના વર્તમાન પ્લેટફોર્મને ટીસીએસની પ્રોડક્ટ રિપ્લેસ કરશે.
ઈન્ફોસિસઃ અગ્રણી આઈટી સર્વિસિઝ કંપનીએ ચાલુ નાણા વર્ષના બીજા ક્વાર્ટર માટે 80 ટકા વેરિએબલ પે ચૂકવશે તેમ કર્મચારીઓને જણાવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ લેવલ 6 અને તેની નીચેના કર્મચારીઓને સરેરાશ 80 ટકા વેરિએબલ પે ચૂકવવામાં આવશે. એક ઈમેઈલમાં તેણે જણાવ્યું છે કે કંપની નવેમ્બરમાં તમામ યોગ્યતા ધરાવતાં કર્મચારીઓને ત્રિમાસિક પર્ફોર્મન્સ બોનસ પેઆઉટ કરશે.
નિયોજન કેમિકલ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક 9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 161.7 કરોડની આવક દર્શાવી છે. કંપનીનો એબિટા વાર્ષિક 7 ટકા વધી રૂ. 25.9 કરોડ જોવા મળ્યો હતો. જ્યારે નેટ પ્રોફિટ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9.9 કરોડ સામે 20 ટકા ઘટાડે રૂ. 7.9 કરોડ જોવા મળ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 3.17 પર જોવા મળી હતી.
એલએન્ડટીટેક્નોલોજીઃ લાર્સન એન્ડ ટુબ્રો ટેક્નોલોજિ સર્વિસિઝે એનવિડિયા સાથે જનરેટીવ એઆઈનો ઉપયોગ કરી મેડિકલ ઈમેજિંગને વ્યાપક બનાવવા માટે જોડાણ કર્યું છે. આ ભાગીદારી મેડિકલ ડિવાઈસિઝ માટે સોફ્ટવેર-ડિફાઈન્ડ આર્કિટેક્ચર્સ વિકસાવવા માટે કરવામાં આવી છે. જેનો હેતુ પોલિપ્સના ડિટેક્શન અને આઈડેન્ટિફિકેશન માટે મેડિકલ ઈમેજિસની ક્વોલિટીમાં સુધારણાનો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage