બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સે બાજી સંભાળતાં ઘટાડો અલ્પજીવી નીવડ્યો
બેન્ચમાર્ક નિફ્ટી 21 હજાર નીચે જઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 13.75ના સ્તરે બંધ
પીએસઈ, એનર્જી, મેટલ, પીએસયૂ બેંકિંગમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં ઘટેલાં ભાવે ભારે ખરીદી જોવાઈ
હિંદ કોપર, શ્યામ મેટાલિક્સ, મેટ્રોપોલીસ, ઓરોબિંદો નવી ટોચે
પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે
શેરબજારમાં બુધવારે જોવા મળેલો ઘટાડો અલ્પજીવી નીવડ્યો હતો અને ગુરુવારે બજારમાં તેજીવાળાઓનો અંકુશ ફરી સ્થપાયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 359 પોઈન્ટ્સના સુધારે 70865ની સપાટીએ જ્યારે નિફ્ટી50 105 પોઈન્ટ્સની મજબૂતી સાથે 21255ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ઘટેલા ભાવે સારી ખરીદી જળવાતાં માર્કેટ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3896 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2649 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1134 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 155 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 13.75ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ખૂલતામાં ગેપ-ડાઉન શરૂઆત પછી બજારમાં ધીમે-ધીમે ખરીદી પરત ફરી હતી. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 21288ની ટોચ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 121 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21376ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં માત્ર 20 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે ઘટાડે માર્કેટમાં મોટી લોંગ પોઝીશનનો ઉમેરો થયો છે. જે બજારને મજબૂત જાળવી શકે છે. આમ, બજારમાં શોર્ટ પોઝીશન લેવાથી દૂર રહેવું જોઈએ. માર્કેટે 21 હજારનો મજબૂત સપોર્ટ દર્શાવ્યો છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બ્રિટાનિયા, એચડીએફસી બેંક, હિંદાલ્કો, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એપોલો હોસ્પિટલ, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈશર મોટર્સ, એસબીઆઈ, ગ્રાસિમ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા અને યૂપીએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજી, સિપ્લા, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, મારુતુ સુઝુકી, ડો. રેડ્ડીઝ લેબ્સ, એસબીઆઈ લાઈફ અને ઓએનજેસીમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ સેક્ટર પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જેમાં પીએસઈ, એનર્જી, મેટલ, પીએસયૂ બેંકિંગમાં વિશેષ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળી બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઆરસીટીસી, નાલ્કો, એનએમડીસી, એનએચપીસી, સેઈલ, ભેલ, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગેઈલ, ભારત ઈલે., આરઈસી, પાવર ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, એનટીપીસી, કોન્કોરમાં મજબૂતી જોવા મળતી હતી. માત્ર એક ઓએનજીસી નરમાઈ સૂચવતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 1.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, આઈઓસી, એચપીસીએલ, તાતા પાવર, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ગેઈલ અને એનટીપીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, એનએમડીસી, સેઈલ, મોઈલ, વેદાંતા, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક્સ પણ 1.6 ટકા ઉછાળા સાથે બાઉન્સ દર્શાવતો હતો. જેના ઘટકોમાં યૂકો બેંક, જેકે બેંક, પીએનબી, સેન્ટ્રલ બેંક, આઈઓબી, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા પોણો ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા 6 ટકા ઉછળ્યો હતો. જ્યારે લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, બાયોકોન, ઝાયડસ લેબ, આલ્કેમ લેબ, ડિવિઝ લેબ્સ ખરીદી સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ લગભગ એક ટકા પોઝીટીવ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર, ડીએલએફ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસમાં પોઝીટીવ ટોન જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો હિંદ કોપર 11 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મેટ્રોપોલીસ, આઈઆરસીટીસી, નાલ્કો, ઓરોબિંદો ફાર્મા, એનએમડીસી, સેઈલ, ભેલ, ડો. લાલ પેથલેબ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ગ્લેનમાર્ક, વોડાફોન આઈડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડિક્સોન ટેક્નોલોજીસ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પીએનબી, એમસીએક્સ ઈન્ડિયા, આરતી ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, દિપક નાઈટ્રેટ અને એચપીસીએલમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સિટી યુનિયન બેંક, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજી, સિપ્લા, સિન્જિન, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ડાબર ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, મેરિકો, એમએન્ડએમ, બાટા ઈન્ડિયા અને મારુતિ સુઝુકીમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદ કોપર, શ્યામ મેટાલિક્સ, મેટ્રોપોલીસ, ઓરોબિંદો ફાર્મા, સાયન્ટ, જીઈ શીપીંગ, ટોરેન્ટ ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેરનો સમાવેશ થતો હતો. જ્યારે પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે ટ્રેડ થયો હતો.
ઓક્ટોબરમાં FDI ફ્લો 5.9 અબજ ડોલરે 21-મહિનાની ટોચે નોંધાયો
2022માં સમાનગાળામાં માત્ર 1.16 અબજ ડોલરનો એફડીઆઈ ફ્લો જોવા મળ્યો હતો.
ગયા ઓક્ટોબરમાં ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(એફડીઆઈ)માં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 5.9 અબજ ડોલર પર 21-મહિનાની ટોચે નોંધાયો હતો. જો સપ્ટેમ્બર, 2023 સાથે સરખામણી કરીએ તો તેમાં તીવ્ર વૃદ્ધિ જણાતી હતી. સપ્ટેમ્બરમાં એફડીઆઈ ફ્લો માત્ર 1.54 અબજ ડોલર પર રહ્યો હતો. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં તે 1.16 અબજ ડોલર પર જોવા મળ્યો હતો.
ભારતમાં થયેલાં એફડીઆઈ રોકાણમાંથી પરત ખેંચાયેલા નાણા એટલેકે રિપેટ્રેશન મનીની વાત કરીએ તો તે ઓક્ટોબર 2023માં ઘટી 1.1 અબજ ડોલર પર રહ્યાં હતાં. જે સપ્ટેમ્બર 2023માં 3.43 અબજ ડોલર પર જ્યારે ઓક્ટોબર 2022માં 2.93 અબજ ડોલર પર જોવા મળતાં હતાં. ભારતમાં એફડીઆઈ ઈન્વેસ્ટમેન્ટના મુખ્ય સ્રોત દેશોમં મોરેશ્યસ, સિંગાપુર, સાયપ્રસ અને જાપાનનો સમાવેશ થતો હતો. આ ચાર દેશો કુલ એફડીઆઈ ફ્લોનો 80 ટકા હિસ્સો ધરાવતાં હતાં. એફડીઆઈ ફ્લો મુખ્યત્વે મેન્યૂફેક્ચરિંગ, રિટેલ એન્ડ હોલસેલ, ઈલેક્ટ્રિક અને અન્ય એનર્જી સેક્ટર તથા ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરમાં જોવા મળ્યો હતો. આરબીઆઈના નવેમ્બર 2023 માટેના દ્વિમાસિક બુલેટીન મુજબ વૈશ્વિક સ્તરે જોખમ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ભારત જેવું ઈમર્જિંગ અર્થતંત્ર આકર્ષક બની રહ્યું હતું. જોકે, એપ્રિલથી ઓક્ટોબર 2023ની વાત કરીએ તો એફડીઆઈફ ફ્લો ગયા વર્ષે સમાનગાળામાં 20.76 અબજ ડોલર પરથી અડધો ઘટી 10.43 અબજ ડોલર પર જોવા મળ્યો હતો એમ આરબીઆઈ ડેટા સૂચવે છે.
વૈશ્વિક સ્તરે આર્થિક મંદી અને બિઝનેસ કામગીરીમાં ઘટાડાની અસર પ્રત્યક્ષ વિદેશી રોકાણ પર પડી છે. જેમાં દેશની અંદર તથા દેશની બહાર જતાં રોકાણનો સમાવેશ થાય છે. વિકસિત દેશોમાં મંદીનો અર્થ રોકાણની નીચી તકો એમ થતો હોવાનું બેંકર્સ જણાવે છે. નવેમ્બર 2023માં ભારતનું વિદેશમાં એફડીઆઈ કમિટમેન્ટ્સ 19.6 ટકા ગગડી 1.55 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. જે ઓક્ટોબર 2023માં 1.93 અબજ ડોલર પર નોંધાયું હતું.
FDમાં 6-વર્ષના ઊંચા ગ્રોથ પાછળ ક્રેડિટ ગ્રોથ સાથેનો ગેપ ઘટ્યો
વાર્ષિક ધોરણે 13 ટકા ડિપોઝીટ વૃદ્ધિ પાછળ ક્રેડિટ-ડિપોઝીટ ગેપ 7 ટકાથી ઘટી 3 ટકા પર જોવાયો
બેંક ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે 13 ટકાના છ-વર્ષના સૌથી ઊંચી ગ્રોથને કારણે ક્રેડિટ ગ્રોથ સાથેનો ગેપ ઘટ્યો છે. જોકે, આરબીઆઈ તરફથી ટાઈટ લિક્વિડિટી જોતાં વૃદ્ધિ માટે ફંડ્સ મેળવવું લેન્ડર્સ માટે એક પડકાર બની રહ્યું છે એમ જેફરિઝે તેની નોંધમાં જણાવ્યું છે.
છેલ્લાં એક વર્ષમાં ડિપોઝીટ ગ્રોથ 300 બેસીસ પોઈન્ટ્સ વધી વાર્ષિક 13 ટકા પર જોવા મળ્યો છે એમ જણાવતાં જેફરિઝ ઉમેરે છે કે આમ બનવા પાછળનું કારણ જીડીપી વૃદ્ધિ દરમાં સુધારા સાથે ગોલ્ડ અને જમીનને બદલે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સમાં સેવિંગ્ઝનું વધતું વલણ છે. ડિપોઝીટ્સમાં ઊંચા વૃદ્ધિ દરને કારણે બેંકોના ક્રેડિટ અને ડિપોઝીટ ગ્રોથ વચ્ચેનો ગાળો 7 ટકા(700 બેસીસ પોઈન્ટ્સ) પરથી ઘટી 3 ટકા પર જોવા મળ્યો છે. જોકે, હજુ પણ આ ગેપ નેગેટિવ છે અને તેથી બેંક્સ માટે ફંડ્સ મેળવવું એક પડકાર બની રહ્યો છે એમ જેફરીઝનું કહેવું છે.
તાજેતરમાં બેંકર્સ સાથેની મિટિંગમાં તેઓએ લિક્વિડિટીની સમસ્યા થોડી હળવી બની રહ્યાંના નાના સંકેતો મળી રહ્યાં હોવાનું જણાવ્યં હતું. આમ, બેંક્સ રિટેલ ડિપોઝીટ મોબિલાઈઝેશન માટે સતત ભાર મૂકી રહી છે. જે માટે તે ઊંચા રેટ્સ ઓફર કરી રહી છે. લિક્વિડિટી પરના દબાણને હળવું કરવા માટે સરકારી જામીનગીરીઓમાં 20-અબજ ડોલરનો વિદેશી ઈનફ્લો સહાયરૂપ બની શકે છે એમ એનાલિસ્ટ્સ માને છે. આમાં નવા નાણા સાથે ભારતમાં જી-સેક્સમાં આક્રમક રોકાણ કરી રહેલી વિદેશી બેંક્સનો સમાવેશ થાય છે. તેમનું ભારતમાં રોકાણ વાર્ષિક ધોરણે 50 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. જો બેંક્સના એફડી રેટ્સની વાત કરીએ તો નાની બેંક્સ ઊંચા એફડી રેટ્સ ઓફર કરી રહી છે. જ્યારે મોટી બેંક્સ નીચા રેટ્સ ઓફર કરે છે. તેમની વચ્ચે એફડી રેટ્સમાં 0.5 ટકાનો નોંધપાત્ર રેટ ગાળો જોવા મળી રહ્યો છે. જેમકે મોટી બેંક્સ 7-7.2 ટકા રેટ્સ ઓફર કરી રહી છે. જ્યારે બીજી બાજુ, નાની બેંક્સ 7-7.5 ટકાના રેટ્સ ઓફર કરી રહી છે. આમ, મોટી બેંક્સ તેમના કાસા રેશિયોમાં તીવ્ર ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. જે તેમના માટે નીચા ખર્ચનું ફંડ મેળવવા માટેનો મોટો સ્રોત છે. ટર્મ ડિપોઝીટ અને સેવિંગ્ઝ રેટ વચ્ચેનો ગાળો 3.5 ટકા જેટલો છે. આ ઉપરાંત, ટર્મ ડિપોઝીટ રેટ્સ વધવાથી નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ઘટાડો પણ બેંક્સ માટે જોખમી પરિબળ છે. જોકે, બેંક્સ ઓપરેટીંગ ખર્ચમાં નીચી વૃદ્ધિ પાછળ તેને અંકુશમાં જાળવવા માટે વિશ્વસ્ત જણાય છે.
નીચા ભાવોને જોતાં કોટનમાં મિલો માટે સ્ટોક કરવાની સારી તક
હાલમાં રૂ. 54000-55500 પ્રતિ ખાંડીના ત્રણ વર્ષના તળિયાના ભાવો
ભારતીય કોટન વૈશ્વિક બજારની સરખામણીમાં 5 ટકા જેટલું સ્પર્ધાત્મક
કોટનના ભાવ હાલમાં ત્રણ વર્ષના તળિયાના સ્તરે ચાલી રહ્યાં છે. જે મિલ્સ માટે સ્ટોક ઊભો કરવા માટેની સારી તક પૂરી પાડી રહ્યો છે એમ બજાર વર્તુળોનું માનવું છે. જોકે, હાલમાં નાણાભીડ બજારોને કનડી રહી છે. કેમકે મોટા પ્રમાણમાં પૈસા શેરબજારમાં ચાલ્યા ગયાં છે. જે મિલ્સ પાસે નાણા હોય તેઓ વર્તમાન ભાવનો લાભ લઈ સ્ટોક ખરીદી શકે છે. વર્તુળોના મતે આગામી ત્રણેક મહિનામાં ભાવમાં 10-15 ટકા વૃદ્ધિ સંભવ છે. ગુરુવારે ભારતીય બજારમાં ક્વોલિટી મુજબ રૂ. 54000થી લઈ 55,500 પ્રતિ ખાંડીના ભાવ જોવા મળતાં હતાં.
કોટનના ભાવ તળિયા પર હોવાનું તેમજ આગામી સમયગાળામાં તેમાં સુધારાની મજબૂત સંભાવના પાછળ કેટલાંક નક્કર કારણો રહેલાં છે. જેમકે, દક્ષિણના રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ) તરફથી કોટનની ખરીદીને કારણે સ્થાનિક મિલ્સ માટે માલની અછત ઊભી થઈ શકે છે. જે માગ માટે ચાલક બળ બની શકે છે. ચાલુ સિઝનમાં માલ 3.15 કરોડ ગાંસડી આસપાસ જોવાઈ રહ્યો છે. જે ગઈ સિઝન કરતાં સાધારણ નીચો છે. હાલમાં દક્ષિણના રાજ્યોમાં માલની તમામ આવકો સીસીઆઈ ખરીદી રહી છે. કેમકે, ત્યાં ભાવ એમએસપીની નજીક જતાં રહ્યાં છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર માટે ખેડૂતોને નારાજ કરવા પોસાય શકે નહિ અને તેથી સીસીઆઈ જ્યાં પણ ભાવમાં નરમાઈ જોવાશે ત્યાં ખરીદી શરૂ કરશે.
ગુજરાતમાં ખેડૂતોને કપાસ માટે રૂ. 1350-1400 પ્રતિ મણના ભાવ ઉપજી રહ્યાં છે. જોકે, કેટલાંક રાજ્યોમાં માલની ક્વોલિટી ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ભેજવાળા તથા ડેમેજ માલોના ભાવ ટેકાની સપાટીથી નીચે જોવા મળી રહ્યાં છે. જોકે, આ એક ટૂંકાગાળાની સ્થિતિ છે. સારી ક્વોલિટી શરૂ થતાં ભાવ ફરીથી મજબૂતી દર્શાવી શકે છે. વૈશ્વિક બજારની સાથે સરખામણી કરીએ તો ભારતીય કોટનના ભાવ નીચા જોવા મળી રહ્યાં છે. ન્યૂ યોર્ક ફ્યુચરની સરખામણીમાં હાલમાં સ્થાનિક ભાવ સ્પર્ધાત્મક છે. આમ તે વૈશ્વિક માગને આકર્ષી શકે છે. જે ભાવને સપોર્ટ પૂરો પાડશે. જોકે, બીજી બાજુ એ પણ કહેવાનું કે ચાલુ સિઝનમાં હજુ સુધી ખાસ નિકાસ નથી જોવાઈ. તેમજ તે ગયા વર્ષની 15 લાખ ગાંસડી કરતાં પણ નીચી રહેવાની શક્યતાં છે. કેમકે, બાંગ્લાદેશના ખરીદારો પાસે નાણા નથી અને તેમને ફાઈનાન્સની સમસ્યા સતાવી રહી છે. તેઓ હાલમાં દુબઈ મારફતે બ્રાઝિલથી માલ ખરીદી રહ્યાં છે. બ્રાઝિલમાં ચાલુ વર્ષે પાક ઊંચો છે અને તેથી ચીન પણ ત્યાંથી જ ખરીદી કરી રહ્યું છે.
ભારતીય કોટનના ભાવ સ્પર્ધાત્મક હોવાના કારણે સ્થાનિક મિલ્સને તેમની પ્રોડક્ટ્સમાં ફાયદો મળી રહ્યો છે. તેઓ વૈશ્વિક હરિફો કરતાં નીચા ભાવે માલ વેચી શકે છે. કોટલૂક ઈન્ડેક્સની સરખામણીમાં ભારતીય કોટન 6 ટકા જેટલું સસ્તું છે. આમ મિલ્સ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક્તા ધરાવે છે. જે કોટન ઈન્ડસ્ટ્રી માટે પોઝીટીવ પરિબળ છે. નીચી માગ આમ તો મંદીનું પરિબળ છે. હાલમાં મોટાભાગની મિલ્સ ઈન્વેન્ટરીથી નીચે ચાલી રહી છે અને તેથી ભવિષ્યમાં માગ વધતાં ભાવને સપોર્ટ મળી શકે છે. ચાલુ સિઝનમાં દેશમાં કોટનનો સ્ટોક ટાઈટ જોવા મળે છે. જો સીસીઆઈ બજારમાંથી મોટાપાયે ખરીદી કરશે તો સ્થિતિ વધુ સખત બની શકે છે. જે સ્થિતિમાં મુક્ત બજારમાં સ્ટોક ઘટશે અને ભાવને સપોર્ટ મળશે એમ વર્તુળોનું કહેવું છે. ચીન ખાતે સ્થિતિ સુધરી રહી છે અને અનિશ્ચિતતા ઘટી રહી છે. જેને જોતાં કહી શકાય કે કોટનના ભાવ આગામી સમયમાં મજબૂતીની ચાલ દર્શાવી શકે છે.
જોકે, કેટલાંક મંદીને સમર્થન આપતાં પરિબળોમાં જીઓ-પોલિટીકલ જોખમો મુખ્ય છે. ઈઝરાયેલ-હમાસની લડાઈ લંબાશે તો માગ પર અસર પડી શકે છે. વિશ્વભરમાં હાલમાં ટેક્સટાઈલ મિલ્સ નીચો ક્ષમતા વપરાશ દર્શાવી રહી છે. ભારતની વાત કરીએ તો મિલ્સ 70 ટકા પર કામ કરી રહી છે. યુએસ ખાતેથી નીચી નિકાસ કોટનની નબળી માગ સૂચવે છે. તાજેતરમાં ચીન તરફથી ઘણા ઓર્ડર્સ કેન્સલ થયાં છે. જે ચિંતાજનક છે.
સોની-ઝી પાસે ડિલને ક્લોઝ કરવા જાન્યુઆરી સુધીનો સમયગાળો
ગુરુવારથી બંને કંપનીઓ પાસે 10 બિલિયન ડોલરના ડિલ માટે એક મહિના માટેનો ગ્રેસ પિરિયડ રહેશે
સોની ગ્રૂપ કોર્પોરેશન અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ પાસે ગુરુવારથી શરૂ થાય તે રીતે એક મહિનાનો સમયગાળો છે. જે દરમિયાન બંને કંપનીઓ તેમની ભારત સ્થિત કામગીરીને મર્જ કરી શકશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
લગભગ બે વર્ષ પહેલાં બંને કંપનીઓ વચ્ચે સાઈન થયેલા મર્જર પેક્ટમાં 21 ડિસેમ્બર પછી 30-દિવસના ગ્રેસ પિરિયડને ઉમેરવામાં આવ્યો હતો. શરત મુજબ જો બેમાંથી કોઈપણ એક પક્ષ વધુ સમયની માગણી કરે તો આ ગ્રેસ પિરિયડ તેને પ્રાપ્ય બની શકે છે એમ જાણકારોનું કહેવું છે. ઝી તરફથી અગાઉ સોનીની ડિલ માટે સમયમર્યાદા લંબાવવા વિનંતી કરાઈ હતી. હવે આ ગ્રેસ પિરિયડમાં ઝી તરફથી ખૂટતી કડીઓ જોડીને ડિલ પૂરું થાય તે માટે પ્રયાસો કરાશે એમ વર્તુળો ઉમેરે છે. ઝીએ સોની પાસે 17 ડિસેમ્બરે એક ફાઈલીંગમાં નિશ્ચિત સમય મર્યાદા વિના જ ડિલ લંબાવવા જણાવ્યું હતું. સોનીએ મંગળવારે જણાવ્યું હતું કે તે બાકી નીકળતી મહત્વની શરતો પર કામગીરી પૂરી કરવા ઝીના પ્રસ્તાવને ચકાસી રહી છે. ઝીએ એક અન્ય ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે આ મુદ્દે વિશ્વાસપૂર્વકની ચર્ચા-વિચારણામાં પ્રવેશવા ઈચ્છે છે. ગ્રેસ પિરિયડ તેમજ ડેડલાઈનને લંબાવવા માટે મંત્રણાએ બે વર્ષ જૂના ટ્રાન્ઝેક્શનને લઈ આશા જીવંત રાખી છે. ડીલ સાઈન થયાં પછી બે વર્ષોમાં અનેક પ્રકારના ડ્રામા જોવા મળ્યાં છે. અનેકવાર ડીલ પડી ભાંગતું જોવા મળ્યું છે અને બચી ગયું છે. બંને પક્ષો વચ્ચે ઘણા તફાવત જોવા ઊભાં થયાં હતાં અને એવું લાગતું હતું કે ડિલ સંભવ નહિ પડે. જોકે, તેમ છતાં હજુ સુધી બંને પક્ષો ડિલ માટે તૈયાર જણાય છે. ઝી 2021માં નક્કી થયેલા કરાર મુજબ તેના સીઈઓ પુનિત ગોએન્કાને નવી કંપનીના વડાની કામગીરી સોંપવા માગે છે. જ્યારે સોની ગોએન્કા સામે ચાલી રહેલી રેગ્યુલેટરી તપાસને જોતાં આ નિમણૂંકને લઈ ચિંતિત જણાય છે. નવી કંપનીમાં સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા 50.86 ટકા જ્યારે ઝીના પ્રમોટર્સ પાસે માત્ર 3.99 ટકા હિસ્સો હશે. જ્યારે બાકીનો હિસ્સો પબ્લિક શેરધારકો પાસે હશે.
એફપીઆઈની વેચવાલી વચ્ચે ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમજ સ્થાનિક શેરબજારમાં મજબૂતી વચ્ચે ગુરુવારે ડોલર સામે રૂપિયો નરમ પડ્યો હતો. સ્થાનિક ચલણ 9 પૈસા નરમાઈ સાથે 83.27ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે કામકાજની સ્થિર શરૂઆત દર્શાવી હતી. દિવસ દરમિયાન ઉપરમાં 83.18 અને નીચામાં 83.28ની સપાટીએ જોવા મળ્યો હતો. કામકાજની આખરમાં તેની નજીક જ બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવમાં મજબૂતી પાછળ પણ રૂપિયામાં સેન્ટીમેન્ટ નરમ બન્યું હતું. ડોલર ઈન્ડેક્સ 101.62ના છેલ્લાં ઘણા સપ્તાહના તળિયા પર ટ્રેડ થતો જોવા મળતો હતો. છેલ્લાં ત્રણ સત્રોથી વિદેશી રોકાણકારો તરફથી ભારતીય ઈક્વિટીઝમાં વેચવાલીને કારણે પણ ચલણ પર દબાણ જોવા મળ્યું હોવાનું માનવામાં આવે છે. બુધવારે એફપીઆઈએ રૂ. 1322 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જોકે, ચાલુ મહિને તેઓ રૂ. 40 હજાર કરોડથી વધુનું રોકાણ કરી ચૂક્યાં છે.
ડિસેમ્બરમાં 11 કંપનીઓએ રૂ. 8200 કરોડ ઊભા કરી વિક્રમ બનાવ્યો
વર્ષ 1996 પછી કેલેન્ડરના આખરી મહિનામાં આઈપીઓનો ધસારો જોવાયો
ચાલુ ડિસેમ્બર મહિનો આઈપીઓ માટે બીજો સૌથી શ્રેષ્ઠ પુરવાર થઈ રહ્યો છે. અગાઉ ડિસેમ્બર 2021માં તથા ડિસેમ્બર 1996માં બજારમાં 11-11 આઈપીઓ પ્રવેશ્યાં હતાં. ચાલુ મહિને 11 કંપનીઓ બજારમાંથી રૂ. 8200 કરોડ એકત્ર કરી રહી છે. અગાઉ ડિસેમ્બર-2021માં 11 કંપનીઓએ રૂ. 9534 કરોડ ઊભાં કર્યાં હતાં. જ્યારે ડિસેમ્બર 1996માં પણ 11-આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં હતાં.
બુધવાર સુધીમાં છ કંપનીઓ બજારમાં પ્રવેશ ચૂકી છે. જ્યારે બે કંપનીઓ બુધવારે લિસ્ટ થઈ હતી. જેમાં સ્ટેશ્નરી પ્રોડક્ટ્સ ઉત્પાદક ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ તથા હોમ ફાઈનાન્સર ઈન્ડિયા શેલ્ડર ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 69 ટકા પ્રિમીયમ સાથે રૂ. 1331 પર લિસ્ટ થયો હતો. જ્યારે ઈન્ડિયાશેલ્ટરનો શેર 10.2 ટકા પ્રિમીયમ સાથએ રૂ. 544 પર લિસ્ટ થયો હતો. વધુ પાંચ આઈપીઓ બજારમાં પ્રવેશી ચૂક્યાં છે. જેમનું લિસ્ટીંગ વર્ષ પૂરું થાય તે પહેલાં થઈ જશે. ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં માર્કેટમાં કોઈ આઈપીઓ નહોતાં. જેનું કારણ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી તથા યુએસ ફેડ રિઝર્વની બેઠકને લઈ ચિંતા હતું. જોકે, ફેડ તરફથી રેટમાં ઘટાડાનો સંકેત અપાતાં શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. જેની પાછળ જે કંપનીઓ આઈપીઓ માટે યોગ્ય સમયની રાહ જોઈને બેઠી હતી તેમણે પ્રવેશ કર્યો હતો.
ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સના મતે ઘણી કંપનીઓ ચાલુ મહિને અથવા આગામી મહિને બજારમાં પ્રવેશવા માટે વાટ જોઈ રહી હતી. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક ઈન્ડેકસ 6 ટકા જેટલો ઉછળ્યો છે. જે ડિસેમ્બર 2020 પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો છે. ચાલુ મહિને બજારમાં પ્રવેશેલા આઈપીઓમાં કેટલાંક આઈપીઓમાં પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ તથા પ્રમોટર્સ તેમનો હિસ્સો વેચી રહ્યાં છે. ચાલુ મહિને આઈનોક્સ સીવીએ સૌથી મોટો આઈપીઓ હતો. આગામી મહિના માટે પણ આઈપીઓની પાઈપલાઈન મજબૂત હોવાનું બેન્કર્સ ઉમેરે છે. તેમના મતે જાન્યુઆરીમાં બજારમાં લગભગ 12 જેટલા આઈપીઓ પ્રવેશશે. જેને જોતાં, માર્કેટમાં ધમધમાટ ચાલુ રહેશે.
એલઆઈસીને 25 ટકા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ માટે 10-વર્ષની મુદત
જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપનીએ 25 ટકાથી નીચા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમ માટે વન-ટાઈમ એક્ઝેમ્પ્શન મેળવ્યં છે. તેણે 10-વર્ષોની મુદત માટે આ એક્ઝેમ્પ્શન મેળવ્યું છે. તેણે મે 2032 સુધીમાં સેબીની લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગની શરતનું પાલન કરવાનું રહેશે. સેબીના નિયમ મુજબ રૂ. 1 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીએ તેના લિસ્ટીંગના પાંચ વર્ષોમાં ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ પર પહોંચવાનું રહે છે. એલઆઈસી 17 મે, 2022ના રોજ શેરબજાર પર લિસ્ટ થઈ હતી. આમ તેણે મે 2027 સુધીમાં 25 ટકા શેરહોલ્ડિંગ કરવું પડે. જોકે, સેબીએ તેને મે 2032 સુધી 10-વર્ષો માટે એક્સટેન્શન આપ્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડસઈન્ડ બેંકઃ ટોચની પ્રાઈવેટ બેંકે એસેટ મેનેજમેન્ટ કંપની નિપ્પોન એમએફમાં 2.86 ટકા ઈક્વિટી હિસ્સાનું વેચાણ કર્યું છે. કંપનીએ બુધવારે રૂ. 445.35 પ્રતિ શેરના ભાવે બ્લોક ડિલ્સમાં તેનો હિસ્સો વેચ્યો હતો. તેણે કુલ 1.79 કરોડ શેર્સ વેચ્યાં હતાં. શેર હિસ્સા વેચાણમાંથી બેંકે રૂ. 795 કરોડ ઊભાં કર્યાં હતાં. નિપ્પોનના શેર ખરીદવાનાઓમાં એસબીઆઈ મ્યુચ્યુલ ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એમએફનો સમાવેશ થતો હતો.
સેટન ક્રેડિટકેરઃ માઈક્રોફાઈનાન્સ કંપનનીએ મોર્ગન સ્ટેનલી એશિયા તરફથી રૂ. 250 કરોડ ઊભાં કર્યાં છે. અન્ય રોકાણકારોએ પણ કંપનીને ફંડ પૂરું પાડ્યું છે. કંપનીના ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ સૌથી મોટી ભાગીદાર બની હકી. આ ઉપરાંત સોસાયટી જનરાલી, બંધન મ્યુચ્યુલ ફંડ અને બજાજ આલિઆન્ઝે પણ ભાગ લીધો હતો.
બંધન બેંકઃ પ્રાઈવેટ બેંકના બોર્ડે રૂ. 776 કરોડની બેડ લોન્સનો એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને ટ્રાન્સફર કરવાને મંજૂરી આપી છે. બેંકે 180 દિવસોથી વધુ સમયથી આઉટસ્ટેન્ડિંગ લોન્સને એઆરસીને વેચવાનો નિર્ણય કર્યો છે. લેન્ડરે આ માટે રૂ. 280.39 કરોડનું બાઈન્ડિંગ બીડ મેળવ્યું છે. જે તેના ઉપરોક્ત એનપીએ પોર્ટફોલિયોની બાકી નીકળતી રકમની 36.15 ટકા જેટલી રકમ સૂચવે છે. કંપની સ્વીસ ચેલેન્જ મેથડ અપનાવી છે.
ઈન્ફોસિસઃ અગ્રણી આઈટી કંપની એલકેક્યૂ યુરોપ સાથે પાંચ વર્ષના કોન્ટ્રેક્ટ માટે પ્રવેશી છે. જે હેઠળ તે એલકેક્યૂની બિઝનેસ પ્રોસેસિસ અને સિસ્ટમ્સને ઈન્ટિગ્રેટ કરશે તેમજ તેને સ્ટાન્ડર્ડાઈઝ કરશે. એલકેક્યૂ યુરોપ એ સ્વીટર્લેન્ડ સ્થિત એલકેક્યૂ કોર્પોરેશનની સબસિડિયરી છે. તે કાર્સ, કમર્સિયલ વેન્સ અને ઈન્ડસ્ટ્રીઝઅલ વેહીકલ્સ માટે આફ્ટરમાર્કેટ પાર્ટ્સની અગ્રણી ડિસ્ટ્રીબ્યુટર છે. તે 26 હજાર કર્મચારી ધરાવે છે.
ટેલિકોમ ઓપરેટર્સઃ ટ્રાઈના ડેટા મુજબ રિલાયન્સ જીઓએ તેની પોઝીશન મજબૂત બનાવી છે. તેણે બીએસએનએલના ભોગે નવા ગ્રાહકો મેળવ્યાં છે. સપ્ટેમ્બરમાં રિલાયન્સે 39 લાખ યુઝર્સ મેળવ્યાં હતાં. જ્યારે વોડાફોને 23.3 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યમાં 13.2 લાખની વૃદ્ધિ જોવા મળી હતી.